ગ્રહણ પ્રકરણ ૩ Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રહણ પ્રકરણ ૩

“ગ્રહણ”

(પ્રકરણ=૩)

“એટલે જ મોમ, મેં એક નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી પ્રભાત અમારા સંબંધનો સ્વીકાર એના પૅરેન્ટ પાસે ન કરે અથવા કરી જ ન શકે તો હમેંશ માટે એનાથી દૂર થઈને અહીં તારી પાસે જ રહીશ.” પિતાની છબિ સામે જોતાં અને પોતાના દ્ર્ઢ આત્મવિશ્વાસને આત્મસાત કરતાં નીશા વટભેર બોલી.

“જે વ્યક્તિ લાગણીને બીજા સમક્ષ સ્વીકાર કરવાની હિંમત પણ દાખવી ન શકે તે મારી નજરમાં કાયર છે કાયર....” ધરતીના ખોળામાં માથું ઢાળતાં નીશા બોલી, “અને આવી કાયર વ્યક્તિ માટે હું મારું જીવન તો વેડફી ન જ શકું.”

$$$........કાન્હાને માખણ ભાવે રે........$$$

“નીશા બેટા, તમારા ફોનની રીંગ વાગેછે.”

“એ.. આવી... માસીબા...” નીશા ફોન લેવા ગઈ પણ ધરતીને વિચારોમાં ખૂંપાવી ગઈ.

નીશા દ્વારા બોલાયેલા મક્કમતાસભર વાક્યોએ ધરતીને વિચારોના ઊંડા મહાસાગરમાં ગરકાવ કરી દીધી. “કાયર!!!..... કાયર!!!....” આ શબ્દો ધરતીના કાનમાં વારંવાર અફળાવા લાગ્યા. એની છાતીમાં કશુંક ચુંથાવા લાગ્યું. એણે બંને કાન ઉપર પોતાની હથેળી દબાવી દીધી અને છલકાતી આંખોને મીંચી દીધી તે સાથે ફરી એકવાર એની નજર સામે એનો ભૂતકાળ તકલીફો, પરેશાનીઓ અને પીડાની આગ ઓકતો નાચવા લાગ્યો.

************************************

ધરતી,

મને માફ કરી દે. હું આપણાં સંબંધમાં હવે આગળ વધી શકું એમ નથી. કદાચ તારી સાથે ઘટેલ કમનસીબ ઘટનાને હું પચાવી પણ લેત, પણ.... એના પરિણામ સ્વરૂપ આ બાળક... ના... ના.... આ તો પાપની નિશાની કહેવાય એને તો હું મારું નામ આપી જ ન શકું. માટે.... આપણાં સંબંધનો વિચ્છેદ કરીને હું હમેંશા હમેંશાને માટે યુ.એસ. જઈ રહ્યો છું. તને જ્યારે આ પત્ર મળશે ત્યારે તો હું આ ‘ધરતી’થી ઘણો દૂર નીકળી ગયો હોઈશ. તને રૂબરૂ મળવાની હિંમત તો ન કરી શક્યો એટલે આ પત્ર દ્વારા તને રિક્વેસ્ટ કરુંછું કે, મને ભૂલી જજે.

તારો તો ન કહેવાય માટે, ફક્ત

આકાશ

પત્રમાં લખાયેલા એક-એક અક્ષર ધરતીનાં હ્રદયમાં હજાર-હજાર છેદ પાડી રહ્યાં હતાં. એને વિશ્વાસ જ નહોતો બેસતો કે, જેની સાથે પોતાના તન અને મનનું સંધાણ કર્યુ હતું એ જ વ્યક્તિ પોતાને તકલીફોના એંધાણ વચ્ચે આમ સાવ એકલી-અટૂલી મૂકીને ભાગી છૂટ્યો હતો.

“કાયર!!!....” ધરતીના મનોમસ્તિષ્કમાં આકાશની છબિ એક ‘કાયર’ તરીકેની જડાઈ ગઈ હતી. ધરતીએ પોતાના તન અને મન પર થયેલા કારમા આઘાતની વેદનામાંથી પોતાની જાતને બહાર લાવવાની પૂરેપૂરી કોશિશ કરી પણ... ઉદરમાં રોપાવેલું એ બીજ!!!!.... બસ એ જ ચિંતા એને અને એના માતા-પિતાને કોરી દિવસઅને રાત કોરી ખાતી હતી.

એવુંય નહોતું કે, પોતે આ પાપને નષ્ટ કરવાના એણે પ્રયત્નો નહોતા કર્યા, અરે!! પોતાના જીવ આપવા સુધી પહોંચી ગઈ હતી પણ.... બધું જ વિફળ. અને એક દિવસ...... તક્લીફોના ઊંડા અને શાંત પાણીમાં ધરતીના માતા-પિતાના વાક્યોએ જાણે કાંકરીચાળો કર્યો....

“જો બેટા, અમે તારી તકલીફને સમજીએ છીએ. એ કમનસીબ ઘટનાની કડવી યાદ અને આકાશ તરફથી મળેલો તિરસ્કાર કાંઈ એમ ભૂલી તો નહીં જ શકાય ક્ષિતિજ ખરેખર સારો છોકરો છે. તારી હાલતથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં પણ સામે ચાલીને તારો હાથ માંગવા આવ્યો છે. દીકરા, અમે તો માનીએ છીએ કે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય.” ધરતીને સમજાવવાના ભરપૂર પ્રયત્ન કરતાં એના પિતાજી બોલ્યા.

“તમારી બધી વાત સાચી, પણ જેને હું બરાબર ઓળખતી પણ નથી તેની સાથે આખી જિંદગી.......”

“હવે રે’વા દેને દીકરા... તું જેને બરાબર ઓળખતી હતી તેણે શું કર્યુ તારી સાથે...???” ધરતીની માતા પોતાનો રોષ ખાળી ન શકી.

“ઠીક છે... હવે ગઈ ગુજરી ભૂલી જાઓ અને ધરતી બેટા, ક્ષિતિજ અને તારી જિંદગી એક-બીજા સાથે જોડાય એ વાત તો ખુદ કુદરતે જ નિશ્ચિત કરી છે કારણકે, આકાશ અને ધરતીનું મિલન થવું ક્યારેય શક્ય જ નથી ફક્ત ક્ષિતિજ આગળ જ એવો ભાસ થાય છે. પરંતુ... હકીકતમાં ધરતી અને ક્ષિતિજનું મિલન થતાં જ આ ભાસ ઊભો થાય છે. ખાતરી રાખ બેટા, ક્ષિતિજ ભલે અનાથ હોય પણ તારી જ કૉલેજમાં ભણતો અને ઉત્તરોત્તર સ્કોલરશીપ મેળવીને આપબળે આગળ ધપતો તેજસ્વી તારલો છે. સ્વભાવે શાંત, મિતભાષી અને સરળ વ્યક્તિત્વ ધરાવતો મહેનતુ છોકરો છે અને તારું ભવિષ્ય એના હાથમાં સદા સુરક્ષિત રહેશે એનો અમને પૂરેપૂરો ભરોસો છે.” ધરતીના પિતાએ વકીલની અદાએ ક્ષિતિજની તરફેણમાં ધારદાર દલીલો કરતાં કહ્યું.

અને અંતે......... માતાના દબાણ, પોતાની શારીરિક હાલત, સમાજના દ્રષ્ટિકોણનો વિચાર, આવનાર બાળક અંગે ચિંતા... જેવી તમામ બાબતો પર ઊંડો વિચાર કર્યા બાદ ધરતીએ ક્ષિતિજ સાથેના સંબંધને અપનાવીને પ્રભુતામાં પગલાં પાડ્યા.

સુહાગની સજાવાયેલી સેજ પર ગુલાબના ખુશ્બુદાર ફૂલોની વચ્ચે લાલચટ્ટક બાંધણીની સાડી, આછા શણગાર, ભીની આંખો, રડી રડીને રતુંબડું થયેલ નાક, ફફડતાં હોઠ અને સહેજ ઉપસેલા પેટ... સાથે ધરતી આગળની પળે તેની સાથે શું થશે એની અટકળો કરતી પગથી ચાદરને ખોતરતી બેઠી રહી.

એનું હૈયું ધડક-ધડક થઈ રહ્યું હતું. આકાશ સિવાય ક્યારેય કોઈની કલ્પનાએ કરી નહોતી પણ... એના પર થયેલ બળાત્કારે એનું આખું જીવન રફેદફે કરી નાખ્યું હતું. ફરી પાછી એ ઘટનાની યાદ આવવાથી એનાથી અનાયાસે પોતાના પેટ ઉપર હાથ મૂકાઈ ગયો. એ સાથે એને આકાશની પણ યાદ આવી ગઈ. એના હ્રદયનો એક ખૂણો આજે પણ આકાશને ઝંખતો હતો. એના હૈયે ટીસ ઉઠી એટલે ક્ષિતિજની હાજરીની પરવા કર્યા વગર જ ધરતી પોતાના બંને હાથ વડે માથું ગોઠણમાં છુપાવીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી. પરિસ્થિતિને પારખી જતાં ક્ષિતિજે હળવો ખોંખારો ખાઈ ધરતીને સંબોધીને કહેવા માંડ્યું,

“જુઓ, મેં તમારી સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા છે એટલે આજથી તમારા તન અને મન બંને પર મારો સંપૂર્ણ અધિકાર કહેવાય એ વાત સાચી પણ.... તમારી શારીરિક અને માનસિક હાલતથી હું બરાબર વાકેફ છું માટે તમને વચન આપુંછું કે, સામાજિક દ્રષ્ટિએ આજીવન તમે મારી પત્નિ કહેવાશો અને હું તમારા આવનાર બાળકનો પિતા. તે સિવાય તમારા શરીર કે હ્રદય ઉપર અધિકાર જતાવવાનો મારા દ્રારા કયારેય પ્રયત્ન નહીં થાય એની છાતી ઠોકીને ખાતરી આપુંછું.” ક્ષિતિજ કાંપતા સ્વરે અને ભીષ્મ પ્રતિજ્ઞા લેવાની અદાએ બોલી ગયો.

ક્ષિતિજના શબ્દોએ જાણે ધરતીના હ્રદયના થડકારને પળવાર માટે થંભાવી દીધા. હિબકા ખાતી ધરતીએ શૂન્યમનશ્યક બનીને ક્ષિતિજની સામે જોયું. ઊંચો સપ્રમાણ દેહ, ગૌરવર્ણ, પાતળી મૂછો, ભાવવાહી ડાર્ક બ્લેક આંખો, ગાલમાં પડતું ખંજન, લાગણીશીલ અવાજ અને મુખપરનું તેજ.... ધરતી અપલક નયને ક્ષિતિજને તાકતી રહી.

“તમે શાંતિથી અને સલામતીથી આ રૂમમાં રહો. હું મારી વ્યવસ્થા બહાર હૉલમાં કરી લઈશ.” અનિમેષ નજરે તાકી રહેલી ધરતીને જોતાં ક્ષિતિજ બોલ્યો અને રૂમમાંથી સડસડાટ બહાર નીકળી ગયો. ધરતી એને આભારવશ થઈને જતાં જોઈ રહી.

“ભગવાન.....” આ શબ્દ ક્ષિતિજ માટે ધરતીના હૈયે કોતરાઈ ગયો હતો. આકાશની “કાયર” અને ક્ષિતિજની “ભગવાન” રૂપી છબિ એના આંતરમનમાં જડબેસલાક રીતે ગોઠવાઈ ગઈ હતી. ધરતી પોતાની જાતને ક્ષિતિજના જીવનમાં ગોઠવવાનો પ્રયત્ન પણ કરવા લાગી હતી. પરંતુ... ક્ષિતિજે ક્યારેય પોતાનું વચન ઉથાપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નહોતો. અને...... આમ જ દિવસો, મહિનાઓ બનીને પાણીના રેલાની માફક પસાર થવા લાગ્યા.

અને... એક દિવસ ટૂંકા સમયના ગાળામાં કાળા ભમ્મર વાળ, ગૌર ત્વચા, લાંબી પાતળી આંગળીઓ, હેઝલ બ્રાઉન આંખો અને ગાલમાં ખંજન સાથે પારકાંને પણ પરાણે વ્હાલી લાગે એવી રૂપકડી નીશાનું ધરતી અને ક્ષિતિજના આંગણે આગમન થયું.

એક સમયે જ્યારે જેને પાપની નિશાની માનીને એની ભ્રૂણ હત્યા સુધી પહોંચી ગયેલી ધરતીનું હૈયું આજે એના આવવાથી ખુશીઓના હિલોળે ચડી ગયું હતું અને ક્ષિતિજે પણ આપેલ વચન મુજબ નીશાને પોતાનું જ સંતાન ગણીને એના લાલન-પાલનમાં જરાયે કચાશ આવવા દીધી નહોતી. પણ....

(ક્રમશ:)

**********************************************************************