મારા સપનાનો લેખક Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સપનાનો લેખક

કેટલાયે સમયથી લખવું હતું.

એક સપનું.

એક વાત.

કદાચ હિંમત ચાલતી ન હતી, કે પછી લાયકાત ન હોય અને વાતોના બણગા ફૂંકવા જેવું લાગતું હતું. જ્યાં સુધી હૃદય હા ન પાડે ત્યાં સુધી આ સપનાને કહેવું એ પણ વ્યર્થ હતું.

“ઋતંભરા પ્રજ્ઞા”- પોતાના અંતર માંથી, પેટ માંથી નીકળેલી દૃષ્ટિ. હું થોડા સમય પહેલા ધ્રુવ ભટ્ટ સાથે ચાર દિવસની એક ટ્રીપ પર ગયેલો ત્યારે તેઓએ આ શબ્દ કહેલો હતો. માણસે અંતરની પ્રજ્ઞાથી જીવવાનું હોય છે, બોલવાનું હોય છે, અને લખવાનું હોય છે.

“...લખવાનું હોય છે.”

આજે એ વાત કરવી છે. મારા સપનાના લેખકની. પેટમાં જે સપનાઓ પડ્યા છે તેવું જીવન પસાર કરવાની.

વાંચકોની વાહ-વાહ અને તેમની નિંદાની દુનિયાથી દુર,

સ્ટેજ, માઈક, ઓડીયન્સ, તાળીઓ અને વાહ-વાહની દુનિયાથી પણ દુર,

પબ્લીશીંગ અને વેચાણના આંકડાઓ અને તેની પીડાઓથી પણ દુર,

ફેસબુકની લાઈક્સ, લોકોના મેસેજ, ફોન પરની વાતો, અને જેનું અસ્તિત્વ જ નથી એવા ટેકનોલોજીના વર્ચ્યુઅલ વિશ્વની મિલો દુર,

એક એવી દુનિયા છે જ્યાં મારા સપનાનો લેખક જીવે છે.

એકલો.

એનું હોવું એ જ સર્વસ્વ છે ત્યાં.

ત્યાં શબ્દ પણ નથી. એકાંત છે. માત્ર તે અને તેના વિચારો છે. એ કલ્પનાઓ છે. ચહેરા વિનાના પાત્રો એના અંતર માંથી જન્મ પામે છે. મગજ માંથી નહી. અંતર માંથી. ઋતંભરા પ્રજ્ઞા. એ પાત્રો સાથે હોવું એ જ તેની સાર્થકતા છે. એ પાત્રો તેના જહન માં છે. રગ રગ માં છે. એ અનુભવ નથી, અનુભૂતિ છે. એ પાત્રોનો એ સર્જક નથી.

ના.

એ પાત્રો ખુદ સર્જાયા છે. ખુદ જનમ્યા છે. ત્યાં ‘હું’ નથી. ત્યાં માત્ર તે બધાની દુનિયા છે. એ દુનિયા બસ કોઈ ફૂલઝરની જેમ ભાગતી જાય છે, જીવતી જાય છે, મરતી જાય છે. કહાનીના છેલ્લા શબ્દ સુધીમાં વર્ષોના વર્ષો જીવી જાય છે. ત્યાં લેખક કોણ છે? સર્જક છે એ કહાનીનો?

ના. હું નથી. હું માત્ર સાક્ષી ભાવે તે જિંદગીઓને નિહાળનાર પાંગળો માણસ છું. જે પોતાના શબ્દો વડે એ મેદાનમાં ખેલાતી ભવાઈને ઉતારે છે.

હજુ મારા વાક્યોમાંથી ‘હું’ કેમ જતું નહિ હોય? ત્યાં ‘મારા પણું’ છે જ નહી.

ખબર છે...ત્યાં જે થઇ રહ્યું છે એ સત્ય છે. લેખક ત્યાં સાક્ષી છે. ત્યાં વાંચક મરી ગયેલો છે, પબ્લીશર મરી ગયેલો છે, વાહ-વાહ અને લાઈક્સ મરી ગયેલી છે. ત્યાં આંસુ છે, વેદના છે, પ્રેમ છે, અને જીવન છે.

ત્યાં લેખક બનેલા માણસના અહંકારને કોઈ સ્થાન નથી. ત્યાં દંભ નથી. ત્યાં લેખકોના રાજકારણ નથી. ત્યાં પરિષદો, મુશાયરાઓ નથી. ત્યાં હું મોટો અને તું નાનોની વાતો નથી. એ જગ્યા કોઈ એવોર્ડની મોહતાજ નથી. ત્યાં કૃતિ છે, સર્જક નહી. હા...ત્યાં પુત્રાંધ નથી. આ પુસ્તક, આ કહાની મારી છે એવું નથી. એકવાર એ કહાનીના સાક્ષી બન્યા પછી એ કહાની લેખકની નથી. એ પોતાના ખુદના વિશ્વમાં જીવે છે. ધૃતરાષ્ટ્રને પોતાના દીકરાઓ પ્રત્યેનો જે આંધળો પ્રેમ હતો એ સાચી રીતે એક પિતાને અંધ બનાવતો હતો.

એ એકાંતમાં કોઈ અજાણી શક્તિ જે કદાચ અંદરથી આવે છે, કોઈ બહારનો ખુદા જગાવે છે, બસ એ શક્તિનો પાત થાય છે. શક્તિપાત. ટાઈપીંગ કરતા કરતા ભૂલો થવા માંડે છે, વિચારો અને સંવેદનાઓ નો ધોધ વહેવા માંડે છે. એ સાક્ષીભાવ...

શું લખું? કેટલું લખું?

કેટલું બધું કહેવું છે મારે શબ્દો વડે. એ પાત્રો સામે જીવતા જાય છે, અને એક એક પાત્ર જાણે મહાકાવ્ય છે.

કોના વિષે લખું? શું શબ્દ વાપરું તેમના માટે?

લેખક પાંગળો બની જાય છે. પ્રેમમાં પડેલા એ પાત્રો સાથે એ ખુદ પ્રેમમાં પડી જાય છે. ગાંડો ઘેલો થાય છે. લખતા લખતા આંસુઓ ભાગતા જાય છે. એક ચહેરા વિનાનું પાત્ર ગુસ્સામાં છે, રેજમાં છે, અને લખનારાના હાથ ધ્રુજી રહ્યા છે.

એક અગાધ સમુંદર આગળ કિનારે બેસીને એ સમુંદરને પામવા માંગતી માછલી જેવો છે એ સપનાનો લેખક. ત્યાં ‘હું’ ઘણીવાર પહોંચી જાઉં છું, પરંતુ કેટલીયે વાર બહારના અવાજો, વાંચકોની વાતો, પબ્લીશીંગનો ડર, અને સત્યની પરખને લીધે એ માછલી કિનારા પર જ પડી રહે છે.

જે પ્રેમ કહાની લખતા-લખતા આંસુ નીકળે એ અમુક સમયે પેલા વાંચકને સ્પર્શે છે. જે આગ ઓકતા પાત્રો જીવે છે એવું જો શબ્દશઃ ઉતારી શકાય તો શું જોઈએ.

એટલે એક સમયે લેખક તરીકે ચુપ થઇ જાય છે એ સપનાનો લેખક. તે નથી કહી શકતો કે પેલી જિંદગીઓ કેટલી ભવ્ય છે. કેટલી અદભુત છે.

તે ચુપ થઇ જાય છે. ખોવાઈ જાય છે પોતાની ધૂનમાં. એને ખબર પડી જાય છે કે કહાનીઓ તો માત્ર શબ્દોની ચાકર છે. પાત્રોતો ચૂપકીદીમાં બોલતા હોય છે.

મારે બનવું છે એ સપનું. આત્માથી જીવતો માણસ. મનના મેદાનમાં ઉભો રહેલો, અને ઘરના એક બંધ રૂમના ખૂણામાં બેઠોબેઠો લખતો માણસ. જ્યાં તેને માટે વાંચક, ક્રિટિક, પબ્લીશર, પ્રસિદ્ધિ, કે લાઈક્સ નથી. તેના એ મેદાનને સરહદો નથી. તેના એ વિશ્વને કોઈ ધર્મ, કોઈ ભગવાન નથી.

તે પાત્રોનું હોવું એ જ બધું છે. એ પાત્રોને જીવતા જોવા અને તેને શબ્દમાં ઉતારવાનો ‘માત્ર પ્રયત્ન’ એ જ એની સાર્થકતા છે. પાંગળો છે એ. ડરપોક છે એ. છતાં તે પ્રયત્ન કરે છે કે એ અનુભૂતિ કોઈને કહી શકે.

તે અનુભૂતિ પછી કે માણસ રચાય છે તેની અંદર શૂન્યતા છે, અને વંટોળ પણ. ગાંડપણ છે, અને ચિક્કાર શાંતિ પણ. તે ફેસબુકની લાઈક્સ. ટ્વીટરના ફોલોઅર્સ, સભાની તાળીઓ, અને ખુદના અહમથી કોસો મિલ દુર છે.

મારે એવા માણસ બનવું છે. એ સપનું છે. એ તરફ રસ્તો ભગાડવો છે. કારણકે બાકી બધું જ ક્ષણિક છે. એ અનુભૂતિ મને દરિયો લાગે છે. બાકી બધું જ કિનારો છે.

છેલ્લે: મારા એક દોસ્તે મને પૂછ્યું: ટાગોર અને બક્ષીમાં શું ફર્ક છે?

મારો જવાબ એક જ હતો: ‘હું’ નો.

એક ‘હું’ થી જ્યારે વ્યક્તિ છૂટો પડી ગયો ત્યારે એ મહાન બની ગયો. બક્ષી મોટા લેખક હતા, ટાગોર મહાન.