વિસરાતા વ્યવસાયો SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિસરાતા વ્યવસાયો

વિસરાયેલા વ્યવસાયો

આજની પેઢીને ખ્યાલ નહીં હોય એવા કેટલાક વ્યવસાયો/ પ્રવૃતિઓ જૂનાગઢ સાથે સંકળાયેલ હતી જે પૈકી ની કેટલીક યાદો તાજી થઈ.

૧. કલાઈ :- જે જમાનામાં સ્ટેઈન લેસ સ્ટીલનું અસ્તિત્વ નહોતું ત્યારે જુનવાણી ઘરોમાં પિત્તળના વાસણો જ વપરાતા. લાંબા ગાળાના વપરાશ પછી અંદરથી કાળા પડી જતા વાસણોને ક્લાઈ કરવાનો વ્યવસાય અસ્તિત્વમાં હતો.નવસારના પાવડરને ગરમ વાસણ અંદર છાંટી ક્લાઈ ની સિલ્વર પટ્ટી અંદર ફેરવી, વાસણને પાણીમાં ધોઈને બહાર કાઢતા ચાંદી જેવા ચમકતા થઈ જતા. શહેરના લત્તે લત્તે આવા કલાઈ ઉદ્યોગના કારીગરો લારી લઈને નીકળતા.

૨. ગુલાબ ગંડેરી : શેરડીના સાંઠા ને છોલી એક સરખા ગોળ ટુકડા  બરફ પરવ્યવસ્થિત લારીમાં ગોઠવી શેરીએ શેરીએ "ગુલાબ ગંડેરી" ની બુમ પાડતા ફેરિયાઓ નીકળતા

.૩. બરફ ગોળા અને કુલ્ફીની લારી સાથેના ફેરિયા. એક આનામાં સાદી બરફની કલર્ડ કુલ્ફી, અને બે આનામાં આછા કાગળમાં વીટેલી મલાઈ કુલ્ફી મળતા. ગોળા તેઓ લાકડાની પ્લેટની અંદર બ્લેડ હોય તેવાં સાધન પર બરફ ઘસી નીચે પાટલા શણીયા  પર હાથમાં ઝીલી હથેળીથી ગોળો બનાવી ઉપર શરબત છાંટે. ગોળા હજી ચાલુ છે પણ મશીનથી પ્રેસ કરી બરફનો ભૂક્કો કરે છે. ગોળાની પણ હવે મોટી પ્લેટ શરૂ થઈ ગઇ છે. શહેરોમાં તો 250 રૂ. ના ગોળા સામાન્ય છે.

૪. જુની ઝરી છેડા તાર :જુના જમાનામાં લગ્ન અથવા શુભ પ્રસંગો ઉપર સાચા ચાંદીના તારનું ભરત ભરેલ ભારેખમ સાડીઓ મહિલાઓનું એક આભૂષણ ગણાતું.એ સાડી વજનમાં પણ ભારે હોય, ધીમે ધીમે યુગ પરિવર્તને એવી સાડીઓ વપરાતી બંધ થઈ અને ચાંદીના તાર જડિત હોવાથી એની કિંમત પણ સારી ઉપજતી.પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા, સફેદ દાઢી, ઝબ્બો -પાયજામો, અને માથે ભરત ભરેલી સફેદ મુસ્લિમ ટોપી પહેરી શેરીએ શેરીએ ફરતા મુસ્લિમ બુઝર્ગ એ સાડીઓને કસોટી પથ્થર ઉપર ચેક કરી, અને ખરીદતા હતા." જૂની ઝરી છેડા તાર " એવી બુમ પાડતા..

૫. સિનેમાના ગીતની ચોપડી :થીએટરની બહાર ચાલુ અને અન્ય ચલચિત્રોના ગીતની ચોપડીઓ એક આનામાં વેંચતા યુવાનો ઉભતા અને સંગીત રસિયાઓ એ ખરીદતા. કેટલાંક ચોપાનિયાં માં ફિલ્મનો સ્ટોરીની એક ઝલક પણ છપાતી.હા, ફિલ્મ જાહેરાતના પેમ્પફલેટ વહેંચવા માઈકમાં  બોલતા ઘોડાગાડીમાં ફરતા.

૬. સિનેમાની જાહેરાત :કોઈ પણ થીએટરમાં નવું ચલચિત્ર પ્રદર્શિત થયાની જાહેરાત રંગીન ચોપાનિયામાં છાપી, ઘોડાગાડીના છાપરાં ઉપર માઈકનું ભૂગળું રાખી,ગીતની રેકોર્ડ ચલાવતા અને થોક બંધ ચોપાનિયા ઉડાડતા જાહેરાત થતી. બાળપણમાં એ ચોપાનિયા લેવા (લૂંટવા) ઘોડાગાડી પાછળ દોડતાનું યાદ છે.

૭. ચા (પત્તી)નું વેચાણ :બ્રુક બોન્ડ અને લિપ્ટ્ન ચા એ સમયની પ્રખ્યાત બ્રાન્ડ ગણાતી.એમના સેલ્સમેનની સાથે લીલી પેટીની હાથ લારી ચાલક સાથે લઈને સેલ્સમેન દરેક વેપારીની દુકાને ઓર્ડર લેવા નીકળતા, જે પ્રથા હવે અસ્તિત્વમાં નથી રહી.હવે તો કોઈક મોલમાં તમને સાવ નાની પ્યાલીમાં ચા ની અલગ અલગ ફ્લેવર ચખાડતી સેલ્સગર્લ્સ ઊભી જોવા મળે છે.

૮. સરક્સ અને જાદુના ખેલ :જેમિની અને ગોલ્ડન સરક્સ એ સમયની બે વિખ્યાત સરક્સ કમ્પની હતી, જે શહેરની બહારના વિસ્તારમાં મોટા મેદાનમાં પોતાના ડેરા તંબુ તાણી સર્કસના પ્રયોગો આયોજતા.  સાવ સ્વિમિંગ કોસ્ચ્યુમ જેવાં  કપડાં પહેરી ભયજનક રીતે ઊંચેથી હીંચકા ખાતી , નીચે નેટમાં પડતી નટીઓ,  હવામાં જ એના પગ પકડી હીંચકો ખાતા નટ, વાઘ સિંહ ને ખેલ કરાવતા રિંગમાસ્ટર એ બધું સરકસના વિશેષતા હતું. સરકસો ગામના કોઈ મેદાનમાં  મોટા તંબુમાં થતાં.

૯. જાદુના ખેલ :એ વિશેષત: મદારીઓ શેરીએ શેરીએ કરતા, પણ ધંધાદારી જાદુગરો શહેરના ટાઉન હોલમાં ગોઠવતા.એક સમયે આવા જાદુગરો શાળાઓમાં પણ પોતાના ખેલ ગોઠવતા,શાળા તરફથી વિદ્યાર્થીઓ પાસેથી બે કે ચાર આના ફી ઉઘરાવી, જાદુગરને એ રકમ આપતા.

૧૦. દાતણ :ગામની શાકમાર્કેટમાં  કે ફૂટપાથ પર નિશ્ચિત જગ્યાએ દેવીપૂજક મહિલા તથા પુરુષો બાવળના દાતણની સોટી વેચવા બેસતા. (હાલ જ્વલ્લે જ દેખાય છે.) ઉપરાંત કેટલાક દાતણ વેચનાર "હોમ ડિલિવરી" પણ કરતા.  માહિતી આપનાર શ્રી વ્યોમેશ ઝાલા કહે છે કે અમારે ઘેર લખમી નામની એક બુઝર્ગ મહિલા આ રીતે નિયમિત દાતણ આપવા આવતી, બદલામાં પૈસાને બદલે શીરામણ લઈ જતી.

૧૧: ફૂલની પાતરી :સવારની પૂજામાં ભગવાનને ચડાવતા પુષ્પોની પાતરી બનાવી માળી પોતાના ઝોળા માં નાખી સાયકલ ઉપર ઘેર ઘેર ફરી ગ્રાહકોને ફુલ પહોંચડતો.નિયમિત રીતે રોજ સાંજે પાતરી ઘેર બેઠા પહોંચડવા માટે માસિક નજીવી રકમ લેતો.

૧૨. પ્રાયમસ તથા પેટ્રોમેક્સ રિપેરિંગ, પ્રાયમસની પિન અને બીજા સ્પેરપાર્ટસ જેમકે બર્નર, બર્નર ઉપર ની રીંગ અને પંપ તથા કેરોસિનની ટાંકી ઉપરનાં ઢાંકણા અંદરનાં વાયસર વેચવાની  એક સમયે અનેક દુકાનો હતી.  ગેસ કોઈને ઘેર ન હતો અને રસોઈ તેમાં જ સવાર સાંજની ચા ભડભડીયા કેરોસીન સ્ટવ જેને પ્રયાસ કહેવાતો, તેના પર જ થતી એટલે તેને લગતા આ વ્યવસાયના ફેરિયાઓ ફરતા.

૧૩.તેલના ખાલી પતરાના ડબ્બાઓ માંથી ઢાકણાં બનાવનાર, વધેલ પતરાંમાંથી સુપડી બનાવી  આપવાવાળા પણ નિયમિત આવતા. વાસણ માંજવા માટે છાણા ની રાખ ના ડબ્બા વેચવા બહેનો આવતી.

૧૪. જૂનાં કપડાં ની બદલીમાં સ્ટીલ,એલ્યુમિનિયમ કે કાચ નાં વાસણો આપતી બહેનો માથે મોટા મોટા વાંસ ના સુંડલા લઇને ફરતી.  

૧૫.મકાનની ગટરો ભરાઈ જતી ત્યારે અવારનવાર ઘરની બહાર ગટર સાથે જોડાયેલ પતરાં કે સિમેન્ટ નાં ભૂંગળા અને ગટર સાફ કરવાવાળા સતત ફરતા રહેતા.જૂનો ભંગાર લેવાવાળા પણ નિયમિત લારીઓ લઇ નિકળતા. જૂની તૂટેલ પ્લાસ્ટિક ની ડોલ સાંધવાવાળા પણ આવતા.

આમાની મોટાભાગની પ્રવૃતિઓ આજે નામશેષ થઈ ગઈ છે તેની સામે આજે જીવન ધોરણ ઘણાં સુધર્યાં છે એટલે અમૂક કામો નું મહત્વ જ રહ્યું નથી. જૂની ડોલ સંધાવવાની વાત આજે હાસ્યાસ્પદ લાગે.  તે કામધંધાઓ   પાણીના ટાંકાં માં પડેલી ડોલ ને મિંદડી થી કાઢવામાં કલાકો ક્યાં નિકળી જતા તેનું ભાન ન રહેતું અને ડોલ પકડાઇ જાય!

આવા કેટલાક વિસરાયેલા વ્યવસાયો આજની પેઢી માટે આશ્ચર્ય જનક ઘટના ગણાતી હશે.

વડોદરા સ્થિત શ્રી. વ્યોમેશ ઝાલા નો લેખ   સાભાર. સંકલન: સુનીલ અંજારીયા