(અ)પવિત્ર મંદિર Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

(અ)પવિત્ર મંદિર

(અ)પવિત્ર મંદિર

-વિપુલ રાઠોડ

પ્રકૃતિની પથારીએ અને કર્કશ અવાજો કરતાં કારખાના જેવા બની ગયેલા શહેરોથી દૂર, ડુંગર અને જંગલ વચ્ચે ઘાસવાળા મેદાનમાં પથરાયેલા નાનકડા ધરમગઢનો રમણીય નજારો આજે થોડો તંગ જણાતો હતો. સામાન્ય રીતે બપોરનાં સમયે કુદરતમાં તલ્લીન બની જતું હોય તેવું આ ગામ આજે ચહેલ-પહેલથી અજૂગતું લાગતું હતું. લોકોનાં ચહેરાઓ પણ અસામાન્ય ઉકળાટ હતો અને આશરે ત્રણસો- સાડા ત્રણસોની વસતી ધરાવતાં આ ગામડાંનાં મોટાભાગનાં લોકોનાં પગલાં એક દિશામાં ધસી જતા હતાં. લોકોનો ગણગણાટ આ ગામની શાંતિને વિચલિત કરતો વધુને વધુ મોટો બન્ય જતો હતો.

નાના-નાના ઝૂમખામાં પહોંચેલા લોકોએ ગામનાં ગોંદરે આવેલા શિવાયલમાં મોટો જનસમુહ બનાવી દીધો હતો. નાના-મોટા ઉત્સવો અને તહેવારોમાં પણ આવા દ્રશ્યો મંદિરે સર્જાતા પણ આજે આવું કંઈ હતું નહીં અને છતાં લોકો આવી રીતે અહી એકત્ર થયા હોવાથી મંદિરના આંગણે બાંધવામાં આવેલા ઢોરઢાંખરને પણ થોડું અચરજ થતું હોય તેવું લાગતું હતું.

ગ્રામજનોએ ઓચિંતા મંદિરનાં પ્રાગણને સભામાં ફેરવી નાખેલી. યુવાનીમાં ભારે તોફાની અને ભારાડી તરીકે ઓળખાતો વીરજી સરપંચ ગામ લોકોનાં ટોળા સામે એક મોટા વૃક્ષનાં ઓટલે ઉભો હતો અને તેની આંખોમાં લોહીની લકીરો ઉપસી આવી હતી. લગભગ બધાં જ રહેવાસીઓ મંદિરે એકત્ર થઈ ગયા હોવાની ખાતરી થયા પછી વીરજી પોતાના પડછંદ અવાજથી રણકાર કરે છે, 'સાંભળો...'.

ગામલોકોને પોતાના નેતાનો જાણીતો અવાજ સંભળાતા જ બધો જ ગણગણાટ બંધ થઈ ગયો. શાંત બનેલા લોકોનાં ચહેરાઓને સંબોધીને વીરજીએ પોતાના ગુસ્સાનો જ્વાળામુખી શબ્દરૂપી લાવામાં વહાવવાની શરૂઆત કરી અને કહ્યું, 'એકવાર પરશુરામબાપુ માથું ધુણાવીને હા પાડે એટલે બસ... એ લોકોનું એકેય ખોરડુ બચવા નહીં દઈએ. હળ ચલાવતા હાથમાં હથિયાર પણ એવા જ હાલશે અને હળથી જમીન ચીરાય એમ જ હથિયારથી ધડ-માથા ચીરાશે.' વીરજીનાં મોઢાની આગથી ગામલોકોનો ઉકળાટ પણ આગમાં પલટાવા લાગ્યો, જેની ચાડી લોકોનાં ચહેરા ખાવા લાગ્યા. વીરજીએ બોલતા બોલતા થોડે દૂર નજર કરી અને મંદિરનાં વૃદ્ધ મહંત ધીમે પગલે લોકોનાં ટોળાની દિશામાં ચાલ્યે આવતાં હતાં. તેમને જોઈને વીરજીએ આગળ કહ્યું, 'બાપુ આવે જ છે... આજે હું તેમની પાસે મૌનભંગની આશા રાખું છે અને જો કદાચ આજની ઘટના પછી ય એ પોતાનું મૌનવ્રત તોડવા ન માગતા હોય તો ખાલી એકવાર હકારમાં માથું ધુણાવે તો બસ... બાકીનું આપણે ફોડી લેશું '

સીતેર-પંચોતેર વરસનાં ભેખધારી પરશુરામબાપુ છેલ્લા ચારેક દાયકા કરતા ય વધુ વખતથી મૌનધારણ કરી ચુકેલા. એમનો ભૂતકાળ પણ ભારે થથરાવી મુકે તેવો. વીરજી સરપંચથી તો લોકો ડરતા પણ પરશુરામબાપુનાં માત્ર આંખના ઈશારાથી આખું ગામ ધ્રુજી જાય એવી ધાક હજી ય અકબંધ. એક વખતે ગામમાં હિન્દુ-મુસલમાનોનું ધીંગાણું થયેલું અને યુવાન પરશુરામે ગામનાં રસ્તે રીતસરનાં લોહીનાં ખાબોચિયા ભરી દીધેલા. એ વખતે મોટાભાગનાં મુસલમાનોએ ગામ છોડી ભાગવું પડેલું પણ એમણે ગામનાં શિવાલયને તોડી નાખવાની ધમકીઓ આપેલી. માટે જ તે વખતનાં મંદિર મહંત અને પરશુરામનાં ગુરુ ભીખાબાપાએ મંદિરની રખેવાળીની જવાબદારી પરશુરામને સોંપેલી. ત્યારથી જ પરશુરામ પોતાનું ઘર છોડીને મંદિરના રખોપા માટે ત્યાં જ રહેવા લાગેલો. ભીખાબાપા દેવ થયા પછી સમયાંતરે મંદિરની બધી જવાબદારી પરશુરામ ઉપર આવતી ગઈ અને આ કાર્યમાં તેને ક્યારે વૈરાગ્ય લાગી ગયું તેની જાણ ન રહી. તેણે પણ ભેખ ધારણ કર્યો અને પછીથી કોઈને તેમના હાકલા-પડકારા કરતા અવાજનાં કંપનો અનુભવાયા નહોતા.

પરશુરામની આગેવાનીમાં થયેલા એ ધીંગાણા પછી ગામમાં ધીમે-ધીમે માહોલ થાળે પડ્યો અને સમય જતાં થોડાઘણાં મુસ્લીમો ફરીથી ગામમાં પાછા વસવાટ કરવાં લાગ્યા. એ હુલ્લડ પછી ક્યારેય ગામમાં કોઈ તોફાન થયું નહોતું પણ બે ઉભા ફાડા જરૂર પડી ગયેલા. ગામ વચ્ચેથી પસાર થતો મુખ્ય માર્ગ જાણે હિન્દુ-મુસ્લીમોની વસાહતોને ચીરતો જતો હતો. મુસલમાનો હિન્દુનાં અને હિન્દુ મુસલમાનનાં પડમાં ભાગ્યે જ જતાં. બન્ને કોમનાં લોકો વચ્ચે ખાસ કોઈ વહેવાર પણ નહીં.

પરશુરામબાપુ સામે તો આજે ફરી એકવાર ભૂતકાળ જીવતો થયેલો. પોતાની જેમ જ આજે વીરજી મરવા-મારવા ઉપર ઉતરી આવ્યો છે. લોહીથી લથબથ લાશો, બૈરા અને બાળકોનાં આક્રંદ, ચીચીયારીઓનો પૂર્વાભાસ પરશુરામબાપુને થવા લાગેલો. મંદિરે એકઠા થયેલા ગામલોકોની તરફ તેમના પગલાં જેમ-જેમ આગળ વધતાં હતાં તેમ-તેમ તેમના પગ વધુને વધુ ભારે થઈ રહ્યા હતાં. વીરજીનો અવાજ તેમનાં કાનમાં પડતો હતો કે આજે પરશુરામબાપુ આજ્ઞા કરે એટલે મારગની પેલે પાર મુસલમાનનું એકેય ખોરડું બચશે નહીં. પરશુરામ બાપુનાં સફેદ બનેલા રુંવાડા ખડા થવા લાગ્યા.

આજે તેમને પોતાનું મૌનનું પ્રણ તોડવું પડે તેવી પહેલી ઘડી આવી હતી. તેઓ પણ ધર્મસંકટમાં મુકાયા છે કે ઈશ્રવરની સાક્ષીએ લીધેલી મૌનની પ્રતિજ્ઞા તોડવી કે નહીં. મંદિરમાં સેવા અને રખેવાળી દરમિયાન તેમને જ્ઞાન લાધેલું કે તેમના શબ્દોએ જ જેતે વખતે કત્લેઆમ મચાવવામાં મુખ્યભૂમિકા ભજવેલી. તેના પ્રાશ્ચિતમાં જ બાપુએ મૌન સ્વીકારેલું અને બોલીને ભવિષ્યમાં કયારેય નહીં બગાડવાનું નક્કી કરેલું.

પરશુરામબાપુ હવે વીરજીને પડખે પહોંચી ગયા હતાં અને વીરજીએ આદર સાથે તેમને નમન કરીને પોતાની વાત મુકી. 'બાપુ, આજે આજ્ઞા કરો. તમારા જેવા જ સાહસનો મોકો આજે અમારી પાસે છે. એકેયને છોડશું નહીં. તમે કદાચ થોડા ઘણાં ઉપર દયા ય ખાધી હશે. પણ આજે અમે નરબલીઓ ચડાવવામાં મુસલમાનોનાં એકેય વંશને ય વાઢી નાખશું.' વીરજીનાં શબ્દોને ગામલોકોએ પણ ઝીલી લીધા અને 'વાઢી નાખશું... વાઢી નાખશું'ની ગુંજથી નયનરમ્ય ગામડું ભભૂકતા ભઠ્ઠામાં ફેરવાઈ જવાની તૈયારીમાં દેખાવા લાગ્યું.

પરશુરામબાપુએ ભાંખી લીધું કે આજે હિંસાની હોળી નક્કી છે. આજે બોલવું પડશે અને નહીં બોલે તો તેમનો ધરમ લાજશે. રૂદ્રાક્ષની માળા ધારણ કરેલા હાથને ઉચો કરીને વીરજી અને ગામજનોએ શાંત થવા હાથ ઉંચો કરીને આદેશ આપતાં પરશુરામબાપુએ છેલ્લા ચાર દાયકામાં નહોતું કર્યુ એ કર્યુ. તેમણે પોતાના મુખને શબ્દોચ્ચાર કરવાં કષ્ટ આપી દીધો. 'થોભો વીરજી...' બાપુનાં પડછંદ અવાજને સાંભળતાં વેંત જ ચોમેર 'જય જય પરશુરામબાપુ'નો નાદ થવા લાગ્યો. ત્યાં ઉભેલા એકેક જનને હમણા જ પાપીઓને રહેસી નાખવાનો આદેશ મળવાનો અંદેશો આવ્યો. સંયોગવશ બધાને મનોમન એક જ વિચાર હતો કે અધર્મ સામે બાપુ ન બોલે તો એમનો ભૂતકાળ લાજે અને એટલે જ આજે નાછૂટકે તેમને મૌનભંગ કરવું પડ્યુ. બાપુ કહે એટલે ધારિયા-તલવારો લઈને તૂટી પડવા સૌ સજ્જ બની ગયા.

ટોળાને ચડેલા શૂરાતન સામે બાપુએ આગળ બોલવાનું ચાલું કર્યુ ' પરશુરામ જન્મે બ્રાહ્ણને ગુણે ક્ષત્રીય હતાં. આ પરશુરામ જન્મે કાઠીને કરમે બ્રાહ્મણ છે. આજે બન્યું એ પહેલીવાર નથી થયું. આ પહેલા પણ બે વાર માંસનાં ટૂકડાઓ મંદિરમાંથી મળી આવેલા.' ટોળાની આંખો પહોળી થઈ ગઈ અને અંદર આગની જ્વાળાઓ ફફડવા લાગી. લોકોએ હાકલા કર્યા કે 'બાપુ આદેશ કરો... બાપુ આદેશ કરો...' જો કે પરશુરામબાપુએ પોતાની વાત શાંતસૂરમાં આગળ ધપાવી અને કહ્યું 'પણ મેં કોઈને જાણ ન થાય એટલે વહેલી પરોઢનાં અંધારામાં જ તેને કુતરાઓને ધરવી દીધેલા. આજે પણ મેં એવું જ કર્યુ. જો કે મારો સેવક, મહાણીયો હીરજી આજે મને ભાળી ગયો. એણે જ તમને આની જાણ કરી હોવી જોઈએ. જે હોય તે... પણ મને ખબર હતી કે મંદિરમાં માસ ફેંકાયાની વાત જાહેર થશે એટલે માનવમાંસનાં લોચા ઉડશે. એટલે જ મે આ પહેલા બે વાર માસની વાત છતી થવા દીધી નહીં. પણ આજે મારે બોલવું પડશે. અગાઉ મેં ય મારામારી-કાપાકાપી કરેલી. મંદિરને અપવિત્ર કરાયું હોવાના નામે મે પણ મારા નામને સાર્થક કર્યાનું ગૌરવ અનુભવેલું. જો કે એ આવેશ અને ગર્વ નાહક હતાં. શિવનો અર્થ વિનાશકશક્તિ થાય અને હું શિવઉપાસક, શક્તિનો પુજારી છું પણ આજે મારે કહેવું છે કે એ વખતે મે કરેલી ભૂલ આજે તમે ન કરો. મારે તમને એટલું જ કહેવું છે કે તમે મંદિરે આવીને ધન્યતા અનુભવો છો? તમે માનો છો કે આ પવિત્ર જગ્યાએ આવીને સૌ પવિત્ર થઈ જાય છે?' લોકોએ હકારમાં માથા ધુણાવ્યા અને બાપુ આગળ બોલ્યા ' જો આપણે માનતા હોય કે આ જગ્યા એટલી પવિત્ર છે કે અહી આવનાર મારા જેવા પાપીયાને પણ તે પવિત્ર બનાવી શકે છે તો તે મંદિર પોતે કેવી રીતે અપવિત્ર થાય? અને બીજાને પવિત્ર કરનારું મંદિર પોતે જ અપવિત્ર થઈ જતું હોય તો તેનામાં પવિત્રતા કેવી? તેનામાં ઈશ્રવર કેવો? જો આજે આ મંદિર માંસના એકાદ ટૂકડાથી અપવિત્ર થયું હોય તો મારો પશ્ર્ચાતાપ એળે ગયો, મારી સાધના એળે ગઈ, મે ખોટી જગ્યાએ જીવન વેડફી નાખ્યું. હું એટલું જ કહીશ કે માસનાં ટૂકડાથી મંદિર અપવિત્ર નથી થયું, પણ માંસનો એ ટૂકડો મંદિર પહોંચીને પવિત્ર બન્યો છે. આપણને નથી ખબર કે આ માંસ મંદિરમાં લાવ્યું કોણ? પણ એટલી મને જરૂર ખબર છે કે એને અહીં છોડી જનાર માણસ કે જાનવર પવિત્ર બન્યું હશે. મારી વાત સમજનારા સમજી ગયા હશે અને મારો આદેશ પણ મારી આ વાતમાં ક્યાક છુપાયેલો છે. સમજનારા તેનું પાલન કરશે અને હું ફરીથી મારું મૌન ધારણ કરું છું.'

બાપુએ પોતાના મુખને ફરીથી કાયમી વિરામ આપ્યો. વીરજી સહિતનાં ગામલોકો એક પછી એક પરશુરામબાપુને પગે લાગતાં વિખેરાવા લાગ્યા.

.................................................................................