મોટીવેશન મંત્રો
કોઈ પણ ક્ષેત્રમાં રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અથાગ....અથાગ....અથાગ મહેનત કરવી પડે એ તો દરેક વ્યક્તિઓ જાણે જ છે. ક્યારેય કોઈ શોર્ટકટ હોતો જ નથી. બુટલેગર કે જુગારખાનું ચલાવનારાને પણ ભારો-ભાર તણાવ અને કેટ-કેટલાય રાગ-રસ્તા કરવા પડતા હોય છે ટકી રહેવા માટે એ લોકો પણ સરળતાથી પૈસા કમાય છે એ વાતમાં માલ નથી. પણ, બીજા કોઈ કામમાં નિપુણતા કે આવડતના અભાવે આ વ્યવસાય પસંદ કરવામાં આવ્યો હોય છે. એટલે એક વાત અજર-અમર છે કે મહેનત જ કરવી પડે.
મુખ્ય વાત, જ્યારથી બજારમાં ભણતર અને રોજગાર માટે પ્રેરણાત્મક ફિલ્મો કે પુસ્તકો બહાર પડતા થાય ત્યારથી લોકોને ખબર પડી કે તમારું મન ગમતા ક્ષેત્રમાં આગળ વધો એટલે સફળતા મળશે જ. પણ, ખાલી મનગમતા ક્ષેત્રમાં જઈને પણ પતી જતું નથી. ત્યાં જઈને પણ મહારત કેળવવી પડે છે. એટલે એ મહારત કેળવ્યા પછી જ તમને સંતોષકારક રીટર્ન મળી રહેશ(રીટર્નની આશા વગર આત્મસંતોષ માટે કરવામાં આવતું કોઈ પણ કામ મનગમતું નથી હોતું. એ રીટર્ન રિદ્ધિ કે સિદ્ધી કોઈપણ હોઈ શકે.)
હવે મહારત કેળવવા માટે તમારે મહાવરાની(પ્રેકટીશ) જરૂર પડે જે રોજે-રોજ કાર્ય કરવું પડે. માનવીનું મન એવું છે કે જે એકધારું એક જ પ્રકારની બાબતથી કંટાળે છે એટલે સિક્ષ પેક્સ એબ્સ ગમતા હોય પણ એના માટેનો વ્યાયામ તો રોજે-રોજ કરવો જ પડે જે થકવી નાખનારું કે કંટાળી નાખનારું હોય છે. એમ જ ક્રિકેટર, પેઈન્ટર, એક્ટર, રાઈટર કઈ પણ બનવા માટે પ્રેકટીશ મસ્ટ હોય છે. આ પ્રેકટીશને પણ રીઝલ્ટ જેવી મજેદાર બનાવવા માટે જ મોટીવેશનની જરૂર પડે છે. હવે આ મોટીવેશનને પણ ચાર્જ રાખવા માટે કૈક કરવું પડે છે. શું કરવું પડે છે? આ રહ્યું...
૧) એકલવ્ય બનવું પડે – બધાને ગુરુદ્રોણ કે ચાણક્ય જેવા ગુરુ મળે એ જરૂરી નથી હોતું. અને મળે તો પણ તે ગુરુદ્રોણ કે ચાણક્ય જેટલા શિષ્ય પ્રત્યે સમર્પિત હોય તેવું જરૂરી નથી. એટલે ગુરુની રાહ જોયા વગર એકલવ્ય બની મનમાં ગુરુ ધારણ કરી લો. તમાર ફિલ્ડમાં તમને ખેંચી જનાર એક વ્યક્તિવ હોય છે. તમે જાણે-અજાણે પણ તેને ફોલો કરતા હોવ છો. તેમના જેવા બનવા માંગતા હોવ છો. બસ, એ જ તમારા ગુરુ. અત્યારના યુગમાં દુનિયા દરિયામાંથી ખાબોચિયું બની છે. માહિતીના દરિયામાંથી જે જોઈએ તે ખાબોચિયામાં હોય એ રીતે મેળવી શકો છો. બસ, તેમના કામનો અભ્યાસ કરો. તેમની કામ કરવાની સ્ટાઇલનો અભ્યાસ કરો. તેમણે એવું શું કર્યું કે એવી કઈ કળા બતાવી જેમણે તેમને આ કક્ષા એ લાવીને મૂકી દીધા તેનો અભ્યાસ કરો. બસ ધ્યાન એટલું રાખો કે તમે કાર્બન કોપી ના બની જાઓ. તેમની શૈલી તમે અપનાવો તો પણ મુખ્ય બાબતમાં તો અલગતા હોવી જરૂરી છે. જરૂરી નથી કે એક જ ગુરુ હોય, એક કરતા વધારે ગુરુ પણ ધારણ કરી શકો. ટૂંકમાં કહીએ તો દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૈક તો શીખવાડી જ જાય છે.
૨) ધ્યેયને કારણ આપો – તમે ધ્યેય તો નક્કી કર્યો, પણ પછી શું કે એ અચીવમેન્ટને જ તમે ધ્યેય ગણો છો? એવું તો શું છે તે અચીવમેન્ટમાં જે તમને ફેસીનેટ કરે છે? તમારો ધ્યેય ફિઝીકલી ફીટ રહેવાનો છે? ઓકે, કેમ ફિઝીકલી ફીટ રહેવું છે? તો કારણ કહેતા શરમાવું નહિ કે છોકરીઓ પટાવવવી છે, તંદુરસ્તી માટે ફીટ રહેવાની જરૂર તો ધડપણમાં વધારે પડે. ધ્યેય જ જો શુષ્ક હશે તો તમને ત્યાં પહોચવાની તાલાવેલી જ નહિ રહે ને. તમારે પર્વતારોહણ કરવું છે પણ ત્યાં ચડીને દુનિયા કેવી દેખાય એ તો ગુગલ ઉપર જોઈ લીધું? પણ કારણ એ હોય કે ત્યાંથી શહેર કેવું દેખાય છે તે કોઈએ જોયું જ નથી તો ધ્યેય પાર પાડવાનો રોમાંચ વધવાનો છે. પૈસા કમાવવા છે, પણ કેમ? પેરીસ જવું છે. વર્ષમાં એકવાર બેંગકોક આંટો મારવો છે. એકવાર જીવનમાં એસ.યુ.વી. ખરીદવી જ છે. બાકી કારણ વગર પૈસા કમાઈ ખાતા ડુંડાળા દેવો મોટાભાગની ઓફિસમાં જોવા મળશે.
૩) તમને ડી-મોટીવેટ કરનારા પરિબળોનું લીસ્ટ તમારા દિમાગમાં હોવું જોઈએ – રસ્તા સુવાળા હોય તો પોતે ખાડા ખોદીને ખરબચડા બનાવો. જ્યાં સુધી સ્ટ્રેસ લેવલ નહિ માપો ત્યાં સુધી તમારી કાર્યક્ષમતાનો માપ દંડ નહિ નીકળે. આ સ્ટ્રેસ લેવલ ચેક કરવા તમને ડી-મોટીવેટ કરનાર પરિબળો તમને કામમાં લાગશે. ઊંઘ બહુ આવે છે? થાકી જવાય છે? ઘરમાંથી પ્રોત્સાહન નથી? ગર્લફ્રેન્ડ મારા ધ્યેયની વાતને સંભાળતી નથી કે સીરીયસ નથી લેતી? ચમચાઓ બોસ આગળ ફાવી જાય છે? આ તમારે શોધી કાઢવાનું છે. અને પછી થોડા દિવસ વારે-ઘડીએ તે જ પરિસ્થિતિનો સામનો કરો. એક દીવસ, બે દિવસ, અઠવાડિયું, પખવાડિયું, ક્યાં સુધી તમે તમારી જાતને કંટ્રોલમાં રાખી માછલીની આંખ તાકી શકો છો. આ જ મહાવરો તમારૂ સ્ટ્રેસ લેવલ નક્કી કરશે કાં તો તે કાર્ય તમારું સાચું પેશન નથી તે બતાવી આપશે. જેમ ટીપાઈ-ટીપાઈને બુઠું લોઢું કોઢી બને છે તેમ જ અવરોધો તમને ટીપીએ રાખે છે તમારી ધાર કાઢવા. આ પરિબળો તમારી ભઠ્ઠીછે જેમાં તમે તમારી જાતને પકવી શકશો.
૪)જીવન કથનીઓ વાંચો – સાંપ્રત સમયમાં દરેક ક્ષેત્રના માધાંતાઓની જીવન કથનીઓ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. નેતા, અભિનેતા, રમતવીર, સંગીતકાર, ગાયક, બિઝનેશમેન તમે માંગો તે ક્ષેત્રનું લેખન જીવન કથની રૂપે ઉપલબ્ધ છે. તે વાંચો. વાંચવાથી તેમના જીવનને તમે જીવો છો. તેઓએ વર્ષો સુધી પછડાઈ-અખડાઈ ને મેળવેલો અનુભવ તમે ફક્ત એ પુસ્તક વાંચવા સુધીના સમયમાં હસ્તગત કરી શકો છો. તેઓને પડેલી મુશ્કેલીઓ અને તમારી મુશ્કેલીઓની તુલના કરી જુઓ. સ્વઅધ્યયનનું મહત્વ તમને સમજાશે. કેટલાય લોકો કે જેમની પાસે આગળ વધવા માટે પુરતી સવલતો નોહતી તેઓ કેવા નુશખા અપનાવી કે જોડ-તોડ કરી શીખ્યા, મહેનત કરી અને ધ્યેય હસ્ત-ગત કર્યો. આખું પુસ્તક નહિ તો એક પાનું તો હશે જ જે તમને ઉપયોગી નીવડશે અને એક પાનું નહિ તોય આખા પુસ્તકમાંથી એક વાક્ય તો હશે જ જે તમને અડી જશે. બીજા મોટીવેશનલ વાંચનો પણ હોય છે પણ અમુકમાં ખાલી દકીયનુસી અને ઠાલી વાતોના વડા કરી પાના ભરેલા હોય છે. એટલે એમાંનું બધું વાંચવું પડે અને એમાંથી જેટલું સારું હોય તે ગ્રાહવું પડે. જયારે જીવન કથની એટલે કે બાયોગ્રાફી કે ઓટોબાયો ગ્રાફી તમને સીધી મુદ્દાની વાનગી પીરસી આપે છે.
૫) આર્થિક લાભ – ભારતમાં સેવા એ ખાલી વરખ-ચારોળી જેવો શબ્દ છે જે ખાલી દેખાડા માટે કરવામાં આવે છે. આર્થીક ફાયદો જોવો એ જાણે પાપ કરતા હોય એ હદે વલોપાત થયેલો જોવા મળે છે. જયારે અસલમાં ભાગવાનો પ્રસાદ અને દર્શન પણ મફતમાં નથી મળતા અહી. એટલે તમારા ધ્યેય સાથે જો આર્થીક લાભ જોડાયેલો હોય તો તેનો વિચાર કરવો એ તમારી મહેનત જેટલું જ સાત્વિક છે. સારી ફિલ્મને જો કામણીના થાય તો ડાયરેક્ટરને ફિલ્મ બનાવાનો મોહ તૂટતો જાય. સારું પુસ્તક જો કોઈ પબ્લીશ જ કરવા તૈયાર ના થાય અને પબ્લીસ થાય બાદ જો વેચાય જ નહિ તો લેખકનું ઘર નથી જ ચાલવાનું. તમે ઉમદા પેઈન્ટીગ બનાવો તો એ સારા ભાવે વેચાય એ સપના જોવા જ જોઈએ. તમારા ઘરમાં પડી રહ્યે એ ડબલ થવાના નથી કે તમારી આર્ટ લોકો જોવાના પણ નથી. પૈસા જેવું મોટીવેશન કોઈ પદાર્થમાં નથી, આ સનાતન સત્ય છે. પૈસાને પાપમાં ખપાવનારા જ કોઠીઓ ભરીને પૈસા રાખે છે.
૬) તમારા ધ્યેયને થોડો બ્રેક આપવો – કોઈપણ રૂટીન માણસના મગજને હંમેશા કંટાળો આપે છે. એકની એક ફિલ્મ, એકની એક બુક, એકની એક રેસ્ટોરેન્ટ, કૈક ચેઈન્જ જોઈએ. બસ, એક બ્રેક તો બનતા હૈ. થોડું પાછું જવું એ લાંબા કુદકા માટે જરૂરી છે તેમ થોડો બ્રેક લેવો એ તમારા ધ્યેયમાં વધારે તીવ્રતાથી કુળવા માટે જરૂરી છે. રોજ લાખો છો? થોડો ટાઈમ ફિલ્મો જુવો. રોજ કસરત કરો છો? બે-ત્રણ દિવસ ગેંડાની જેમ સુવો. આડ-વાત નવા વિચારો આપે છે. નવી જગ્યા થોડી અલગ રીતે ફ્રેશ કરે છે. સ્પોર્ટ્સમાં છો તો થોડો ટાઈમ પોલીટીક્સમાં આંટો મારી આવો. હા, પણ મન પર એટલો કંટ્રોલ હોવો જરૂરી છે કે તમારું રૂટીન વર્ક તમારા બ્રેક જેવું ના બની જાય તેનો ખ્યાલ રાખવો. થોડી આડી-અવડી ક્રિયાઓ કરી પાછા ત્રાટકો તમારા ધ્યેય ઉપર.