અવઢવ : ભાગ : ૯
“ત્વરા ,
સાવ અજાણી અસમંજસ , કશ્મકશ ... ઉબડખાબડ , ઠબલાતા ધબકારા ... ઉભરાતી , છલકાતી , છૂપાવતી આંખો ... ખોડંગાતી ,છલકાતી ,રઝળતી ,અનાથ વાચા ...લથડતો ,પછડાતો , લૂલો વ્યવહાર ...લપસતી,તલસતી ,મરડાતી લાગણીઓ ...સાવ વિપરીત .... એક અછડતો સ્પર્શ ... સાનિધ્યની સુગંધ ...ઉત્તમ અભિનય = વર્ષો પછીની આજની આપણી મુલાકાત ... “
નૈતિકનો મેસેજ વાંચતા જ ત્વરા સ્તબ્ધ થઇ ગઈ .બાપ રે …નૈતિક આટલું બધું તીવ્રતાથી વિચારે છે ….અનુભવે છે ….!! અને મેં માન્યું કે એક જૂની ઓળખાણ તાજી થઇ બસ …!!! એના મનમાં એક ડર પણ ઉભો થયો …અને સંકોચ પણ . પણ પછી તરત થયું ચાલો વર્ષોથી રહી ગયેલું કહેવાઈ ગયું . એક સપનું સંપન્ન થયું હોય એમ એના મોં પર અનાયાસે એક સંતોષનું સ્મિત આવીને ગોઠવાઈ ગયું. એને આ મેસેજ ગમ્યો . એણે એક એક શબ્દને ફરી ફરી ..વારે વારે વાંચ્યા કર્યો ….અને અનુભવી પણ લીધો ….એ પળોમાં બેપળ જીવી પણ લીધું …આથી વિશેષ કરવાની એને સત્તા પણ ન હતી અને ઈચ્છા પણ નહી ….!!
આ બાજુ નૈતિકે પણ મેસેજ મોકલ્યા પછી એ જ વિચાર્યું …. ‘આવો મેસેજ આ ઉંમરે મેં મોકલ્યો ? કાશ , સાચા સમયે કહી શકાયું હોત …!!’ ધ્રુવની તબિયત અને ત્વરા સાથેની મુલાકાત આ બંને વચ્ચે એણે મધરાત સુધી પીસાયા કર્યું .સવારે જામનગર પહોચતા જ પહોંચ્યાંનો એક મેસેજ ત્વરાને કરી દીધો .
ઘરે પહોચી ફ્રેશ થઇ તરત ધ્રુવને દવાખાને દાખલ કરવાની દોડધામમાં એ પડી ગયો. પ્રેરણાની હાલત પણ ચિંતાના કારણે ખરાબ હતી ..એને પણ સંભાળવાની હતી …બાયોપ્સી … ઓહ ..!!
દવાખાનું શબ્દ જ એક તો ડરામણો છે અને સ્વજનની માંદગીના સમયે સારા કરતા ખરાબ વિચાર વધુ આવે છે એ પણ એક અણગમતી વાસ્તવિકતા છે . વ્રુક્ષો પાનખર અને વસંતને તટસ્થ ભાવે જોઈ શકે છે ….બદલાતી ઋતુ અને એની અસરોને પણ સહી શકે છે ….પણ માણસનો મૂળભૂત સ્વભાવ લાગણીશીલ અને ચંચળ હોવાથી જીવનમાં થતી નાની હલચલથી પણ બેબાકળો થઇ જાય છે . અને આવા સંજોગોમાં મનમાં ચિંતા અને અજંપાનું ઘોડાપૂર ઉભરાતું હોવા છતાં પુરુષ તરીકે મનને મજબુત રાખી બધાને સાચવવા પડતા હોય છે … નૈતિક એક પિતાની ભૂમિકામાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઇ ગયો …..
પ્રેરણાના કુટુંબીઓ પણ ખડેપગે હતા. એ એક મોટો સધિયારો હતો. ડોક્ટર સાથે વિગતે વાત કરતા સમજાયું કે વારે વારે બીમાર પડતા ધ્રુવનાં આગલા રીપોર્ટસ પછી એને ટીબીના રીપોર્ટસ અને ગળામાં થયા કરતી ગાંઠ માટે બાયોપ્સી કરાવી જરૂરી છે . ટીબીનું નામ સાંભળતા જ નૈતિક ચોંકી ગયો. આજકાલ માથું ઉંચકેલ આ જીવલેણ બીમારી વિષે એણે ઘણું વાંચ્યું હતું . એટલે એ ગભરાઈ ગયો . ડોકટરે ફક્ત શંકા છે એટલે ન ગભરાઈ હિંમત રાખવા સલાહ આપી. પોતે કુટુંબથી દૂર ગયો અને આ મુસીબત આવી પડી એવું બધું વિચારતો એ જાતને દોષી માનવા લાગ્યો. એકલી પ્રેરણા કેટલા મોરચે લડતી હશે એ વિચારી એના પર દયા પણ આવી ગઈ. એકબીજાના સહારે આખો દિવસ નીકળી ગયો . એક રાત દવાખાને રહી બીજે દિવસે રજા મળવાની હતી અને રીપોર્ટસ જલ્દી આવવાના હતા.
ત્વરાને પોતાના કામો ઉપરાંત વિચારવા માટે હવે નૈતિક અને ધ્રુવના મુદ્દાઓ પણ મળી ગયા હતા. શું થયું હશે એવું એ સતત વિચાર્યા કરતી … પણ નૈતિકના છેલ્લા મેસેજ પછી સામેથી મેસેજ કરું કે નહી એ અવઢવમાં હતી. તો બીજી બાજુ નૈતિકને આવા સમયે સાથ આપવો જોઈએ એ પણ લાગતું હતું …અને એટલે એણે ‘ all well ? ‘ એવો મેસેજ કરી દીધો. સામેથી ‘hope so’ નો નાનકડો જવાબ ત્વરાએ બધું ઠીક હશે એ અર્થમાં લઇ તો લીધો . પણ એ મનમાં વધુ ખળભળાટ કરવા માટે પૂરતો હતો. ત્વરાને નૈતિકનો આવો ટૂંકો અને એકાક્ષરી જવાબ મળ્યો એટલે એ ન ગમ્યું. ત્યાં શું થઇ રહ્યું છે એ મને જણાવી ન શકાય ? એક જાતનો હક , એક જાતની અધિકારની લાગણી એના મન પર હાવી થઇ ગઈ હતી . નૈતિક વિષે બધું જાણી લેવાની , જાણ્યા કરવાની સતત ઈચ્છા થઇ આવતી હતી .
એણે નેન્સીને પણ નૈતિકનું આ વર્તન નથી ગમ્યું એમ કહ્યું. નેન્સીએ અત્યારે નૈતિક તકલીફમાં છે અને સમય આવશે ત્યારે જણાવશે એવું કહી વધુ ચર્ચા ન કરી .તો ઘરમાં પ્રેરક ત્વરાના મનની દરેક હલચલ અનુભવી રહ્યો હતો . આખરે એણે આ સ્ત્રી સાથે વર્ષો વિતાવ્યા હતા …!!! પ્રેરક સામેની વ્યક્તિને ખુબ સારી રીતે સમજી શકતો અને વધુ લાંબી ચર્ચા કે સામેવાળાને અપમાનજનક અવસ્થામાં મુક્યા વગર સમસ્યા હળવી કરી શકતો હતો …. ત્વરાની ધ્રુવ માટેની ચિંતા દ્વારા એ ત્વરાને નૈતિકની થોડું વધુ નજીક જતી પણ જોઈ રહ્યો હતો…. એણે એકાદ બે દિવસ પછી ફોન કરી જાણી લેવું એવી સલાહ ત્વરાને આપી દીધી …. !!!
બીજે દિવસે મોડી રાતે “બધું ઠીક છે …રીપોર્ટ આવે એની રાહમાં છું …ધ્રુવને તો એકદમ સારું છે “. એવો મેસેજ આવી ગયો એ પછી કોઈ વાત ન થઇ . ત્રીજે દિવસે .. પ્રેરણાની નામરજી છતાં વધુ રજા લેવાય એવું નથી એવું લાગતા રીપોર્ટસ આવે એટલે આવી જઈશ કહી નૈતિક અમદાવાદ જવા નીકળી ગયો .સવારે ૧૧ વાગે ત્વરાને ફોન કરી બધું જણાવી દીધું …
નૈતિકનો ફોન આવતા જ બધી ફરિયાદો ભૂલી એની સાથે દોસ્તી ઉપરાંત દર્દના સંબંધથી જોડાઈ ગઈ હોય તેવું ત્વરાને લાગ્યું … એકાદ બે મેસેજ કરીએ એ નૈતિકને આડકતરો સધિયારો આપ્યા કરતી … પણ રાતે ફેસબુકની ચેટ બોક્ષમાં નૈતિક રહી રહીને ત્વરાને જૂના દિવસોની યાદ અપાવ્યા કરતો …સ્મરણો પર ચડી ગયેલી ધૂળ એ ખંખેર્યા કરતો …બોટિંગ , કેમ્પ અને કોડાઈકેનાલની વાતો વાગોળવી એને ગમતી હતી ….નૈતિકને ત્વરા સાથે વધુને વધુ વાતો કરવી ગમતી …. સામે ત્વરા સતત એના અને પ્રેરકના સંસારની , સમજણની.. દોસ્તીની વાતો કર્યા કરતી. નૈતિક ત્વરા વિષે આટલા વર્ષોના એના જીવન વિષે જાણવા ઉત્સુકતા બતાવતો એટલે એક સમયની શાંત ત્વરા ખીલી જતી. પ્રેરક અને બંને બાળકોનો આજુબાજુ એની દુનિયા સીમિત હોય તેવું નૈતિકને લાગતું.એ કાયમ સકારાત્મક રહેતી. એ કહેતી :’મારું ..સુખ એટલે મારી આજુબાજુનું વાતાવરણ એટલે ઘર , પરિવાર , મિત્રો અને વ્યવસાય બધે જ મારા કારણે ખુશખુશાલ રહે તે.’ નૈતિક એને સાંભળ્યા કરતો .
અનુષ્કા અને ધ્રુવ વિષે ત્વરા એટલું જાણી ચુકી હતી કે જાણે એમને વર્ષોથી ઓળખતી હોય …એ બંને વિષે વાત કરતા ત્વરાના મનમાં રીતસર વ્હાલ ઉમડતું. એ વખતે નૈતિકને પહેલી વાર ફોન પર થયેલી વાત યાદ આવતી …’નૈતિકનો અંશ’ ધીમે ધીમે ત્વરાએ અનુભવ્યું કે નૈતિકને પ્રેરણાની વાત કરવામાં બહુ રસ નથી .એવું કેમ છે એ જાણવાની ઈચ્છા તો થઇ પણ હાલના સંજોગોમાં આવું પૂછવાથી નૈતિક કદાચ અપસેટ થાય એવું વિચારી એણે વધુ પૂછવાનું ટાળ્યા કર્યું …
કેટલીક વાર એક ડર કે અંદેશાથી આપણે કોઈ ખાસ વિષય સ્પર્શતા નથી …..ખોલતા નથી .કદાચ કશુંક ન ગમે એવું સાંભળવા મળી જાય એ એક મોટો ભય હોય છે .
ત્રણ ચાર દિવસ સુધી સતત ત્વરાની વાતો એની પૂછપરછ અને કાળજી ..સંભાળ નૈતિકને ધીમે ધીમે ખુબ ગમવા માંડી. આમ પણ ત્વરાની આભાથી એ પહેલેથી અંજાયેલો હતો ….આધેડ વયે પુરુષને લલચાવે એવું નહી …ગમ્યા કરે એવું ત્વરાનું આંતરિક સૌદર્ય નૈતિકને વધુને વધુ અભિભૂત કરતું ગયું.
દરેક વ્યક્તિમાં અંદર એક બીજો ‘સ્વ’ રહેતો હોય છે જે લોકોથી, દુનિયાથી એક્દમ ખાનગી હોય છે. પોતીકો..સાવ અંગત……અંગત….!!
નૈતિકનો આ સ્વ ત્વરાની સાથે વાત કર્યા કરવાથી ખીલવા અને ખુલવા માંડ્યો હતો. એને પોતાની જાત પણ ગમવા માંડી હતી .સાવ અજાણ્યે એના મનમાં ત્વરા અને પ્રેરણાની સરખામણી થયા કરતી . પ્રેરણા તરફ કોઈ ફરિયાદ , અણગમો કે એવી કોઈ લાગણી હોવાનું કોઈ કારણ જ નહોતું મળતું પણ તોય આ પડાવ પર મળેલી ત્વરાની દોસ્તી અજાણતામાં એને ખાસ લાગવા માંડી હતી. એક જાતનું એટેન્શન એને મળવા લાગ્યું એટલે હશે કે પછી એની ત્વરા તરફની સુકાઈ ગયેલી લાગણી પર લીલોતરી છવાઈ એટલે હશે કે પછી પુરુષ તરીકે એનો અહં સંતોષાવા લાગ્યો હતો ? એને પોતાને આ બધું સમજાતું ન હતું.
આવી જ હાલત ત્વરાની પણ થઇ રહી હતી….જેમ જેમ નૈતિક એના અને પ્રેરણા વિષે કહેવાનું ટાળતો ગયો તેમ તેમ ત્વરા એ સંબંધોને સમજવા મથ્યા કરતી હતી . એટલે જ રહી રહીને એ આ વિચારે ચડી જતી હતી. ક્યારેક પોતાની જાતને પણ પૂછી બેસતી ..’આ બધું જાણીને મારે શું કરવાનું છે ? નૈતિકના જીવનમાં આટલો બધો રસ મને કેમ પડે છે ? મારે શું સાંભળવું છે ? એ કે નૈતિક મને હજુ miss કરે છે ? અને એમની કશુંક ઠીક ન હોય તો હું રાજી થઈશ કે દુઃખી ? પણ એણે મનોમન ધ્રુવની તબિયત ઠીક થાય એટલે સામેથી પ્રેરણા તરફ મૈત્રીનો હાથ લંબાવવાનું નક્કી કરી લીધું .
વચ્ચે વચ્ચે પ્રેરક સાથે પ્રાપ્તિ પણ ધ્રુવ અને નૈતિક વિષે પુચ્છા કરી લેતી. એક આખો પરિવાર બીજા એક પરિવારની એક વ્યક્તિ સાથે જોડાઈ ગયો હતો. જયારે ત્વરા આ બધું નૈતિકને કહેતી ત્યારે નૈતિકને પોતાની જાત વામણી લાગતી. નવેસરથી ફૂટેલો એક આખો સંબંધ એણે પ્રેરણાથી છુપાવ્યો હતો એનો અપરાધભાવ તો હતો જ પણ ત્વરાને આ નહી કહી શકવા બદલ અફસોસ પણ થતો.પણ ધ્રુવની બીમારીના વિચારો અને ચિંતામાંથી દૂર રહેવા એને ત્વરાની લાગણીનો મજબુત સહારો મળી ગયો હતો .સહજભાવે એણે શબ્દોમાં મઢ્યા વગર પોતાને ત્વરાની કિંમત છે એવું દર્શાવવા માંડ્યું .
જો કે નૈતિકના આ મનોમંથનથી ત્વરા સાવ અજાણ હતી.એ તો એક નિર્ભયતાથી , નીડરતાથી નૈતિક સાથે જોડાયેલી રહેતી .સંબંધમાં નિર્ભયતા અરસપરસના વિશ્વાસનું પરિણામ અને પરિમાણ છે…!!! એને પ્રેરક અને એની પરિપક્વતા પર આંધળો વિશ્વાસ હતો અને પોતાની જાત પર પણ ખરો. નેન્સીને પણ હવે ત્વરાની ઝાઝી ચિંતા ન થતી … છતાં એના મનના એક ખૂણામાં પ્રેરણાના પ્રતિભાવ વિષે રહી રહીને શંકા જાગ્યા કરતી …એકાદ વાર ત્વરા સાથે આ વાતનો અછડતો ઉલ્લેખ પણ કર્યો …અને ત્વરા તો એવું વિચારતી જ હતી.
રીપોર્ટસ તો ન આવ્યા ..શનિવાર આવી ગયો …નૈતિક જામનગર જવા નીકળી ગયો .એક રાતે પ્રેરકના ખભા પર માથું મૂકી સુતેલી ત્વરાએ પ્રેરણા અને નૈતિકનાં સંબંધો વિષે વાત છેડી . એની વાત સાંભળી પ્રેરકે કહ્યું
‘ પુરુષ કે સ્ત્રી કોણ વધારે અધિકારભાવ ,માલિકીભાવ ધરાવે છે એ બહુ ચર્ચાઓ પછી નક્કી થઇ નથી શક્યું . દરેક વ્યક્તિ અલગ અલગ સમયે સાવ અલગ હોય છે . નૈતિકને આપણે એક મિત્ર તરીકે જ જોયો છે ..જોવો પણ જોઈએ …એ સામેથી ન કહે ત્યાં સુધી એના ઘરના લોકો વિષે ઝાઝું કુતૂહલ ઠીક નહિ …. હા , ધ્રુવ માટેની આપણી ફિકર વ્યાજબી છે . પણ આપણી સીમા એની મૈત્રી સુધી જ છે ..એથી આગળ આપણે કશું વિચારવું ન જોઈએ કે ચર્ચવું પણ ન જોઈએ ‘
ત્વરાએ ‘hmm hmm’ કરી સામે ચર્ચા કર્યા વગર બધું સાંભળ્યા કર્યું … જાણે એના દરેક દુઃખ, તકલીફ કે સમસ્યાનો હલ પ્રેરક પાસે જ હોય.
શનિવારે સવારે લગભગ ૧૧ વાગે રીપોર્ટસ આવી ગયા …બધાનાં માથા પરથી એક મોટો બોજ ઉતરી ગયો… ધ્રુવની રોગપ્રતિકારક શક્તિ ઘણી ક્ષીણ થઇ ગઈ હતી …એ સિવાય બધું ઠીક હતું …છતાં એના ખોરાક અને દવા વગેરેની અત્યંત સભાળ રાખવાની ડોકટરે તાકીદ આપી .એક મેસેજ ત્વરાને પણ મોકલાઈ ગયો ..ત્વરાને પણ હાશકારો થયો . જાણે અજાણે આપણા સુખ અને દુઃખની ચાવી આપણે બીજાઓના હાથમાં સોપી દેતા હોઈએ છીએ .એના મોં પરની રાહત જોઈ નેન્સી આવા વિચારે ચડી ગઈ.
ધ્રુવના નોર્મલ રીપોર્ટ પછી ઘરમાં આનંદ છવાયો હતો .પ્રેરણા અને અનુષ્કા ખુબ ખુશ હતા અને નૈતિક ખુબ ચિંતામુક્ત …!!!
એ રાતે એકદમ હળવાશભર્યા પતિપત્ની વીતેલા દિવસોની વાત કરી રહ્યા હતા .નૈતિક પ્રેરણાની વાતો સાંભળી રહ્યો હતો .પોતાની સંગીનીથી છૂપાવી રાખેલી ત્વરાની વાત આજે એના હોઠ પર આવી જ ગઈ . એણે બહુ સહજતાથી ઝાઝી સચ્ચાઈ અને થોડા જૂઠ મિશ્રિત વાત કરી દીધી. નવરા બેઠા ફેસબુક પર અચાનક કોઈ કોમન મિત્રની પોસ્ટ પર એ અને ત્વરા મળી ગયા અને કોઈક વાર વાતો કે મેસેજ થાય છે એટલું ઉપરછલ્લું કહી બાકીની બધી જ વાત સિફતથી છૂપાવી દીધી. અને આટલું કહ્યા પછી પ્રેરણાના હાવભાવ અને પ્રતિભાવ જોવા એ એની સામે જોઈ રહ્યો .
બહુ સરળ પણ નોકરી કરતી અને જમાનાને જાણતી પ્રેરણા થોડી વાર તો કશું ન બોલી શકી પછી વેધક નજરે નૈતિક સામે જોઈ એક ધારદાર સવાલ પૂછી લીધો.
‘જો તૂટે એ સંબંધ અને ટકે એ વ્યવહાર હોય તો આ સંબંધ ક્યારેય તૂટ્યો હતો કે વિસરાયો હતો ? અને જો તૂટ્યો હોય તો હવે ફક્ત વ્યવહાર જ નિભાવવાનો છે ને ?
નૈતિક સડક થઇ એની સામે જ જોઈ રહ્યો ..એને અંદેશો હતો કે પ્રેરણાને નહિ ગમે પણ આ ઉંમરે નૈતિક વિષે એ આવું વિચારી શકે છે એ જાણી એની ખુલ્લા દિલે કરવા ધારેલી વાતો કોચલું વળી પાછી વળી ગઈ …..સંબંધ અને વ્યવહાર આ બેમાં સાચું શું એ તો એ પણ જાણતો ન હતો .
એને એકદમ ચુપ થયેલો જોઈ પ્રેરણાએ ઉમેર્યું ..’ તમારી તરફ મને કોઈ ફરિયાદ નથી …..તમે એક પત્નીને મળવા જોઈતા કોઈ હકથી મને વંચિત રાખી જ નથી ….અને હું એટલી સંકુચિત પણ નથી કે તમારા પર અવિશ્વાસ કરું ..શંકા કરું …પણ ત્વરા નામ પડતા જ મને તૃષાએ કહેલી એકએક વાતો યાદ આવી જાય છે . અને આજે સાચું કહી દઉં …મારા મનનાં એક ખૂણે મને એવું હંમેશા લાગ્યું છે કે ત્વરા તમારા માટે બહુ ખાસ વ્યક્તિ છે …અમીટ યાદ છે અને હવે જ્યારે એ હકીકત બની સામે આવી છે ત્યારે મને સખત અસુરક્ષિતતાનો અનુભવ થઇ રહ્યો છે ….!! આપણા આટલા વર્ષના સાથ અને મોટા થયેલા બાળકો પર આની અસર ન પડે એ વિચારવાનું કામ હવે હું તમારા પર છોડું છું .’
એની ભરાઈ આવેલી આંખોમાં નૈતિક પ્રત્યેની અશ્રદ્ધા લાલશ બની પ્રસરેલી જોઈ નૈતિક નવેસરથી અવઢવમાં ફસાઈ ગયો … આ એક એવો ચક્રવ્યૂહ હતો જે એ જેટલી વાર સુલઝાવવાનો પ્રયત્ન કરતો એટલી વાર એ નાસીપાસ થતો ….એને ઘણું કહેવું હતું …ગયા થોડા દિવસોમાં એણે અનુભવેલી સાફદિલ ત્વરાની મૈત્રી.. ફિકર , પ્રેરકનો અદ્દભુત સ્વભાવ ,પ્રાપ્તિની મીઠાશ અને આખા પરિવારની સંભાળ વિષે …પણ વાતાવરણમાં એવો ભાર છવાઈ ગયો કે એના હોઠે આવેલા શબ્દો પાછા વળી રીતસર ઠુંઠવાઈ ગયા.
હવે પ્રેરણા પાસે વધુ વાત કરવાનો કોઈ અર્થ જ નથી એ એને સમજાઈ ગયું.વર્ષો સુધી મનમાં સંગ્રહીને પાળી પોષી ઉછેરેલા પૂર્વગ્રહને દૂર કરવો આમ પણ અશક્ય લાગે . પ્રેરણાની માનસિકતા અને આજે ખુલીને બહાર આવેલી અસુરક્ષિતતાએ નૈતિકને આગળ કશું બોલવા લાયક રાખ્યો જ નહી .
પ્રેરણા પણ વધુ બોલ્યા વગર ચુપચાપ સુઈ રહી .અલબત ઊંઘ તો નૈતિકને પણ ક્યાં આવવાની હતી …..!!
ક્રમશ :