મોક્ષપાશ! Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોક્ષપાશ!

મોક્ષપાશ !

............

-વિપુલ રાઠોડ

હડબડાટમાં સંકેત પોતાની પ્રાત:ક્રિયા ફટાફટ આટોપીને ઓફિસે જવા રવાના થાય છે. આજે તેની એક અગત્યની મીટિંગ હતી પણ ઉઘમાંથી ઉઠાવામાં મોડું થવાના કારણે તે એકાદ કલાક જેટલો પાછળ રહી ગયો હતો. હવે શક્ય તેટલા વહેલા પહોંચવા માટે તેણે પોતાની બાઈક બંબાટ હંકારી. મીટિંગમાં મોડા પડવાની ચિંતા અને હવે જલ્દી ઓફિસ પહોંચવાની ઉતાવળમાં તે ડ્રાઈવીંગમાં સંપૂર્ણ બેધ્યાન હતો. યંત્રવત તેનાં હાથ બાઈકને નિયમિત રસ્તાઓ ઉપર વાળ્યે જતાં હતાં. ત્યાંજ એક અણચિંતવ્યો જોરદાર આંચકો આવ્યો. રસ્તમાં મોટા ગાબડાએ તેનું બાઈક ફંગોળ્યું. ગડથોલા ખાઈને તેનું માથું એક થાંભલા સાથે ટકરાઈ ગયું અને માથાંમાંથી લોહીનાં ફુવારા વછુટ્યા અને તેનું આખું શરીર હવે મરવાના વાંકે કંપતું પડ્યું હતું. આસપાસથી પસાર થતાં રાહદારીઓ ધીમેધીમે તેની આસપાસ એકઠા થવા લાગ્યાં હતાં અને કોઈએ તાત્કાલિક સારવાર માટેની ઈમરજન્સી લાઈન ઉપર કોલ પણ કર્યો. ત્યાં સંકેત ફરતે ટોળે વળેલા લોકોની ભીડને ચીરતાં એક જટા અને ભેખધારી બાવાસાધુ આવ્યાં. બેભાન થવાની અણીએ તરફડતા સંકેતની બાજુમાં અડોઅડ બેસીને તેમણે કાનમાં કંઈક કહ્યું. તેમણે એ શબ્દો ઉચ્ચાર્યા અને પછી જે થયું તેનાથી એકઠાં થયેલા ટોળાનાં રૂવાડા ખડા કરી દેનારી ઘટના બની. એ સાધુ ત્યાંથી અલોપ થઈ ગયા ! બધાની આંખો ચાર થઈ ગઈ. સંકેત કારમી પીડા વચ્ચે એ સાધુએ કહેલા શબ્દો ત્રુટક-ત્રુટક ઉચ્ચારી ગયો. હવે જે ઘટના બની તેનાથી તો ભીડ અચરજ સાથે ભયભીત પણ બની ગઈ. સંકેતનાં ન ઉચ્ચારણો પુરા થયા કે તુરત જ એ પણ ગાયબ ! એકઠા થયેલા લોકો નજર સામે જ બે વ્યક્તિને આમ અદ્રશ્ય થતાં ભાળીને મૂઠીઓ વાળીને ભાગી.

આ ઘટના બની તેના એક દિવસ પૂર્વે...

બાબા વિસ્મયાનંદ પાંચ-છ સદીનાં (!) એકાંતવાસમાંથી બહાર આવીને શહેરમાં પહોંચે છે. દુનિયાની રિતરસમોથી અજાણ એવા આ ઈલમીબાબાએ શહેરમાં જેમ-તેમ કરીને, માગી-ભીખીને ભોજન પ્રબંધ કર્યો અને રાત પણ રેલવે સ્ટેશને ગુજારી. શહેરમાં આવ્યા પૂર્વે તેમને આકાશવાણી થઈ હતી કે હવે પછીનાં દિવસે તે જો કોઈ શહેરમાં જશે તો તેને માર્ગમાં એક મરતો આદમી મળશે. જેને તે પોતાનો સિદ્ધ કરેલો મંત્ર આપશે એટલે મોક્ષ મળશે. સવારે રેલવે સ્ટેશનેથી નીકળીને શહેરનાં જંગલમાં રઝળતા-ભટકતાં તેમને એક રસ્તે ટોળું દેખાય છે. તે ટોળું ચીરીને વચ્ચે પ્રવેશે છે. લોહીથી લથબથ એક માણસ તરફડિયા મારતો હોય છે. મરવા પડેલો એ શખસ સંકેત જ હોય છે. જેને તે નજીક જઈને કાનમાં કશુંક કહે છે. અને અચાનક...

એક દિવસ પૂર્વે...

વિસ્મયાનંદ શહેરમાં પહોંચે છે. પોતાની કોઈ ભૂલ થતી હોવાનું માનીને આ સાધુનો દિમાગ સતત પોતાની જાતને સવાલ પૂછતો રહે છે કે કેમ તેને મોક્ષ ન મળ્યો. શહેરમાં આમ-તેમ ફરીને દિવસ કાઢ્યા બાદ ફૂટપાથ ઉપર એક જગ્યાએ બાકડો જોઈને રાત ત્યાં જ પસાર કરી નાખવાનું નક્કી કર્યુ.

સંકેતની સવાર આજે અનહદ ખૂશમિજાજ લઈને આવી હતી. સંકેત સમય કરતાં વહેલો જાગી ગયો હતો અને પોતાના સવારની વિધિઓ આટોપીને પણ ઓફિસે કલાક એક વહેલો પહોંચે તેવી સ્થિતિ હતી. આજે સંકેતે પોતાનો નિયમિત રસ્તો લેવાના બદલે પહેલા શહેરમાં એક મોટી લટાર મારીને ઓફિસ જવાનું નક્કી કર્યુ. પોતાના કામોમાંથી ભાગ્યે જ આવી ફુરસદ કાઢી શકતો સંકેત આજે જાણે નવી જીંદગી મળી હોય તેમ અનહદ આનંદમાં હતો. ઓફિસની મહત્વની બેઠકને પણ તેને વધુ કોઈ ફિકર ન હતી. જો કે તે પોતાનું બાઈક આજે સામાન્ય કરતાં ખુબ જ કાળજીથી ચલાવી રહ્યો હતો. અચરજ પમાડે તેવી પોતાની ખુશીને કાબુમાં રાખીને પણ ખુબ જ સાવધાની સાથે ધીમેધીમે રસ્તો કાપ્યે જતો હતો. ત્યાંજ એક ધડાકો થયો. ધસમસતા ટ્રકની ઠોકરે તેને ફંગોળ્યો અને રિતસર હવામાં ફેંકાઈને સંકેતનું માથું સીધું એક બાકડાનાં પાયા સાથે અથડાયું. ટક્કરનાં અવાજ સાથે સફાળા જાગેલા વિસ્મયાનંદે જોયું તો એક માણસ બાજુનાં જ બાકડા પાસે લોહીલુહાણ હાલતમાં હતો. પોતાની અલૌકિક શક્તિથી વાકેફ વિસ્મયાનંદ તેની નજીક જાય છે અને કાનમાં કંઈક કહે છે. અચાનક તેઓ અદ્રશ્ય. ત્યારબાદ સંકેત કંઈક બબડ્યો અને તે પણ ગૂમ ! ટ્રકચાલક તો કોઈ ભૂત જોઈ લીધાનાં ભયમાં ધ્રૂજતો-ધ્રૂજતો ત્યાંથી મૂઠ્ઠીઓ જ વાળે છે...

આ ઘટનાનો આગલો દહાડો...

સંકેત સાંજે જ પોતાની ઓફિસે ફોન કરીને આવતાં બે દિવસ સુધી તે બહાર ગામ હોવાનું જણાવીને રજા મૂકી દે છે. આગલા દિવસે અગત્યની બેઠક હોવાનું કહીને તેનાં સાહેબ થોડી આનાકાની કરે છે પણ પછી સંકેતનાં બહાના સામે તેમનું એક નથી ચાલતું. જો કે સંકેત સાંજને ટ્રેન પકડે તે પહેલા જ તેના એક અત્યંત મિત્રને અકસ્માત નડતા મદદ માટે હોસ્પિટલ પહોંચવું પડે છે. શહેરમાં એકલા વસતા એ મિત્રનો પરિવાર સવાર પહેલા પહોંચી શકે તેમ ન હોવાનાં કારણે ના છૂટકે સંકેતને તેની સાથે હોસ્પિટલમાં રાતવસો કરવો પડે છે. સવારે તેના મિત્રનાં કેટલાંક સગાવ્હાલા ત્યાં પહોંચી જતાં સંકેત નાહ્વાધોવા માટે પોતાના ઘરની વાટ પકડે છે. હોસ્પિટલે બાઈક લઈને આવ્યો હોવા છતાં તે પાર્કિંગમાંથી પોતાનું બાઈક કાઢવાને બદલે ગેઈટ બહાર નીકળીને રીક્ષામાં ઘેર જવાનું નક્કી કરે છે. દૂરથી આવી રહેલી એક રીક્ષાને થોભવા માટે તે હાથ ઉંચો જ કરી રહ્યો હોય છે ત્યાં ઝપાટાભેર હોસ્પિટલનાં ગેઈટમાં પ્રવેશવા જઈ રહેલી એમ્બ્યુલેન્સ સંકેતને ઉડાવે છે. અકસ્માત સર્જનાર એમ્બ્યુલેન્સ તો હોસ્પિટલમાં જતી રહે છે પણ ચોકીદાર ફટાફટ ઈમરજન્સી સારવારનાં સ્ટાફને દોડી આવવા જાણ કરતો ફોન કોલ કરે છે. આસપાસમાં રહેલા લોકો લોહીમાં લથબથ સંકેતને દવાખાને લઈ જવા ઉંચકવા જઈ રહ્યા હોય છે ત્યાં જ જાદૂઈ શક્તિ ધરાવતાં વિસ્મયાનંદનું ત્યાં આગમન થાય છે અને બધાં લોકોને અટકાવીને તે સંકેતને કાનમાં કશુંક કહે છે. ફરીથી ત્યાં ઉભેલી ભીડને વિસ્મયમાં મુકી દેનારી ઘટના દોહરાઈ...

આ બનાવનાં એક દિવસ અગાઉ...

સંકેત વિમાસણમાં મુકાઈ ગયો છે. રોજેરોજ તેને કોઈને કોઈ ભયાનક અકસ્માત નડી જાય છે પણ કોણ જાણે કેમ અંતિમ ક્ષણોમાં જ તેને કોઈ બાવો મળી જાય છે. જે તેને કાનમાં એક મંત્ર કહે છે. જેનું ઉચ્ચારણ કરતાં જ પોતાને કોઈ અકસ્માત થયો જ ન હોય તેમ આગલા દિવસમાં પહોંચી જાય છે. સંકેતને એ મંત્ર હવે યાદ છે પણ તે પેલો જાદુઈ સાધુ આવીને તેને કાનમાં કહે પછી જ તે મંત્ર સંકેતને અસર કરે છે. સંકેત હવે જાણી ગયો છે કે આવતીકાલે તેનું મોત નિશ્ચિત છે. જો કે જિજીવિષા તે છોડી નથી શકતો. રોજેરોજ તે અકસ્માત ખાળવા માટેનાં પ્રયાસો કરે છે પણ કોઈને કોઈ રીતે તેને કાળનો ભેટો થઈ જ જાય છે. બીજીબાજુ વિસ્મયાનંદ પણ ગૂંચવણમાં છે. આજ પર્યત તેની એકપણ સાધના ફોગટ નીવડી નથી. તેને જ્યારે જ્યારે પણ આકાશવાણી સંભળાઈ છે અને દૈવી શક્તિઓ

મળી છે તે બરાબર કામ કરતી રહી છે. જો કે એ વાત અલગ છે પહેલીવાર પોતાના અંગત સ્વાર્થ ખાતર તે આ મંત્રતંત્રનો ઉપયોગ કરતો હોય છે. તે હવે આ પોતાના જન્મોજન્મનાં બંધનોમાંથી મુક્ત થવા માગતો હોય છે. મોક્ષનાં લોભમાં તે જાણે મોક્ષપાશમાં ફસાઈ ગયો છે. પોતે સિદ્ધ કરેલો એક મંત્ર તેને ચોવીસ કલાક આગળ લઈ જવા માટે સમર્થ હોય છે. તેને થયેલી આકાશવાણી મુજબ જ તે વર્તતો હતો. આમ છતાં મોક્ષનાં બદલે તે આગલા દિવસમાં પહોંચી જતો હતો. વાસ્તવમાં થતું એવું હતું કે રસ્તે મળતાં અકસ્માતનો ભોગ બનેલા માણસને મંત્ર આપવા માટે તે પોતે પણ તેનું ઉચ્ચારણ કરતો હતો અને તેના કારણે જ પોતે મોક્ષનાં બદલે આગલા દિવસમાં પહોંચી જતો હતો. રામજાણે કેટલા સમયથી આ ચક્ર આમ જ ચાલ્યા કરતું હતું !

ફરી એકવાર ક્રમનું પુનરાવર્તન થવાનું નક્કી છે. જાદુઈબાબાને આજે ભોજન મળ્યું નથી અને લોકોનાં ઘરોમાં જઈને તે દરવાજા ખટખટાવીને જમવાનું માગતાં હોય છે પણ તેનો ડરામણો વેશ જોઈને કોઈ તેને ખાવા આપતું નથી. તે એક પછી એક ઘરોનાં દરવાજા ખખડાવતો જાય છે. આ બાજુ સંકેતને મોતનો ભય કોરી ખાતો હતો. મોતને હાથતાળી દેવા માટે આજે શું કરવું એની વિમાસણમાં તે મુકાયેલો છે. અચાનક જ તેના ઘરનો દરવાજો ખખડ્યો. સંકેત ભારે પગે બારણે પહોંચે છે અને દરવાજો ખોલતાં જ તેણે પેલા ઈલમીબાબાને પોતાના બારણે જોયો. જોતા વેંત ભયના માર્યા સંકેતને હાર્ટએટેક આવી ગયો... અને જમીન ઉપર ઢળી પડ્યો. તે અંતિમ શ્વાસ ગણી રહ્યો છે અને ત્યાંજ તેને કાનમાં જાદુઈ મંત્ર આપવા માટે મોક્ષની જાળમાં ફસાયેલો વિસ્મયાનંદ ઝુકે છે...

.....................................................................................