Kandho books and stories free download online pdf in Gujarati

કાંધો

“ઓલાદ વાલો ફૂલો-ફલો, ઓલાદ વાલો ફૂલો-ફલો” એક ફૂલ દો માલીના આ ગીતમાં ટેહુકે આજે જાણે પ્રાણ રેડી દીધો હતો.એના સુરીલા કાંઠને કારણે જ કદાચ કોઈએ એને “ટેહુક” નામ આપી દીધું હશે. બાકી તેનું નામ શું છે એ તો તેને પણ ખબર નહી હોય. બાજુમાં જ લારી અને ખુમચા વાળાઓની બુમરાણ, પાસે રોડ પરથી પસાર થતા વાહનોની ઘરરાટી, અવર-જવર કરતા લોકોની વાતો, બાજુમાં જ માંગવા બેઠેલા બીજા ભિખારીઓના કાલાવાલા. નર્યા શોર-બકોર વચ્ચે પણ તેનો અવાજ સુરીલો લાગતો. અચાનક જ ગાતા-ગાતા તે અટકી ગયો.

“અલા માધ્યા, ઓ માધ્યા ?”

“હમ” માધ્યાએ ફક્ત આટલો જ જવાબ આપ્યો.

“હમ એટલે હું? માંગવાનું ચ્યમ બંધ કર્યું?” ટેહુકે પૂછ્યું.

“તારું ગાયન હોભરતો’તો”

“ઓ ગાયનના હગલા મું કઈ તારુ ટેપ નહી તે તને ગાયન હાંમ્ભરાવ, ઓમ છોનો-મોનો મોંગવ માંડ નઈ તો રાતે ગાયન હોંભરી ન પેટ નઈ ભરાય...” ટેહુકે છણકો કર્યો.

ટેહુક અને માધ્યો બંને માંગી ને ખાતા હતા. ટેહુક આશરે ૨૨-૨૫ વર્ષનો અંધ હતો. હમેશા તે એક ખબર નઈ કયા રાંગના મેલા ઝબ્બા અને લેંઘા માં દેખાતો જે અત્યારે મેલના થરને કારણે કથ્થાઈ રાંગના દેખાતા હતા. તેની વધી ગયેલી દાઢીના કારણે ચહેરો તો ઓળખાય જ નહિ ઉપરથી આંખોની જગ્યાએ બે બકોરા અને હંમેશા માધ્યાનો કાંધો પકડી ને દોડયે રાખતો.

માધ્યો આશરે ૧૩-૧૫ વર્ષનો છોકરો હતો જે તેની ભૂરી ચડ્ડી અને મેલી થઇ ગયેલી જાળી વળી ગંજીમાં દેખાતો. તે ટેહુક નો જોડીદાર હતો અને દોરનાર પણ. ટેહુક ગીત ગાય અને માધ્યો કાલાવાલા કરી રસ્તે આવનાર-જનાર પાસેથી ભીખ માંગતો. આ ભાગીદારીને લગભગ ત્રણેક વર્ષ થઇ ગયા હતા.

“દય જોણ, આજ તારું ગીત હોભરી ન માડીની યાદ આઈ ગઈ...” માધ્યો થોડો ગળગળો થયો

ટેહુક પણ થોડો નરમ પડયો....”યાદ તો આવ જ ન માધ્યા....ચેટલા વરહોથી ઓય સુ...”

“હારું હેંડ-હેંડ અવ...આજ વહરાદ જેવું લાગસ...વેલા ભૂંગરે પૂગી જઈએ.,,” મધ્યો યાદો થી ઝબકી ને બોલ્યો.

“ચમ, અટોણે વરહાદ? અમણ તો તડકો લાગતો’તો” ટેહુક ઉભા થતા-થતા હાથ લાંબા કરી માધ્યા નો કાંધો શોધવા લાગ્યો....

“ઈ તો વહરાદ સ, છુક્ગાડી થોડી સ ક ટેમ પર જ આવ” માધ્યો પોતાના કાંધ પર ટેહુકનો હાથ મુકતા બોલ્યો.

આગળ માધ્યો ને પાછળ ટેહુક એનો કાંધો પડકી ને ચાલવા માંડયા.

“આઈ ખાડો ખોદ્યો સ હો, હચાવજે” માધ્યાએ કાંધા પરનો ટેહુકનો હાથ દબાવ્યો.

“તું હાચવજે, તું પડયો તો જ હુંએ પાડવાનો બાકી તો તારો કોંધો જઈ લઇ જાય તઈ હું તો દોડયે જ રાખવા નો..” ટેહુકે વળતો જવાબ આપ્યો.

બંને હસવા લાગ્યા.

“આજે કેટલો વકરો થ્યો” ટેહુકે ગંભીર થતા થતા પૂછ્યું કારણ કે રોજના વકરા ઉપરતો એમની આજ અને કાલનું જીવન ધોરણ નક્કી થતું, કે આજે ડબલ રોટી અને ચાની લકઝરી છે કે ખાલી પાણીના ઉપવાસ.

“બાર રૂપીયા” માધ્યાએ ભીખ આપનારા સજ્જન ગરીબો પર જાણે રોષ ઠાલવ્યો.

“તાણ આજ, પોણી પી લઈએ કઉંસુ” ટેહુકે મેનુ નક્કી કર્યું. “નઈતર તારી બચત માં મેલવા કશુય નઈ રે’”

“આજ તો તે મસ્ત ગાયન હમ્ભારાયું સ, એટલ હું તન આજ પાલટી જ કરાવાનો” માધ્યા એ માહોલ હળવો કયો.

“અમણ માર મુ’મ હી હોમ્ભરીસ છોની-મોની પાલટી ની ઘઈડી” ટેહુક તાડૂક્યો. “તઈ ગોમ મ તાર માં વાટ જોતી અહે, અન તન પાલ્ટીઓ હુઝ સ”

માધ્યો ટેહુકના ગુસ્સા પર મલકવા લાગ્યો.

“હેંડ સીધો-મીધો ટેશને અન પોણી પી ન જઈએ ભુંગરે” ટેહુક હજુ પણ ગંભીર જ હતો.

માધ્યો કઈ બોલ્યા વગર સ્ટેશનના જાહેર નળ તરફ ચાલ્યો. માધ્યાએ પેટ ભરીને પાણી પીધું અને ટેહુકને નળ પકડાવી દીધો.

“તું પોણી પી, તા લગન હું મુતઈડી મ જઈ આવું, અન તાર કેડે બોધેલી સ ઈ બાટલી ય ભરી લે”

ટેહુક ફક્ત ડોક ધુણાવી પાણી પીવા લાગ્યો. થોડી વારમાં માધ્યો પાછો આવ્યો એટલે બંને એમના રહેઠાણ જેવા ભુંગળા તરફ ચાલવા લાગ્યા જે અહીંથી એકાદ કીલોમીટર જેટલે દુર, માછીમારોના ગાંદા દરીયા કિનારે નગરપાલીકા દ્વારા તૂટી ગયેલા નાકમાં મોટા ભુંગળા છુટા-છવાયા નાખી દેવામાં આવ્યા હતા ત્યાં હતું. લગભગ માણસ અંદર ઉભો રહી શકે તેટલા તે ભુંગળા પહોળા હતા. આજુ બાજુ આખા ગામનો કચરો ઠલવાતો હતો. એ કચરાઓના ડુાંગરો વચ્ચે થી પસાર થતી પગદાંડીઓ ભુંગળા સુધી લઇ જતી. આ જ ભુંગળાઓનો ઘણા ભિખારીઓ આ રીતે રહેઠાણ માટે ઉપયોગ કરતા. તેમાંનું એક માધ્યા અને ટેહુકનું પણ હતું. વરસાદ નો ઝરમરાટ ચાલુ થઇ ભુંગળે પહોચતા સુધીમાં તો ધોધમારમાં પલટાઈ ગયો. ભુંગળામાં જઈ બંનેને એ કપડા ઝાટક્યા અને છેડે ઉભા રહ્યા. જેથી એકદમ ભીના કપડા ને કારણે સુવાના કાંતાન ભીના ના થાય. બાકી ભુંગળા માં કાંતાન સિવાય એક ગાંધાતું પોટલું તેમની માલ-મિલ્કિયતમાં હતું જેમાં તેમની બિછાના માટેની એક ગોદડી અને બીજી એક જોડ કપડા રહેતા જે તેઓ મહીનાઓ બાદ બદલતા.

“આ આપણા જેવા ભીખારડા રોજ ટાણે-કટાણે રુએ સે એ ઓસુ સ, તાર ઇન ય કટાણ રોવાનું હુઝ્યું સ.” ટેહુકે વરસાદ ઉપર બળાપો કાઢ્યો સવારથી જ એ ખીજાયેલા જેવો જ રહ્યો હતો.

જયારે માધ્યો આખો દીવસ કોઈ અજાણ્યા આનાંદમાં જ હતો.

“અલ્યા, બાપલાનો પાળ માન ક આપણ રોઇએ તો કોઈ દીસે નઈ એટલ ઇ વહરાદ મોકલ સ, કોઈ ન કોઈ અભાગીયો અટાણ રોતો જ અહે.” માધ્યાએ ફીલોસોફરની અદામાં જવાબ આપ્યો.

“અવ બઉ તારી હુશયારી ના ઝાટક ન, હેડ મુંન અંદર લઇ જા તો હુઈ જઈએ, મન ય હારી ખબર નઈ કોઈ દન નઈ, અન આજ જ હારા ખાવાની વાહ આવસ.” ટેહુકે એનો મીજાજ ચાલુ રાખ્યો.

માધ્યો મરક-મરક હસવા લાગ્યો જે ટેહુક પારખી ગયો.

“અજુ હુ સે તે આમ ફીસકારા મારશ?” ટેહુકે માધ્યા ને ધબ્બો મારવા હાથ વીંઝયો, પણ માધ્યાએ નીશાન ચૂકવી દીધું.

“એટલ, આજ ઈમ સ ક ઈ હરા ખાવા ની વાહ, ઓય આપણા ભુંગરા મો હી જ આવાસ, હું તન નરે પોણી પીવા મેલી ન ગયો’તો ન, તાર જ દહનો “લોચો”(વધેલા ભાત, રોટલી, શાકનો રસો, કચુંબર અને પાપડ ના ટુકડા મિક્ષ કરી ને બગાડ માં નાખવા ને બદલે છૂટકમાં વેચી દેવાતા) ઓલી ગરીબ નવાઝ હોટલ મહી લઇ આયો’તો” માધ્યા એ કાંતાન ઉપર બેસતા ફોડ પડયો અને પોતાના કપડા ઉપર ભીનાના હાથ લુંછીને પડીકું ખોલ્યું.

“લે હેડ ચાલુ કર” માધ્યાએ કોળીયો ભરતા ટેહુકને આવકાર્યો.

“નઈ ખાવું માર” ટેહુક હજુય ગુસ્સામાં જ હતો.

“મર, તાર હું તો ટેસડો કરસ” માધ્યાના સબડ-સબડના આવાજ ટેહુક સાંભળતો રહ્યો.

“અજુય કઉ સુ, થોડુાં બચ્યુ સ, ખાવું હોય તો હેંડ, નઈતર બા’ર ડાઘીઓ વાહ હુંગી ન ઉભો જ સ”

“ટણપા, નઈ ખાવું ક’યુ ન એકવાર” ટેહુક બરાડયો.

“મર, તાર ભૂખ્યો” કહીને બચેલા પડીકાનો માધ્યાએ ભુંગળાની બહાર ઘા કયો.

“તારું નક્ખોદ જાય, મુઆ રોયા, ચઈ પરકાર નો સુ લ્યા તું, તાર બાપનું દેવું ઉતારવા નું માન નહી થતું તન, તારી માં ઉણ તારી વાટય જોતી અહે, ઇનોય વચાર નહી તન, હારા, નમાયા” ટેહુક વરસાદથી પણ વધુ વરસી પડયો. અને માધ્યો પણ છેક અંદર સુધી ભીંજાઈ ગયો.

એકદમ જ ટેહુંક ને અણસાર આવી ગયો કે તેનાથી વધારે બોલાઈ ગયુ છે. અને માધ્યા પર એની અસર પણ વધારે થઇ છે.

“જો માર ભઈ, માર તન દુખી નઈ કરવો. પણ તે જ કીધું’તું ન ક તાર ડોહાએ તૈણ અજાર નું કરજ કરી ન તારી બુન ન પૈણાઈ, એમન ઈમ ક તાર માં ન ઈ બેઉ જણ થઇ ન મજુરી કરશે ઇટલ ચુકઈ જાહે હંધુંય

કરજ, અન તા લાગીન તુ યે મોટો થઇ જઈસ, કોઈ ન થોડી ખબર હતી ક ઈમન એરુ આભાડ્સે, ન વે’લા સીધારી જાહે, અવ તું ભલે પંદરનો રી’યો અત્તાર પણ ઘરનો ભાયડો તો તું એકલોજ ન, તાર માંએ ચેટલી મજબૂરી મ તન અઈ આટલે દુર મોકલ્યો સ. ઈ બચારી ચમની એકલી દન ભોંગતી અહે. એટલ તું જલ્દી ખણીયા ભેગા કર અન ગોમડે જા તો ઈ બચારીનો જીવ એઠો બેહ.” ટેહુકે પ્રેમથી માધ્યાને સમજાવ્યો.

“આ, દર વેરા, તું મન ધકેલવા ની વાત કરહ, પઈ તું ચમનો કુટઈસ, ઈ કઈસ મુ ન.” માધ્યાએ આંખો લૂછતાં-લૂછતાં જ ટેહુકને ઠાવકાઈથી પૂછ્યું.

“અવ માર સુરદાસ ન હુ, ચે દન, ભોણીયો કીધા વના મન મેલી નાહી ગયો, તે જ દન તું ટેશને નો’તો મલ્યો? એમ તું જઈહ તાર કોઈ બીજો મલી જાહે, તાણ ઇના કાંધે...અન તું થોડો એન જેમ કીધા વના નાહી જવાનો.” ટેહુકે પોતોની ઉદાસી છુપાવવા નો નિષ્ફળ પ્રયાસ કર્યો.

“અવ, છોનો રે’ન જોણ બઉ મોટો સફ્ફઈ ની વાતો કરહ તે, ઇના વના, જોણ કોઈ રહતો જ નહી”

“તો તું જ કે ન માધ્યા, એક દન તો તાર જવું જ પડહે ન તારી માં બચારી.....”

માધ્યા એ વચ્ચે થી જ ટેહુક ને અટકાવ્યો.

“અલ્યા પણ, તું, હું અન માડી તઈણેય જોડે જ રઈએ તો?” માધ્યાના આવાજમાં ઉમંગનો રણકાર પારખી શકાતો હતો. અને કદાચ એ જ વીચાર તેની આજની ખુશીનું કારણ હતું.

જયારે માધ્યો ગામડે થી શહેર માં આવ્યો એના એક અઠવાડીયા પછી તેને ટેહુકનો ભેટો થયો હતો. ટેહુકનો આગલો કાંધાદાર “ભણયો”, એક રાતે અચાનક કશું તેને કીધા વિના જ રેલ્વે સ્ટેશનના દાદર નીચેના તેમના ઘરમાં તેને મૂકીને જતો રહ્યો હતો. ત્યારથી માધ્યો અને ટેહુક જોડે હતા. જયારે બંને મળ્યા ત્યારે બંને ભૂખ્યા અને લાચાર હતા. માધ્યો નવો હતો તેથી તેને ખબર નોહતી કે શહેરમાં કેમના પૈસા મળે? તેને તો એમ જ કે માં અને બાપા ગામડે જેમ ખેતર માં મજુરીએ જતા એમજ અહી પણ ક્યાંક મજુરીએ જઈશ. પણ, અહી તો ખેતર જ ક્યા? અને બીજુાં તો શું કામ હોય શહેરમાં એની પણ ગાતા-ગમ નહી. જયારે ટેહુકની પાસે પૈસા કમાવા નો રસ્તો હતો પરંતુ તેની જોડે સાથીદાર નહોતો. આમ બંનેનું મિલન એક બીઝનેશ મર્જરની જેમ શરુ થયું. ભાગીદરીમાં ધાંધો. ટેહુક પ્રોડક્ટ હતો. કેમ કે તે આંધળો હતો. તેને આગળ ધરીને માધ્યાએ ભીખ માંગવાની. આમજ, છેલ્લા ત્રણ વરસથી બંને ની ભાગીદારી ધીરે-ધીરે ગાઢ્ મીત્રતા બની ગઈ હતી. અને એટલેજ બંને પક્ષે દુવિધા હતી કે એકબીજાને તરછોડવા કેમ? અને આખરે આજે રાત્રેએ વાત બહાર આવી ગઈ હતી.

“માધ્યા, જો જુદા પાડવાનું તો મન ય નો ગમ, પણ તારી મા ન અહી ચમની લવાય, ઇન થોડી અઈ ભુંગરા મ રખાય, અન હુય તાર ગામડે ચમનો આવું, મારથી આ અંધાપે મજુરી ય નો થાય, ક તાર ગોમ મ ભીખ ય કુણ આલ, બધાય બાપડા આપડા જેવા જ હોય તઈ.”

“પણ, મારી જોડ એક રહતો સ” માધ્યો જાણે ધીરે-ધીરે તેની જાદુની પેટી ખોલી રહ્યો હતો.

“હોભર, માર ડોહા નું દેવું ચેટલું? “ માધ્યાએ વાતમાં મોળ નાખવા વાતને લાંબાવી. કારણ કે એ જાણતો હતો કે ટેહુક પણ એની યોજનાથી ખુશ થઇ જશે. અને માધ્યો ટેહુકના ચહેરા ઉપર એ ખુશી જોવા જ વાતને લાંબાવતો હતો.

“તૈણ હજાર”

“તો હોભર, અહી ભુંગરા ની ચેડે, પથરા નેચે એક ડબલા મઈ મી બેંક બનાઈ શ, ઈમ બે અઝાર ન બહે રૂપયા થઇ ગ્યા સ” માધ્યો ફરી સહેજ વગર કારણે અટક્યો.

“તે, ઈનું હું પણ, તું મન ચમ ગણાવાસ, એ બધું તાર જ હાચવવા નું સ ન, મુ ન હું કપાર દીવસવા નું સ” ટેહુકે એની યોજના સાંભળવાની ઉતાવળ દર્શાવી, “તું આગર ભસ ન.”

“તો, હું એમ વચારું સુ, ક આપણ બીજા એક-આદ વરહમાં તૈણની જગા એ પોંચ અઝાર જમા કરીએ”

“હારા, ખણીયા ના ભુખડા, એટલ તું મુ ન રૂપપયા આલી ન જવા માટે પીલાન કરસ?” ટેહુક હવે તો આજુ બાજુ કઈક પડેલું જ શોધવા લાગ્યો માધ્યા ને છુટુાં મારવા.

“અલ્યા, ના ટણપીના, હોભર તો ખરો” માધ્યા એ તેનો હાથ પોતાના હાથ માં લીધો.

“ઈ બે અઝાર વધારે અહે ન, ઈમાથી તું ન હું બેય આમાર ગોમડે હી બે ગઉ સેટે એક મોટો આઈ વે રોડ જાય હ, તો માર ગોમની ચોકડી પર, આપણ ચા અન પોન નો ગલ્લો નાખીશું, તું તઈ બધા ન ગાયનો હમ્ભરાઈ ન બેહાડી રાખજે, એટલે ચા-માવો તો કરવા ના જ ન?” માધ્યો અટકીને ટેહુક ની સામે ખુશી સાથે તાકી રહ્યો. તેને બસ ટેહુકના મુખ પર છલકી જનારી ખુશી જ જોવી હતી.

“ચેવો, લાગ્યો મારો પીલાન?” માધ્યા એ ફરી થોડું પોરસાઈ ને પૂછ્યું.

ટેહુક જાણે કશાક વિચાર માં ખોવાઈ ગયો. થોડી વારની ખામોશી પછી ઊંડા બે-ત્રણ શ્વાસ લીધા.

“ઓંધરા ન હપના ના દેખાડીશ લ્યા ભૂળા, ઈ બધું ખાલી બોલવા મ જ હારું લાગ, હાચુક્લુાં નો થાય” હજુ ટેહુકને વિશ્વાસ નથી કે આવું શક્ય બને. એ એના મિત્ર સાથે એના ગામમાં જ જીવનભર સાથે રહે, મહેનત કરીને રોટલો ખાય.

“તું હપના-બપના ની વાત મેય્લ ન, તું આઈશ ક નઈ મારી હારે ઈ કે ખાલી” માધ્યો તેને રીતસર કરગરવા લાગ્યો.

“તે ભેરુ હારું રેવા’નું કુ ન નો ગમ, પણ?”

“તું મેય્લ, તારી પણ ન બણ, તું ખાલી હા પાડ ન, ઇટલ તન આગર નો પીલાન કઉ”

“હઉ, હેંડ, આઇશ તાણ, બસ.” ખુશી, અનિશ્ચિતતા, અવિશ્વાસ, જેવા કેટલાય ભાવ સાથે ટેહુકે જવાબ આપ્યો.

“બઅઅઅસ... અવ તાણ કાલ થી, આપણ હવાર ન હોંજ કલાક-કલાક વધાર માંગવાનું, ખાવા ટાણે ય બેઉ હાથે નઈ જઈએ, પે’લો હું જઈહ તા લગન તાર માંગવાનું, અન મુ તાર હાટુ લેતો આયેહ ઇટલ પસી હું માંગીશ ન તાણ ખઈ લેવાન.”

“પણ, ઇના હી હું થાય”

“અલ્યા ડાફોર, ઇના હી આપણન રોજ કરતા વધારે ભીખ મલ્હે, અન પોંચ અઝાર વે’લા ભેગા થઇ જહે, અન પહી તો ટીરેન પકડતાક ન ગોમડે” માધ્યો પુરા તાનમાં આવી ગયો.

“હઉ, હું એ માડી ને મલીશ, ફરી પણ ઇન કોઈ મજુરી એ નઈ મોકલવા ની હા, માડી ઘરે જ રેહે” ટેહુક પણ હવે તો મધ્યાના સપનાનો ભેરુ થઇ ગયો.

“હાર, હેંડ અવ કાલથી નવા પીલાન પરમાણે વે’લા જવાનું સ, હુઈ જા,”

“તન ભૂખ તો ન લાગી ન પણ” માધ્યા એ ફરીવાર પૂછી જોયું ટેહુક ને.

“તારી વાત હોંભરી તો મારી ભૂખ જ જતી રઈ લ્યા.” ટેહુક હજુ પણ તેના અંગત અંધારામાં કૈક જોતો હતો અને મલકાતો હતો.

“તે લાગી હોત તોય, કાંકોળાય નો મલત, મેં’ત બધુય નાંખ્યું પેલા ડાઘીયા ન, ઈની ચેડે તાર જ નાહવું પડ ખાવું હોય તો.” માધ્યા એ ટેહુક ને ફરી છેડયો.

ટેહુકે તેને મારવા હવામાં આમ-તેમ ઝપાટો વીંઝી “મારી હાહુના, મારા હાથમ તો આય તન નહાડુાં સુ ક નઈ જો પસી.”

પણ માધ્યા એ આ વખતે પણ ઘા ચૂકવી દીધો.

“તે હે માધ્યા તારું ગોમ ચેવું સ ઈ તો કે” ટેહુક ની જીજ્ઞાશા અત્યારથી જ વધી ગઈ હતી.

“અરે મારું ગોમ તો મારું ગોમ જ સ ટેહુક” માધ્યો ગામને નજર સામે લઇ આવ્યો.

“અમાર ગોમમાં ખાલી મુખીકાકાનું જ પાકુાં મકાન સ, બાકી બધાય મોટી ના...અન એકલા મુખી કાકા જોડે જ કુટર, બાકી તો હયકાલ ય બે જ, પણ હારું એટલુાં હારું લાગ ન ગોમ મઈ, એક નેહાર સ, ગોમ મ કુવો સ, અન ખેતરો ત જોણ માતાજી ની ચુન્દરી જેવા લીલા ન લીલા જ, અન બે ગઉ થી જ આઈ વે જાય હ, એટલ સે’ર મ જવું હોય ન તોય દઉંધ્યા નઈ.”

બંને આમ જ મજાક મસ્તી અને વાતો કરતા કરતા મોડે સુધી તેમના આવનાર ભવિષ્ય ની ચર્ચા કરતા રહ્યા. રાતે અંધારાની ચાદર ઓઢી લીધી હતી. ભુંગળા કાંઠાની છેક નજીક પડેલા હોઈ ત્યાં સુધી રસ્તા ની બત્તી ઓની પણ રોશની આવતી નહતી. મોડી અંધારી રાતે માધ્યો પણ ટેહુક ની જેમ લાચાર જ થઇ જતો.

ક્યારે વાતો-વાતોમાં બંને સુઈ ગયા તેનો તેમને ખયાલ જ ન રહ્યો.

*****

“ટેહુંક્યાં!!! ઓ ટેહલા...” પોતાના નામની બુમ થી ટેહુક એકદમ જાગી ગયો.થોડા ઓળખીતા અવાજોથી તે પામી ગયો કે સવાર થઇ ગઈ છે.

“માધ્યા?”

“માધ્યો નઈ લ્યા, કનું સુ” કનું એમનો અપંગ ભુંગળા પાડોશી હતો અને તે પણ આ બંનેની જેમ ભીખ માંગી ને થોડે દુર બાજુના ભુંગળામાં એની પત્ની સાથે રહેતો હતો.

“હું થયું, કનીયા, હવાર હવાર મઈ ચમનો આઈ પા” ટેહુક આંખો મસળવા લાગ્યો.

“તન રાતે ખબર જ નો’તી પડી ક હું.”

“હે ની ખબર નો’તી પડી?” ટેહુક હજુ ઊંઘમાં જ જવાબ આપતો હતો.

“આ માધ્યો....” કનું ખચકાયો.

ટેહુક જાણે કઈક ભાનમાં આવ્યો હોય એમ બાજુની પથારીમાં ફાંફોસવા લાગ્યો.

“ચઈ ગ્યો, માધ્યો.” ટેહુકે ગુસ્સામાં લગભગ બુમ જ પાડી.

“ઈ..ઈ...તો રાતે મરી ગ્યો.” કનું ફરી સહેજ અટક્યો.

“પણે, રોડ પર દવાખાનાની પગથીયે.”

ટેહુક કે કનુંની વાત મજાક સમજી તેને મારવા હાથ ઉગામ્ય્યો પણ તેને જાણે તમ્મર આવી ગયા. કનુંએ બાજુ ની બોટલ માંથી પાણી લઇ છાંટ્યું. થોડી મીનીટો પછી તે ભાનન માં આવ્યો.

“પેલી એક હો આંઠ (૧૦૮ એમ્બુલન્સ) વારી બાઈ કે’તી તી ક ખાવાનું પેટ મો ઝેર થઇ ગ્યું તું. ઈ રાતનો પેટ મો વીતતુ અહે એટલ દવાખાને ગ્યો પણ રાતે જ તો પડયો-પડયો મરી ગ્યો તો, હવાર મ કોઈ એ પડેલો જોયો ઇટલ એક હો આંઠ ન બોલાઈતી.” કનું એ પોતાની વાત પતાવી.

“મન, તોં લઇ જા લઈ ઝટ.” ટેહુક ઝડપથી ઉભો થયો.

“પણ, ઇન તો ચ્યાર ના ય ઈ જ લોકો કાઢી ગ્યા, હું ન તારી ભાભી મોંગવા જતા ઇન દીઠો ઇટલ જ તન કેવા પાસો આયો, માર જો મોડુાં થાય સ ઇટલ હું જઉ, પણ, તું ચોય બાર ના જતો, રાત તાર હારું ખાવા નું ઉ જ લેતો આઈહ” કનું ઘોડી પકડી ઉભો થઇ બહાર નીકળી ગયો.

ટેહુક હજુ તાંદ્રાવસ્થામાં જ હતો.

“પણ મુન ઈનું મો તો ઇક વેરા......ઇન કોંધો તો....ઇણે અઈ કૈક જોડે જ પૈહા દાટયા....ઈની માં ગોમડે ...” ટેહુક કોઈ વાક્ય પૂરું ના કરી શક્યો. તેનાથી જોરથી રડી પડાયું. તે ભુંગળામાં માથુાં પછાડવા લાગ્યો.

“મેં ચમ ના ખાધું તારી જોડ રાતે? મારા હારા, તુય ભોણીયા જેવો જ નેકરયો. નાહી ગ્યો ન, મુ ન આંઈ એકલો મેલી ન.” ટેહુક ગુસ્સામાં આક્રાંદ કરવા લાગ્યો. પણ, તે દહરયા કિનારા પર કચરાના ઢ્ગલાના જંગલમાં તેને સાંભળનારૂ કોઈ જ ન હતું. ગઈકાલે રાત્રે જ બનાવેલ સ્વપ્નનો પુલ તૂટી ગયો હતો, જેમાં સામેના છેડે અંધારામાં ક્યાંક માધ્યો ગરક થઇ ગયો હતો. વચ્ચે રહી ગઈ હતી બસ, એક અંધારી ઊંડી ખાઈ.

ગુસ્સામાંથી અચાનક તે ઢીલો પડયો. પાછો સ્વગત બબડવા લાગ્યો.

“આય હાય, તે મુન ઈટલો બધો કોંધો આપ્યો અન મારથી તન દહ મિનીટ ય કોંધો ના અલાયો. તારી માડી ન બચારી તારા કોંધાની ચેટલી જરૂર અહે, ઈનય હું....”

આટલુાં બોલતા તો ટેહુક અટકી ગયો, કઈક વિચારી તરત જ ઉભો થઇ હવામાં હાથ પછાડતો-તરતો બહાર નીકળી ગયો.ક્યાં ગયો? કેમ ગયો? કોઈ ને ખબર નથી. ત્યાર બાદ કોઈએ એને શહેરમાં કદી જોયો નહિ. કોઈએ પરવા પણ નહિ કરી હોય ને.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED