ફાઈનલ ટચ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાઈનલ ટચ

ફાઈનલ ટચ

-વિપુલ રાઠોડ

હંમેશા ચળકતા વિષમ રંગોથી પોતાના કેનવાસ ઉપર આંખનું મટકું મારવાનું ચુકી જવાય એવા ચિત્રો બનાવતા આલેખભાઈ આજે કંઈક ઉદાસ લાગતાં હતાં. તેમની આ ઉદાસી તેમના ચહેરા ઉપર નહીં પણ ટ્રાઈપોડ ઉપર મઢવામાં આવેલા કેનવાસમાં છવાયેલી હતી. જો કે તેમના ચહેરા ઉપર આજે પહેલીવાર સંતોષનું આકાશ ઘેરાયેલું હતું. આવો વિરોધાભાસ પહેલીવાર સર્જાયો હતો. સામાન્ય રીતે તેમના બ્રશમાં ઉછાળા મારતો ઉમંગ અને ચહેરાનાં ભાવ સમાંતર જોવા મળતાં. પણ આજે આવું નહોતું.

આજે તેમનાં કેનવાસ ઉપર સર્જાયેલી કૃતિમાં રંગોની વિષમતાનો લોપ થઈ ગયો હતો. જાણે એક જ ભૂખરા રંગમાંથી ચિત્ર બહાર આવ્યું હોય તેવું લાગતું હતું. આજે તેમના ચિત્રમાં આંખે વળગે તેવા રંગો ઝંખવાયેલા હતાં. જો કે આલેખભાઈ બ્રશનો એક-એક સ્ટ્રોક મારવાં સાથે અપ્રતિમ સંતોષ માણતાં હતાં. આજે તેમના બ્રશ કેનવાસ ઉપર એવી રીતે વહેતા હતાં જાણે સમુદ્રમાં મોજા ઉછળી રહ્યા હોય. આજે તેમનાં મનમાં પોતાનું માસ્ટરપીસ બની રહ્યું હોવાનો ગર્વનો ધોધમાર વરસાદ ચાલું હતો. આમ તો આલેખભાઈને તેમનાં સંખ્યાબંધ મિત્રોએ સમયાંતરે પ્રદર્શન કરીને પોતાની કળાને લોકોમાં ઉજાગર કરવાં અને તેમાંથી કમાણી કરવાની સલાહો આપેલી. પરંતુ આ ધૂની કલાકારે ક્યારેય કોઈ પ્રસિદ્ધિ કરવાં, કમાણી કરવાની સલાહો આપેલી પણ ધૂની કલાકાર ક્યારેય આવી લાલચનાં મોહપાશમાં સપડાયો નહોતો. એટલે જ આજે તેમની પાસે દોઢેક હજાર ચિત્રોનો ખજાનો હતો. પોતાની મોજ હોય ત્યારે જૂના ચિત્રો જોવા અને પોતાના અંગત કહેવાતા અમુક ગણ્યાંગાંઠ્યા લોકોને તે પોતાના સર્જનનાં દર્શન કરાવતાં. આ લોકોની પ્રશંસા જ જાણે આલેખભાઈનું અંતિમ ધ્યેય હતું.

અત્યારે તેમનું ચિત્ર ફક્ત અમુક ફાઈનલ ટચ અને એક કલાકાર માટે જેનું સૌથી વધુ મહત્વ હોય તેવા હસ્તાક્ષર માટે જ તરસતું હતું. ત્યાં અચાનક આલેખભાઈનાં અલ્પતમ રાચરચિલા ધરાવતાં નિરવશાંત ઓરડામાં પુત્ર શિલ્પ ધસી આવે છે અને જોરથી ઉઘાડેલા દરવાજાને પગલે આલેખભાઈનાં કાનમાં ગૂંજતા રંગીન સૂરો સૂન્ન પડી જાય છે. ધૂંઆપૂંઆ થયેલો પુત્ર આવતાવેંત જ પિતા ઉપર ઉકળવા લાગ્યો.

'પપ્પા... ક્યારેક વિચાર્યુ હોત તો હું આજે આ દશામાં ન હોત. તમારા આ ચિતરકામમાં તમારું જીવતર તો રોળાયું, મારી ય જીંદગી તમારા રંગોથી કાળાધાબા જેવી થઈ ગઈ. મારે ભણવાનાં દિવસોમાં તમે ફીનો વેત નહોતા કરી શકતાં. પરિણામ એ આવ્યું કે મારી પાસે ટેલેન્ટ હોવા છતાં હું સામાન્ય બી.કોમ. ગ્રેજ્યુએટ બની રહી ગયો. જેને આજે કોઈ કારકૂન તરીકે પણ રાખતું નથી.' આલેખભાઈ ઉપર શિલ્પે પહેલીવાર પોતાના આક્રોશને ઠાલવ્યો હોય તેવું નહોતું. જો કે આલેખભાઈએ પુત્રનાં આવા વર્તનથી આજે પહેલીવાર અકળામણ અનુભવી. તેમના હિસાબે આજે તેઓ પોતાની જીંદગીના સર્વશ્રેષ્ઠ ચિત્રને આખરી ઓપ આપી રહ્યા હતાં અને તેમાં આવી પડેલી આ ખલેલથી તેઓ વિચલિત થયા હતાં. આમ છતાં તેમણે એકપણ હરફ ઉચ્ચાર્યા વિના તેઓ નિ:શબ્દ બની એક નિર્જિવ ચિત્રની જેમ ઉભા રહ્યા. શિલ્પ પોતાનાં કર્કશ શબ્દોનો મારો અટક્યા વિના આગળ ચલાવે છે...

'તમારા ચિતરડા જોઈને મને ય આમાં સારી હથોટી વારસારૂપ મળી છે પણ આજ સુધી મેં આમા મારો સમય વેડફવાનું મુનાસિબ માન્યું નથી. તમે મારો વિચાર નથી કર્યો પણ મને ચિંતા છે મારા ભાવિની. તમને ખ્યાલ નથી આવ્યો પણ વારસામાં આવા ચિત્રકામનાં કસબ કરતાં અમુક લાખ રૂપિયા તમે મને આપી શક્યા હોત તો આજે હું કંઈક ધાર્યુ કરી શકેત. મારે હવે આ નોકરો નથી કરવો. અમુક હજાર રૂપિયામાં તમારું પેટ ભરાઈ જતું હશે પણ મારું નથી ભરાતું 'ને મારે ભરવું ય નથી. મારે હવે મારો પોતાનો ધંધો કરવો છે પણ તમારી પાસેથી મારે આશા શું રાખવાની ? જીંદગીનો જે સમય તમે માત્ર તમારા પોતાના અંગત સંતોષ માટે આ કેનવાસ અને કલરમાં ઉડાડી નાખ્યો એટલો સમય મારું વિચારીને ક્યાંક એક્સ્ટ્રા આવક માટે ખર્ચ કર્યો હોત તો આજે તમારી પાસેથી હું થોડી આશા રાખી શક્યો હોત. તમે નાહક ખર્ચેલા સમયનાં પાપે જ આજે મારે ગામમાં હાથ લાંબા કરવાનો વખત આવશે. મારે ધંધો કરવાં માટે બાર લાખ રૂપિયાની જરૂર છે અને આમાં તમારાથી થાય એટલી જોગવાઈ કરો... ભલે ઉછીના કરવાં પડે.' આટલું બોલીને માથે કાળ ચડ્યો હોય એમ શિલ્પ હથેળીનો ટપાકો બોલે એટલા જોરથી હાથ જોડે છે.

આલેખભાઈ વિવશ ચહેરે તેની સામે જોયા કરે છે અને શિલ્પની જીભ થંભવાનું નામ નથી લેતી. ' મારે હવે તમારી કોઈ જ વાંત સાંભળવાની થતી નથી. મારે રૂપિયાની જરૂર છે અને તેમાં તમારે પણ ગમે તેમ કરીને થાય એટલું કરી દેવાનું છે. તમારે આજે જે સાંભળવું પડી રહ્યું છે એવું ભવિષ્યમાં મારી સાથે થાય તેવl કોઈ જ તક મારે નસીબને આપવી નથી...'

આલેખભાઈ તેને અટકાવતાં કહે છે, બેટા આજે આ છેલ્લું ચિત્ર... મારી જીંદગીનું કદાચ આ શ્રેષ્ઠ કામ હશે. બસ... મને આ પુરું કરી લેવા દે. કાલથી હું તારી સાથે છું અને તું કહીશ એમ જ કરશે તારો બાપ...'

તેઓ વધુ આગળ કંઈ બોલે તે પહેલા જ શિલ્પની જીભ ઝેર ઓકતા કહે છે કે 'મારે તમારી કોઈ જ જરૂર નથી. મને બસ થાય એટલા કાવડિયા કરી આપો...' આટલું બોલતા શિલ્પ પોતાના પિતા જેને આર્ટ સ્ટુડિયો માનતા હતાં તે ઓરડાનો દરવાજો પછાડતાં બહાર નીકળી જાય છે. રૂમમાં જાણે ભયાનક વિસ્ફોટથી આલેખભાઈનાં કાનમાં તમ્મર બોલી... તેમણે અભાન અવસ્થામાં જ લાલ રંગમાં બ્રશ બોળ્યું, તેમના કેનવાસમાં દોરાયેલી એક આંખ ઉપર આ બ્રશ અનિચ્છાએ પહોંચી ગયું અને ઓચિંતા એ લાલ નીતરતું બ્રશ આંખ ઉપર દબાઈ ગયું અને આલેખભાઈ ઢળી પડ્યા. તેમની વિદાયનું પ્રથમ સાક્ષી બનેલા એ ચિત્રની આંખ ઉપરથી લાલ રંગ રેલાઈને જાણે લોહીનાં આંસૂ બની ગયા...

શિલ્પે મને-કમને પોતાના પિતાની દુન્યવી રીતરસમો પુરી કરી. પોતાના પિતાનાં મૃત્યું કરતાં વધુ પોતાના ધંધા માટે એકઠા કરેલા નાણાંમાંથી થોડા રૂપિયા લૌકિક કિ્રયાઓમાં વપરાયાનો વસવસો એને વધું હતો.

એક દિવસ અચાનક આલેખભાઈનાં મિત્ર જીવાકાકા શિલ્પને મળવા ઘેર આવ્યા. તેમણે શિલ્પને કહ્યું કે ધંધો કરવાં માટે જેટલા રૂપિયાની જરૂર હોય તેટલા તેઓ આપશે પણ બદલામાં આલેખભાઈએ પોતાના જીવની જેમ સાચવેલા બધા જ ચિત્રો આપવાની શરત તેમણે મુકી. શિલ્પને મન એ ચિત્ર રદ્દીથી વધું કંઈ જ નહતાં. તેણે તરત જ હા ભણી દીધી, એટલું જ નહીં પોતાના પિતાનો ખજાનો ખોલીને બધાં જ ચિત્રો પણ તરત જ આપી દીધાં. જો કે આલેખભાઈનાં છેલ્લા ચિત્રને તેણે ન આપ્યું. કારણ કે તેના ઉપર લાલ ધાબુ પડી ગયું હતું. બદલામાં તેને ઘટતા આઠેક લાખ રૂપિયાનો ચેક પણ તુરત જ મળી ગયો. આલેખને ચેક આપતાં જીવાકાકાએ કહ્યું કે 'તે મને જે ચિત્રો આપ્યા છે તેને સ્પર્શ કરવાનો મોકો પણ આલેખે મને ક્યારેય આપ્યો ન હતો. ખેર મારા દિલની તમન્ના પુરી થઈ.'

ઉત્સાહમાં આવી ગયેલો શિલ્પ બોલી ગયો કે 'કાકા આ ચિત્રોનું મારે મન કોઈ જ મૂલ્ય નથી. તમને પણ આનું કશું જ ઉપજવાનું નથી. પણ હા, તમે મને જે પૈસો આપ્યો છે એ મારી જીંદગી બદલી નાખશે. વહેલી તકે હું તમને તમારા રૂપિયા પરત આપીશ.' જીવાકાકા માર્મિક મુસ્કાન સાથે ત્યાંથી વિદાય લેં છે.

આઠેક માસ વિત્યે શિલ્પનો ધંધો સારો એવો ચાલતો થઈ ગયો હતો. તેને પોતાની વ્યસ્તતામાં જીવાકાકાને થોડાઘણાં નાણા પરત આપવાનું પણ કદાચ ભૂલાઈ ગયું હતું. એક દિવસ અચાનક જીવાકાકા તેને ફોન કરીને જાણ કરે છે કે તેઓ રાત્રે મળવા માટે ઘરે આવી રહ્યા છે. શિલ્પને મનમાં આશંકા થઈ કે આઠેક મહિનામા એક પાઈ પણ પરત આપી ન હોવાથી કદાચ ઉઘરાણી કરવાં કાકા આવી રહ્યા હશે. તે પોતાની પાસે એકઠા થયેલા નાણામાંથી પચાસેક હજાર રૂપિયા રાત્રે કાકાને ચુકવવા મનોમન નક્કી કરે છે.

રાત્રે જીવાકાકા તેના ઘરે આવ્યા કે તરત જ શિલ્પે અત્યાર સુધીમાં કંઈપણ પરત નહીં વાળવાની માફી માગતાં પચાસ હજાર રૂપિયા તેમનાં હાથમાં ધર્યા. સામે જીવાકાકા જોરથી હંસી પડ્યા અને એક થેલો શિલ્પનાં હાથમાં થમાવી દીધો. શિલ્પ કંઈ વિચારે તે પહેલા જ કાકાએ કહ્યું 'ખોલ...' શિલ્પે થેલાની ચેન ખોલી કે તરત જ તેની આંખો પહોળી રહી ગઈ. અંદર પાંચસો-પાંચસોની નોટોનાં થોકડા ભર્યા હતાં. જીવાકાકાએ કહ્યું ' મારા આઠ લાખ રૂપિયા વાળીને આ વધેલા રૂપિયા છે. તારા પપ્પાનાં બધા જ ચિત્રો ઈન્ટરનેટનાં માધ્યમથી મોંઘી કિંમતે ખપી ગયા !'

કોણ જાણે કેમ પણ શિલ્પ ત્યાં જ પડી ભાંગ્યો અને ઘૂંટણભેર બેસીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો. શિલ્પને સમજાઈ ગયું કે પોતાના ઉપર ઘણ પડતાં હોય તેવી અનુભૂતિ કરાવતાં તેના પિતાનાં બ્રશ સ્ટ્રોક વાસ્તવમાં પોતાની જીંદગીને કંડારતા હતાં. શિલ્પનાં પગ અનાયાસે તેના પિતાનાં આર્ટ સ્ટુડિયો તરફ ચાલવા લાગ્યા અને ઓરડામાં જઈને તેણે પોતાના પિતા તરફથી એકવાર ભેટમાં મળેલા પેઈન્ટ બ્રશ ઉપડ્યા અને કલરની કીટ ફંફોળવા લાગ્યો...

જીવાકાકા આ બધું જોઈને, 'હવે કદાચ મને તારા ચિત્રો સ્પર્શવા નહીં મળે...' એટલું બોલીને સસ્મિત ત્યાંથી રવાના થઈ ગયા...

.......................................................