દીવાલો Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીવાલો

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : દીવાલો

શબ્દો : 1187

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

દીવાલો

દીવાલો દોડે છે. ....હા દીવાલો દોડે છે .દીવાલો ને હાથપગ નથી , જોવા માટે આંખો કે સાંભળવા માટે કાન પણ નથી અને તો ય દીવાલો દોડે છે.

દીવાલો ને બારી-બારણા જેવા અંગોની રચના કરી તેને બહાર ડોકિયું કરવાની ને તેનું ભીતરી રુપ સૌને બતાવી શકવાની સુવિધા આ દીવાલો ને છે .દીવાલને ટેકે ઊભેલા અડીખમ બારણાની સહેજ હડસેલો મારતાં જ દીવાલનો ભીતરી રુપ દ્રશ્યમાન થાય છે. મારા એક જ દીવાલના ટેકે કેટલીય દીવાલો ખડી થઈ જાય છે અને આયોજનપૂર્વક ઊભી કરાયેલી આ દીવાલો ને લોકો નામ આપે છે -"ઘર". જડ , અબોલ અને છતાંય કેટલી વાચાળ ને નિખાલસ છે આ દીવાલો.

ઈશ્વરે જેને જીભ આપી છે , હાથ-પગ આપ્યા છે, વિચારવા માટે મન ને ધડકવા માટે દિલ આપ્યા છે તેવા માનવો મને દીવાલો જેવા લાગે છે. દીવાલ તો વગર કહ્યે કહી જાય છે કે તેની અંદર ઘર છે , હૉટેલ છે , આશ્રમ છે , થિયેટર છે , સ્કૂલ છે....પણ એ જ દીવાલો ની અંદર વસતો માનવ જીભ હોવા છતાં ય તેનું ભીતરી રુપ કોઇને બતાવી શકતો નથી. પોતાના હૈયાના કમાડ ખોલી તેમાં વસેલા આનંદ કે વેદનાના સાગરને તે ઉલેચી શકતો નથી..

દીવાલ બોલી શકે છે કારણકે તેને મન નથી એટલે દંભ તો હોય જ ક્યાંથી ?


દીવાલના આધારે જડાયેલી બારીના બારણા પર બેઠેલું કબુતર વળી વળીને બારીની અંદર જોવાની ચેષ્ટા કરે છે . કેટલાય પોપટ એકસામટા ઉતરી આવે છે એ છેડા પર બેસવા કે જેને લોકો ધાબું કહે છે . અંદર જોવાની ચેષ્ટા કરતું કબુતર પોતાના શરીરનું બેલેન્સ રાખવાનું ચુકતું નથી .અચાનક જ થોડીવારમાં તે પોતાની પાંખો ફફડાવી ઉડી જાય છે. પ્રણયક્રીડામાં રત ચકીને તો એ કબુતર સામે જોવાની યે ફુરસદ નથી .


અચાનક. ....દીવાલની અંદર સુતેલો માણસ સળવળે છે. આળસ મરડી પથારીમાં જ બેઠો થાય છે. એક લાં....બું બગાસું ખાઇ આંખો ચોળતો ચોળતો ઊભો થાય છે. ગાદલાની ગડી જેમ તેમ વાળી તેને એક ખૂણામાં ધકેલે છે અને ઝડપથી બાથરૂમ માં ઘુસે છે. મોટે મોટે થી કોગળા કરવાના અવાજ બાથરૂમ ની બહાર સંભળાય છે. , પણ તેની દૈનિક ક્રિયા ત્યાં અટકી જતી નથી. .


થોડીવારમાં જ તે તૈયાર થઈ જાય છે. દાઢી કરેલો તેનો ચહેરો તાજા ખીલેલા ફૂલો જેવો તાજગી સભર લાગે છે ને સ્નાનાદિ થી પરવારી પેન્ટ -શર્ટ માં સજ્જ એવી તે વ્યક્તિ માં હરણા જેવી ચપળતા ને સ્ફૂર્તિ દ્રષ્ટિ ગોચર થાય છે. અંદર જ રહેતી બીજી વ્યક્તિ સાથે હજુસુધી તેણે એક પણ શબ્દ ની આપલે કરી નથી .પગમાં ચંપલ પહેરી તે બહાર નીકળે છે. ફળિયામાં જ પડેલા સ્કૂટર માં ચાવી ભરાવી , સ્કૂટર ને કીક મારી તે સ્કૂટર ચાલુ કરે છે. ઘરમાં વસતી પેલી બીજી વ્યક્તિ "ઘર" નામની દીવાલના બારણાને તાળું મારી આપોઆપ યંત્રવત આવીને પાછળની સીટ પર સ્થાન લઇ લે છે , અને સ્કૂટર ઘરઘરાટી કરતું દોડવા લાગે છે.


ક્ષણેક સ્કૂટર ઊભું રહેતા જ પાછળ બેઠેલી વ્યક્તિ ઉતરી જાય છે. સ્કૂટર આગળ વધે છે અને થોડે દૂર જઈ એક વળાંકે ઊભું રહે છે .પેલો ચાલક ઉતરી , યંત્રવત સ્કૂટર લોક કરી એક દીવાલની અંદર ઘુસે છે જેને લોકો ઑફિસ તરીકે ઓળખે છે. ઑફિસ માં પ્રવેશતા જ તે પોતાની નિજી જગ્યા પર સ્થાન લે છે. આ તેની કાયમી જગ્યા છે. ટેબલ પર પડેલા પાણીના ગ્લાસ પર રહેલી પ્લેટને નીચે મુકી ગ્લાસ હાથમાં ઉંચકી એક શ્વાસે તે ગ્લાસ ની અંદરનું પાણી ગટગટાવી જાય છે. ગ્લાસ પાછો યથાસ્થાને મૂકી ઉપર ફરી પ્લેટ ઢાંકી , ખુરશીના પાયા પરથી નેપકીન ઉઠાવી તેનાથી મ્હોં લુછી , ફરી નેપકીન ને પાયા પર ગોઠવી , ખુરશીમાં બેઠા બેઠા જ પંખો સ્પીડ માં મુકી ટેબલ પર પડેલા કાગળો માં પોતાના ખિસ્સા માંથી પેન કાઢી તેના વડે શબ્દો પાડે છે. શબ્દો ની રમત તૈયાર સારી રીતે કરી શકે છે. શબ્દભંડોળ જાણે તેની ખોપરીમાં ફીટ થયેલ હોય તેમ શબ્દો નો ખજાનો છે તેની પાસે. તેણે કાગળ પર પાડેલા શબ્દો ની બજારમાં ઊંચી કીમત છે . અલબત્ત તેને મળવા આવનાર દરેક જણનું સ્તર ઊંચુ જ હોય તેવું બનતું નથી. હા...તે બધા જ પોતાની જીભને તસ્દી વધુ આપે છે પણ જે દીવાલ જેવો જ ભાસે છે તે માત્ર શિષ્ટાચાર ખાતર મારા પોતાની ડોક હલાવી મોટાભાગે મૌન જ રહે છે., તો ક્યારેક એકાદ લુખ્ખુઃ સ્મિત આપી પોતાની જડતા પ્રદર્શિત કરે છે .


બરાબર ખુરશીની સામે જ રહેલી બારીની બહારથી દેખાતી રોડ પરની અવરજવર કે દોડધામ તેને હચમચાવી શકતા નથી. હિમાચ્છાદિત શિખરો જેવો તે ઉષ્મા વિહિન છે .જડતા તેના રુંવે રુંવે વહેલી છે . દંભ તેના અંગેઅંગમાથી ડોકિયું કરે છે અને છતાંય લોકો તેને મળે છે, તેની સાથે વાર્તાલાપ કરવાના પ્રયત્નો માં રહે છે કારણ તેણે લખેલા શબ્દો ની કીમત ઘણી છે .બજારમાં તેની માંગ પણ ઘણી છે કદાચ તેથી જ લોકો તેના દંભને પોષે છે , તેના અહમને પંપાળે છે .


શું તેને દીવાલ કહી શકાય ? દીવાલમાં અને તેનામાં કોઈ ફર્ક હોય તો તે માત્ર એટલો જ કે દીવાલને બારી-બારણા છે, તેમાંથી હવા-ઉજાસ અંદર આવે છે .ચાર-પાંચ -સાત દીવાલો મળી ઘર બને છે અને પૃથ્વી નો છેડો ઘર માની લોકો તેમાં આનંદથી રહે છે. જ્યારે આ દીવાલ એવી છે કે પોતે ઘરની મોભી હોવા છતાં તેનામાં દંભ ભારોભાર છે. તેની મોટી મોટી આંખો ભાવવિહિન છે, તેમા લાગણીના ઓઘ ઉછળતા દેખાતા નથી , તેની લાગણીઓ થીજી ગયેલી ભાસે છે. દીવાલો જેવી નિખાલસતા તેનામાં નથી.


ક્યારેક એ દીવાલ એટલી તો કોમળ ને મૃદુ લાગે છે કે તેના પર વારી જવાનું મન થાય. મહત્વાકાંક્ષા ને સિદ્ધિઓ મેળવવા આ દીવાલ સતત દોડ્યા જ કરે છે. તેની દોડ નો , તેની રઝળપાટનો જાણે અંત જ નથી. સિદ્ધિ ને ખ્યાતિ પાછો એ દીવાલ આંધળી બની છે તેથી જ હોવી જોઈએ તેવી ને હોવી જોઈએ તેટલી વ્યવહારિકતા તેનામાં નથી .ઈંટ , ચુનો, સિમેન્ટ ની દીવાલ તો કોઈકનો આશ્રય પણ બની શકે છે તો ક્યારેક સ્હેજ અમસ્તા સ્પર્શ માત્રથી તેનામાં ગાબડુ પણ પડે છે પરંતુ આ દીવાલ તો એવી છે કે સતત રઝળપાટ કરવા છતાંય તેને થાક તો નથી જ પણ લાગણી કે પ્રેમ ના સ્પર્શ થી તેની જડતા માં ગાબડું પડવું પણ તદ્દન અસંભવ છે . તે ભોક્તા જરુર બને છે પણ આવી મળતી સંવેદનાઓ કે મળી જતા સ્પર્શ ને ભોગવ્યા પછી એ જ લાગણીઓ ને મૂર્ખતામાં ખપાવી પોતે તો નિર્દોષતા નો અંચળો ઓઢી ફરવામાં ગૌરવ જરુર અનુભવે છે.


નજીક છતાંય તે સતત બધાથી અલિપ્ત રહે છે .પ્રસિદ્ધિ ના કેસમાં આંધળી આ દીવાલ ને સમય કે સંવેદન ઝાઝાં સ્પર્શી શકતા નથી. પળેપળ તેની વ્યાખ્યા બદલાતી રહે છે. ક્ષણ પહેલા સ્પર્શ માત્રથી પોતાનામાં ગાબડું પાડનાર આ દીવાલ ક્ષણ પછી જ એટલી જડ બની જાય છે કે માની જ ન શકાય.


જેમ સિક્કા ને બે બાજુ હોય તેમ આ દીવાલ ના પણ બે પાસાં છે. લોકોને તે ચેતનહીન , જડ ને અવ્યવહારુ જ ભાસે પણ સતત જો કોઈ તેની પાસે ને તેની સાથે જ રહે તો તેને જરુર એક વાત સમજાય કે પથ્થર કરતાંય કઠણ ને કઠોર એવી આ દીવાલ ની બીજી બાજુ મીણ જેવી મુલાયમ છે. એક અતૃપ્ત આત્માની જેમ આ દીવાલ સતત ને અવિરત દોડે છે, તેની દોડ ક્ષણજીવી નથી કારણ કે તેની મંઝિલ, તે જે ઝંખે છે તેવી મુલાયમતા તેને હજી સાંપડી જ નથી તેથી જ તે જડ બની સતત દોડ્યા કરે છે. તે ઝંખે છે સતત કોઈકનો પ્રેમાળ, મૃદુલ , સ્નેહનીતર્યો સ્પર્શ, પ્રેમ ની એક એવી હેલી જે તેને ભીતર થી પાસે .અને એટલે જ તે દોડ્યા કરે છે પ્રેમ ની વર્ષા પાછળ . પણ દોડ્યા પછી તેને લાગે છે કે તે જે ઝંખે છે તે આ નથી .તેને લાગે છે એક એવું મૃગજળ માત્ર જે સતત તેનાથી દૂર ને દૂર થતું જાય છે અને બસ અવ્યવહારુ ને જડ લાગતી આ દીવાલ દોડ્યા કરે છે ...દોડતી જ રહે છે અવિરત છે

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843