શ્વાસ –ઉચ્છશ્વાસ Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વાસ –ઉચ્છશ્વાસ

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : શ્વાસ –ઉચ્છશ્વાસ

શબ્દો : 1401

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

શ્વાસ –ઉચ્છશ્વાસ

શિયાળાની રાત છે . સામેના આંબા પર અંધકાર પથરાયેલો છે. આંબાના લીલા લીલા પાન અંધકાર પહેરી ધીમે ધીમે પવનથી ફરફરે છે. બધા ય ફ્લેટ ના બારણાં ઠંડીના કારણે બંધ છે પણ એ બંધ બારણાની તિરાડોમાંથી ય ઠંડી અંદર પ્રવેશ્યા કરે છે , આવી કડકડતી ઠંડી માં ય એક ફ્લેટ ની એક ગેલેરીનું બારણું સાવ ખુલ્લું છે. ખુલ્લા આકાશ જેવી એ ગેલેરીમાં એક આકૃતિ સ્થિતપ્રગ્ન શી ઊભી છે .

ગેલેરીમાં ઊભેલી એ આકૃતિ એક સ્ત્રી ની છે .તે આકૃતિ દૂર દૂર થતી જતી અને ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયેલી કાયાને ક્યાં ય સુધી નિરખતી રહી .તેની આંખો માં હજી યે એ અદ્રશ્ય થઈ ગયેલી એ કાયા સળવળતી હતી . અદ્રશ્ય થતી , થઇ ગયેલી પીઠને જો આંખો હોત તો જરુર તેણે નોંધ્યુ હોત કે ગેલેરીમાં ઊભેલી એ આકૃતિ ના રુંવે રુંવે આંસુ છે ને હાથ જે આવજો કહેવા ઊંચો થયેલો તે એમ ને એમ જ સ્થગિત થઈ ગયો છે. દ્રષ્ટિ માંથી ઓઝલ થયેલી કાયા તો મનના બધા જ ભાવો મનમાં જ સંઘરી ને , સ્ત્રી ને શુભેચ્છાઓ આપીને ક્યારની ય દ્રષ્ટિ ની પેલે પાર પહોંચી ગઈ પણ પેલી સ્ત્રી તેની શુભેચ્છાઓ છતાં ય સ્વસ્થ નથી .

મળસકું થતાં જ પેલી ઓઝલ થયેલી કાયા આ તરફ આવશે , કૉલબેલ રણકશે , બારણું ખૂલશે અને .....તેને બે કાયા આવકારશે -એક આવકારશે આનંદથી ને બીજી આવકારશે બેચેની થી. ...બેચેની માં ય આનંદ હશે ને આનંદથી આવકારનારના દિલમાં સળવળશે થોડી બેચેની .ત્રણ ખૂણાનો સરવાળો એટલે ત્રિકોણ. .કાગળના પાના પર , ચલચિત્રોના પડદા પર શોભતી આકૃતિ જીવનમાં પણ ....!!! આવનાર અને આવકારનાર નો આ ત્રિકોણ..!!!


ધીમે રહી પેલી સ્ત્રી પૂંઠ ફેરવી ઘરમાં જવાનો નિર્ધાર કરે છે ત્યાં પૂંઠ ફેરવતાં જ તેના દેહ સાથે ટકરાય છે એક કાયા.એ કાયા તેને હળવેકથી પંપાળી , તેનો હાથ પોતાના હાથમાં લઈ, ધીમેથી ગેલેરીનું બારણું બંધ કરી તેને અંદર લઈ જતાં પૂછે છે --તું આમ રડે છે શા માટે ? પછી પોતાના જ હાથે તેના આંસુ લૂછી પોતાની વિશાળ છાતીમાં તેનું માથું ખૂંપાવી તેને આશ્વાસન આપતી હોય તેમ કહે છે --વિરહ અને મિલન એ બે વચ્ચે નો અતૂટ સંબંધ એટલે જ પ્રેમ.


તો પછી આ મિલન એ શું છે ?


એ પણ પ્રેમ જ છે .


મારી સામે તો આ અંધકાર ઓઢીને બેઠેલી આ દીવાલો જ છે માત્ર.


અંધકાર અને ઉજાસ એકબીજાના પૂરક છે.


બંને વચ્ચેનો ભેદ પારખવો મારા માટે દુષ્કર છે.


તને અંધકાર નથી ગમતો ?


મને તો ઉજાસ જ ગમે છે .


રાત વીતતા જ અંધકારનું સ્થાન ઉજાસ લેશે .


ઉજાસ થતાં જ કૉલબેલ રણકશે .


આપણે સાથે મળીને આવકારશું તેને .


હું ચાલી નીકળીશ તેની સાથે.


પહેલા આ અંધકાર તો ઓઢી લે .


ના..મારો શ્વાસ રુંધાય છે.


આટલા મુક્ત વાતાવરણ માં પણ ?


સ્વતંત્રતા રુંધે છે મને, વિરહ પીડે છે મને ને મિલનમાં નીકળે છે ઉચ્છશ્વાસ.


ચાલ તારા ઉચ્છશ્વાસ ને ઝીલી લઉં, આ અંધકારને ભેદી નાખું મારા આશ્લેષમાં ને મિલન-વિરહમાં અટવાતી તને હું ભૂલાવી દઉં બધું જ. ...અંધકારે મને તને મેળવી આપી છે ને ઉજાસ માં તું મેળવીશ ઘણુંબધું.


હું બંને વચ્ચે અટવાઈશ તો નહી ?


અલપઝલપ મળતી એવી તને આજે પૂર્ણતયા પામીને મારે પ્રેમની પરિભાષા પૂર્ણ કરવી છે -તને ક્યારેય અટવાવા નહી દઉં.


ઉજાસ ઓઢીને બેઠેલા દિવસને અચાનક અંધકાર આપતા તેની શી દશા થાય તે જાણો છો ?


સમયે બે ભાગમાં વહેંચાવું પડે .


બે ભાગમાં વહેંચાતા સમય ફાટી ન પડે ?


બે ભાગમાં સમાઇ ને સમયે સમાધાન શોધવું પડે .


અંધકાર ને ઉજાસ એવા તમારા બંનેના વ્યક્તિત્વ માં હું ભીંસાઉં છું એવું તમને નથી લાગતું ?


ભીંસમાં ય આનંદ છે એ કેમ ભૂલે છે ?


પીડા છે , વિરહ છે , આનંદ ક્યાં છે ?


તું આમ કહીશ તો માંડ મેળવેલ અંધકાર વછૂટી જશે.


તો હું શું કહું બીજું તમે જ કહો .


બે કાંઠે વહેવા છતા નદી સમથળ જ રહે છે. સ્ત્રી માં પણ ઈશ્વરે જન્મથી જ એ આવડત મૂકી છે કે તે દરેક પરિસ્થિતિ માં સમથળ રહી શકે છે.


પણ .....


આવ.. આજે તો મારે મારી જનમોજનમ ની પ્યાસ છિપાવવી છે.


આશા -નિરાશા વચ્ચે અટવાતી , અંધકાર -ઉજાસ ના ભેદ વચ્ચે તડપતી , તલસતી ,કણસતી , વિલપતી સ્ત્રી આકૃતિ પથારીમાં પડી પડી વિચારે છે કે અંધકાર ઓઢીને બેઠેલી આ દીવાલો કેટલી સુખી છે! વેદના તેને સ્પર્શી શકતી નથી, હારથી તે ભાંગી પડતી નથી ને જીતથી તે ઉછળી પડતી નથી. તેને સ્પર્શો તો તે શરમાઇને, લજાઇને પ્રેમ - ઘૃણા કે તિરસ્કાર થી સંકોચાઇ જતી નથી .ટાઢ , તાપ , વરસાદ, વસંત , પાનખર બધું જ ઝીલવા છતાંય તે અણનમ ને અડીખમ છે.


આ દીવાલો માં કેટકેટલા શ્વાસ શ્વસાતા હશે ? આમાં મારો શ્વાસ શોધું તો ય ક્યાં શોધું ? કઇ રીતે શોધું ? કદાચ આ દીવાલો પણ જાણતી હશે કે આમાં મારું અસ્તિત્વ ક્યાં છે ,કેટલું છે , કેટલું સબળ છે ? કાશ ! આ દીવાલો ને જીભ હોત!


મારો શ્વાસ શોધવા મેં વર્ષો વિતાવ્યા ,મારા શ્વાસ ની ખોજમાં આ દીવાલો વચ્ચે રખડતા , રઝળતા , તડપતા , તરસતા , કણસતા ,તલસતા , વેરવિખેર શ્વાસો માં મેં મારા શ્વાસ ને શોધવા ઘણી યે મથામણ કરી .......

ફ્રિજ ની બૉટલમાં , ગેસ પર ગરમ થતી , ઉકળતી , ઉભરાતી ને ગળાઇને કપ-રકાબી માં ઠલવાતી ચ્હા ની વરાળ માં , બારણા વચ્ચે ટીંગાયેલા -ઝિલમિલાતા રેશમી પડદાના સંકોચન ને વિસ્તરણ માં કે સંકેલાઇને મુકાયેલી રજાઈની સળોમાં ન મળેલા મારા શ્વાસ ને શોધવા મેં ઘણાં ફાંફા માર્યા અને પેલી શુભેચ્છા આપી અદ્રશ્ય થઈ ગયેલી કાયાએ મારા એ શ્વાસ શોધવામાં મને ખૂબ મદદ કરી. ..ત્યારે જ કસ્તુરીમૃગ ની અજ્ઞાનતાનું ભાન થયું.....એકસામટા કેટલાય શ્વાસ મેં લઇ લીધા.....અગણિત લેવાતા શ્વાસો મા અકળામણ , ગભરામણ , મૂંઝવણ ઉકેલાતી ગઇ , વધતી ય ગઇ અને ત્યારે જ મને ઉચ્છશ્વાસ નું મૂલ્ય સમજાયું .પણ એ ઉચ્છશ્વાસ ઝીલવા કેવી રીતે ?


ફ્રિજમાં ની બૉટલો ની ઠંડક બહાર આવ્યા બાદ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. રસોડામાં ગેસ પરથી ઉકળીને ઉભરાતી ચ્હા ની તપેલી ઉતરે છે. ડાઇનિંગ ટેબલ પાસેની ખુરશી પર ગોઠવાયેલી બંને આકૃતિઓ ના નસકોરાં વાટે ચ્હા ની વરાળ બંને ની ભીતર સુધી પહોંચે છે, તે વરાળ ને ગરમી કહેવી કે હૂંફ તે બંને માંથી કોઇ નક્કી કરી શકતું નથી.


અંધકાર વધુ ને વધુ ઘેરો બનતો જાય છે. બંનેની આંખોમા હૂંફ આવીને બેસી જાય છે અને એક નવા જ ચહેરાનો , એક નવા જ સંબંધનો ઉદય થાય છે. ઊંચી મુકાયેલી રજાઈની સળોમાં ધીમે ધીમે સળવળાટ થાય છે ને સળ ઉકેલાય છે , ઝિલમિલાતા રેશમી પડદાનું વિસ્તરણ થાય છે, અંધકારમાં સળવળતી કાયાના દિલમાં ઉજાસ પથરાયેલો લાગે છે. દીવાલો વચ્ચે નો અંધકાર બંનેને ઘણુંબધું મેળવી આપે છે .અંદરની હવા બંનેને એક નવતર સંબંધ આપે છે . બે ગ્રહો એક જ સ્થાન માં આવી મળે છે -જાણે વર્ષો પહેલા છુટા પડી ગયેલા ગ્રહો ત્રિભેટે આવીને ન મળ્યા હોય !!!


સ્ત્રી ના શ્વાસ - ઉચ્છશ્વાસ નો સમન્વય સધાય છે .અદ્રશ્ય થતી પીઠ તેના શ્વાસ બની પથરાયેલો છે ને પીઠ ફરતાં જ ભટકાતી આકૃતિ સ્ત્રી ના ઉચ્છશ્વાસ ઝીલી લે છે પોતાના બાહુ ફેલાવીને.શ્વાસ લેતી ને ઉચ્છશ્વાસ નું અવલંબન પામતી સ્ત્રી આકૃતિ નિશ્ચય કરે છે કે આ બંને આકૃતિ એ જ છે પોતાના શ્વાસ -ઉચ્છશ્વાસ. અંધકાર -ઉજાસ વચ્ચે અવિરત ચાલતો સમય એટલે હું. ચાલતો રહેતો સમય એનો એ જ છે .દિવસ-રાત બદલાય છે અને એ દિવસ-રાત એટલે નદીના બે કાંઠા. એકની ઉદારતા એ મારો શ્વાસ અને એકની મારા માટેની તડપ એટલે મારો ઉચ્છશ્વાસ.


આ દીવાલો તળે , આ દીવાલો માં ન જાણે કેટલાય શ્વાસ શ્વસાયા હશે , વહી ગયેલા અંધકારે ઘણાં નું ઘણુંબધું છિનવ્યું હશે , પણ મને તો આપ્યો છે તેણે એક નવતર ઉજાસ. બે ગ્રહોનું એક સ્થાનમાં આવીને મળવું .મારા શ્વાસ લઇ આ દીવાલો એ મને ઉચ્છશ્વાસ આપ્યો અને મારી જિંદગી ચાલવા લાગી શ્વાસોચ્છશ્વાસ ના સુમેળથી .


કૉલબેલ રણકે છે. બંનેની આંખોમા આતુરતા છે ને બારણું ખોલતાં જ અંદર પ્રવેશતી કાયાની આંખોમા છે આતુરતા ઉપરાંત આનંદ.... ચાર આંખો સામે નિહાળી રહેલ સ્ત્રી ની બંને આંખો માં હર્ષ છે , આનંદ છે , પ્રસન્નતા છે .એક નવા જ સંબંધનો કેફ અંજાય છે એ છએ આંખો માં. હ્રદયના દરિયા માં હવે પૂનમની ભરતી છે ને આકાશમાં છે બે ગ્રહોનું ત્રીજા ગ્રહમાં મિલન. સિક્કાની બીજી બાજુ જેવો ઉજાસ પથરાયો છે ત્રણે ય દિલમાં.ને દીવાલો હસે છે....ધીમું ધીમું.....


સૂરજ ધીમે ધીમે અધ્ધર ચડે છે.તેના કુમળા કિરણો ત્રણેય ની આંખોમા ઉજાસ પાથરે છે . અંધાર ઓઢીને બેઠેલી દિવાલો એ ત્રણેય ના ખોવાયેલા શ્વાસ શોધી આપ્યા. ત્રણેને હવા સ્પર્શી ગઈ, ઉજાસ આભઙી ગયો , વસંત ખીલી ઊઠી ને ત્રણેય હસી ઉઠ્યા એક જ છત નીચે .


પીઠ વાળીને અદ્રશ્ય થઈ ગયેલી કાયાની સાથે એક બીજી પણ કાયા ચાલે છે. એક પીઠના બદલે હવે બે પીઠ છે..આવજે કહેવા ઊંચા થયેલ હાથમાં , હાથના હળવેકથી થતા હલનચલન માં આનંદ છે, આંખોમા તૃપ્તિ છે ને પીઠ વાળીને ગયેલી બંને કાયા પાછું વાળી , હાથ ઊંચા કરી આવજો કહી ફરી આગળ ધપે છે .ને બંનેના પડછાયા લંબાય છે ગેલેરીમાં ઊભેલી એ પુરુષ આકૃતિ સુધી......પડછાયા ઊંચા થયેલ હાથને અડકવાના આભાસ સાથે ધીમે ધીમે અદ્રશ્ય થતા દેખાય છે.

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843