પ્રેમનો મરીઝ Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો મરીઝ

પ્રેમનો મરીઝ

"હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,

ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં"

પોતાના ઘરની બાલ્કનીમાં ટહેલતા ટહેલતા પંખીલ મરીઝની ગઝલો પોતાની અદામાં જાણે કોઈકને સંભળાવી રહ્યો હતો.આખા શહેરમાં ગરમીનું રાજ હતું.કાતિલ ગરમી,સળગતા રસ્તાઓ,ટળવળતા પશુ-પંખીઓ,પરસેવે નહાતા લારીવાળા,બરફના ગોળા ચૂસતા નાના બાળકો.

ગરમીએ તો જાણે માઝા મૂકી હતી પણ ઘનાભાઈની પોળમાં આવેલા પંખીલના ઘરમાં ઘણી ઠંડક હતી.પંખીલ એ જ ઠંડક સાથે મરીઝની ગઝલોનો સ્વાદ માણી રહ્યો હતો.આમ પણ ઉનાળામાં એની પાસે બે જ મુખ્ય કામ રહેતા....એક પુસ્તકો વાંચવા અને બીજું ઊંઘવું ..એણે સફેદ કલરનું ટી શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેરેલું હતું. એ બાલ્કનીમાં ટહેલતો હતો અને હાથમાં હતું મરીઝની ગઝલોથી છલકતું પુસ્તક.

"છે એક મશ્કરી એની,કુરાન હોય કે ગીતા,

સમય વાંચવાનો ના દે કિતાબ આપીને..."

ઘુંઘરાળા વાળમાં હાથ ફેરવતા પંખીલે આ શેર મોટેથી વાંચી સંભળાવ્યો.જાણે કોઈ છુપાઈને સાંભળી રહ્યું હતું.

ગરમીની એવી જ એક ભડભડતી બપોરે પંખીલના ઘરની સામેની બાલ્કનીમાંથી એક શેર સંભળાયો.એ પણ છોકરીના સ્વરમાં....કોયલના મધુર સ્વર જેવો એનો રણકાર હતો.

"હસીનોને મેં હમેશા જોયા છે એવી ઉદાસીથી ,

રસિક જે રીતે જોયા કરે છે મોંઘી કીતાબોને"

પંખીલે એ બાલ્કની તરફ નજર કરી.હજુ એ અવાજની દિશામાં તાકીને જોવા જતો જ હતો ત્યાં સામેની બાલ્કનીવાળા રૂમમાંથી એક છોકરી આવી ને સામે ઉભી રહી.અને એ બાલ્કની સુધી પહોચી ત્યાં સુધીમાં એટલી તો ખબર પડી ગઈ કે એ કોઈ સામાન્ય માણસ નહિ પણ અપ્સરા હતી.મરીઝની ગઝલ અને એની મદિરાને ભેગી કરીને બનાવેલી હોય એવી અપ્સરા.તરલ હરણીની આંખો જેવી આંખો,ધનુષ જેવા નેણ,પરવાળા જેવા ભરાવદાર લાલ હોઠ ,મુલાયમ ચમકતા રેશમી વાળ અને પાતળી નમણી ડોક....શરીરના વળાંકોને પણ જાણે ખબર હતી કે ક્યાં કેટલું વધવું અને ક્યાં સંકોચાઈને રહેવું.

પંખીલની આંખો હજુ એ અપ્સરા પર જ સ્થિર હતી.એક સ્વપ્ન જેવું લાગતું હતું.

"તમે પણ મરીઝના બહુ મોટા ચાહક લાગો છો??" હસતા હસતા એ છોકરી એ કહ્યું.

"હા...કેમ નહિ???..તમે પણ...?" પંખીલે સહેજ થોથવતા અવાજે કહ્યું.

"હું પણ....."

"તમારો પરિચય....?" પંખીલે સહેજ અચકાતા સ્વરે પૂછ્યું.

"હું પ્રીતિ.....વિચાર્યું માસીના ઘરે જતી આવું વેકેશનમાં ...."

"તો રમીલાકાકી તમારા માસી થાય એમને????"

"હા.."

"અને તમે??,....."

"હું પંખીલ.....કોમર્સનું બીજું વર્ષ પૂરું થયું...પરીક્ષાઓ હજુ હમણાં જ પૂરી થઇ અને અત્યારે તો વેકેશન છે ...."

પ્રીતિ અને પંખીલ જાણે વર્ષોથી એકબીજાને જાણતા હોય એમ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.

"આજની મુલાકાતના નામે એક શેર થઇ જાય.."પંખીલે કહ્યું..

"કેમ નહિ.....?? જરૂર...."

"ટોળે વળે છે કોઈની દીવાનગી પર,

દુનિયામાં લોક કેવા મિલનસાર હોય છે"

"વાહ વાહ....વાહ વાહ...."હાથ ઉપર આકાશ તરફ કરતા પ્રીતિએ અદાથી કહ્યું.

"પ્રીતિઈઈઈઇ ....." પ્રીતિના માસીએ નીચેના રૂમમાંથી બૂમ મારી....

"એ આવીઈઈ.... "પ્રીતિએ જોરથી સાદ પાડતી હોય એમ વળતો જવાબ આપ્યો...

"મળતા રહેજો..."આટલું કહીને પ્રીતિ ત્વરાથી નીચેના રૂમ તરફ દોડતી પહોચી....

અને પંખીલ વળી પાછો મરીઝની ગઝલોમાં ડૂબી ગયો.

*************

પહેલી મુલાકાત પ્રેમનું સ્વરૂપ ધારણ કરશે એવું તો પ્રીતિએ સપનામાં પણ વિચાર્યું નહોતું.કાંકરિયા તળાવની પાળે બંને હાથમાં હાથ પરોવીને બેઠા હતા.સાંજ નો સુરજ હજુ આથમવાની તૈયારીમાં જ હતો.તળાવના પાણી પર કેશરી પ્રકાશ પથરાયેલો હતો.

"પંખીલ..."..પ્રીતિએ કહ્યું.

"શું??" પંખીલે કહ્યું.

"એક અજીબ પ્રકારની ચિંતા થાય છે..." વ્યથાપૂર્વક પ્રીતિએ પંખીલની સામે જોઇને કહ્યું.

"શાની ચિંતા..?"

"લગ્નની..તને ખબર છે ને આપણા લગ્ન થઇ શકવાના નથી એ ચોક્કસ છે.."પ્રીતિએ કહ્યું.

"હા મને ખબર છે..પણ પ્રેમ કરીને લગ્ન કરવા જ પડે એવું કોને કહ્યું..પ્રેમ તો મુક્ત થવાનું નામ છે જયારે લગ્ન બંધનનું...આપણે આખી જિંદગી આવી રીતે કેમ ન જીવી શકીએ..?માણસ થઈને મુક્ત પંખીની જેમ કેમ મુક્ત આકાશમાં ન વિહરી શકીએ ?"

"અઘરું છે પંખીલ...આપણી પાસે બુદ્ધિ છે ને કદાચ એટલે..ખાલી લાગણીઓથી જીવતા હોત તો સહેલું હતું..."પ્રીતિએ કહ્યું.

"બહુ મોટી મોટી વાતો કરે છે ને આજે તો..."

"મોટી મોટી નહિ......સાચી સાચી..."

બુદ્ધિથી જ માણસે આ બધી જાત પાત બનાવી છે અને આપણે પણ એવા હાથોમાં બંધાયેલા છીએ...

"હા...સમજી શકું છું આપણી વ્યથા...."પંખીલે કહ્યું.

"કંઇક આપણા માટે પણ નિર્માયું હશે ને..." પ્રીતિએ કહ્યું.

"છોડ આ બધી ચિંતાઓ...."

આટલું કહીને પંખીલે પ્રીતિને પોતાના આશ્લેષમાં લીધી.જેમ સાંજનો તડકો રાતમાં થીજવા માંડ્યો એમ બંને એકબીજાના આશ્લેષમાં પીગળવા લાગ્યા.

બીજે દિવસે બંને રોજની જેમ જ સામસામેની બાલ્કનીમાં ઊભા હતા.

"પંખીલ.....કાલે હું જાઉં છું પછી જામનગર...."પ્રીતિ હિંમત ભેગી કરીને બોલતી હોય એમ કહ્યું.

"પણ આમ અચાનક....."

"તને પહેલાથી કહીંને બાકી રહેલું વેકેશન નહોતું બગાડવું...."

"શું વેકેશન???" પંખીલે સહેજ ગુસ્સાથી કહ્યું.

"આઈ એમ સોરી .."પ્રીતિએ પોતાના મુલાયમ કાનની બુટ પકડતા કહ્યું.

પંખીલ સહેજ શાંત થયો અને પ્રીતિને પલળેલી આંખો સામે જોયું.

"પ્રીતિઈઈઈ .."નીચેના રૂમમાંથી તેના માસીએ બૂમ મારી...

"આવી માસી....."પ્રીતિએ હળવે સાદે પ્રતિસાદ આપ્યો.

"પંખીલ ...જાઉં છું...મેસેજ અને કોલ કરતો રહેજે..."

"ચોક્કસ...."

પ્રીતિ ફરીને નીચેના રૂમ તરફ જવા જતી હતી ત્યાં જ પંખીલે કહ્યું..."એક શેર તો સાંભળતી જા.."

પ્રીતિ ઉભી રહી ગઈ....ત્યાં જ....

"લાંબી છે જિંદગી છતાં ટૂંકી બનીને રહી ગઈ,

બે ત્રણ પ્રસંગમાં અહી આખા જીવનનો સાર છે.."

પ્રીતિ "વાહ વાહ...." પણ ન બોલી શકી અને રડતી આંખેએ જવાબ આપી દીધો અને એ નીચેના રૂમ તરફ ભાગી.પંખીલ અન્યમનસ્કપણે જોઈ રહ્યો...

**********

પંખીલના કોલેજનું છેલ્લું વર્ષ પણ પૂરું થઇ ગયું.અને જીવનમાં હવે વધારે પડતા વ્યસ્ત થવાનો સમય હતો.બંને વચ્ચે મરીઝના શેરની આપલે થતી રહી....ક્યારેક પત્રોથી....ક્યારેક SMS થી .તો ક્યારેક ફોન પર......

એમાં એક દિવસ પ્રીતિની સગાઈનો અને એક દિવસ એના લગ્નનો પણ સંદેશ મળતો રહ્યો...મરીઝના શેર વગર જ.

હવે મુક્ત મનના આકાશનું એક પક્ષી પિંજરામાં કેદ થવાનું હતું અને બીજા પક્ષીને આખું આકાશ જ પીંજરા જેવું લાગવા માંડ્યું.

વર્ષો વીતતા ગયા સમયના વહેણમાં ,સમય ચવાતો ગયો અને એક દિવસ એક પ્રસંગમાં અચાનક જ પંખીલ અને પ્રીતિ સામસામે આવી ગયા.બંનેની આંખમાં એક ચમક આવી.વર્ષો પહેલા બાલ્કનીમાં પહેલી વાર મળ્યા હતા ને જે ચમક આવી હતી એવી જ ચમક...

"પ્રીતિ તું...."

"પંખીલ..."

બંનેને ભેટી પડવાનું મન થયું.

"આમ કેમ અચાનક ચાલી ગઈ મારા જીવનમાંથી....???"થોડા રોષ પૂર્વક બોલતો હોય એમ પંખીલે પૂછ્યું.

"બસ એવું માની લે કે સમય,સંજોગ અને સમાજ સામે ઝુકાવી દીધું...."

"ખુશ છે?"

"સુખી છું.." પ્રીતિએ કહ્યું .પછી થોડી વાર માટે બંને વચ્ચે ચુપકીદી છવાઈ ગઈ...

"તે લગ્ન કર્યા કે નહિ..? "પ્રીતિએ પૂછ્યું

"ના....હજુ સુધી તો નહિ..."

અને પંખીલ સહેજ કૃત્રિમ હસ્યો..

"એક શેર સંભળાવું ???" પંખીલે પ્રીતિની સામે એકી નજરે જોતા કહ્યું.

મૂંઝવણ સાથે પ્રીતિએ "હા જરૂર .." એક કહ્યું..

"ઘણા વર્ષો પછી આવ્યા છો,એનો એ પુરાવો છે,

જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેશ પર લાગી.."

બંને એકબીજાની સામે મુર્તિવંત બનીને ઉભા હતા.બંનેની આંખોમાં આશ્રુંમિશ્રિત ચમક હતી અને સમય,સંજોગ અને સમાજ સામે હારી ગયેલો પ્રેમ.

(ગુજરાતના ગાલીબ ગણાતા મરીઝનો ખુબ ખુબ આભાર કે જેમને આટલી સુંદર કૃતિની રચના કરી અને આત્માને સ્પર્શે એવી રીતે શબ્દોની ગોઠવણ કરીને એમણે બહુ મોટો ઉપકાર કર્યો છે.)