સફેદ ચાદર Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ ચાદર

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : સફેદ ચાદર

શબ્દો : 1103

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

સફેદ ચાદર


ખુશનુમા સાંજ હતી. અગાશીમાં ખુરશી નાંખી હું બેઠો હતો, વિચારોમાં અટવાતો, મૂંઝાતો, અકળાતો, તડપતો, તલસતો, હું બેચેન હતો.... અનહદ. મારી વાર્તા અટકી ગઈ હતી, આગળ ચાલતી જ નહોતી. નાયક નાયિકા એક એવા મોડ પર આવીને ઊભા રહી ગયાં હતાં કે હવે કઈ બાજુ આગળ વધવુ તેની જ ખબર નહોતી પડતી. શબ્દો ખૂટ્યાં હતાં, સંવાદો અટક્યાં હતાં, કથાવસ્તુ આગળ ચાલતી જ નહોતી.... ત્યાં જ...


એ આવી.. લાલ વસ્ત્રોમાં શોભતી. હાથમાં લાલ કંગનનો રણકાર, પગમાં પાયલનો ઝણકાર, ને અંગુલિ પર મંગળ શોભાવતી તે આવી. લટકતી, મટકતી, લચકતી, મચકાતી કોણ હતી એ ? ક્યાંથી આવી છે ? ક્યાં જવાની છે ? શા માટે આવી છે ? પ્રશ્નો મારાં ગળામાં અટવાઈ ગયાં અને હું નિરખી રહ્યો તેને.
તે આવી, બેસી ગઈ મારી પાસે જ. મેં તેને બરાબર નીરખી, મને થયું હા! આને જ તો મેં જોઈ છે, જોઉં છું, જોતો રહ્યો છું હરહંમેશ. ક્યાં, ક્યારે, કઈ રીતે, તેની તો મને પણ ખબર નથી

.
મેં એને પૂછ્યું : ' એય, કોણ છે તું ? '

'
હું ? હું તારી અભિલાષા' મને સામે જવાબ મળ્યો.


અને અચાનક જ મારી અધૂરી રહેલી વાર્તા આગળ ચાલવા લાગી, જાણે કે વહેવા માટે મારી હાથમાં રહેલી પેનને વેગ મળ્યો. થોડીવારે હું અટક્યો, મને શુંય સૂઝ્યું કે એજ પેન વડે એની બંગડીઓનો મધુર એવો રણકાર લખ્યો, એને માણ્યો અને ફરી પાછો લખવામાં પરોવાઈ ગયો. લખતાં લખતાં મારાથી બોલી દેવાયું કે, 'તારા કંગનનો રણકાર આહલાદક છે.' તે હસી.... મીઠું .... મધુરું....


ફરી હું અટક્યો, બોલ્યો, મારાથી બોલી જવાયું, ' તારા પાયલનો ઝણકાર મને બહુ ગમે છે' એણે સ્મિત કર્યું - માદક અને મુગ્ધ, નયનરમ્ય.


મેં એને એમ પણ કહ્યું : 'તારું સ્મિત સુંદર છે, તારી નિર્દોષતા મને ગમે છે.' વળી પાછી એ હસી. આ વખતે તેનું સ્મિત મને મનમોહક લાગ્યું.


હાથમાં સાળુનો છેડો ફરફરાવતી ને હાથ પર વારંવાર તેને વીંટતા વીંટતા ફરી તે હસી ઊઠી.'
મારાં આંસુને લૂછવા તારા સાળુનો પાલવ મને આપીશ ? ' મેં પૂછ્યું, અને એણે સુંદર સ્મિત સાથે મારા હાથમાં તેની સાડીનો પાલવ પકડાવ્યો. ધીરે રહી ને તે ઊભી થઈ, મારી નજીક આવી, મારો હાથ તેનાં નાજુક હાથોમાં લઈને ફરી તે બેસી ગઈ. ક્યાંય સુધી તે બસ એમજ બેસી રહી... એમ જ.... અવિરત....


થોડીવારે મારો હાથ એણે હળવેક રહીને નીચે મૂક્યો અને પછી ઊભી થઈ. ફરી તે નજીક આવી, મારી આંખોમાં એની મારકણી આંખો પરોવીને ફરી તે હસી ઉઠી.. ભોળાભાવે. તે મૌન રહી જાણે કે મને પ્રેરણા આપી રહી હતી.
મેં પૂછ્યું, ' તું શા માટે આવે છે ? '


તેણે વળતો જવાબ આપતાં કહ્યું: 'મને ગમે છે આવવું.'


પછી તો તે દરરોજ આવવા લાગી, ક્યારેક તે પૂનમનાં ચંદ્રનું રૂપ લઈને મારી પાસે આવતી અને મારી સુષુપ્ત શક્તિઓ જાગૃત થઈ ઉઠતી.


ક્યારેક અમાસનો અંધકાર ઓઢીને તે આવતી... અને મારી વાર્તા ને ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયેલી હું અનુભવતો.


ક્યારેક તો ઓચિંતી જ છાનીમાની આવીને તે મારી ખુરશીની પાછળ સંતાઈ જતી અને મારી આંખો એની નાજુક લાંબી આંગળીઓ વડે ઉષ્માપૂર્વક દાબી દેતી. હું પ્રેમથી તેનો હાથ મારી આંખો પરથી દૂર કરતાં તેને કહેતો કે, 'હું જાણું છું તું કોણ છે'. અને તે ગાલમાં ખંજન પડી જાય એવું ખિલખિલાટ હસતી, અને મારા ખોળામાં આવીને પ્રેમથી બેસી જતી. ક્યારેક તો વળી મારા હાથમાંથી પેન ખૂંચવી લઈ તે મારી સામે ટગરટગર જોયા જ કરતી. તે કહેતી : 'મને તમારી પાસે બેસી રહેવું બહુ ગમે છે, તમને ડિસ્ટર્બ કરવામાં મને અતિ ઘણો આનંદ આવે છે.' તેની આ નિખાલસાતાનો મને મનોમન ગર્વ થતો.


અને મારી વાર્તા આગળ ચાલી. ઘણાં દિવસોની રિસાયેલી નાયિકા અચાનક જ એક દિવસ નાયકને કહે છે,: ' ચાલોને આપણે બહાર ફરવા જઈએ.'


નાયિકાનાં રિસામણાંથી વ્યથિત એવો નાયક અચાનક જ આ પરિવર્તન નિહાળીને હૈયે રાહતનો અનુભવ કરે છે, અને બંન્ને જણાં પાછાં હસી - ખુશીથી, આનંદ - પ્રમોદથી જીવવા લાગે છે. મારી વાર્તાને એક નવો જ વળાંક મળવાથી હું પણ ખુશ હતો, બેહદ ખુશ - વાર્તામાંનાં નાયકની જેમ.


એકવાર તે આવી, આસમાની ઓઢણી ઓઢીને આવી, અચાનક હું હલબલી ગયો, વાર્તાની નાયિકા મારી ધારણા બહારજ અચાનક કૃશ થતી ચાલી, હું બેચેન બન્યો, મૂંઝાયો, મારી વાર્તા અટકી પડી, પ્રકાશકને હવે હું શું જવાબ આપીશ ?


હું તેનાં ઘરે દોડી ગયો, કાળી ચાદર ઓઢી, વ્યથિત બનીને તે પથારીમાં પડી હતી. નરમ, દર્દીલા સ્મિતે તેણે મને આવકાર આપ્યો. તે આનંદી ઊઠી મારા આગમને, મેં પ્રેમથી તેનાં માથે હાથ પસવાર્યો, તેનું શરીર અનહદ ધીખતું હતું, ઈશ્વરને મનોમન મેં પ્રાર્થના કરી - તેનાં સ્વાસ્થ્ય માટે, અને હું ત્યાથી ઊભો થઈ ચાલી નિકળ્યો, વ્યથિત હૈયે, ભારે પગલે.... હવે ? હવે મારી વાર્તાનું શું થશે ? ઉત્તર શોધવા મથું પણ કોઈ તાળો મળતો નહોતો.


થોડા દિવસ બાદ તે આવી, સફેદ ઓઢણી ઓઢીને, મારી વાર્તા અંત તરફ પ્રયાણ કરી જ રહી હતી અને ત્યાં જ,
તેણે આવીને તેનાં સાળુનો પાલવ પોતાનાં ચહેરા પર ઢાંકી દીધો, મેં તેની આરપાર દ્રષ્ટિ કરી, તેનો ચહેરો, તેની છાયા આભાસી લાગતી હતી. મેં એકદમ જ તેનાં મુખ પરથી પાલવ હટાવી લીધો, અને તે હસી પડી ખિલખિલાટ, તેનું હાસ્ય મને વેધક લાગ્યું, હું તડપ્યો. શું નાયિકા આમ જ હસતાં હસતાં....


આમ ને આમ મારી વાર્તા પૂરી થઈ, અને તે ઉત્કૃષ્ટ સાબિત થઈ, ગુજરાતી સાહિત્યે તેને પ્રેમથી વધાવી, અને મને એવૉર્ડ આપવાનો ઠરાવ પસાર કર્યો, હું ખુશ હતો, બેહદ ખુશ હતો. આ એવૉર્ડ ખરું જોતાં તેને મળવો જોઈએ, મેં ઈચ્છ્યું, એ તેને આપી દેવા. તે હશે તો જ આવું બીજું કંઈક હું લખી શકીશ, મારી પ્રેરણા, મારું અંતરમન તો તે જ છે હા તે જ....


હા, ભર્યા સમારંભમાં હું તેને સ્ટેજ પર બોલાવીશ. મને જે માન મળવાનું છે તે હું તેને આપીશ. તેની ખરી અધિકારી તે છે.... હા તે જ, એમ હું સૌને જણાવીશ.


અને આમ જ એ દિવસપણ આવી પહોંચ્યો, હું બેચેન હતો તેને મળવા, તેને અભિનંદવા, તેને સાથે લઈ જવા, પરંતુ તે ન આવી તે ન જ આવી, ક્યાં હશે તે ? શું કરતી હશે તે ?


હું સમારંભમાં જઈ પહોંચ્યો. મારું કદમ કદમ તેની ઈંતેજારીમાં આગળ વધતું હતું. અને હું તાળીઓનાં ગડગડાટ વચ્ચે સ્ટેજ પર જઈ પહોંચ્યો. કેમેરા, ફ્લેશ, એવૉર્ડ..... આ બધું મેં માણ્યું, સ્વીકાર્યું, મારી આંખો છલકાઈ જવે તત્પર બની પણ મેં તેને વારી, અને બે શબ્દ બોલવા માઈક હાથમાં પકડ્યું. મેં કહ્યું: 'ભાઈઓ અને બહેનો, મિત્રો અને શુભેચ્છકો તથા મારાં વ્હાલાં વાચકો, આ બધો જ યશ તમે મને આપો છો તે ખૂબ જ ખુશી ની વાતછે, પરંતુ તેનો ખરો હકદાર હું નથી... એનો હકદાર તો કોઈક બીજું જ છે, હું તો છું માત્ર નિમિત્ત માત્ર.... ' હું એથી વધુ આગળ બોલી જ ન શક્યો. મારો કંઠ અચાનક જ રૂંધાવા લાગ્યો, તાળીઓનો ગડગડાટ ફરી થયો અને ધીરે ધીરે વધતો ચાલ્યો... મેં દૂર નજર કરી, એક અર્થી પાછળ કંઈ કેટલાંય લોકો રોકકળ કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં... આ આનંદનાં મેળાવડા સાથે એ કરૂણતાની મેં મનોમન જ તુલના કરી અને કરૂણાથી ઉભરાઈ જતા હૃદયને રોકીન શકવાથી સમારંભ છોડીને હું ભાગૂયો, દોડ્યો, અથડાતો, પછડાતો, દૂર... દૂર...


ફરી એક વાર્તા લખવાની ઈચ્છાએ જોર પકડ્યું અનેહું દોડતો દોડતો ગયો તેનાં ઘેર, તેને એવૉર્ડ આપવા... મારી પ્રેરણાને ફરી જગાડવા...અને ફળિયામાં જ બરફ જેવી સફેદ ચાદર જોઈ વ્યથિત બની ત્યાંજ....

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843