પ્રેમ એટલે કે...
What is love ?
Love is a variety of different feelings, states, and attitudes that ranges from interpersonal affection to pleasure. It can refer to an emotion of a strong attraction and personal attachment.
જયારે google ને આવો સવાલ પૂછવામાં આવે ત્યારે wikipedia તરફ થી આવો જવાબ ડિસ્પ્લે પર આવી જાય છે. હવે આ જ સવાલ કોઈને પણ પૂછવામાં આવે તો તેનું હૃદય કદાચ આ જવાબ સાચે સાચો જાણતું જ હોય છે પણ પેલું નથી કહેતા કે હૈયે હોય પણ હોઠે ન આવે તે રીતે આને શબ્દશઃ કરવો અઘરો પડી જાય છે. આ વિષે કોઈ લેખક તો ઠીક પણ કોઈ કવિ તો બાકી ન જ હોઈ શકે.. કવિતા લખવામાં.. પણ જેટલું લખો તેટલું વાચક ને ઘટે. આ શબ્દ સાંભળી ને પણ બધા ને દિલ ના તાર એક વાર તો જણજણી જાય છે.
એવું જ ન હોઈ શકે કે પ્રેમિકા કે પ્રેમી માં જ પ્રેમ થઇ શકે. પ્રેમ તો કોઈ પણ નિર્જીવ વસ્તુ સાથે પણ થઇ શકે છે. જાણે કે વૃક્ષ ને જો પ્રેમ પૂર્વક ઉછેરવામાં આવે તો તે સારી રીતે વિસ્તરી શકે છે. તેમાં આવતા ફળો પણ વધારે મીઠા હોય છે. તે જ રીતે જો વિદ્યાર્થી પોતાના અભ્યાસ ને અને કોઈ માણસ જો પોતાના કામ ને પ્રેમ કરે તો પેલું નથી કહેતા કે પ્રેમ ની પ્રેરણા થી થયેલું કામ top લેવલ પર મૂકી શકાય તેવું જ હોય છે.
પણ, back to point પ્રેમ એટલે શું? આ તો વણ ઉકેલ્યો કોયડો છે પ્રેમ એ ચીજ છે કે ધૂમકેતુ એ કહ્યું છે કે જે કોઈ જેને પ્રેમ કરતુ હોય તેવું બની જાય છે. એટલે પ્રેમ છે એ રૂપાંતરીત તત્વ છે જેમ કે મીરા ને મોહન ની મોહિની લાગે તો પછી તેમને નિજાનંદ પ્રભુ માં જ મળે. ઘણા કવિઓ પ્રેમ ની પ્રેરણા થી જ કવિતાઓ અને ગીતો લખે છે. જેમ કે એક આપણા છ અક્ષર નું નામ ના કવિ... રમેશ પારેખ હતા તો તેઓ ની પ્રેમ ની પ્રેરણા નું પાત્ર સોનલ નામની કાલ્પનિક છોકરી હતી.. તો તેઓ ઉનાળા માં પણ તેને સંબોધી ને કવિતા લખી નાખતા કે..... "પાણી ને અડુ તો વાય લું, સોનલ આ તારા શહેર ને થયું છે શું ?" તો આ પ્રેમ નું મેજિક છે, તેવું જ વળી મીરા નું પણ છે તેઓ કૃષ્ણ ની મૂર્તિ ની સામે બેસી ને પણ પદ લખી શકતા કે, " મુખડા ની માયા લાગી રે મોહન , મુખડા ની માયા લાગી.."
ઇશ્ક, લવ, પ્યાર, દિલ, આ બધુજ સાચું છે આનું આકર્ષણ તો પહેલું હોય છે પણ જો કોઈને પોતાના પ્રેમ ને અમર રાખવો હોય તો તેમાં તે જરૂરી છે કે તેમાં સન્માન અને સમજણ ની જરૂર હોય છે જેમ પેલું કહેવાય છે તેમ કે , સમજણ નો જ સાચો સેતુ, બાકી તો બધા રાહુ અને કેતુ. એમ પ્રેમ ને ચિરંજીવ રાખવા માટે તેને બોન્સાઇ ટ્રી ની જેમ કોઈ તાર થી બાંધવા ની જરૂર નથી તેને વિસ્તારવા દો. બાકી શિડની સિલ્ડન કહેતા તેવું થશે કે, લગ્ન પહેલા તો લોકો પ્રેમ ના સોગંદ ખાતા હોય છે પરંતુ લગ્ન પછી સમ ખાવા પૂરતો પણ પ્રેમ રહેતો નથી.
જય વસાવડા એ એક વાર લખ્યું હતું કે, "પ્રેમ ની ફીલિંગ એ છે, જેમાં દિલ પર કંટ્રોલ જ ન રહે. મનમાં બસ એવી તડપ ઉઠે કે એ દાહ પ્રિયજનનો કોઈ કોરો સંદેશ(બ્લેન્ક મેસેજ) આવે તો ય સમી જાય, પણ બાકી આખા હિમાલય નો બરફ એને ટાઢો ન કરી શકે." જ્યારે દિલ કોઈ ની ગેરહાજરી માં ધીમું ધડકે અને તે સામે આવતા હાર્ટ બીટ વધી જાય તેવું ધબકતું દિલ થઇ જાય, કોઈ ને શું કહેવું છે તેને ગોખી ગોખી ને પાક્કું કરી નાખ્યું હોય પણ તે સામે આવતા જ તેની આખો ના દરિયા માં તે ક્યાં ભસ્મીભૂત થઇ જાય એ ખબર જ ન રહે, રાત્રે ઉઠીને નહિ પણ ભરબપ્પોરે હકડેઠઠ કામ ની વચ્ચે અચાનક જ કોઈ ચહેરો સામે આવી જાય ,કોઈ અવાજ યાદ આવી જાય, કોઈનો હસતો ચહેરો યાદ આવી જાય, સાથે વિતાવેલી પળો યાદ આવી જાય અને એમ થાય કે ચિક્કાર કામ ની વચ્ચે કોઈ કામ જ ન ઉકલે તે પ્રેમ નો નશો છે. ન કોઈ રાહ, ન કોઈ મંઝિલ......
સાચો પ્રેમ એ છે કે જેમાં તમે કોઈને મળ્યા હો તે દ્રશ્યો નું આંખ આબેહૂબ વીડિયો રેકોર્ડિંગ કરી લે. તેમના અવાજ નું કાન ઓડિયો રેકોર્ડિંગ કરી લે. અને તે જ વિચારો મગજ માં ઘુસી જાય અને તેને ફરી ફરી ને યાદ કરવાનું મન થયા કરે. તે મળે તો તેની સામે બેસીને એક-બીજા ને જોયા જ કરવાનું મન થાય. સાથે સમય પણ ક્યાં પૂરો થઇ જાય તે ખબર ન રહે. પ્રેમ માં પણ જો સમજણ પૂર્વક બધું ચાલે તો સોનામાં સુગંધ ભળે.
હમણાં વેલેન્ટાઈન્સ ડે આવશે એટલે પ્રેમી ઓ નો દિવસ. પ્રપોઝલ આવશે, પણ તે ક્ષણ પહેલા એક બીજાને સમજી લેવા ખુબ જ જરૂરી છે. પ્રેમ માં બંને ની હા હોય ત્યારથી ફુલ લાઈફ ની એક ચોવીસ કલાક જે જોબ કરવાની છે તે ચાલુ થઇ જાય છે જેનાથી થાકી શકાતું જ નથી. અને જે કોઈ દિવસ પુરી થતી નથી. પ્રેમ કર્યા પછી એક બીજાને અનુકૂળતા થી રહેવું જોઈએ. સમજણ થી રહેવું, જીવન જીવવા નો હક બધાને હોય જ છે. જ્યારે આકર્ષણ હશે તો ખબર પડી જશે ઉભરો થોડા દિવસો માં બેસી જશે પણ જો હકીકત માં પ્રેમ હશે તો તે અભિવ્યક્તિ કોઈ છુપાવી શકશે નહીં. અને પછી આના માટે પણ મરીઝ સાહેબ કહી ગયા છે કે, "ફક્ત એક ટકો જોઈએ મહોબ્બત માં, બાકી ના નવ્વાણું ખર્ચી નાખ હિમ્મત માં" આ હિંમત એટલે courage , એક બીજાને સમજવાની હિંમત, પ્રેમ કર્યા બાદ તેને નિભાવવા ની હિંમત અને જીવન માં આવતા પડકારો નો બંને એ સાથે મળીને સામનો કરવાની હિંમત. આ રીતે કહેવાયું છે કે ખર્ચી નાખ નવ્વાણું ટકા હિંમત માં.
સાચો પ્રેમ તો કોઈ એક ની જોડે જ થઇ શકે. જેમ કે લાખો હૈ નિગાહ મેં જિંદગી કી રાહ મેં... પણ આ દિલ તો એક માટે જ ધડકે. તેની યાદો ની બારાત મગજ ના એક ખૂણા માં સમાઈ ગઈ હોય. તેનો ચહેરો તે સ્કેત્ચ કલાકાર ન હોવા છતાં બનાવી દે. એટલે દિલ તો એક જ હોય છે અને તેની કન્ડિશન એ છે કે તે તમે કોઈ ને એક જ વાર આપી શકો છો. એટલે સાચા પ્રેમ માં ક્યારેય રમત ન હોવી જોઈએ. નહીંતર પછી તે પ્રોબ્લેમ નું કારણ બની શકે છે.
અંતે બસ એટલું જ કહેવાનું કે પ્રેમ ની સાથો સાથ સન્માન ને કેળવો, સમજણ ને વિસ્તારો, એકબીજાની પરિસ્થિતિ જોતા શીખો, જે સાચું હોય તે સ્વીકારતા શીખો અને સૌ ને પ્રેમ કરો આ જિંદગી માં બને તેટલું બધા સાથે પ્રેમ થી વર્તો કારણ કે પ્રેમ થી જ તો જગત જીતી શકાય છે.
“પ્રેમ માં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ,
સુર્ય ની આંખે અજબ નુર થઇ ચાલ્યા કરીએ.”
(શીર્ષક – મુકુલ ચોક્સી)
હાર્દિક રાજા