કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 18 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 18

ભાગ ૧૮: રાતની લોંગ ડ્રાઈવ 

રાતનો કાળમીંઢ અંધકાર સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ અને આસપાસના વિસ્તારોમાં આચ્છાદિત થઈ ચૂક્યો હતો. આકાશમાં ચાંદ કાળા વાદળોની પાછળ સંતાકૂકડી રમી રહ્યો હતો. વાતાવરણમાં એક અજીબ, શ્વાસ રૂંધી નાખે તેવી નીરવ શાંતિ હતી.

રાતનો ૧૦:૪૫ વાગ્યાનો સમય ......

ડૉ. વ્યાસના પ્લાન મુજબ બરાબર ૧૨ વાગ્યે વોર્ડ નંબર ૭ ના AC ડક્ટમાંથી સાયનાઇડ ગેસ છૂટવાનો હતો. પણ એક RAW એજન્ટ ક્યારેય દુશ્મનના ટાઈમ-ટેબલ પ્રમાણે નથી રમતો. આરવ હાથમાં એક નાનકડું વાયર-કટર લઈને વોર્ડ નંબર ૭ ની પાછળ આવેલી મેઈન ઇલેક્ટ્રિક પેનલ પાસે છુપાયેલો ઊભો હતો. એની ટ્રેઇન્ડ આંખોએ ગણતરીની સેકન્ડોમાં સેન્ટ્રલ AC ની મેઈન પાવર કેબલ શોધી કાઢી.

સ્પાર્ક!

આરવે જાણીજોઈને એક માઇનોર શોર્ટ-સર્કિટ સર્જી દીધું. સેકન્ડોમાં જ વોર્ડ નંબર ૭ નું AC બંધ થઈ ગયું અને વેન્ટિલેશન સિસ્ટમમાંથી હળવો ધુમાડો નીકળવા લાગ્યો. દર્દીઓના જીવ બચાવવા માટેનો આરવનો આ માસ્ટરસ્ટ્રોક હતો.

અપેક્ષા મુજબ જ, ગભરાયેલા સ્ટાફે તાત્કાલિક અસરથી વોર્ડ ૭ ના તમામ દર્દીઓને સુરક્ષિત રીતે વોર્ડ ૮ અને ૯ માં શિફ્ટ કરી દીધા. કોઈને સહેજ પણ શંકા ના ગઈ કે આ શોર્ટ-સર્કિટ પાછળ કોનો હાથ હતો.

રાતના ૧૧:૩૦ વાગ્યા.

વોર્ડ નંબર ૭ હવે સંપૂર્ણપણે ખાલી અને ભેંકાર હતો. માત્ર રિસેપ્શન કાઉન્ટર પર એક નાનકડી ઇમરજન્સી લાઈટના અજવાળામાં આધ્યા બેઠી હતી. એ દર્દીઓના શિફ્ટિંગનું રજિસ્ટર પૂરું કરી રહી હતી.

ત્યાં જ અંધારા કોરિડોરમાંથી કોઈના આવવાનો ધીમો અવાજ આવ્યો. આધ્યાએ નજર ઊંચી કરી. સામે આરવ ઊભો હતો.

"ડ્યુટી પૂરી, ડૉક્ટર સાહેબા?" આરવે કાઉન્ટર પર હાથ ટેકવતા, અત્યંત હળવા અને મખમલી અવાજે પૂછ્યું.

આધ્યાના ચહેરા પરનો થાક આરવને જોતાં જ ગાયબ થઈ ગયો. "હા, અચાનક AC બગડી ગયું એટલે બધા દર્દીઓને શિફ્ટ કરવા પડ્યા. હવે મારે માત્ર અહીં બેસીને રિપોર્ટ આપવાનો છે."

"રિપોર્ટ કાલે સવારે આપી દેજે." આરવે ધીમેથી આધ્યાના હાથમાંથી પેન લઈ લીધી અને એનો હાથ પકડી લીધો. "અત્યારે આ ખાલી વોર્ડમાં બેસવાનો કોઈ અર્થ નથી. ચાલ મારી સાથે... મારે આજે તને મારી દુનિયા બતાવવી છે."

આરવની આંખોમાં એક એવો જાદુ હતો કે આધ્યા કોઈ જ સવાલ કર્યા વગર એની પાછળ પાછળ ચાલવા લાગી. કોલેજના પાછલા ગેટ પાસે આરવે “ ફાલ્કન” ને એક વ્યવસ્થિત કાર નું આયોજન કરવાનું કહી દીધું હતું.

થોડી જ વારમાં કાર શહેરની ભીડભાડ છોડીને ગાંધીનગર તરફ જતા ખુલ્લા હાઇવે પર હવામાં વાત કરી રહી હતી.

બંને તરફ ઘટાદાર વૃક્ષો હતા અને કારની વિન્ડોમાંથી આવતી શીતળ પવનની લહેરખીઓ આધ્યાના ચહેરા પર રહેલી વાળની લટને હળવેથી ઉડાડી રહી હતી. એફએમ રેડિયો પર ધીમા અવાજમાં કોઈ જૂનું રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું.

આધ્યાની નજર આરવના અસ્તિત્વને વીંધી ચૂકી હતી. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા આરવના ચહેરા પર આજે કોઈ તણાવ નહોતો. દર્દીઓને બચાવી લીધાની રાહત અને આધ્યા પોતાની નજર સમક્ષ સુરક્ષિત હોવાનો સંતોષ એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.

"તું આજે બહુ અલગ લાગે છે આરવ," આધ્યાએ આરવના ખભા પર પોતાનું માથું ધીમેથી ટેકવતા કહ્યું. એ સ્પર્શ એટલો સાહજિક અને પવિત્ર હતો કે આરવના હ્રદયના તાર ઝણઝણી ઉઠ્યા. "જાણે કોઈ મોટા યુદ્ધમાંથી જીતીને પાછો આવ્યો હોય એવો શાંત."

આરવે એક હાથે સ્ટેયરીંગ સંભાળ્યું અને બીજો હાથ ધીમેથી આધ્યાના હાથ પર મૂક્યો.

"યુદ્ધ તો હજુ ચાલુ છે આધ્યા... પણ આજે મને સમજાયું કે લડવા માટેનું સાચું કારણ શું હોય છે. અત્યાર સુધી હું માત્ર ભૂતકાળના બોજ નીચે શ્વાસ લઈ રહ્યો હતો. પણ તારી સાથે વિતાવેલી આ થોડી ક્ષણો મને ભવિષ્યના સપના જોતા શીખવાડી રહી છે."

બંને એકબીજાની આંખોમાં એવી રીતે ખોવાઈ ગયા હતા, જાણે આખી દુનિયા માત્ર આ કારની અંદર જ સમેટાઈ ગઈ હોય. પ્રેમ ધીમા પગલે પાંગરીને હવે એક અતૂટ વિશ્વાસના શિખર પર પહોંચી ચૂક્યો હતો.

બરાબર એ જ વખતે...

આરવની સ્માર્ટવોચની ડિજિટલ સ્ક્રીન પર રાતના ૧૨:૦૦ વાગ્યાનો સમય ફ્લેશ થયો.

અને તરત જ ઇયરપીસમાં ફેલ્કનનો અવાજ ગુંજ્યો.

"કેપ્ટન! બિલકુલ તમારા અનુમાન મુજબ... વોર્ડ ૭ ની એસી ડક્ટનો વાલ્વ ખૂલી ગયો છે અને સાયનાઇડ ગેસ આખા વોર્ડમાં ફેલાઈ ચૂક્યો છે. પણ તમે કરાવેલા શોર્ટ-સર્કિટના કારણે વોર્ડ સંપૂર્ણ ખાલી હોવાથી... ઝીરો કેઝ્યુઅલ્ટી! શાનદાર મૂવ, કેપ્ટન. ડૉ. વ્યાસનો માસ્ટરપ્લાન તમે નિષ્ફળ બનાવી દીધો!"

આરવે અંધારામાં જ એક ગર્વભર્યું સ્મિત કર્યું અને આધ્યાના હાથને સહેજ વધારે કસીને પકડ્યો. એનો પ્રેમ આજે મોતને માત આપી ચૂક્યો હતો.

પણ... આરવનો આ સંતોષ માત્ર થોડી સેકન્ડો જ ટક્યો.

ઇયરપીસમાં ફેલ્કનનો અવાજ અચાનક ફાટી ગયો અને પાછળથી સાઇરનના અવાજો આવવા લાગ્યા.

"વેઇટ કેપ્ટન! મિશન કંટ્રોલ પરથી નવું એલર્ટ છે! ભાઉરાવના માણસો ડ્રગ્સની ડીલ કરવા એનાટોમી હોલમાં ગયા જ નથી!"

આરવના ભવાં અચાનક ખેંચાઈ ગયા. "શું? તો એ ક્યાં છે?"

"કેપ્ટન, ડૉ. વ્યાસને કદાચ ખબર પડી ગઈ છે કે વોર્ડ ૭ ખાલી થઈ ગયો હતો અને તમે પણ ત્યાં નથી! એટલે એમણે ડીલ કેન્સલ કરીને ભાઉરાવને સીધો તમારી પાછળ મોકલ્યો છે. ભાઉરાવ પોતાના ગુંડાઓ સાથે અત્યારે તમારી બોય્ઝ હોસ્ટેલમાં ઘૂસી ગયો છે! અને એણે..." ફેલ્કન એક સેકન્ડ માટે અટક્યો.

"બોલ ફેલ્કન! શું કર્યું છે એણે?" આરવનો અવાજ કાતિલ ગુસ્સાથી ભારે થઈ ગયો. આધ્યા પણ આ અચાનક બદલાયેલા સ્વરથી ગભરાઈને સીધી બેસી ગઈ.

"ભાઉરાવે રૂમ નંબર ૪૦૪ નો દરવાજો તોડી નાખ્યો છે કેપ્ટન. એણે તમારા બંને મિત્રો... જિગ્નેશ અને કેતનને બાન માં લઈ લીધા છે. એ એમને નિર્દયતાથી મારી રહ્યો છે અને તમને શોધી રહ્યો છે!"

કારની બ્રેક પર આરવનો પગ એટલા જોરથી દબાયો કે ટાયરોએ રસ્તા પર ચીસ પાડી દીધી. કાર એક ઝાટકા સાથે રોકાઈ ગઈ.

આરવની આંખોમાં રહેલો પ્રેમ અને રોમાન્સ સેકન્ડના હજારમા ભાગમાં એક ભયાનક, ખૂંખાર ક્રોધમાં ફેરવાઈ ગયો. ડૉ. વ્યાસે આધ્યા પર હુમલો કરવામાં નિષ્ફળ ગયા પછી, હવે આરવના નિર્દોષ મિત્રો પર હાથ નાખવાની જીવલેણ ભૂલ કરી દીધી હતી.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર