તારી પીડાનો હું અનુભવી - ભાગ 8 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 8

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એવું લાગ્યું કે જાણે બધા કોઈ સેન્સિટિવ ટોપિક પર વાત કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ તંગ લાગતું હતું.
‘આ અત્યારના છોકરાંઓને શું થઈ ગયું છે ખબર નથી પડતી.’ અંદરના રૂમમાંથી આવી રહેલા દાદીના અવાજમાં દુઃખ છલકતું હતું.
‘ખરેખર, આટલી નાની નાની વાતોમાં આવું કરે છે. બિચારા મા-બાપ શું કરે?’ મમ્મી પણ એટલી જ ઉકળાટમાં જણાતી હતી.
‘રોનકને કંઈ કહેતા નહીં. હજુ એ છોકરું કહેવાય.’ દાદીએ મમ્મીને કડક અવાજમાં કહ્યું.
‘અરે બા, એ તો સોસાયટીમાંથી ખબર પડ્યા વિના રહેવાની જ નથી.’
‘છતાં આપણે બહુ ચર્ચા ના કરવી ઘરમાં.’
આ શું ચર્ચા થઈ રહી હશે? ભારે મન સાથે મેં રૂમ તરફ માંડ પગલા ભર્યા.
‘શું થયું?’ મેં ચિંતિત થઈને પૂછ્યું.
‘આવી ગઈ બેટા?’ બાએ પ્રેમથી કહ્યું.
‘બહુ મોડું કર્યું તે આજે?’ મમ્મીએ વાત બદલતી હોય એમ કહ્યું.
‘શું વાત છે?’ તમે કેમ આટલા ટેન્શનમાં લાગો છો?’
‘કંઈ નથી.’ મમ્મી ફરીથી વાતને ઢાંકવા લાગી.
‘મને ખબર છે કે તમે કોઈ સીરિઅસ વાત કરી રહ્યા હતા. કેમ નથી કહેતા મને?’
‘અરે બેટા, કંઈ કહેવા જેવું હશે તો તારી મમ્મી તને કહેશે જ ને? અમે તો એમ જ આ છાપામાં રોજ બધું આવે છે એની વાતો કરતા હતા.’
‘સારું દાદી, તમને ના કહેવું હોય તો વાંધો નહીં. એમ પણ હું બહુ થાકી ગઈ છું.’ મનેય ક્યાં રસ હતો પરાણે ભારેભરખમ વાતો સાંભળવામાં.
મારું માથું દુખવા લાગ્યું. બા અને મમ્મી મને નાની છોકરી ગણીને મારાથી અમુક વાતો છુપાવે છે, એની મને અકળામણ થવા લાગી. જો કે એમાં એમનો પણ શું વાંક હતો. પહેલાની સંયુક્તા એમ પણ માથાભારે જ તો હતી. ચલો હશે. જે હશે તે પછીથી ખબર પડશે.
‘મમ્મી, મને માથું બહુ દુખે છે. ચા બનાવી આપીશ? હું દવા લઈને થોડીવાર સૂઈ જઉં.’
‘બેટા, ચાની સાથે થોડું ખાઈ લે તો સારું.’
‘સારું.’
થોડું ખાઈને, દવા લઈને, હું રૂમમાં ગઈ. પલંગમાં પડીને માથા પર હાથ દબાવતા દબાવતા સૂવાની કોશિશ કરવા લાગી. ક્યારે ઊંધ આવી ગઈ ખબર ના રહી.
બીજા દિવસે મારું મન ફરીથી વિચારે ચઢ્યું. એવી તે શું વાત છે, જે આ લોકો મને અને રોનકને નથી જણાવવા માંગતા?
સવારે નાહીને નાસ્તો કરવા બધા ભેગા થયા. હું કિચનમાંથી પ્લેટ્સ અને ચાના કપ લેવા આગળ વધી.
‘દીદી, આજે શું પ્લાન છે તારો?’
‘કંઈ ખાસ નહીં.’
‘તો નાસ્તો પતાવીને રૂમમાં મળીએ.' રોનક થોડો વ્યથિત લાગ્યો.
‘ઓ.કે.’
નાસ્તાના ટેબલ પર રોજની જેમ થોડા ન્યૂઝની અને આસપાસની ચર્ચાઓ ચાલી. નક્કી કર્યા મુજબ હું રોનકના રૂમમાં પહોંચી.
‘બોલ, શું વાત છે? તું થોડો ડિસ્ટર્બ લાગે છે.’
‘એક્ચુઅલી... તને ખબર છે, કાલે શું થયુ?’ રોનકે પાછી કાલની વાત છેડી.
‘ના. શું થયું? મને તો કોઈએ કંઈ કીધું જ નહીં.’ મારી ધીરજ પણ ખૂટી ગઈ હતી.
‘પેલો ચિંતન, જે પાછળની સોસાયટીમાં રહેતો હતો ને?’
‘હા, પેલો તોફાની... યાદ છે મને. તો શું થયું છે એને?’
‘દીદી, એ ઘર છોડીને જતો રહ્યો.’
‘ઘર છોડીને? પણ કેમ?’
‘સાંભળ્યું છે કે એને પેઈન્ટર બનવું હતું. એના પપ્પાએ એને આવા મામૂલી કામ માટે ઠપકો આપ્યો અને એન્જિનિઅરિંગ કરવા માટે ફોર્સ કર્યો એના કારણે.’
‘બસ, આટલામાં ઘર છોડીને જતો રહ્યો?’
‘તને આટલું લાગે છે, પણ એને બહુ અપમાનજનક લાગ્યું હશે તો જ એવું કર્યું હોય ને?’
‘ખબર નહીં પણ બધાના મન બહુ નબળા થઈ ગયા છે આજકાલ.’
‘મને તો વાત જ માનવામાં ના આવી. હજી ચાર દિવસ પહેલા જ એ સોસાયટીના જીમમાં મળ્યો હતો.
‘તને ક્યાંથી ખબર પડી?’
‘ફ્રેન્ડ્સ પાસેથી.’
‘મમ્મીને પણ ખબર જ હશે ને?’
‘હા.’
‘મને તો એ લોકોએ કંઈ ના કહ્યું.’
‘બા અને મમ્મીને એવી ફિકર છે કે આવી વાતોની ક્યાંક આપણા ઉપર નેગેટિવ અસર ના થઈ જાય એટલે.’
‘આપણે થોડા આવું કરવાના છીએ?’
‘પણ એમને એવો ડર લાગે છે.’
‘કદાચ એ લોકોને હજી પણ મારા પહેલાના વર્તનના કારણે જ આવું થતું હશે.’
‘છોડને દીદી. વીતી ગયેલી વાતો.’ રોનકે મારો હાથ દબાવતા કહ્યું.
‘શું કરું? આજકાલ બધાના કેસ ડિપ્રેસિવ જ લાગે છે.’
‘કદાચ તું સાચું કહે છે. જ્યારથી બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, ત્યારથી છાપામાં પણ ખરાબ સમાચાર વાંચી વાંચીને હું થાકી ગયો છું. કોઈ સ્યૂસાઈડ કરે છે તો કોઈ...’ સ્યૂસાઈડ શબ્દ બોલતા બોલતા અચાનક જ રોનક ચૂપ થઈ ગયો.
‘ઈટ્સ ઓ.કે., તું પણ ભાર ના રાખીશ વીતેલી વાતોનો.’ મેં રોનકને મારા ભૂતકાળમાંથી બહાર કાઢ્યો.
‘હા.’
‘એના પેરેન્ટ્સ બહુ ચિંતામાં હશે. નહીં?’
‘હા.’
ત્યાં રોનકના મોબાઈલ પર ફોન આવ્યો અને એ રૂમમાંથી બહાર ગયો. ચિંતનની વાત સાંભળીને હું નર્વસ થઈ ગઈ. એ છોકરો તોફાની ખૂબ પણ આમ લાગણીશીલ પણ હતો. એણે આવું પગલું ભરી લીધું? ક્યાં ગયો હશે? આમ વિચારતા વિચારતા હુંય મારા ભૂતકાળમાં સરી પડી...
મનેય કેટલીવાર એવું થતું હતું કે આ ઘર, આ દુનિયા, બધાથી ભાગીને ક્યાંક જતી રહું. પણ જવાનું ક્યાં? કોઈ એવી જગ્યા જ નથી. એ અપમાનના દિવસોની માનસિક વેદના એટલી અસહ્ય લાગતી કે મારાથી ના જીવાય, ના મરાય એવી હાલત થઈ જતી. આ જીવનમાં એવી ફસામણ લાગતી કે જેમાંથી છટકવાની કોઈ જગ્યા જ ના જડે.
મને મિરાજ યાદ આવી ગયો. કોઈ પણ વાતમાં પ્રેશર કેવું ભયંકર પરિણામ લાવે છે. ચિંતન તો જતો રહ્યો. ખબર નહીં એનું શું થશે, પણ મિરાજને તો હું નજરે જોઈ રહી છું. અને મિરાજને મદદરૂપ થવાની મારી ભાવના દ્રઢ બની.
અઠવાડિયામાં જ હું, મીત ને મિરાજ ફરી મળ્યા. આ વખતે અમે બીચ પર મળ્યા. ગયા વખતે મિરાજ થોડો ઓપન થયો હતો, એ જોઈને મીત બહુ ખુશ હતો. કેમ કરીને મિરાજ ડિપ્રેશનમાંથી બહાર આવે, એની એ ઈચ્છા એની આંખોમાંથી બહાર ડોકિયા કરી રહી હતી.
‘હાય મિરાજ. કેમ છે?’ મેં શાંતિથી પૂછ્યું.
મિરાજે સહેજ સ્માઈલ કરી, પણ એના મનમાં ઘણો ભાર હતો, એવું સ્પષ્ટ જણાતું હતું.
‘મિરાજ, કદાચ અત્યારે હું તારી વ્યથાને એક્ઝેટ નહીં સમજી શકતી હોઉં, બટ આઈ કેર ફોર યૂ અને આઈ વોન્ટ ટૂ હેલ્પ યૂ.’
હું મિરાજની પરિસ્થિતિ અને હાલતને શબ્દોમાં સાંભળવા માટે સજ્જ બની. હજી ઘણું બધું એવું હતું જે ખાલી થવાનું બાકી હતું.
‘દીદી, મમ્મી-પપ્પા મારા પર જે ભણવાનું પ્રેશર મૂકતા હતા, એ મારાથી સહન નહોતું થતું. આખરે મારી પણ ઈચ્છાઓ છે... શોખ છે... શું આપણી લાઈફ માટે આપણી ચોઈસ નથી જોવાતી? મમ્મી-પપ્પા કહે એ જ ભણવાનું? એ જ કરવાનું? મને બહુ સફોકેશન થતું હતું. પણ મારું સફોકેશન ખાલી કરવા માટે મારી પાસે કોઈ નહોતું, મીત પણ નહીં. અમે બધા સાથે એક જ ઘરમાં રહેતા હતા, પણ ખબર નહીં મને એવું લાગવા લાગ્યું હતું કે હું એકલો પડી ગયો છું. મને બોજો લાગતો હતો. આ દરમિયાન હું પરમના ટચમાં આવ્યો.’
‘પરમ? યોર સ્કૂલ ફ્રેન્ડ?’
‘મારો ક્લાસમેટ અને અમારા ઘર પાસે જ રહે છે. પહેલા અમારી હાય હેલ્લોથી વધારે ખાસ વાત નહોતી થતી. પણ પછી સાયન્સના એક પ્રોજેક્ટમાં અમે સાથે કામ કર્યું, ત્યારથી અમે નજીક આવ્યા. એક દિવસ ફોનની રિંગ વાગી.
‘હેલ્લો.’
‘હેલ્લો મિરાજ, શું કરે છે?’ સામે છેડેથી પરમે પૂછ્યું.
‘કંઈ ખાસ નહીં.’
‘તો આવી જા ઘરે. હું પણ કંટાળું છું. મારા ઘરે કોઈ નથી. આપણે સાથે બેસીને થોડું સાયન્સના પ્રોજેક્ટનું કામ કરી લઈએ.’
‘ઓ.કે. આવું છું.’
દસ મિનિટમાં હું પરમના ઘરે પહોંચ્યો. એ દિવસે હું પહેલીવાર એના ઘરે ગયો હતો. ઘરમાં બધે જ રિચ લાઈફ સ્ટાઈલ ઝળકતી હતી. પરમને સ્કૂલમાં જોઈને એ આટલો વેલ ટૂ ડૂ ફેમિલીનો છે એવી ખબર ન પડે.
‘મેગીની સ્મેલ આવે છે. ' મેં પરમના ઘરમાં પહોંચતા જ કહ્યું.
‘હા યાર, મમ્મી નથી એટલે બંદા જાતે મેગી સિવાય બીજું શું બનાવી શકે? પરમે સ્માઈલ કરતા કહ્યું.
‘ચાલ, મારા રૂમમાં બેસીએ.' એણે મને પોતાના રૂમ તરફ લઈ જતા કહ્યું.
અમે બંને એના રૂમમાં ગયા. ત્યાં બધું જેમ તેમ પડ્યું હતું, જે પરમની આળસની ચાડી ખાતું હતું. એણે પલંગમાં ફેલાવેલા સ્કૂલ યૂનિફોર્મ, હેડ ફોન, ઈયર પ્લગ અને બીજો સામાન ઉપાડીને સાઈડમાં મૂક્યા અને મને ત્યાં બેસવા કહ્યું.
પલંગની બાજુના ટેબલ પર લેપટોપ ચાલુ હતું.
‘તે રિસર્ચ શરૂ કરી દીધું?’ મેં પૂછ્યું.
‘હા, કર્યું તો ખરું પણ બહુ કંટાળો આવતો હતો, એટલે તને બોલાવ્યો.’
એટલામાં મોબાઈલમાં મેસેજ આવ્યો. પરમે મોબાઈલ હાથમાં લીધો.
‘અત્યારે...’ પરમના મોઢા પર લાંબું સ્મિત ફરક્યું અને આંગળીઓ ફટાફટ મેસેજ કરવામાં વ્યસ્ત થઈ ગઈ.
‘શું થયું? કોણ છે?’ મને જાણવાની ઉત્સુકતા થઈ.
‘અરે કંઈ નહીં. હમણાં મારી એક નવી ચેટ ફ્રેન્ડ બની છે. ફ્રી હોઈએ ત્યારે અમે બંને થોડી વાતો કરી લઈએ.
‘ચેટ ફ્રેન્ડ? કોણ છે?’
‘વેલ, આઈ રિયલી ડોન્ટ નો હર. બટ સ્ટિલ આઈ નો હર વેરી વેલ.
‘મીન્સ?’
‘અરે યાર, ચેટ ફ્રેન્ડ છે, એટલે રિયલમાં હું ક્યારેય એને મળ્યો નથી. શી ઈઝ ઈન દિલ્હી. બટ વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. અમે રોજ એકવાર તો વાત કરી જ લઈએ.’
પરમની વાત સાંભળીને મારા ચહેરા પર પ્રશ્નાર્થભર્યું શૂન્ય છવાઈ ગયું. મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા.
‘એમાં આટલું શોક લગાડવા જેવું શું છે? ખરેખર, તું બહુ સીધો છે યાર.’
‘મારા ઘરમાં આવું બધું અલાઉડ નથી.’ પરમની કમેન્ટથી મને ઈન્ફિરિઅર ફીલ થવા લાગ્યું એટલે મે સ્વબચાવ કર્યો.
‘આમાં કંઈ ખરાબ નથી. જેમ આપણે બીજા ફ્રેન્ડ્સ સાથે વાતો કરીએ છીએ, એમ આ પણ ફ્રેન્ડ્સ જ છે. ઊલટું આમાં નવા નવા લોકોને મળવાનો અને ઓળખવાનો સ્કોપ મળે. અને સાચું કહું તો અજાણ્યા હોય તો વાતો કરવાની પણ વધારે મજા આવે! બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય, અલગ અલગ કલ્ચરના હોય... ક્યારેય એકબીજાને જોયા પણ ના હોય. પેલા તો રોજ મળતા હોય અને આપણી ગેરહાજરીમાં બીજા ફ્રેન્ડ પાસે આપણી બૂરાઈ પણ કરતા હોય. જ્યારે અહીંયા એવું કંઈ જ ના હોય.’ પરમ નોન સ્ટોપ બોલતો રહ્યો.
‘યૂ મીન... આમાં બધુ ગુડી ગુડી હોય?’ મેં તરત જ પૂછ્યું.
‘નોટ એક્ઝેક્ટલી, બટ યસ યુ કેન સે સો.’
‘તો તારી ચેટ ફ્રેન્ડ દિલ્હીની છે?’
‘આમ તો ઈન્ડિયન જ છે પણ બોર્ન એન્ડ બોટ અપ ઈન અમેરિકા.’
‘ઓહ. એ કહે એ બધું સાચું જ હોય?’
‘મને તો લાગે છે કે સાચું જ બોલે છે. વી બોથ ટ્રસ્ટ ઈચ અધર.’
‘આ બ્લાઈન્ડ ટ્રસ્ટ ના કહેવાય?’ મારા મનમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યા હતા.
‘આઈ ડોન્ટ થિંક સો.’
હું પરમની વાત ગળે ઉતારવાની ટ્રાય કરી રહ્યો હતો.
‘અને હમણાં આજે જ બીજી એક નવી ફ્રેન્ડ બની છે. એ બેંગ્લોરની છે.’
‘એક જ દિવસમાં ફ્રેન્ડ બની ગઈ?’
‘હા. શી ઈઝ નાઈસ. આઈ લાઈક નોન ગુજરાતી પીપલ મોર ધેન દેશી ગુજરાતીઝ. આપણા બધા દેશી લોકો કરતા આ લોકોની થિંકિંગ અને લાઈફ સ્ટાઈલ જુદા હોય, એટલે એ લોકો સાથે વાતો કરવાની મજા આવે. ધે આર વેરી સ્માર્ટ એન્ડ ઓપન માઈન્ડેડ.’
મારી સાથે વાત કરતા કરતા પરમ ચેટ પણ કરતો હતો. સામેથી પણ ફટાફટ મેસેજ આવી રહ્યા હતા. મને પરમનું આવું રૂપ પહેલી નજરે ગમ્યું તો નહીં, પણ મારી ઉત્સુકતા બહુ વધી ગઈ.
‘ચાલો, આ મેડમને અત્યારે બાય કહી દીધું, પછી મનાવી લઈશ.’
‘એમાં વળી મનાવવાનું શું? ફ્રેન્ડ હોય તો થોડું તો સમજે જ ને.’
‘અરે, અમે રોજ આ ટાઈમે ચેટ કરીએ છીએ કારણ કે, અત્યારે જ એને ફ્રી ટાઈમ મળે છે. એટલે થોડી ગુસ્સે થઈ ગઈ છે. અને તને તો ખબર છે ને છોકરીઓને રિસાતા વાર ના લાગે.’
‘ચેટ ફ્રેન્ડ રિસાય? અને ગુસ્સે પણ થાય? લુક્સ વિઅર્ડ...’
‘અરે, આ તો મારી જૂની ફ્રેન્ડ છે, એટલે અમારા બંન્નેમાં રિસાવા-મનાવવાનું ચાલુ જ હોય છે. તું નહીં સમજે.’ પરમે માથા પર હાથ ફેરવતા કહ્યું.
‘આ વળી શું બલા... ઈન્વિઝિબલ ફ્રેન્ડ્સને પણ મનાવવાના?’
‘તું કેમ આટલો નેગેટિવ છે? રહેવા દે. ઈટ્સ નોટ યોર કપ ઓફ ટી. ચાલ, પ્રોજેક્ટનું કામ શરૂ કરીએ. પછી આ મેડમને પણ ટાઈમ આપવો પડશે.’
‘ઈટ્સ નોટ યોર કપ ઓફ ટી.’ પરમની આ કમેન્ટ મારા દિલમાં સોંસરવી ઊતરી ગઈ. હું આઉટ ડેટેડ નથી એવું સિદ્ધ કરવાનું મન થયું, પણ પરમની સામે શું બોલવું એ સમજાયું નહીં. પોતાનું ખરાબ ના દેખાય, એટલે વાતને બદલવા માટે મેં મોબાઈલમાં ટાઈમ જોયો.
‘હા, ચાલ જલદી કરીએ. મારે કલાકમાં ઘરે જવું પડશે. સાત તો વાગી ગયા.’
‘પરમના ચેટિંગના ચક્કરમાં ટાઈમ ક્યાં જતો રહ્યો એની ખબર જ ન પડી. મને થોડો કંટાળો પણ આવ્યો હતો, કારણ કે હું આવ્યો ત્યારથી બેસી જ રહ્યો હતો. ખરેખર કંટાળા કરતા વધારે દુઃખ અપમાનનું હતું. ભણવામાં મારાથી પાછળ રહેનારા પરમની સામે આ બાબતમાં હું નીચો પડી ગયો હોઉં એવું લાગવા લાગ્યું.
થોડીવાર અમે બંનેએ ભેગા થઈને બધું રિસર્ચ કર્યું. જરૂરી ડેટા સ્ટોર કરી લીધો. એટલામાં પાછા મોબાઈલમાં મેસેજ આવવા લાગ્યા. પરમ ફરી એમાં ખોવાઈ જાય એ પહેલા મેં કહ્યું, ‘તું મને આ બધું મેઈલ કરી દેજે. હું પછી એમાંથી મારી રીતે પોઈન્ટ્સ બનાવી દઈશ.’
‘હા, હમણાં જ મેઈલ મોકલી દઉં.’ પરમે તરત જ મને ડોક્યુમેન્ટ મેઈલ કરી દીધો.
પરમના મોબાઈલ પર ધડાધડ મેસેજ આવવાના શરૂ થઈ ગયા અને ફોન પર રિંગ વાગી.
‘આને ધીરજ જ નથી.’ એણે લેપટોપ પડતું મૂકીને મોબાઈલ હાથમાં લીધો.
‘કોણ છે?’ મેં પૂછ્યું.
‘એ જ નીકી.’
‘તારો નંબર પણ છે એની પાસે?’
‘હા.’ પરમે સહજતાથી કહ્યું.
‘તારા ઘરમાં કોઈને આ બધાનો પ્રોબ્લેમ નથી?’ મારાથી પૂછ્યા વિના રહેવાયું નહીં.
‘ના, એમાં શું પ્રોબ્લેમ? મમ્મીને ખબર છે કે હું નીકી સાથે વાતો કરું છું. મારા ઘરમાં બધા બ્રોડ માઈન્ડેડ છે. એવા કોઈ રિસ્ટ્રિક્શન નથી.’ પરમે ગર્વથી ખભા ઊંચા કરીને કહ્યું.
હું પરમને બાય કહીને, ત્યાંથી નીકળી ગયો.
મીત એકીટસે મિરાજને જોઈ રહ્યો અને હું મીતને. કોફી શોપમાં થયેલી અમારી વાતચીત વખતે પણ મીતે આ વાતને પોઈન્ટ આઉટ કરી હતી. શું પરમનું આ ચેટ ફ્રેન્ડનું ચક્કર મિરાજના જીવનમાં કોઈ રીતે કનેક્ટેડ હશે? હું અને મીત એક જ પ્રશ્નાર્થ પર અટકી ગયા.
મિરાજની વાર્તા હજી શરૂ જ થઈ હતી. આગળ કયા નવા ચેપ્ટર અને પાત્રો ઉમેરાશે એ જોવાનું બાકી હતું.