ગુનાહગાર Maneesh Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુનાહગાર

“અરે! ચિંતાના કર તું, મેં બધું સેટિંગ કરી રાખ્યું છે, થોડા દિવસમાં તો તું બહાર આવી જઈશ, બસ કોઈનું નામ ના આપતી એટલું ધ્યાન રાખજે” લંકેશ પોતની કોર્પોરેટર પત્નીને જેલની મીટીંગ રૂમમાં મળી સમજાવી રહ્યો હતો. લંકેશ અને મંદા પાંત્રીસી વટાવી ચૂકેલ કપલ હતું.

“પણ, આ વાત ચગે નહિ તે જો-જો નાહકના કાલે ઉઠીને આપણા બાળકોને સારા ઠામ મળવા મુશ્કેલ થઇ પડશે.” એક માંએ પોતાની ચિંતા દર્શાવી.

તું નકામી ચિંતા કરે છે ડાર્લિંગ હું બેઠો છુ ને. લોકો તો બધું ભૂલી જશે થોડા દિવસમાં. મેં એમ.એલ.એ. સાહેબને વાત કરી દીધી છે. તે તને છોડાવવાની ફિરાકમાં જ છે. ચાલ અત્યારે હું જાઉં ઘણી દોડા-દોડી છે હજુ તો, કાલે સાંજે પાછો આવીશ.

મંદા આમતો બિચારી ભગવાનની ગાય, પણ તેમના એરિયામાં બીજા બે પુરુષ કોર્પોરેટર મજબુત હતા એટલે લંકેશ ફાવે તેમ નોહ્તો. એટલે તેણે જુગટું નાખી સ્ત્રી અનામત બેઠક ઉપર પોતાની પત્નીને ઉમેદવારી કરાવી અને તેની ધાક અને ઓળખાણોને લીધે જીતાડી પણ ખરી. પણ, જીતી ત્યારેથી લઇ આજે અઢી વર્ષમાં મંદા એ ખાલી ફોટા જ પડાવ્યા છે. સંચાલન તો બધું લંકેશનું જ છે.

બસ, એવા જ એક વિધવા સહાયના નામે આવેલા રૂપિયાનું તેણે કૌભાંડ કર્યું, જેની પ્રમુખ મંદા હતી. છેલ્લા એક અઠવાડિયાથી તે જેલમાં સડી રહી હતી. લંકેશે બનાવેલા દુશ્મનોએ તેને બરાબરનો સકંજામાં લીધો હતો. તેમને ખબર હતી કે હવે લંકેશ ઢીલો પડશે જ અને ઉચાપત કરેલા પૈસામાંથી બધાને ભાગ આપશે જ. મંદાને આ બધી ખબર જ હતી એટલે તો તેણે લંકેશને એક-બે વાર કીધું પણ ખરું કે બિચારી વિધવાઓની હાઈ લાગશે રહેવા દો. પણ, માને તો એ લંકેશ શેનો?

મંદા રોજ પરવારીને લાયબ્રેરીમાં જતી રહેતી. તેણે વાંચવાનો શોખ હતો એટલે નહિ પણ ત્યાં કોઈ આવતું નહિ. જાહેરમાં તો વંઠી ગયેલી સ્ત્રીઓ તેને સુખેથી ખાવા પણ દેતી નોહતી. તેઓ વારંવાર તેને કહેતી કે હવે “તું પણ તૈયાર રહેજે.” જેના ઘણાબધા મતલબ થતા જે વિચારીને મંદાને કમ-કમાટી આવી જતી હતી.

આવી જ રીતે તે જયારે એક સવારે પરવારીને લાયબ્રેરીમાં જતી હતી ત્યારે તેને લેડી સુપ્રીટેન્ડેન્ડ દ્વારા બોલાવવામાં આવી કે કોઈ પત્રકાર તેને મળવા માંગે છે. મંદા ગભરાઈ ગઈ. રખે ને તે પત્રકાર બધી વાતો કાઢવી લે. તેણે મળવાની ના પાડી દીધી. આથી સુપ્રી. મેડમ પોતે આવી અને મંદાને કહ્યું કે તે પત્રકાર સ્ત્રી છે અને ઉપરની પહોચ લઈને આવી છે એટલે સીધી-સીધી ચાલ નહીતો ટીંગા-ટોળી કરીને લઇ જઈશ. મંદા હેબતાઈ ગઈ. આટલા દિવસોમાં તેણે સ્ત્રી હોવાની છેલ્લી કક્ષા જોઈ લીધી હતી અને સહન પણ કરી હતી. જો કે સ્ત્રી છે એવું જાણી મંદા સહેજ હળવી થઇ અને મળવા માટે તૈયાર થઇ.

તે જયારે મીટીંગ રૂમમાં ગઈ તો ત્યાં એક સ્વરૂપવાન લગભગ પચીસેક વર્ષની બોય-કટ હેરસ્ટાઈલ વાળી જીન્સ અને લાઈટ યલો કુર્તામાં સજ્જ સ્ત્રી તેની વાટ જોતી હતી. તેણે હળવી સ્માઈલ સાથે મંદાનું સ્વાગત કર્યું. મંદાએ પણ વળતો જવાબ સ્માઈલ થી આપ્યો. પેલી પત્રકાર સ્ત્રી સામે આવી અને મંદા સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો.

“કેમ છો મેડમ ? મારું નામ વિભીષા છે. હું સ્ટેન્ડ-અલોન ન્યુઝ પેપેરમાં પત્રકાર છું.”

“કેમ છો?” મંદા તેના આત્મવિશ્વાસ સામે નમતું જોખતી હોય તેમ હાથ મિલાવ્યો કે ખાલી હાથ આપ્યો. વિભીષાએ તેની હાથની શુષ્કતા પારખી પોતે જ હાથ હલાવી લઇ લીધો.

“મેડમ, હું પત્રકાર છું એટલે સીધી પોઈન્ટ ઉપર આવીશ. તમારે તમારા પતિ સાથે કેવા સબંધો છે?” વિભીષાએ પોઈન્ટ બ્લેન્ક શૂટ કર્યું.

“જુઓ, બેન આમાં મારા પતિને ના ઘસડો, તેઓ બિચારા કઈ નથી જાણતા” મંદા એ વ્યર્થ ગુસ્સો બતાવાની કોશિશ કરી. વિભીષાથી હસવું રોકાયું નહિ.

“પતિવ્રતા પત્ની ! માય ફૂટ.” તે ગુસ્સામાં બબડી. “ તમે ઘરમાં ગોંધાઈ રહી અને આ કૌભાંડ કર્યું અને તે બહાર રખડીને પણ નિર્દોષ?” વિભીષા વેધક બની રહી હતી તેની આંખો ઝીણી થઇ.

“બહેન તમે મો સંભાળીને બોલો, મેં કહ્યુંને કે તેઓ કઈ નથી જણાંતા”

“તો, જરા કહેશો મને કે જે ખાતાના તમે પ્રમુખ છો તેમાં બીજા કેટલા સભ્યોની નિમણુક થયેલી છે? તમારા ખાતાના ઉપ-પ્રમુખનું નામ શું છે? વર્ષે કેટલી ગ્રાન્ટ સરકાર આપે છે? આ અઢી વર્ષમાં કેટલી ગ્રાન્ટ વપરાઈ?” વિભીષા પોતાની પત્રકારી બતાવા માંડી.

મંદા ખરે-ખર ગૂંચવાઈ ગઈ કારણકે તેને તો આવી કઈ જ ખબર નથી. બધું તો લંકેશ જ જોતો હતો. તે તો ફક્ત સહીઓ જ કરીએ રાખતી હતી. શું જવાબ આપવો એવું સુજ્યું નહિ એટલે તેણે વચલો રસ્તો કાઢ્યો.

“મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી?” મંદા છટકીને ભાગવાની પેરવી કરવા ઉભી થઇ ચાલવા લાગી.

“સોરી, મંદાબહેન, બેસો, હવે કઈ નહિ પુછુ.” વિભીષાએ મૂડ બદલ્યો. મંદા એ પાછા ફરી તેની સામે જોયું. તે સ્મિત કરતી ઉભી થઇ ગઈ હતી.

“સોરી” વિભીષા એ ફરી કહ્યું. મંદા પાછી આવી બેંચ ઉપર બેસી ગઈ.

“તમને કૈક સંભળાવી તો શકુ ને?”

મંદા એ ફક્ત ડોક હલાવી હકાર આપ્યો અને આશ્ચર્યથી આ છોકરીને જોવા લાગી. વિભીષાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને કૈક અંદરથી ફંફોસી અને ચાલુ કર્યું અને ફોન બંને વચ્ચે ટેબલ ઉપર મુક્યો.

તેમાં તેના પતિની અને એમ.એલ.એ.ની વાતોનું રેકોર્ડીંગ હતું.

લંકેશ “સાહેબ કૈક કરોને ને! બરો-બરનો ફસાયો છું”

એમ.એલ.એ. “ તે લુખ્ખા એકલો ખાય તો એકલા જ ભોગવવું પડે. હા...હા...હા..”

લંકેશ “સાહેબ તમારો હિસ્સો પાક્કો હું આજે જ પહોચતો કરું, બસ, મને બચાવો”

એમ.એલ.એ. “ તને કે તારી બૈરીને”

લંકેશ “ એટલે એ બચે તો જ હું બચુને”

એમ.એલ.એ. “ હું તને બચાવી શકું છું એને નહિ”

લંકેશ “એ, કેવી રીતે?”

એમ.એલ.એ. “જો, તું કાલે જઈને એની જોડે થી ડિવોર્સના પેપરમાં સહી કરાવી લે, એને કહેજે કે જમાનતના પેપર છે, તે ક્યાં વાંચવાની છે.“

લંકેશ “પછી?”

એમ.એલ.એ. “પછી પત્રકાર પરિષદ ભરીને કહી દે કે તને દુઃખ છે કે આવી પત્ની તને મળી, તે પશ્ચાતાપ રૂપે તેની જોડે તે છુટા-છેડા લઇ લીધા છે અને તારે અને એને કોઈ સબંધ નથી. પછી જો તે ધમ-પછડા કરે તો પણ સહીઓ તો બધે તેની જ છે ને. હું મારા માણસો દ્વારા થોડા ન્યુઝ મીડિયામાં ફરતા કરી દઈશ.”

લંકેશ “કેવા”

એમ.એલ.એ. “કેટલી હદ સુધી તારી બૈરીને નીચી પાડું તો ચાલશે?”

લંકેશ “અરે! આખી પાડી દો પણ મને કાઢો આમાંથી નહીતો બધા પૈસા આ પોલીસવાળા કુતરા લઇ જશે.”

બંનેના અટ્ટહાસ્ય સાથે વિભીષા ફોન બંધ કરે છે. “મને સ્ટીંગ ઓપરેશનમાં આ કોલ મળ્યો.” તેણે ફોન તેના પર્સમાં પાછો મુક્યો.

વિભીષા મંદા સામે જોઈ રહી હતી કે તેની અંદર ધીરે ધીરે તિરાડો પડી રહી છે. હવે એ તિરાડોમાં થી ખંડેર બનશે કે જ્વાળામુખી ફાટશે તે જોવાનું છે.

મંદા પોતાનું માથું ટેબલ ઉપર ઢાળી ડુસકા લઇ રડવા લાગી. વિભીષા ત્યાંથી ચાલી ગઈ.

*****

બપોરે જમવાના હોલમાં ટી.વી. ઉપર ન્યુઝ ચાલતા હતા. પોતાનું નામ ટીવીમાં સાંભળી મંદાના કાન સરવા થયા. ન્યુઝ ચેનલ વાળા રસ્તે જતા આવતા લોકોને મંદા વિષે પૂછતાં હતા. લોકોના જવાબ કૈક આવા હતા.

“આવી બાઈ તો દુશ્મનને પણ ના મળે, પતિની આબરૂના કાંકરા કરી નાખ્યા.”

“ઘણીવાર એવું લાગે કે સ્ત્રીઓ માટે તો તાલીબાન જ બરોબર છે.”

“હલકી સ્ત્રી કહેવાય, બાળકોનો પણ વિચાર ના કર્યો.”

“આ બધી બાબતોમાં લોહી અને સંસ્કાર કામ કરી જતા હોય છે.”

“જો શરમ હોય તો જેલમાં જ મરી જવું જોઈએ તેણે.”

“સ્ત્રીઓ ઊંચા હોદ્દા જીરવી જ ના શકે. એટલે આવું તો થાય જ, કશું કશું નાહીને વિધવા બાઈઓ...છી..”

લોકો “સ્વતંત્રતાની અભિવ્યક્તિનો” શૌચાલયની જેમ ઉપયોગ કરી રહ્યા હતા.

મંદા એ આંખો ઉંચી કરવાની હિમ્મત કરી અને તેને ઘેરી વળેલી અસંખ્ય નજરો તેના શરીરમાં ખૂંચી જવા લાગી. તે ઉભી થઇ ત્યાંથી દોડી પોતાના બેરેક બાજુ.

****

સાંજનો સમય, મીટીંગ રૂમમાં મંદા તેના બાળકો સાથે બેઠી છે. સામે લંકેશ કૈક પેપર અરેંજ કરી રહ્યો છે. તેની સાસુ થોડા છેટે રૂમના દરવાજા પાસે ટેબલ ઉપર બેઠા છે. મંદા વારે ઘડીએ પોતના બંને બાળકોને જોઈ રહી છે. તેની આંખો ખુબજ લાલ છે પણ તે રુદન થી લાલ છે કે ગુસ્સામાં તે કલ્પવું મુશ્કેલ છે.

“લે આ જમાનતના પેપર પર ફટા-ફટ સહી કરી લે. મેં બધા વાંચી લીધા છે” લંકેશે પેપર અને પેન ટેબલ ઉપર સહેજ ખસેડ્યા. મંદાએ પોતાના હોઠ સખત રીતે ભીડેલા હતા. તને લંકેશના શબ્દોની જરા પણ જાણે પરવાહ નોહતી. તે પોતાના બંને દીકરાઓને માથે હાથ ફેરવતી હતી. તે ઉભી થઇ ટેબલની સામે બાજુ જ્યાં લંકેશ બેઠો હતો ત્યાં પેપર્સ પડ્યા હતા તે તરફ ગઈ. પેપર્સના એક-બે પાના ફેરવ્યા. તેના ચહેરા ઉપર કટુ સ્મિત આવી પસાર થઇ ગયું. લંકેશે ઉભા થઇ મંદાને પટાવવા તેના ખભા ઉપર હાથ મુક્યો.

મંદાએ વીજળીની ગતિથી પોતાના મો માંથી બ્લેડનો ટુકડો કાઢી લંકેશની ગરદન ઉપર ઠંડા કલેજે ફેરવી લીધો જેના છાંટા સીધા તેના સેંથા ઉપર થઇ ચહેરા ઉપર રેલાવા લાગ્યા.

લંકેશ ટેબલ ઉપર જ ફસડાઈ પડ્યો મરતા-મરતા તેની નજર મંદાના ચહેરા પર પ્રસરેલા સ્મિત અને તિરસ્કાર ભરી નજરો ઉપર પડી અને ડચકા ખાતા-ખાતા તેની આંખો બીડાઈ ગઈ.

તેના બંને દીકરાઓએ ચીસાચીસ કરી મૂકી અને તેનાથી દુર તેની સાસુ પાસે ભાગી ગયા. બધા બુમો સાંભળી રૂમમાં દોડી આવ્યા અને હેબતાઈ ગયા. રૂમમાં કોલાહલ મચી ગયો.

મંદા હજુ શાંત જ ઉભી હતી. તેણે બ્લેડને સખત રીતે પકડી રાખી હતી. રખે ને તે પાછો ઉભો થાય. તે એક ટસે થોડી વાર સુધી લંકેશના શબને જોઈ રહી. થોડી વારે તેણે નજર ઉઠાવી તેની સાસુ તરફ જોયું જે દુર ભીડની પાછળ દરવાજા પાસે ઉભી રહી ગઈ હતી.

બંનેની ફક્ત નજરોએ વાતો કરી.

“માં, મને માફ કરી દે જે, એને મોત આપી હું તારી ગુનાહગાર બની”

“પણ, એને જન્મ આપીને તો હું ક્યારની તારી ગુનાહગાર બની ચુકી હતી.” સાસુની નજરોએ સ્મિત સાથે પ્રત્યુતર પાઠવ્યો. અને પોતાના પૌત્રોને સાથે લઇ બહાર નીકળી ગઈ. તેની પાછળ તેણે કોઈને દબોચી ટેબલ સાથે ભટકાવવાનો આવાજ સાંભળ્યો. પોલીસે “દોષીણી”ને દબોચી લીધી હતી.