ભાગ ૩૦: કોલેજ ફેસ્ટિવલ
ડૉ. વ્યાસ ખુરશી પરથી નીચે ઝૂકી રહ્યા હતા. આરવનો લોખંડી હાથ ગ્લોક પિસ્તોલના ટ્રિગર પર કસાયો. જો વ્યાસની નજર આરવ પર પડી, તો આરવ પાસે એના માથામાં ગોળી ધરબી દેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહોતો. સેકન્ડો હથોડાની જેમ મગજ પર વાગી રહી હતી.
બરાબર એ જ સેકન્ડે...
ટ્રીન... ટ્રીન... ટ્રીન!
ડૉ. વ્યાસના ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન અચાનક મોટેથી રણકી ઉઠ્યો!
ફેલ્કન સર મેઈન સર્વર પરથી બધું લાઈવ સાંભળી રહ્યા હતા અને એમણે સમયસૂચકતા વાપરીને કોલેજના જ ઈન્ટરકોમ સિસ્ટમમાંથી ફેક-કોલ જનરેટ કર્યો હતો.
ડૉ. વ્યાસનું ધ્યાન અચાનક ભટક્યું. એમણે ઝૂકવાનું માંડીવાળ્યું અને અકળાઈને ફોનનું રિસીવર ઉઠાવ્યું. "હેલો? કોણ છે અત્યારે?"
સામે છેડે માત્ર ડેડ-ટોન (Dead-tone) હતો.
બસ, આ જ પાંચ સેકન્ડનો બારીક સમય શિકારી માટે પૂરતો હતો.
આરવ કોઈ પડછાયાની જેમ ટેબલ નીચેથી સરક્યો, બારી પાસે પહોંચ્યો અને વ્યાસ પાછળ ફરે એ પહેલાં જ બાલ્કનીના અંધારામાં ઓગળી ગયો. શિકારી દુશ્મનની ગુફામાંથી બિલકુલ હેમખેમ અને જોઈતી તમામ માહિતી લઈને બહાર નીકળી ચૂક્યો હતો.
બે દિવસ પછી. સાંજનો સમય.
સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું કેમ્પસ આજે કોઈ નવી દુલ્હનની જેમ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.
આજે વાર્ષિક 'યુથ ફેસ્ટિવલ' ની મુખ્ય રાત હતી. આખા કેમ્પસમાં રંગબેરંગી ઝગમગતી સિરિયલ લાઈટ્સ લગાવવામાં આવી હતી. મેઈન ગ્રાઉન્ડમાં એક વિશાળ સ્ટેજ બંધાયું હતું, જ્યાંથી મોટા સ્પીકર્સ પર ધીમા અવાજે બોલિવૂડના ગીતો વાગી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ભણતરનો થાક નહોતો, પણ એક યુવા ઉત્સાહ અને રોમાન્સ છલકાઈ રહ્યો હતો.
પણ આ રંગીન રોશની અને સંગીતના ઘોંઘાટ પાછળ એક ભયાનક, કાળું ષડયંત્ર છુપાયેલું હતું. ડૉ. વ્યાસ આજ રાત્રે કરોડ રૂપિયાના ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પાસ કરવાના હતા અને... આધ્યાને કાયમ માટે ચૂપ કરવાના હતા.
ગર્લ્સ હોસ્ટેલ. રૂમ નંબર ૨૦૧.
અહીં એક અલગ જ પ્રકારની તૈયારી ચાલી રહી હતી. આ તૈયારી કોઈ ફેસ્ટિવલ માટે નહોતી, પણ એક પ્રેમીના હ્રદય પર રાજ કરવા માટેની હતી.
આધ્યા અરીસા સામે ઊભી હતી.
આજે એણે પોતાનું રેગ્યુલર મેડિકલ એપ્રોન કે જીન્સ-ટોપ નહોતા પહેર્યા. આજે એણે એક અત્યંત સુંદર, ઘેરા લાલ રંગની (Dark Red) સાડી પહેરી હતી. લાલ રંગ... જે પ્રેમનો પણ પ્રતીક છે અને આવનારા લોહીયાળ ખેલનો પણ.
એની રૂમમેટ નેહા પથારી પર બેસીને હસી રહી હતી. "અલી આધ્યા, આજે તો આરવ ક્લીન બોલ્ડ થઈ જવાનો! મેં તને આટલી સુંદર પહેલાં ક્યારેય નથી જોઈ. તારા ચહેરા પર આ જે નૂર છે ને, એ કોઈ મેકઅપનું નથી... આ આરવના પ્રેમનું નૂર છે."
આધ્યાના ગાલ શરમથી ગુલાબી થઈ ગયા. એણે કાજળથી પોતાની મોટી, આકર્ષક આંખોને વધુ ઘેરી બનાવી. કપાળ પર એક નાનકડો કાળો ચાંદલો લગાવ્યો અને પોતાના રેશમી, લાંબા વાળને એકબાજુ ખભા પર ખુલ્લા છોડી દીધા. અરીસામાં દેખાતું એનું પ્રતિબિંબ કોઈ અપ્સરાથી કમ નહોતું.
આધ્યાએ પોતાના ગળામાં રહેલી એક નાનકડી ચેઈન પકડી. એને આરવનો પેલો લોહીલુહાણ ચહેરો અને એના ખભા પર સળિયાથી પડેલા ઘા યાદ આવી ગયા.
આરવે મારા માટે મોત સામે લડાઈ કરી છે, આધ્યાના મનમાં વિચાર ઝબક્યો, આજે રાત્રે હું એને મારા પ્રેમનો એવો અહેસાસ કરાવીશ કે એ પોતાના ભૂતકાળના બધા જ જખ્મ ભૂલી જશે.
આધ્યાએ પોતાના હોઠ પર આછી લિપસ્ટિક લગાવી અને રૂમની બહાર નીકળી.
જ્યારે એ હોસ્ટેલના પગથિયાં ઉતરીને નીચે આવી, ત્યારે હોસ્ટેલના કેમ્પસમાં ઊભેલા ઘણા છોકરાઓની નજર એના પર જ ચોંટી ગઈ હતી. લાલ સાડીમાં સજ્જ આધ્યા આજે કેમ્પસની રોશનીને પણ ઝાંખી પાડી રહી હતી.
પણ આધ્યાની આંખો તો ભીડમાં માત્ર એક જ ચહેરો શોધી રહી હતી.
અને ત્યાં જ... કેમ્પસના એક અર્ધ-અંધારા ખૂણા પાસે, જૂના વડલાના ઝાડ નીચે, કાળા શર્ટ અને બ્લુ ડેનિમમાં એક ખડતલ પડછાયો ઊભો હતો. એની નજર સીધી આધ્યા પર જ હતી.
આરવ!
આધ્યાના હોઠ પર એક અત્યંત માદક અને પવિત્ર સ્મિત આવી ગયું. એ ધીમા, લયબદ્ધ પગલે આરવ તરફ આગળ વધી.
એક ખૂંખાર કમાન્ડો, જેણે મોટા મોટા આતંકવાદીઓની આંખોમાં આંખો નાખીને એમને ડરાવ્યા હતા... એ શહીદ મેજર રઘુવીરસિંહનો દીકરો આજે આ લાલ સાડીમાં સજ્જ આધ્યાને જોઈને પહેલીવાર આરવ આધ્યાના રૂપમાં અંજાઈ ગયો !
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર