Trushna books and stories free download online pdf in Gujarati

તૃષ્ણા

તૃષ્ણા

ટીંગ ટોંગ....

ભરઊંઘમાંથી વત્સલ જાગી ગયો.

એક તો ૨૨ કલાક લાંબી ન્યુયોર્કથી અમદાવાદની હવાઈ મુસાફરીનો થાક અને તેમાં પાછી જેટલેગની સમસ્યા એટલે વહેલી સવારે પહોચીને તે સીધો પથારીમાં જ પડ્યો હતો. તેણે ઘડિયાળ તરફ નજર કરી તો સવારના ૯:૨૫નો સમય બતાવતી હતી. તેણે મનો-મન ગણી પણ લીધું કે હજુતો પાંચ કલાક અને પચ્ચીસ મીનીટની જ ઊંઘ લીધી છે. ડોરબેલ હજુ આપત્તિકાળની તીવ્રતાથી રણકી રહી હતી.

“જસ્ટ વેઇટ, કમિંગ.” વત્સલ અર્ધ-ઊંઘમાં જ બરાડ્યો. ડોરબેલ તો તેની ફરજ નિભાવ્યે જ જતી હતી. વત્સલ ખાલી તેની ટૂંકી-ચડ્ડી અને પગમાંના મોજા પહેરીને જ સુઈ ગયો હતો. તે સિવાય તેણે કઈ જ પહેર્યું નોહ્તું, અત્યારે જેનો તેને પણ ખ્યાલ નોહ્તો. તે ફક્ત એ જ ગડમથલમાં હતો કે રવિ તો કહેતો હતો કે તેનો આ ફ્લેટ ખાલી જ પડી રહે છે એટલે કોઈ મને ડીસ્ટર્બ નહિ કરે. તો આ વળી કોણ હશે?

કદાચ બહુ દિવસે ફ્લેટમાં તાળું નહિ જોયું હોય એટલે કોઈ પંચાયતીયો પાડોશી જ હશે એમ પણ તેને લાગ્યું.

જેવો વત્સલે દરવાજો ખોલ્યો તેના હાવ-ભાવ ઘરમૂળથી બદલાઈ ગયા. તે તેની અવસ્થાનું કે વ્યવસ્થાનું બધું જ ભાન ભૂલી ગયો. તેની સામે ક્રીમ કલરના ઢીચણ સુધીના લેગીન્સ અને બ્લેક સ્લીવલેસ હીપ્સ સુધીની લંબાઈનું ટોપ પહેરીને એક પચ્ચીસની આજુ-બાજુની સુંદર કન્યા ઉભી હતી. તામ્રવર્ણ ત્વચા, વાળમાં પોની-ટેઈલ હેર-સ્ટાઈલ. આખો એટલી કાળી કે કાજળની જરૂરત જ ના રહે.

કન્યા.

વત્સલ લગ્ન માટે ભારતીય છોકરીઓ જોવા આવ્યો હોઈ તેનું અત્યારે કન્યા શબ્દ સ્ફુરે તે સ્વાભાવિક હતું. છેલ્લા છ મહિનાથી ન્યુયોર્કમાં તેણે તેના મમ્મી-પપ્પા અને ફેમીલી ગોર મહારાજના મોએ આજ શબ્દ સાંભળ્યો હતો. અત્યાર સુધી “ચીક્સ” અને “બેબ્સ”નો સહવાસી હવે કન્યા શોધી રહ્યો હતો.

“હાઈ, ક્યારે આવ્યો? મને કીધું પણ નહિ, લુચ્ચા.” છોકરી તેના કપાળ ઉપર ટપલી મારી અને સીધી અંદર જ ઘુસી આવી.

તેની મોટી આંખોમાં ભલે નિર્દોષતા હતી, તેના સફેદમાં પણ સૌથી બ્રાઈટ શેડ ગણાય એવા દાંત અને તેને ઘેરી વળેલા આઈસ્ક્રીમની સોફ્ટી જેવા ગુલાબી હોઠનું હાસ્ય ભલે માસુમ લાગતું હોય. પણ આવો અચાનક અણધાર્યો હુમલો તો કોઈ પણ એન.આર.આઈ. મુરતિયાને ભારતમાં તો શંકાસ્પદ જ લાગે.

“એક્ષક્યુઝ મી, ડુ વી નો ઈચ અધર? આઈ મીન આપણે.....” વત્સલ તેની એન.આર.આઈ. લઢણમાં પૂછવા જતો હતો ત્યાં જ.

“કેવી વાત કરે છે તું?” છોકરીએ કતરાઈને જવાબ આપતા છલાંગ લગાવી શોફા-ચેર ઉપર પગ ચઢાવીને બેસી ગઈ.

તેના ઘુટણથી નીચેના પગ તરફ જતી નજરને વાળી લઇ ઉપર આંખો તરફ લઇ ગયો. તેની માનસિક લાળ ટપકવા લાગી છતાં તે લાળના છાંટા સામે શંકાની છત્રી ધરી બોલ્યો.

“આપણે ક્યાં મળ્યા છે?” આ પૂછતાં વત્સલે થોડું બનાવટી હાસ્ય તેના ચહેરાને પહેરાવ્યુ.

“ઓહ, કમ ઓન અક્કી, આટલા વર્ષે મળ્યો તો પણ હેરાન કરીશ તારી તૃશી ને” તે ઉભી થઇ ગઈ તેની આંખોમાં ભીનાશ આવી ગઈ.

વત્સલ તેની સુંદરતાના દરિયામાંથી વાસ્તવિકતાના ટાપુને ભટકાયો.

“હેય...હેય..વેઇટ, જુઓ મારું નામ અક્કી નથી અને....”

“હા મને ખબર છે તારું નામ આકાશ છે અને મારું નામ તૃષ્ણા છે અને આપણા નામને હું ટૂંકા કરું તે તને નથી ગમતું” તૃષ્ણા તેની એટલી નજીક આવી કે તેના હુફાળા ઉચ્છવાસ તેની ઉઘાડી છાતીના મધ્યમાં નિશાન તાકવા માંડ્યા.

અનિચ્છા એ પણ વત્સલ પાછો હટ્યો અને અંદરની રૂમ તરફ જવા લાગ્યો. “તમે એક મિનીટ ઉભા રહો”

વત્સલ અંદર જઈ ડાર્ક બ્લ્યુ ટ્રેક, ગોળ ગાળાની, ફૂલ સ્લીવ, લેમન યલો કલરની ટી-શર્ટ પહેરી થોડી વારમાં પાછો આવ્યો. તેના હાથમાં તેનો પાસપોર્ટ હતો. તેણે જોયું તો તૃષ્ણા જાણે આ ઘરને જાણતી હોય તેમ શોફા ઉપર લાંબી થઇ આડી પડી હતી. તેણે વત્સલની સામે જે રીતે જોયું તે વત્સલને છેક અંદર સુધી પલાળી ગયું.

“શું છે આ?” તૃષ્ણા વત્સલની આંખોમાં જ જોઈ રહી હતી.

“મારો પાસપોર્ટ.” તૃષ્ણાની આળસને કારણે તેણે જ પહેલું પેજ ખોલી સામે ધર્યું.

“તો એનું શું છે?” તૃષ્ણાએ બેધ્યાન રીતે જ પ્રશ્ન કર્યો.

“એનું એજ છે કે મારું નામ કઈ આકાશ-ફાકાશ નથી, હું વત્સલ છું. વત્સલ દેવળિયા. અને આજે સવારે જ અમેરિકાથી ભારત આવ્યો છું. ઓકેય..” વત્સલે થોડા બનાવટી ગુસ્સાનો પ્રયાસ કરી જોયો.

“લગ્ન કરવા ને” તૃષ્ણાના ચહેરા પર શરમના લાલ-ગુલાબી લીસોટા ખેંચાયા.

“હા!”

“અને આ તમારા મિત્રના ફ્લેટમાં તમે રોકાયા છો, બરોબર ને?” તૃષ્ણા સુતી-સુતી જ શોફાની બેકનું લેધર ખોતરતી-ખોતરતી બોલવા લાગી. તેની લાઈટ પિંક નેઈલપોલીશ જાણે તેનું જ લાવણ્ય નીતારીને બનાવી હોય તેમ તેની આંગળીઓ સાથે એકરૂપ થઇ ગયેલી લાગતી હતી.

હવે વત્સલ થોડો મૂંઝાયો. તેને લાગ્યું પણ કે રવિએ તેના આવતા પહેલા જ કોઈ ગોઠવણ તો નથી કરીને. તે મનો-મન ખુશ પણ થવા લાગ્યો કે સારું જો રવિએ જ ગોઠવણ કરી હોય તો. પણ જો રવીએ જ ગોઠવણ કરી હોય તો તે શા માટે તેનું નામ આકાશ બતાવે એ પણ મૂંઝવણ તેને સતાવવા લાગી.

“તમારી એ વાત સાચી છે, પણ હું આકાશ નથી. તમારે ઓળખવામાં કોઈ ભૂલ થતી લાગે છે.” વત્સલ ચોખવટ કરવા લાગ્યો.

“અચ્છા એમ? તો તમે આકાશ નથી? તો આપણે પહેલા મળ્યા પણ નથી? ત્રણ-ત્રણ મહિના સુધી સાથે ફર્યા પણ નથી? તમે દુરી સહન ના થતા તાત્કાલિક મને ફોન પણ નથી લઇ આપ્યો? મોડી રાત સુધી આપણે નગીના વાડીમાં બેસી પણ રહ્યા નથી?” વત્સલ પ્રશ્નો સાંભળી રહ્યો હતો.

વાત્સ્લને ના પણ નોહતી પાડવી અને હા પણ નોહતી પાડવી. તેની સ્થિતિ દોરડા ઉપર ચાલતા નટ જેવી થઇ ગઈ. તે જાણે બેલેન્સ રાખવા મથી રહ્યો હતો. જો ના પાડે તો તે આકાશ નથી એટલે તક ગુમાવવાનો તેને અફસોસ થાય અને હા પાડે તો પણ તે આકાશ નથી જ એટલે તેને ફસાવાનો ભય લાગ્યો.

“બોલો ને! હવે જવાબ કેમ નથી આપતા?” તે શોફા ઉપર થી એકદમ ઉભી થઇ ગઈ. તેના હાવ-ભાવ બદલાઈ ગયા. તે સાચી પડવાની હતી અથવા તે ચોરી પકડી પાડવાની હતી તેમ તેના અવાજમાં એક જીતની નજીક પહોચેલા વકીલ જેવો રણકાર હતો.

“જુઓ મેડમ, હું હજુ પણ કહું છું કે હું આકાશ નથી. આ મારો પાસપોર્ટ કઈ ખોટું બોલવાનો છે? એમાં મારો ફોટો નથી દેખાતો તમને?” વત્સલ પણ થોડો ઉશ્કેરાઈ ગયો પણ પછી એકદમ ઠંડો થઇ ગયો.

“મારી વાત તમે સમજો. તમારી કઈક ગેરસમજ થતી લાગે છે.”

“હા, મારી જ ગેરસમજ છે તમને ઓળખવામાં..” આખરે તેણે સ્ત્રીઓનું અભેદ્ય હથિયાર છોડ્યું. તે રડમસ આવજે બોલી “આવા માણસને પ્રેમ કરી બેઠી, તેની સાથે લગ્નના સપનામાં રચવા લાગી.”

વત્સલ ગજબની વિસામણમાં આવી ગયો. આ કેવી પરિસ્થિતિ. છોકરી સુંદર છે. તે લગ્ન માટે સામેથી કહે છે અને તેને ક-મને તેનો નકાર કરવો પડે છે. એક-વાર તો એવું પણ થયું કે જે થાય તે આકાશ જ બની જાઉં અને તેને બાથમાં લઇ તેના માથે ચૂમી ભરીને તેને શાંત કરું. પછી ભલે પકડાઈ જાઉં. પણ પછી તેને તેનું એન.આર.આઈ. સ્ટેટ્સ યાદ આવી ગયું અને છેતરપીંડીના કેસમાં ભરાઈ ગયો તો શું થશે? તે વિચારે તે સ્થૂળની જેમ ઉભો જોઈ રહ્યો.

થોડી વાર સુધી તૃષ્ણાએ ડુસકા ભર્યે રાખ્યા એટલે વત્સલ જરા નજીક જઈ તેના ખભે હાથ મુકવાનો પ્રયત્ન કરવા ગયો.

“તમે બેસો થોડીવાર, હું તમને સમજવું.” તૃષ્ણાએ તેનો ખાભો પાછો ઠેલ્યો એટલે તેણે પણ પોતાનો હાથ પાછો ખેચી લીધો અને તેને શોફા બાજુ દોરવા લાગ્યો.

પોતે શોફા ઉપર બેઠો પણ તૃષ્ણા હજુ ઉભી-ઉભી ડૂસકે જ ચડી હતી. તેના ગાલ ઉપરથી તેની છાતી ઉપર લસરી પડતા આંસુઓની તેને ઈર્ષા થઇ. તેનું મગજ તેના હૃદય અને આ રૂપ સામે હરવા લાગ્યું. તેણે થોડી વાર સામે પડેલા ટેબલ સામે જોયા કર્યું.

અચાનક.

“આઈ એમ સોરી, તૃષ્ણા” તેણે ઊંચું જોઈ તેની આંખોના છેક તળિયા સુધી જોઈ આવ્યો.

તૃષ્ણાની જાણે ખરે-ખર તૃષ્ણા છીપાઈ હોય તેમ પોતાના કોરા ગળાને ભીનું કરતા ઊંચું જોયું. વધુ એક હકારાત્મક વિધાનની આશાએ તે તેની સામે જોઈ રહી.

“હું જ આકાશ છું.” પોતાની છાતી પર હાથ મૂકી જાણે વચન આપતો હોય તેમ બોલ્યો. તે ઈચ્છવા લાગ્યો કે હમણાં આ રૂપનું પોટલું મારા ખોળામાં આવશે અને હું તેને મન-ભરીને મારી બાથમાં ભરી રાખીશ.

પણ, તૃષ્ણા તો દુર જઈ સામેની શોફા ચેરમાં બેસી ગઈ. અને બારીની બહાર જોવા લાગી.

વત્સલ મૂંઝાયો. “હવે, શું છે?” તેને ખરે-ખર ચીડ ચઢી.

તેણે જે કારસો રચ્યો તેમાં તે નિષ્ફળ ગયો. પહેલા તૃષ્ણા શરણાગતિના વાડામાં હતી હવે પોતે આવી ગયો હતો ત્યારે તૃષ્ણા ત્યાંથી છટકવા લાગી.

“તો આટલા વર્ષો સુધી મને હેરાન કેમ કરી?” તૃષ્ણા બારીમાં જોઇને જ બોલી અને ગુસ્સા ભરી નજર વત્સલ સામે નાખી ફરી બારી તરફ જોવા લાગી.

“આટલા વર્ષો એટલે ? અચ્છા, તું એક વાર આમ આવ, મારી સાથે બેસ. હું તને સમજવું છું.” વત્સલ રીતસર કરગરવા લાગ્યો.

“તે મને ત્રણ વર્ષ સુધી રડાવી અને હવે દસ મિનીટ પણ પોતાનાથી સહન નથી થતું?” તેણે બારી સામે જોઈ ને જ બોલવાનું ચાલુ રાખ્યું. “ હવે સમજણ પડી ને કે સામે વાળાને કેવું થતું હશે.”

વાત્સ્લને લાગ્યું કે તે મીઠી તકરાર કરી રહી છે. તે બંને હાથ મો ઉપર મૂકી શરમાતો હોય તેમ કરી હસવા લાગ્યો.

છેવટે તે ઉભો થઇ તૃષ્ણાની નજીક ગયો અને તેના ખભે હાથ મુક્યો.

“સોરી બાબા, લે કાન પકડ્યા” વત્સલ પોતાના કાન પકડી માફી માંગવાની અદાકારી કરવા લાગ્યો. તે ભૂલી જ ગયો કે આ છોકરી તેને જે સમજે છે તે પોતે છે જ નહિ. અત્યારે તેનેવત્સલપણું જ યાદ નોહ્તું. તેને તો બસ અત્યારે આકાશ બની વરસી પડવું હતું આ તૃષ્ણાને પલાળવા અને પોતાની તૃષ્ણા છીપાવવા.

“નાલાયક, પાખંડી” વત્સલના કાને લગભગ ચીસ પડી.

વત્સલ પરિસ્થિતિ સમજી કઈ જવાબ તૈયાર કરે ત્યાં સુધી તો તૃષ્ણાએ તેને ધક્કો મારી બાજુ પર હડસેલી દીધો અને ઉભી થઇ ગઈ.

“ભોળી છોકરીઓને છેતરે છે. લંપટ.” વત્સલને હમણાં સુધી જે કોમળ લાગતું ઝરણું તે જાણે એકદમ રૌદ્ર દરિયાઈ સુનામી જેવું ભાસવા લાગ્યું.

ફરીવાર તે આકાશમાંથી વત્સલ બની પછડાયો.

“જુઓ, મેં તો તમને કીધું જ હતું કે હું આકાશ નથી. હું તો તમને મારો પાસપોર્ટ પણ બતાવતો હતો. તમે જ આકાશ-આકાશ કરીને મારા ગળે પડવા લાગ્યા હતા.” વત્સલે પોતાના બચાવની તૈયારીઓ કરવા માંડી.

“તું એમ નહિ સુધરે જુઠ્ઠા.” બોલતા-બોલતા તૃષ્ણાએ પોતાના ટોપના ખિસ્સામાં હાથ નાખ્યો.

જયારે તેણે હાથ બહાર કાઢ્યો ત્યારે વત્સલ જાણે ત્રાસવાદીઓનો બંધક બની ગયો હોય એટલો ગભરાઈ ગયો.

તૃષ્ણાના હાથમાં ધારદાર નવી બ્લેડ હતી. હુમલાથી બચવા વત્સલ આજુ બાજુ કયા ખૂણામાં સંતાવાય તે શોધવા લાગ્યો.

“જુઓ આ ગુનો કહેવાય” વત્સલથી એકદમ બેઠેલા આવજમાં બોલી જવાયું પણ તેની નજર તો બચવાની જગ્યા જ શોધતી હતી.

તૃષ્ણાએ બ્લેડ તેના પોતાના કાંડા ઉપર મૂકી. “તારા જેવા પાખંડીને સીધો કરવામાં કોઈ જ ગુનો નથી.” તે દાંત પીસીને બોલી.

વત્સલ સ્થિર થઇ ગયો.

વત્સલ કઈ સફાઈ આપે તે પહેલા તો તેને ધડામથી દરવાજો ખુલવાનો આવાજ આવ્યો. તે કઈ સમજે તે પહેલા તો એક યુવક અને બે યુવતીઓ અંદર ધસી આવ્યા.

“તૃષ્ણા, જો હું આવી ગયો છું ને. આપણે આને પોલીસને હવાલે કરી દઈએ. તું શું કરવા તારી જાતને નુકશાન પહોચાડે છે?” યુવકે આજીજી કરતા કહ્યું.

વત્સલ તો હબકી જ ગયો. તેને લાગ્યું કે આ લુંટ કરતી કોઈ ગેંગ જ લાગે છે. જે એન.આર.આઈ. લોકો ને આમ ફસાવીને રૂપિયા પડાવતી હશે. આટલો લાચાર તેણે પોતાની જાતને ક્યારે પણ નથી અનુભવ્યો.

“ના, મોટાભાઈ એના સામે જ હું મારી નસ કાપી ને મરી જાઉં તો એને સમજ પડે કે હું એને કેટલી ચાહું છું.” તેની નજર વત્સલ ઉપરથી હટાવવા તે તૈયાર જ નોહતી. કદાચ ફરી તે ઓઝલ થઇ જાય તો?

“પણ, દીદી એ તો તમે સમજાવીને પણ કરી શકો છો ને.” નાઈટડ્રેસમાં જ આવેલી બીજી અઢારેક વર્ષની યુવતી રડી પડતા જ બોલી.

“તમે તમારી જાતને નુકશાન કરીને શું સાબિત કરશો અને કોને સાબિત કરશો તૃષ્ણાબેન.” બીજી યુવતીએ પણ ઉમેર્યું.

તૃષ્ણાની આંખો ભરાઈ આવી. “તમે સાચું કહો છો ભાભી, કોને સાબિત કરીશ? આ જુઠ્ઠાને?” તે બ્લેડ નાખી શોફા ઉપર બેસી પડી. બંને હાથથી મો દબાવી તૃષ્ણા રડાવા લાગી. પરિસ્થિતિ કાબુમાં લાગતા જ બંને યુવતીઓ તેની બાજુમાં આવી બેસી તેને માથે હાથ ફેરવી રડવામાં સાથ આપવા લાગી. યુવકે તેમની પાસે જઈ ધીમેથી તૃષ્ણાને લઇ જવાનો ઈશારો કર્યો.

બંને યુવતીઓએ તૃષ્ણાને ઉભી કરી. તે પોતાના હાથ મોં ઉપર દબાવેલા રાખી અને રડતી-રડતી તેમની સાથે ચાલવા લાગી.

વત્સલ જાણે કોઈ એવી દુનિયામાં આવી ગયો હતો જે બસ કાલ્પનિક લાગતી હતી. તે અહી છે કે અહી નથી તે નક્કી ના કરી શકાયું. તે બધાની તરફ જોવા લાગ્યો અને નજરમાં પરશ્નાર્થ ચિન્હોની ભરમાર હતી.

બને યુવતીઓ ઘરમાંથી નીકળતા વાત્સ્લને સોરી કહી માફી માંગી તૃષ્ણાને લઇ બહાર નીકળી ગઈ.

“એ મારી બહેન છે. અમે ઉપરના ફ્લેટમાં રહીએ છે.” વત્સલે યુવક સામે જોયું જે તેને કહી રહ્યો હતો.

“એક યુવક અમેરિકાથી આવ્યો હતો. આ ફ્લેટ તેના મિત્રનો ફ્લેટ છે તેમ કહીને જે ખરે-ખર તો આગળના માલિક જોડેથી તેણે ભાડે લીધો હતો. તેની સાથે લગ્ન કરવાની વાત કરી લગભગ ત્રણ મહિના ફર્યા. તે તેના માં-બાપને લેવા પાછો ગયો હતો.” યુવક લાચારી અને ગુસ્સા સાથે રડી પડ્યો.

“છેલ્લા એક વર્ષથી મારી બહેનની માનસિક પરિસ્થતિ આવી છે. તે દરેક પુરુષને.. અરે! ઘણીવાર મને પણ આકાશ સમજી બેસે છે.” યુવકે ઉભા થતા કહ્યું.

“માફ કરશો, તમને તકલીફ પડી માટે.” માફી માંગી યુવક બહાર નીકળી ગયો.

વત્સલને આજે તેના એન.આર.આઈ. સ્ટેટ્સ ઉપર શરમ આવવા લાગી. તે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી પાછો સુવાનો પ્રયત્ન કરવા પથારીમાં પડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED