તારી પીડાનો હું અનુભવી - ભાગ 4 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 4

બરાબર દસ વાગે હું ત્યાં પહોંચી. મીતે દરવાજો ખોલ્યો. એના મમ્મી સામે સોફામાં બેઠા હતા. એક વિશાળ ડ્રોઈંગ રૂમમાં મોટો સોફાસેટ અને એક સુંદર કાર્પેટ સૌથી પહેલા જ ધ્યાન ખેંચી લે એવા દેખાતા હતા. બારી પર ગોલ્ડન અને રેડ કલરનાપડદા હતા. ઘર વેલ ડેકોરેટેડ હતું.
‘કેમ છો આન્ટી?’
‘મજામાં બેટા. તું કેમ છે? ઘણા વર્ષે દેખાઈ.’
‘હા આન્ટી. ઘણા વર્ષે મીત મળી ગયો. એટલે પાછું આવવાનું થયું.'
‘મિરાજ ક્યાં છે? દેખાતો નથી?’ આગળ શું વાત કરવી એ ખબર ના પડતા મેં પૂછ્યું.
‘મિરાજ બેટા, સંયુક્તાદીદી આવી છે.’ આન્ટીએ એને બોલાવ્યો.
‘આવું છું.’ અંદર રૂમમાંથી જવાબ આવ્યો.
‘શું લઈશ તું?’ આન્ટીએ પાણીનો ગ્લાસ મને આપતા કહ્યું.
‘કંઈ નહીં આન્ટી.’
“તમે બધા શાંતિથી બેસો. મીત, ચા કે કોફી જે જોઈએ તે મને કહેજે. હું કિચનમાં જાઉ છું.’
‘હા, મમ્મી. તારા સિવાય કોણ મને ચા પિવડાવશે.' મીતે મસ્કો માર્યો.
‘હા હવે, સીધું બોલ ને કે ચા જોઈએ છે. સંયુક્તા પણ લેશે ને?’
‘હા, બનાવી જ દે.’
આન્ટી કિચન તરફ જતા હતા ત્યાં જ મિરાજ સામેના રૂમમાંથી બહાર આવ્યો. આન્ટીની નજર એના ઉપર જ હતી, પણ મિરાજ કોઈની સામે જોયા વિના એક નજર મારી સામે જોઈને, ધીમેથી આવીને સોફા પર બેઠો. મિરાજની મમ્મીને જોઈને મને મારી મમ્મી યાદ આવી ગઈ. તે પણ હંમેશાં મારા હાવભાવને જોવામાં મશગૂલ રહેતી અને હું બરાબર છું કે નહીં તે જાણી લેતી.
‘હાય મિરાજ, હાઉ આર યુ?' એને જોતા જ મારી આંખો પહોળી થઈ ગઈ. પહેલા કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે.
‘ગુડ દીદી’ અવાજમાં નીરસતા અને ધીમી ચાલ એના ડિપ્રેશનની ચાડી ખાતા હતા.
એને જોઈને મને મારી પહેલાની હાલત જેવો જ પડઘો એનામાં દેખાયો. મારા રૂંવાડા સહેજ ઊભા થઈ ગયા. તરત જ મેં મારી જાતને સંભાળી. મારા પર્સમાંથી એક પેકેટ કાઢી હસતા હસતા બોલી.
‘મિરાજ, આ સ્પેશિઅલી હું તારા માટે લાવી છું.’ હું શક્ય એટલું એની સાથે નોર્મલ રહીને વાત કરવા માંગતી હતી. એને જોઈને મને આંચકો લાગ્યો છે, એવો અણસાર પણ એને ન જ આવવો જોઈએ.
મિરાજે પેકેટ સામે નજર કરી. એની આંખમાં પ્રશ્નાર્થ હતો.
‘ગેસ વ્હોટ... કેન યૂ ટેલ મી, આમાં શું હશે?’
મિરાજ પેકેટ સામે જોતો હતો. એ કંઈ બોલે એ પહેલા મીત એને હાથમાં લઈ બોલ્યો, “ગિફ્ટ... વાઉ... લેટ મી ગેસ.... લુક્સ લાઈક ટી-શર્ટ!!!?'
‘અ... હૂં... રોગ...’
‘અ... એની બુક...?'
'નો...'
‘ધેન...’ મીત પેકેટને આગળ-પાછળ ફેરવતા, એનું ફીલ લેતા બોલ્યો, ‘શો પીસ?’
‘ડોન્ટ ટ્રાય મીત... આમેય તે ક્યારેય લાઈફમાં કરેક્ટ આન્સર આપ્યો છે? સ્કૂલમાં પણ ખબર છે ને, મેડમ તને કોઈ સવાલ પૂછે તો તું આવા ગલ્લાંતલ્લાં જ કરતો હતો.’
‘છતાં એમ કરતા કરતા અંતે સાચો જવાબ આપી જ દેતો હતો ખબર છે ને?'
‘હા... હા... ખબર છે. પણ આજે તું ગમે એટલી ટ્રાય કરીશ તો પણ સાચો જવાબ નહીં જ આપી શકે.’
મારી અને મીતની આ હસાહસી જોઈને અલ્કાબેન બહાર આવી ગયા.
‘શું લાવી છે બેટા.’
‘મિરાજ માટે ગિફ્ટ છે, આન્ટી.’
‘ઓહો...’ કહી એમણે મીતના હાથમાંથી પેકેટ લીધું. તેઓ પણ આમ-તેમ ફેરવીને જોવા લાગ્યા અને મનમાં કંઈ ને કંઈ અનુમાન કરવા લાગ્યા.
‘આન્ટી, તમે નહીં બોલતા.’
‘ઓ.કે... ઓ.કે...' અલ્કાબેનને ચા ઊકળવાની સુગંધ આવતા તેઓ રસોડામાં ચાલી ગયા.
હું મારી આંખો પરની ભમ્મરો રમાડી રહી હતી.
‘કહે ને હવે... નહીં તો હું ખોલીને જોઈ લઈશ.’ મીતે દાદાગીરીના અવાજમાં કહ્યું.
‘બસ ક્યા? ...હાર ગયા તો દાદાગીરી કરતા હૈ?’
‘યપ... મિરાજ, યૂ એન્ડ મીત બોથ આર ઓલ આઉટ.’
‘ચલને હવે. ઝટ કહે ને. બહુ સસ્પેન્સ ક્રિએટ નહીં કર. મારાથી રહેવાતું નથી. હું ખોલી જ નાખું છું આ ગિફ્ટ રેપર.’
આ બધું થતું હતું ત્યારે પણ મિરાજના ચહેરા પરના હાવભાવમાં આછો-પાતળો ફરક જોવાની હું રાહ જોઈ રહી હતી. કદાચ મને સફળતા ના મળે, એ પણ સ્વાભાવિક હતું. એની હાલત પ્રમાણે એ અસામાન્ય વર્તન સામાન્ય જ હતું.
મીત પેકેટ ખોલવા જાય છે ત્યાં...
‘સ્ટેચ્યુ મીત...’ મેં પહેલી બે આંગળી મીત સામે આગળ કરી. અને મીત સ્થિર થઈ ગયો.
હસતા હસતા મેં મીતના હાથમાંથી પેકેટ લઈ લીધું.
‘ઓવર’ કહી મેં મીતને ફ્રી કર્યો.
અને બંને હસી પડ્યા. આટલીવારમાં તો ઘરમાં કેટલાય મહિનાઓથી મૌન ફરતી હવામાં જાણે જાન આવી ગઈ. નિસ્તેજ વાતાવરણમાં ચેતના પ્રસરાવા લાગી. કેટલા વર્ષો પછી સંયુક્તા અને મીતના મીઠા લડાઈ ઝઘડા જોઈને નીચી નજર રાખીને બેઠેલા મિરાજની નજર ઊંચી થઈ... મોઢા પર આછી સ્માઈલ આવી.
બસ... હું આ જ ઘડીની તો રાહ જોઈ રહી હતી.
‘મિરાજ...’ રેપર ખોલતા ખોલતા હું બોલી, ‘આમાં તારા માટે સાપસીડી છે.' અને મેં સાપસીડીની ગેમ મિરાજ સામે ધરી.
‘સાપસીડી?’ મીતના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.
મિરાજ ડઘાઈને મારી સામે જોઈ રહ્યો, ‘દીદી, તમને હજી યાદ છે?’
મિરાજ નાનો હતો ત્યારે સાપસીડી બહુ રમતો હતો. હું જ્યારે જ્યારે મીતના ઘરે જતી ત્યારે એ મને સાપસીડી રમાડવા બેસાડી દેતો. ઓછામાં ઓછું પાંચવાર રમ્યા પછી જ એ મને મીત સાથે ભણવા દેતો.
‘હા મિરાજ, એટલે જ લાવી છું કે આજે પણ હું મીતને મળું, એની પહેલા તું મારી સાથે પાંચવાર સાપસીડી નહીં રમે?
મારી આંખોમાં લાગણી અને પ્રેમ બંને તાદ્રશ થતા હતા. આ સંબંધો પણ અજીબ છે. માતા-પિતા સાથેનો સંબંધ, શિક્ષક સાથેનો સંબંધ, મિત્ર સાથેનો સંબંધ... જે સંબંધોને નામ આપી શકાય છે, એમાં ખેંચાખેંચી કેમ હોય છે? અને જ્યાં નામ નથી ત્યાં કેટલી શાંતિ અને હળવાશ છે!!
મિરાજના મોઢા પરની સ્માઈલ થોડી મોટી થઈ. મારા માટે આ પહેલી જીત હતી. એણે ટેબલ પર સાપસીડી મૂકી. બોક્સમાંથી કૂકરી અને પાંસા કાઢ્યા. હું મિરાજની સામે ગોઠવાઈ ગઈ.
‘મીત, તું હવે અમને ડિસ્ટર્બ નહીં કરતો.’ કહી મેં મીતને દૂર કર્યો.
અને બંને રમવા લાગ્યા. ત્યાં તો અલ્કાબેન બહાર આવીને ચાના ત્રણ કપ અને બિસ્કિટ મૂકી ગયા.
હૂરરરરે.... ઓહ નો... ટી...પ... ઝૂમ... યપ... આવા અનેક ઉદ્ગારો સાથે અમે બંને બિસ્કિટ સાથે ચાનો સિપ લેતા ગયા અને રમતા ગયા. પાંચમાંથી ત્રણ ગેમ મિરાજ જીત્યો અને બે હું. અમે બંને હસવા લાગ્યા.
મિરાજને હસતો જોઈ અલ્કાબેનની આંખો અને મીતનું હૃદય ભરાઈ ગયા.
‘બસ મિરાજ, હવે હું થાકી ગઈ.’ કહી મેં શ્વાસ લીધો.
‘હું તો થાકેલો જ હતો, દીદી’ અને અચાનક મિરાજના મોઢા પર આવેલી ફ્રેશનેસ ગાયબ થઈ ગઈ.
અલ્કાબેન અને મીત એને જોઈને ચૂપ થઈ ગયા. પણ મારા માટે આ ક્યાં નવું હતું... મારા માટે તો આજની જીત એ મારી સફળતાનું પ્રથમ ચરણ હતું.
‘તો તો બહુ જ સરસ. હું તારો થાક ઉતારું, તું મારો. ગુડ કંપની.’
‘સંયુક્તા, તારી સેન્સ ઓફ હ્યુમર સ્ટ્રોંગ થઈ ગઈ છે, યાર.’
‘થેન્ક યૂ મીત. થોડા ટાઈમમાં જોજે ને, મિરાજ પણ સેન્સ ઓફ હ્યુમરમાં તારાથી આગળ નીકળી જશે. હેં ને મિરાજ?’
મિરાજ લૂખ્ખું હસ્યો. થોડીવાર મીત સાથે સ્કૂલના પ્રસંગોની યાદ તાજી કરી અમે હસ્યા.
‘ચલ, પછી મળશું ફ્રેશ થઈને. બીજી સરપ્રાઈઝ સાથે. ઓ.કે.?’ મેં મિરાજ સામે જોયું.
મિરાજે સહેજ માથું હલાવ્યું.
આજની મિરાજ સાથેની પહેલી મુલાકાત ભલે નાની હતી પણ એ એને સ્પર્શી જાય એ જ મારા માટે મહત્વનું હતું.
‘પણ નેક્સ્ટ ટાઈમ આપણે ક્યાંક બહાર મળીશું. ઘરમાં નહીં.’ મે આન્ટીની સામે જોઈને એમની મૂક પરવાનગી માંગી.
એમણે પાંપણો ઝુકાવીને મંજૂરી આપી.
મિરાજ કંઈ બોલ્યો નહીં, એટલે મેં એને કહ્યું, ‘યાદ છે ને તને, તારે મારો થાક ઉતારવાનો છે ને મારે તારો.’
‘ફરી આવજે બેટા.’ અત્યારે અલ્કાબેનની નજરમાં પણ ભીનાશ હતી. મારી પાસેથી એક મૂક અપેક્ષા પણ એમાં વર્તાતી હતી.
બધાને ‘બાય’ કહીને હું ઘરે પાછા જવા નીકળી. વીસ મિનિટમાં ઘરે પહોંચી ગઈ. મારી આંખો સામે મિરાજનો ચહેરો વારંવાર આવતો હતો. મિરાજના રૂપમાં મે બીજી સંયુક્તાના દર્શન કર્યા અને આન્ટીના રૂપમાં મારી મમ્મીના.
પોતે અનુભવેલું દુ:ખ કોઈ બીજું અનુભવતું હોય તો એના માટે સ્વાભાવિક રીતે આત્મિયતા થઈ જ જાય. એની અંતરદશા મને સ્પર્શતી હતી. મારે એને પણ આ દશામાંથી બહાર લાવવો જ હતો અને એના માટે બનતા બધા જ પ્રયત્નો કરવાના નિર્ણય પર હું પહોંચી.
જ્યારથી હું મારા દર્દ અને લઘુતામાંથી બહાર આવી છું, ત્યારથી કેમ કરીને મારા જેવા લોકો પણ એમાંથી બહાર નીકળે, એવી મારી ભાવના વધતી જતી હતી. મિરાજને મળ્યા પછી એ ભાવના પ્રબળ થઈ ગઈ હતી.
ઘણા સમય પછી હું પહેલીવાર એકલી બહાર નીકળી હતી.
જ્યારે આપણે આપણી આંતરિક પકડોની અવગણના કરી દઈએ, ત્યારે આપણને જીવન જીવવાનો સાચો આનંદ અનુભવાય છે. અત્યાર સુધી હું બસ મારા વાળના કારણે પોતાની જાત પર સતત શરમ અને હીનપણાના ભાવ સાથે જીવી હતી અને લગભગ કોઈની સાથે ખૂલીને બોલી પણ નહોતી શકતી.
આજે મેં અનુભવ્યું કે જે દુનિયા તમને નીચા બતાવે છે, એ દુનિયામાં ખરેખર કોઈ બાપોય તમને જોવા નવરો નથી. બધા પોતપોતાની ચિંતામાં પડ્યા હોય છે. હા, ક્યારેક બે-ચાર જણા એવા પણ મળી જાય, જે નવરા હોય અને બીજાની પંચાત કરીને જ પેટ ભરતા હોય. પણ એનાથી કંઈ આખી દુનિયા એવી થઈ જતી નથી. એમાં જો હું કાયમ લોકો શું વિચારશે એવું જ વિચારીને સંકોચાઈને જીવું તો એમાં વાંક કોનો?
મારી અણસમજણનો.
કેટલા વર્ષો બગડી જાય છે માત્ર એક જ સમજણ ખોટી હોવાથી. અને એ સમજ ફરતા બધું કેટલું હળવું લાગે છે. એ તો અનુભવીને જ જાણી શકાય! દુનિયા તો આમ જ ચાલતી હતી ને ચાલતી રહેશે, મહત્વનું એ છે કે આપણે કયા રસ્તા પર ચાલીએ છીએ.
‘સંયુક્તા પણ મિરાજની જેમ...' મિરાજ ધીમા ડગલે રૂમમાં ગયો એટલે અલ્કાબેન મીતને પૂછવા ગયા પણ વાક્ય પૂરું ન કરી શક્યા.
‘હા મમ્મી. પણ તું જુએ છે ને? અત્યારે એ કેટલી ચેન્જ થઈ ગઈ છે?’
‘હા... બહુ જ નોર્મલ દેખાય છે.’
‘મમ્મી, મારી બહુ ઈચ્છા છે કે તું પણ એને મળે. એની સાથે વાતચીત કરીને તને ખ્યાલ આવશે કે મિરાજની અત્યારે મનઃસ્થિતિ શું હશે.’
‘હા, ચોક્કસ.’ અલ્કાબેને સંમતિ દર્શાવી.
‘મમ્મી, એને જોઈને મને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ પણ સંજોગોમાં નાસીપાસ કે ડિપ્રેસ થવા જેવું નથી.’
‘હા, એના વાળ માટે કહે છે ને? કોઈ પણ છોકરીને તેના દેખાવ માટે સૌથી વધારે મોહ હોય. અને દુનિયા એવી છે કે જો કોઈ છોકરીના દેખાવમાં કોઈ વધારે પડતી ઊણપ કે ખામી હોય તો એનું જીવવાનું અઘરું કરી નાખે.'
‘હા, લોકોની દૃષ્ટિ સંકુચિત થયેલી છે, ખાસ કરીને આપણા સમાજમાં. મમ્મી, સંયુક્તાને જોઈને મને એવું લાગ્યું કે મિરાજ પણ ફરી પાછો હસતો થઈ શકે છે. સ્કૂલમાં સંયુક્તા કેવી હતી, એ બધાથી અલગ અને શાંત બેસી રહેતી અને બધા જ ટીચરો અને સ્ટૂડન્ટ્સ એની અવગણના કરતા.’
‘પહેલા આપણા ઘરે કેટલી આવતી હતી, પછી તો સાવ જ આવતી બંધ થઈ ગઈ હતી.’
‘હા, જેમ જેમ એનો ઈન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ વધતો ગયો, તેમ તેમ એ બધાથી દૂર થઈ ગઈ.’
‘ઓહ, તો એણે ઘણી તકલીફો ભોગવી હશે.’ અલ્કાબેનના હૃદયમાં સંયુક્તા માટે દયાની લાગણી ઊભી થઈ ગઈ.
‘ક્યારેક પ્રશ્ન થાય કે એણે આ બધું કેવી રીતે સહન કર્યું હશે!’
‘તારી વાતો સાંભળીને તો મને મિરાજની વધારે ચિંતા થવા લાગી છે.’
‘એ તો સંયુક્તાનો ભૂતકાળ હતો, એનું વર્તમાન જો.’
‘હં. શરીર માંદું પડે તો દવા કરીને સાજું કરાય, પણ અહંકાર ભાંગી પડે તો સંધાતા બહુવાર લાગે.’
‘મમ્મી, મારી ઈચ્છા છે કે તું પણ સંયુક્તા પાસે તારું હૃદય હળવું કરી નાખ. આમ અંદર ને અંદર ક્યાં સુધી ગૂંગળાયા કરીશ?’
‘સારું.’ ગળગળા અવાજની ભીનાશ આંખમાંથી સરી પડે એ પહેલા તેઓ રસોડામાં ચાલ્યા ગયા.