અવઢવ : ભાગ : ૧૧ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવઢવ : ભાગ : ૧૧

અવઢવ : ભાગ : ૧૧

‘અરે ,એવું નથી પણ પ્રેરણાના મનનું સમાધાન હું કરી શકું તેમ નથી અને દોસ્તી કોઈ છૂપાવીને કરવાની વસ્તુ નથી … :( ..આપણે મિત્રો છીએ ? જો એમ હોય તો એમાં છૂપાવવા જેવું શું છે ? …. આપણે પ્રેમીઓ છીએ ? એ તો નથી જ ….!! તો હું શું નામ આપું ? તું મારી વાતનું આટલું ખરાબ ન લગાડ .:( ‘

એવા નૈતિકના જવાબમાં એણે લખ્યું….

‘ના ..હું જરાય ખરાબ નથી લગાડતી પણ તમારો એ ભ્રમ દુર કરી દઉં…..કલાકો સુધી ચેટ કરનારને…પોતાના જીવનની બધી વાતો , મુશીબતો શેર કરનારને ખબર ન હોય કે એનો સામે વાળી વ્યક્તિ સાથે સંબંધ શું છે ..? હું સારા અને ઉદાર મનની મિત્ર ખરી ….ભલી ખરી ભોળી નથી … :( મારા જીવનમાં તમે હોવાથી મને કોઈ ખતરો નથી …પણ એનાથી ઉલટું તમારે લાગે છે…. તમારી વિષે …પ્રેરણાના સ્વભાવ વિષે તમે જાણતા હોવા છતાં સામેથી મારો સંપર્ક કરવાનો….મારા ઘરે આવવાનો …મારી સાથે કનેક્ટેડ રહેવાનો હેતુ મને હવે નથી સમજાતો ….!!! :/

નૈતિક પાસે પોતાના મનમાં ઉઠતા સવાલો , પ્રેરણાના મનમાં ઉઠતી શંકા અને ત્વરાના મનમાં ઉઠતી ફરિયાદોના કોઈ જવાબ ન હતા … એ ચારેબાજુથી ઘેરાઈ ગયો હોય તેવું એને લાગવા માંડ્યું … પોતે ક્યાં ભૂલ કરી બેઠો એ જ એને સમજાતું ન હતું.

વાતના વેરવિખેર થયેલા તારને સરખી રીતે સંકેલ્યા વગર જાણે કાયમ માટે જૂદા પડતા હોય તેમ …કમને ગુડ નાઈટ કહી દઈ બંને ઉભડક, ઉચક અને ઘવાયેલા ચિત્તે ઓફલાઈન થયા. ત્વરા પાસે રોકાવાનું કારણ ન હતું તો નૈતિક પાસે રોકવાનું .

જેમ છેક કિનારાને સ્પર્શીને મોજાઓ પાછા ફરવા લાગે છે તેમ યાદોના ઝબકારે જેમ વીતેલા દિવસો પર ક્ષણભર પથરાયેલા અજવાળા ઝાંખા પડી રહ્યા હતા.

પથારીમાં પડતા જ નૈતિકની આંખો સજળ થઇ ઉઠી ….. ત્વરા એના માટે પહેલા શું હતી કે હવે છે એ એને પણ ખબર ન હતી …પણ હવે ફરી વાર ત્વરાને પોતાની જીંદગીથી દૂર થતી એ કેવી રીતે જોઈ શકશે એ વિચારે એ વિહ્વળ બની ગયો હતો … એને પણ ત્વરા સાથે સંપર્ક જાળવી જ રાખવો હતો …પણ પ્રેરણાની જાણબહાર જળવાયેલ એ સંબંધ કેટલો ઠીક કહેવાય ? છેતરામણી ન કહેવાય ? જો કે ત્વરાની બધી દલીલ સાથે એ સંમત હતો કે આ ઉંમરે દૂર રહીને બસ એકબીજાને એક સહારો કે સાથ આપવાની વાત ખોટી કેવી રીતે કહેવાય ? શારીરિક આકર્ષણ કે એવા કોઈ સંબંધોમાં સપડાઈ જવાનો ભય ત્વરા કે નૈતિક બેમાંથી કોઈને ન આવે એટલી પીઢતા બંનેમાં હતી અને એ રીતે બંને પોતાના જીવનસાથીઓ સાથે ખુશ પણ ક્યાં ન હતા ? ત્વરાને દુઃખી કરી હોવાના વિચારે નૈતિક નાસીપાસ થઇ ગયો ..

પ્રેરણા આ વાતને હળવાશથી ન જ લઇ શકી એનો સખ્ત અફસોસ અને ગ્લાની એને થઇ આવી …એક પુરુષ તરીકે એ ભલે સફળ રહ્યો હોય પણ એક પતિ તરીકે સાવ નિષ્ફળ ગયો હોય તેવું તેને લાગ્યું .. અને પ્રેરકની યાદ આવી જતા એનું મનમાં એક ગીલ્ટ અને નિરાશા ઉભી થઇ આવી .

આ બાજુ કોમ્પ્યુટર બંધ કરીને પ્રેરકની પડખે આવી આડી પડેલી ત્વરાની આંખોમાં પણ ક્યાં ઊંઘ હતી ? આટલી ખરાબ રીતે નૈતિક સાથે વાત કરવા બદલ એ પોતાની જાતને એ જરૂરી હતું એમ સમજાવવામાં લાગી હતી. ખુલ્લી આંખે છત સામે જોઈ રહેલી ત્વરાની આંખોમાંથી એ ગુસ્સો ખારું પાણી બની ઓશીકા પર ટપકી રહ્યો હતો. સ્વભાવે થોડું વધુ લાગણીશીલ હોવાથી સંબંધનો અસ્ત સ્ત્રીના મનમાં થોડો મોડો થતો હશે કે પછી વાતને વિસારે પાડવામાં થોડી વધારે વાર કદાચ વાતને વાગોળ્યા કરવાની આદત જવાબદાર હશે .પણ આટલા વર્ષે નૈતિકનું એના જીવનમાં પુનરાગમન અને ઉભી થયેલી સાવ અવઢવ જેવી સ્થિતિ ત્વરા માટે અસહ્ય બની રહી હતી.

કેટલાક સંબંધો માવઠા જેવા હોય છે ….સાવ બેમોસમી વરસાદ જેવા …..આવે ત્યારે ઘડી બેઘડી માટીની મહેક મનને તરોતાજા ..તરબતર કરી મુકે …પણ પછી બધું વેરવિખેર …..અસ્તવ્યસ્ત કરી મુકે …..!!!!

જેમતેમ સવાર પડી …. કોલેજમાં મીડ ટર્મ વેકેશન આપ્યું હોવાથી પ્રેરકે રજા લીધી …. એણે ત્વરાને પણ રજા લઈ લેવા આગ્રહ કર્યો ..આમ પણ ત્વરા ઘણી ઉદાસ હતી અને ઉજાગરાને કારણે એનું મન પણ હતું જ નહી ..એક ફોન નેન્સીને કરી ‘તબિયત ઠીક જ છે પણ પ્રેરક ઘરે છે એટલે અમસ્તી જ રજા લે છે’ એવું જણાવી દીધું .ગમે તેની સાથે તમે હસી શકો પણ આંસુ સારવા માટે એક મિત્ર મળવો બહુ દુર્લભ છે …. ત્વરા માટે નેન્સી એક સામાન્ય મિત્રથી ઘણી વિશેષ હતી એટલે એનાથી કોઈ વાત છૂપાવવી શક્ય ન હતી પણ રૂબરૂ મળીને બધી વાત અને મૂંઝવણ કહીશ એવું ત્વરાએ આશ્વાસન લઇ લીધું .

સવારથી ત્વરા ખુબ વિચારોમાં ખોવાયેલી જ આખા ઘરનું કામ સમેટતી ગઈ .ગઈ રાતે થયેલી વાતો રહી રહી એના મનને દૂભાવતી હતી…દુખાવતી હતી…નૈતિક આવી છૂપા છૂપી શા માટે રમે છે ? નૈતિક જેવા ઠરેલ માણસના જીવનમાં આટલી બધી ઉલઝનો હોય શકે એ માનવામાં ન આવે એવી વાત હતી .પણ એ ખોટુ પણ શા માટે બોલે ? પુરુષને પોતાનો અહં ન હોય ? આવા વિચારોમાં ત્વરા વ્યસ્ત રહી .

સવારે નૈતિક ઉજાગરાને કારણે સાવ થાકેલો ઉઠ્યો. ઉઠતાં વેંત ત્વરા સાથે રાતે થયેલી વાતો એને વીંટળાઈ ગઈ. એના લાગણીશીલ મનને હવે રહીરહીને પોતાની ભૂલ દેખાવા માંડી …. રેડિયો પરના એક કાર્યક્રમ અને કેમ્પના વાતાવરણના સંમોહનમાં એણે ત્વરાને મોકલેલી રીક્વેસ્ટ ભૂલ જેવી લાગી …ત્વરા સાથે ચેટ માટેની ઈંતેઝારી … ફોન પર વાતો અને છેવટે એના ઘર સુધી પહોંચી ત્વરા ઉપરાંત એના આખા પરિવાર સાથે જોડાયો એ બધું ભૂલોની વણઝાર જેવું લાગ્યું … તો સામે એની વ્યવહારુ સમજ પ્રમાણે વિચારતા એ ત્વરાથી પ્રેરણા અને પ્રેરણાથી ત્વરાને એ કેટલા દિવસ દૂર કે છૂપાવીને રાખી શકવાનો હતો ? એને એટલે પોતાની બધી વાતો અને વર્તન ઠીક અને યોગ્ય સમયના લાગ્યા … ઉફ્ફ ..આ બધા વિચારોના વંટોળમાં એનું માથું ભારે થઇ ગયું. ચા મંગાવી એણે એક સાથે બે એનાસીન ગળી લીધી.

ચુપચુપ દેખાઈ રહેલી ત્વરાને જોઈ બપોર પછી પ્રેરકે અચાનક લોંગ ડ્રાઈવ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો . જો કે એમાં કશું નવું ન હતું .તરવરીયો પ્રેરક આવું તો ઘણું કર્યા કરતો. એનું મગજ સતત કશુંક નવું વિચાર્યા કરતું. હાલતી ચાલતી ઉર્જા હતો એ .ત્વરાને વરસાદ અને એ પછી છવાતું વાતાવરણ ખુબ ગમતું એ પ્રેરકને ખબર હતી . દરેક માટે એનું પ્રિય પાત્ર જ નબળાઈ પણ હોય છે અને શક્તિ પણ હોય છે . ત્વરાનું તો આખું વિશ્વ જ પ્રેરક હતો એટલે એની કોઈ પણ વાત ઉથાપવા માટે ત્વરા પાસે કોઈ દિવસ કોઈ બહાનું રહેતું જ નહી. આજે કમને પણ ત્વરા તૈયાર તો થઇ જ ગઈ.

ઘરેથી નીકળ્યા પછી ત્વરાએ વાદળછાયા વાતાવરણમાં ક્યાંક થોડી વાર બેસીએ એવી ઈચ્છા કરતા … પ્રેરકે કારને રીવરફ્રન્ટ તરફ લઇ લીધી . શાંત પાણી સામે એકટશ જોઈ રહેલી ત્વરાની સામે જોઈ પ્રેરકે પૂછ્યું
‘શું વિચારે છે ?’
‘સાગરને મળવાની આશામાં આ નદી કેટલું ભટકીને , કેટલું ધરબીને ..કેટલું ઢસડીને અહીં શાંત બની બેસી રહી હોય તેવું કેમ લાગતું હશે ?’
એવો જવાબ સાંભળી પ્રેરક એની સામે જ જોઈ રહ્યો . પછી બે કાંઠે વહી રહેલી નદી તરફ હાથ લંબાવી પ્રેરકે કહ્યું:
‘એ એની નિયતિ છે … તો જેવી હોય તેવી , જ્યારે આવે ત્યારે , જેટલી પહોંચે એટલી ..એની રાહમાં રહેવું એ સાગરની નિયતિ નથી ?’
ત્વરાએ એક પ્રેમાળ નજર પ્રેરક પર નાખી લીધી. પ્રેરકે એનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યું ….કાલે રાતે તું સુવા આવી ત્યારે હું જાગતો હતો. તને મેં બહુ અપસેટ જોઈ … આજે રજા લેવા અને લેવડાવાનું કારણ એ જ છે ….શું વાત છે ? મને નહી કહે ?

એની આંખોમાં છલકાતો વિશ્વાસ અને લાગણી જોઈ ત્વરાએ પ્રેરણાના શંકાશીલ સ્વભાવ અને એ પછી થયેલી ચર્ચાઓ અને પોતાનો પક્ષ પણ કહી દીધો …અને આમ પણ છૂપાવવા જેવું હતું પણ શું …!!! લાંબા લગ્નજીવન પછી પતિપત્ની અનાયાસે એકબીજાની ટેવો અપનાવી લેતા હોય છે … શાંત ચિત્તે સાંભળવું એટલે જ સમજવું એવું માનતી ત્વરાની અસરમાં વાતોડિયા પ્રેરકે પણ સાંભળવાની કળા હસ્તગત કરી લીધી હતી…. આ બધું સાંભળી નદીકિનારાના ઠંડા પવનોથી ઉડાઉડ કરતા પોતાના વાળને બે હાથે સરખા કરતા પ્રેરકના મોં પર હળવું સ્મિત આવી ગયેલું જોઈ ત્વરા એની સામે અચંબાથી જોઈ રહી. એના મોં પર પથરાયેલી નવાઈને સમજી ગયો હોય તેમ પ્રેરકે બોલ્યો : …
‘મને હતું જ કે આવું કશુંક હશે.અને મેં તમે હિન્ટ પણ આપી હતી ..તને યાદ હોય તો .’
જવાબમાં કશું ન સમજતા ત્વરા બોલી ..
‘એટલે ?એ તો અમસ્તી વાત નહોતી ? તમને કેવી રીતે ખબર હતી કે પ્રેરણા આવી શંકાશીલ છે ?’
જોર જોરથી માથું ધુણાવતા પ્રેરક બોલ્યો …
‘સાવ એવું તો નહી પણ જે રીતે નૈતિક તને પ્રેરણાથી દૂર રાખી રહ્યો હતો એ જોઈ સમજવું બહુ સહેલું હતું કે આવું કશુંક હશે .કોઈ પણ પાત્રને ભૂતકાળ સાથે જોડયા વગર સમજવું એક અન્યાય છે ….ભૂતકાળ સિવાય વર્તમાનકાળ ન જ સમજી શકાય …. તારી પાસેથી નૈતિક વિષે મેં જે પણ જાણ્યું છે એ પ્રમાણે નૈતિક એક લોકપ્રિય અને સહ્રદયી વ્યક્તિ છે એટલો તો ખ્યાલ હતો જ … હવે આવી વ્યક્તિ જે ઘણી સક્રિય હોય અને જેના દોસ્તો ઘણા હોય અને તેની પત્ની જો એને સાચે જ પ્રેમ કરતી હોય તો અસુરક્ષિતતા ન અનુભવે તો જ નવાઈ લાગે. તેં કહ્યા પ્રમાણે નૈતિક ઘણા કેમ્પસ અને એવી સાંસ્કૃતિક પ્રવૃતિમાં સક્રિય હતો … સારો સિંગર હતો તો મારું એ પણ અનુમાન છે કે એના જીવનમાં ઘણી સ્ત્રી મિત્રો હશે જ અને એટલે પ્રેરણાની શંકા દ્રઢ થઇ હશે…. શંકા કોઈ વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ નથી હોતો …સંજોગોને આધીન… કેટલાક અનુભવોને આધીન હોય છે . ખોટો પણ હોઈ શકું પણ આવું મારું માનવું છે . ‘
એ આટલું બોલી રહ્યો ત્યાં જ ત્વરાએ પૂછ્યું :
‘પણ આવું હોય …સંબંધો ખુબ નાજૂક હોય …શંકાની સોયથી વીંધાયા કરતા હોય તો વ્યક્તિ અને વખત વેડફાઈ જવાની શક્યતા બહુ વધારે હોય. અને એક વાત સાચે સાચી કહો …સગાઈથી માંડી આજ સુધી મારી નૈતિક સાથેની દોસ્તીથી કોઈ જલન, ઈર્ષ્યા, ગુસ્સો કે અસુરક્ષિતતાનો અનુભવ તમને થયો હોય એવું મને તો ન લાગ્યું . બધી જ વાત તમને ખુલ્લા દિલે કહી શકાય એટલા સહજ કેમ છો ? જો પ્રેમમાં ઈર્ષ્યા જરૂરી હોય તો તમને ઈર્ષ્યા કેમ નથી થતી ? એનો અર્થ હું એ કરું કે તમે મને પ્રેમ નથી કરતા ?’

એકટક એની સામે જોઈ સવાલો પૂછતી ત્વરાને નદીના પાણી તરફ જોઈ અત્યાર સુધી મરકી રહેલા પ્રેરક ના મોં પર સહસા એક ગંભીરતા પ્રસરતી દેખાઈ ….એક સોપો પડી ગયો ક્ષણો વચ્ચે …પછી શાંત પણ સ્વસ્થ અને સ્થિર અવાજે ભાવવાહી અને થોડી દ્વિધાસભર આંખે ત્વરા સામે જોઈ પ્રેરકે કહ્યું ….

‘ત્વરા , મારે આજે એક કબૂલાત કરવાની છે … !! ‘

હળવા પવન અને માછલીની ચહલપહલથી પાણીમાં હરકત થઇ ઉઠતી હતી … પ્રેરકની વાત સાંભળી ત્વરાના મનમાં પણ તરંગો ઉભા થઇ ગયા .સાંજ અને રાત વચ્ચેનો ગાળો હતો … ડૂબતા સુરજના આછા અજવાળા નદીના પાણીને આછેરો ઝળહળાટ આપી રહ્યા હતા . હજુ ફ્રન્ટ પરના થાંભલા પર રોશનીનો શણગાર લાગ્યો ન હતો …ત્વરા ઈચ્છતી હતી કે એના જીવન પર રાતના ઓળા ન પથરાઈ જાય .

એક અછડતી નજર ત્વરા પર નાખી પ્રેરકે જાણે ત્વરાની આંખોમાં ડોકાઈ રહેલા સવાલનો બોજ ન ઝીલી શકતો હોય તેમ નજર પાછી વાળી પાણી તરફ જોયા કર્યું .અચાનક એ ઉભો થયો ‘હમણાં આવું’ કહી ઝડપી પગલે ચાલતો થયો …ત્વરા એને જતા જોઈ રહી એનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું …એને ગળે સોસ પડ્યો ..બાજુમાં હાથ ફેરવ્યો ..પાણીની બોટલ ન હતી …એને સમજાયું કે પ્રેરક કારમાં પડેલી પાણીની બોટલ લેવા જ ગયો હશે … એ એમ ને એમ બેઠી રહી .. હાથમાં રહેલા ફોન પર પ્રાપ્તિનું નામ ઝબકયું ..એણે ‘અમે રીવર ફ્રન્ટ પર બેઠા છીએ અને થોડું મોડું થશે’ ..એમ કહેતા જ સામેથી ખળખળ વહેતી ખુશી એના કાનમાં ઠલવાઈ ગઈ ..’હા હા , ઘરડે ઘડપણ જલસા કરો ..આરામથી આવજો’ એમ કહી પ્રાપ્તિએ ફોન મૂકી દીધો ….. !

ફરી પાછી પળો થંભી ગઈ હોય તેવું લાગ્યું … એના ધબકારા વધી ગયા . એવું તો શું કહેવાનું હશે ?

આટલા વર્ષો સુધી પ્રેરકે શું છુપાવ્યું હશે ? ઈશ્વરની જેમ આરાધેલા માણસ વિષે કશુંક અણગમતું સાંભળવા મળશે તો હું શું કરીશ ? પ્રેરકે મને જેવી હતી તેવી ….જેવી છું તેવી સ્વીકારી છે ..હું એવું કરી શકીશ ? એક સાથે અનેક સવાલો ત્વરાના મન પર હથોડાની જેમ વિંઝાયા . એના હાથના ટેરવા બરફ થવા લાગ્યા .એ ઠંડક આકરી લગતી હોય તેમ બંને હાથની હથેળીઓ એણે ઘસી નાખી .અને પોતાની હથેળી પરની આડી અવળી ફંટાયેલી રેખાઓ જોઈ રહી .આપણો હાથ એક બીજી વ્યક્તિના હાથમાં સોંપવાથી હસ્તરેખામાં કોઈ ફેરફાર થતો હશે ? રેખાઓનાં શાસ્ત્ર વિષે એણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું .સંબંધોને જીવી જિંદગીની ગતિ સીધી કરવામાંથી એને ફુરસત ક્યાં મળી હતી ?પાછો આવી પ્રેરક ક્યારે બેસી ગયો એ ધ્યાન ન રહ્યું …પાણી લેવાના બહાને પ્રેરકે પોતાના મનમાં રહેલી બધી વાતોને ભેગી કરી લીધી હતી….મનને તૈયાર કરી લીધું હતું …આજે એને પૂરું ખુલવું હતું .વિચારમગ્ન ત્વરાને જોઈ એને ખરાબ લાગવા માંડ્યું …ધીમેથી એના હાથમાં પાણીની બોટલ મુકાતા ત્વરાએ પ્રેરક સામે જોયું ….!

ફિક્કું હસી ‘તમે કૈક કહેતા હતા’ એમ બોલી ત્વરાએ પોતાના હાથની રેખાઓને છૂપાવતી હોય તેમ મુઠ્ઠીઓ વાળી લીધી અને અધીરાઈ દબાવી બને એટલી સહજતાથી કહી જોયું.

લાંબો શ્વાસ લઈ પ્રેરકે ત્વરા સામે જોઈ શરુ કર્યું :

‘તું નથી જાણતી એવા પ્રેરકને જાણવો છે ? એક નહી અનેક કબૂલાતો કરવાની છે આજે …. મને એ વાતનો અહેસાસ છે કે તારા માટે હું પતિ કે મિત્ર ઉપરાંત ઘણું વધારે છું ….. પણ તું ધારે છે એટલો સારો હું નથી .’

ક્રમશ:

About these ads

Occasionally, some of your visitors may see an advertise