તારી પીડાનો હું અનુભવી - ભાગ 1 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 1

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પશુઓમાં પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી.

રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક સારા-નરસા પ્રસંગોને સંભાળી રાખ્યા હતા. એમ જ કહોને કે બધા જ નરસા પ્રસંગો એમાં દટાયેલા હતા કારણ કે સારા પ્રસંગો મેં જીવ્યા જ નહોતા. પણ હવે આ ડાયરીનો નવો અધ્યાય ચાલુ થવાની તૈયારીમાં હતો, એ પણ તમારી હાજરીમાં.

અચાનક બારીમાંથી પવનની ઠંડી લહેર આવી. મેં એ લહેર આખા શરીર અને માથા પર અનુભવી. ખૂબ સ્વસ્થતાપૂર્વક મેં મારા માથા પર સ્પર્શ કર્યો. આજે કોઈ ભોગવટા કે લઘુતાગ્રંથિ રહિત સ્થિરતા અને સ્વસ્થતા અનુભવી. આજ સુધી નફરત, હતાશા અને ગુસ્સા સાથે, એક ફરિયાદી બનીને જ મેં પોતાની જાતને અને ભગવાનના ન્યાયને અનેકવાર ધિક્કાર્યા હતા.

તમે વિચારતા હશોને કે હું કોણ બોલું છું?

હું સંયુક્તા...

તમારી જ મિત્ર...

તમારો જ પડછાયો...

તમે તમારામાં મને ક્યાંક ને ક્યાંક અદશ્ય જોશો જ...

કદાચ તમે મને નથી ઓળખતા તેથી તમારામાં છૂપાયેલી મારી છબીને પણ નથી ઓળખી શકતા.

જીવનના વિવિધ પાસાઓમાં અટવાઈ જતા હું અને તમે, નજીવી અણસમજણના કારણે, અકારણ હોઠ અને આંખોને ન હસવાની ઉંમરકેદની સજા આપી દેતા હોઈએ છીએ. આજે મને એનો અહેસાસ થાય છે, જ્યારે હું એક નવી દષ્ટિ મેળવ્યા બાદ મુક્ત મને હસું છું, જીવું છું.

બારીમાંથી સીધા જ રૂમમાં પ્રવેશતા પવનની ગતિ વધવા લાગી. ડાયરીના પાના ઊડવા લાગ્યા. એક કરચલી પડી ગયેલું પાનું આંખો સામે આવતા જ મારી આંગળીઓએ તેને રોકી લીધું. નજર એ જૂના દિવસોની યાદમાં દોડવા લાગી.

હા, યાદ છે મને, આ પાના ઉપરની લાલ લાઈનનો કાચો રંગ કેમ નીકળ્યો હતો અને એમાં કરચલીઓ કેમ પડી ગઈ હતી. ઉતાવળે ખરાબ અક્ષરે લખાયેલું એ પાનું આજે મારો ઈતિહાસ બોલી રહ્યું હતું...

‘આજે હું સ્કૂલથી ઘરે આવી ત્યારે ખૂબ વરસાદ આવતો હતો. મારી બધી ફ્રેન્ડ્સ, ખાલી કહેવા પૂરતી, વરસાદમાં ભીની થઈ ગઈ હતી. આમેય ભીના તો થઈ જ ગયા હતા, તેથી અમે બધાએ વરસાદની મજા લેવા ટેરેસ પર જવાનું નક્કી કર્યું. મને પણ વરસાદમાં નહાવાનું બહુ ગમે. હું પણ તેમની સાથે જોડાઈ. ‘આવ સંયુક્તા, કેટલી મજા આવે છે ને અહીંયા.'

‘હા.’ મેં દર વખતની જેમ સંકોચાતા કહ્યું.

‘ચાલો આપણે બધા અંતાક્ષરી રમીએ.’

‘બારીશમેં અંતાક્ષરી... બહોત ખૂબ... બહોત ખૂબ’, શ્વેતા ઊછળી પડી.

શ્વેતા, નેહા, ક્રિષ્ના અને હું બે-બેની ટીમમાં વહેંચાઈ ગયા.

‘યાહુ... ચાહે કોઈ હમે જંગલી કહે...’ શ્વેતા ગીત શરૂ કરતાની સાથે જ જોરથી વરસાદથી ભરાયેલા પાણીના ખાબોચિયામાં કૂદી પડી અને એની પાછળ અમે બધા પણ પાણીમાં છબછબિયા કરવા લાગ્યા.

‘રે મામા... રે મામા... રે...' અંતાક્ષરી જુદા જુદા પિક્ચરના ગીતો સાથે આગળ વધી રહી હતી. જેવા ગીતો આવે એવી એક્શન કરતા કરતા અમે બધા ખૂબ મસ્તીમાં આવી ગયા હતા. જાણે આખી દુનિયાના રાજા ના હોય! મારા શરમ અને સંકોચ હું જાણે ભૂલી જ ગઈ હતી.

દસ-પંદર મિનિટ પછી નેહાએ ચાલુ કર્યું. ‘યે રેશ્મી ઝૂલ્ફે... યે શરબતી આંખે...’

બસ ખલાસ... મારી હકીકત... મારી વાસ્તવિકતા... મારી નારાજગીએ મારી બધી ખુશીઓનો એક સેકન્ડમાં ભોગ લઈ લીધો. મારો ચહેરો ફિક્કો પડી ગયો. બધી ફ્રેન્ડ્સને ગીત પ્રમાણે આંગળીઓથી પોતાના વાળને રમાડતા જોઈને હું ભોઠી પડી ગઈ. મને બધાની ઈર્ષા થવા લાગી. મને થયું કે હમણાં ઘરે જતી રહું પણ એવું કરવા મારા પગ મને સાથ નહોતા આપતા.

‘સંયુક્તા... ચલ હવે તારો વારો, તું ગા હવે...' ક્રિષ્નાએ મને ઝંઝોળી.

મને તો એ પણ ખબર નહોતી કે ગીત ક્યારે પૂરું થયું અને કયા અક્ષર પર અટક્યું. હું મૂંગી રહી કારણ કે બોલવા જાત તો કદાચ રડી પડત. ખૂબ હિંમત ભેગી કરીને આખરે બસ એટલું જ બોલાયું કે ‘મને ઠંડી લાગે છે. હું ઘરે જઉં છું.’

હું ફટાફટ સીડીના દાદરા ઊતરીને નીચે ઘરમાં આવી. રૂમમાં આવીને ખુરશીમાં બેસી ગઈ. ખૂબ ગુસ્સો આવતો હતો. જાત માટેની નફરત અને ઘૃણાથી મન ભરાઈ ગયું હતું. આંખો વરસતા વરસાદની જેમ વરસી રહી હતી. મેં ડાયરી ખોલી અને આંસુવાળી ઝાંખી આંખોથી આ પ્રસંગની પીડા એમાં ઉતારી દીધી. નીતરતી આંખો, ભીના અને ધ્રૂજતા હાથ અને અકળાયેલા મન સાથે લખતા લખતા પાનું પણ ભીનું થઈ ગયું. અને અક્ષરો તો ખૂબ ખરાબ નીકળ્યા હતા.

આજે ફરી આ કરચલીવાળું અને કલર નીકળી ગયેલું પાનું મને એ આખો પ્રસંગ જીવંત બનાવી ગયું.

પણ મારા આજ અને કાલમાં હવે આસમાન-જમીનો ફરક હતો. મેં મારી જિંદગીની ઘણી ખુશીઓને પોતાની લઘુતાગ્રંથિના કારણે દુઃખ અને ભોગવટાની બળતરાવાળી અગ્નિમાં હોમી દીધી હતી. મારું બાળપણ અને યુવાનીની શરૂઆત બધું જ કાયમ માટે ઉદાસીની છાયામાં જ વ્યતિત થયેલું હતું. જીવન જીવવાની આશા પણ ઉંમર વધતાની સાથે સાથે ઘટતી જતી હતી. હું વધારે ને વધારે હતાશાનો ભોગ બનતી ગઈ હતી.

પણ હવે મારે ફરીથી એ તમામ પળોને જીવવી છે. જે કદાચ શક્ય નથી. પણ હા, હું વરસાદની પહેલીવાર રાહ જોઈ રહી છું. મારે હવે વિના સંકોચે એમાં ભીંજાઈને મોરની જેમ નાચવું છે. જ્યારથી મને એક વિરલ વિભૂતિનો સંયોગ પ્રાપ્ત થયો, ત્યારથી જાણે મારું જીવન જ બદલાઈ ગયું. એમણે મને નવું જીવન આપ્યું. નવી દ્રષ્ટિ આપી. એમના પ્રેમ અને કરુણાની ધારાના બે ટીપાએ મને તૃપ્ત કરી. છતાં એ કેમ વધારે ને વધારે મળે એની લાલચ પ્રબળ બનતી ગઈ. મારું મન હવે પોતાનામાંથી ખસીને એમની પાસે દોડી જાય છે. અને કેમ ના જાય? જે સુખની આશામાં હું ક્યારેય શાંતિથી સૂતી નહોતી, એ સુખ એમણે જ મને ચખાડ્યું.

દુનિયામાં ઘણી ખરી વ્યક્તિઓ પૈસાના જોરે, પ્રતિષ્ઠાના જોરે, બુદ્ધિના જોરે કે પછી કોઈ પોતાની આગવી કળાના જોરે પોતાના પગને જમીન પર સ્થિર રાખતા હોય છે. અને જો સ્ત્રીઓની વાત કરીએ તો સૌથી પહેલા દરેકના માનસપટ પર એનો દેખાવ આવતો હોય છે. પહેલી જ નજરે એ કેવી છે એમ જોવાય. પછી એની બુદ્ધિ અંકાય અને કદાચ અમુક જ લોકો ગુણને કિંમત આપે. પણ મારી પાસે તો કદાચ આ બધામાંથી એક પણ વસ્તુની અસામાન્યતા નહોતી. હું સામાન્ય હતી અને આજે પણ છું. બુદ્ધિ અને ગુણની વાત કરીએ તો બુદ્ધિ તો નિરંતર બળતરામાં અને નેગેટિવિટીમાં જ વેડફાઈ ગઈ. અને ગુણ સુધી તો પહોંચી જ ના શકી કારણ કે આખું અંતઃકરણ માત્ર અને માત્ર કેમ કરીને આ જીવનમાં શાંતિથી જીવાય અને કેમ કરીને લોકોનો સામનો કરાય એની જ પીડામાં ખોવાયેલું રહેતું. એમાં જે કોઈ સારા ગુણો હતા, તે પણ જાણે મૃત જેવા થઈ ગયા હતા. રોજ નવા અવગુણો જ જન્મ લેતા. બાકી રહ્યો દેખાવ, તો એના માટે મેં કાયમ નેગેટિવ જ અનુભવ્યું છે. આજે પહેલીવાર મને બાહ્ય દેખાવ ગૌણ લાગ્યું. ત્યાં અચાનક રોનક આવ્યો અને એણે મારી વિચારોની શૃંખલા તોડી...

‘દીદી, આજે નાટક જોવા જવું છે?’

‘હા, જઈએ. બોલ કેટલા વાગે જવાનું છે?’

‘શું વાત છે? તે આજે વગર વિચાર્યે જ જવાબ આપી દીધો?’

‘હા... આજે હું તને ના નહીં કહું. મારે જવું જ છે.’

‘જોરદાર... તો છ વાગ્યાનો શો છે, તું સવા પાંચે તૈયાર રહેજે.’ ‘ઓ.કે., ડન.’ મેં રોનકને હાઈ ફાઈ આપી.

મારો નાનો ભાઈ રોનક... હંમેશાં મને ખુશ કરવા નવા નવા નુસખા અપનાવતો અને હું હંમેશાં તેને ચકનાચૂર કરી નાખતી. મારી ઈચ્છા એ નિરાશ થાય એવી ના હોય પણ મને પોતાને અંદર એટલો બધો અસંતોષ હોય કે જેનાથી કોઈની લાગણીઓ અને ભાવનાઓને સમજવા કે વિચારવાનું પાસું હું ખોઈ બેઠી હતી. સતત પોતાની અંદર જ ખોવાયેલી, ઉદાસ અને સંપૂર્ણપણે હતાશ વ્યક્તિ બીજાને શું ખુશ કરી શકે?

ઘડિયાળમાં સાડા ચાર વાગ્યા. હું તૈયાર થવા ઊભી થઈ. મેં શાંતિથી એક જીન્સ અને ટી-શર્ટ પહેર્યા. મોઢું ધોયું. એક નાનકડી સ્લિંગ બેગમાં વોલેટ અને મોબાઈલ મૂક્યા. અરીસા સામે ઊભી રહી મેં પોતાને એક સરસ કોન્ફિડન્ટ સ્માઈલ આપી.

પોતાની જાતને અરીસામાં જોઈને સ્માઈલ આપવાનું કામ મારા માટે અત્યાર સુધી ખૂબ અઘરું હતું. ડર હતો કે અરીસો પણ મારી મશ્કરી ન કરી બેસે. પણ આજે અંદર નીરવ શાંતિ વર્તાતી હતી. બધું શાંત હતું. મનની અંદર કોઈ પણ જાતના વિચારો નહોતા. બસ, એક અલગ પ્રકારનો આનંદ અને આત્મવિશ્વાસ અનુભવાઈ રહ્યા હતા. હવે હું લગભગ તૈયાર હતી, મારી અંદરની અને બહારની દુનિયાનો સામનો કરવા માટે.

રોનકે બૂમ પાડી, ‘દીદી, દસ મિનિટમાં નીકળીશું. તૈયાર થઈ જજે.’

મેં શોર્ટમાં જ જવાબ આપ્યો, ‘હા, તૈયાર છું.’

હું ફરીથી અરીસા સામે ગઈ. પેહલા પણ ક્યાંય બહાર જવાનું હોય તો મને વારંવાર અરીસા સામે જઈને ઊભા રહેવાની આદત. આ જગ્યા મારા માટે હંમેશાં દુ:ખદાયી જ રહી છે. અરીસા પર પડેલી એક મોટી તિરાડ અને કાચ વગરનો અમુક ભાગ ફરી મને મારા ભૂતકાળમાં ખેંચી ગયા...

મમ્મીની બર્થ ડે હતી. પપ્પા નાટકની ટિકિટો લાવ્યા હતા. નાટક જોઈને અમે બધા બહાર રેસ્ટોરેન્ટમાં જમવા જવાના હતા. પણ મમ્મી તો આજે પણ એવી સાદી જ સાડીમાં તૈયાર થઈ હતી.

દાદીએ કહ્યું, ‘રશ્મિ, આજે તો સારા કપડાં પહેર.’

‘આ સારા જ તો છે.’ મમ્મીની આંખો દાદીને આડકતરી રીતે કંઈક સમજાવવા મથતી હતી.

રોનક બહાર મિત્રો સાથે રમવા ગયો હતો. તે દોડતો દોડતો ઘરમાં આવીને ફટાફટ તૈયાર થયો. એ ખૂબ ઉત્સાહમાં હતો કારણ કે અમે ભાગ્યે જ બહાર ફરવા કે હોટેલમાં જતા. એને હંમેશાં ઘરથી બહાર નીકળતા પહેલા પોતાના વાળને ચાર-પાંચવાર સરખા કરવાની ટેવ હતી. બેસિનમાંથી હાથમાં પાણી લઈને વાળમાં ચોપડ્યું અને ધસમસતો મારા રૂમમાં આવ્યો.

‘એય! શું કરે છે ક્યારની અરીસા સામે? મને તૈયાર થવા દે. ખસ હવે અહીંથી.’ એણે મને મજાકમાં થોડો ધક્કો માર્યો.

મારું ડિપ્રેસ મન પાછું છટકી ગયું, ‘શું સમજે છે તારી જાતને? નહીં ખસું જા.’

‘તારે એટલું બધું શું તૈયાર થવાનું છે?’ હવે એની કમાન પણ છટકી.

‘તું કોણ છે મને કહેવાવાળો.' હવે મારી નબળાઈઓ ક્રોધમાં પરિવર્તિત થઈને બહાર ફૂટવા લાગી.

એક તો ટકલી છે અને રોફ પાર વગરનો કરે છે.' રોનકનો અહંકાર પણ જાગી ઊઠ્યો હતો.

એણે મારી દુખતી નસ દબાવવાને બદલે આખેઆખી કાપી નાખી હોય એવો મને અનુભવ થયો. બાજુમાં ટેબલ પર પેપર વેઈટ પડ્યું હતું. હું ગુસ્સામાં આંધળી થઈ ગઈ હતી. પેપર વેઈટ મેં હાથમાં ઉપાડ્યું. મન તો થયું કે રોનકને બે તમાચા ઠોકી દઉં. પણ અરીસા માટે કકળાટ થયો હતો તેથી એ અરીસાને જ મેં જોરથી ઘા કર્યો. કાચ ફૂટ્યો, કેટલીક તિરાડો પડી અને થોડો કાચ નીચે પડ્યો. મોટો અવાજ થતા બધા રૂમમાં ભેગા થઈ ગયા. મને કોઈ કશું બોલ્યું નહીં. બધા રોનક પર ગુસ્સે થઈ ગયા. જો કે પપ્પાની આંખોમાં મારા માટે ગુસ્સો અને દયા બંને દેખાતા હતા. પણ દાદી અને મમ્મીની હાજરીએ એમને થોડા ઠંડા પાડ્યા. મમ્મીએ આંખોમાં આંસુ સાથે કાચને ધીમેથી ઉપાડ્યા. એની કરચો ક્યાં ક્યાં સુધી ફેલાયેલી હતી.

મેં કાચ તોડયો અને રોનકે મારું મન.

જમીન પર કાચની કરચો ફેલાઈ અને મારા મનમાં હીનતા અને લઘુતાની કરચો ફેલાઈ ગઈ. જાણે મારા હૃદયમાં ખૂંપી ગઈ.

મારા જીવનમાં જે જે કડવા પ્રસંગો બન્યા, તેનો ભોગ હું તો બની જ પણ મારા મમ્મી-પપ્પાને પણ મેં ક્યારેય શાંતિથી રહેવા દીધા નહોતા. મારી સાથે સાથે તેઓ પણ મારા જેટલી જ પીડા અનુભવતા.

હવે બહાર જવાનું આપોઆપ કેન્સલ થઈ ગયું અને દાદી પણ ચૂપચાપ એમના રૂમમાં જતા રહ્યા. રોનક બહારની રૂમમાં જઈને ટી.વી. ચાલુ કરીને બેસી ગયો. મમ્મી રસોડામાં જઈને કામ કરવાનું નાટક કરવા લાગી કારણ કે એ બિચારી મને હમણાં કંઈ કહી શકે એમ નહોતી. એ જો હમણાં કંઈ કહેત તો મારો મિજાજ એના પર ખૂબ ભારે થઈ પડત. તેથી થોડો સમય વીત્યા પછી જ એ મને એનો પ્રેમ અને હૂંફ આપીને શાંત કરતી. મારા પગ અને હાથ હજી પણ ગુસ્સામાં ધ્રૂજતા હતા. પપ્પાએ નાટકની ટિકિટો ફાડીને ડસ્ટબીનમાં ફેંકી દીધી. તેઓ ચૂપચાપ મારા માથા પર હાથ ફેરવીને બહાર જતા રહ્યા. મમ્મીનો બર્થ ડે અંતે ખીચડી ખાઈને જ ઊજવાયો.

બિચારી મમ્મી... હંમેશાં મારા લીધે સપડાઈ જતી. હું પણ બધું ભાન ભૂલીને માત્ર અને માત્ર પોતાનામાં કેન્દ્રિત થઈ જતી હતી. અને એટલે જ ત્યારે મને કોઈની પીડાનો અહેસાસ નહોતો થતો. પોતે ડૂબતો હોય તેને બીજાને બચાવવાનો વિચાર ક્યાંથી આવે?

‘દીદી... ચાલ હવે મોડું થઈ જશે.' રોનક રૂમમાં આવ્યો અને હું પાછી વર્તમાનમાં ફરી.

To be continue....