મારી કરૂણ કથા Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કરૂણ કથા

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

વિષય –મારી કરુણ કથા

લાલજી એટલે લાલજી.મસ્ત માણસ કોઇ ફિકર જ નહિ.આખો દિવસ હસતો રમતો અને મનમરજી પ્રમાણે કામ કરનારો.આખો દિવસ રિક્ષા ચલાવવાનુ કામ કરે.આગળ પાછળ જીવનની કયાં તેને ઉપાધિ હતી.તેના પરિવારમાં કયાં કોઇ હતુ? પોતાનુ કહી શકાય તેવુ કુટુંબ પરિવાર જેવુ કાંઇ તેને ન હતુ. પોતે એકલો જીવ અને એક નાનકડી અપંગ બાળકી જેને કેટલાક બદમાશ લોકો રેપ કરવા માટે લઇ જતા હતા ત્યારે લાલજીએ તેઓ પાસેથી છોડાવીને પોતાના ઘરે લાવ્યો હતો. તે બાળકીનુ પણ કોઇ ન હતુ.તેના માતા પિતા કોણ હતા તે તેને યાદ પણ ન હતુ.એક ભિખારી સાથે તે ભીખ માંગતી હતી અને તે ભીખારીએ જ કદાચ તેના બે પગ કાપી નાખ્યા હતા.તે રસ્તા પર જ રહેતી હતી આખો દિવસ ભીખ માંગતી અને તેના બદલામાં તે ભીખારી તેને લુખુ સુખુ થોડુક કાંઇક ખાવા આપતો. કયારેક કોઇ ભુલ થાય કે તેને ખુબ ભુખ લાગતી અને તે ખાવાનુ માંગતી ત્યારે તે ખુબ જ માર પણ મારતો હતો. લાલજી પાસે આવીને તે બાળકી પણ ખુબ જ ખુશ હતી.લાલજીએ તેનુ નામ “રાખી” પાડયુ હતુ.લાલજી તેને ભણાવતો હાથે રસોઇ કરીને જમાડતો.એક દીકરીને જેમ પ્રેમ આપતો.આઠ વર્ષની રાખીની જીંદગીમાં લાલજીનો પ્રેમ મળતા નવી રોનક આવી ગઇ હતી.લાલજી આખો દિવસ રિક્ષા ચલાવતો અને સાંજે આવીને રાખીને લેશન કરાવતો. લાલજી સવારે વહેલો ઉઠી જાય અને રાખીને તૈયાર કરીને શાળાએ મુકી આવે.પાછો ઘરે આવીને ઘરનુ કામકાજ કરીને રસોઇ બનાવી લે પછી રિક્ષા ચલાવવા માટે જાય.બપોરે રાખી શાળાએથી છુટ્ટે ત્યારે તેને તેડીને ઘરે લઇ જાય તેને જમાડી લે અને પોતે પણ જમી લે.રાખીને સુવડાવીને તેનુ ધ્યાન રાખવાનુ બાજુવાળા ચંપામાસીને કહીને ફરીથી કામે જતો રહે.ચંપામાસી ખુબ જ દયાળુ વ્યકિત્વ ધરાવતા હતા.તે રાખીને ચારેક વાગ્યે ઉઠાડીને નાસ્તો કરાવી પોતાના ઘરે લઇ જતા ત્યાં તેમના પૌત્ર પૌત્રી સાથે રાખી રમતી.સાંજ ઢળતા લાલજી આવી જતો અને આવીને તરત રાખીને લેશન કરાવતો.પછી ઘરનુ કામકાજ કરીને રસોઇ બનાવીને રાખીને જમાડતો.જમીને રાખીને ચંપામાસીના ઘરે ટી.વી.જોવા લઇ જતો.રાત્રે રાખીને સુવડાવીને પછી પોતે સુઇ જતો. રાખી ધીરે ધીરે મોટી થવા લાગી.લાલજીના પરિવારમાં પોતાનુ કહી શકાય તેવી એક રાખી જ હતી.આથી રાખીને તે ખુબ જ ચાહતો.સગી દીકરી કરતાય વધારે પ્રેમથી તેને રાખતો.રાખી જયારથી લાલજીના જીવનમાં આવી ત્યારથી લાલજી થોડા થોડા પૈસા બચાવતો હતો.રાખી પંદર વર્ષની થઇ એટલે લાલજીએ રાખીને કૃત્રિમ પગનુ ઓપરેશન કરાવી આપ્યુ.રાખીને કાયમી માટે કાખ ઘોડીમાંથી મુક્તિ અપાવી દીધી.હવે રાખી પોતાના કૃત્રિમ પગની મદદથી ચાલી શકિત હતી.

રાખી મોટી થતા તેને પ્રેસ રિપોર્ટરનો વ્યવસાય અપનાવી લીધો.રાખી હવે કામમાં વ્યસ્ત રહેતી જોઇ લાલજીની આઁખો ઠરતી.હવે તેને માત્ર રાખીના લગ્નની ચિંતા હતી.તેની હવે ઉંમર પણ થઇ ગઇ હતી હવે માંડ થોડીવાર જ રિક્ષા ચલાવી શકતો હતો.રાખી તો તેને કામ કરવાની ના જ પાડતી હતી.પરંતુ તો પણ તે થોડીવાર તો રિક્ષા ચલાવતો જ હતો.રાખી તેના પાલક પિતાની ચિંતા સમજી શકતી હતી.આથી તેણીએ લાલજીના આશીર્વાદ લઇને તે જેમા કામ કરતી તે સમાચારપત્રના માલિક સુશાંત સાથે તેને લગ્ન કરી લીધા.તેઓ બંન્ને ખાસ મિત્રો હતા અને રાજીખુશીથી લગ્નગ્રંથીએ બંધાઇ ગયા. રાખીના લગ્ન થઇ જતા લાલજીના મનને હવે શાંતિ થઇ ગઇ હતી.તે હવે ખુબ જ બિમાર રહેતો હતો.પરંતુ તેને હવે જીંદગીની ખાસ ચિંતા ન હતી.સુશાંત અને રાખીએ લાલજીને ખુબ આગ્રહ કર્યો પોતાની સાથે રહેવા માટે.પરંતુ લાલજી પોતાનુ ઘર છોડવા તૈયાર ન હતો.આથી રાખી અને સુશાંત દરરોજ તેમને મળવા આવતા.સમયે સમયે દવાખાને ચેકઅપ કરાવવા પણ લઇ જતા હતા.સુશાંત જેવા સમજુ અને પરગજુ વ્યકિત રાખી જીંદગીમાં આવી ગયો હતો હવે લાલજીને જીવનમાં કોઇ ઇચ્છા બાકી રહી ન હતી. એક દિવસ સુશાંતે રાખીને કહ્યુ, “રાખી, તારા પાલક પિતા લાલજીએ તારા માટે આટલુ બધુ કર્યુ છે તો આપણે સમાચારપત્રના વ્યવસાય સાથે જોડાયેલા હોવાને કારણે આપણી ફરજ છે કે તેના જીવન પર એક આત્મકથા પ્રગટ કરીએ.સમાજ પણ તેના નોબેલ કાર્ય વિશે જાણે અને જીવનની છેલ્લી ઘડીમાં તેને લોકચાહના મળી શકે.” રાખીને તેના પતિના વિચાર પર ખુબ જ ગર્વ થયો.રાખીને પણ લાલજીના ભુતકાળ વિશે ખાસ કાંઇ ખબર ન હતી.કયારેય તેને વિચાર પણ નહોતો આવ્યો લાલજીને કાંઇ પુછવાનો.તેથી બંન્નેએ બીજે દિવસે લાલજીને મળવાનુ નક્કી કર્યું.બીજે દિવસે તેઓની ઓફિસમાં રજા હતી.આથી તેઓ લાલજીને મળવા સવારે જ ગયા.લાલજી તે બંન્ને આવેલા જોઇ ખુબ જ ખુશ થઇ ગયો.આજે લાલજીની તબિયત થોડી નરમ હતી રાખી અને સુશાંતને આવેલા જોઇને તે તરોતાજા બની ગયો. રાખી અને સુશાંતે પોતાના આવવાનુ કારણ જણાવ્યુ ત્યારે લાલજીએ કહ્યુ, “મારી જીંદગીમાં કયાં ખાસ છે કે તમે મારા વિશે વાર્તા બનાવો? ભગવાને જીવાડયો એ રીતે હુ જીવ્યો છુ.મે મારી જીંદગીમાં કાંઇ મોટા કાર્યો કર્યા નથી.” “તમે જે કાર્યો કર્યા છે પિતાજી તેવુ આ દુનિયામાં કોઇ કરતુ નથી.તમે તમારી જીંદગી વિશે જણાવો તો તમારી વાર્તા થકી કોઇને પ્રેરણા મળે અને થોડાક લોકો પણ સમાજમાં સારા કાર્ય તરફ વળે તો સમાજને થોડોક ફાયદો તો થાય” રાખીએ કહ્યુ. “સારુ બેટા મારા જીવનમાં ખાસ લખવા જેવુ તો કાંઇ છે જ નહિ.છતાય તમારો આગ્રહ છે તો હુ તમને જણાવુ.મારો જન્મ કંઇ સાલમાં થયો તે તો કોઇનેય યાદ નથી.મારે કેટલા વર્ષ થયા તે પણ મને ખબર નથી.હુ મારા માતા પિતાનુ પાંચમુ સંતાન હતો.મારા બાદ પણ બે ત્રણ ભાઇ બહેનો છે મારે.અમે ખુબ જ ગરીબ હતા.મારા માતા પિતા આખો દિવસ કારખાનામાં કામ કરવા જતા.હુ પણ પાંચેક વર્ષનો થયો ત્યારથી કામે વળગી ગયો.અભ્યાસ કે શિક્ષણ શું છે તે અમારા પરિવારને કાંઇ જ ખબર ન હતી.પાંચ વર્ષની નાની ઉંમરે જયારે હુ મજુરીએ જતો ત્યારે આખો દિવસ કામ કરીને ખુબ જ થાકી જતો.રાત્રે મારી માતા રસોઇ બનાવતી ત્યારે બધાને ભાગે એક એક રોટલી આવતી.અમારી પાસે થોડીક બકરીઓ હતી.અમે તેનુ દુધ,છાશ કે દહીં સાથે રોટલી ખાઇ લેતા.કોઇક દયાવાન માણસો કાંઇક આપી જતા ત્યારે અમારુ પોણુક પેટ ભરાતુ.બાકી આખો દિવસ કામ કરીને માત્ર એક રોટલી ખાઇને અમે ભુખ્યા જ રહેતા.ત્યારે રાત્રે ઉંઘ જરાય ન આવતી આખા દિવસનો થાક હોવા છતાંય ઉંઘ ન આવતી હતી.મારા મમ્મી પપ્પા અમારી હાલત સારી રીતે સમજતા હતા આથી ભુખ તરફ અમારુ ધ્યાન ન જાય અને અમને ઉંઘ પણ આવી જાય તે માટે મમ્મી અને પપ્પા રોજ ચાંદામામા, પરીઓના દેશની અજીબ અજીબ વાતો કરીને અમને સુવડાવી દેતા.વળી સવારે પેટમાં ઉંદરડા દોડતા ત્યારે દુધમાં પાણી નાખીને માં દેતી તે ગ્લાસ ભરીને પી જતા.બપોરે પણ એ જ હાલત રહેતી.કયારેક કોઇક ને કાંઇ બક્ષીસ કે વધારાના પૈસા મળતા ત્યારે થોડુક શાક બનાવીને અમે બે રોટલી ખાતા ત્યારે ઘસઘસાટ ઉંઘ આવી જતી.અમે આખુ ઘર મજુરીએ જતુ પરંતુ ખાલી સિઝનમાં જ પુરતુ કામ મળી રહેતુ બાકીના સમયે ભીખ માંગવી પડતી. તેમાંય હુ દસેક વર્ષનો થયો ત્યાં મારા પિતાજી ગુજરી ગયા.મારી માતા બિચારી એકલી મજુરીએ જતી અને સાથે સાથે અમારી દેખરેખ પણ રાખતી.એકાદ વર્ષ જ થયુ ત્યાં મારી માતા જયાં કારખાનામાં કામ કરતી ત્યાંના માલિક અને તેના સાથીદારોએ મળીને મારી માતા પર સામુહિક બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. અમે આ દુનિયામાં સાવ નોંધારા બની ગયા.માતાના મૃત્યુ પર અમે બધા ભાઇ બહેનો ખુબ જ રડયા.અમને મૃત્યુ પછીની અંતિમવિધિની પણ કાંઇ ખાસ ખબર ન હતી પડતી.આસપાસના લોકોએ બધી વિધિઓ કરી આપી.માતાના મૃત્યુ પછી અમે બધા ભાઇ બહેનો જેમ તેમ કરીને જીવતા હતા.થોડા સમય બાદ અમારા એક ભલા પાડોશીએ મારા મોટાભાઇ અને બહેનના લગ્ન કરાવી આપ્યા અને મને એક ચાની લારીમાં મજુરી રખાવી દીધો.

તે ચાની લારી અમારા ઘરથી ઘણી દૂર હ્તી.આથી તે પાડોશીએ પોતાના સંબંધીના ઘરે મને રહેવા મોકલી દિધો જેઓ મારી ચાની લારીથી નજીક ઝુપડપટ્ટીમા રહેતા હતા.બસ ત્યારથી પરિવાર સાથે નાતો છુટી ગયો.બધા ભાઇ બહેન ક્યા છે?શું કરે છે?મને કાઇ પણ ખબર નથી.ત્યાર પછી હુ કયારેય તેઓને મળ્યો નથી. તે સંબંધીના ઘરે ગયા પછી હુ રોજ સવારે વહેલો સાડા ચાર વાગ્યે ઉઠી જતો અને મારા ચાની લારીના માલિકના વાડે ચાલીને દુધ લેવા જતો. વાડો અમારા ઘરથી ત્રણથી ચાર કિલોમીટર દૂર હતો.વાડેથી દુધ લઇને દુધ ઉપાડીને હુ ચાલીને લારીએ આવતો.મારે છ વાગ્યે લારી પર પહોચી જવાનુ હોય.પછી લારી અને બેસવાના બાંકડાને સાફ કરવાના.બધા ચા પીવા આવે એટલે એમને ચા આપવાની,કપ-રકાબી સાફ કરવાના,આસપાસની તમામ દુકાનોમાં ચા આપવા જવાની તેના બદલામા માલિક બપોરે એક ચા અને બે રોટલી આપતા અને મહિને સો રૂપિયા આપતા. હુ જેમના ઘરે રહેતો તેઓ મારી પાસેથી તે સો રૂપિયા લઇ લેતા.તે જમાનામા સો રૂપિયાની ઘણી કિંમત હતી.તેઓ સો રૂપિયા લઇને તેમના બદલામા તેમના સંતાનોના ફાટેલા કપડા અને રાત્રે વધેલો ખોરાક મને આપતા,સવારે તો કાંઇ પણ ખાવા ન મળતુ.ત્યાં મને મારા માતા પિતા ખુબ જ યાદ આવતા હતા.ભુખ્યા પેટે સુઇ જવુ પડતુ ત્યારે કોઇ વાર્તા કરવા વાળુ ન હતુ.હુ રડીને ભગવાનને ફરિયાદ કરતો કરતો થાકનો માર્યો સુઇ જતો.સવારે બીકના માર્યે ચાર વાગ્યે પટ કરતી આઁખો ઉઘડી જતી ત્યારે પેટમાં ઉંદરડા દોડવા લાગતા.મારા એક મિત્રએ મને શીખવાડયુ હતુ કે ખુબ જ ભુખ લાગે ત્યારે એક કપડુ પેટમાં ચુસ્ત રીતે બાંધી દેવુ.હુ રોજ સવારે ઉઠીને કપડુ બાંધી લેતો.પછી જ દુધ લેવા જતો. બારેક વર્ષની મારી નાની ઉંમરે આખો દિવસ મહેનત,અપુરતો ખોરાક,ઉંઘના અભાવે મારા હાથમા છાલા પડી ગયા.શરીરમાં માત્ર હાડકા જ દેખાતા હતા.જરા પણ કામમા મોડા વહેલુ થતુ કે ભૂલ-ચુક થતી તો લારીનો માલિક સોટી વડે મને મારતો.ઘરે પણ બધા મને સાંજે ઘરનુ કામ કરાવતા અને ખુબ જ મારતા હતા.આખરે એક દિવસ કંટાળીને ઘરમાંથી દસ રૂપિયાની ચોરી કરીને હુ રેલ્વે સ્ટશને ભાગ્યો અને ત્યાં ઉભેલી ટ્રેનમા ચડી ગયો. ટ્રેનમાં ચડીને હુ ટોઇલેટ બાથરૂમ પાસે બેઠો હતો.દરવાજામાથી ઠંડી હવા આવતા મને ક્યારે ઉંઘ આવી ગયી તેનો મને ખ્યાલ ન રહ્યો.સવારે મુસાફરો નો અવાજ અને કોલાહલ થતા મારી ઉંઘ ઉડી અને એક સ્ટેશન પર ગાડી ઉભી હતી એ સ્ટેશન પર હુ ઉતરી ગયો.ક્યુ સ્ટેશન હતુ ત્યારે તેની મને ખબર ન હતી.મને તો બસ ખુબ જ ભુખ લાગી હતી એટલે ખિસ્સામા રહેલા દસ રૂપિયાનો નાસ્તો કરી લીધો અને થોડુ પાણી પી લીધુ.સ્ટેશનમાંથોડે દુર થોડા ભિખારીઓ બેઠા હતા તેમની વચ્ચે જઇને હુ પણ બેસી ગયો.મનમાં કાંઇ પણ જાતના વિચાર ન આવતા હતા.થોડીવાર પછી એક સજ્જન માણસે મને એક રૂપિયો ભીખમા આપ્યો તો આજુ બાજુ ના ભીખારીઓએ તે રૂપિયો મારી પાસેથી છીનવી લીધો અને મને ધક્કો મારીને કાઢી મૂક્યો. હુ સ્ટેશનની બહાર જતો રહ્યો ત્યારે થોડાક લોકો બુમો પાડતા હતા તેના પરથી મને ખબર પડી કે મુંબઇ સેંટ્રલ નુ સ્ટેશન હતુ. ભીખ માંગવાની બાળપણમા ટેવ હતી તેથી હુ ત્યા આવતા જતા લોકો પાસે ભીખ માંગતો હતો પરંતુ કોઇ પાસે સમય ન હતો.બધા મને હડસેલીને દૂર ભગાડતા તો ક્યારેક કોઇ દયાવાન કાંઇક આપતુ ત્યારે આસપાસ ના ભીખારીઓ તે છીનવી લેતા.આમ કરતા કરતા બે દિવસ વીતી ગયા.મને કકડીને ભુખ લાગી હતી ત્યારે એક અપંગ કાકા મારી પાસે આવ્યા.તેમના બન્ને પગ ન હતા.તે ઘોડી લઇને ચાલતા હતા. તેમણે મને ખાવાનુ આપ્યુ અને મને તેમની સાથે એક મંદિરમા લઇ ગયા.ત્યાં બધા લાઇનમા ભીખ માંગતા હતા.હવે મને રોજ ભીખ મળી રહેતી અને દયાવાન લોકો ઘણી વસ્તુઓ પણ આપતા તો પણ બીજા ભીખારીઓ તે બધુ મારી પાસેથી છીનવી લેતા.મને થોડુ ખાવાનુ મળતુ.આમને આમ સમય વિતતો હતો એક દિવસ એક સત્તર વર્ષનો છોકરો આવ્યો.તેનુ નામ તો હવે ભુલાઇ ગયુ છે.એ આવ્યો અને મને તેની સાથે આવવા કહ્યુ.તેણે મને કહ્યુ કે એ મને કામ અપાવી શકે તેમ છે.હુ ભીખારીની જીંદગીથી પણ કંટાળી ગયો હતો આથી મહેનતનો રોટલો મેળવવા હુ તેની સાથે ગયો. તે રિક્ષા ચલાવતો હતો.તે મને પોતાના ઘરે લઇ ગયો.તે મારી જેમ એકલો જ રહેતો હતો.તેણે મને રિક્ષા ચલાવતા શીખવાડી.મને રિક્ષા ચલાવતા આવડી ગઇ એટલે એ મને પોતાના માલિક પાસે લઇ ગયો અને મને એક રિક્ષા અપાવી દીધી તે હુ ચલાવતો હતો ત્યાર પછી હુ તેને ક્યારેય મળ્યો નહી.આખો દિવસ રિક્ષા ચલાવતો અને રાત્રે રસ્તા પર જ સુઇ જતો.તે ભલા છોકરાની ઘણી તપાસ કરી મે પણ આ મુબંઇ શહેરમાં તે ખોવાય ગયો છે. યુવાનીમાં આવતા શારિરીક ઇચ્છાઓ પ્રબળ બની અને લગ્ન કરવાની ઇચ્છા થઇ પરંતુ મારી સાથી કોણ લગ્ન કરે? મારી પાસે પરિવાર,ઘરબાર કંઇ પણ ન હતુ. એક છોકરી જે મારા રિક્ષામાં બેસીને રોજ કોલેજે જતી હતી તેની સાથે પ્રેમ કરવાની મેં ભુલ કરી હતી ત્યારે તેના પરિવારે મને ઢોરમાર મારીને જેલમા પુરાવી દીધો હતો.ત્યાર પછી લગ્નનો વિચાર છોડી દીધો.જેલમાથી છુટીને માંડ ફરીથી રિક્ષાના માલિકને મળ્યો અને ફરીથી રિક્ષા મેળવી રિક્ષા ચલાવવા લાગ્યો.રિક્ષા ચલાવતા ચલાવતા આ એક ખોલી મેળવી અને એક રાખી તુ મારી જીંદગીમા આવી ત્યારથી જીંદગીમા બદલાવ આવ્યા.જીંદગી જીવવાનુ ગમવા લાગ્યુ.તારા આશરે આ જીંદગી કાઢી ગયો.......બસ આવી છે મારી જીંદગીની કરુણ કથા. રાખીને પિતાની વાત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા.તે લાલજીને વળગીને રડવા લાગી.અત્યાર સુધી કાગળમા લાલજી આત્મકથા લખતા સુશાંતની પણ આંખો ભીની થઇ ગઇ.રાખીને તેના પાલક પિતાની જીંદગી વિશે જાણીને ખુબ જ માન વધી ગયુ.સુશાંતને પણ લાલજીની દુ:ખ ભરેલી કરુણકથા વિશે જાણીને પૈસાના અભાવની લાચારી વિશે જાણી અંત્યત દુ:ખ થયુ. તેઓ બીજા દિવસે ઓફિસે ગયા ત્યારે મિત્ર લેખકને બોલાવી લાલજીની આત્મકથા લખવાનુ કામ સોંપી દીધુ.થોડા દિવસમા લાલજીની આત્મકથા “મારી કરુણ કથા” રૂપે પ્રગટ થઇ ગઇ.તેનુ ખુબ જ વેચાણ થવા લાગ્યુ.થોડા જ સમયમાં તે બેસ્ટ સેલર બુક બની ગઇ.તેમાંથી જે પૈસા મળ્યા તે લાલજીએ ગરીબ ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો ને વહેંચી દીધા.લોકો લાલજીને મળવા અને મદદ કરવા આવવા લાગ્યા.લાલજી કોઇની મદદ ન સ્વીકરતો બસ ભુખ્યાઓને જમાડવાનુ માત્ર એક વચન બધા પાસે લેતો. પરંતુ લાલજી આત્મકથા પ્રગટ થયાના થોડા જ દિવસમા આ દુનિયા છોડી જતો રહ્યો.પાછળ રહી ગઇ તેના કર્મોની સુવાસ........................ લાલજી જેવા લોકો આ દુનિયામાં ખુબ ઓછા છે જે પ્રામાણિકતા અને પરોપકારથી જીંદગી જીવે છે.આપણે તેની વાર્તા પર દુ:ખ વ્યકત કરવાને બદલે બસ થોડા સત્કર્મો કરવાનુ અને ભુખ્યાને જમાડવાનુ વચન લેવુ જોઇએ.