સિરિયલ કિલર Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિરિયલ કિલર

સિરિયલ કિલર

- વિપુલ રાઠોડ

રોજની જેમ આજે પણ કલ્પિત બીચ ઉપર એકાંતનાં સમુદ્રમાં વિચારોનાં ઘૂઘવાટમાં ઘેરાયેલો બેઠો હતો. ભૂતકાળની ભૂલોનાં વિચાર અને ભવિષ્યની કલ્પનાનાં જંગલમાં જાણે તે અત્યારે વર્તમાનમાં પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેઠો હોય તેવી તેની હાલત. થોડીવાર દરિયામાં ઉછળતા મોજાઓ સામે બેધ્યાનપણે જોયા કર્યા પછી લટાર મારવાની ઈચ્છા થતાં તે નિર્જન બીચ ઉપર પોતાના પગલાં પાડતો ચાલવા લાગ્યો. ઘેરા અંધારામાં ચંદ્ર પ્રકાશ અને દરિયાના ખારા પાણીમાંથી પરાવર્તિત થતાં આછા મીઠા ઉજાસમાં તે ચાલ્યો જતો હતો. ત્યારે જ તેની નજર અચાનક એક બગલથેલા ઉપર પડી. જીજ્ઞાસાવશ તેણે પાણીનાં મોજાથી ભીંજાઈ ગયેલો એ બિનવારસી થેલો ઉપાડ્યો. તેણે થેલો ખોલીને અંદર જોયું તો માત્ર પારદર્શક કોથળીમાં વિંટાળેલી એક ડાયરી તેને દેખાઈ, બીજું કશું એ થેલામાં નહોતું. કોઈ માણસનો થેલો અહીં પડી ગયું હોવાનું ધારીને તેણે થેલો સાથે લીધો અને જો અંદરથી કોઈ નામઠામ મળે તો જેનો હોય તેને એ થેલો પહોંચાડવાના વિચાર સાથે તે ચાલતા ચાલતા નજીકમાં જ પોતાના ઘેર જવા નીકળી ગયો.

આજે ઘરે તે એકલો હતો. ઘરનું તાળું ખોલીને તે પોતાના રૂમમાં પહોચ્યો. પોતે સાથે લઈ આવેલો થેલો તેણે ટેબલ ઉપર મુક્યો અને થોડીવાર માટે ટીવીમાં જીવ પરોવવાનો પ્રયાસ કરવાં લાગ્યો. જો કે તેમાં પણ કંઈ રસપ્રદ નહીં લાગતા તેણે રૂમમાં આમતેમ નજર ફેરવી. ફરી તેનું ધ્યાન તેને દરિયેથી મળી આવેલા થેલા ઉપર ગયું. આ થેલામાં કોઈ નામ-સરનામુ કે ફોન નંબર હોય તો તે તપાસવા માટે તેણે ફરીથી થેલો ઉપાડ્યો અને પોતાના પલંગ ઉપર બેઠો. ભીનો થઈ ગયેલો એ થેલો પોતાની પથારી ભીની ન કરે તેની કાળજી રાખતા તેણે અંદરથી કોથળીમાં બંધ ડાયરી બહાર કાઢી અને પછી એ થેલાનાં બે ખાના પણ તપાસ્યા. જો કે તેમાંથી તેને કશું જ મળ્યું નહીં. ભીનો થેલો હળવેકથી થોડે દૂર ફંગોળતા તેણે ડાયરીમાંથી આ થેલાનાં માલિકનો પત્તો મળી જ આવશે તેવું ધારીને પાના ઉથલાવવાની શરૂઆત કરી.

પથારી ઉપર લંબાવતાં તેણે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. જેમાં પ્રમાણમાં મોટા અક્ષરે કહી શકાય તેવી રીતે લખેલું હતું 'મારું ભેદી જીવન'. નીચે નામ લખેલું હતું વિદ્યુત સાગર. સાથે એક ફોન નંબર પણ લખેલો હતો. જો કે અત્યારે મોડી રાત હોવાથી, હવે સવારે જ ફોન ઉપર આ ડાયરી અને થેલો મળ્યા હોવાની જાણ કરવાનું કલ્પિતે નક્કી કર્યુ. ડાયરીનાં એકાદ બે પાના ઉથલાવતાં તેને ખ્યાલ આવી ગયો હતો કે આ જેતે વ્યક્તિની અંગત ડાયરી છે. આમછતાં આજની એકલતાને કોઈનાં જીવનમાં ડોકીયું કરી લેવાની અસભ્યતા આચરવામાં ખર્ચી નાખતા પોતાની જાતને તે રોકી ન શક્યો.

એક પછી એક પાના ફેરવતો ગયો અને તેને જેમાં જેમાં રસ પડ્યો એ પાનાનાં લખાણ તે વાંચતો ગયો. જો કે જેમ જેમ તે આગળ વાંચવા લાગ્યો તેનો જીવ ઉચક થતો ગયો. આ ડાયરીમાં લખાયેલા આખરી કેટલાંક પાનામાં તો કલ્પિતને કંપારી છૂટી ગઈ. તેનાં રોમરોમમાં ભયનાં પ્રસ્વેદ બીંદુઓ વછૂટવા લાગ્યાં. અજાણતા જ તેણે કોઈ મોટા કુંડાળામાં પગ મુકી દીધો હોય તેવી દહેશતથી તે થરથરવા લાગ્યો. વળી આજે તે ઘરમાં એકલો હતો અને સ્વભાવે થોડો ડરપોક પણ ખરો. એટલે હવે તેને ઉંઘ આવે તેવી સંભાવના બચી નહોતી.

માંડ કરીને આ ડાયરી સાથે તેણે સવાર પાડી અને પછી ઉતાવળે પ્રાત: ક્રિયાઓ પતાવીને તેણે સીધી પોતાની કાર મારી મુકી. તેણે પોતાની સાથે મળી આવેલો થેલો અને ડાયરી પણ લીધી હતી. તેની કાર રસ્તામાં ક્યાય પણ અટક્યા વિના સીધી જ પોલીસ ચોકીએ જઈને રોકાઈ. પોતાના જૂના મિત્ર અને ક્રાઈમબ્રાન્ચનાં પીએસઆઈ એસ.પી.ઝાલાને તેણે બહારથી ફોન જોડ્યો. તેનો મિત્ર ઓફિસે છે કે નહીં તેની પૃચ્છા કરી. જો કે ઝાલા હજી પોતાના ઘેર જ હતો અને તેણે કલ્પિતને રાહ જોવા કહ્યું. થોડીવાર સુધી તો કલ્પિત તેના પોલીસ અધિકારી મિત્રની રાહ જોઈ શક્યો પણ પછી પોતાની વિહ્વળતાના વશમાં તે વધુ વાર બેસી રહી શકે તેમ નહોતો. તેણે ફરી પોતાના મિત્રને ફોન જોડ્યો અને હવે પોતે તેના ઘરે જ આવી રહ્યો હોવાનું કહ્યું. ઝાલાને પણ આમ ઓચિંતા આવી પડેલા મિત્રને કંઈક ગંભીર મુંજવણ હોવાનો અંદેશો આવી ગયો અને તેણે તેને પોતાના ઘેર જ ચર્ચા કરીશું તેવી ધરપત આપી.

વિનાવિલંબ કલ્પિત ઝાલાના ઘેર પહોંચ્યો અને ચા-પાણીનાં આગ્રહ સામે વધુ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના કલ્પિતે પોતાને મળેલા થેલામાંથી ડાયરી કાઢીને ઝાલાને હાથમાં સોંપી. ઝાલાએ તે હાથમાં લેતા સહજ અચરજ સાથે તેમાં શું હોવાનું પુછ્યું અને તેના આ સવાલથી કારણવગર અકળાઈને કલ્પિતે કહ્યું, ' જો તો ખરા... મારા રૂવાડા હજી પણ ઉભા છે. છેલ્લા આઠેક માસમાં થયેલા પાંચ-છ મર્ડરમાં કોઈ સિરિયલ કિલરનો હાથ હોવાની તારી શંકા સાચી છે.'

'શું?' હવે ઝાલાનાં કપાળ ઉપર કરચલીઓ પાડતા ભંવા તણાયા.

'હાં... તું જેને શોધે છે આ એ હત્યારાની જ ડાયરી છે. એક-એક હત્યા કેવી રીતે કરવામાં આવી, તે વખતે આ હત્યારાની મનોદશા કેવી હતી એ બધી જ વાતો આ ડાયરીમાં તેણે ટપકાવેલી છે. હા, લોહીપ્યાસો હત્યારો કોઈ મનોરોગી હોય તેવો મને અંદાજ આવે છે.'

કલ્પિતની આટલી વાત સાંભળીને ઝાલાએ ઉતાવળે ડાયરીનાં પાનાઓ ઉથલાવવા લાગ્યા. જે - તે દિવસે કેવી રીતે હત્યા કરવામાં આવી, પછી પોલીસને લાશ ક્યારે મળી, પોલીસ પોતાની શોધમાં કેવા હવાતિયા મારી રહી છે તે સહિતની વિગતો આ ડાયરી લખનાર વિદ્યુતે તારીખવાર પ્રમાણે ટપકાવેલી હતી.

કલ્પિતની ભલે રાતની ઉંઘ હરામ થઈ ગઈ હતી પણ ઝાલાને તો સવાર-સવારમાં બગાસું ખાતા પતાસું હાથ લાગી ગયું હોય તેમ તેના જોમનો કોઈ પાર ન રહ્યો. અત્યાર સુધી શહેરમાં દહેશત ફેલાવી દેનાર અને પોલીસની આબરુનો ધજાગરો કરી નાખનાર ભેદી હત્યાઓનો મોટો પુરાવો અને સગડ બની શકે તેવી ડાયરી તેના હાથમાં આવી ગઈ હતી. હવે તે હત્યારાને પાતાળમાંથી પણ ખોળી કાઢવાની તૈયારી મનોમન કરી ચુક્યો હતો. તેણે કલ્પિતને તો સાંત્વના આપીને રવાના કર્યો પણ પછી પોતે આકાશ-પાતાળ એક કરવામાં લાગી ગયો.

સૌથી પહેલા તો તેણે પોતાના આસિસ્ટન્ટને ડાયરીમાં લખાયેલા મોબાઈલ નંબરનાં કોલ રેકોર્ડ અને લોકેશનની વિગતો ટેલીકોમ કંપનીમાંથી કઢાવવાનો આદેશ છોડ્યો. પછી ઓફિસ પહોંચીને તેણે ડાયરીનો ઉંડો અભ્યાસ શરૂ કર્યો. જેમાં તેને આ ડાયરી લખનાર શખસ વિદ્યુતનાં ઘરનાં સરનામાનો અંદાજો મળી ગયો. તાબડતોબ તેણે પોતાની ટીમ તૈયાર કરી અને પોતાના અંદાજ પ્રમાણે એક વિસ્તારમાં તપાસ ચલાવી. જેમાં તેને વિદ્યુત છેલ્લા દસેક મહિનાથી એક ઓરડીમાં ભાડેથી રહેતો હોવાની જાણકારી મળી. જો કે તેના મકાન માલિકે વિદ્યુત એકદમ સાધારણ જણાતો હોવાનું અને છેલ્લા એકાદ અઠવાડિયાથી ભેદી રીતે ગુમ થઈ ગયો હોવાનું જણાવ્યું. ઓરડાની તલાશીમાં ઝાલાને વિદ્યુતનો બંધ સ્વીચઓફફ થયેલો મોબાઈલ ફોન મળી આવેલો. જો કે તેમાંથી ઝાલાને બીજીકોઈ ભેદી માહિતી હાથ લાગી નહીં. મકાન માલિકની મદદથી ઝાલાએ તેનો સ્કેચ તૈયાર કરાવડાવ્યો અને રાજ્યમાં તમામ પોલીસ સ્ટેશનો અને તમામ મીડિયામાં એ તસ્વીર વહેતી કરાવી દીધી.

ઝાલાએ હવે એ હત્યારાને પકડી પાડવા માટે ચારેકોર ઘોડા દોડતા કરી દીધા હતાં. આ દરમિયાન જ તેના હાથમાં વિદ્યુતની કોલ ડીટેઈલ આવી. આમાં તેને કોઈ ખાસ શંકાસ્પદ બાબતો લાગી નહીં. જો કે સમયાંતરે ફોનનાં લોકેશન ક્યા હતાં એ જાણીને ઝાલા પણ ગોટાળે ચડી ગયો. દરેક હત્યાનાં સમયે વિદ્યુતનાં ફોનનું લોકેશન તેના ઘરનું જ જોવા મળતું હતું પણ એ હત્યાનાં થોડા દિવસો પછી તેના ફોનનું લોકેશન લાશ મળવાનાં સ્થળની આસપાસ જોવા મળ્યું. ઝાલાને શંકા ગઈ કે હત્યા વખતે વિદ્યુત ફોન ઘેર રાખીને જતો હશે. જેથી તે કોઈ પુરાવા ન છોડી જાય. વળી હત્યા પછી થોડા દિવસે કદાચ તે ભૂલેચુકે કોઈ પુરાવા છૂટી ન ગયા હોવાની ખાતરી કરવા માટે જે તે સ્થળે જતો હશે તેવો તર્ક ઝાલાએ લગાડ્યો અને હત્યારો ભારે શાતીર દિમાગ હોવાની ધારણા તેણે બાંધી. જો કે આવો ભેજાબાજ ડાયરી લખવાની અને એ દરીયાકાંઠે ભૂલવાની ભૂલ કેવી રીતે કરી ગયો હશે એ સવાલ પણ ઝાલાને અકળાવતો હતો.

શહેરમાં ચારેકોર હવે આ હત્યારાની ચર્ચા ફરીથી છેડાઈ ગઈ હતી. ઠેરઠેર પોલીસે સિરિયલ કિલરના સ્કેચ સાથેની ચેતવણીઓ ચીપકાવી દીધી હતી. લોકોની નજર પણ હવે ભીડ વચ્ચે આ ખતરનાક હેવાનનો ચહેરો શોધતી હતી. આ બધા વચ્ચે એક માણસ બસ સ્ટેન્ડ ઉપર એસટીબસમાંથી ઉતર્યો. થાક ઉતારવા અને રીફ્રેશ થવા માટે તે એક ઠંડાપીણાની દુકાને પહોંચ્યો અને ત્યાં નજીકમાં જ પોતાના ચહેરા સાથેની જાહેર ચેતવણી વાંચીને તે ડઘાઈ ગયો.

હવે તે પોતાના ઘેર જવાને બદલે બધાની નજર ચુકવીને સીધો ક્રાઈમબ્રાન્ચ પહોંચ્યો. પોતાના ચહેરા સાથેની ચેતવણી વિશે પોલીસને જાણ કરીને તેણે ઝાલાસાહેબ સાથે મુલાકાત માગી. તે વખતે કલ્પિત સાથે બેઠેલા ઝાલાએ તુરત જ તેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને તેને જોઈને ઝાલાની આંખમાં આગની ઝાળ ભભૂકવા લાગી.

તેને જોતા વેંત પોતાની ખુરશી ઉપરથી ઉછળીને ઉભા થયેલા ઝાલાનાં મુખમાંથી બેફામ ગાળોની ગોળીઓ ફુટવા લાગી પણ આજીજીનાં સૂરમાં આવેલા શખસે કહ્યું કે ' પહેલા મારી વાત સાંભળો. હું સામેથી તમારી પાસે આવ્યો છું મતલબ કે મારે તમને કશુંક જણાવવાનું છે.' ઝાલાએ ગાળાગાળી બંધ કરતાં જ વિદ્યુતે શાંતિથી પોતાની વાત મુકતાં કહ્યું કે, 'તમે જેને શોધો છો એ હું નથી.' જો કે તેની કલ્પના બહાર ઝાલાએ કંઈ વિચાર્યા વિના એક તમાચો તેના ગાલ ઉપર ચાંભુ પાડી દે તેવી તાકાતથી ઝડી દીધો અને કહ્યું 'તારા જેવા હરામી આવું જ બોલતાં હોય'. આટલું બોલીને બીજો ફડાકો તેણે વિદ્યુતને ચોંટાડી દીધો. જો કે ઝાલાની જેમ જ કલ્પિતને ભારે આશ્ચર્ય પણ થતું હતું કે આ ખતરનાક ખૂની સામેથી કેવી રીતે પોલીસ પાસે આવી ગયો!

'સાહેબ મારી વાત તો સાંભળો... હું કોઈ હત્યારો નથી. હું તો એક લેખક છું. આપણાં શહેરમાં બનેલી ઘટનાઓ ઉપર હું એક ઉપન્યાસ લખું છું. જેમાં મે તાજેતરમાં થયેલી ભેદી હત્યાઓનો આધાર લઈને હત્યારાની કાલ્પનિક ડાયરી લખી છે. આ પુસ્તક હું એવી રીતે લખી રહ્યો છું જાણે હું જ કોઈ સાઈકો હોય અને આ હત્યાઓ કરતો હોય. મેં આ વાર્તા લખવા માટે બધી હત્યાઓના સ્થાનોની પણ મુલાકાત લીધેલી અને પોલીસની તપાસની વિગતો પણ હું લખતો. મારા લખાણની ડાયરી ખોવાઈ ગઈ છે નહીંતર હું તમને બતાવેત. તમારી કોઈ ભૂલ થઈ છે...' નાહક ફસાઈને માર ખાઈ ચુકેલો વિદ્યુત કાંપતા-કાંપતા એક શ્વાસે આટલું બોલી ગયો. વિદ્યુતની આટલી વાત પછી ઝાલાએ તેની ઘણી ઉલટ તપાસ કરી. જો કે તેને ધીમે-ધીમે વિદ્યુતની નિર્દોષતાની ખાતરી થવા લાગી. વિદ્યુતે પોતાના પ્રકાશક સાથે પણ શહેરમાં બનતી હત્યાની ઘટનાઓ વિશે પોતે વાર્તા લખતો હોવાની ચર્ચા કરેલી. તેની સાથે પણ તેણે ફોન ઉપર ઝાલાની વાત કરાવી દીધી. પછી કોઈ મોટી ભૂલ થતી હોવાનું ભાન ધીમે-ધીમે ઝાલાને થવા લાગ્યું હતું. કલ્પિત પણ ત્યાં બેઠા-બેઠા પોતાના હિસાબે એક સાધારણ લેખકને હાલાકી ભોગવવી પડી હોવાના અફસોસમાં સરકવા લાગ્યો હતો.

ઝાલા માથું ખંજવાળતા તેની સામે જોઈ રહ્યો... કલ્પિત પણ શૂન્યમનસ્ક થઈ ગયો.

.........................................................