જિંદગી હસકે બિતાએંગે Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી હસકે બિતાએંગે

જિંદગી હસકે બિતાએઁગે....

- હાર્દિક રાજા

“ કોઈ તારી વાટશે, ને કોઈ તળિયા ચાટશે,

તું તમાં ના લેશ કર, ખેલતો જા! ટેશ કર..”

મકરંદભાઈ દવે ની આ સરસ મજા ની પંક્તિ નેટ પર વાંચી અને આ લેખ લખવાનો વિચાર આવ્યો. આમ તો, આ બાબતે ઘણું બધું લખાઈ ગયું છે, કશું બાકી રહ્યું જ નથી. છતાં, હું પણ આજે લખી જ નાખું.

મિત્રો, આ ઉપર લખેલી મકરંદભાઈ દવે ની પંક્તિ તમે ફરી વાંચી જાઓ.. છે ને જિંદગી માં ઉત્સાહ અને ઉમંગ ની લહેર દોડાવનારી ફિલોસોફી. જિંદગી ખરેખર ટુંકી છે જીવન ની મોજ માણવા માટે એક જિંદગી પણ ટૂંકી પડે, કારણ કે, જીવન નો સુર્ય ક્યારે અસ્ત થઇ જાય તેની ખબર હોતી નથી, તેથી જિંદગી ની દરેક ક્ષણ માં લહેર થી જીવો, ચાહો તો દરેક દિવસ એક ઉત્સવ જ છે, જિંદગી ની ક્ષણે ક્ષણ માં મોજ કરો... યુથ આઇકોન એવા જય વસાવડા એ એક વાર તેમની સ્પીચ માં કહ્યું હતું કે, “ જિંદગી એ નથી કે તમને જીવવા માટે કેટલા શ્વાસ મળ્યા છે, જિંદગી એ છે કે તમે એવી કેટલી ક્ષણો નો આનંદ માણ્યો જેમાં તમે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયેલા હોય, તેટલી દિલચસ્પી હોય.”

જીવન જીવવું એટલે માત્ર શ્વાસ લેવા માટે જીવવું તેવું નથી, જીવન નો ખરા અર્થ માં આનંદ માણો, બાકી કોઈ પણ લાંબી ફીલોસીફી થી જીવવાની જરૂર નથી. મેઘધનુષ ના સાતે સાત રંગ તમારી પાસે છે, પણ તમને એ ખબર હોવી જોઈએ કે જીવન રૂપી કાગળ માં આપણે ક્યાં રંગ નો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરશું તો આપણું જીવન એક સારા ચિત્રકાર એ રચેલા ચિત્ર જેવું રંગીન અને આનંદ વિભોર થઇ જશે.

ઘણા લોકો ભૂતકાળ માં નિષ્ફળ ગયા હોય ત્યાર પછી તે હમેશા નિષ્ફળતા ને યાદ કરી કરી ને ચિંતા માં જ રહે છે તેના ચહેરા પર નુર રહ્યું હોતું નથી, નિષ્ફળતા ને કદી યાદ ન રાખવી કારણ કે, જે પોતાના ભૂતકાળ ને ખોળતો રહે છે તે કદી સફળ થતો નથી એટલે પોતાના ભૂતકાળ ને યાદ ન રાખવો અને એક વાત યાદ રાખવી કે “કામ કરતો માણસ કદી નિષ્ફળ જતો નથી.” કોઈ ની પણ પરવાહ કરવાની જરૂર નથી, બસ કામ કરતાં રહેવું એ જ આપનો આદર્શ હોવો જોઈએ. સ્વેટ માર્ડન એ કહ્યું છે કે “વિચાર કરો પણ વિચાર ચિંતા નું સ્વરૂપ બનવો ન જોઈએ.” તમને કોઈ પણ પ્રકારની ચિંતા સતાવશે નહિ તો તમે સફળ થવાના જ અને સફળ માણસ ના મુખ પર સદાય હાસ્ય રેલાતું રહે છે ને હાસ્ય માણસ ને સદાય યુવાન રાખે છે. અમુક લોકો ને તો ચિંતા જ મારી નાખતી હોય છે તેઓ જે બાબત ની ચિંતા કરતાં હોય છે તેનાથી કશો બદલાવ પણ આવવાનો નથી, તેવી ચિંતાઓ કરી પોતાની ‘આજ’ બગાડતા હોય છે. અને પછી હાઈ બ્લડપ્રેશર, અકાળે વૃદ્ધત્વ વગેરે જેવી બીમારીઓ થી પીડાય છે. આ વાત તો વિજ્ઞાને પણ સાબિત કરી છે કે જે હસે છે અને ચિંતા નથી કરતાં તેવા લોકો નું આયુષ્ય દીર્ઘ હોય છે. અને તેની યુવાની જળવાય રહે છે. એટલે, કોઈ પણ પરિસ્થિતિ નો હિંમત થી સામનો કરો. ચિંતા મનને નબળું પાડે છે ચિંતા થી દુર રહો. જે સામે છે તેનો વિચાર કરો. આવનારી કાલની ચિંતા કરી- કરીને આજને નિષ્ફળ બનાવો નહિ.

જીવન માં આનંદ મેળવવા અને જિંદગી ને રંગીન બનાવવા ના ઘણા નુસખા છે. તમે દિવસ ની ચોવીસ કલાક માંથી તમને ગમતા કાર્યો કરવા માટે કેટલો સમય કાઢો છો? માણસે પોતાના રોજબરોજના કાર્યો માંથી પરવારીને પોતાના ગમતા કાર્યો માટે પણ સમય કાઢવો જોઈએ. જો તમને વાંચવા નો શોખ હોય તો લાઈબ્રેરી માં જઈને વાંચો, ઈન્ટરનેટ ના માધ્યમ થી જોડાઈ ને ઘણું બધું વાંચવા મળે છે તે વિશે જાણો, વાંચો, આવી રીતે નવું નવું શીખવાથી જીવન માં નવીનતા આવે છે. તમને ચિત્રકામ નો શોખ હોય તો, સારું એવું ચિત્ર દોરી નેશનલ લેવલ ની નહિ પણ ઓનલાઈન કોઈ સ્પર્ધા માં ભાગ લો. કવિતા નો શોખ હોય તો, ખુબ કવિતા ઓ વાંચો, પછી પોતાની જાતે લખવા નો પ્રયત્ન કરો, બીજાને વંચાવો, ભલે બીજા રિસ્પોન્સ ન આપે પણ પોતાની જાતને આનંદ થશે, પોતે જ શાબાશી આપો. આવી રીતે ગમતા કાર્ય માટે સમય કાઢો, નેટ પર સર્ફીંગ કરો, ગેઇમ રમો, કાર્ટુન જુઓ, સાઈકલીંગ કરો, ફિલ્મ જુઓ, દરરોજ કાઈક નવું જાણો, દરરોજ કાઈક નવું અનુભવો, આવી રીતે જીવશો તો તમને આપો આપ અહેસાસ થશે કે, ખરેખર જિંદગી જીવવા માટે અને જીવન ની મોજ માણવા માટે તો એક જિંદગી પણ ઓછી પડે.

મિત્રો, એક સરસ વાક્ય છે કે, “ નકામાં વેડફાયેલા સમય માં જો તમે આનંદ માં રહ્યા હો તો, તે સમય નકામો પણ નથી અને વેડફેલો પણ નથી.” એટલે દિવસ ની ચોવીસે ચોવીસ કલાક તમારે પ્રોડક્ટીવ જ રહેવાની જરૂર નથી, પોતાના માટે થોડો સમય કાઢો, આનંદ મેળવવા માટે થોડો સમય કાઢો, બાકી સમય તો ચાલ્યો જ જાય છે. આપણ ને એવું લાગે છે કે જિંદગી માં હજી ઘણા વર્ષો રહ્યા છે, બાકી કોને ખબર છે કિસ ગલી મેં ઝીંદગી કી શામ ઢલ જાયે...

( જિંદગી બડી હોની ચાહિયે બાબુમોશાય, લંબી નહિ.... – ‘આનંદ’ ફિલ્મ નો સંવાદ )

  • હાર્દિક રાજા