આમ કરતા કરતા ચાર મહિના વીતી ગયા. હું બીમાર રહેવા લાગી. માનસિક દશા વધારે બગડતા શારીરિક અશક્તિ, થાક અને નબળાઈથી પીડાવા લાગી.
‘સંયુક્તાને કેમ કરીને નોર્મલ કરી શકાય એ વિચાર કરી કરીને હું થાકી ગઈ છું.’ મમ્મીએ પપ્પાને પોતાની ચિંતા વ્યક્ત કરી.
‘મને તો ડર છે કે હજી આમ ને આમ જ જીવશે તો કંઈ અજુગતું ના થઈ જાય.’ પપ્પા ખૂબ મૂંઝાયા હતા.
‘પપ્પા, મારા એક ફ્રેન્ડના કોઈ રિલેટિવ જાણીતા સાઈકાયટ્રિસ્ટ છે. આપણે સંયુક્તાની વાત એમને કરીએ તો?’ ઉંમર સાથે રોનક પણ સમજદાર બન્યો હતો.
‘હા, તારી વાત બરાબર છે.’ પપ્પાએ રોનકને કહ્યું.
‘ગમે તે કરો પણ મારી સંયુક્તાને ઠીક કરી દો.’ મમ્મી, પપ્પા અને રોનક સામે જોઈને કહેવા લાગી.
‘હા મમ્મી, હું કાલે જ વાત કરીને એપોઈન્ટમેન્ટ લઈ લઉ છું.’
‘હા, જલદી કરજે. હવે મારી પણ સહનશક્તિની લિમિટ તૂટી રહી છે.’ પપ્પાની આંખોમાં પાણી હતા.
બીજા દિવસની ડોક્ટરની એપોઈન્ટમેન્ટ ફિક્સ થઈ હતી.
‘દીદી, કાલે આપણે એક ડોક્ટર પાસે જઈશું.’ રોનકે મને આવીને કહ્યું.
‘કેમ?’
‘તારી હાલત જો. કંઈ સરખું ખાતી-પીતી નથી. કેટલી દૂબળી લાગે છે.’
‘પણ મારે કોઈ ડોક્ટરની જરૂર નથી.’ હું ડોક્ટરથી હવે ખરેખર કંટોળી હતી.
‘દીદી, આપણે વાળ માટે નથી જવાના. બસ તારી હેલ્થ સરખી થાય એના માટે જવાનું છે. પ્લીઝ દીદી.’
‘કહ્યું ને મારે કોઈ ડોક્ટર પાસે નથી જવું.’
‘ડોક્ટર શાહ ખૂબ સારા માણસ છે. તને ગમશે એમને મળીને.’
‘ના, મારે કોઈની પાસે નથી જવું.’
રોનક મને સમજાવીને થાકી ગયો. પપ્પા અને મમ્મીએ પણ પ્રયત્નો કર્યા પણ હું ટસથી મસ ન થઈ.
‘કંઈ વાંધો નહીં મમ્મી. આપણે ડોક્ટર શાહને વાત કરીશું. એ એમ ને એમ પણ કોઈ સામાન્ય દવા આપશે. સંયુક્તાને રાહત થશે.’ મમ્મીની હતાશા જોઈ રોનકે એને સાંત્વન આપ્યું.
‘સંયુક્તા, ડોક્ટર શાહે તારી માટે વિટામિનની દવા લખી આપી છે. આનાથી તારી વીકનેસ ઓછી થશે. લઈશને?’ મમ્મીએ પૂછ્યું.
‘હા.’ હું પણ વીકનેસથી થાકી ગઈ હતી તેથી હું તરત માની ગઈ.
મારો જવાબ સાંભળીને ઘરનાને બધાને રાહત થઈ.
મેં દવા લેવાનું શરૂ કર્યું. એમની દવાથી મને થોડું સારું લાગવા લાગ્યું.
મારા કારણે મમ્મી પણ વધારે સમય મારી દેખરેખ માટે ઘરમાં જ રહેવા લાગી. બહારના બધા કામ પપ્પા અને રોનક જ સંભાળી લેતા.
અમારા જ બિલ્ડિંગમાં રહેતા પારૂલ આન્ટી સાથે મમ્મી ક્યારેક ફ્રી ટાઈમમાં બેસતી. પારૂલ આન્ટી સ્વભાવે ખૂબ મળતાવડા હતા. મમ્મી સાથે એમને સારું બનતું. ધીમે ધીમે મમ્મી બધાથી વિમુખ થવા લાગી. જેને પણ મળે તે મારી જ વાત કરે, જે મમ્મીને હવે પોષાય તેમ નહોતું.
ડોક્ટર શાહની દવાથી શરૂઆતમાં મારું મન શાંત રહેવા લાગ્યું. રાતે ઊંઘ પણ આવવા લાગી, વિચારોનો ફોર્સ ઓછો થયો. ત્રણ-ચાર મહિના ઘણું સારું રહ્યું. ઘરમાં બધાને હાશ થઈ. હું ક્યારેક સવારે પપ્પા સાથે મોર્નિંગ વોક પર જવા લાગી.
બિલ્ડિંગના અમુક લોકો પણ વોક માટે આવતા. પણ અમે બધાથી દૂર ચાલતા. લોકો મારી સામે જોતા એ મને ધ્યાનમાં રહેતું, પણ હું ખાસ કોઈની સામે જોતી નહીં.
એક દિવસ રોનકના ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હતા. રોનકના ગ્રુપના બધા ફ્રેન્ડ્સ મને ઓળખતા જ હતા. પણ હું ક્યારેય કોઈની સાથે વાત નહોતી કરતી. બધા રોનકના રૂમમાં બેસીને ગપ્પાં મારતા હતા એટલામાં બેલ વાગી. રોનક દરવાજો ખોલવા ગયો.
‘તે સંયુક્તાને જોઈ?’ પ્રણવે ધીમા અવાજે મિહિરને પૂછ્યું.
‘ના, કેમ?’
‘લાસ્ટ ટાઈમ હું ઘરે આવ્યો હતો ત્યારે એણે વિગ પહેરી હતી અને હવે પાછી પહેલાની જેમ જ રહે છે.’
‘અચ્છા?’
‘હા, ત્યારે તો સારી લાગતી હતી. ખબર નહીં કેમ પાછી આવી થઈ ગઈ?’
‘હં. ટકલી...’ કહી પ્રણવ આછું હસ્યો. મિહિર પણ હસ્યો.
એ વખતે હું રોનકના રૂમની બહારના ભાગમાં મૂકેલા કૂંડામાં પાણી નાખતી હતી. એ વાતથી એ લોકો અજાણ હતા. ફરીથી એ લોકોની વાત સાંભળીને મારું મન ઢીલું પડવા લાગ્યું.
‘શું મારા માટે વાત કરવા માટે કોઈની પાસે બીજો કોઈ ટોપિક જ નથી? આ એક વસ્તુ મારી જિંદગીની એટલી મહત્વની વાત બની ગઈ છે કે મારા આખા વ્યક્તિત્વમાં અને અસ્તિત્વમાં લોકોને આના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી? મને જોવાની દુનિયા પાસે એક જ દૃષ્ટિ છે? એ વિચારે મને ફરી અંદરથી તોડી નાખી. જો આમ ને આમ જ ચાલવાનું હોય તો પછી શું કામ છે દવા કરીને ને સાજા થઈ ને? અને મેં દવા નિયમિત લેવાનું ઓછું કરી નાખ્યું. મને સાજા થવામાં પણ રસ ન રહ્યો.
મેં ઘરની બહાર નીકળવાનું તદ્દન છોડી દીધું. મારી હિંમત સાવ તૂટી ગઈ હતી. હવે મારી હાલત એવી થઈ ગઈ હતી કે કોઈની સામાન્ય એવી કમેન્ટ પણ મને બહુ ભારે લાગતી. મારાથી એ બધું દિવસોના દિવસો સુધી ભુલાતું નહીં.
એક દિવસ હું રૂમમાં મારો કબાટ ખોલીને બેઠી હતી. કબાટમાં ફાંફાં મારતા મારતા અચાનક મારું ધ્યાન મારી ડ્રોઈંગ બુક પર ગયું. હું બુક ખોલીને જોવા લાગી. એમાં મારા બનાવેલા જૂના સ્કેચ હતા. હું પાના ફેરવવા લાગી. એક પાના પર મારી નજર સ્થિર થઈ.
વિગ મળ્યા પછીના જે ખુશીના દિવસો મારી જિંદગીમાં આવ્યા હતા તે સમય દરમિયાન મેં મારું પોતાનું જ એક સ્કેચ બનાવ્યું હતું. ખુલ્લા વાળ સાથે કોલેજમાં ફ્રેન્ડ્સ સાથે પડાવેલા એક ફોટા પરથી મેં એક સ્કેચ બનાવ્યું હતું. પોતાની જાતને લાંબા વાળ સાથે જોવાનું સપનું સાકાર થયું, ત્યારના ઉત્સાહનું પ્રતિક હતું એ સ્કેચ.
પણ ખેર...
કલ્પિત દુનિયામાં બનાવેલો સપનાનો મહેલ પત્તાના મહેલની જેમ તૂટી ગયો.
ફરી એકવાર કોલેજનો એ આખો પ્રસંગ નજર સામે તાજો થઈ ગયો. ઝંખના, મીતવા, ફોટો પાડતી નિરાલી, ગ્રુપના બીજા છોકરાંઓ બધા સડસડાટ નજર સામે આવવા લાગ્યા. માત્ર ચાર-પાંચ સેકન્ડમાં તો આખો પ્રસંગ હમણાં જ બન્યો હોય એમ તાજો લાગવા લાગ્યો. અમુક લોકોના હસવાનો અવાજ કાનમાં ખીલાની જેમ ખૂંચવા લાગ્યો. વિગ સરખી કરતા ધ્રૂજતા મારા હાથ આંખો સમક્ષ આવી ગયા. મેં મારા હાથ સામે જોયું. અત્યારે પણ એવી જ ધ્રુજારી હતી એમાં. હું જોરથી રડી પડી.
‘સંયુક્તા, શું થયું?’ મમ્મી દોડીને રૂમમાં આવી.
મેં ડ્રોઈંગ બુક હાથમાંથી ફેંકી દીધી. મમ્મીના પગ પકડીને રડવા લાગી.
‘મમ્મી, મને આ બધું ભૂલી જવું છે. પ્લીઝ કંઈક કર.’ મેં મમ્મીના પગ પકડીને કહ્યું.
મમ્મી મારી પાસે નીચે બેસી ગઈ.
એ સમયે અમારા પાડોશી પારૂલ આન્ટી, મમ્મી પાસે કંઈ કામ અંગે આવ્યા હતા. એ મારી હાલત જાણે.
‘મારી એક વાત માનશો?’ પારૂલ આન્ટીએ મમ્મીને કહ્યું.
‘શું?’
‘તમે અત્યાર સુધી આટલા બધા પ્રયત્ન કર્યા પણ કશામાં તમને સંતોષ ના મળ્યો.’ મમ્મી નીચું જોઈને બેઠી હતી.
‘એકવાર મારી વાત માની લો. તમને કોઈ નુકસાન નહીં થાય એની ખાતરી આપું છું. આ દીકરી માટે એક છેલ્લો પ્રયત્ન કરી જુઓ.’
‘કર્યો પ્રયત્ન?’
‘બસ, એકવાર મારી સાથે દાદા પાસે આવો. સંયુક્તાને એકવાર દાદાના દર્શન માટે લઈ જઈએ. મારી તમને વિનંતી છે.’
થોડી મિનિટ ચૂપ રહ્યા પછી મમ્મી મારી સામે જોયું અને હા પાડી.
‘આ વખતે તમને નિરાશા નહીં થાય.’ પારૂલ આન્ટીએ મારા માથા પર હાથ ફેરવતા મમ્મી સામે જોઈને કહ્યું.
‘જોઈએ, ભગવાન કરે કંઈક સારું થાય.’
હું ચૂપ હતી. ‘હા’ કહ્યું કે ‘ના’ એ વિચારવાની શક્તિ પણ મારામાં નહોતી. હું મૌન હતી.
બીજા દિવસે સવારે પારૂલ આન્ટી ફરીથી આવ્યા. આ વખતે તેઓ મમ્મી પાસે જવાને બદલે સીધા મારી પાસે આવ્યા.
‘સંયુક્તા.’ તેઓ ધીમેથી મારી બાજુમાં આવીને બેઠા.
‘હા.’ મેં તેમની સામે જોયું.
‘આજે મારી એક રિકવેસ્ટ છે તને.’ તેમણે મારી સામે હાથ જોડવા.
‘શું?’ મને બોજો લાગ્યો.
‘દાદા પાસે આવવાની ના નહીં પાડતી. તારા બધા પ્રોબ્લેમ કાયમને માટે સોલ્વ થઈ જશે.’
‘એ શક્ય જ નથી.’
‘આ પહેલી અને છેલ્લીવાર પારૂલ આન્ટી તને ફોર્સ કરે છે. પછી ક્યારેય નહીં કરે. બસ?’ એમની આંખોમાં કોણ જાણે કેમ પણ મારા માટે પ્રેમ દેખાતો હતો.
મેં માથું હલાવ્યું. તેઓ ખૂબ ઉલ્લાસથી મને ભેટ્યા. મમ્મી આ બધું જોઈ રહી હતી.
‘ક્યારે જવાનું છે?’ મમ્મીએ પૂછ્યું.
‘હું એ કહેવા જ તો આવી હતી. લો, ખુશીના માર્યા વાત તો ભૂલી ગઈ કહેવાની. મેં તમારા માટે વાત કરી લીધી છે. આપણે આજે સાંજે ચાર વાગે દાદા પાસે જઈશું.’
‘તમને ખાતરી છે ને કે સંયુક્તાને કોઈ વાંધો નહીં આવે?’ મમ્મીને હજી પણ કોઈ ખૂણે ડર અને શંકા હતા.
‘મારા પર વિશ્વાસ રાખો. ખરેખર તો તમે દાદાને એકવાર મળશો તો તમને જ ખાતરી થઈ જશે.’
‘સારું. અમે તૈયાર રહીશું સાંજે.’
મિરાજ ધ્યાનથી સંયુક્તાની વાત સાંભળતો હતો.
‘પછી?’ મિરાજની ઉત્સુકતા તેના ચહેરા પર દેખાતી હતી.