તને કેમ કરું હું પ્રેમ Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તને કેમ કરું હું પ્રેમ

તને કેમ કરું હું પ્રેમ?

ચીનની વાત છે. એક પતિ-પત્ની એક સાધુ પાસે જાય છે. તે સાધુ નું નામ Thich Nhat Hanh હતું. તેને એ કપલ ફરિયાદ કરે છે: “અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, છતાં પ્રેમની એકબીજાની ઉણપ અનુભવીએ છીએ. અમે દુઃખી થઈએ છીએ. એકબીજાને ક્યાંક દુઃખી કરીએ છીએ. શું કરવું?”

સાધુ ઉભો થાય છે. ઝુંપડી માંથી એક મુઠી ભરીને મીઠું લાવે છે, અને પાણીનો ગ્લાસ લાવે છે. પાણીના ગ્લાસમાં મીઠું નાખીને આ કપલને પીવા કહે છે. ખારું પાણી પીઈને બંને ગુસ્સે થઇ જાય છે. સાધુ ઝુંપડીમાં જઈને બીજી મુઠી ભરીને મીઠું લાવે છે, અને ઝુંપડીની બાજુમાં પસાર થતા ઝરણાની અંદર નાખીને ત્યાંથી આ બંનેને પાણી પીવા કહે છે. પાણી મીઠું જ હતું. હવે સાધુ કહે છે:

“તમે એક ગ્લાસમાં મીઠું નાખીશો તો પાણી તમને ગુસ્સો અપાવે છે, પરંતુ આ ઝરણામાં મીઠું નાખીને પીશો તો હજુ હજારો લોકો એમાંથી પોતાનો ખોરાક રાંધી શકે છે અને પી પણ શકે છે. આ ઝરણું પોતાની અંદર ભવ્યતા જીવે છે. તેની અંદર કશું પણ પામવાની ક્ષમતા છે, એ ભેંટી લે છે દરેક ખારાશને, એ ખારાશને પોતાની અંદર વિલીન કરી દે છે. આપણા હૃદય ખુબ નાના છે, આપણી દયા-કરુણા-પ્રેમ અને એકબીજાને સમજવાની ભવ્યતા જ ખુબ નાની છે. આપણે એકબીજાની ખારાશને ઓગાળી નથી શકતા ત્યારે જ આપણે ખુદ ખારા બની જઈએ છીએ. એકબીજાની નબળાઈઓ અને ખામીઓ આપણે સ્વીકારતા નથી, પરંતુ સામેના માણસને બદલાવવા મથીએ છીએ. પ્રેમમાં ઝંખનાઓ વધી જાય છે, માગણીઓ વધી જાય છે. આપણા હૃદય જયારે આપણે મોટા બનાવીશું, ત્યારે આ બધા ખારા સવાલો આપણને દુખી નહી કરી શકે. આપણે આપણા પાત્રને મોટું બનાવવું પડશે. અને જયારે આપણે આપણો પ્રેમી જેવો છે તેવો જ સ્વીકારીશું ત્યારે જ આપણે એકબીજામાં વિલીન થઇ શકીશું.”

પણ પતિ પૂછે છે: “પાત્ર મોટું કઈ રીતે બને? હું જે છું તે છું. મારી પત્નીના પ્રોબ્લેમ મને દુઃખી કરે છે મારા નહી. મારી ખારાશ કરતા તેની ખારાશ દુઃખી કરે છે.”

“ઝરણું બનો. તમે ખુદ ઝરણું બનો” સાધુ કહે છે, અને ઝરણામાં ડૂબકી લગાવે છે. અંદર ઉભા રહીને એ બોલી રહ્યો છે:

“તમે પત્નીને દોષ એટલે આપો છો કારણકે તમે તમારી જાતને ખુદના દુઃખથી દુર ભગાડવા માંગો છો. માણસને કારણ જોઈએ છે દુઃખી થવા માટે. જયારે આ ઝરણાની જેમ આપણને આપણી જાત પ્રત્યે પ્રેમ અને દયા હશે, આપણી જાતને સમજતા રહીને વહેતા રહેશું ત્યારે આપણે સાચી રીતે બીજાને પણ પામવા લાગીશું. ઘણીવાર આપણે અંદરથી ખૂટી જઈએ છીએ, અકારણ અંદરથી ખાલી થઇ જઈએ છીએ, અને પછી આશા રાખીએ છીએ કે આપણી સાથે કશુંક એવું સારું થાય કે જે આપણા ખાલીપાને ભરી આપે અને આપણે ઓછું એકલું-ખાલી અનુભવીએ. આપણી જાતને સમજવાની તરસ ખુબ મોટી હોય છે, અને બીજાનો પ્રેમ મળે તેવી તરસ પણ ખુબ મોટી હોય છે. આ કુદરતી છે, પણ આપણે જયારે એકલું-ખાલી અનુભવીએ છીએ ત્યારે આપણે પ્રેમ મેળવવાની વસ્તુઓ શોધવા બેસીએ છીએ. ક્યારેક આપણી જાતને સમજવાનો જ સમય હોતો નથી અને આપણે બીજા આપણને પ્રેમ કરે અને ખાલીપો દુર કરે તેવી આશાઓ લઈને બેસી જઈએ છીએ. તમને ખબર નથી હોતી શું શોધવું, પણ કઈંક શોધી રહ્યા છો. ખુબ ઊંડે તમે ઈચ્છો છો કે કશુંક સારું પ્રેમભર્યું થાય તમારી સાથે. એ તમારી ભૂલ છે. પ્રેમનો મૂળ તત્વ જ બીજાને ખુશી આપવી છે, ઝંખના કરવી નહી. અને તમારી ખુદ પાસે પ્રેમ ન હોય તો તમે આપી કેમ શકો? તમારી જાતે, આ ઝરણાની જેમ પોતાની પીડાને વિલીન કરતા શીખો. પોતાની ખારાશને વહેડાવી દેતા શીખો. અને પછી ખુશીની પળો સર્જન કરો. એવી ખુશી કે જેમાં બીજાને આપવા માટે પણ કઈંક હોય. જો તમારી પાસે ઝરણા-પણું હશે તો તમે નાસ્તો કરતા હશો, કે કાર ચલાવતા હશો, કે બગીચાને પાણી છાંટતા હશો, તમે વહેતા હશો, અને ખુશ હશો. સાચો સંબંધ એ સમયે બધી સરહદો તોડી નાખશે છતાં ઝરણાની જેમ કિનારા સાથે વહેશે. તું તારી પત્ની બની જઈશ, અને તારી પત્ની તારામાં વિલીન હશે. તારું દુઃખ તેનું હશે, તેનું દુઃખ તારું. દુઃખ પ્રત્યેની તારી સમજણ તારી પત્નીના દુઃખને મટાડી દેશે. દુઃખ અને ખુશી અલગ હશે જ નહી, એકલતા હશે જ નહી. પ્રેમમાં તારા પ્રેમી સાથે જે થશે એ તારી સાથે થશે, અને પછી કોઈ દુરી કે ઝઘડા નહી હોય. એની ખુશી એ જ તારી ખુશી. તારું દુખ એનું દુખ. તું પછી ક્યારેય કહીશ નહી કે – એ તો એનો પ્રોબ્લેમ છે!”

“પણ હું તેના દુઃખ-સુખ કઈ રીતે સમજી શકું?” પત્ની એ પૂછ્યું.

“પ્રેમ કઈ રીતે કરવો તે જાણ્યા વિના પ્રેમ કરવાથી માણસ પોતાની જાતને દુઃખી કરવાનો છે. કોઈને પ્રેમ કેમ કરવો એ જાણવા માટે તે વ્યક્તિને સમજવી પડે, સમજવા માટે સાંભળવી પડે. એ જ પ્રેમની કળા છે, અને દુઃખોનું મૂળ પણ. એક ડોક્ટર જેમ દર્દીનો રોગ જાણ્યા વિના સારવાર ન કરી શકે એમ એક વ્યક્તિએ પણ બીજાના દુઃખને સમજવું પડે. જેમ વધુ તમે સમજણ કેળવો, જાણો, તેમ તમારો પ્રેમ પણ વધુ ઉત્પન્ન થાય છે. આ એક જ વાસ્તવની બે બાજુ છે: જેને પ્રેમ કરવો છે તેને સમજવો ખુબ જ જરૂરી છે.”

લાસ્ટ કેન્ડી: “Just be with her” હા... સાચો પ્રેમ સામેના માણસને બદલવા શા માટે ઈચ્છે? માત્ર તે વ્યક્તિની સાથે રહેવું એ જ સાચો પ્રેમ. તમે તેને બદલવા જ ન ચાહો. તે જેવી છે તેવી સ્વીકાર છે. એની નબળાઈ સ્વીકાર છે. તેની દરેક ભૂલ સ્વીકાર છે. બસ...એ સ્વીકાર પછી જે જન્મે છે તે નશીલું હોય છે. તેમાં ભાર નથી હોતી. તે પ્રેમ બંધન નથી, પરંતુ સ્વતંત્રતા છે. પ્રેમ બંધન ન જ હોય શકે. પ્રેમ છૂટ આપે. એટલે માત્ર તે વ્યક્તિ સાથે રહેવું, અને તેને ટોક-ટોક કરીને બદલવાનો વધુ પ્રયાસ ન કરવો પરંતુ તમારા પાસે એ ખુદ જ બદલવા ચાહે, ખુદને બેટર પર્સન બનાવવા ચાહે...