Godavarini Dikari books and stories free download online pdf in Gujarati

ગોદાવરીની દીકરી

ગોદાવરી નદીનો કિનારો સવારની ખુશ્બોદાર લહેરખીઓ અને પક્ષીઓના સમૂહગાનમાં વહી રહ્યો છે. ગોદાવરી અહી જાણે રોકાઈ જવા માંગતી હોય એટલી મંદ ગતિના પ્રવાહે સરકી રહી છે. આજુ-બાજુના ખેતરોમાં ઝૂમી રહેલા હરા છીપની અંદર મોતીઓ જાણે તેને રોકાઈ જવા પવનની સાથે ગતિ કરી નકારમાં ડોલી રહ્યા છે. તે કપાસના ખેતરો છે. પોચા મોતી રૂપી આ રૂનો પાક લણવાનો સમય ચાલી રહ્યો છે જે લણણીના દુરથી સમીર સાથે વહી આવતા સમૂહગાન સાંકેતિ રહ્યા છે. જાણે સમય સમાધિસ્થ થયો હોય તેવું દૈવી વાતાવરણ, જાણે સપૂર્ણ થઇ ગયેલું ચિત્રકારનું ચિત્ર, જાણે સુર-સાઝથી સજ્જ ગીતકારનું નવું ગીત. બધું દૈવી, સુંદર, મોહિત. પણ આ કિશોરી કોણ?? જે ગોદાવરીના તટ ઉપરના પત્થર ઉપર બેસી તેના પગના પંજાથી જાણે ગોદાવરીના પાણીને લાતાટી રહી છે. તેને આ રંગીન મિજાજી સવારમાં કોણ પરેશાન કરી રહ્યું છે?

“હમે, હવે ત્રાસી રહ્યા છીએ.” છોકરીની લાતો વધવા લાગી જેનો મજાક કરતુ જાણે પાણી છપ-છપ કરી હસવા લાગ્યું. વાતાવરણને ડો’ળી નાખતો એ ખનકાર તેને વધુ ઉત્તેજિત કરી રહ્યો હતો. ઝડપથી તે પત્થર ઉપર ઉભી રહી ગઈ. કે’ડે કસેલો ચણિયો અને છાતીએ કસેલું એક ઉપવસ્ત્ર તેના શરીરને ખાલી ઢાંકતું હતું આકાર તો જગ જાહેર થઇ રહ્યો હતો. શ્યામ વરણી ઘાટીલી ઇલાએ ઝાટકીને તેના ચોટલાને આગળ બોલાવ્યો. જાણે શિવના કાંઠે નાગ એમ કહ્યાગરો ચોટલો તેના ઉરજો વચ્ચેની ખીણમાં થઇ નાભીલોક ઉપર પ્રસ્થાપિત થયો. ચોટલાની ફેણ પકડતી ઈલા નદીના નીરને તાકી રહી હતી. બાળપણ હજુ બે ડગલા જ પાછળ છે અને જુવાની બે ડગલા જ સામે પડી છે.

“અમોએ જાણ્યું કે તમો હમારી ખીલ્લી કરી રહ્યા છો, આઈ.” ગોદાવરી માં સાથે આ તેની દીકરી ઝઘડવા લાગી જેમ દરેક દીકરીનો છેલ્લો આશરો તેની માં હોય તેમ જ તો. “પણ, આ તો ક્યાંનો ન્યાય? હમારી સાચ્ચી બાતને પણ એટલે જ ઠુકરાવવામાં આવી, કારણકે હમો ઓરત છીએ?” તેની આંખોએ તેનો પ્રકોપ વાતાવરણમાં રેડયો. ગોદાવરી કાંઠાનું આ સોળમી સદીનું સૌવીરગ્રામ હતું જ્યાં સ્ત્રીઓ ને અસ્કયામતો-મીલ્કીયતો તરીકે જોવાય છે. બસ આ જ ફરિયાદ આ દીકરી તેની ગોદાવરી આઈને કરી રહી હતી.

અચાનક તેણે નાની ખડક ઠેકી અને રેતીમાં પડી અને ગામ ભણી ખેતરોના શેઢાની વાટ પકડી. ખેતરોમાં માનવઝુંડ ગાયકવૃંદ બની કામ કરી રહ્યું હતું. પુરુષોના ડીલ પર ખાલી ધોતી અને માથે પાઘડી અને સ્ત્રીઓ મેલા-ઘાણ ચણીયા અને છાતી પર લપેટેલા એક આવરણમાં બંધાએલી હતી. લીલા આવરણો વાળા નૈપથ્યમાં તેમના કાળા શરીર સુંદર જીવંત છબી રચી રહ્યા હતા.

ઈલાએ એક ઝાડ નીચેથી થોડે દુર જોઈ બુમ નાખી. “આઈ.....ઓ ...આઈ...”

દુરથી એક દુબલી-પતલી સ્ત્રીએ ઉભા થઇ એક હાથ કમ્મર ઉપર મુક્યો અને બીજો હાથ કપાળે લગાવી છાયો કરી દુર અવાજની દિશામાં જોયું. તેણે જે રીતે દમ લીધો એ તેના થાકની સ્થિતિ દર્શાવનાર હતો, આ બુમથી તેને થોડી રાહત વળી હશે.

મંગlળા, તેણે પોતાની દીકરીને જોઈએ એટલે તેને હાથ હલાવી ખેતરમાં બોલાવી.

“આહી, આવ આઈ.” ઇલાએ વળતો આવાજ આપ્યો.

“વખત બગડે છે. તું આહી આવ.” માતા હજુ કપાળ ઉપર હાથનો છાયો રાખી જોઈ રહી હતી.

ઈલા, તેના હાથ હલાવી મક્કમતાથી તેની આઈને બોલાવતી રહી. આખરે તેની આઈ ખેતરના કિનારા તરફ બબડતી-બબડતી ચાલવા લાગી. ઇલાએ ગુસ્સે થએલી આઈ તરફ આવતા જ ઝાડ નીચે મુકેલા કુંજામાં થી પાણીનું કોડિયું ભરીને ધરી દીધું. ઠંડા નીરના સ્પર્શે જ મંગલને થોડી શીતળ કરી મૂકી અને ઘૂંટડાઓએ એક-દમ ઠંડી. એક શ્વાસે બધું પાણી ઉતારી દીધું અને બીજા માટે ઈલા સામે કોડિયું ધરી પોતના બાવડાથી પલળેલા હોઠ લુછવા લાગી.

બીજું કોડિયું ઉતારતા પહેલા જોકે તેણે પૂછી લીધું. “શું છે? આમ રઘવાઈ કેમ થઇ છું? અને હવારના પો’રની કઈ રખડું છું રખડેલ, અહી ઘરના બધા કામમાં જોતરાણા છે અને રાણી મા’લ્યા કરે છે ને કાઈ.” આટલું બોલતા ફરી કોડિયું મોએ માંડી દીધું.

“જા જઈને તારા બાબાને અને છોડીઓને ય પાઈ દે, હું જરા દમ ખાઈ લઉં.” કોડિયું ઈલાના હાથમાં પકડાવી મંગળા ઝાડના થડે બરડો અઢેલીને બેઠી.

“ના, હમો ક્યાંક જઈએ છે એટલે તને કે’વા જ આવ્યા. બપોર-ટાણું થતા આવી જાશું.”

“કઈ જાય છે તું છોરી? આહી ખેતરાંમાં કેટ-કેટલા કામ પડ્યા છ ને તને રખડપટ્ટી કાં હુઝે? કાઈ મરવું છે અટાણે?”

“હમો હગારી ટેકરી કોર જઈએ છે.” ઇલાએ માં ને ગણકારી જ નહિ. મંગળા ગુસ્સા ભેર તેની દીકરીને જોવા લાગી.

“તને એક વાર કીધું કે એ બંજારા બસ્તી થી દુર રે’, તું હમજતી કાં નહિ?” ઈલા પગના અંગુઠાથી જમીન ખેડવા લાગી. “ એ બધા કાલી વિદ્દા શીખેલા કોઈ દી’ ઉપાડી જાશે, તું હમજે કાં નહિ છોરી” મંગળાએ તેની પરેશાની બતાવી.

ઈલાના રોમ-રોમ રોમાંચિત થઇ ગયા.

“કાશ, ઉપાડી જાય.” તે ધીમું બબડી.

“હુ બોલે?

“અરે આઈ, તાં એક ડોશી છે. હુ વિદ્દા છે એની જોડે, હુ આવડત અને ગ્યાન, બા’રની દુનિયાની કેટ-કેટલી ખબર એને. એની વાતો જાણે કોઈ અલગ જ દુનિયાની. એની જોડે થોથા પણ છે અને ગુમાસ્તાજી જેવા ખાલી લખવાના નઈ એમાં હી વાંચવાનું અને ચિત્રો જોવાના.”

મંગળા જાણે દીકરીની વાત સંભાળતી ના હોય એવા ડોળથી પણ સાંભળવા લાગી. કદાચ એની દીકરી પર કાળો જાદુ થઇ ગયો છે એવી બીક લાગી.

ઈલા એ ચાલુ રાખ્યું. “ગયા વૈશાખમાં એમણે ગુર્જર દેશમાં પડાવ નાખ્યો હતો. તાઈ એમણે અલગ જ પ્રકારના લોગ દીઠા. આપણથી એકદમ ભિન્ન. એ બધા દરિયા પારથી વેપલો કરવા આયા છે.”

“હોય જ નઈ, વરુણ દેવની છાતી પાર કોઈ પડી ના શકે. ખાલી દેવ જ કરી શકે એવું.” મંગળા એ ઝૂઠ પકડી પાડ્યું હોય એમ કીધું.

“ના, આઈ, એણે હમોને આટલો જ ટુચકો હુકો દેખાડ્યો” એમ કહી ઇલાએ પોતાની જમણા હાથની વચલી લાંબી આંગળી ધરી આઈને બતાવી. “એને પાઈપ કહે છે.”

ઇલાએ આગળ ચલાવ્યું “ આજે એ મને શીખવશે કે કેવી રીતે આ શે’રી વેપારીઓ કપાસના ઓછા દામ કરી આપણને છેતરે છે.”

મંગળાને ગભરાટ પેઠો “છોડી, આ બધી મરદોની વાતો છે એમાં તારું કપાળ ના કુટીશ. કાલ તું તારા બાબા અને મોટા બાબા જોડ જીભા-જોડી કરતી’તી એ કોઈ ન નઈ ગમ્યું.”

મંગળા ઉભી થઇ ઈલાની નજીક ગઈ અને એના માથે હાથ ફેરવ્યો. “મરદ લોગ, આપણ કરતા વધારે જાણે છોડી.”

“આઈ, આમાં મરદ કે ઓરતની વાત જ નહિ, આ તો આપણને છેતરવાની વાત છે. તું જો જે, આજ હમો શીખી લઈએ પછી પંચને હમજણ પાડીશું આવતી ફેરાની પંચાયતમાં.”

મંગળાને જાણે ફાળ પડી “ હાય, હાય ઈલા, તને તુકારામ બાપાના હમ, તું આવું કરીશ તો કોઈ તારો હાથ નઈ ઝાલે અને આપણે ન્યાત બા’ર થઈશું ઈ અલગ. પછી જંગલમાં એકલા કુટી ખાવું પડશે, જર જમીન બધુય જતું રે’શે.”

“જોઈ લેવાશે” કરતી ઈલા ઠેકડો ભરી નાઠી હગારી ટેકરી બાજુ. મંગળાએ કૈક અપશુકનના ભણકાર ભાપી લીધા હતા.

*******

ઈલા કસ્તુરીમૃગના ઠેકડા ભરતી બસ્તી બાજુ ભાગી રહી હતી. ડોશીતો થનકાટનું કારણ હતી જ પણ બીજું કારણ રાણો ય હતો. ઈલાને ખબર હતી કે રાણા જોડે કશુય શક્ય નોહ’તુ પણ તે એને છેલ્લી ઘડી સુધી ધરાઈને જોઈ લેવા માંગતી હતી. એને ખબર જ હતી કે ગમે તે પળે રાણો એના કસ્બા જોડે બીજે જવા નીકળી પડશે.

ઈલાને યાદ હતો એ દિવસ જયારે તેણે મીંડા તળાવ પાસે પહેલીવાર રાણા ને જોયો હતો. કમ્મર ઉપર કોઈ જાનવરની ખાલ લપેટેલ, ઉઘાડી પહોળી છાતીના બે ફાળિયા, માથા ઉપર બાંધેલ રંગબેરંગી સાફો, કસાયેલા ઉપસેલા જડબા અને તીણી આંખો, શરીર જાણે સીસમથી કોતરેલો કોઈ વાસના તરબોળ દેવદૂત. પડાવ નાખતા પહેલા પડાવની જગ્યાનું અવલોકન કરવા તે અમુક ઘોડેસવારો સાથે આવ્યો હતો. બસ પળ-બે-પળની એ નજરોનો ટકરાવ ત્યારથી અંદર મીઠી શૂળ બન્યો હતો. રાણાનો શો ભાવ છે એ તો હજુ ઈલા જાણતી જ નો’તી, બંજારા એટલે તો ભમરા, રસ ચૂસીને નાસી જાય તો?, ડંખ મુકીને જીવન ભરનો કાંટો નાખી જાય તો? અને કદાચ મને ઉપાડી જ જાય તો? છેલ્લા વિચારે તો એના ધબકાર જાણે કાનમાં પડઘાય એટલા જોશથી ધબક્યા.

મેલાઘાણ રંગ-બે-રંગી તંબુઓની એ વસાહત હતી. ચોમેર અડધો હાથ ઊંડો ખાડો કરી પાણી ભરી દીધેલ હતી કે જેથી એરુ અંદર રગડી ના આવે. દિવસના કોઈ પણ સમયમાં બસ્તીમાં ઈલા જાય ત્યારે ક્યાંક તો ઢોલ-વાંસળી ખખડતા જ હોય. કોઈ તો મદહોશ સ્ત્રી કે પુરુષ કોઈ તંબુના છાયે બેધ્યાન બની રઝળતું પડ્યું જ હોય. ક્યાંક કોઈ પ્રિયતમને ખેંચીને કોઈ ઓથો શોધતું હોય. ક્યાંક કોઈ પોપટ-બાજની બાબતમાં ઝગડા કરી છુટ્ટા હાથની લડાઈ કરતુ હોય અને તે જ લડાઈ ઉપર બીજાઓ શરતોનો દોર ચલાવતા હોય. જો આ કાળો જાદુ હોય, જો આ ખરાબ જિંદગી હોય તો ઈલાને આ જીવવી હતી.

બસ્તીમાં ઈલાને લગભગ બધા ઓળખી ગયા હતા એને કોઈ રોકતું નહિ. રાણાને શોધતી આંખો અને ડોશીને શોધતા કુદકા લઇ બસ્તી વટાવતી ઈલા છેલ્લા એક નાના તંબુમાં પેઠી.

અંદર એક ઘરડી અને પાતળી પણ મજબુત અને કસાયેલા શરીર વાળી સ્ત્રી કોઈ કપડા ઉપર ભરતકામ કરી રહી હતી. તેના વાળ અમુક રંગના શેડાઓ વાળા હતા. આંખો જાણે લાલ તલાવડીને કાળી કિનારી, તેણે ઘેર વાળો ઘાઘરો અને એવો જ આભલા-ભુભલા વાળો ચમકીલો કબજો પહેર્યો હતો. તેના કળા કરચલી વાળા ગાલ, બાવડા, પેટ પર કોણ જાણે કેટ-કેટલા ચિત્ર વિચિત્ર છુંદણા ત્રોફેલા હતા. આખો તંબુ કોઈ માદક દ્રવ્યની ગંધથી ભરેલો અને આછા અજવાળા વાળો હતો.

“શું કરે છે અમ્મા?” ઇલાએ આવતા વેંત એક થોથો પકડી જોતા-જોતા ડોશીને પૂછ્યું.

“તું એકદમ નફફટ છોડી છો.” ડોશીએ એની સામે જોયું પણ નહિ.

“કેમ આવું અમ્મા?”

“આમ તું અચાનક આવી ચડે અને હું મારા પ્રિયતમની સોડમાં લપેટાએલી હોઉં તો?” ડોશી ત્રાસી આંખે ઈલાના ગાલની લાલાશ જોઈ.

“અમ્મા, હવેથી હમો ધ્યાન રાખશું.” ઈલા ભોઠી પડી ગઈ, તે પગના અંગુઠાથી જમીન ખોતરવા લાગી.

હવે ડોશીથી હસવું રોકાયું નહિ, તે મોટેથી રક્ષાસી અટ્ટહાસ્ય કરવા લાગી.

“એક નબરની ભોટ, ડોશીને કોણ વળગવા દે? અને વળગવા દે તોય આ વયે મારામાં ય તણખો રહ્યો હોવો જોઈએ ને.” ડોશી પછી એના ભરત-ગુથણમાં પરોવાઈ.

ઇલાને થોડી હળવાશ થઇ.” અમ્મા તને આવી બધી વાતો કરતા ડર ના લાગે?” ઈલા તેની જોડે આવી પલાઠી વાળી બેસી ગઈ.

“અમને આવું કરવામાં પણ ડર ના લાગે તો વાત કરવામાં શેનો ડર?” ડોશીએ ગુમાનથી કહ્યું.

ઈલા વિષય બદલવા ઉભી થઇ પછી થોથા ફંફોસવા લાગી.”તું આ વાંચે છે અમ્મા?” તે પીળા પીળા પડી ગયેલા જાડા પાના ફેરવતી ચિત્રો જોવા લાગી.

“હા, વળી વાંચું જ છું ને” ડોશી સોયને બારીકાઇથી આરપાર કરી રહી હતી.

“હમારા સમાજમાં હમોને આટલી છૂટ નથી.” ઈલાનો અવાજ તરડાવા લાગ્યો.”કાશ હમો તારા કબીલામાં જન્મ્યા હોત. તારે ત્યાં ઓરતને માન મળે છે, તે બોલી શકે છે, નાચી શકે છે, ગાન ગાઈ શકે છે.” ધીમા અવાજે છેલ્લે બોલી “પ્રેમ પણ કરી શકે છે.” તેણે ફેફસા અફસોસના શ્વાસથી છલો-છાલ ભર્યા અને ખાલી કર્યા.

“હમેં તો મરદોની ઇસ્કીમતો છે, બળદ-ઘેટાંની જેમ. શીદ દેવાએ હમોને આવું કર્યું?” ઈલા થોથા પકડી તંબુની ખિડકી બહાર જોઈ રહી.

“દેવાનો વાંક ના કાઢ, આ હંધું તો મરદોનું કરેલ છે. તને ખબર છે? ઘોષ, ગાર્ગી, મૈતેરી, લોપમુદ્રા? આ હંધી સૈકાઓ પહેલાની આપણા મુલકની જ ઓરતો હતી. એમને બધી આઝાદી હતી, તે વિદ્દા લેતી, તે પ્યાર કરતી, તે પોતાની વાત કહી શકતી હતી. આ હતી આપણી સંસ્કૃતિ. અને લોપમુદ્રા તો અહી વિદર્ભની રાજકુમારી હતી. આપણા જ સમાજે એમને આ છૂટ આપેલી હતી. તો કોણે બદલ્યો આ સમાજ? દેવા એ? ના, અહીના મરદો એ જ ખાના-ખરાબી કરી અને ઓરતોને ગુલામ કરી. તને ખબર છે વર્ષો પહેલા મહાનિર્વાણ તંત્રમાં લખેલું છે કે ઓરતનો ઉછેર બહુજ પ્યાર અને વિદ્યા આપીને કરવો જોઈએ.” ડોશી તેનું કામ એક બાજુ મૂકી આટલું બધું બોલી ગઈ. ઈલા ફાડી અંખોએ ડોશીને જોયા કર્યું.

“દેવા રે દેવા, તને આટલું બધું કોણે બતાવ્યું.” ઈલા મુગ્ધ બની ડોશીની બાજુમાં બેસી ગઈ.

“થોડું વાંચીને અને થોડું અલગ-અલગ મુલકના મરદો જોડે સાંભળીને” ડોશીએ આંખ મીચકારી.

ઈલાએ ડોશીના હાથમાંનું કાપડ લઇ તેનું મો સંતાડી દીધું. ડોશી હસતી-હસતી ઉભી થઇ તેના પટારામાંથી એક કાપડ કાઢી લાવી. “જો આ તને બતાવું.” કહી ડોશીએ તે કપડું ઈલાની ગોદમાં ફેક્યું.

ઇલા ચહેરો ખોલી કપડું જોવા લાગી. તે કપડું હાથમાં લેતા જ તે ખુશ થઇ ગઈ.” દેવા...કેટલું મુલાયમ છે. આનાથી હમારી સાડીના બને?”

“આ સાડી જ છે.” ડોશીએ બાજુમાં બેસતા કહ્યું.

“ના હોય?” ઈલા હજુ કાપડ પર તેની આંગળીઓ ફેરવી રહી હતી.

“અને આ કાપડ એ જ કપાસમાંથી બને છે, જે તમે અહી ઉપજાવો છો અને શે’ર ના વેપારીઓને વેચો છો.”

ઈલા મુદ્દાની વાત સાંભળી સરવી બની. તે ડોશી સામે અને પછી કાપડ સામે જોવા લાગી.

“હમારી જમીનના કપાસમાંથી આટલી અદભુત ચીજ બને છે?” તે બંને હાથોથી કાપડને તેના ચહેરા ઉપર રગડવા લાગી અને ઊંડી શ્વાસ લઇ જાણે સુગંધથી આખી ભરાઈ ગઈ.

“તને ખબર છે?” ડોશી કાપડ પાછું લઇ ગળી કરવા લાગી. “પૈઠણના વેપારીઓ તમારી જોડેથી કપાસ એક-દમ સસ્તા વળતરમાં ખરીદી લે છે અને પરદેશીઓ, જેમની મેં તને વાત કરી હતી તેમને બહુ ઊંચા વળતરથી વેચી દે છે. એ જ પરદેશીઓ આપણા સસ્તા મજુરો જોડે એમાંથી સાડી બનાવડાવી બહુ ઊંચા વળતર વસુલે છે. આને કળયુગ વેપાર કહે છે...વેપાર...

“હમારે પંચાતમાં આ વાત કહેવી જોઈએ. વેપારીઓનો જુલમ કહેવો જોઈએ. હમો પણ ગામમાં સાડી બનાવી ઊંચા વળતર લઇ શકીએ છે.” ઈલા સમૃદ્ધ ગામના દીવા-સ્વપ્નમાં ખોવાઈ ગઈ.

રાતે સૌવીરગ્રામમાં કાન્તાનાથ સરપંચના આંગણમાં પંચાત બેઠી હતી. બે-ત્રણ મશાલોના અજવાળામાં ઢળેલા ઢોલીયા ઉપર કાન્તાનાથ સાથે ગામના મુખ્ય લોકો બેઠા હતા. તેઓ કોઈ ગંભીર ચર્ચામાં ગુંથાએલા માલુમ થતા હતા. બીજી બધી પુરુષ મેદની આંગણામાં નીચે બેઠી હતી. ઓરત લોક મોટા ઘૂંઘટ તાણી વાડાની બહાર ઉભું હતું.

કન્તાનાથ ઉભા થઇ એક ખોંખારો લીધો એટલે ટોળાની બધી ગુપસુપ અને ગરબડ બંધ થઇ લોકોએ તેમના માઈ-બાપ ઉપર નજરો ટેકવી.

“આ વર્ષે અમે ખુબજ આજીજી થી પૈઠણના વેપારીઓને મનાવ્યા છે. તે બધા આપણું કપાસ લઇ વળતર આપવા રીઝ્યા છે.” મુખીએ બીજા વડીલો સામે જોઈ આગળ ચલાવ્યું. “હવે આપણે જોવાનું છે કે એ બધા આપણાથી નારાજ ના થાય. લેવડ-દેવડ અમો પંચ નક્કી કરી દઈશું. કોઈ ગામજન દલીલમાં ઉતરે નહિ તેનું ધ્યાન રાખવું. જો એવાઓ આપણા ગામમાં આવાનું મનાઈ કરી દેશે તો આપણું ગુજરાન ચાલવું ભારે થાશે. તો ઓણ કોઈએ....”

“તો આપણે પોતે જઈ બીજે કાઈ વેચી દઈએ, કે કપાસમાંથી સાડી બનાવી દેશું.” પાછળથી કોઈ ઓરતે અવાજ કર્યો. પંચાત અને ગામલોકોની નજર અવાજની દિશાએ ગઈ. એ ઈલા હતી. માથે ઓઢ્યા વગર તે ઝાપો પકડીને ઉભી હતી. “વેપારીઓ બધાને મૂરખ બનાવે છે, જુલમ કરે છે.”

“કોણ છે આ છોડી?” કન્તાનાથ છંછેડાયા.

“આ તો વેલીયાની છોડી, બાપા.” સખારામેં તરત જ જવાબ આપ્યો.

સખારામ અને વેલીયો ખેતર-પાડોશી છે. અને પાણી માટે એમને વર્ષો જૂની વઢવાળ છે. આજે સખારામને લાગ મળ્યો હતો.

“એને મલાજો નથી. અહી ઓરતને બોલવાની મનાઈ છે કોણ કહેશે એને?” પંચમાંથી સારનાથે ઉભા થઇ સૂર પુરાવ્યો.

“પણ, તેઓ આપણ પર જુલમ કરે છે. બંજારાબસ્તી વાળી અમ્માએ મને બધું કીધું” ઈલાની નિર્દોષતા એ જવાબ આપ્યો. મંગળાએ ઈલાના મો ઉપર ઝાપટ મારી દીધી. વેલીયો ઉભો થઈ પંચ આગળ કરગરીને માફી માંગવા લાગ્યો. તેને આ ગુસ્તાખીનો અંજામ ખબર હતી.

“સરકાર, એ તો હજુ બચ્ચી છે, દરગુજર કરો. હું એને ટીપી નાખીશ તમે જોજો, પણ દરગુજર કરો બાપા.” વેલીયો ગળગળો થઇ ગયો.

“અને પાછી ચુડેલ એ બંજારા બસ્તીમાં ય બૌ પેસ-પેસ કરે છે. આપણા બાળ-બચ્ચાને ભરમાવી દે તો?” સખારામએ પૂરે-પૂરો ફાયદો ઉઠાવ્યો.

“શું કયો છો સખા ભાઉ, આ તો હજુ બાળ છે.” વેલીયો સખારામને વિનવવા લાગ્યો. “લઇ જા એ કુતરીને અહીંથી.” વેલીયો મંગળા ઉપર ભડક્યો. વેલીયાનો હુંકાર સંભાળતા જ મંગળા ઈલાને બાવડેથી ખેંચીને ભાગી ઘર ભણી.

“તુકારામના હમ, આઈ, એ આપણને મૂરખ બનાવે છે.” ભોળી છોકરીની ઘરે પણ તેની માં આગળ દલીલ ચાલુ જ હતી. મંગળાએ ઉપરા-છાપરી તમાચા ચોડી દીધા. “શું લેવા નાક્ખોદ વાળવા બેઠી છું, નાલાયક?” મંગળા દીકરી આગળ રડી પડી.

ત્યાં જ વેલીયો ઝુપડામાં આવી ચડ્યો. તેના હાથમાં કપાસની સાંઠી હતી. તે ક્રોધમાં ધરુજતો હતો.

“મેં એને હમજાઈ છે, અને બૌ મારી. હવે નઈ કરે આવું.” મંગળા આખરે તો માં. દીકરીને બચાવવા હવાતિયા મારવા લાગી. વેલીયા એ મંગળાને વાળ પકડી બહાર ઢસેડી મૂકી અને ઝુપડાના દરવાજે બંધ કરી આડાશ લગાવી દીધી. ઈલાના ભાઈ-બહેન બીકના માર્યા જ ઊંઘવાનો ડોળ કરતા રહ્યા અને મંગળા બસ દરવાજો ખોલવા આજીજી કરતી રહી. પણ અંદરથી બસ સોટીના સુસવાટા જ જવાબ આપતા રહ્યા. ના કોઈ ચીસ....ના કોઈ આહ...જીદ્દી છોકરી...

ઘણી વેળા પછી દરવાજો ખુલ્યો. વેલીયો ફાટી ગયેલી સાંઠી લઇ બહાર નીકળ્યો. સાંઠીને નાખી દઈ અંધારામાં ગરકાવ થઇ ગયો ફરી દારૂ પીવા માટે.

મંગળા વહેલી-વહેલી ઉભી થઇ અંદર ગઈ.

ઈલા બેહોશ પડી હતી. તેનો ઉઘાડો બરડો ફાટી અને ચિરાઈ ગયો હતો. ઉપર લોહીની ટીશીઓના પરપોટા ફૂટી રહ્યા હતા.

“તું બહુ જીદ્દી છે.” મંગળા તેના પાલવ થી બીતા-બીતા બરડો લુંછવા લાગી. “તું એકલી કશું ના બદલી શકે મારી દીકરી.” તેણે ઈલાનો પરસેવે રેબ-ઝેબ ગાલ ચૂમ્યો. તેના શરીર ઉપર ફાટેલું આવરણ નાખી બાજુમાં પોતે આડી પડી.

વહેલી સવારે વેલીયો મંગળાની ચીસથી જાગી ગયો. તે હજુ નશામાં જ હતો.

“આ શેની રડો પાડે છે.” તે દિવાલના ટેકાથી ઉભો થવા લાગ્યો.

“ઈલા નથી.” મંગળા હેબતાઈ ગયેલી હતી.

“અહી કઈ જ હશે આજુ-બાજુ, ક્યાં જવાની હતી?” મંગળાની ચીસોથી આવેલ પડોશણે સાંત્વન આપ્યું.

“જાઓ, એ કમજાતને પકડી લાવો અહી, એને હજુ વધારે માવજતની જરૂર લાગે છે.” વેલીયાએ રાડ નાખી. તેના ભાઈ-બહેન રાડથી ગભરાઈ ચારે દિશામાં ભાગવા લાગ્યા. તેનો ભાઈ ગોદાવરી ભણી ભાગ્યો.

અચાનક, મંગળાને જાણે ઝબકારો થયો. તે ઉઘાડા પગે જ દોડવા લાગી.

કઈ બાજુ દોડવા લાગી? તેને ફાળ પડી હતી તે મીંડા તળાવ ભણી દોડવા લાગી હતી.

“ઈલાઆઆ....મારી બચ્ચી.” મંગળા બુમ મારતી જાય છે અને દોડતી જાય છે. જયારે તેણે ત્યાનું દ્રશ્ય જોયું તે તળાવ કિનારે જ ફસડાઈ પડી. ત્યાં ખાલી ઉજ્જડ વેરાન જમીન હતી. કબીલો મળસ્કે જ ઉપડી ગયો હોય તેવું લાગતું હતું અને કોઈને ખબર નોહતી કે ક્યાં? ત્યાં ફક્ત વેરાયેલી રાખ અને ઉંચે ચડતી ધૂણી જ રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED