ચાલતો રહેજે Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલતો રહેજે

Name: Pallavi Jeetendra Mistry

Email: hasyapallav@hotmail.com

ચાલતો રે’ જે...[૧] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

‘ચાલતો રે’ જે.... ચાલતો રે’ જે એ.. એ..એ.. એ..’ આ ગીત કોઈ એક ગીતકારે ખુરશીમાં બેસીને લખ્યું હતું. કદાચ ખુરશીમાં બેસીને નહીં લખ્યું હોય, તો હીંચકે બેસીને લખ્યું હશે, અથવા તો ખાટલા પર બેસીને લખ્યું હશે. ટૂંકમાં આ ગીત એમણે બેસીને લખ્યું હશે, કેમ કે ચાલતાં - ચાલતાં તો ગીત લખી નહીં શકાય તે સમજી શકાય એવી વાત છે. અને આ ગીતકાર જો જીવનમાં ચાલવા કરતાં ઝાઝું બેઠાં રહ્યા હશે તો જ તેઓ ઝાઝાં ગીતો લખી શક્યા હશે, એની પણ મને ખાતરી જ છે.

સ્વાનુભવે મને એ સારી રીતે સમજાયું છે, કે બેસીને, સૂઈને કે સ્થિર ઉભા રહીને કરવાનાં કામો ચાલતા રહેવાથી અટકી પડતાં હોય છે. પરંતુ ઉપરની પંક્તિ લખનાર ગીતકારે તો આગળ વધીને [ફક્ત પંક્તિમાં જ, વસ્તવિકતામાં નહીં] ‘વિસામો ન લેજે....વિસામો ન લેજે.’ એમ પણ કહ્યું છે. પંક્તિમાં ભલે સારી લાગતી હોય, પણ પ્રેક્ટિકલી આ ‘વિસામો ન લેજે ’ વાળી વાત, આપણે ‘હાર્ટ’ એટલે કે ‘હ્રદય’ સિવાય કોઈને ય લાગુ પાડી શકીએ એમ નથી. જો કે ક્યારેક હાર્ટને ય વિસામો લેવાનું મન થઈ આવે છે ખરું. પણ એનો વિસામો માણસને ક્યારેક હોસ્પિટલના ICCU વિભાગનો તો ક્યારેક સ્વર્ગનો રહેવાસી બનાવે છે.

એકવાર અમે ફેમિલી સહિત અમારી કારમાં બેસીને ‘મહુડી’ ફરવા ગયા હતા. પ્રભુના દર્શન કરતાં પણ ગરમ સુખડીનો પ્રસાદ અમને સૌને ત્યાં જવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે. દર્શન કરીને મહુડીથી પાછા વળતાં અમે વિસામો ન લેવાનું નક્કી કર્યું. પણ ગાંધીનગરથી અમદાવાદ તરફ આગળ વધતાં અમારી કાર રસ્તામાં અટકી અને બૉનેટે સ્મૉકિંગ કરી ધુમાડા કાઢવા માંડ્યા. ગાડીના ડૉક્ટરે એટલે કે ડ્રાઇવરે બૉનેટ ખોલી , પ્રાથમિક તપાસ કરીને અમને રિપોર્ટ આપ્યો, ‘ ગાડી ગરમ થઈ ગઈ છે, અર્ધો કલાક પછી રેડિયેટરમાં પાણી નાંખીશું પછી જવાશે.’ ગાડીના ગરમ થવાની વાત સાંભળીને અમે સૌ ઠંડા થઈ ગયા.

આ રીતે અર્ધા રસ્તે પરાણે વિસામો લેવાની વાત અમને વસમી લાગી. અમારે ઘરે વહેલા પહોંચવું હતું, કેમ કે અમારે ટી.વી. પર લાઈવ ક્રિકેટ મેચ જોવી હતી. અમે ડ્રાઈવરને કહ્યું, ‘રાહ જોવાની શી જરૂરછે? રેડિયેટરમાં અત્યારે જ પાણી નાંખી દો તો ગાડી ઠંડી થઈને ચાલતી ન થઈ જાય?’ ‘ગરમ રેડિયેટરમાં ઠંડુ પાણી નાંખીએ તો રેડિયેટર કાણું થઈ જાય’ એણે એનો એક્સપર્ટ ઓપીનીયન આપ્યો, જે સાંભળીને અમારે અમારી ઈચ્છા વિરુધ્ધ ચાલવું પડ્યું એટલે કે વિસામો લેવો પડ્યો.

આ તો જાણે અમારી ગાડીના ચાલવા ન ચાલવાની વાત થઈ, પણ અમારા પડોશી વયોવૃધ્ધ જયંતકાકાએ ગીતકારની પંક્તિ ‘ચાલતો રે’ જે..’ સાંભળી હશે. એટલે એમણે ડાકોર ની યાત્રા, એમના ઘરવાળા સૌની નામરજી છતાં, રણછોડજીનાં દર્શન ચાલતા જઈને ચાલતા આવવાની શરતે આરંભી. પણ તેઓ તો જતી વેળા રસ્તામાં જ માંદા પડી ગયા તેથી એમનો દિકરો એમને કારમાં બેસાડી ને ઘરે લઈ આવ્યો. ડૉક્ટરે તગડી ફી લઈને દવા આપીને બે - ચાર દિવસ નહીં ચાલવાની [પથારીમાં સૂઈ રહેવાની] સજા ફરમાવી. એટલે આ બનાવ ઉપરથી રણછોડરાયને પણ ‘ચાલીને કોઇ મળવા આવે તે પસંદ નથી’ એવું તારણ કાઢી શકાય.

એક પ્રખ્યાત ગીતકારે, મને બરાબર યાદ તો નથી પણ કદાચ રવીંદ્રનાથ ટાગોરે, લખ્યું છે, કે ‘તારી જો હાક સુણીને કોઈ ના આવે રે..તો તું એકલો જા ને રે..એકલો જાને રે..’ મતલબ કે આપણી હાક એટલે કે બૂમ સાંભળીને જો કોઈ આપણી સાથે ચાલવા ન આવે તો આપણે એકલા ચાલવા જવું. નહીંતર બૂમ સાંભળીને કોઈ સાથે આવવા તૈયાર થાય તો સાથે ચાલવા જવામાં કોઈ વાંધો નથી. પરંતુ સાથે ચાલવા જવામાં એક બીજાની શરતો સ્વીકારવી પડે છે. દાખલા તરીકે, મારા પતિ કહે છે, ‘સવારમાં ચાલવા જઈએ.’ મને સવારમાં ઘરનું ઘણું કામકાજ રહેતું હોવાથી હું કહું છું, ‘રાત્રે ચાલવા જઈએ.’ અમારા આ ઝઘડાનો ઉકેલ આપતા અમારા બન્ને બાળકો કહે છે, ‘બપોરે ચાલવા જાવ.’ અમારો આ ઝઘડો ભારતની કોર્ટમાં દાખલ નહીં થયો હોવા છતાં હજી સુધી ઉકલ્યો નથી.

પરંતુ એકવાર મારા પતિ મારા માટે કંઈ સરસ ભેટ લાવ્યા હતા અને હું મારી ઈચ્છા વિરુધ્ધ એ દિવસે એમની સાથે સવારે ચાલવા નીકળી હતી, ત્યારે અમારી વચ્ચે નીચે મુજબના સંવાદો થયાં.

-જલદી ચાલ ને, કેમ આટલી ધીમી ધીમી ચાલે છે?

-મારી ચંપલની પટ્ટી તૂટું- તૂટું થઈ રહી છે એટલે મારાથી ફાસ્ટ ચલાતું નથી..

-માર્કેટ જઈએ ત્યારે એક નવી ચંપલ ખરીદી લેજે.

-ભલે. જુઓ તો, આ સામે બંધાઈ રહેલું બિલ્ડિંગ સરસ છે, નહીં?

-હા, સારું દેખાય છે. નીકળીશું ત્યારે ભાવની તપાસ પણ કરી આવીશું.

-કેમ, લેવાનો વિચાર છે?

-હં, થાય છે કે મકાનના ભાવ વધી જાય તે પહેલાં એકાદ ફ્લેટ નોંધાવી જ દઈએ.

એ દિવસે હું ખુશ ખુશ થઈ ગઈ. ચાલવા જવાના અનેક ફાયદા મને દેખાવા લાગ્યા. બીજે દિવસે મેં મારા પતિદેવને કહ્યું, ‘ચાલો ચંપલ લેવા જઈએ.’ તો એમણે કહ્યું, ‘હજી ચાલે ત્યાં સુધી આ ચંપલ ચલાવ, પછી જોઈશું’ પછી મેં ડરતાં ડરતાં ફ્લેટ નોંધાવવાની વાત કરી તો એમણે કહ્યું, ‘હાલમાં તો સગવડ થાય એમ નથી, બે ચાર મહિના પછી વીચારીશું.’ ત્યાર પછી તો મેં ચંપલ અને ફ્લેટ માટે એમને બે-ત્રણ વાર ફોસલાવવાના પ્રયત્ન કરી જોયા, પણ એમના આ વિચારો મક્કમ હતાં.એ ઉપરથી મેં તારણ કાઢ્યું કે,

‘મનુષ્ય ચાલવા જાય છે ત્યારે એને ઝડપી વિચારો આવે છે, પણ એ વિચારો સારા હોવા છતાં મક્કમ નથી હોતાં.’ તેથી ચાલવા જવા કરતાં ઘરે બેસવું વધુ હિતાવહ છે.

ઝડપી વાહનોના આ યુગમાં પગપાળા પ્રવાસે જવાની વાત કદાચ તમને પણ મારી જેમ જરા અજુગતી લાગશે. હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી, ત્યારે મારા ક્લાસ ટીચરે ‘મારો પગપાળા પ્રવાસ’ વિષય પર નિબંધ લખી લાવવા જણાવેલું. મેં આમ લખ્યું, ‘ મારા પપ્પા સરકારી અફસર હોવાને કારણે અમારી પાસે ગવર્મેન્ટે આપેલી એક જીપકાર છે, જે ગવર્મેન્ટે આપેલી હોવા છતાં ટનાટન ચાલે છે. એ ઉપરાંત અમારી પાસે અમારી પોતાની એક પ્રાઇવેટ કાર પણ છે. તેથી આજ દિન સુધી મારે પગપાળા પ્રવાસ કરવાનો દુ:ખદ સમય આવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવો કોઈ પ્રવાસ કરવાનું મેં વિચાર્યું નથી. છતાંય સંજોગોવશાત મારે આવો પગપાળા પ્રવાસ કરવો પડશે, તો હું એ વિષય પર નિબંધ જરૂર લખીશ.’

મારા ટીચર મારી આ ‘સેન્સ ઓફ હ્યુમર’ સમજી શક્યા નહીં અને મને શિક્ષા કરી. જો એમણે મને ત્યારે જ આ દિશામાં પ્રોત્સાહન આપ્યું હોત તો આજના હાસ્ય સાહિત્યમાં મારું સ્થાન અત્યંત આગળ - કદાચ પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે પછીનું તરત નું હોત ! ખેર, ‘લેટ ઇઝ બેટર ધેન નેવર.’ ના સિધ્ધાંત પ્રમાણે હાસ્યક્ષેત્રે તો હું હમેશાં મારી કલમ દ્વારા ચાલતા રહેવાનું પસંદ કરીશ.

ચાલતો રે’ જે [૨] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

‘ચાલતો રે’ જે...’ એ વિષય પર ગીતકારોએ જે ગીતો લખ્યા છે, તેમાં એક ગીત આવું પણ છે – ‘ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા...’ આમ રીપીટેશન દ્વારા કવિએ ‘એકલા’ ચાલવા ઉપર ભાર મૂક્યો છે. કદાચ મૃત્યુ પછીની સફર આત્માએ એકલા જ કરવાની હોવાથી કવિએ દૂરંદેશી વાપરી, પ્રેકટિસ થાય એ માટે એકલા ચાલવાની હિમાયત કરી હશે. અથવા તો કોઈની સાથે ચાલવા જવામાં કવિને ગેરફાયદો જણાયો હશે, એટલે એકલા ચાલવા જવાનું કહ્યું હશે. પરંતુ એકલા ચાલવા જવામાં તો એનાથી ય મોટો ગેરફાયદો છે, અને તે છે – ‘જાત સાથેનો સંવાદ’, જે લગભગ નર્યો બકવાસ હોય છે.

એક ગીતકારે એમ પણ કહ્યું છે કે – ‘ચલના હિ જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી...’ આ વાત કદાચ ૯૯% સાચી હશે, પણ એક ટકો ખોટી છે. મારી ફ્રેંડનો ભત્રીજો એક સવારે ચાલવા ગયો હતો. ‘સુરા પાન’ કરીને ટ્રક ચલાવી રહેલા એક ડ્રાઇવરે એને ટ્રક દ્વારા ધક્કે ચઢાવ્યો. ભરયુવાનીમાં એને પૃથ્વીના રસ્તેથી પળ ભરમાં સ્વર્ગના રસ્તે ચઢાવી દીધો. આમ આપણી મરજી વિરુધ્ધ કોઈ અચાનક આપણો રસ્તો આમ બદલાવી નાંખે, તે મને પસંદ ન હોવાથી હું નજીકની શાકની દુકાને પણ ચાલતા જવાને બદલે સ્કુટર પર જવાનું વધુ પસંદ કરું છું.

હવે તો મારા બન્ને દિકરાઓ પણ મારું જ અનુસરણ કરીને, ‘મમ્મી, મને બસ સ્ટોપ સુધી મૂકી જા ને’ એવી માંગણી નજીકના બસસ્ટોપ પર જવા માટે કરે છે, ત્યારે હું એમને હોંશથી સ્કુટર પર અથવા કારમાં બેસાડીને બસસ્ટોપ પર મૂકી આવુ છું. આજકાલ રસ્તા પર ચાલીને જઈ રહેલી બહેનોના ગળામાંથી મોટર સાઈકલ પર આવેલા ગઠિયાઓ, મંગળસૂત્ર- ચેઇન એવું તોડીને લઈ જાય છે. આવા બનાવો જ સૂચવે છે કે, ચાલતા જવામાં નુકસાન છે અને વાહન પર જવામાં ફાયદો છે.

‘ચલ રે નૌ જવાન, ચલ ચલ રે નૌ જવાન...’ વાળા ગીતમાં તો મારે ચાલવાનું છે જ નહીં, કેમ કે ગીતકારે નૌ જવાનોને ચાલવાનું કહ્યું છે, નૌ યૌવનાઓને નહીં. ‘ચલો સજના જહાં તક ઘટા ચલે…’ આપણે માત્ર આપણી બુધ્ધિને જ ચલાવીએ તો પણ ખબર પડી જાય છે કે ઘટાઓ કોઈ દિવસ ચાલતી નથી, હા, ઘેટાંઓ ઊંધુ ઘાલીને ચાલતાં રહેતાં હોય છે. આમ ગીતકારે ચાલવું જ ન પડે એવો ચબરાકી ભર્યો પ્રસ્તાવ આ ગીતમાં મૂક્યો છે.

એક ગીતકારે ‘ચલકર દેખે ફૂલ રંગીલે, ફૂલ રંગીલે નીલે પીલે...’ એવો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગીતકારની જેમ હું પણ ફૂલો જોવાની ચાહક હોવાથી, એ માટે ચાલવું પડે તો ચાલવા પણ તૈયાર છું. પણ... અમારી સોસાયટીના ગાર્ડનમાં ઊગેલાં ફૂલો નીલાં, પીળાં, લાલ, ગુલાબી, સફેદ... અમારા બેડરૂમની ગેલેરીમાં બેઠાં બેઠાં જોઈ શકાય છે. એટલું જ નહીં, અમારા ઘરની પાસે ઊગેલ ગુલમહોરનાં લાલ લાલ ફૂલો તો હું ગેલેરીમાંથી હાથ વડે સ્પર્શી શકું એટલા નજીક ઊગ્યાં છે. આમ કુદરતને પણ હું ‘ચાલતી રહું’ એ વાત કદાચ મંજૂર નથી.

‘ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...’ જેવી એક્સાઈટીંગ ઓફર જિંદગીમાં જવલ્લે જ મળતી હોવાથી, ‘હમ હૈ તૈયાર ચલો ઓ ઓ ઓ..’ કહીને સ્વીકારી લેવાનું મન થાય છે. કારણ કે આપણને ખબર છે કે, પછી બહુ બહુ તો ‘ચાંદની’ રેસ્ટોરન્ટમાં ડીનર – બીનરની ઓફરથી વધુ કંઈ મળવાની આશા નથી. વળી બીજું કારણ એ પણ કે ‘ચાંદકે પાર’ જવાનું થાય તો નેચરલી ‘ટાંટિયાતોડ’ કરીને જવાનું તો થાય નહીં, ત્યાં તો ‘અવકાશયાન’ જ ભાડે કરવું પડે. એટલે આ ઓફર સ્વીકારાય, પણ...

વખત છે ને અવકાશી ચાંચિયાઓ મારું અપહરણ કરી જાય (???) અને મારા બદલામાં ભારતનાં પી.એમ. પાસે અમુક-તમુક ત્રાસવાદીઓને છોડી મૂકવાની માંગણી મૂકે તો? મને ખાતરી છે કે પી.એમ. સાહિત્યપ્રેમી હોવા છતાં, અપહરણ કર્તાઓની માંગણી નહીં જ સ્વીકારે. (આના કરતાં તો આતંકવાદીઓ સારા) જો આવું થાય તો એક હાસ્ય લેખિકાના જવાથી ભારત દેશને પડેલી ખોટ પૂરતાં કેટલા યુગો જાય? આથી દેશને ખાતર હું આ ઓફર પણ જતી કરું છું.

‘ચલો એકબાર ચલકર, અજનબી બન જાયેં હમ દોનોં...’ આ ગીત કોઈ ‘દેણદારે’ પોતાના ‘લેણદાર’ને ઉદ્દેશીને લખ્યું હશે. બેઠાં બેઠાં ‘અજનબી’ બનવાની ઑફર મૂકતાં એને સંકોચ થયો હશે કે ‘અવિનય’ જેવું લાગ્યું હશે તેથી એણે ચાલીને (ચલકર...) આ કામ કરવાનું મુનાસિબ માન્યું હશે. મારો લેણદાર જો આ ઑફર સ્વીકારવા તૈયાર થાય તો, એ માટે જેટલું ચાલવું પડે તેટલું, ચાલી નાંખવાની મારી તૈયારી છે.

શ્રી મનહર મોદીનો એક શે’ર છે : ‘મુસાફર થવાનું પ્રલોભન થશે, આ રસ્તાઓ એવાં ચમકદાર છે.’ અમદાવાદના રસ્તાઓ જો પોતાની ધૂળદાર સ્થિતિ બદલીને આવા ચમકદાર થશે, તો હું પણ મારો ઘરે બેસી રહેવાનો આ નિર્ણય બદલીને જરૂરચાલવા જઇશ.

એકવાર બિહારના મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવે ‘બિહારના રસ્તાઓ અભિનેત્રી હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા બનાવીશ’ એવી જાહેરાત કરી હતી, ત્યારે મેં નિર્ણય કર્યો હતો, ‘ ભલે લપસી પડાય, હું બિહારના રસ્તાઓ પર ચાલવા જઈશ’ પણ ન તો એ રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા થયા, ન તો મારે એના પર ચાલવા જવાનો સવાલ ઊભો થયો. કદાચ આમ ને આમ વર્ષો વિતી જશે, અને હેમા માલિનીના ગાલ બિહારના રસ્તાઓ જેવા થઈ જશે.

આદિલ મનસૂરીનો એક શે’ર છે, ‘ચાલતા સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા યાદ છે’ એમાં એક જ શબ્દનો ફેર કરીએ તો મને આ શેર લાગુ પાડી શકાય. ‘સ્કુટર પર સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા (ખાડા-ટેકરા સહિત) યાદ છે’

પંડિતોની એક ઉક્તિ છે, ‘ચાલે તેનું નસીબ ચાલે છે, બેસે તેનું બેસે છે અને સૂતેલાનું નસીબ સૂઈ જાય છે’ શાંતિથી વિચારીએ તો લાગે છે કે, આ કોઈ ‘ઉક્તિ’ નથી, પરંતુ કહેવાતા પંડિતોની જનતાને ‘ઉલ્લુ’ બનાવવાની ‘યુક્તિ’ છે, ‘પ્રયુક્તિ’ છે. આપણે ચાલીએ તો નસીબ ચાલે, આપણે બેસીએ તો નસીબ બેસે અને આપણે સૂઈ જઈએ તો નસીબ સૂઈ જાય, આ તે કંઈ નસીબના ડહાપણની વાત થઈ ? નસીબને પોતાના ‘સ્વતંત્ર અસ્તિત્વ’ જેવું પણ કંઇ હોય કે નહીં? અને ન હોય તો, આવા ‘પોન ઓરીએન્ટેડ’ , ‘અધર રેફરલ’ એવા નસીબને લઇને આપણે કરવાનું શું?

ચાલનારા કહે છે કે, ‘ચાલવું એ ઉત્તમ વ્યાયામ છે’, તરનારાઓ સ્વીમીંગને, યોગીઓ યોગને, સંતો ધ્યાનને અને કસરતબાજો કસરતને ઉત્તમ વ્યાયામ ગણાવે છે. જ્યાં સુધી ‘ઉત્તમ વ્યાયામ કયો?’ એ નક્કી ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનો શારીરિક કે માનસિક વ્યાયામ શા માટે કરવો જોઇએ? હું તો ત્યાં સુધી કહું છું કે તમારે ‘આવા’ લેખો વાંચવાનો અને મારે ‘આવા’ લેખો લખવાનો વ્યાયામ પણ શા માટે કરવો જોઇએ?

ગ્રીક ફિલસૂફો ગૂઢ પ્રશ્નોની ચર્ચા ચાલતાં-ચાલતાં કરતા, અને સંગીત સમ્રાટ મોઝર્ટને અટપટી સંગીત રચનાની ગૂંચનો ઉકેલ ઘરની બહાર ખુલ્લામાં લટાર મારવાથી મળી જતો. મને તો આ રીતે લટાર મારતાં એક રૂપિયાના સિક્કાથી વધુ કોઈ દિવસ કંઈ મળ્યું નથી.

‘ચલના હી જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી’ નો વિચાર કરું તો ‘હું જીવનમાં જીવિત કરતાં મૃત અવસ્થામાં વધુ સમય ગાળું છું’, એ હકીકત પૂરવાર થાય છે. જો કે મને એ વાતનો જરા પણ અફસોસ નથી, કેમ કે જીવનમાં સૌએ એકવાર તો મરવાનું છે જ.

મહાન નેતા શ્રી અબ્રાહમ લિંકનનું એક પ્રસિધ્ધ વાક્ય છે, ‘આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક બેક.’ હવે જો આવા મહાન નેતા પણ પાછા ફરતી વખતે ચાલતા નહીં આવતા હોય, તો- એમના સિધ્ધાંતને વધુ દ્રઢપણે અનુસરતાં, એટલે કે ‘જતાં તેમ જ આવતાં’ હું ચાલતી આવવાને બદલે વાહનનો ઉપયોગ કરું, તો- એમના વાક્યમાં રજમાત્રનો ફેરફાર કરી હું મારા માટે આજે તો એટલું ક કહીશ :

‘આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક.’

Name: Pallavi Jeetendra Mistry

Email: