તારી પીડાનો હું અનુભવી - ભાગ 7 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 7

મીતના ગયા પછી હું મિરાજ સાથે સામેના બાંકડા પર બેઠી.
‘તમે બેડમિન્ટન સારું રમો છો, દીદી.’ એણે વાતની શરૂઆત કરી.
‘સાચું કહું? બસ આ એક જ આઉટડોર સ્પોર્ટ્સ છે જે મને સારી રીતે રમતા આવડે છે.’ એ આછું હસ્યો.
‘બાકી તું મને ક્રિકેટ રમવાનું કહે ને, તો મારા હાથમાંથી બેટ જ છટકી જાય.’
‘ક્રિકેટ વોઝ માય ફેવરિટ ગેમ.’
‘વોઝ કેમ? ઈઝ કેમ નહીં?’ મેં પૂછ્યું.
‘હવે મેં ક્રિકેટ રમવાનું જ છોડી દીધું છે.’
‘આઈ થિંક કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટીને હોબી તરીકે રાખવી જોઈએ. કારણ કે, સ્પોર્ટ્સમાંથી માણસને ઘણું બધું શીખવા મળે છે. લાઈફ લેસન્સ.’
‘બધા એવું નથી સમજતા. મારા પેરેન્ટ્સને મારી પાસેથી ફક્ત ભણવામાં હોશિયાર થવાની જ અપેક્ષા છે.’
‘એ તો બધા પેરેન્ટ્સને એવું જ હોય!’
‘ના, દીદી. બધાને એવું નથી હોતું. કેટલાક પેરેન્ટ્સ તો એમના છોકરાંઓને બધી ફ્રીડમ આપતા હોય છે. કોઈ જાતના રિસ્ટ્રિક્શન નહીં. નો રૂલ્સ.’
‘વધારે પડતી ફ્રીડમથી તો માણસ બગડી જાય!’
‘અત્યારે એમ પણ સીધા લોકોની કોઈને જરૂર નથી. બગડેલાની જ બોલબાલા છે. સીધાનો સાથ કોઈ આપતું નથી.’
‘તારા ફ્રેન્ડ્સની વાત કરે છે?’ મેં સીધું જ પૂછી લીધું.
‘હા, એ બધા ફ્રેન્ડ્સ હતા, પણ હવે નથી.’
‘સારા ફ્રેન્ડ્સ મળવા ઈઝી નથી.’
‘પણ મેં તો એમના માટે મારું બધું બગાડી નાખ્યું. પોતાની જાતને ચેન્જ કરવી કંઈ સહેલી છે? પણ તોય એ લોકોની ટાઈપનો બનવામાં ફેઈલ થઈ ગયો. બધી રીતે ફેઈલ.’
‘ફેઈલ થનાર ખરેખર કંઈ ગુમાવતો નથી.’
‘મને તમારી વાત સમજાઈ નહીં, દીદી.’
‘જે ફેઈલ થાય છે, એ થોડી ખોટ ખાય છે પણ અનુભવની કમાણી કરે છે. એને એટલું ચોક્કસ આવડી જાય છે કે કઈ કઈ ભૂલો કરવાથી ફેઈલ થઈ જવાય.’
‘પણ ફેઈલ તો થયો જ ને?’
‘હા, એકવાર ફેઈલ થયો પણ ફરીથી એ ભૂલ રિપીટ ના થવા દે તો પછી જીતવાના ચાન્સ વધી જાય છે.’
મિરાજ વિચારમાં પડી ગયો.
મિરાજ પોતાની અંદર દબાયેલી ભાવનાઓ આજે વ્યક્ત કરશે, એવો અહેસાસ થતા મેં એને મારી આપવીતી કહેવાનું ચાલુ કર્યું, ‘મારે તો સ્કૂલમાં કોઈ ખાસ ફ્રેન્ડ્સ બનતા જ નહોતા. કદાચ કોઈ બની પણ જાય ને, તો બીજી છોકરીઓ એને મારાથી દૂર કરીને જ જંપે. શરૂઆતમાં મેં બધા સાથે સારી રીતે બોલવાની, મારાથી બનતી હેલ્પ કરવાની ટ્રાય કરી. પોતાના સ્વમાનને બાજુએ મૂકીને, બીજાને ગમે એ રીતે જ વર્તવાની બહુ ટ્રાય કરી, પણ બધા પોતપોતાનો સ્વાર્થ પૂરો કરીને મને છોડી દેતા. હું પોતાની જાતને એમના ઢાંચા પ્રમાણે ઢાળવાના પ્રયત્નો કરી કરીને થાકી ગઈ. અંતે કોઈ મારું થયું નહીં.’
‘હા, મને પણ એવું જ લાગે છે. બધા સેલ્ફિશ છે. સ્વાર્થના સગા.’ મિરાજ આટલું જ બોલીને અટકી ગયો.
‘પછી તો હું લોકોના મજાક, અજંપા ને ઘૃણાનો વિષય જ બનવા લાગી હતી. અને ધીમે ધીમે હું બધાથી કટ ઓફ થતી ગઈ. આખા ક્લાસમાં મીત જેવા ગણ્યા ગાંઠ્યા માંડ બે કે ત્રણ જણા હતા, જે ક્યારેક મારી સાથે વાત કરતા. પણ ત્યાં સુધીમાં તો મારો સ્વભાવ એટલો બધો સંકોચાઈ અને કચડાઈ ગયેલો કે હું કોઈની સાથે બહુ બોલી જ નહોતી શકતી. કોઈની આંખમાં આંખ મિલાવીને વાત કરવામાં પણ મને તકલીફ થતી. મીત એક જ એવો હતો કે જેણે છેક સુધી મારા તરફ પોતાનો સપોર્ટ બતાવવાની ટ્રાય ચાલુ રાખી હતી, પણ ત્યારે મને મીતની કંઈ પડી નહોતી. કારણ કે, હું હતાશા અને નિરાશામાં એટલી બધી ગરકાવ થઈ ગઈ હતી કે મને કોઈની સાથે ફ્રેન્ડ બનતા પહેલા ભય જ લાગતો કે એ મને છોડી દેશે તો? કોઈ મને છોડી દે એ અપમાન અને દુ:ખ સહન કરવાની મારામાં હિંમત જ નહોતી. એટલે જે લોકો સાચી લાગણીવાળા હતા, એમને પણ મેં મારાથી દૂર જ રાખ્યા હતા. મને કોઈના પર વિશ્વાસ જ નહોતો રહ્યો. ખરેખર કહું, તો મને મારી જાત પર જ વિશ્વાસ નહોતો તો બીજા પર ક્યાંથી હોય? મને મારા ઘરમાં પણ કોઈના પર વિશ્વાસ નહોતો. એ લોકોએ મને ઓવર પ્રોટેક્ટ જ કરી હતી, છતાંય મારી અંદરનું દુઃખ એવું પ્રબળ હતું કે મેં કાયમ બધાને મારાથી દૂર હડસેલી દીધા હતા.’
મિરાજ મારી સામે જોઈ રહ્યો. એના ચહેરાના ભાવ જોઈને લાગતું હતું કે એના મનમાં એનો ભૂતકાળ જીવંત થઈ રહ્યો હતો.
‘દીદી, હું નાનો હતો ત્યારથી મને મીત સાથે બધું શેર કરવાની આદત હતી. એની પાસેથી મને હંમેશાં મોટાભાઈ જેવી હૂંફ મળતી. એને હું ક્યારે કંઈ પણ કહી શકું. હી વોઝ લાઈક માય સોલમેટ. પણ...’
‘પણ શું?’
‘પણ હવે મને એની સાથે વાત કરવાનું ગમતું નથી.’
‘બધું આટલું સરસ હતું તો પછી હવે શું થયું?’ મીત અને મિરાજના સંબંધની આત્મિયતા ઝાંખી પડેલી જોઈને મને થોડું દુઃખ થયું.
‘હવે જાણે આકાશમાં મસ્તીથી ઊડતી પતંગ કપાઈ ગઈ છે અને લથડિયા ખાઈ રહી છે.’ મિરાજની નજર સામેના ઝાડ પર લટકતી બહુ જૂની ફાટેલી પતંગ પર સ્થિર હતી.
‘વાતાવરણની અસરથી વસ્તુઓ પર ધૂળ તો ચઢે, પણ એનાથી એ કંઈ ખરાબ થોડી થઈ જાય છે? એને લૂછીને પાછી પહેલા જેવી જ ચળકતી કરી શકાય છે.’ મને વિશ્વાસ હતો કે ક્યાંય ન હારનારો મીત એના ઘરમાં તો નહીં જ હારી જાય. ફક્ત જ્યારે વ્યક્તિ ખૂબ નજીકની હોય ત્યારે જરા સાચવીને કામ લેવું પડે. આ કામમાં મદદરૂપ થઈને કદાચ હું મીત જેવા એક સારા મિત્રની મિત્રતાનો બદલો કંઈક અંશે વાળવા ઉત્સુક હતી.
ત્યાં તો મીત આઈસ્ક્રીમ લઈને આવતો દેખાયો. મીતને જોઈ મિરાજ અટકી ગયો.
‘મિરાજ, મને ખબર છે, જે વ્યક્તિ ઉપરથી મન ઊઠી ગયું હોય, એની હાજરીમાં હૃદય ખાલી કરવું કેટલું અઘરું છે. પણ એટલું યાદ રાખજે કે ગમે એટલા દૂર હોય તો પણ આપણા એ તો આપણા જ રહે છે.’
‘પણ ઘણા ટાઈમથી મેં એની સાથે કોઈ વાતો શેર કરી નથી, દીદી. અને હવે એને કંઈ કહેવાનું મન પણ નથી થતું.’
‘તું નક્કી કરીશ તો કરી શકીશ. મીત માટે તારા મનમાં અત્યારે જે અભિપ્રાયો પડી ગયા છે એને એકવાર હિંમત કરીને ખસેડ. પહેલાના દિવસો યાદ કર.’
‘ચોકો ચિપ્સ.' મીતે આઈસ્ક્રીમ આગળ ધરતા કહ્યું.
‘વાઉ, ચોકો ચિપ્સ!’ મેં મિરાજને રિલેક્સ કરવા વાત વાળી, ‘આઈ લવ ચોકો ચીપ્સ.’
ભાવતો આઈસ્ક્રીમ પણ ક્યારેક ફોર્માલિટી માટે ખાવો પડશે, એવું ત્રણેમાંથી કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું. ત્રણે વચ્ચે ચૂપકીદી છવાઈ ગઈ.
‘મિરાજની પણ આ ફેવરિટ ફ્લેવર છે.' મીત મિરાજની બાજુમાં બેઠો. આ એ જ મીત છે જે દુનિયામાં બધાની સાથે નિખાલસ થઈ શકતો, પણ આજે પોતાના ભાઈ સામે પોતાની લાગણી વ્યક્ત કરતા ખચકાતો હતો.
‘આજે આપણે મહિનાઓનું મૌન તોડવા સાથે પ્રયાસ તો કરી જ શકીએ ને. પછી ભલે પરિણામમાં સફળતા મળે કે ના પણ મળે.’
મિરાજને ખ્યાલ આવી ગયો કે હું મીત માટે કહી રહી છું. પણ એ ચૂપ રહ્યો. એની વાણી ખેંચાઈ ગઈ.
‘મિરાજ, કોઈ પણ જાતના સંકોચ વગર વાત કર. વ્યવહાર અને મર્યાદાની દૃષ્ટિએ પણ આપણા બે સાથે કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી રહે એ સારું જ છે.’
‘હું સમજું છું, દીદી. પણ મને અઘરું લાગે છે.’
‘અઘરું એટલે લાગે છે કારણ કે આપણું ફોકસ પ્રયત્ન પરથી ખસીને પરિણામ પર જતું રહે છે. ધ્યાન જો પ્રયત્ન પર જ રહેશે તો કામ સહેલું લાગશે.’
‘મને એવું લાગે છે કે પહેલા એ મને સમજી શકતો હતો. પણ હવે એને તો શું, હું મારી હાલત કોઈને સમજાવી નથી શકતો. અંદર બધું જાણે સ્થિર થઈ ગયું છે. હવે તો સમય પણ જતો રહ્યો. જ્યારે મને સાચે એની જરૂર હતી ત્યારે હું સાવ એકલો હતો.’
મિરાજ બોલી રહ્યો હતો પણ મીત સાથે નજર નહોતો મળાવી શકતો. મીતની નજર પર પણ મણનો ભાર હોય એમ ઝૂકેલી હતી.
‘તને જે સ્ટેગ્નન્ટ લાગે છે, એ જ તને અંદરથી કોરી રહ્યું છે. સ્ટેગ્નન્ટ પાણીમાં તરત લીલ ફરી વળે. એના કરતા વહેતા પાણીની જેમ આગળ વહેવામાં મજા છે. એક જ જગ્યાએ અટકી જવાથી જીવન કંઈ અટકી જતું નથી. અંદરની ભાવનાઓ, વ્યથાઓ અને મૂંઝવણોને ખાલી કરીને, સમાધાન લઈને આગળ વહી જવામાં જ સૌનું હિત છે.
મિરાજ મૌન હતો. એના ચહેરા પર ગંભીર નીરવતા દેખાતી હતી. એના અંતરપટ પર ઘૂઘવાતા સમુદ્ધની જેમ અનેક મોજા જાણે ઉછાળા મારીને કિનારે આવીને અથડાઈને પાછા ફરી, ફરીથી ઊઠતા હોય એવું લાગતું હતું.
હું શાંત બેસીને મિરાજ આગળ બોલે એની રાહ જોઈ રહી. આજે એ જરૂર ઓપન થશે એવી મને ખાતરી હતી.
બે મિનિટ અમે ત્રણે શાંત બેસી રહ્યા. મિરાજ આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો. બહાર ફરતી દેખાતી એ નજર અંતરમાં અનેક પ્રસંગો જોઈ રહી હતી. આખરે એના હોઠ અને આંખો કંઈક કહેવા માટે સજ્જ થયા હોય, એમ એણે ઊંડો શ્વાસ લીધો.
‘તને એક વાત ખબર છે?’ મેં ઉત્સુકતાથી મિરાજને પૂછ્યું.
‘શું?’ એની આંખોમાં સહેજ ચમકારો દેખાયો.
‘હ્યુમન બ્રેઈનની એક સ્ટડી પ્રમાણે આપણા જીવનમાં આશરે બસ્સો જેટલી વ્યક્તિઓ હોય છે. જેમાંથી ફક્ત પાંચેક વ્યક્તિઓ એવી હોય જે ખરેખર આપણી સૌથી નજીક હોય અને એ લોકો આપણી દુનિયા હોય! બાકીની બધી વ્યવહાર પૂરતી હોય છે. તારા જીવનમાં એવી પાંચ વ્યક્તિઓ કઈ છે?’
મિરાજ વિચારે ચઢી ગયો. પાંચેક મિનિટ પછી એણે મારી સામે જોયું.
‘તમારા પ્રશ્નનો જવાબ અત્યારે મારી પાસે નથી. એના માટે તો શાંતિથી વિચારવું પડે. પણ આ સવાલ સાંભળીને મારા મગજમાં જે વ્યક્તિઓ ફ્લેશ થઈ એમનાથી શરૂઆત કરું.’ હવે એણે વાત કરવાની પહેલ કરી.
‘હા.’
આખરે મિરાજે મીત સામે જોયું. ક્ષણ-બે ક્ષણ એના પર નજર સ્થિર કરી એ બોલ્યો, ‘મીત પહેલેથી જ મારું સેફ્ટી શીલ્ડ હતો. જ્યાં જાઉં ત્યાં જો મીત સાથે હોય તો મને નિરાંત રહેતી. હું એની સાથે બધું શેર કરતો. ધીમે ધીમે ભણવાનું પ્રેશર વધવા લાગ્યું, એનું પણ અને મારું પણ. આખો દિવસ સ્કૂલ પછી ટ્યૂશન અને પછી થાક્યા-પાક્યા હોઈએ એટલે થોડીવાર ટી.વી.માં ટાઈમ સ્પેન્ડ થતો.
પપ્પાના આગ્રહથી મીતે પોતાની મરજી વિરુદ્ધ એલ.એલ.બી.માં એડમિશન લીધું હતું, એટલે એ દિવસોમાં એ ઘણો ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો. મારે એની સાથે ઘણું બધું શેર કરવું હોય, પણ એની હાલત જોઈને હું મારા પ્રોબ્લેમ્સ જાતે જ સોલ્વ કરવાની ટ્રાય કરતો. મારે મીતને વધારે હેરાન નહોતો કરવો. બટ હી ઈઝ અ ચેમ્પ. એણે બહુ જલદી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો અને પોતાની જાતને એલ.એલ.બી.ના ભણતરમાં વ્યસ્ત કરી લીધો. એનામાં એ ગુણ બહુ સારો છે. એ વાસ્તવિકતાનો સામનો મારા કરતા વધારે સારી રીતે અને સરળતાથી કરી લે છે. હું બધે કાયમ પાછળ પડતો, પણ એ નહીં.’
‘ડૂ યૂ નો ધેટ ઈન્ટ્રોવર્ટ પીપલ આર એક્ચ્યુઅલી વેરી સિન્સિઅર. જો એ લોકો પોતાની કંપની એન્જોય કરતા શીખી જાય તો જીવનમાં ક્યારેય એકલા ના પડે.’
‘આવું મને પહેલા કોઈએ કહ્યું જ નથી કે ઈન્ટ્રોવર્ટ પીપલ આર વેરી સિન્સિઅર.’
‘યસ ધે આર સ્પેશિઅલ. મીન્સ યૂ આર સ્પેશિઅલ.’
‘દીદી, પછી બીજું નામ આવે છે મારા ફ્રેન્ડ વિશ્રુતનું. એ પણ મારી જેમ જ ઈન્ટ્રોવર્ટ હતો.
‘વિશ્રુત?’
‘હા, દીદી. હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ એવર. મને એની સાથે બહુ ફાવતું. અમે ભલે દસ મિનિટ માટે જ મળીએ તો પણ એ દસ મિનિટમાં અમને એકબીજાને સમજવાનો, સાંભળવાનો સંતોષ હોય. ક્રિકેટમાં પણ અમારી ફ્રિકવન્સી બહુ મેચ થતી.’
‘એ સ્કૂલમાં પણ તારી સાથે હતો?’
‘ના. અમારી ઓળખાણ ક્રિકેટથી જ થઈ હતી. એ અમારી સોસાયટીમાં રહેતો હતો. અમે સોસાયટીના છોકરાંઓ ભેગા થઈને ક્રિકેટ રમતા ત્યારની આ વાત છે. અમે બંનેએ સાથે જ ક્રિકેટ કોચિંગ ક્લાસીસ શરૂ કર્યા હતા. ધીમે ધીમે ક્રિકેટનો નશો એવો વધી ગયો કે ભણવામાં મારું ધ્યાન ઓછું થઈ ગયું. વિશ્રુત તો ઓલ રાઉન્ડર હતો. ભણવાનું હોય કે ક્રિકેટ, એ આગળ જ હોય. પણ મારું ભણવામાં ફોકસ ઓછું થતા રિઝલ્ટ ડાઉન થવા લાગ્યું. મમ્મી-પપ્પા મને એનું નામ આપીને વારે વારે ટોકતા, વિશ્રુતને જો અને તું જો. એ બધી રીતે સ્માર્ટ છે. ભણવાનું કોમ્પ્રોમાઈઝ કર્યા વિના ક્રિકેટ રમે છે. અને તું બસ એક તરફી ક્રિકેટમાં જ આગળ વધી રહ્યો છે, છતાંય એમાં પણ તું એનાથી પાછળ જ છે.’
આટલું કહીને મિરાજ અટકી ગયો. એનો અવાજ થોડો ગહેરો થઈ ગયો. થોડી જ ક્ષણોમાં એણે સ્વસ્થતા કેળવી. મીતની સ્થિરતાવાળી પોઝિશનમાં થોડી હલચલ આવી પણ મેં એને શાંતિથી બેસી રહેવા આંખોથી ઈશારો કર્યો.
‘પછી શું થયું?’ મેં પૂછ્યું.
‘સાચું કહું સંયુક્તાદીદી, મને પર્સનલી વિશ્રુત સાથે કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ વારંવાર આમ એની સાથે કમ્પેરિઝન થવાથી હું પણ પોતાને એની સાથે કમ્પેર કરવા લાગ્યો. એનામાં કઈ ખોટ છે, એ શોધવા લાગ્યો. ભણવાનું અને ક્રિકેટ, આ બેમાંથી કોઈ પણ એક ફીલ્ડમાં મારે એનાથી આગળ વધવું હતું. ભણવામાં મને મારી કેપેસિટી વિશ્રુત કરતા ઓછી લાગી, એટલે મેં ક્રિકેટ પાછળ મારી બધી મહેનત લગાવી દીધી. નજીકના દિવસોમાં જ એક ટુર્નામેન્ટ થવાની હતી. બધી રીતે વિશ્રુતથી બેસ્ટ સાબિત કરવામાં મેં મારી જાતને હોમી દીધી.’
‘ધેન?’
‘મને ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારી મહેનતનું કોઈ રિઝલ્ટ મળે એ પહેલા જ સ્કૂલનું રિઝલ્ટ આવી ગયું. પરસેન્ટેજ બહુ ઘટી ગયા હતા. ઘરેથી વોર્નિંગ મળી ગઈ કે હવેથી ક્રિકેટ કોચિંગ બંધ. મેં બહુ રિકવેસ્ટ કરી કે એક ટુર્નામેન્ટ પૂરી થાય, ત્યાં સુધી મને જવા દો. પણ પપ્પા એકના બે ન થયા. મમ્મીએ પણ આ વખતે મારી સાઈડ ન લીધી. આ મારા માટે બહુ મોટો શોક હતો. મને લાગતું હતું કે હું મારી જાતને એક વસ્તુમાં તો વિશ્રુતથી આગળ પ્રૂવ કરીને જ દેખાડીશ. પણ મમ્મી-પપ્પાએ મારી મહેનત અને સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું. ત્યારથી જ મને મમ્મી-પપ્પા માટે અભાવ થઈ ગયો.’
‘પપ્પા આમ તો અમને બંનેને ડિસિપ્લિન અને ભણતર સિવાય ક્યારેય બહુ ટોકતા નહીં. આ બે બાબતમાં તેઓ જરાય કોમ્પ્રોમાઈઝ નહોતો ચલાવતા. ખરેખર તો પપ્પાએ સામે ચાલીને મિરાજને ક્રિકેટ કોચિંગ જોઈન કરાવ્યું હતું. પણ જે દિવસથી મિરાજના રિઝલ્ટ પર એની અસર દેખાવા લાગી ત્યારથી તેઓ મિરાજની કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળવા તૈયાર નહોતા. મારી સાથે પણ એલ.એલ.બી. માટે તેઓ આવા જ કડક થયા હતા.’ મીત બોલ્યો.
બાંકડા પર પડેલા અડધા સૂકાયેલા પાંદડાને હાથમાં લઈને મિરાજ આમ તેમ ફેરવવા લાગ્યો.
‘અને વિશ્રુત?’
‘એના પપ્પાની જોબ પુના ટ્રાન્સફર થઈ ગઈ, એટલે એ લોકો શિફ્ટ થઈ ગયા. પણ વિશ્રુત મારા મમ્મી-પપ્પા પર સારી એવી છાપ મૂકતો ગયો. એના ગયા પછી પણ મમ્મી-પપ્પા મને એનું નામ લઈ ભણવા બાબતે ખિજાતા. મને એમના પર લાખ ગુસ્સો આવવા છતાં, હું એમને કંઈ કહી નહોતો શકતો. બસ અંદર ને અંદર સમસમી જતો... એક જ પ્રશ્ન સાથે કે ભણવામાં એવરેજ સ્ટૂડન્ટ શું જીવનમાં ક્યારેય સક્સેસફુલ ન થઈ શકે?’
‘જેમ આપણે આપણા મમ્મી-પપ્પા સામે હકથી જીદ કરીએ છીએ, એમ ક્યારેક આપણી મૂંઝવણોને પણ એમની પાસે મુક્ત મને ખાલી કરવી જોઈએ. લાગણીઓને કચડવાથી બહુ નુકશાન થાય છે. એના પડઘા આખી જીંદગી આપણી સાથે રહે છે. જેમ દિલ ખોલીને હસવું એ સારી હેલ્થ માટે જરૂરી છે, એમ રડીને દિલ ખાલી કરી લેવું એ પણ સારી હેલ્થ માટે એટલું જ જરૂરી છે.’
‘દીદી, યુ આર જીનિયસ. તમારી વાતો કંઈક અલગ જ છે. તમારી પાસે દરેક સવાલોના જવાબ હોય છે.’
‘હું જીનિયસ તો નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે દરેક સવાલોના જવાબ મેળવવા માટે ધીરજની જરૂર હોય છે. તારે પણ તારા સવાલોના જવાબ સુધી પહોચવું તો પડશે ને?’
મારી વાત સાંભળીને મીત મને જોતો જ રહી ગયો અને મિરાજ એકદમ ચૂપ થઈ ગયો. એણે પણ અત્યાર સુધી પોતાની ઘણી બધી લાગણીઓને મનમાં જ દબાવીને જ રાખી હતી, એ સ્પષ્ટ જણાતું હતું. અને એ સ્વાભાવિક પણ હતું. કોઈની સામે ખુલ્લા થવું કંઈ સહેલું નથી. કેટલો બધો વિશ્વાસ આવે ત્યારે પોતાના દિલની વાત બીજાને જેમ છે તેમ કહી શકાય. મારે મિરાજ પાસેથી કોઈ પર્સનલ બેનિફિટની અપેક્ષા તો હતી જ નહીં. મારી ભાવના તો એટલી જ હતી કે એ એના અંતરપટના પડદા પાછળ છૂપાયેલા ભારને ઠાલવી દઈ અંતર શાંતિ મેળવે.
પાર્કમાં અંધારું થઈ ગયું હતું અને મારે ઘરે જવાનો ટાઈમ પણ.
‘મિરાજ, આજે વાતાવરણમાં કેટલી હળવાશ લાગે છે ને. ઉનાળાની ગરમી પછી આમ ઠંડી હવાની લહેરો મોકલીને કુદરત આવનારી વર્ષાઋતુનો અહેસાસ કરાવી દે છે. માટે ગરમી પછી ઠંડક પણ આવે જ છે. ફક્ત આપણે ધીરજથી એની રાહ જોવાની જરૂર છે.’
મીત માટે આ બધી ફિલોસોફી કંઈ નવી નહોતી. પણ મિરાજ માટે તો ખરી જ. છતાં એ જરૂર મારી વાતનો અર્થ સમજી ગયો હશે, એવી મને ખાતરી હતી. પોતાનું મન અમુક અંશે ખુલ્લું કરીને મિરાજ થોડો હળવો લાગતો હતો. મને અંદરથી શાંતિ થઈ. આવતી મીટિંગમાં એ જરૂર વધારે ખૂલી શકશે, એવી આશા સાથે મેં બંનેથી વિદાય લીધી.
‘ફરી જલદી મળીશું.’ કહીને હું ત્યાંથી નીકળી. બંને ભાઈઓ પણ પાર્કની બહાર નીકળ્યા.
મિરાજને હળવો કર્યો પણ મારા મન પર અસંખ્ય વિચારોના વાદળો ઘેરાઈ ગયા.
હે દાદા!
અને મારા માનસ પરથી ઘમસાણ હટીને શાંતિ છવાઈ ગઈ.
એમનું મુખારવિંદ મારી નજર સમક્ષ આવી ગયું. આંખોમાં પ્રેમ, મોઢા પર પ્રેમ, હાસ્યમાં પ્રેમ, આખા વ્યક્તિત્વમાં બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ... એવા દાદા.
જરીક અમથા પરિચયથી જ્યાં લાગે ઓળખાણ જૂની, એવા આપ્તસ્વજન દાદાને યાદ કરતા કરતા હું ઘરે પહોંચી.