રસ્તામાં 'માર્ગ'ની શોધ !
-વિપુલ રાઠોડ
અભ્યાસ, વ્યવહાર, વિચાર અને એકથી વધુ કૌશલ્યોમાં હથોટી ધરાવતો કેવલ પોતાના ભવિષ્યને લઈને અત્યંત આત્મવિશ્ર્વાસ ધરાવે છે. પોતાના વિશેની તેની ધારણાંઓ કે માન્યતાને તેની આસપાસનાં તમામ લોકો પણ શંકા વિના સ્વીકારે છે અને કેવલની હાજરી કે ગેરહાજરીમાં વિના ખચકાટ કહે પણ છે કે આ લાંબી રેસનો ઘોડો છે. અત્યારે 28 વર્ષની ઉંમર થઈ છે તેના દિમાગમાં એટલા નવતર વિચારોનાં ખજાનાભર્યા પડ્યા છે કે તેમાંથી એકપણ જો વ્યવહારમાં આવી જાય તો કેવલ સફળતા જ કેવલનાં પગ ચુમવા આવે. અત્યંત મહત્વાકાંક્ષી કેવલ પોતાની જીંદગીમાં હજી સુધી વેઈટ એન્ડ વોચનાં તબક્કામાં રહ્યો. કિનારો જાણે સુનામીની વાટ જોઈને ઉભો છે અને નાનામોટા વિચારમોજામાં તેને કોઈ રોમાંચ નથી અનુભવાતો. જ્યારે પણ કંઈક કરવું ત્યારે દુનિયાને દંગ કરી દેવાની પ્રતિજ્ઞાબદ્ધ હોય તેમ કેવલ હજી તો પોતાની કારકીર્દિને લઈને કોઈ ઉતાવળમાં નહોતો. જો કે તેની આવી નિરાંતનું એક કારણ એ પણ રહ્યું કે તે પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે અને તેના પપ્પા ઉચ્ચ હોદે સરકારી નોકરી ધરાવે છે. માત્ર ત્રણ સભ્યોનાં તેના પરિવારમાં કશું જ ઘટતું નથી. કેવલને તમામ પ્રકારની સુખસુવિધાઓ માગ્યા મુજબ મળતી રહી અને તેના પપ્પા પણ આશ્વસ્ત છે કે જ્યારે પણ તેમનો દિકરો દોડશે, દુનિયા કાં તો પાછળ રહી જશે, કાં તો દુનિયા તેની પાછળ ચાલશે.
'નિશાનચૂક માફ પણ નહીં માફ નિચું નિશાન' આત્મસાત કરી ચુક્યો હોય તેમ કેવલનો એકપણ વિચાર નાનોસૂનો નથી. જો કે આજે સવારથી તેના દિમાગમાં એક વસ્તુ ઘુમરાય છે કે હવે પોતાની ઉંમર થઈ અને શરૂઆત કરવાનો સમય પાકી ગયો છે. હવે તે પોતે કોઈ એક દિશામાં ઝંપલાવશે નહીં તો દુનિયાથી પાછળ રહી જશે. પહેલીવાર દુનિયાથી પાછળ રહી જવાની નાનીઅમથી ભીતિએ તેને અભૂતપૂર્વ ઉતાવળમાં લાવી દીધો, આવતા એકાદ બે મહિનામાં જ કોઈ સાહસ ખેડવાનો નિર્ધાર તેણે કર્યો. પણ... શું કરવું કે જેથી ફરી પાછું વળી જોવું ન પડે? તેના દિમાગમાં અત્યાર સુધીમાં આવેલા અનેકાનેક વિચારોનાં ખજાનાને તેણે ફંફોળી જોયા. જો કે તેમાંથી અમુક વિચારો તેનાં પપ્પાની આર્થિક તાકાતની બહાર હતાં, અમુક વિચારો તેને પોતાની કારકીર્દિનાં નક્કી કરી રાખેલા બીજા તબક્કામાં જ અમલમાં મુકાવા હોવાથી પડતાં મુકવા પડ્યા. હાલનાં તબક્કે શું કરવું એ નક્કી કરવું કઠિન બનતું જતું હતું.
પોતાના ઘરેથી પપ્પાએ આપેલી સ્વીફ્ટ કાર લઈને તે આજે એકલો જ હાઈ-વે ઉપર નીકળી પડે છે. ક્યારેક-ક્યારેક એકાદુ વાહન સામે મળે તેવા એ ખાલી અને બન્ને બાજુ અફાટ મેદાનની વચ્ચેથી પસાર થતાં રસ્તા ઉપર કેવલને પોતાની જીંદગીનો માર્ગ શોધવાનો, નક્કી કરવાનો રઘવાટ હતો. જો કે તેનો રઘવાટ કારની ઝડપ ઉપર વર્તાતો નહોતો. ધીમી પવનની લહેરખીઓની જેમ કેવલને અનેક તુકકાઓ મગજમાં આવતાં, વહી જતાં. ઘણું અંતર કાપ્યા બાદ પણ કેવલને પોતાની મંજીલ હજી દેખાણી નહીં. થોડો ફ્રેશ થવા રસ્તે આવેલાં એક ઢાબે તે પોતાની કાર રોકે છે અને ચા મગાવતાં ખાટલા ઉપર લાંબો થઈને પડ્યો. આમ તો તડકો હતો પણ કેવલને આ તાપ વચ્ચે પણ તોતિંગ વડલો ભારે ટાઢક આપતો હતો. થોડીવારમાં ચા આવી અને ચાનો પ્લાસ્ટિક કપ હાથમાં આવતાં વેત જ તેના તેના ગરમાવાથી જાણે દિમાગનાં તંતુઓ આંદોલિત થયા હોય તેમ એક વિચાર ઝબકી ગયો. પ્લાસ્ટિક અને રબ્બરનું રીસાઈકલીગ કરીને કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મુકવાનો ખ્યાલ તેને આવ્યો અને અમલમાં લાવવો પણ કદાચ પોતાના પપ્પાની પહોંચમાં હોવાનું તેને લાગ્યું. એકાદ-બે કરોડથી વધારે રોકાણની જરૂર પડશે તો લોન પણ મેળવી શકાશે. પોતે ક્યા પ્લાન્ટ નાખશે, માર્કેટિંગ કેવી રીતે કરશે, કરાવશે, સંભવિત બજાર ક્યા અને કેટલું મોટું છે તે સહિતનાં અંદાજો તેણે લગાવી લીધા. ચાનો કરન્ટ હવે તેને બરાબર લાગી ગયો. તેણે નક્કી કર્યુ કે હવે કંઈ કરવું તો માત્ર આ કરવું અને તેમાં પોતાના અમુક લક્ષ્યો સાધી લીધા પછી આગળ જવું. ચા પૂરી કરીને તે આંખો બંધ કરીને તે પડ્યો હતો અને હવે શું કરશે એ બાબતે પણ તેને ચોક્કસ દિશાદર્શન થઈ ગયા હોવાથી ઘણી રાહત પણ અનુભવાતી હતી. ત્યાં જ કોઈએ આવીને તેને જગાડ્યો....
'અરે... કેવલ !' કેવલ ઝબકીને આંખ ઉઘાડે છે અને પડખે ઉભેલી વ્યક્તિને જોઈને સુખદ આશ્ચર્ય પામતા બોલ્યો 'અરે... જીગર, તું? કેટલા વર્ષ પછી ! ક્યા છો આજકાલ શું કરે છે અત્યારે? '
'અરે છોડ એ વાત, પહેલા તું મને એ બોલ કે તું શું કરે છે? તારા જેવી પ્રતિભાવંત વ્યક્તિ જરૂર કંઈક એવું કરતી હોવી જોઈએ કે દુનિયા દેખતી રહી જાય.' જીગરને કેવલ માટે ખુબ જ માન હતું અને તે એના આ શબ્દોમાંથી છલકાતું હતું.
'બસ જો... હવે નક્કી કર્યુ છે એક સાહસ કરવાનું, મારું પહેલું સાહસ.' કેવલનાં ચહેરા ઉપર અને આંખમાં ઉત્સાહની ચમક ઝગારા નાખતી હતી. તે આગળ બોલ્યો, '... ખેર, મને તારી ખબર છે. આપણે સાથે ભણતાં ત્યારે તારા પરિવારની પરિસ્થિતિ ખુબ ખરાબ હતી. આપણે આટલા વરસ નથી મળ્યા પણ એટલો મને ચોક્કસ અંદાજ છે કે તારે ઘણો પરિશ્રમ કરવો પડ્યો હશે. અભ્યાસ પણ તે અચાનક જ છોડી દીધો અને પછી બધા સાથે સંપર્ક પણ નહી... જો મારી જીંદગીમાં તો હજી સુધી કોઈ જ સંઘર્ષ કાળ આવ્યો નથી. હવે મહેનતની શરૂઆત કરીશ. અને તને તો યાદ જ હશે કે હું કરીશ એટલે દિલોજાન લગાવી દઈશ.'
'મને ગમ્યું કે તને યાદ છે કે હું કેવી કંગાળ હાલતમાં હતો અને તે કહ્યું એવી જ રીતે મારે ભારે સંઘર્ષ વેઠવો પડ્યો. મારા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. અભ્યાસ કે બીજા શેમાં પણ હું તારી જેમ પારંગત નહોતો. મારે જે કામ મળે એ કરવાનું જ હતું. બસ એક પછી એક કામ કરતો ગયો અને આજે ઉપરવાળાની કૃપાથી સુખી છું. અભ્યાસ છોડ્યા પછીનાં ત્રણ-ચાર વરસ ખરેખર ચોમેર અંધારું ભાસતું હતું પણ પછી પ્રકાશપૂંજ મને સાચી દિશાએ લઈ ગયો. જો કે એક અફસોસ જરૂર છે.હું પુરતું ભણી ન શક્યો, જો મારી પાસે પણ તારા જેવી કાબેલિયત હોત તો આજે હું વધુ સારા વિચારો અમલમાં લાવી શકેત.' જીગર જાણે આટલા વરસો બાદ પહેલીવાર પોતાની મનની વાત કરી રહ્યો હોય તેમ એક શ્વાસે આટલું બોલી ગયો. પછી તરત જ પુછ્યું, 'તુ એ તો બોલ તારે શું કરવું છે?'
કેવલ થોડો ગરવાઈ સાથે કહે છે કે રબ્બર - પ્લાસ્ટિક રીસાઈકલીંગ પ્લાન્ટ નાખવાનો વિચાર છે. અમુક કરોડનું રોકાણ થાય એવો મારો અંદાજ છે. મારા પપ્પાથી પહોંચાશે એટલું રોકાણ ઘરનું અને બાકીનું લોન લઈ આગળ વધવાનો વિચાર છે...' તે આગળ કંઈ બોલે તે પહેલા જ જીગર તેને અટકાવતાં કહે છે 'આ લાઈનનો કોઈ અનુભવ ખરો?' કેવલે જવાબ આપ્યો 'અનુભવ નથી પણ અનુભવ મેળવવા શરૂઆત તો કરવી ઘટે કે નહીં? જો કે મારા બે મિત્રો આ લાઈનની સૌથી મોટી અને 700-800 કરોડની કંપની પાથેયમાં લાખોનાં પગારવાળા ઉંચા હોદા ઉપર છે. એ લોકો મને મારી કંપની શરૂ કરવામાં મદદ કરશે એવી મને ખાતરી છે.'
કેવલની વાત સાંભળી માર્મિક હાસ્ય સાથે જીગર બોલ્યો 'મને નથી લાગતું આ ધંધામાં હવે પડાય. એમાંથી કસ નીકળી ગયો છે એવું તો હું નહીં કહું પણ આ ક્ષેત્રમાં એટલા પ્લેયર આવી ગયા છે કે તેની સ્પર્ધામાં ટકવું નવી કંપની માટે મુશ્કેલ બની જાય. તારા જેવી હોનહાર વ્યક્તિએ કંઈક નવા વિચાર લઈને આવવું જોઈએ. આંધળું અનુકરણ નિરાશા અપાવી શકે.'
'તારી વાત કદાચ સાચી હશે.. અને મને લાગે છે કે તને પણ આ લાઈનમાં ખાસ્સો અનુભવ હશે?' કેવલનો જવાબ સાંભળી જીગર હસતા-હસતા બોલ્યો 'તું જે કંપનીની વાત કરે છે એ કંપનીનાં માલિક સાથે તું ચર્ચા કરે છે.' કેવલે જીગરની વાત મજાક લાગી એટલે એ પણ હસતા-હસતા બોલ્યો 'ખેર, સાચું બોલ તું અત્યારે કરે છે શું?' જીગર પોતાના વોલેટમાંથી પોતાનું વીઝીટીંગ કાર્ડ કાઢી કેવલને હાથમાં આપતા બોલ્યો, 'મે તને કહ્યું એ મજાક નથી.' કેવલ દંગ રહી ગયો... જીગરે તેને આગળ કહ્યું, 'આમ છતાં આ ધંધામાં તને કંઈ નવું કરવાની મરજી હોય તો તારા મિત્રો અને મારા કર્મચારીઓને બદલે તું સીધો તારા આ જૂના મિત્રને જ મળવા આવજે.' કેવલ થોડો ઓછવાઈ ગયો અને બન્ને હવે ફરી મળવાનું નક્કી છૂટા પડે છે. કેવલ પોતાની સ્વીફ્ટ તરફ આગળ વધે છે અને જીગર પોતાની મર્સીડીઝનો સેલ્ફ મારે છે...