સીન ૧ : ‘ સર દાઢી સાદી બનાવુ કે સ્પેશ્યલ ? ‘ ..’ ભાઈ ,,સાદી જ બનાવ ને .. હવે ક્યાં કોઈ ચહેરો જોવા નવરું છે ‘ ... ‘ અરે સ્પેશ્યલ દાઢીથી ચહેરાને વધુ સારું રહેશે અને સાથે સાથે એક ફેસ મસાજ પણ કરી દઉં , એનાથી નાક અને ગાલ પરના અને આંખ નીચેના કુંડાળા થોડા ઓછા થશે અને આ જે નાના નાના બ્લેક સ્પોટ છે ને મોઢા પર એ પણ આછા થઇ જાશે .... વધુ નહિ થાય ..બધું થઇને ૩૫૦ રૂપિયા જ થશે પણ તમે અને તમારો ચહેરો એકદમ ઝગમગાટ મારતો થઇ જશે ને તમને પણ એકદમ ફ્રેશ-મ-ફ્રેશ ફિલ થશે ‘
સીન ૨ : મારે વાળમાં ટ્રીપલ શેડ કલર કરવાનો છે ... પેડી-ક્યોર , હેર રીમુવિંગ , આઈ-બ્રો અને નેલ-ક્યોર પણ સાથે સાથે જ કરી નાખજે ... અને યસ ફેસ મસાજ વિથ એજ-રીમુવિંગ ક્રીમ તો ખરો જ ....
ઉપરના બંને સીન પરથી એટલું તો સમજી જ ગયા હશો કે બન્ને સીન કોઈ બ્યુટી સલુન ( યસ હવે આ સલુન શબ્દ ઇન્થીંગ છે આજકાલ !!! ) માં ભજવાય રહ્યા છે ,નો ડાઉટ ડાયલોગ પરથી જ સમજાય જશે કે સીન-1 કોઈ પુરુષ અને સીન-૨ કોઈ સ્ત્રીના મુખેથી સરી રહ્યો છે પણ બંનેમાં કોમન વસ્તુ છે સુંદરતાની સજાવટ !!! જો કે બંને સીનથી એટલું સમજાય છે કે પુરુષોની સરખામણી એ સ્ત્રીઓ સુંદર દેખાવા પ્રત્યે વધુ સભાન અને ચોક્કસ હોય છે જો કે એ અલગ વાત નો વિષય છે જેની વાત લેખમાં આગળ આવશે !!!
‘ સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે ‘ આ જેણે પણ લખ્યું હશે એના દિમાગમાં ત્યારે આંતરિક સુંદરતા , વૈચારિક સુંદરતા કે પછી વ્યવહારિક સુંદરતા રમતી હશે , પણ હવે તો સુંદરતા પામવા માટે આવી બધી માથાઝીંકની ક્યાં જરૂર જ રહી છે . અને સુંદર દેખાવું કોને નાં ગમે ? ઈનફેક્ટ અત્યારે તો જમાનો જ સુંદર દેખાવાનો છે , જાત ને પરફેકટલી પ્રેઝન્ટ કરવાનો છે . ઓફીસ , પાર્ટી કે સર્કલમાં બીજાનું ધ્યાન ખેચવાનો ઇઝી રસ્તો છે સુંદર દેખાવ . મન ની સુંદરતા કે વાણીની સુંદરતા એ બધી પછીની વાતો છે . ઘણા સુંદર લોકો મો ના ખોલે ત્યાં સુધી જ સારા હોય છે એવું પણ બનતું હોય છે પણ એ તો મો ખોલ્યા પછીની વાત થઇ પણ એ પહેલા તો ખાલી સુંદરતા જ એનું ઘણું બધું કામ કરી નાખતી હોય છે . સ્ત્રીઓનું તો સુંદરતા સદીઓથી હાથવગું હથિયાર છે જ . ઈન્ટરવ્યુંની એક લાઈનમાં જો પાંચ લોકો હોય ને એમાં એક સુંદર સ્ત્રી / મહિલા ઉમેદવાર હોય તો ચોક્કસપણે બાકીના ચારના સિલેક્ટ થવાના ચાન્સીસમાં ઘટાડો ગણી જ લેવાનો . શાસ્ત્રોમાં વિષકન્યાના ઉદાહરણો મોજુદ જ છે અને આધુનિક સમયમાં પણ આવા અનેક બનાવો બનતા જ રહે છે પણ એમાં વાંક મહિલાની સુંદરતાનો હરગીઝ નથી જ . જમાનો સુંદરતાને પૂજે છે , પુજ્નારો છે અને પુજતો રહેશે એ બ્રહ્મ સત્ય છે . જો તમે સુંદર દેખાઈ શકો છો તો સમજો કે તમે અમુક અંશે સફળ થઇ શકો છો . સુંદર દેખાવું જરૂરીયાત છે , સમયનો તકાજો છે , ડીમાંડ છે અને સૌથી વધુ તો એ દરેકનો હક્ક છે .
લઘરવઘર દેખાતો ઇન્સાન જોનારને પહેલી નજરે જ ખટકે છે . અસ્તવ્યસ્ત અને પહેલી નજરે જ અનાકર્ષક લાગતા ચહેરાઓ ઇન્સાન બહુ ઝડપથી ભૂલી જાય છે . ફરીથી એ જ ચહેરા સાથે મુલાકાત વખતે એક ઉબકાનો ભાવ આવી જાય છે . જરૂરી નથી કે બધા જ આવા ચહેરાઓ સાથે આવે ફીલિંગ આવે પણ આ એક માનવ સ્વભાવની સર્વ સામાન્ય ખાસિયત છે .આજની ભાગદોડવાળી જીંદગીમાં સુંદર દેખાવું - વ્યવસ્થિત લાગવું કે સુઘડ રીતે પેશ આવવું એ પાર્ટ ઓફ લાઈફ છે .સુંદર ચહેરાઓ સાથે જાતને વધુ ઝડપથી કનેક્ટ કરી શકાય છે . અને બધાને સુંદર દેખાવું છે . સુંદર જન્મવું એ અલગ વસ્તુ છે , એ હાથ બહારની ચીઝ છે પણ સુંદર દેખાવું એ અમુક અંશે એચીવેબલ કામ છે . કહેવાય છે ને કે માણસ સુંદર જન્મી નાં શકે તો કઈ નહિ પણ સુંદર દેખાય તો શકે જ છે . જો કે આ સુંદર દેખાવાની કથા ચહેરે ચહેરે અલગ અલગ હોય છે .
જનરલી સુંદરતા અને સ્ત્રીઓને પરસ્પર અને પુર્વાપરનો સંબંધ છે . સ્ત્રી સુંદર હોવી જોઈએ આવો વણલખ્યો અભિપ્રાય સમાજમાં છપાઈ ગયેલો છે અને એનાથી પણ વધુ કે લગભગ દરેક સ્ત્રીને મનમાં બરાબર ઠસી ગયું છે કે આપણે સુંદર દેખાવું જ જોઈએ . બિલકુલ બરાબર છે . સ્ત્રીને અને સુંદરતાને સમાજ એકસાથે એક ત્રાજવે જોખતો આવ્યો છે અને આવતો રહેશે . સ્ત્રી પુરુષ સરખી બનતી જાય છે ઇવન અમુક ક્ષેત્રોમાં તો એ પુરુષથી પણ ચડિયાતી સાબિત થતી જાય છે . વિશ્વમાં લગભગ દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાનું કાઠું કાઢતી રહી છે અને એક પછી એક સિદ્ધિના સોપાનો સર કરતી જાય છે અને પુરુષ આધિપત્યવાળા સમાજમાં ઘણી જગ્યાએ પુરુષથી એક કદમ આગળ વધતી જાય છે પણ આ બધા કરતા પણ એક ચીજ છે જે એને હમેશ માટે પુરુષ કરતા ચાર ડગલા આગળ જ મૂકી આપે છે અને એ છે સુંદરતા . સ્ત્રીમાં સુંદર દેખાવાની તીવ્રત્તમ ભાવનાઓ રહેલી હોય છે .
ચણાના લોટમાં દહીં ભેળવીને બનતી પેસ્ટથી કરાતા ફેસવોશથી શરુ થઈને ગાર્નીયર જેવા અતિ મોંઘા ફેસપેક સુધીની યાત્રા સ્ત્રીની સુંદરતા નિખારવામાં મદદરૂપ થતી રહી છે . એક જમાનામાં પીઠી ચોળીને તૈયાર થતી નવવધુઓ હવે બ્રાઈડલ મેકઅપ કરાવતી થઇ ગઈ છે . મહિલાપૂર્તિઓમાં સુંદર દેખાવા શું કરશો થી લઈને સુંદરતાથી કરો પતિને ખુશ ...આવા ઢગલો આર્ટીકલો દર અઠવાડિયે છપાતા રહે છે પણ શું બીજા માટે જ સુંદર દેખાવું જરૂરી છે ? પતિ ને કે પ્રિયપાત્રને મોઢેથી આજે તું બ્યુટીફૂલ દેખાય છે એવું સાંભળવું એ જ શું એકમાત્ર કારણ છે સુંદર દેખાવાનું ? શું કોઈ પોતાની જાતને ગમાડવા માટે સુંદર નાં લાગી શકે ? અહી વાત એકલી સ્ત્રીઓની નથી પણ સુંદર દેખાવું એ દરેકનો હક્ક છે . જો તમે સુંદર દેખાવા ઈચ્છતા હો તો એનો સૌથી પહેલો ફાયદો જોનારને નહિ પણ તમને ખુદને થવાનો જ . કયારેક ચહેરા પર લેકમેનો ક્રીમ કે શરીર પર એકાદો બોડીસ્પ્રે છાંટી જોજો . સ્પ્રેની સુગંધ કે ક્રીમની મખમલી ભીનાશ તમને જ મહેકાવી દેશે .
વાત અહી એકલી સ્ત્રીઓની કરવી એ સિક્કાની એક બાજુ જેવું છે . યસ એ સાચું છે કે સમાજમાં સ્ત્રીઓમાં સુંદર દેખાવાની એષ્ણા વધુ હોય છે અને જીનેટીકલી એ સમ્પૂર્ણ સાચી પણ છે પણ વાત છે સુંદર દેખાવાની તો એમાં પુરુષો પણ સામેલ થાય જ . જો સુંદર સ્ત્રીઓ પુરુષોને વધુ ગમે તો સુંદર પુરુષો અથવા તો વ્યવસ્થિત લાગતા પુરુષો અચૂકપણે સ્ત્રીઓનું મન મોહી જ લેતા હોય છે ને સ્ત્રીઓની આંખમાં વસી જવા માટે સુંદર બનતા જતા પુરુષોનો ઉદ્યમ પણ હવે વધતો જાય છે . સુંદર દેખાવા પ્રત્યે પુરુષો એટલા બધા સભાન નથી હોતા એવો મત ધીરે ધીરે ભૂતકાળ થતો જાય છે . આખરે સુંદર દેખાવાનો મોહ તો કોને નાં હોય ? ચાહે સ્ત્રી હોય કે પુરુષ સુંદર દેખાવનો મોહ બધાને રહેવાનો જ . જો કે સ્ત્રીઓ પોતાના દેખાવ પ્રત્યે પુરુષો કરતા વધુ સજાગ હોય છે , વધુ ચિંતિત હોય છે અને અમુક પરીશ્થીતીઓમાં એ વધુ આક્રમક પણ હોય છે . આગળ કહ્યું એમ સ્ત્રી અને સુંદરતા એકબીજાની પુરક છે એટલે ઘણી વાર સ્ત્રીની સુંદરતામાં પડતી ખોટ એને વિહ્વળ બનાવી દે છે .ઢળતી ઉમરે જેટલી વાર અરીસામાં જુવે એટલી વાર ચહેરા પર પડતી કરચલીઓ જોઇને એને આયના ફોડી નાખવાનું મન થઇ જાય છે જયારે માથા પર પડતી ટાલ પુરુષ સહજતાથી સ્વીકારી લે છે હા ક્યારેક એ વિગના ઓઠા નીચે વધતી ઉમર છુપાવવાની નિષ્ફળ કોશિશ કરી જાણે છે પણ સર્વતઃ સુંદરતાની ઓટ અંગેની કે દેખાવના શેરબજારમાં પોતાના શેરની ગિરાવટની વાસ્તવિકતા સ્વીકારવામાં પુરુષ સ્ત્રી કરતા અવ્વલ હોય છે .. અને અહી જ છે સ્ત્રી અને પુરુષમાં સુંદરતા પરત્વેનો અલગ અલગ અભિગમ .
‘ સુંદર દેખાવા માટે સુંદર હોવું જરૂરી નથી પણ સુંદર ફિલ કરવું જરૂરી છે ‘ આવા વાક્યો વાચવામાં સારા લાગે , ભાવુક બની જવાય કે કોઈને ઉપદેશ આપવા વાપરી શકાય પણ આ સુંદર ફિલ કરવું એટલે શું ? એના માટે પણ તમારે સુંદર તો બનવું પડે કે નહિ ? સુંદર દેખાવું અને સુંદર બનવું બંને અલગ અલગ વાત છે . સુંદર બનવાનું પહેલું પગથીયું છે સુંદર દેખાવું . કહે છે ને કે જો તમારે સુંદર જ દેખાવું હોય તો એક નુર આદમી હાજર નુર કપડાની જેમ અનેક રસ્તાઓ મળી રહે છે . ચાલીસી પછી ડોકિયા કરતા સફેદ વાળને કલર કરીને છૂપાવવો કાઈ ગુનો થોડો છે ? કે પછી ઢળતી ઉમરે ફાંદ ઉતારવા જીમ જોઈન્ટ કરવું સહજ કેમ નથી ગણાતું ? ગણાવું જોઈએ ને ? સરવાળે તો સુંદર જ દેખાવાનો આખોય ઉદ્યમ છે . કાઈ અમુક ઉમર પછી તમે તમારી જાતને સારી રીતે રજુ કરવાનું કે સરખી રીતે તૈયાર થવાનું માંડી વાળશો ? કેમ ? શા માટે ? મોટાભાગે તો એવું જ બને છે કે ઢળતી ઉમરે કે ઉમરના એક પડાવે પહોચ્યા પછી ઇન્સાન પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બની જતો હોય છે .
આજકાલ તો સુંદર દેખાવું કે સુંદર દેખાવાનો પ્રયત્ન કરવો એ જાણે કોઈ મોટો અપરાધ હોય એમ ગણાય રહ્યું છે પણ એ તો ફક્ત એવા લોકોને જ લાગુ પડે છે કે જેને સુંદર દેખાવું નથી કે સુંદર દેખાવું કેટલું અગત્યનું છે એની કોઈ ગતાગમ નથી . સુંદરતા જોનારની આંખમાં વસે છે એ તો પછીની વાત છે પણ કોઈ આંખ માંડે એટલું સુંદર તો દેખાવું જોઈએ કે નહિ ? અહી વાત ધ્યાન ખેચવાની નથી પણ જો તમે તમારી જાતને જ સુંદર કલ્પી શકો અથવા તો સુંદર બનાવી શકો તો નિઃસંદેહ તમારા તરફ નજરો ખેચવાની જ . વર્તન , વાણી અને વ્યવહારની સુંદરતા એ બધું એ પછી જ આવે એ ચોક્કસ છે . અહી કદરૂપા હોવું કે સુંદર નાં હોવું એ અપરાધ છે એવી કોઈ વાત નથી કહેવાની પણ શક્ય હોય ત્યાં સુધી પોતાને સારી , સુઘડ અને જો બની શકે તો સુંદર રીતે રજુ કરી શકવાની વાત છે . જેટલી ઉત્સુકતાથી એક તરુણી કે તરુણ જીન્સ પહેરીને નીકળી પડે છે એટલી જ ઉત્સુકતાથી તમે પણ જીન્સ પહેરીને ફરી જ શકો છો પછી ભલેને ઉમર એનાથી ડબલ કેમ નથી . સ્ત્રીઓ મેકઅપ કે બોડીકેરથી પોતાને વધુ સુંદર બનાવી જ શકે છે . પુરુષો મસાજ , હેર કલર કે લેટેસ્ટ કપડાઓથી પોતાની ઢળતી ઉમરમાં પણ ખુદને યુવાન ગણી શકે છે અને યુવાન નહિ તો કાઈ નહિ પણ જાતને અંદરથી પ્રફુલ્લિત રાખી જ શકે છે એમાં કઈ ઉમરનું બંધન નાં નડવું જોઈએ કારણ કે આખરે તો સ્ત્રી હોય કે પુરુષ વાત તો સુંદર દેખાવાની કે પોતાને સુંદર ફિલ કરવાની જ છે . અહી આગળની વાતનો તાળો મળી જાય છે કે જો સુંદર ફિલ કરવું હોય તો સુંદર દેખાવાનો પ્રયત્ન કરો , કોશિશ કરો પણ હા એ વાતનું ધ્યાન રહે કે એ તમારી ઉમરને અનુરૂપ હોય . સુંદર દેખાવાના વધુ પડતા મોહમાં ક્યાંક એવું નાં થાય કે તમે સુંદરની બદલે ફૂવડ લાગવા માંડો !!!!
જરૂરી નથી કે બધા જ કુદરતી રીતે સુંદર હોય અને જે લોકો કુદરતી રીતે સુંદર હોય એને તો કાઈ ધખારા કરવાની જરૂર જ નથી પણ જે નથી અથવા તો ઓછા સુંદર છે એમણે સુંદર દેખાવું છે ને ? તો ? ડોન્ટ વરી એકથી ચડિયાતા અનેક ઉપાયો હાથવગા છે . યોગા , કસરત કે હેલ્થી આહાર જેવા હાથવગા અને કારગર ઉપાયો તો છે જ પણ એનાથી પણ વધુ પ્રચલિત છે કૃત્રિમ સુંદરતા . આમ તો કૃત્રિમ શબ્દ કરતા એમ કહી શકાય કે સુંદરતાનો કામચલાઉ ચળકાટ . સ્ત્રીઓ માટે મેકઅપ ,ઘરેણા કે ગજા પ્રમાણેની બ્યુટી ટ્રીટમેન્ટસનો ખજાનો ખુલ્લો જ છે . તો પુરુષો માટે પણ અઢળક બોડી / ફેસ ટ્રીટમેન્ટસની સાથે સાથે પોષક અને પૈસા ના વિકલ્પો ખુલ્લા છે . બે રૂપિયાની વિકોક્રીમ કે પાંચ રૂપિયાના પોન્ડ્સ પાઉડરના ડબ્બાથી ચહેરાને ચકચકાટ કરતી એક આખી પેઢી અને એક આખો જમાનો બદલાઈ ગયો છે . હવે શાહરૂખ જેવા સુપર સ્ટાર પણ મર્દોવાળી ક્રીમના વખાણ કરીને કે પ્રિયંકા - દીપિકા જેવી નટીઓ સાબુઓ - શેમ્પુઓના ભલામણોથી આપણને સુંદર બનવાની ચળ ઉપાડતા રહે છે .
અંદરની સુંદરતા અને એની અસર ચોક્કસપણે સર્વવ્યાપી અને લાંબી અસર કરનાર હોય છે એમાં કોઈ વાદવિવાદ નથી પણ સાથે સાથે આજના જમાના મુજબ દેખાવી સુંદરતા કે બાહ્ય બ્યુટી હોવું એટલું જ જરૂરી છે . કારણ કે સૌથી પ્રથમ તો એની જ નોંધ લેવાય છે , એના આધારે જ કોઈ એક સંવાદ કે સંબંધની શરૂઆત થતી હોય છે . અને આવી બાહ્ય સુંદરતા મેળવવી કે એને ટકાવી રાખવી એ સુંદર દેખાવા માંગતા દરેકનો હક્ક છે .
મને ‘સુંદર’ શબ્દ જરા પણ ગમતો નથી. ’સુંદર’ શબ્દ કવિઓનો અને ચાપલુસી કરતાં લેખકોનો બહું કમજોર શબ્દ છે. - ચંદ્રકાંત બક્ષી