ચૈતાલી નો પત્ર Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચૈતાલી નો પત્ર

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશભાઇ

ચૈતાલીનો પત્રવિષય: વાર્તા

રૂપાલીને આજે ભાઇના લગ્નમાં જવાની ઉતાવળ હતી.તેથી ફટાફટ કામ કરવા લાગી જલ્દી જલ્દી તૈયાર થઇને લગ્નમાં પહોંચવુ હતું . આખરે સગા ભાઇના લગ્ન હતા.આ તો ગામમાં જ પિયર હતુ એટલે વળી રાત્રે ઘરે આવી ગઇ.એની એકની એક બાર વર્ષની દીકરી ચૈતાલીની પરીક્ષા ચાલતી હતી. તેથી તેઓ રાત્રે ઘરે આવી ગયા હતા.સવારે ચાર વાગ્યે રૂપાલી ઉઠી ગઇને ફટાફટ કામ કરીને તૈયાર થઇ ચૈતાલીને શાળાએ મુકી આવી સીધી જાનમાં જતી રહી. જાન બાજુના ગામમાં જતી હતી તેથી પોતે સ્કુટી લઇ ચૈતાલીને મુકી ડાયરેકટ જતી રહી બાકી જાન તો સવારમાં છ વાગ્યે જતી રહી હતી . ચૈતાલીને સુચના આપી હતી કે શાળાએથી ઘરે આવીને તુ જમીને સીધી લેશન કરવા બેસી જજે હુ પાંચ વાગ્યે લગ્નમાંથી આવી જઇશ. રૂપાલીના પિયરમાં તેના મમ્મી અને ભાભી બંને હતા એટલે રૂપાલી જાનમાંથી સીધી ઘરે આવતી રહેવાની હતી. રૂપાલી લગ્નમાં ગઇ આખો દિવસ બધાને મળીને ખુબ મજા કરી. વિદાય છ વાગ્યે થઇ ગઇ એટલે રૂપાલી તેના મમ્મીને મળવા ગઇને કહ્યુ;”મમ્મી હું ઘરે જાઉ છું થોડુ કામ છે.પછી સાંજે હું અને ચૈતાલી ભાભીને મળવા આવશું” આમ કહીને તે નીકળી ગઇ. રૂપાલીએ ઘરે જઇને દરવાજો ખખડાવ્યો તો કોઇએ અંદરથી જવાબ ના આપ્યો તેના પતિ તો વિદેશ હતા . ઘરે પોતે માં દીકરી એકલા જ રહેતા હતા . ઘણી વખત દરવાજો ખખડાવ્યો તો પણ ચૈતાલીએ ખોલ્યો નહી . આથી રૂપાલીને એમ થયુ કે ચૈતાલી સુઇ ગઇ હશે.અંદર લેંડલાઇન પર ફોન કર્યો તો પણ ઉપાડ્યો નહી ફરી થી ઘણી વાર દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇએ જવાબ ન આપતા. રૂપાલીએ આજુબાજુમાંથી પાડોશીઓને બોલાવ્યા. બધાએ સાથે મળીને દરવાજો તોડી નાખ્યો. અંદરનું દ્રશ્ય જોઇને રૂપાલી તો ત્યાં જ બેભાન બની ગઇ. બાજુવાળા મિનાક્ષીબહેને 108 માં ફોન કરીને એમ્બ્યુલન્શ બોલાવી લીધી. દિપકકાકા જે રૂપાલીના સામેના મકાનમાં જ રહેતા હતા તેણે પોલીસને પણ ફોન કરી દીધો પોલીસની જીપ અને 108 આવી એટલે પોલીસે બાર વર્ષની નાનકડી ચૈતાલી જે પંખા પર ફાંસો ખાયેલી હતી તેને હળવેકથી નીચે ઉતારીને 108માં બંને મા દીકરીને બેસાડીને હોસ્પીટલમાં લઇ ગયા.ચૈતાલીમાં તો હવે જીવ ન હતો પરંતુ રૂપાલી જયારે ભાનમાં આવી ત્યારે બેબાકળી બની ગઇ” ચૈતાલી,મારી ચૈતાલી તે આ શું કર્યુ? શું થયુ તને? મને મારી ચૈતાલી પાસે લઇ જાવ.” પોલીસ રૂપાલીને ચૈતાલી પાસે લઇ ગઇ તો રૂપાલી તો ખુબ જ પોક મુકીને રડવા લાગી,” ચૈતાલી તે આ શું કર્યુ?” રૂપાલી તો રડતી જ રહી થોડીવાર પછી તેના મમ્મીએ દિલાસો આપ્યો પણ રૂપાલીના આંસુ તો રોકાતા જ ન હતા.પોલીસે રૂપાલીને જણાવ્યુ કે તેઓએ બધી તપાસ કરી લીધી છે. આત્મહત્યાનો કેસ છે અને એક ડાયરી મળી છે જે તમારા નામ પર છે.” લો આ ડાયરી” ડાયરી સોંપીને પોલીસ જતી રહી. આસપાસ લોકોએ રૂપાલીના સાસુ સસરાને ફોન કરી દીધી હતો આથી તેઓ પણ આવી ગયા હતા.તેના પતિ પણ વિદેશથી સાંજે આવી જવાના હતા.હોસ્પિટલમાંથી કલાકમાં રજા આપી દીધી.રૂપાલી સાવ અવાચક બની ગઇ.બધા હોસ્પિટલેથી ઘરે આવ્યા અને સાંજે તેના પતિ અખિલેશ આવ્યા એટલે ચૈતાલીની બધી અંતિમ વિધિ પુર્ણ કરી.બે દિવસ સુધી રૂપાલી અવાચક જ રહી.તેને સમય સ્થળનુ કોઇ ભાન જ ન હતુ. બે ત્રણ દિવસ બાદ રૂપાલી ડાયરી લઇને વાંચવા લાગી પ્રિય મમ્મી, મારી વહાલી મમ્મી, આટલુ વાંચતા જ દળ દળ આંસુ વહેવા લાગ્યા. થોડી વાર પછી શાંત થઇને ફરીથી ડાયરી ખોલી. sorry મને માફ કરજે હુ ગુજરાતીમાં લખી રહી છું. હવે જીંદગીની છેલ્લી પળોમાં હુ મારી રીતે જીવવા માંગુ છુ એટલે મને ફાવતી અને ગમતી એવી માત્રુભાષામાં જ તને પત્ર લખી રહી છુ. તને ગુસ્સો આવે તો પ્લીઝ મારી આત્માને માફ કરી દેજે કારણ કે તને ડાયરી મળશે ત્યારે હું તારી સાથે નહી હોઉ.

બાર વર્ષની ઉમરે હું તને કંઇ સમજાવવા માટે ખુબ જ નાની છું. પરંતુ એમ કાંઇ હું તુ માને એવી સાવ નાની પણ નથી.મારુ પોતાનું આ દુનિયામાં અસ્તિત્વ છે અને મારી પણ એક જીંદગી છે જે તુ કયારેય સમજી શકતી નથી. તને રસ પણ નહિ હોઇ કે સમય પણ નહિ હોઇ એ જાણવા માટે કે મેં આત્મહત્યા શા માટે કરી? પરંતુ આખી જીંદગી તે મારુ કાંઇ સાભળ્યું કે સમજ્યુ નથી તો છેલ્લે મારા મનની વાત તને કહેવા માંગુ છુ. તુ કદાચ વાંચે તો? હું ત્રણ વર્ષની હતી ત્યારે પણ મારું અસ્તિત્વ હતુ . મારે મારી પોતાની જીંદગી હતી . પરંતુ તુ તે કાંઇ સમજતી ન હતી અને રમવા ફરવાની ઉંમરે તે મને English medium સ્કુલમાં દાખલ કરી દીધી શા માટે? કારણ કે તારી સખીઓ તથા સગા વહાલાના બાળકો ભણતા હતા તેથી status symbol માટે મને પણ તે English medium માં દાખલ કરી દીધી. સતત સતત ભણવુ ભણવુ અને લેશન લેશન ની ટોક ટોક હમેંશા કર્યા કરે છે. મને ગાવાનો તથા ન્રુત્યનો શોખ છે. પરંતુ તારા માટે એ બધુ ટાઇમ પાસની પ્રવ્રુતિઓ છે.મને આવુ બધુ ભણવુ ગમતુ નથી. કોયલને ગાતી જોઇને મને મન મુકીને ગાવાનુ મન થાય છે. મોરનુ ન્રુત્ય જોઇને મારે મસ્ત થઇને નાચવુ છે.ટિચર અંગ્રેજીમાં બબડાટ કરે છે તે મને સમજાતુ નથી.મને આ અંગ્રેજીની ગોખણપટ્ટી ગમતી નથી મારે ગુજરાતીમાં વાર્તાઓ વાંચવી છે. અને હસતા રમતા બાળપણ ની યાદો કંડારવી છે. મને આ ભણતરનો ભાર ગમતો નથી. મમ્મી એક નાનુ બાળક જે દુનિયામાં નવુ છે તે સતત કોઇકનો પ્રેમ ઝંખે છે.પરંતુ મારા માટે કોઇ પાસે સમય જ નથી.મારી ઇચ્છા અનિચ્છા ,લાગણી વિશે જાણવા સમજવાની કોઇએ દરકાર જ કરી નથી. પપ્પા તો આપણી સાથે રહેતા નથી અને તને સંબધો વિકસાવવામાંથી ફુરસદ નથી.અને મને આ ભણતરના ચક્રવ્યુહમાં ફસાવી દીધી છે. મારી પાસે બેસીને પ્રેમથી વાતો કરવા માટે તને કયારેય સમય મળતો નથી.મારે જ્યારે ખિલવુ છે ત્યારે મને આ અંગ્રેજીના રાક્ષસી પંજામાં ફસાવી દીધી છે.મમ્મી તને યાદ છે પાંચમા ધોરણમાં છ માસિક પરીક્ષામાં મારે જયારે ઓછા ગુણ આવ્યા હતા ત્યારે તે મને ઢોર માર મારીને રૂમમાં પૂરી દીધી હતી અને બે દિવસ મને ખાવાનું પણ આપ્યું ન હતું.ત્યારે જ મારે આપઘાત કરવો હતો પણ હિંમત જ ન હતી. હવે તો કામ કરવા બદલ પણ મને સતત ખીજાયા કરે છે . સતત મારી સાથે ટોક ટોક ચાલુ રાખે છે આ નથી આવડતુ આ નથી કરતી સવારે વહેલી ઉઠતી નથી . આવડી મોટી થઇ ગઇ તો પણ અક્કલ જ નથી.

માં,હુ તારી દીકરી છુ.મને કામ અને લેશન ધીરે ધીરે આવડે છે. હું ઝડપથી શીખી શકતી નથી.મમ્મી હુ હજી નાનકડી છુ તમારા બધા જેવડી નથી.મારે હજી દુનિયામાં બધુ શીખવાનુ બાકી છે.હુ ધીરે ધીરે બધુ શીખી રહી છુ. એકસાથે ભણતર,કામ, સભ્યતા શીખી શકતી નથી. તમારો અકારણનો મારા પરનો ગુસ્સો હુ સમજી શકતી નથી. મમ્મી મને આવી જીંદગી ગમતી નથી. હુ બાર બાર વર્ષથી તમારા પ્રેમ અને લાગણી માટે તરસી રહી છું. પરંતુ એ મને કયારેય મળતા જ નથી. માટે હવે મને માફ કરજે. હુ સદાય તારા પરથી બોજો હળવો કરીને જાવ છુ.અલવિદા મમ્મી..............