કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 15 Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

શ્રેણી
શેયર કરો

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 15

ભાગ ૧૫: ધીમા પગલે પાંગરતો પ્રેમ: રોજિંદી રોમેન્ટિક ક્ષણો

કેફે મોચાના એ ખૂણાના ટેબલ પાસે આરવના શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયા. એણે એક જ ઝાટકે પેલા યુવાનના ચહેરા પરથી મેનુ-કાર્ડ ખેંચી લીધું હતું.

પણ મેનુ-કાર્ડ પાછળનો ચહેરો જોતાં જ આરવ સ્તબ્ધ થઈ ગયો!

સામે કોઈ ખતરનાક જાસૂસ 'શેડો' નહોતો. ત્યાં એક અત્યંત ગભરાયેલો, પંદર-સોળ વર્ષનો ગરીબ છોકરો બેઠો હતો, જેણે કદાચ પહેલીવાર આટલા મોટા કેફેમાં પગ મૂક્યો હતો. એના હાથમાં એક મોંઘો સ્માર્ટફોન હતો, જેમાંથી સિગ્નલ બ્રોડકાસ્ટ થઈ રહ્યું હતું.

"તું કોણ છે? અને આ ફોન તારી પાસે ક્યાંથી આવ્યો?" આરવે એ છોકરાનો હાથ પકડીને અત્યંત ધીમા પણ કડક અવાજે પૂછ્યું.

છોકરો ડરના માર્યા કાંપવા લાગ્યો. "સા... સાહેબ, મને માફ કરી દો! મેં કશું નથી કર્યું. પેલી બાજુના રસ્તા પર એક કાળા શર્ટવાળા ભાઈ ઊભા હતા. એમણે મને પાંચસો રૂપિયા આપ્યા અને કીધું કે આ ફોન લઈને આ ટેબલ પર બેસીશ અને ચહેરા પર મેનુ-કાર્ડ રાખીશ... તો બહાર નીકળતી વખતે બીજા પાંચસો આપશે."

ડૉ. વ્યાસનો જાસૂસ 'શેડો' ખરેખર બહુ જ શાતિર ખેલાડી હતો. એ જાણતો હતો કે આરવ એના ફોનનું સિગ્નલ ટ્રેક કરી લેશે. એટલે એણે જાણીજોઈને એક નિર્દોષ છોકરાને કેફેમાં મોકલ્યો, જેથી આરવનું ધ્યાન ભટકે અને એ પોતે દૂર ઊભો ઊભો આરવ અને આધ્યાની પૂરી નજર રાખી શકે!

આરવે તરત જ કાચની બારીની બહાર નજર દોડાવી. કેફેની સામેના ફૂટપાથ પર, સાંજની ભીડભાડમાં એક કાળો પડછાયો ધીમેથી ભીડમાં ઓગળી રહ્યો હતો. શિકારી ખુદ આજે શિકાર બનવાની નજીક પહોંચી ગયો હતો.

"શું થયું આરવ?" પાછળથી આધ્યાનો અવાજ આવ્યો. એ વોશરૂમમાંથી બહાર આવી ચૂકી હતી.

આરવે તરત જ પેલા છોકરાનો હાથ છોડી દીધો અને પોતાના ચહેરા પરની બધી જ ગભરામણ છુપાવીને એક સહજ સ્મિત ધારણ કરી લીધું. "કંઈ નહિ આધ્યા, આ છોકરાને ભૂખ લાગી હતી એટલે મેં એના માટે એક સેન્ડવીચ ઓર્ડર કરી દીધી. ચાલ, આપણે જઈએ."

આધ્યાએ આરવની આ ઉદારતા જોઈને પ્રેમથી હસી પડી, પણ એ જાણતી નહોતી કે આરવે હમણાં જ કયું ખતરનાક સત્ય પચાવ્યું હતું.

બીજા દિવસની સવાર.

સપ્તરથ પર આરુઢ થઈને સૂર્યરાજાની સવારી અમદાવાદના આકાશમાં આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો અને સોનેરી હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. સવારની શીતળ હવાની લહેરખી મેડિકલ કોલેજ કેમ્પસના ગુલમહોરના પાંદડાઓને હળવેથી નચાવી રહી હતી. નીચે મેઈન રોડ પર AMTS બસો, રિક્ષાઓ, સ્કૂટર અને પોતાની ફરજ પર જતા રાહદારીઓ રઘવાયા થઈને દોડી રહ્યા હતા. આમેય અમદાવાદ ક્યારેય શાંત નહોતું બેસતું.

કોલેજના મેઈન ગેટ પાસે ઊભેલી આધ્યાના ચહેરા પર આ સવારના તડકાની લાલાશ પથરાયેલી હતી. પવનની એક લહેરખી એના કપાળ પર પડેલી વાળની લટને ઉડાડી રહી હતી. આધ્યાની નજર વારંવાર કોલેજના રસ્તા તરફ જતી હતી.

ત્યાં જ દૂરથી આરવ આવતો દેખાયો. એણે આછા ભૂરા રંગનો શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. ખભા પર બેગ હતી. આરવને જોતાં જ આધ્યાના હોઠ પર એક એવું મલકાટ આવી ગયું, જાણે કોઈ સૂકા રણમાં અચાનક મીઠા જળનું ઝરણું ફૂટી નીકળ્યું હોય.

આરવ પાસે આવ્યો. "ગુડ મોર્નિંગ, ટોપર. બહુ રાહ જોવડાવી?"

"જો રાહ જોવાના અંતે તું મળતો હોય, તો આખી જિંદગી રાહ જોવા તૈયાર છું." આધ્યાએ ધીમા અવાજે, આરવની આંખોમાં સીધું જોતાં કહ્યું.

આરવના ચહેરા પર એક મીઠી શરમ આવી ગઈ. એક ખૂંખાર RAW એજન્ટ, જે ગોળીઓથી નહોતો ડરતો, એ આધ્યાના આ નિખાલસ પ્રેમ સામે સાવ નિશસ્ત્ર થઈ જતો હતો. બંને સાથે કોરિડોરમાં ચાલવા લાગ્યા.

કેમ્પસમાં આજુબાજુ વિદ્યાર્થીઓની ભીડ હતી. ક્લાસરૂમ તરફ જતી વખતે એક જગ્યાએ છોકરાઓનું મોટું ટોળું ધક્કામુક્કી કરી રહ્યું હતું. આરવે કશું જ કહ્યા વગર, ધીમેથી પોતાનો હાથ આધ્યાના ખભા પાછળ લંબાવ્યો અને એને ભીડના ધક્કાથી બચાવીને એક સુરક્ષિત કવચ પૂરું પાડ્યું. સ્પર્શ બિલકુલ હળવો હતો, પણ એમાં રહેલી કાળજી અને પ્રેમ આધ્યાના હ્રદયને સ્પર્શી ગયા. કોઈની પણ નજર ના પડે એ રીતે આરવે આધ્યાને સાચવી લીધી હતી.

લેક્ચર દરમિયાન પણ બંનેની નજરો વારંવાર એકબીજા સાથે ટકરાતી રહી. ડૉ. વ્યાસ બોર્ડ પર આકૃતિ દોરી રહ્યા હતા, પણ આરવની નોટબુકના પાછલા પાને આધ્યાએ ધીમેથી પેનથી એક નાનકડું 'Smiley' દોરી દીધું હતું.

આ નાની નાની, રોજિંદી રોમેન્ટિક ક્ષણો આરવ માટે સંજીવની સમાન હતી. હોસ્ટેલની બાલ્કનીમાંથી આધ્યાને છૂપાઈને જોવી, કેન્ટીનમાં એક જ સમોસાના બે ટુકડા કરવા, અને લાઈબ્રેરીની શાંતિમાં એકબીજાના શ્વાસનો અવાજ સાંભળવો... આ બધું આરવની અંદર રહેલા પેલા 'ઘાયલ સૈનિક' ના ઘા રૂઝાવી રહ્યું હતું.

બપોરના બે વાગ્યા હતા.

આરવ પોતાની બેગ લઈને લાઈબ્રેરીમાંથી બહાર નીકળી રહ્યો હતો. આધ્યાને ડીનની ઓફિસમાં કોઈ કામ હતું એટલે એ થોડીવાર માટે અલગ થઈ હતી.

આરવ પોતાના હોસ્ટેલ રૂમ તરફ જતો હતો ત્યાં જ એણે પોતાની બેગ ખોલી. અંદર ફાર્માકોલોજીની નોટબુક કાઢવા જતો હતો, ત્યાં એની નજર બેગના તળિયે પડેલા એક કાળા રંગના કવર પર ગઈ.

આ કવર સવારે એની બેગમાં નહોતું!

કોઈકે અત્યંત સફાઈથી, ભીડનો ફાયદો ઉઠાવીને આ કવર એની બેગમાં સરકાવી દીધું હતું.

આરવના ભવાં ખેંચાઈ ગયા. એણે આસપાસ નજર દોડાવીને ખાતરી કરી કે કોઈ એને જોઈ નથી રહ્યું. પછી એણે અત્યંત સાવચેતીથી કવર ખોલ્યું.

કવરની અંદર કોઈ ચિઠ્ઠી નહોતી. માત્ર એક ફોટોગ્રાફ હતો.

ફોટોગ્રાફ જોતાં જ આરવના પગ તળેથી જમીન ખસી ગઈ! એના શરીરનું લોહી જાણે બરફ બની ગયું.

એ ફોટો ગઈકાલ સાંજનો હતો. કેફે મોચામાં જ્યારે આરવ આધ્યાનો હાથ પકડીને બેઠો હતો, બરાબર એ જ રોમેન્ટિક ક્ષણનો ફોટો કોઈકે કેફેની બહારથી ઝૂમ કરીને પાડ્યો હતો.

પણ સૌથી ભયાનક વાત એ હતી કે... ફોટામાં આધ્યાના માથા પર એક 'લાલ રંગના લેસર પોઇન્ટર' નું નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું!

સ્નાઈપર!

કાલે સાંજે કોઈ સ્નાઈપર બંદૂક તાકીને આધ્યા પર નિશાન લગાવીને બેઠું હતું! જો એણે ટ્રિગર દબાવ્યું હોત, તો આધ્યાનું માથું ગઈકાલે જ ફૂટી ગયું હોત.

ફોટાની પાછળ લાલ શાહીથી લખેલું હતું:

"તારી નવી જિંદગીના શ્વાસ મારી બંદૂકની ગોળી પર ટકેલા છે, કેપ્ટન. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ૪૮ કલાક. - શેડો."

આરવે દાંત ભીંસી દીધા. એની આંખોમાં ગુસ્સો સળગી રહ્યો હતો. રોમેન્ટિક સવારનો અંત એક ભયાનક વિપત્તિ સાથે થયો હતો.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર