કિતાબ: એક જાદુ Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિતાબ: એક જાદુ

કિતાબ: એક જાદુ

એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. માં-બાપ, દાદાજી, તેમનો પૌત્ર. માં-બાપ રોજે મજુરી ઉપર નીકળી જતા, અને ઘરે દાદાજી અને દસ વરસનો પૌત્ર જ રહેતા. દાદાજી રોજે સવારે વહેલા ઉઠીને બારી પાસે મુકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા.

એક દિવસ પૌત્રએ પૂછ્યું: “દાદા...હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ હું તેમાં કઈ સમજતો નથી. અને હું જે કઈ પણ સમજુ છું એ એક-બે દિવસમાં ભૂલી જાઉં છું. ઘણીવાર તો બુક બંધ કરું ને પાછળ બધું ભુલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો. તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું?”

દાદાજી હસ્યા, અને ઉભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાનો ગંદો હવાલો લઈને આવ્યા. પોતાના પૌત્રને કહ્યું: “આ હવાલો લે, અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરીયા માંથી હવાલો ભરીને લેતો આવ. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જોઈએ છે.”

દીકરાને જેમ કહેલું તેમ કર્યું, પરંતુ હવાલો ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ હવાલાના કાણાઓ માંથી બધું પાણી લીક થઇ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું: “બીજી વાર ભરતો આવ, પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે.” દીકરો બીજી વાર ગયો, પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા હવાલો ખાલી હતો! હાંફતા-હાંફતા તેણે દાદાજીને કહ્યું કે આ હવાલામાં તો પાણી ભરીને લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો આવું. પરંતુ દાદાજી કહે: “ના. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો, અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ હવાલો ફરી ખાલી જ હતો! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા...કહું છું ને...આ નકામું છે. ના ચાલે.”

“ઓહ... તો તને લાગે છે કે આ નકામું કામ છે?” દાદાજીએ કહ્યું, “-તું એકવાર હવાલા સામે તો જો.”

છોકરાએ હવાલાને જોયો અને પહેલીવાર તેણે જોયું કે હવાલો બદલાઈ ગયો હતો. તે જુના ગંદા હવાલા માંથી ધોવાયેલો, ચોખ્ખો, ચળકતો હવાલો બની ગયો હતો. તેના દરેક મેલ ધોવાઇ ગયા હતા.

દાદાજીએ હસીને કહ્યું: “બેટા...જયારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે. તું કદાચ બધું સમજે નહી, કે બધું યાદ ન રહે, પરંતુ જયારે તમે વાંચો, ત્યારે તમે બદલાતા હો છો. અંદર અને બહાર પણ. કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે, અને તમારો મેલ દુર કરે છે.”

*****

એક પર્સનલ વાત કહું? હું જયારે સ્કુલ-કોલેજમાં હતો ત્યારે મારા પરિવારની સ્થિતિ ખુબ સાધારણ હતી. હું અમરેલીના સરંભડા નામના ગામમાં મોટો થયો. ખેડૂત પપ્પા સાત-આઠ લોકોનું એકલે હાથે પેટ ભરે. આ સ્થિતિમાં હું ચંપક, સફારી, ઝગમગ, અને બીજા કેટલાયે બાળ મેગેઝીન બાજુવાળાને ત્યાંથી ગાળો ખાતો લઈને આવતો. બપોર વચ્ચે તેમને ત્યાંથી ચોરી આવતો, અને સાંજ સુધીમાં વાંચીને પાછું દઈ આવતો ત્યારે ગાળો પડતી!

તમને ખબર છે જ્યારથી મેં વાંચવાનું ચાલુ કરેલું, એક બુક પછી બીજી બુક...મારી જીંદગી ઈંટ પછી ઈંટ ચણાતી હોય એમ બદલાઈ છે. મેં ગલ્લામાં રૂપિયા ભેગા કરવાનું ચાલુ કર્યું કે જેથી હું જૂની પીળા કાગળો વાળી બુક્સ ખરીદી શકું. બહાર રાજકોટ-વિદ્યાનગર ભણવા ગયો ત્યારે પણ મારી ભણવાની જૂની બુક્સ વેંચીને પસ્તીના ભાવે બીજી જૂની નવલકથાઓ ખરીદવા લાગ્યો. લેપટોપ આવ્યું ત્યારે એમાં 9000 ઈ-બુક ભેગી કરી અને પુષ્કળ વાંચ્યું. મેં બુક-સ્ટોર વાળાઓને દોસ્ત બનાવ્યા, અને મફતમાં મેગેઝીન લેવા લાગ્યો! દોસ્તો પાસેથી મોંઘી બુક્સ લેતો આવતો, અને મારી બુક્સ કોઈને આપતો નહી. લાઈબ્રેરીઓ ઘસી મારતો. કોલેજ પૂરી કરી જોબ ચાલુ કરી તો પણ ‘ટાઈમ નથી’ એવું બોગસ બહાનું ક્યારેય આપ્યું જ નહી. રોજે રાત્રે દોઢ કલાક કાઢીને વાંચ્યું. આમાં હજુ લખવાનો ટાઈમ પણ અલગ!

હું આજે માનું છું કે વાંચવું એ મારી લાઈફનું સૌથી શ્રેષ્ઠ કામ છે. જયારે જીંદગીએ દુઃખી કર્યો, બેરોજગાર થયો, ક્યારેક કોઈ દગો આપતું ગયું, ક્યારેક ખિસ્સું ખાલી થઇ ગયું, ક્યારેક અંદરથી હું મરી ગયો, ક્યારેક અમુક સપના મરી ગયા...આ બધા સમયે હું નવલકથાઓ બાજુ ભાગી ગયો. મને ખબર હતી કે હું જયારે બુક્સ અંદર ભાગી જતો ત્યારે વાંચન પછી મારો દુનિયાને જોવાનો તરીકો બદલાઈ જતો. હું બીજી વીસ જીંદગી જીવી લેતો જે કડવા વર્તમાન કરતા સારી હતી, અને વર્તમાનમાં શું કરવું તેનું સોલ્યુશન આપતી જતી. આજે હું જે પણ છું તે ભૂતકાળમાં વાંચેલી દરેક કહાનીઓ, મેગેઝીન, લાઈબ્રેરી અને બુક-સ્ટોર્સમાં વિતાવેલા હજારો કલાકોનો સરવાળો અને સાર્થકતા છું.

કેટલાયે વર્ષો સુધી નવી-નવી દુનિયાઓ અનુભવીને મેં ઘણું મેળવ્યું છે. હું મારી જાત સાથે સમય વિતાવી શક્યો છું. જગતભરના સવાલો પેદા કરી શક્યો છું. સફળ થયો છું. કેટલાયે દિવસો કોઈ પણ માણસના સંપર્ક વિના મેં પુસ્તકો સાથે પસાર કર્યા છે. હું સ્વતંત્ર વિચારધારા વાળો બન્યો છું, અને મારે કેમ જીવવું અને શું કરવું એ ખબર પડી છે. કોઈ પરિસ્થિતિને કેટલીયે દિશાઓથી જોઈ શકું છું. મારા વિચારો જન્મે છે, ઝઘડે છે, સારો-સાચો વિચાર જીતે છે. હું બ્રહાંડ, ટાઈમ-ટ્રાવેલ, પરીઓ, જાદુ આ બધામાંથી જિંદગીના અઘરા સવાલોના જવાબ કાઢી લઉં છું. મારા પ્રિય લેખકો સાથે શબ્દોના સહારે ખુબ મજબુત દોસ્તી છે મારે! એમનાથી વધુ દોસ્તી મારે પાત્રો સાથે છે. એ બધા પાત્રો મારા હાડકામાં ઘુસી ગયા છે. હું મરીશ ત્યારે જ મરશે.

કહાનીઓને લીધે મેં મારી જાતના ટુકડા શોધ્યા છે. મોટીવેશન કામમાં નહી આવ્યું. જીંદગી જીવવી પડે છે. અનુભવવી પડે છે. ફિલોસોફી શબ્દો છે, જયારે નવલકથા જિંદગીઓ છે. ફિલોસોફી નિચોડ છે અનુભવોનો. મારે નિચોડ નથી જોઈતો, મારે અનુભવ જોઈએ છે. આજે પણ હું સતત બદલાઈ રહ્યો છું. ઉત્ક્રાંતિ પામી રહ્યો છું. હું કોઈ બેસ્ટ-સેલર પુસ્તકો કે સૌથી વધુ વખણાઇ ગયેલા પુસ્તકો જ નથી વાંચતો. હું આડી-અવળી બુક પસંદ કરું છું. કોઈને પૂછ્યા વિના. મારા પ્રિય જાપાનીઝ લેખક હારુકી મુરાકામીએ કહ્યું છે: “જો તમે એ જ વાંચશો જે બધા વાંચશો, તો તમે એવું જ વિચારશો જે બધા વિચારે છે.”

અને છેલ્લે મારા પ્રિય વૈજ્ઞાનિક અને મહાન વ્યક્તિ એવા કાર્લ સાગનની વાત અહી મુકીને અલવિદા કહું છું:

“પુસ્તક કેટલું અભૂતપૂર્વ વસ્તુ છે. એ એક વૃક્ષ માંથી બનેલી એકદમ ફ્લેક્સિબલ, હળવી અને સીધી-સપાટ વસ્તુ છે જેના પર કેટલીયે સારી-ખરાબ-ઊંડી-અને અજાણી જિંદગીઓ છપાયેલી હોય છે. માત્ર એના ઉપર એક નજર કરો અને તમે બીજા માણસના દિમાગમાં ઘુસી જાઓ છો. કોઈક એવું માણસ જે કદાચ સેંકડો વર્ષોથી મરી ગયેલું છે, અથવા હજારો કિલોમીટર દુર બેઠું છે. આખા જમાનાઓ પછી એ લેખક તમારી અંદર શાંતિથી અને અવાજ વિના બોલવા લાગે છે. સીધા તમારી સાથે વાતો કરવા લાગે છે. લખવું એ કદાચ માણસે કરેલા સૌથી મહાન સંશોધનોમાં સૌથી શ્રેષ્ઠ છે. કારણ? કારણકે એ એવા માણસોને ભેગા બાંધી દે છે જેઓ એકબીજાને ક્યારેય મળ્યા જ નથી. જેઓ સમયની સરહદોથી પાર છે. જેઓ આ પૃથ્વીના નાગરિક છે અને માત્ર શબ્દો થકી આખો જન્મારો સાથે જીવી જાણે છે. પુસ્તકો એક પ્રૂફ છે કે આ લાઈફમાં જાદુ થાય છે. પુસ્તકો ખુદ એક જાદુ છે.”