ખ્વાબ હૈ તો જિંદગી હૈ Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખ્વાબ હૈ તો જિંદગી હૈ

ભારતના દુર પહાડી વિસ્તારનું ગામ ....માતા પિતા ઓલમોસ્ટ ખેતમજૂર ...ને એ પોતે પણ બાળપણથી જ ખેતમજુરીનું જ કામ કરે . આર્થિક સંકડામણ ટાળવા સ્પોર્ટ્સને કેરિયર બનાવવાનું નક્કી કર્યું .....દોડ , જવેલીન થ્રો થી શરુ કરેલી સ્પોર્ટ્સ કેરિયરને વળાંક ત્યારે મળ્યો જયારે એણે બોક્શર બનવાનું નક્કી કર્યું - મહિલા બોક્શર...પુરુષોના ક્ષેત્રમાં એક સ્ત્રી ? પિતાના સખ્ત વિરોધ વચ્ચે અને શરૂઆતી એકાદ વર્ષની નિષ્ફળતા પછી એણે હાર માનવાને બદલે એક પછી એક ઈતિહાસ સર્જક દેખાવો કર્યા અને આ લખાય છે ત્યારે એશિયાડમાં પણ ૫૧ કિલો વર્ગમાં ગોલ્ડ જીતીને એશિયાડના ઇતિહાસમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બોક્શર બની ગઈ . આટલું વાચ્યા પછી જાણી જ ગયા હશો કે વાત મેગ્નીફીશ્યન્ટ બોક્શર મેરી કોમની થઇ રહી છે

વાત અહી મેરી કોમની જીવનકથા લખવાની નથી પણ એણે પોતાની આંખમાં આંજેલા ચેમ્પિયન બનવાના ખ્વાબને સદાય જીવતું રાખ્યું - ચમકતું રાખ્યું એની છે . સચિન તેન્ડુલકરે ૧૬ વર્ષે પાકિસ્તાનની ધરતી પરથી ક્રિકેટજગતમાં પગ મુક્યો ત્યારથી લાગલગાટ 12 વર્ષો સુધી એને ઈજા શું ચીજ છે એ જ ખબર નહોતી , એ તો બસ દે ધનાધન રનની વણજાર ખડકતો જતો હતો ને ટોચના સ્થાને પહોચી જ ગયેલો પણ ૨૦૦૧માં ઝીમ્બાબ્વેમાં પગની પાનીની ઈજાને લીધે સચિન 12 વર્ષે પહેલી વાર કોઈ ટેસ્ટ મેચ રમવાનું ચુક્યો ને પછી સચિન બોલ પર આક્રમણ કરતો એ જ ઝડપે ઇજાઓએ સચિન પર આક્રમણ કરવાનું ચાલુ કર્યું . એક તબક્કો તો એવો આવ્યો કે ક્રિકેટ પંડિતોએ સચિનની કેરિયર ખત્મ થઇ ગઈ છે એવું પણ ભાખી દીધેલું પણ આ તો સચિન હતો કે જે આંખમાં ક્રિકેટનું સપનું આંજીને જ જીવતો હતો , કે જેની હર એક પળ , હર એક ધડકનમાં ક્રિકેટનું જ નામ ગુંજતું હતું એ એમ કાઈ થોડો એના સપના ને મરવા દે ? ડોકટરો , મિત્રો અને ચાહકોના પ્રેમની સાથે સાથે અથાગ પરિશ્રમથી એણે ઈજાઓ પર કાબુ મેળવ્યો અને અંતે આંખમાં સજાવેલા સપનાને મૂર્તિમંત કરીને જ ભવ્ય અને ઈતિહાસ માં સદાય અંકિત રહે એવી વિદાઈ લીધી .

અને સફળતા તો કોઈ ચાંદી ની તાસકમાં રાખેલું મીઠું પાન થોડું છે કે આ ઉપાડ્યું ને મુક્યું મો માં . સફળતાની સાચી શરૂઆત છે સપનું , એક ખ્વાબ , ઇક ખ્વાહીશ . વોલ્ટ ડિજ્ની એ સરસ કહ્યું છે કે જો તમે સપનું જોઈ શકશો , તો તમે એને સિદ્ધ કરી શકશો . મજાની વાત એ છે કે આ એ જ વોલ્ટ ડીઝની છે કે જેના ભેજાની ઉપજ એવા નવીનતાવાળા થીમ પાર્ક આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ આવા કલ્પનાશીલ અને સ્વપ્નદ્રષ્ટ ડીઝ્નીને એની શરૂઆતની કેરિયરમાં એક ન્યુઝ્પેપરે એમ કહી ને કાઢી મુકેલો કે તારામાં નવીનતાનો અભાવ છે અને તારી પાસે કોઈ નવા વિચારો જ નથી બિચારો ન્યુઝપેપરનો એડિટર ડીઝનીની આંખમાં ચમકતા ખ્વાબોને વાંચી નહિ શક્યો હોય ..!!! પણ ડીઝનીએ હાર માનવાને બદલે પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવાનું વધુ મુનાસીબ માન્યું . બે-ચાર આમ તેમ કરેલા ધંધાઓ અને એ ધંધાઓમાં પણ ખાધેલા નુકશાનીના માર પછી શરુ થઇ વોલ્ટ ડીઝનીની અત્યારની અજાયબ શ્રુષ્ટિ અને રેસ્ટ ઈઝ હિસ્ટ્રી ..!!! કોઈ પણ સફળ વ્યક્તિનો બાયોડેટા જોઈ લેજો , સો એ એકાદ ટકો માંડ એવા હશે કે જેને સફળતા ચાંદીની તાસકમાં મળી હશે બાકી ના ૯૯% તો આંખમાં ઉછરેલા સપનાઓને પુરા કરવાની જીદ માં જ સફળ થયા હોય છે .

નમસ્કાર દેવીયો ઓર સજ્જનો નો અવાજ કાનમાં પડતા જ બંધ આખે પણ બચ્ચન એમ બોલાય જવાય છે એ મીલેનીયમ મેગાસ્ટારના આ જ અવાજને ઓલઇન્ડિયા રેડીઓએ એમ કહીને રીજેક્ટ કરી દીધેલો કે એનાઉન્સર માટે આ અવાજ ફીટ નથી થતો .,અરે ખાલી ઓલ ઇન્ડિયા રેડીઓ જ શું કામ પણ માયાવી બોલીવુડમાં લગાતાર ૭ ફ્લોપ ફિલ્મો પછી એને લાગેલું કે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું સપનું આંખમાં આંજીને કલકત્તાથી મુંબઈ આવવાનો એનો નિર્ણય ખોટો હતો કે શું ? આનદ જેવી સફળ ફિલ્મ ( કે જેમાં એની પહેલી વાર નોંધ લેવાયેલી છતાં જેની સફળતાની ક્રેડીટ તો રાજેષ ખન્નાને જ મળેલી ) સહીત ૧૨ જેવી ફ્લોપ કહી શકાય એવી ફિલ્મો પછી ઝંઝીરથી એનું સપનું પૂરું થયું .પણ એણે પોતાના આ સપનાને પુરા કરવા પ્રોડ્યુસરોના દરવાજે ઉભા રહીને કટુવચનો સાંભળવા સહીત એની પોતાની જાત પર થઇ રહેલી મજાકો સુધ્ધા સહન કરી પણ સપનું અને એને સાકાર કર્યા વગર દમ નાં લીધો અને એ પણ કેવો ? કે એ પછી એણે આજ સુધી પાછું વાળીને નથી જોયું ઇવન એક સમય એવો પણ આવ્યો કે .એની લગાતાર ફિલ્મો ફ્લોપ જવા છતાં અને આર્થિક - સામાજિક તકલીફો છતાં ફીનીક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થઈને એણે પુરવાર કર્યું કે સપનું જોવું જરૂરી નથી પણ એને પૂરું કરવા અથવા તો સપનાઓને એક્શટેન્ડ કરતા રહેવા માટે પણ એક સપના પછી બીજું સપનું જોવું એટલું જ જરૂરી છે અને એટલું જ જરૂરી છે એ સપનાનું જીવતું રહેવું .

સપનું મોટું કે નાનું હોવું જરૂરી નથી , પણ જરૂરી હોય છે સપનું હોવું - સપનું જોવું . બચ્ચનની જ વાત કરીએ તો નાનપણમાં એને એક્ટર બનવું એવું સપનું બિલકુલ નહોતું જોયેલું પણ એક ઉમરે જયારે એને એમ થયું કે આઈ વોન્ટ ટુ બી એક્ટર ..બસ પછી જ એની સાચી જિંદગી શરુ થઇ , સ્ટ્રગલની , હતાશાની , અપમાનોની વચ્ચે જીવતા જીવતા એણે અંતે સફળતા રૂપી સપનું સાકાર કરી જ લીધું .મેરીકોમને ક્યાં બોક્ષિંગ સાથે પહેલો પ્રેમ હતો પણ એકવાર એણે ચેમ્પિયન બનવાનું સપનું આંખમાં આંજ્યું પછી બે છોકરાની માં બનવા છતાં અને લોકોની આ જીતશે જ નહિ એવી ધારણાઓ વચ્ચે પણ ચેમ્પિયન બની બતાવ્યું . કેમકે એ જીવતી હતી તો ફક્ત એ સપનાની સાથે . એ સપનું જ હતું જે એને જીંદા રાખતું હતું અને સફળતાની સીડીઓ ચડવા પ્રોત્સાહિત કરતુ હતું .

સપનાને આંખોમાં આંજીને જીવવાની અને પછી એ સપનાને સફળતામાં ફેરવવાની જે મજા છે એ ચાંદીની તાસકમાં ભેટ મળેલી રેડીમેડ સફળતાથી અનેક ગણી ચડિયાતી છે . મશહુર ટીવી શો થી દુનિયાભરમાં છવાઈ જનાર ઓરફાહ વિન્ફ્રીને શરૂઆતમાં એક ટીવી ચેનલે એમ કહીને કાઢી મુકેલી કે તુ ટીવી માટે સાવ અનફીટ છો , ટીવી માં ચાલે જ નહી . હવે જુવો સપનાની તાકાત કે આજે એ જ ઓરફાહ ટીવી જગતની સામ્રાજ્ઞી છે અને પોતાની ખુદની ટીવી ચેનલ ની માલીકન છે . મશહુર સિંગર એલ્વિસને એના શરૂઆતના દિવસોમાં એ જ્યાં પરફોર્મ કરતો હતો એ કલબના મેનેજરે પૂઠ પર લાત મારીને ક્લબની બહાર કાઢી મુકતા કહેલું કે બેટા તું સિંગર તો ઠીક બોલવામાં પણ ચાલે એવો નથી , તું સિંગર થવાના સપના જોવા છોડીને ક્યાંક ટ્રક ચલાવાવનો ધંધો શોધી લે . પણ જો એના કહ્યા પ્રમાણે એલ્વીસે ટ્રક ચલાવવાનું ચાલુ કરી દીધું હોત તો ? પણ ના , એલ્વીસની આંખમાં ચમકતું સિંગર થવાનું સપનું એને ટ્રક ડ્રાઈવર નહિ પણ મ્યુજિક લવર્સનો ડ્રાઈવર બનાવવા માટે જન્મેલું હતું - ચમકતું હતું . સપનાની હાકે હાકે એલ્વીસે એક પછી એક મુશ્કેલીઓ વટાવીને પણ સંગીત જગતમાં એનું નામ અમર કરી દીધું અને સાથે સાથે એના સપનાને સલામ પણ . કારણકે ટ્રક ડ્રાઈવર બનવું કે બીજો કોઈ ધંધો કરવો એ એનું જીવન નહોતું , એને પાક્કી ખબર હતી કે હું જીવું છું તો આ સપનાને સહારે જ , આ જ મારું જીવન છે , આને પૂરું કરવું જ જિંદગી છે અને જો એ છોડી દઉં તો હું મૃત છું , એક લાશ છું - જીવતી જાગતી લાશ .

કોઈએ સાચું જ કહ્યું છે કે નિષ્ફળતા વગર સફળતા નથી મળતી ઈનફેક્ટ આ નિષ્ફળતાઓ જ સફળતાના રસ્તા તરફ જતી પગદંડી બની જાય છે પણ શરત એટલી કે જે સફળતાનું સપનું લઇને તમે ચાલતા હો એ સપનાનો સાથ કદી નાં છૂટે . ઉલટાનું એ સપનું પૂરું કરવાની જીદ વધુને વધુ મજબુત થાય - નક્કોર થાય . પ્રિન્સ ઓફ કલકત્તા સૌરવ ગાંગુલીને ૧૯૯૨માં ટીમમાંથી પડતા મુકાયા પછી છેક ૪ વર્ષ પછી ફરીથી ટીમમાં પ્રવેશ મળેલો , પણ એ ચાર વર્ષોમાં એણે નેશનલ ટીમમાં રમવાના પોતાના સપનાને રણજી અને દુલીપ ટ્રોફીની મેચોમાં રનોના ઢગલા વડે જીવતું રાખેલું અને જેવો એ સપનાને સાકાર કરવાનો મોકો મળ્યો કે લોર્ડ્ઝ પર ટેસ્ટ પ્રવેશે જ સદી ઠોકી દેતા ચુક્યો નહિ . સ્પોર્ટ્સમાં તો આવા અનેક દાખલારૂપ રમતવીરો છે કે જેમણે પોતાના સપનાને સાકાર કરવા અથાગ પરિશ્રમ તો કર્યો જ છે પણ મહત્વનું એ છે કે એ સપનું ગમે તેવી વિકટ પરીશ્થીતીમાં પણ જીવંત રાખ્યું છે .

ઘણા એવા સેલીબ્રીટીઓ છે કે જેમનું નામ ઈતિહાસના પન્નાઓ પર સુવર્ણ અક્ષરે લખાયું છે પણ એમાંથી બહુ ઓછા સેલીબ્રીટીઓ એવા છે કે જેમણે પ્રથમ પ્રયાસે જ સફળતા મેળવી હોઈ. આપણે આગળ જેની વાત કરી એ વોલ્ટ ડીઝનીને સફળતા મળ્યા પહેલા એક સમય એવો પણ આવેલો કે એમણે કુતરાઓ માટેનું ભોજન ખાઈને દિવસો પસાર કરવા પડેલા . તમને ખબર છે કે મહાન વિજ્ઞાની આઇન્સટાઈન ૪ વર્ષની ઉમર સુધી બોલી નહોતા શકતા અને ૭ વર્ષની ઉમર સુધી તો લખી પણ નહોતા શકતા . શાળામાં એમને બધા બુદ્ધિ વગરનો - બુડથલ જ ગણતા અને કહેતા કે આ સાવ ઠોઠ નિશાળીયો છે . માનસિક રીતે બીમાર ગણીને એમણે શાળામાંથી પણ કાઢી મુકાયેલા પણ અમુક ઉમર પછી આઇન્સટાઈન એ જોયેલા સપનાને પુરા કરવા એ આ બધી અડચણો ને પણ પાર કરી ગયા અને અંતે નોબેલ સહીત ફીઝીક્સની અનેક ઉપયોગી અને અપ્રિતમ શોધો એમના નામે લખાઈ .

આમીરખાન જો એની પ્રથમ ફિલ્મ હોલીની નિષ્ફળતા પછી પાછો પપ્પાની સાથે આસીસ્ટંટ બની ગયો હોત તો ? આપણી માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની મેકડોનાલ્ડની રેસ્ટોરન્ટમાં ફર્શ જ સાફ કરતી રહી હોત તો ? આવડું મોટું ઓદ્યોગિક સામ્રાજ્ય ખડું કરનાર પનોતા ગુજરાતી ધીરુભાઈ એડનમાં નોકરો જ ટીચતા રહ્યા હોત તો ? .લીજેન્ડ બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને સફળતાની સુંદર વ્યાખ્યા આપી છે . એ કહે છે કે મેં મારી કેરિયરમાં લગભગ ૯૦૦૦ શોટ્સ મિસ કરેલા , ૩૦૦ જેવી ગેમો હારેલો જેમાંથી ૨૩ જેટલી ગેમો એવી હતી કે મારે વિનિંગ બોલ બાસ્કેટ કરવાનો હતો અને હું નહોતો કરી શક્યો .હું ઘણી વાર નિષ્ફળ જતો રહ્યો અને એમાંથી જ સફળ થતો રહ્યો . અગેન આગળ વાતથ થઈ એ વોલ્ટ ડીઝની એના ડ્રીમ પ્રોજેક્ટ ડીઝની વર્લ્ડ માટે જયારે આર્થિક મદદ શોધવા નીકળેલો તો ૩૦૦ ઉપર લોકોએ એને ખાલી હાથ દરવાજેથી જ પાછો વાળેલો . ૩૦૦ જેવા નિષ્ફળ પ્રયત્નો પછી પણ એ હિમ્મત નાં હાર્યો કારણકે આંખમાં આંજેલા સપના લઈને એ જીવતો હતો , એ જ એનું જીવન હતું જે આખરે સફળતામાં પરાવર્તિત થવાનું હતું . જેના વગર સિનેમા અધૂરું છે એવા ચાર્લી ચેપ્લિનને શરૂઆતમાં અનેક સ્ટુડિયોવાળાઓ એ એમ કહીને કાઢી મુકેલો કે તારી વાર્તાઓ એકદમ નોનસેન્સ અને અર્થ વગરની છે . આવા ગતકડામાં પૈસા રોકીને અમારે પાયમાલ નથી થવું ? એ બિચારાઓને ક્યાં ખબર હતી કે આ ગતકડાં નહિ પણ ચાર્લીએ જોયેલા સપના છે જે સાકાર થશે ત્યારે એને ગતકડાં ગણનારાઓની આખો ચાર થઇ જવાની હતી અને એક્જેટલી એ જ થયું .

સફળ લોકોના અનેક પ્રસંગો અને કિસ્સાઓ છે અને એ દરેક કિસ્સામાં ક્યાંક ને ક્યાંક શરૂઆતી નિષ્ફળતામાંથી એમણે મેળવેલી સફળતાની સોનેરી સવારની વાત છે . અનેક પ્રેરણાત્મક પુસ્તકોના લેખક વિલિયમ હિલે અનેક સફળ લોકોના જીવનનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસનો નીચોડ રજુ કર્યો પુસ્તક ‘ થીંક એન્ડ ગ્રો રીચ ‘ માં . એમણે નોંધ્યું છે કે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવાની પૂર્વશરત છે એ ક્ષેત્રમાં સફળ થવાનું સપનું જગાવવાની . વિલિયમ લખે છે કે લગભગ દરેક સફળ માણસને એને જોયેલા સપનાને સાકાર કરવામાં અનેક કઠીનાઈઓ આવી , મુસીબતો આવી પણ એણે પોતાના સપનાને છોડ્યું નહિ . ચાહે લાખ તુફાન આયે એ ન્યાયે એમણે પોતે જોયેલા સપનાને પુરા કરવા પરિશ્રમ કર્યો , મહેનત કરી અને અંતે કોઈને ઝડપથી તો કોઈને મોડેથી પણ સપનું સિદ્ધ કરવાની તક મળી મળી અને મળી જ .

ઈચ્છા + સ્થિરતા = સંકલ્પ : સંકલ્પ + મહેનત = સફળતા : - નરેન્દ્ર મોદી