અવઢવ ભાગ—૨
નીવારોઝીન રાજકુમાર
અચાનક રેડિયો પર RJ વૈષ્ણવીનો અવાજ એના કાનમાં ગુંજી ઉઠ્યો અને એ હસી પડ્યો . યાદ …દરેક જીવન આવી કોઈને કોઈ યાદ છુપાવીએ બેઠું હોય છે …!!! નૈતિકના મનમાં એ કેમ્પના દિવસોની યાદે કબજો જમાવવા માંડ્યો . કાનમાંથી પ્લગ્સ કાઢી એણે આંખો બંધ કરી … ત્વરા ..ત્વરા એક એવી છોકરી જે બહુ ધીમા પગે એના જીવનમાં પ્રવેશી ગઈ હતી … એક અંતરાલ પછી એ થોડી સંપર્કમાં આવી જ હતી..આમ પણ મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી હોય છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છે …પણ આવું એકાંત અને વિચારો માટે આવી મોકળાશ મળતા આજે ફરી પાછી ત્વરા એના મનોપટ પર હાવી થવા લાગી .
મદ્રાસ સ્ટેશન પર થયેલી એક નાનકડી ઘટના પછી નૈતિક ફરી પાછો પોતાના દોસ્તો તરફ વળી ગયો …વાતો અને અનુભવો કહેતો ગયો . અને મદુરાઈ પાસેના ગાંધીગ્રામમાં પહોચતા સુધી ત્વરા સાથે કોઈ ઓળખાણ પણ ન થઈ . અને આમ પણ બહુ ચંચળ ન ગણાતા નૈતિકનું ધ્યાન ત્વરા તરફ અને બહુ જલ્દી ભળી ન શકતી ત્વરાનું ધ્યાન નૈતિક તરફ ન વળ્યું . કેમ્પના સ્થળે તો છોકરાઓ અને છોકરીઓના અલગઅલગ જગ્યાએ ઉતારા હતા . અન્ય શહેરોમાંથી આવેલ છોકરીઓ સાથે પણ ત્વરા ધીમે ધીમે મિત્ર બની રહી હતી .બાકી મોટાભાગે જુનાગઢની એની પોતાની કોલેજની સખીઓ હર્ષા અને પૂનમ સાથે જ વધારે રહેતી . ત્વરા … બહુ ગોરી ન કહી શકાય પણ એકંદરે ઘણો નમણો કહી શકાય તેવો નાકનકશો અને એકવડિયું શરીર … મોટેભાગે મોટીમોટી અને અત્યંત ભાવવાહી આંખોથી આજુબાજુ બનતી ઘટનાને કુતુહલથી જોયા કરવું અને વાતે વાતે મલકાયા કરવું . વધુ વાતો કરવી એ એનો સ્વભાવ ન હતો. પણ બીજાની વાતોથી કંટાળતી પણ નહી …એક સારી શ્રોતા કહી શકાય. હંમેશા બોલીને કે સવાલો પૂછીને જ શીખી શકાય એવું નથી હોતું …ચુપચાપ પરિસ્થતિને સમજી એને અનુકુળ થતા એને આવડતું … બાકી બીજી યુવતીઓની જેમ ખીલખીલાટ હસતા અને ખુલીને વાત કરતા ભાગ્યે જ કોઈએ જોઈ હશે. બધાને ક્યારેક લાગતું કે જાણે એ પોતાના મનના દરવાજાને સજ્જડ બંધ કરીને બેઠી છે .ધીમે ધીમે બધા એકબીજાના નામો અને ગામોથી પરિચિત થવા લાગ્યા. અને એકબીજા સાથે દોસ્તી થવા લાગી. દર્શનાબેનને આ ચુપચાપ રહેતી ત્વરા થોડી વધારે વ્હાલી લાગતી એટલે એને પોતાની સાથે અને પાસે રાખવાની કોશિશ કરતા .
એકરોમાં ફેલાયેલા ગાંધીગ્રામમાં …કેમ્પમાં સવારે વહેલા ઉઠી શ્રમદાન કરવાનું રહેતું …એટલે કે એક રોડ બનાવવાનો હતો …સાવ નવતર કહેવાય એવા કામમાં જોડાતા બધા થોડા વધારે ઉત્સાહી લાગ્યા . એમાંય ૧૦ વાગે એક ટ્રેક્ટર નાનકડી સિન્ટેક્ષની ટાંકી ભરી લીંબુ પાણી અને ખુબ બધા બાફેલા ચણા લઈને આવે એની રાહ બધા કાગડોળે જોતા . એકબીજા સાથે ગીતો ગાતા ગાતા કામ કરવાનો આ અનુભવ ત્વરા સહીત બધા જ યુવાનોને ખુબ નવો લાગ્યો … શરીર થાકે પણ મન ખુશ રહે એવી આ પ્રવૃત્તિ બધાને ખુબ ગમી … શરીરનો થાક ઉતારી બપોરે જમ્યા પછી કેટલાક વ્યાખ્યાનો ગોઠવાતા અને સાંજે આખા દેશમાંથી અલગઅલગ રાજ્યોમાંથી આવેલા યુવાનો પોતાના રાજ્યની ઝાંખી કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરતા . ત્વરા અને બીજી યુવતીઓ પોતાનાથી કરી શકાય તેટલું કામ કરતા .કેમ્પના અન્ય યુવાનો કરતા એ નૈતિકને થોડી વધારે ઓળખતી હોય તેવું ત્વરાને લાગવા માંડ્યું . સવારે શ્રમદાન વખતે ગોરા અને સારી કહી શકાય તેવી હાઈટબોડી ધરાવતા નૈતિકને સખ્ત પરસેવો પાડતા જોયા કરતી , બપોરે વ્યાખ્યાનમાં એક ઉત્સુક વિદ્યાર્થી તરીકે સવાલો પૂછતા જોતી તો સાંજે અન્ય રાજ્યોના કાર્યક્રમને બિરદાવતા પણ જોતી ….સમયપત્રક પ્રમાણે ગુજરાતનો વારો મહારાષ્ટ્ર સાથે છઠ્ઠા દિવસે આવ્યો .કુશળ અને પારખું દર્શનાબેને બધાને એમની રસ અને રૂચી પ્રમાણે કામો સોંપ્યા એટલે બધા બમણા જોશથી તૈયારીમાં મચી પડ્યા . મોડી રાત સુધી તડામાર તૈયારીમાં મદદ કરતા નૈતિકને જોઈ ત્વરાની આંખમાં એક અહોભાવ અંજાવા લાગ્યો . એની વાત કરવાની રીતભાત , બધાને પોતાના માની મદદ કરવાની તત્પરતા અને અનુભવ એ જોઈ રહેતી ..તો નૈતિક પણ ક્યારેક વધુ સમય શાંત પણ સહજ રહેતી ત્વરા તરફ કોઈ કામ કે ડાન્સના સ્ટેપ વખતે થોડું વધુ ધ્યાન આપતો . ધીમે ધીમે એકબીજાનું થોડું વધારે ધ્યાન રાખતા થઇ ગયા .પાણી પીધા પછી બોટલ આપોઆપ એકબીજા તરફ લંબાઈ જતી . જમતી વખતે કે કાર્યક્રમ વખતે એકબીજાની આજુબાજુમાં રહેવાની કોશિશ શરુ થઇ એ તો નૈતિકના મિત્રોના ધ્યાનમાં આવતું ગયું અને એમણે નૈતિકની મજાક કરવાનું શરુ કર્યું .પણ વાતને વધુ તુત આપ્યા વગર નૈતિકે સાવ સામાન્ય વ્યવહાર ચાલુ રાખ્યો . અને આમ પણ બીજી યુવતીઓમાં પણ એ ફેવરીટ તો હતો જ અને મદદરૂપ પણ .
પણ સંજોગો એવા બનતા ગયા કે એ બંને નજીક આવતા ગયા … બધાને અલગ અલગ કામો સોંપાયા એટલે કેમ્પના કેટલાક રીપોર્ટસ બનાવવામાં એકબીજાની મદદ કરવા બેસવું પડતું . બંનેનું અંગ્રેજી થોડું વધુ સારું હોવાથી મદુરાઈ રેડિયો સ્ટેશન પર એમના ઈન્ટરવ્યું પણ લેવાયા . ડાંસ માટેના ગીતો પસંદ કરવા પણ એક આખું ગ્રુપ બેસતું . છતાં કોઈ અંગત કે એકલા બેસી વાતો કરવાનો કોઈ સવાલ હતો જ નહિ .આંખના ખૂણેથી છાનુછ્પનું જોઈ લેવાતું . છતાં લાગણીનું વાવેતર થઇ ગયું હતું એ નક્કી વાત હતી . મૌનની પણ એક ભાષા હોય છે . એ ઝડપથી ઉકેલાવા લાગી . જાણે ઓળખીને ઓગળી જવું હોય તેમ ટોળામાં રહી એકબીજાને સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન આપોઆપ થવા લાગ્યો .
ગુજરાત ડે ને દિવસે અન્ય કાર્યક્રમો વખતે માહોલ ખુબ જામ્યો હતો અને અંતે નૈતિકે એક ગીત ગાયું અને અન્ય રાજ્યના લોકોના દિલ પણ જીતી લીધા …
“બડી દુર સે આયે હે પ્યાર કા તોહફા લાયે હે” …
ચારેબાજુ તાળીના ગડગડાટથી જાણે યાદોની વણઝાર વિખાઈ ગઈ હોય પડી હોય તેમ નૈતિકે એક ઊંડો શ્વાસ લઇ પડખું ફરી લીધું .
જીવનમાં આગળ વધી જઈને પાછળ વળી બે વાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવા ….
નૈતિકના જીવનમાં કશાની દેખીતી કમી ન હતી ..સમાજમાં નામ , ઘરમાં સન્માન બધું જ હવે મળી ગયું છતાં આજે ફરી એક વાર ભૂતકાળે ઉથલો માર્યો હતો અને એ વીતેલા સમયમાં એ જાણીબુઝીને ખોવાઈ જવા માગતો હતો .કેટલાક ગૂંગળાઈ ગયેલા બનાવોનો ડૂમો ભરાઇ આવતો હોય છે ને ક્યારેક એનો વસવસો પણ તરી આવતો હોય છે …………! આજે જાણે ઊંઘવું જ ન હોય તેમ નૈતિકે યાદોની કડી સાથે ફરી પાછા તાર જોડવાની કોશિશ કરી … કોઈ અર્થ ન હોય …આવા ઉજાગરાની કોઈ જરૂર પણ ન હોય ..પણ માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે . કોલેજકાળમાં સાથે અને આગળપાછળ ભણતી ઘણી છોકરીઓ એની નજીક આવવા પ્રયત્ન કરતી ..એકાદબે યુવતીની થોડું વધુ નજીક એ પહોંચી પણ ગયો હતો . પણ કશુંક વિશેષ કે અંદરથી ઝંઝોડી નાખે , તરબતર કરી નાખે એવું બીજી કોઈ સાથે ક્યાં બન્યું હતું ..!!! ત્વરા સિવાય …..!!!
દિવસો વીતવા સાથે નૈતિકને આટલું બધું ચુપ રહેતી ત્વરા વિષે વધુ જાણવાની ઈચ્છા થઇ આવતી પણ સમય અને સંજોગો એવી છૂટ ન આપતા કે એકાંતમાં વાત થાય . આ બાજુ ત્વરા પોતાના મનોભાવો છુપાવાની મથામણ કર્યા કરતી … કેમ્પના દિવસો પુરા થવામાં હતા …આટલા દિવસોમાં ભાવનગર , અમદાવાદ , જુનાગઢ , વડોદરા , જામનગર અને સુરતથી આવેલા બધા જ એકબીજા સાથે ખુબ હળીમળી ગયા હતા . નાની નાની ટોળીઓ બની ગઈ હતી . એક દિવસ મદ્રાસ ફરવાનું નક્કી જ હતું એના બદલે અહીં સુધી આવ્યા છીએ તો કોડાઈકેનાલ જઈ આવીએ એવું નક્કી થયું . મોટાભાગે બધા જ મધ્યમ વર્ગમાંથી આવેલા હતા એટલે આવો ફરવાનો અને ખાસ તો દોસ્તો સાથે ફરવાનો મોકો કોઈ ગુમાવવા કોઈ તૈયાર ન હતું . દરેક હિલ સ્ટેશનને પોતાની એક આગવી સુંદરતા હોય છે .કોડાઈકેનાલ પણ અતિ સુંદર જગ્યા છે . બધા એ સ્યુસાઈડ પોઈન્ટ , ટેબલ લેન્ડ જેવા લગભગ દરેક હિલ સ્ટેશન પર હોય તેવા જોવા લાયક સ્થળો મોજથી જોયા …ત્રણ મેટાડોર ભાડે કરી હતી ….ત્વરા હંમેશની જેમ એની ટોળી સાથે જ ફરતી હતી . કોડાઈકેનાલમાં એક ઝીલમાં બોટિંગ માટે બધા ઉતાવળા થયા …પણ પેડલબોટમાં બેસવા માટેની કોઈ તાલાવેલી ત્વરાના ચહેરા પર ન દેખાઈ . બધા એકબીજાને આગ્રહ કરતા, બોલાવતા એક પછી એક ચાર, છ અને આઠ લોકોને બેસાડી શકે એવી બોટમાં બેસવા લાગ્યા … ત્વરા મિત્રોના આગ્રહને ખાળતી એક બાજુ ચુપચાપ ઉભી હતી … દર્શનાબેને પણ એકાદ વાર બોલાવી પણ વિચારોમાં ખોવાયેલી ત્વરાનું ધ્યાન એક જગ્યાએ જમા થયેલા પાણીના જથ્થા …તળાવ પર જ હતું .
એકટક તળાવના વિસ્તાર અને ડહોળાયેલા રહેલા પાણીને જોઈ રહેલી ત્વરાથી જીવન અને જળની સરખામણી આપોઆપ થઇ ગઈ .જીવન તો નદી કે ઝરણાની જેમ ખળખળ વહેવું જોઈએ . અઢળક મહેનત , અનેક મુશ્કેલીઓ ,અકલ્પ્ય મુકામો પાર કરી મંજિલે પહોંચવાની મજા સંકોચાઈને એક સ્થળે બેસી રહેતા ડરપોક માણસને કદી ન સમજાય . પણ એકબીજા સાથે ભળવાનું , ઓગળવાનું , સંકોચાવાનું , વિસ્તરવાનું આમ પણ બધાના નસીબના ક્યાંથી હોય ….!!!
લગભગ બધા જ બોટમાં બેસી ગયા . અને એમણે દૂર દૂર જતા જોઈ રહેલી ત્વરાને અચાનક બાજુમાં આવીને ઉભેલા નૈતિકના અવાજે ચમકાવી દીધી … “ત્વરા , બધાને બેસાડતા હવે હું એકલો જ બચ્યો છું અને તને અહીં ઉભેલી જોઈ . તું આવે તો હું પણ બોટિંગ માટે જઈ શકું … બે જણની બોટમાં જઈએ . આવે છે ? ”
આટલા દિવસના નૈતિકના સંયમિત અને સભ્ય વર્તનથી પ્રભાવિત થયેલી ત્વરા બોટિંગ માટે જરાય ઈચ્છા ન હોવા છતાં નૈતિકને ખરાબ લાગશે એ લાગણીથી એની પાછળ ખેંચાઈ ગઈ . એમને એક બોટમાં બેસતા જોઈ દુર દુરથી તૃષા , કમલેશ , સાગર , પૂનમ અને હર્ષાના અવાજો આવ્યા ….”મસ્ત પ્લાનીંગ” , “ભારે જબરા” એવી ખુબ મશ્કરી કરી …એ જોઈ ત્વરા થોડી ઝંખવાઈ ગઈ . એને સહારો આપી બેસાડવા લંબાયેલા નૈતિકના હાથમાંથી પોતાનો હાથ એણે હળવેથી છોડાવી લીધો .પેડલબોટમાં બેસતા જ સામાન્ય સંજોગોમાં સાવ સહજ રહેતી ત્વરાના મોં પર શરમના શેરડા ઉતરી આવ્યા એ વાત નૈતિકે નોંધી . એને ત્વરાનું આ શરમાળ રૂપ બહુ ગમ્યું . જાણે કે એને ગમાડવાનું એક વધુ કારણ મળ્યું . પહેલી વાર આટલું એકાંત મળતા નૈતિક મનોમન ઘણો ખુશ થયો તો એમની બોટની નજીક આવી જતા મિત્રોની મજાક અને કોમેન્ટ્સથી ત્વરા થોડી અસ્વસ્થ લાગી. હળવા પગે મરાતા પેડલથી બોટ બીજા મિત્રો સાથે વાતો અને મસ્તી કરતા કરતા સરોવરની બરોબર વચ્ચે આવી . મિત્રો થોડા દુર રહી ગયા .ત્વરા એવી ટેવ પ્રમાણે એકદમ ચુપ હતી …અચાનક નૈતિકે ત્વરા સામે જોયું અને ફટાફટ પૂછી લીધું .
” એક વાત છે … પૂછું કે કહું ? ”
ત્યાં જ બાજુમાં પડેલો મોબાઈલ રણકી ઉઠ્યો ….અને નૈતિક પથારીમાંથી ઉભો થઇ ગયો . સામેના છેડે પ્રેરણા હતી . ‘શું કરો છો ?’ ‘કેમ હજી સુતા નથી ?’ ‘વાંચો છો કે ટીવી જુઓ છો ?’ આવા એક પછી એક સવાલો ફોનમાંથી ખરી પડ્યા . આવા પરવાહથી છલોછલ સવાલોથી ટેવાયેલા નૈતિક ને આજે ત્વરાના વિચારોમાંથી બહાર આવતા સ્વાભાવિક રીતે થોડી વાર લાગી . અવાજ ખંખેરીને થોડી વાર એણે પ્રેરણા સાથે આડીતેડી વાતો કરી પણ સામે છેડે અત્યંત હોંશિયાર એવી પ્રેરણાએ એના અવાજના સાવ બોદા રણકાને જાણે ઓળખી લીધો હોય તેમ એક ધારદાર સવાલ ફેંકી દીધો : ‘ આજે કેમ તમારા અવાજમાં આવો સુનકાર વર્તાય છે ? ‘નૈતિક તો જાણે કોઈ ચોરી કરતા પકડાઈ ગયો હોય તેમ ફોનના આ છેડે સાવ ચુપ થઇ ગયો . નૈતિકને અસ્વસ્થ અવસ્થામાં મૂકી ‘ જલ્દી સુઈ જજો..નકામી તબિયત બગડશે ‘ કહી પ્રેરણાએ ફોન મૂકી દીધો . એક ભારે નિશ્વાસ મૂકી નૈતિકે એક ઝાટકે આખી બોટલ પાણી પી લીધું .
પ્રેરણા ,આટલી સમજદાર પત્નીથી પોતાની મનોદશા અને કેટલીક વાત છુપાવી રાખવાનો અફ્સોસ એને થઇ આવ્યો .
યોગાનુયોગ કેમ્પમાં સાથે આવેલી તૃષા પ્રેરણાની ફોઈની દીકરી હતી . નૈતિક ખુબ વ્યવસ્થિત નોકરીમાં જોડાયો હતો અને એની ખુબ સરસ છાપના કારણે તૃષાએ એના ફોઈની દીકરી માટે આ સંબંધ કરવા તરત હા પાડી હતી .કેમ્પ દરમ્યાન ત્વરા અને નૈતિક વચ્ચે વિસ્તરેલી લાગણીઓની એ સાક્ષી હતી . અને આ વાત સાવ સહજતાથી એણે પ્રેરણાને કહી હતી . પણ નૈતિકને ચીડવવા થોડી વધારે લંબાણપૂર્વક કહેવાયેલી વાત પ્રેરણાના મન પર બહુ ઊંડી અસર મૂકી ગયા હતા .એણે નૈતિક અને ત્વરાના સંબંધો વિશે પોતાના મનમાં કેટલીક મનઘડંત ઘારણાઓ બાંધી લીધી હતી અને આટલા વર્ષોમાં અનેક વાર ‘તમને કોઈ વાર ત્વરાની યાદ આવે ખરી ?’ એવું એ પૂછી બેસતી .હદ તો એ હતી કે ક્યારેક અતરંગ અને એકાંત પળોમાં પણ અચાનક “અત્યારે આપણી બંનેની વચ્ચે ત્વરા છે એવું મને કેમ લાગે છે ? ” એવું પૂછતી ત્યારે નૈતિકનું મન અશાંત થઇ જતું અને એ પળો સાવ જ વેડફાઈ જતી . પ્રેરણા તો સાવ સહજતાથી પોતાના મનમાં સળવળતી વાત કહી ઘસઘસાટ ઊંઘી જતી પણ આવું પ્રેરણા કેમ વિચારે છે એ વાત સમજવી નૈતિક માટે બહુ અઘરી પડતી . આ શંકા છે કે માલિકીપણાનો ભાવ એ સમજાતું નહિ … અને આવુ કેટલા બધા વર્ષોથી ચાલતું આવ્યું હતું ….!!!
બહુ રાત વીતી હતી પણ નૈતિકની આંખમાં ઊંઘનું નિશાન ન હતું આજે એ યાદોના ટોળાને ઘક્કે ચડી ગયો હતો .
બોટમાં એણે જ્યારે ત્વરાને પૂછ્યું :
એક વાત છે … પૂછું કે કહું ? ”
ત્વરાએ એની સામે નજર માંડી …એની મોટીમોટી આંખોમાં છવાઈ ગયેલી આસક્તિની લાલીને નૈતિક જોઈ જ રહ્યો .જાણે નૈતિકના સવાલની એને ખબર હોય તેવા ભાવ સાથે આંખોથી જ સંમતિ આપી અને નજર વાળી લઈ પેડલ પર ટેકવી .
ક્રમશ:
— નીવારાજ