તારી પીડાનો હું અનુભવી - ભાગ 9 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 9

હું સમયસર ઘરે તો પહોંચી ગયો, પણ આખા રસ્તે મારું મન સતત પોતાની લિમિટ કેટલી હોવી જોઈએ? વધારે પડતા સીધા રહેવું એ આજના જમાના પ્રમાણે અનફિટ કહેવાય? બધાના મમ્મી-પપ્પાના વિચારો કેમ જુદા જુદા હોય છે? શું ખરેખર મારા પેરેન્ટ્સ ઓર્થોડોક્સ છે? પરમની ફ્રીડમ એના પેરેન્ટ્સના બ્રોડ માઈન્ડેડ વલણ પર આધારિત છે, પણ મારી ફ્રીડમનું શું? હું તો ખાલી મોબાઈલમાં ગેમ્સ રમું કે વ્હોટ્સએપ જોઉ તોય મમ્મી ઊકળી જાય છે અને પરમ તો એનાથી ઘણો આગળ વધી ગયો છે. તો પણ એના ઘરમાં છે કોઈ રોકટોક? અને મારી મમ્મી તો કાયમ ટોક્યા જ કરે કે તારા પપ્પાની હાજરીમાં તો મોબાઈલ હાથમાં લઈશ જ નહીં. એમને આ બધું નથી ગમતું. આવા અનેક સવાલો, ફરિયાદો અને ગેરસમજણોના વમળમાં ફસાયેલું મારું મન ચકરાવે ચઢી ગયું હતું.
બોલતા બોલતા મિરાજ થોડો ઢીલો પડ્યો. મેં એની આંખોમાં રહેલા ગૂંચવાડાના ભાવો જોયા.
‘તને ખબર છે મિરાજ, આ ટીનેજ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. એમાં આવું બધું બધાને થાય જ. પણ આ સમયમાં થયેલા કાર્યો અને લીધેલા અનુભવો ક્યારેક આપણા જીવનની દિશા જ બદલી નાખે છે. એમાં જો ઊંધા રસ્તે ચઢી ગયા તો પાછા ફરતા ઘણીવાર લાગે છે. છતાંયે ડરવા જેવું પણ નથી. બસ કોઈક એવાના સંગની જરૂર છે, જે તમને ખોટા માર્ગે જતા અટકાવે. એટલે જ જીવનમાં બધા વખાણ કરવાવાળા માણસોને જ સાથે રાખવા ના જોઈએ.’
મિરાજની આંખોમાં પ્રશ્નચિહ્ન દેખાયું.
‘પોતાના સ્વાર્થ માટે વખાણ કરનારા ફ્રેન્ડને ફેક ફ્રેન્ડ કહેવાય. અને આપણા હિત માટે ટીકા કરતા હોય તો પણ એને રીયલ ફ્રેન્ડ કહેવાય.’ મીતના મોઢામાંથી તરત જ આ શબ્દો સરી પડ્યા.
આ જ હતી મીતની ખાસિયત. સારા લેખકોની બુક્સ વાંચવી એ એની હોબી હતી. સ્કૂલમાં મને એની વાતોમાંથી ઘણું નવું જાણવા મળતું.
‘ગુજરાતીમાં એક કહેવત છે મિરાજ, કે ઝેરના પારખા ના હોય. બધી જ વસ્તુના જાતે અનુભવ ન કરવાના હોય. બીજાના જીવનના અનુભવોમાંથી જોઈને તારણરૂપે શીખી શકાય.’ શાંત બેસીને એક ભાઈની મૂંઝવણો સાંભળી રહેલા બીજા ભાઈથી લાંબો સમય મૌન ન સેવી શકાય એ સ્વાભાવિક જ છે ને.
‘તને ખબર છે મિરાજ, ક્યારેક આપણી ટીકા કરવાવાળા લોકો આપણને અરીસો દેખાડતા હોય છે. જેમ અરીસા સામે જોઈએ તો આપણે જેવા હોઈએ એવા જ દેખાઈએ ને?' મેં મિરાજને સવાલ કર્યો.
‘હા.’ એણે જવાબ આપ્યો.
‘એમ જ જે ખરેખર હિતેચ્છુ હોય ને, એ આપણને ખોટા રસ્તે જતા વાળવાનો એક પ્રયત્ન તો કરે જ. પણ બધા ટીકા કરવાવાળા હિતેચ્છુ જ હોય એવું પણ જરૂરી નથી. કોઈ જેલસી અને અદેખાઈથી પણ ટીકા કરતો હોય.’
‘તો પછી એમને ઓળખવા કેવી રીતે?’
‘એટલે આનો સૌથી સરળ ઉપાય, જે મને સમજાયો છે, એ છે આપણું ફેમિલી. મોટા ભાગે આપણે ફેમિલી મેમ્બર્સની વાતોને ગણકારતા જ નથી. પણ સારા મિત્રોને બાદ કરતા આપણું હિત જોનાર આપણા પેરેન્ટ્સ સિવાય બીજું કોણ હોઈ શકે?’
મિરાજ મૌન હતો. એને આ વાત ગળે નહોતી ઊતરતી.
‘એની વે... પછી...?’
‘ધીમે ધીમે પરમ સાથે હું વધુ ક્લોઝ થતો ગયો, કારણ કે એ જે કંઈ કરતો, એમાં મારી કુતૂહલતા વધતી જતી હતી. મારા ઘરમાં એ બધું કરવાનું શક્ય જ નહોતું. મારા ઘરમાં તો હતી માત્ર ભણવા માટેની ટોક ટોક. આમેય ક્રિકેટ કોચિંગ છોડાવ્યાનો રોષ તો મનમાં હતો જ. એના માટે હું મમ્મી-પપ્પાને માફ નહોતો કરી શકતો.
સ્કૂલ સિવાયના ટાઈમમાં જ્યારે પણ હું ફ્રી હોઉ, ત્યારે હું પરમના ઘરે પહોંચી જતો. એ શું શું કરે છે એ બધું જોતો, કદાચ અજાણપણે શીખતો હતો. આમ, હું અને પરમ એકબીજાની વધારે ક્લોઝ આવતા ગયા.’
મિરાજે પોતાની બાજુમાં પડેલી પાણીની બોટલમાંથી બે ઘૂંટડા પાણી પીધું અને થોડો સ્વસ્થ થયો.
‘મારા દિવસો બધી જ રીતે ખરાબ ચાલતા હતા. જ્યાં અને ત્યાં મને નિરાશા જ મળતી હતી.’ એક દિવસ...
‘શું રિઝલ્ટ આવ્યું?’ ઘરમાં પગ મૂકતા જ મમ્મીએ પૂછ્યું.
હું સ્કૂલ બેગ લઈને સોફા પર બેઠો. ધીમેથી બેગની ચેઈન ખોલી અને મમ્મીના હાથમાં માર્ક્સશીટ પકડાવી.
‘બાવન ટકા?’ મમ્મીને આંચકો લાગી ગયો.
‘બરાબર ચેક કર. આટલા ઓછા થોડા હોય?’ અચાનક રૂમમાંથી પપ્પા બહાર આવ્યા.
આ સમયે પપ્પા ઘરે ક્યાંથી? એમનો ચહેરો જોતા જ મારા ધબકારા એકદમ વધી ગયા.
‘બાવન ટકા બહુ ઓછા કહેવાય. ગયા વખતે સડસઠ ટકા હતા. આટલા ઓછા માર્ક્સ ના ચાલે મિરાજ.’ મમ્મીએ કડકાઈથી કહ્યું.
‘પહેલા ક્યારેય આટલા ઓછા પરસેન્ટેજ નહોતા આવતા. પણ હમણાંથી તારું બધું બહુ બગડ્યું છે. હું તને આખો દિવસ મોબાઈલ અને ફ્રેન્ડ્સ પાછળ જ જોઉ છું.’
‘મારી કેપેસિટી પ્રમાણે હું મહેનત કરું જ છું. અને મેં તો પહેલેથી કહ્યું હતું કે મને કોઈ સારા ટ્યૂશન ક્લાસીસમાં મોકલો.’ મારો અવાજ મોટો થઈ ગયો.
‘મિરાજ, શાંતિથી વાત કર.’ મમ્મીનો અવાજ પણ મોટો થઈ ગયો.
‘મમ્મી, તમને લોકોને તો એમ જ લાગે છે કે હું કંઈ મહેનત કરતો જ નથી. એક તો મારું ટ્યૂશન કેટલું દૂર છે. રોજ જવા-આવવામાં કેટલો ટાઈમ જાય છે. હું કેટલો થાકી જઉ છું. મારું કમ્પ્યૂટર પણ સડેલું છે. ઘડી ઘડી હેંગ થઈ જાય. એના કારણે મારા પ્રોજેક્ટના કામ પણ ટાઈમ પર પૂરા થતા નથી. તમે મને સાયબર કેફે જવા નથી દેતા. તમને તો ખબર છે કે આમાં પ્રોજેક્ટ્સના માર્ક્સ પણ ગણાય છે.’ દરેક પ્રકારે આર્ગ્યુમેન્ટ્સ કરીને પોતાની જાતને બચાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો.
‘તો તું એમ કહેવા માગે છે કે તને ટ્યૂશન ક્લાસીસ અને લેપટોપના લીધે પ્રોબ્લેમ છે?’ પપ્પાએ સીધું જ પૂછ્યું.
‘હા.’ મેં ચિડાઈને કહ્યું. હું પગ પછાડીને રૂમમાં જતો રહ્યો.
જ્યારે પોતાની ભૂલ સ્વીકારવાની તૈયારી ના હોય, ત્યારે આપણે વધારે જોરથી સામેવાળા પર તૂટી પડતા હોઈએ છીએ. એની સામે એવી દલીલો કરી દેતા હોઈએ છીએ કે જાણે બધો વાંક માત્ર અને માત્ર એમનો જ હોય. મિરાજે પણ એવું જ કર્યું, મિરાજની વાતો સાંભળતા સાંભળતા મને મારો ભૂતકાળ દેખાતો હતો અને આવી જાતના કરેલા મારા કારનામાં ફ્લેશ બેકની જેમ ચમકારો મારીને જતા રહેતા હતા.
ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
‘એને ટ્યૂશન દૂર પડતું હોય તો બદલાવી દઈએ.’ પપ્પાએ તરત કહ્યું.
‘દૂર છે એ પ્રોબ્લેમ નથી, પણ એના બીજા બધા ફ્રેન્ડ્સ જ્યાં ટ્યૂશન ક્લાસીસ કરે છે, એને પણ ત્યાં જ જવું છે.’
‘તો ભલે ને જાય. જવા દે. જો આ જ તકલીફ હોય તો એ પણ સોલ્વ કરી આપીએ. પછી તો ભણશે ને.’ પપ્પાએ મને સંભળાય એમ મોટેથી કહ્યું.
‘અરે પણ એ ક્લાસીસ બહુ કોસ્ટલી છે. આપણને ના પોષાય. એ તો બધા પૈસાવાળાનું કામ!’
‘તું પૈસાની ચિંતા ના કર. એ જોઈ લઈશું. એના ભણવા માટે પૈસા ખર્ચાય તો મને કોઈ વાંધો નથી.’
આખરે એ દિવસના ઝઘડાએ મને મારી મરજી પ્રમાણે નજીકના ટ્યૂશન ક્લાસીસ સુધી પહોંચાડી જ દીધો. પરમ પણ ત્યાં જ જતો હતો, એટલે મારે પણ ત્યાં જ જવું હતું. ધીમે ધીમે બધું રૂટીન પ્રમાણે થવા લાગ્યું. મને મનમાં થોડો ભાર રહેતો હતો કે આ વખતે મારે સારા માર્ક્સ લાવવા જ પડશે, કારણ કે મારી એક જીદ તો પપ્પાએ પૂરી કરી જ આપી છે.
એક દિવસ ઘરમાં લેપટોપના ભાવ લખેલું એક પેમ્ફલેટ પડેલું જોઈને મમ્મીને નવાઈ લાગી.
‘આ પેમ્ફલેટ કોણ લાવ્યું છે?’
‘હું.’ મેં તરત જ જવાબ આપ્યો.
‘કેમ?’
‘મારા ક્લાસના એક ફ્રેન્ડે નવું લેપટોપ લીધું, એટલે મેં એને પ્રાઈઝ લિસ્ટ આપવાનું કહ્યું હતું. તમને બતાવવા માટે લાવ્યો છું.’
‘જો મિરાજ, પહેલા તું વ્યવસ્થિત ભણ. પછી તારી બધી ડિમાન્ડ પૂરી થશે. તે કીધું એટલે તને મોંઘા ટ્યૂશન ક્લાસીસમાં તો મૂકી દીધો. હવે રિઝલ્ટ સારું આવશે પછી જ લેપટોપ અપાવીશું.’
‘તનયને કેટલું સારું છે. પ્રશાંતકાકા એને કેવો હાથમાં ને હાથમાં જ રાખે છે. મારા તો નસીબ જ ખરાબ છે.’ મેં મારા કાકાના દીકરાનું ઉદાહરણ આપીને મારું ધાર્યું કરાવવાની કોશિશ કરી.
‘પપ્પાથી શક્ય હોય એ બધું જ તારા માટે કરે છે. તને બ્રાન્ડેડ કપડાં જોઈતા હોય તો એ પણ અપાવે છે. તારી સ્કૂલ અને ટ્યૂશન ફી જ કેટલી બધી છે. પણ તારા સારા ભણતર માટે તેઓ ક્યારેય ના પાડતા નથી. બીજું કેટલું કરે એ તારા માટે!’ દર વખતની જેમ મમ્મી પપ્પાના ગુણગાન ગાઈને મને સમજાવવા લાગી. પણ મને તો બંને માટે અસંતોષ જ હતો.
‘એ બધું તો પ્રશાંતકાકા પણ તનય માટે કરે જ છે ને.’ મેં તરત જ સંભળાવી દીધું.
‘તારે તનયનું જ જોવું હોય તો પહેલા એ જો કે એ કેવા માર્કસ લાવે છે.’
‘એ તો લાવે જ ને? એને તો પહેલેથી જ પર્સનલ કોચિંગ રખાવ્યું છે કાકાએ.’
‘તું ક્યારે વાતને સમજીશ? દરેક વાતમાં આર્ગ્યુમેન્ટ કરવા સિવાય તારી પાસે કોઈ વાત જ નથી.’
‘તમે લોકો પણ દરેક વાતમાં મને ટોકો જ છો ને?’
‘તને ઘણી બધી છૂટ આપી જ છે. જ્યાં છૂટ આપવા જેવી નથી, ત્યાં જ નથી આપી.’
‘મિરાજ બેટા, મમ્મી સામે આટલું બધું ના બોલાય.’ દાદીએ મને શાંતિથી કહ્યું.
દાદી થોડા દિવસ માટે અમારા ઘરે રહેવા આવ્યા હતા. મને એમની ડખલ અંદાજી પણ ખટકતી હતી.
‘દાદી, તમે વચ્ચે ના બોલશો. તમને નથી ખબર કે આ ઘરમાં કાયમ તનયના જ વખાણ થાય છે. બધાને તનય જ સારો લાગે છે. મારી તો કોઈ વેલ્યૂ જ નથી.’ મારો મિજાજ છટક્યો હતો.
‘ના બેટા એવું નથી. તું પણ હોશિયાર જ છે.’ દાદીએ કહ્યું.
‘ના, હું હોશિયાર નથી. મને ભણવા કરતા ક્રિકેટમાં વધારે રસ છે. પણ પપ્પાએ મને એમાં આગળ વધવા ન દીધો. મારા ક્રિકેટ કોચિંગ ક્લાસ અધવચ્ચે જ અટકાવી દીધા.’ મારા પેટમાં દુ:ખતી વાત આખરે મોઢામાંથી શબ્દો બનીને નીકળી જ ગઈ.
‘એ એટલા માટે કે એનાથી તારું ભણવાનું બગડતું જતું હતું. તું આઠમાં ધોરણમાં છે. આવતા વર્ષે નવમામાં આવીશ. અત્યારે ભણવામાં કેટલો બધો લોડ હોય છે. બધી બાજુ ખેંચાઈ જાય તો તારી જ તબિયત બગડે.’ મમ્મીએ ઘણા ખુલાસા આપ્યા પણ એની એક પણ વાત મને સ્વીકારાતી જ નહોતી.
‘હકીકતમાં તો તમને બધાને એમ જ લાગે છે કે જે ભણે એ જ આગળ વધે. પણ એવું નથી હોતું. કેમ ક્રિકેટમાં કરિઅર ના બને? આ બધા ક્રિકેટર્સને જુઓ, કરોડપતિ છે જ ને.’
‘બેટા, એમાં પણ જે વધારે સારું પરફોર્મન્સ બતાવે એની જ કિંમત હોય છે. બાકી કેટલાય આમાં ગુમનામ થઈ ચૂક્યા છે.’ મમ્મીએ પોતાની જાતને શાંત કરીને મને શાંત પાડવાની કોશિશ કરી.
‘મીતે કોઈ દિવસ તારી મમ્મી સાથે આ રીતે ઊંચા અવાજે વાત નથી કરી. તારા મોટાભાઈ પાસેથી થોડું શીખ બેટા. આમ આટલા આકરા ના થવાય.’ દાદીની આ વાતે મને વધારે અકળાવ્યો.
‘હા, તમને તો કાયમ મીત જ દેખાય છે ને? હોશિયાર, ડાહ્યો, સમજણો, હસમુખો... બધું મીતમાં જ છે. મારામાં તમને કોઈ સારી વાત દેખાઈ છે ક્યારેય? બધા આખો દિવસ મને એ જ શીખામણ આપ આપ કરે છે કે મીત જેવો થા, મીત પાસેથી શીખ. હું ઘાંટા પાડીને મારો ઉકળાટ બહાર કાઢી રહ્યો હતો. પણ એનાથી પણ વધારે બેચેન કરે એવી વાત એ હતી કે એ દિવસે પહેલીવાર મીત માટેનો અભાવ મારા શબ્દોમાં ઊતરી આવ્યો. હું જે બોલી ગયો એ કેમ બોલી ગયો એનું મને પણ ભાન નહોતું.’
બે વર્ષ પહેલાનો મિરાજ કેવો હતો અને આજે કેવો થઈ ગયો છે. એ વિચારે મમ્મીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. દિવસે દિવસે મારામાં તોછડાઈ અને ક્રોધ વધી રહ્યા હતા. મીત આ ઘટનાનો સાક્ષી હતો. એ કોઈની પણ ફેવરમાં એક પણ શબ્દ બોલ્યો નહોતો.
‘ઈટ્સ અ સાઈન ઓફ ટીનેજ. ટીનેજમાં આવે એટલે આવું બધું થાય. પોતાની અંદરની અને બહારની બંને દુનિયામાં બહુ બધા ઘર્ષણો ચાલતા હોય. સ્કૂલમાં બધાને જોઈ જોઈને પોતાની અંદર એક રેસ ઊભી થાય. આમ એવું લાગે કે આપણે બીજા સાથે રેસમાં પડ્યા છીએ. પણ ખરેખર પોતે પોતાને જ હરાવીને જીતવા માટેની એક વિચિત્ર રેસ મનની અંદર ચાલતી હોય. એનું નામ જ ટીનેજ. જ્યાં એક બાજુ કેટલાય તરંગો, સપનાઓ અને કલ્પનાઓના ઘોડા દોડતા હોય અને બીજી બાજુ વાસ્તવિકતા આપણને હંફાવતી હોય. એ બંને વચ્ચે બેલેન્સ કરતા ના આવડે એટલે સફોકેશન ઊભું થાય. ઘરની વ્યક્તિઓ આપણને સમજતી નથી, એવું લાગ્યા કરે. પોતાની વાત જ સાચી છે અને બીજા બધા ખોટા છે. એવી સ્ટ્રોંગ બિલીફ મનમાં ઘર કરી જાય. અને ત્યારે સંઘર્ષનો સામનો કરવો પડે. આવું લગભગ દરેકની સાથે ઓછા-વત્તા પ્રમાણમાં થાય જ.’ મીતે નિખાલસતાથી ગંભીર વાત કહી દીધી. આ બોલતી વખતે એ મિરાજને નહીં પણ મને જોઈ રહ્યો હતો. પણ મેસેજ ડાયરેક્ટ મિરાજને પહોંચાડી રહ્યો હતો. એના ચહેરા પર મોટાભાઈ જેવી મેચ્યોરિટી શોભી રહી હતી.
‘મીત, તને આટલો બધો ખ્યાલ આવે છે, છતાં તે મિરાજને કેમ સમજાવ્યો નહીં?’ મને મીતની સમજણ માટે ફરીથી માન થઈ આવ્યું.
‘એને ખ્યાલ આવે છે તો પણ એણે ક્યારેય મારી સાઈડ નહોતી લીધી. એટલે મને એના પર પણ ગુસ્સો આવતો હતો.’ મિરાજે સહેજ અકળાઈને કહ્યું.
‘આઈ કાન્ટ બિલીવ ધીસ મીત. તું આવા ટાઈમે ચૂપ રહી શકે?’ મને નવાઈ લાગી.
‘કદાચ મારી વાતને મિરાજ સુધી પહોંચાડવા માટે એ સમય યોગ્ય નહોતો. અમુક વાતો સમજવા અને સમજાવવા માટે કહેનાર અને સાંભળનાર બંનેના મનની સ્થિરતા અને તૈયારી ના હોય તો પોતાની લાખ સાચી વાત પણ સામા સુધી પહોંચાડી ના શકાય. પણ રાઈટ ટાઈમની રાહ જોવામાં કદાચ મેં વધારે મોડું કરી દીધું.’ મીતની નજર ઝૂકી ગઈ.
‘અડધો-પોણો કલાક પછી મીત મારા રૂમમાં આવ્યો. પલંગ પર આવીને મારી બાજુમાં બેઠો. ખોળામાં તકિયો મૂકીને રિલેક્સ થઈને બેઠો. મને એમ હતું કે એ મને કંઈ સમજાવશે પણ એણે એવી કોઈ વાત જ ના કરી. શાંતિથી મારી બુક્સ લઈને એના પાના ફેરવવા લાગ્યો.’ મિરાજે એની વાત આગળ વધારી.
‘તારા હેન્ડ રાઈટિંગ પહેલા કરતા ઈમ્પ્રૂવ થયા છે. ગુડ.’ મેં એની સામે નજર કરી. અમારી નજર મળતા જ મેં નજર ફેરવી લીધી.
‘અરે યાર મિરાજ, તું તો શેર બચ્ચો છે. તને ખબર છે? સિંહ જ્યારે લાંબી છલાંગ મારવાનો હોય ત્યારે પહેલા બે ડગલા પાછળ જાય.’ કહીને એ અટક્યો.
‘તો?’
‘એટલે તને એવું નથી લાગતું કે તું પણ હવે કોઈ લાંબી છલાંગ મારવાનો છે?’
મારો ગુસ્સો ઘટી રહ્યો હતો. છતાં હું ગુસ્સામાં જ હતો.
‘એટલે મિરાજ, મને લાગે છે કે હવે પછી તારું રિઝલ્ટ સૂપર આવશે.’
હું કંઈ બોલ્યો નહીં.
‘ચિલ યાર. આપણા જેવાના કારણે જ સ્કોલર લોકો સ્કોલર ગણાય છે. એટલે વી આર મોર વેલ્યુએબલ.’
મીત મને કૂલ કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ મને એની વાતમાં કંઈ રસ પડતો નહોતો. એ દિવસે પહેલીવાર મને એની વાતો ફાલતુ લાગતી હતી.
‘મિરાજ, આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ પ્રમાણે જ આપણે જીવન જીવવાનું હોય. ફક્ત મનને મજબૂત રાખવું, જેથી ઈચ્છા વિરુદ્ધની પરિસ્થિતિ આપણને ડગાવી ન શકે.’ હવે એ પણ સીરિઅસ હતો.
હું ચૂપચાપ સાંભળી રહ્યો હતો.
‘માટે જરાય નેગેટિવ વિચાર કર્યા વગર આગળ ચાલવાનું ચાલુ રાખ. લક્ષ સાથે કામ કર. ચોક્કસ રિઝલ્ટ આવશે.’
‘પ્લીઝ મીત, મને અત્યારે તારું કંઈ સાંભળવામાં રસ નથી. મારા ટ્યૂશનનો ટાઈમ થઈ ગયો છે.’ એમ કહી હું બેગ લઈને ઘરમાંથી નીકળી ગયો. મીત મને જતા જોઈ રહ્યો.
પરમ હવે મને સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસ બંને જગ્યાએ મળવા લાગ્યો. જ્યાં બધા જ બ્રાન્ડેડ કપડાં પહેરીને આવતા હતા, એવા ટ્યૂશન ક્લાસીસમાં જવાની મારી ઈચ્છા તો મેં જિદ કરીને પૂરી કરી લીધી. પણ વિચારો અને સંસ્કારોમાં જે લોકો નોન બ્રાન્ડેડ ક્લાસના ગણાય એમની મને ઓળખાણ નહોતી પડતી. એમની પાસે એવું ઘણું બધું હતું જે મને આકર્ષતું. પરમથી અંજાઈને હું એના જેવો બનવાનો પ્રયત્ન કરતો પણ પૂરેપૂરો સફળ થતો નહીં. છતાં પરમની સાથે ને સાથે રહેવાથી મારા સ્વભાવ અને વિચારોમાં ફેરફાર ચોક્કસ આવી ગયા હતા.