ભાગ ૨૬: ડ્રગ્સ કનેક્શન: ફેલ્કન દ્વારા મળેલા નવા પુરાવા
જૂની સાયન્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં છવાયેલી એ રોમેન્ટિક અને નીરવ શાંતિ અચાનક એક ભયાનક અવાજથી તૂટી ગઈ.
ધડાડ્ડ! ધડાડ્ડ!
બેઝમેન્ટના ભારે લોખંડી દરવાજા પર બહારથી જોરદાર પ્રહારો થવા લાગ્યા. ડૉ. વ્યાસના શૂટર્સ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરવાજાના મિજાગરા (Hinges) ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા.
આધ્યાના હ્રદયના ધબકારા વધી ગયા, પણ હવે એની આંખોમાં ડર નહોતો. જ્યારે કોઈ સ્ત્રીને ખબર પડે કે એનો પ્રેમ એના માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી શકે છે, ત્યારે એ સ્ત્રીની હિંમત બમણી થઈ જાય છે. આધ્યાએ આરવનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. શહીદ મેજર રઘુવીરસિંહનો આ દીકરો હવે એનું સર્વસ્વ હતો.
આરવે પોતાની સ્માર્ટવોચ પર ટેપ કર્યું. એના અવાજમાં હવે એક અદભુત પ્રોફેશનલ કમાન્ડ અને આદર હતો.
"ફેલ્કન સર! વી આર ટ્રેપ્ડ. આ લોખંડનો દરવાજો હવે બે મિનિટથી વધુ નહિ ટકે. આઉટ-રૂટ (Out-route) કન્ફર્મ કરો, ઓવર!"
ઇયરપીસમાં ફેલ્કનનો અવાજ ગુંજ્યો, "કેપ્ટન, મેં કોલેજની જૂની બ્લુપ્રિન્ટ સિસ્ટમ હેક કરી લીધી છે. તમારી બિલકુલ પાછળની દીવાલમાં, જમીનથી બે ફૂટ ઊંચે એક જૂની એર-વેન્ટ (Air-vent) છે. એ સીધી કેમ્પસની બહારના ગટરના નાળામાં ખૂલે છે. એ તમારો એકમાત્ર રસ્તો છે, સર! જલ્દી કરો!"
આરવે તરત જ પાછળ ફરીને ફ્લેશલાઈટ મારી. ત્યાં ખરેખર કાટ ખાઈ ગયેલી લોખંડની એક જાળી હતી. આરવે પૂરી તાકાતથી બે લાત મારીને એ જાળી તોડી નાખી.
અંદર રસ્તો સાંકડો, ગંદો અને ભીનો હતો, પણ મોતથી બચવા માટે આનાથી સારો કોઈ વિકલ્પ નહોતો.
"આધ્યા, અંદર જા!" આરવે કહ્યું.
આધ્યા કોઈ પણ જાતના અણગમા વગર એ ધૂળ અને કીચડવાળી પાઇપમાં પ્રવેશી. આરવ એની પાછળ પાછળ અંદર ગયો.
બરાબર એ જ સેકન્ડે, બેઝમેન્ટનો લોખંડી દરવાજો ધડાકાભેર તૂટ્યો! શૂટર્સ અંદર ઘૂસ્યા અને અંધારામાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. ગોળીઓ દીવાલો પર અથડાઈને તણખા ઝરવા લાગી, પણ આરવ અને આધ્યા ત્યાં સુધીમાં પાઇપની અંદર ઘણા દૂર નીકળી ગયા હતા.
લગભગ પંદર મિનિટની ગૂંગળામણ ભરી સફર પછી, બંને કેમ્પસની બહાર આવેલા એક મોટા નાળા પાસે બહાર નીકળ્યા. વરસાદ હજુ ધીમો ધીમો પડી રહ્યો હતો.
બંને સંપૂર્ણપણે કીચડ અને પાણીથી ખરડાયેલા હતા. આરવે આધ્યાને પોતાની ગર્લ્સ હોસ્ટેલના સુરક્ષિત પાછલા દરવાજા પાસે પહોંચાડી.
"તું અંદર જઈને દરવાજો લોક કરી દેજે આધ્યા. અને કોઈ પણ પૂછે તો કહેજે કે તું રાત્રે રૂમમાં જ સૂતી હતી," આરવે અત્યંત કાળજીથી એના ભીના વાળ સરખા કરતા કહ્યું.
આધ્યાએ આરવની છાતી પર હાથ મૂક્યો. "તું નહિ આવે? આરવ, પ્લીઝ હવે કોઈ ખતરો ના લેતો. આપણે પોલીસને..."
"લોકલ પોલીસ વ્યાસના ખિસ્સામાં છે આધ્યા." આરવે આધ્યાના કપાળ પર હળવું ચુંબન કર્યું. "અને હવે આ લડાઈ બચાવની નથી રહી. ડૉ. વ્યાસે મારા પિતાની લેગસી અને મારા પ્રેમ... બંનેને લલકાર્યા છે. હવે શિકાર હું કરીશ."
આધ્યાને હોસ્ટેલમાં સુરક્ષિત મોકલીને આરવ અંધારામાં ઓગળી ગયો.
રાતના ત્રણ વાગ્યા.
આરવ કેમ્પસની બહાર આવેલા એક અવાવરુ બાંધકામની સાઇટ પર છુપાયેલો હતો. એણે પોતાની ડિજિટલ વોચનું એન્ક્રિપ્ટેડ નેટવર્ક ઓન કર્યું.
"ફેલ્કન સર, આધ્યા સુરક્ષિત છે. હવે મને રિપોર્ટ આપો. ડૉ. મિહિર મારી માઇક્રો-ચિપ ચોરી ગયો એ પછી શું ડીકોડ થયું?" આરવે અત્યંત ધીમા અને બર્ફીલા અવાજે પૂછ્યું.
"સર, મિહિરે ચિપ ચોરી એ આપણી ભૂલ નહોતી, પણ આપણો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે!" ફેલ્કનના અવાજમાં એક ઉત્સાહ હતો. "મેં એ માઇક્રો-ચિપના રિવર્સ સિગ્નલને ટ્રેક કર્યું. એ ચિપ અત્યારે ડૉ. વ્યાસના લેપટોપની બાજુમાં પડેલી છે. અને એના સિગ્નલ દ્વારા મેં વ્યાસના લેપટોપની હાર્ડ-ડ્રાઇવ ક્લોન કરી લીધી છે!"
આરવની આંખોમાં ચમક આવી ગઈ. "શું મળ્યું એમાં?"
"કેપ્ટન, ડૉ. વ્યાસ કોઈ સામાન્ય લોકલ ડ્રગ-ડીલર નથી. મેં ફાર્માકોલોજી લેબના રજિસ્ટર અને વ્યાસના લેપટોપનો ડેટા મેચ કર્યો. તેઓ 'મેથ-એમ્ફેટામાઇન' (Methamphetamine) અને કોલેજમાંથી ચોરાયેલા ઉચ્ચ કક્ષાના સ્ટીરોઈડ્સને મિક્સ કરીને એક નવું જ 'સિન્થેટિક ડ્રગ' (Synthetic Drug) બનાવી રહ્યા છે. આ ડ્રગ માણસના મગજ પર સીધો કાબુ મેળવી લે છે. અને સૌથી ભયાનક વાત એ છે કે..." ફેલ્કનનો અવાજ અચાનક ભારે થઈ ગયો.
"બોલો ચીફ, અટકો નહિ," આરવે દાંત ભીંસ્યા.
"તેઓ આ નવા ડ્રગનું હ્યુમન-ટેસ્ટિંગ (Human Testing) કરી રહ્યા છે... કોલેજના જ નિર્દોષ વિદ્યાર્થીઓ પર!" ફેલ્કને ધડાકો કર્યો. "તેઓ હોસ્ટેલની કેન્ટીનના ફૂડમાં અને એનર્જી ડ્રિંક્સમાં આ ડ્રગના માઇક્રો-ડોઝ ભેળવીને વિદ્યાર્થીઓને આપી રહ્યા છે, જેથી એમને એની લત લાગી જાય. કેપ્ટન, આ આખું કેમ્પસ એક ડ્રગ-ફેક્ટરી છે અને વિદ્યાર્થીઓ ગીની-પીગ (Guinea pigs) છે!"
આરવનો શ્વાસ છાતીમાં જ થંભી ગયો. એના નિર્દોષ મિત્રો કેતન અને જિગ્નેશ... શું એ લોકો પણ આ ઝેર ખાઈ રહ્યા હતા? આરવનું લોહી ઉકળી ઉઠ્યું. ડૉ. વ્યાસે મેડિકલના પવિત્ર વ્યવસાયને કલંકિત કરીને રાક્ષસી હદો પાર કરી દીધી હતી. શહીદ મેજર રઘુવીરસિંહ પણ કદાચ આ જ સત્ય સુધી પહોંચી ગયા હશે, અને એટલે જ એમની હત્યા કરવામાં આવી હતી.
"આ ડ્રગ્સનું ફાઇનલ સપ્લાય ક્યારે અને ક્યાં થવાનું છે ફેલ્કન સર?" આરવે હાથમાં પડેલા એક લોખંડના સળિયાને ગુસ્સામાં વાળી દેતાં પૂછ્યું.
"સર, આવતા અઠવાડિયે કોલેજનો વાર્ષિક 'યુથ ફેસ્ટિવલ' છે. ડૉ. વ્યાસ આ ફેસ્ટિવલની ભીડભાડ અને અવાજનો ફાયદો ઉઠાવીને કરોડ રૂપિયાનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ ઇન્ટરનેશનલ માફિયાઓને પાસ કરવાના છે." ફેલ્કને જવાબ આપ્યો.
આરવના હોઠ પર એક ખતરનાક, ખૂંખાર અને ધીમું સ્મિત આવી ગયું.
ડૉ. વ્યાસને લાગતું હતું કે એમણે આરવને ડરાવી દીધો છે. પણ હવે જાસૂસી જાળ અને માઇન્ડ ગેમ્સ (Mind Games) નો અસલી ખેલ શરૂ થવાનો હતો.
"ફેલ્કન સર..." આરવનો અવાજ હવે પેલા શિકારી વાઘ જેવો હતો જે હુમલો કરતા પહેલા બિલકુલ શાંત થઈ જાય છે. "આ ફેસ્ટિવલ ડૉ. વ્યાસ માટે મોતનો ઉત્સવ બનશે. હું આ ગેમ હવે એમના જ ઘરમાં ઘૂસીને રમીશ."
"તમારો પ્લાન શું છે કેપ્ટન?"
"કાલે મધરાતે... ડૉ. વ્યાસની પર્સનલ કેબિનમાં મારી એન્ટ્રી થશે. હું એની કેબિનમાં એવા માઇક્રો-બગ્સ પ્લાન્ટ કરીશ કે એના શ્વાસનો અવાજ પણ આપણને સંભળાશે. લેટ્સ સ્ટાર્ટ ધ વોર, ફેલ્કન!"
બીજી બાજુ...
અંધારી ઓફિસમાં બેઠેલા ડૉ. વ્યાસે આરવના પેલા 'આઇડેન્ટિટી બેજ' ને ગુસ્સામાં તોડીને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. એમને ખબર નહોતી કે એમની આખી હાર્ડ-ડ્રાઇવનો ડેટા ચોરાઈ ચૂક્યો હતો. શિકારી ખુદ ધીમે ધીમે પાંજરામાં કેદ થઈ રહ્યો હતો!
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર