તારી પીડાનો હું અનુભવી - ભાગ 6 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 6

મમ્મી કાયમની જેમ રસોડામાં વ્યસ્ત હતી.
‘રોનક ક્યાં છે?’
‘બહાર ગયો છે, આવતો હશે.’
મમ્મી નાસ્તાની પૂરી બનાવતી હતી. મેં એક-બે પૂરી ખાધી અને પાણી પીધું. મને હતું કે મમ્મી મને પૂછશે કે મીતને મળવા ક્યાં ગઈ હતી અને શું વાતો કરી. પણ મમ્મીએ કંઈ ના પૂછ્યું. મમ્મીની આ ઓપનનેસ મને સ્પર્શી ગઈ. જો કે એ સાધારણ રીતે મારી ઈન્કવાયરી કરત તો પણ મને કોઈ વાંધો નહોતો. મા તરીકે એને હક છે પૂછવાનો.
ક્યારેક સંબંધોમાં કોઈ સવાલ-જવાબ હોય કે ના હોય પણ એમાં વિશ્વાસનું બળ હોય એ અગત્યનું છે. અને જો કોઈ આવો વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ કેમ કરીને તોડી શકાય?
રોનક ક્યારે ઘરમાં આવી ગયો એની અમને ખબર ના પડી. પણ બહાર રૂમમાંથી આવતો ટી.વી.નો મોટો અવાજ એની હાજરીની ચાડી ખાતો હતો. હું રસોડામાંથી બહાર ગઈ.
‘ક્યાં જઈ આવ્યો?’
‘ક્યાંય નહીં. એમ જ લટાર મારી આવ્યો થોડીવાર. ઘરમાં બોર થતો હતો.’
‘અને તું ક્યાં જઈ આવી?’
‘હું મીતને મળવા ગઈ હતી.’
‘હા, મમ્મી કંઈક કહેતી હતી, એના ભાઈને થોડો પ્રોબ્લેમ છે એવું.’
‘હા, આપણને વાત કરવાનો ટાઈમ જ ક્યાં મળ્યો છે? તું તારામાં બિઝી હોય છે.’
‘એવો પણ કંઈ બિઝી નથી, તું કહે ત્યારે તારા માટે તો ફ્રી જ છું.’
ત્યાં જ રોનકના મોબાઈલની રિંગ વાગી. મારી સામે જોતાં એ ઝાંખો પડી ગયો. પણ મેં એની સામે સ્માઈલ આપી એટલે એને રાહત થઈ.
‘એક્સક્યુઝ મી પ્લીઝ' કહી એ બહાર જતો રહ્યો.
હવે હું એકલી પડી. મન વિચારોમાં ખોવાયેલું હતું. હું બહાર વોક કરવા નીકળી. મારા ઘરની બહાર વોક કરવાની થોડી ખુલ્લી જગ્યા હતી, પણ આજે મને ટેરેસ પર જઈને વોક કરવાનું મન થયું. આખી ટેરેસ ખાલી હતી - ફક્ત હું અને મારા વિચારો. મેં ઉપરથી નીચેનો નજારો જોયો. બધા પોતાના રોજબરોજના કામોમાં વ્યસ્ત હતા. છતાં, ક્યાંક કોઈ ટેકનોલોજીથી વ્યસ્ત જીવનમાંથી થોડી પળો ચોરી કરીને નિર્દોષ આનંદ માણી રહેલા દેખાયા. બાજુના ફ્લેટની બે છોકરીઓ બેડમિન્ટન રમી રહી હતી.
મને અચાનક કંઈક સૂઝ્યું. અઠવાડિયા પછી, ફરીથી મિરાજને મળવાનું નક્કી કર્યું.
આજની મુલાકાત પહેલા દિવસ કરતા થોડી વધારે સારી રહેશે એવી આશાએ હું એના ઘર પાસે પહોંચી.
‘હું તારા બિલ્ડિંગ નીચે ઊભી છું. તમે લોકો નીચે આવી જાવ.’ મેં મીતને કોલ કર્યો.
‘હા, આવીએ.’
પાંચ મિનિટ પછી મિરાજ અને મીત નીચે આવ્યા.
‘ઘરે આવવું હતું ને?’ મીતે તરત જ કહ્યું.
‘ના. ક્યારેક ફ્રેશ એરમાં વધારે મજા આવે. બારી-બારણાં, છત, દીવાલો ક્યારેક મને બંધન જેવી લાગે છે.’
‘ઐ નાસમજ, બંધ દીવારો કે પીછે જિયા તો ક્યા જિયા હૈ,
ઐ નાસમજ, બંધ દીવારો કે પીછે જિયા તો ક્યા જિયા હૈ,
ખુલે આસમાન કે નીચે દેખ, ખુશીયોને બસેરા કીયા હૈ.’
‘વાહ... વાહ... ક્યા શેર મારા હૈ... શુક્રિયા... શુક્રિયા...’ જાતે શેર કહીને પોતાના જ વખાણ કરતા મીતે એક નવા જ અંદાજમાં વાતાવરણને પ્રફુલ્લિત બનાવવાની ટ્રાય કરી.
‘આને શેર કહેવાય?’
‘આઈ ડોન્ટ નો. મોકા ભી હૈ ઔર દસ્તૂર ભી... તો મૈને ચોકા માર દિયા. બટ ઈફ યૂ ડોન્ટ લાઈક ધેન આઈ વિલ ઈમ્પ્રુવ માયસેલ્ફ.’
‘તું ક્યારેય નહીં બદલાય પણ ધીસ ટાઈમ ઈટ વોઝ બેટર, નોટ ફાલતુ.’ મેં કહ્યું.
‘થેન્ક યૂ. પણ આમ તો હું અને મારી ફાલતુ કમેન્ટ્સ એ બંને ભેગા થઈએ ત્યારે જ મારું અસ્તિત્વ બને છે.’
‘મિરાજ, આ તારો ભાઈ, એની વાતોથી તને કેટલું ટોર્ચર કરતો હશે, એ વિચારીને મને તારી દયા આવે છે.’ મેં મજાકમાં કીધું.
‘આજકાલ બધાને મારી દયા જ આવે છે.’ મારી વાતને મિરાજને સીરિઅસ કરી દીધો અને મિરાજે મીતના ઉમળકાને ઠંડો પાડી દીધો. કદાચ રોંગ શબ્દો રોંગ ટાઈમે વપરાઈ ગયા.
‘તને વોક કરવાનું ગમે?’ મેં વાતને વાળતા કહ્યું.
‘બહુ ખાસ નહી.’ મિરાજે ફિક્કો જવાબ આપ્યો.
‘અહીં બાજુમાં પાર્ક છે, ત્યાં જરા આંટો મારી આવીએ? મને ખરેખર જવું છે ત્યાં. થોડું ચેન્જ લાગશે મને. તું આવીશ સાથે?’
‘ઓ.કે.’
‘અને જો, હું તો આજે બેડમિન્ટન રમવાના મૂડ સાથે આવી છું. હોપ કે તમે બંને મને નિરાશ નહીં કરો.’
‘સોરી દીદી, હું ખાલી પાર્કમાં આવીશ. મને કંઈ રમવું નથી.’
‘નો પ્રોબ્લેમ. તું કંપની આપીશ એ જ મારા માટે બહુ છે.’
મિરાજની સાથે મિક્સ થતા હજી થોડીવાર લાગશે એવું મને લાગ્યું. હવે મીત મૌન થઈ ગયો હતો. કોણ જાણે એના મનમાં શું ચાલતું હશે. જે પણ વિચારતો હશે તે મિરાજ માટે જ હશે.
અમે પાર્કમાં પહોંચ્યા. સાંજનો સમય હતો એટલે ઠંડક અનુભવાતી હતી. વળી ચાલુ દિવસ હોવાથી ભીડ ઓછી હતી. એટલે જ મેં શનિ-રવિમાં આવવાનું ટાળ્યું હતું.
પાર્કમાં જતા જ એક પતંગિયું મિરાજના ખભા પર આવીને બેઠું.
મિરાજ જરા અટક્યો.
આઈ થિંક ઈટ લાઈક્સ યૂ.’ મેં કહ્યું.
‘નો બડી લાઈક્સ મી.’
મીત મિરાજ તરફ જોઈ જ રહ્યો. પણ એણે પોતાની લાગણીઓને મિરાજ પાસે વ્યક્ત ના થવા દીધી.
મિરાજે પગ આગળ ઉપાડ્યો ત્યાં જ પતંગિયું ઊડી ગયું. લીલાછમ ઘાસથી છવાયેલી એક મોટી ખુલ્લી જગ્યાએ અમે અટક્યા.
‘અહીંયા બેસવું છે?’
‘ઓ.કે.’ મીતે સહમતી આપી.
મિરાજનો કોઈ ઓપિનિયન હતો જ નહીં. હું આજુબાજુ જોવા લાગી. થોડા માણસો ચાલવામાં અને થોડા કસરતમાં બિઝી હતા. દૂર ત્રણ-ચાર આન્ટીઓનું ટોળું બેઠું હતું.
‘હું નાની હતી, ત્યારે ક્યારેક પપ્પા અમને અહીંયા લાવતા હતા.’
‘હા, મને ખબર છે.’ મીતે કહ્યું.
‘તને કેવી રીતે ખબર?’
‘ક્યારેક તને જોઈ હતી અહીં લપસણી અને હિંચકા તોડતા.’
‘વ્હોટ?’
‘આઈ મીન લપસણી અને હીંચકા ખાતા.’
મિરાજ આછું હસ્યો. મને મારું લાગ્યું.
‘હું એક સવાલ પૂછું એનો જવાબ આપો. જોઈએ તમારા બંનેમાં કોણ
ઈન્ટેલિજન્ટ છે.’
મીતે કોલર ઊંચા કર્યા.
‘હાથીને પાંજરામાં કેવી રીતે બંધ કરાય?’
‘હાથીને?’ મીત વિચારમાં પડી ગયો.
‘મિસ્ટર ઈન્ટેલિજન્ટ... બોલો.’
મિરાજ ચૂપ હતો.
‘એની સાઈઝનું પાંજરું હોવું જોઈએ તો કરાય.’ મીતે કહ્યું.
‘રોગ.’
‘તો તું જ કહી દે આનો જવાબ.’
‘સિમ્પલ... પાંજરાનો દરવાજો ખોલીને પછી હાથીને પાંજરામાં પૂરાય.’
‘ધેટ વોઝ નોનસેન્સ.’
‘આપણે નોનસેન્સ વાતો જ કરવાની છે. તું નોનસેન્સ જવાબ આપીને તો બતાવ. એ પણ એક ટેલેન્ટ છે.’
‘હવે બીજો... ઊંટને પાંજરામાં કેવી રીતે મૂકાય?’
‘પાંજરાનો દરવાજો ખોલીને.’ મીતે ગર્વથી કહ્યું.
‘રોંગ.’
‘હવે એ કેમ રોંગ?’
‘હાથીને પાંજરામાંથી કાઢીએ પછી ઊંટને મૂકાય ને?’
‘આ તો સૂપર નોનસેન્સ હતું.’
હવે તો મિરાજ પણ હસી પડ્યો.
‘કમ ઓન મિરાજ, હવે છેલ્લા પ્રશ્નનો જવાબ તારે આપવાનો છે.’
‘આઈ વિલ ટ્રાય દીદી.’
‘સિંહ અને સિંહણના લગ્ન થવાના હતા. બધા એમના લગ્નમાં ગયા પણ એક પ્રાણી ના ગયું. એ કોણ હતું?’
‘એ, જેને સિંહ ખાઈ ગયો હશે.’ મીત ફુલ કોન્ફિડન્સથી જવાબ આપ્યો.
‘રોંગ.’
‘મિરાજ, તું બોલ કોણ હશે એ?’
‘મને સાચે જ નથી ખબર, દીદી.’
‘ઓ.કે., તો કહી દઉં?’
‘હા મારી મા કહી દે.’ મીતે બે હાથ જોડતા કહ્યું.
‘ઊંટ કારણ કે એ પાંજરામાં હતો.’
‘હા... હા... હા...’ મિરાજ એકદમ હસી પડ્યો.
‘ધેટ વોઝ સો ફની સંયુક્તા. આટલા બકવાસ જોક્સ ક્યાં સાંભળે છે તું?’ મીતે હસતા હસતા કહ્યું.
‘એ તો સિક્રેટ છે, ના કહેવાય.’
અને આખું વાતાવરણ હળવું થઈ ગયું.
‘ચલો, હવે પહેલા કોણ મારી સાથે બેડમિન્ટન રમે છે?’
મીતે મિરાજ તરફ જોયું. એણે કોઈ ઉત્સાહ ના દેખાડ્યો, એટલે મીત ઊભો થયો.
‘જો બહુ વખત પછી રમું છું.’ મેં એક રેકેટ મીતને આપતા કહ્યું.
અમે રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો મીતના હાથમાંથી રેકેટ જ પડી જતું. એ જાણીજોઈને નાટક કરતો હતો કે પછી સાચે જ એવું હતું એ મને ના સમજાયું. દસેક મિનિટમાં અમને રમવાની સારી ગ્રિપ આવી ગઈ. મિરાજ ચૂપચાપ બેસીને જોતો હતો. એ કંટાળતો હોય એવું ન લાગતા અમે ગેમ ચાલુ રાખી.
‘શું મીત, તારી પાસેથી આવી આશા નહોતી. તું તો દરેક ફીલ્ડમાં એક્સપર્ટ છે ને?’ મીત તરફથી આવેલા શટલ કોકને મારવા માટે ઊંચો કૂદકો મારવો પડ્યો.
‘અરે, એ તો ક્યારેક એક્સપર્ટના પણ ખરાબ દિવસો તો આવે ને?’
‘રિયલી?’
‘ઓહ... નો...’ ગેમ સારી ચાલતી હતી.
‘ઉપ્સ...’
‘કમ ઓન... યુ કેન ડૂ ઈટ.’ શટલ કોકને મારવા મીતે જાતે જ પોતાનો ખભો થાબડ્યો.
‘યસ... કીપ ટ્રાઈંગ.’
‘વેલ ડન, સંયુક્તા.’
‘થેન્ક યૂ... થેન્ક યૂ.’ મીત સાથે રમવાની હવે મજા આવવા લાગી. મેં એક સેકન્ડ માટે મિરાજ તરફ જોયું. હવે એ વાતાવરણ સાથે થોડો લાઈવ થયો હોય એવું લાગ્યું. આખરે એના માટે જ તો આ બધું કરતા હતા.
‘વેલ... તને ખબર છે આજે હું કેમ આવું રમું છું?’ મીતે પૂછ્યું.
‘કેમ?’
‘આજે હું તને જીતવાનો એક મોકો આપું છું.’
‘આપની મહેરબાની.’
‘અરે... મીત...’ મીતના હાથમાંથી ફરી રેકેટ છૂટતા, મિરાજના મોઢામાંથી અચાનક શબ્દો સરી પડ્યા.
‘આખરે ભાઈ ભાઈની સાઈડ તો લે જ ને.’ મિરાજ હવે ખીલ્યો છે એ જોઈને મેં કહ્યું.
‘આખિર ભાઈ કિસકા હૈ?’ મીતે કોલર ઊંચો કરતા કહ્યું.
‘મેરા ભી ભાઈ હૈ.’ મેં પણ વટથી કહ્યું.
‘ટાઈમ પ્લીઝ.’ મને એક તૂક્કો સૂઝ્યો અને મેં ગેમ અટકાવી.
‘શું થયું?’
‘આમ કૂદકા મારી મારીને હવે ભૂખ લાગી છે.’
‘મને પણ. બોલ શું ખાવું છે?’
‘અહીંયા એક આઈસ્ક્રીમ પાર્લર છે ને.’
‘હા, તો તું આઈસ્ક્રીમ લઈ આવ. ત્યાં સુધી હું થાક ઉતારું.’ મેં જાણીજોઈને મીતને ત્યાંથી દૂર કર્યો.
‘ઓ.કે. પહેલા ઘરેથી પૈસા લેવા પડશે એટલે થોડીવાર થશે.’
‘નો પ્રોબ્લેમ. ટેક યોર ટાઈમ. મને કોઈ જલદી નથી.’
કદાચ મીત સમજી ગયો કે મને મિરાજ સાથે એકલામાં વાત કરવી છે, એટલે મેં એને આઈસ્ક્રીમ લેવા મોકલ્યો છે.