તારી પીડાનો હું અનુભવી - ભાગ 3 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 3

બહાર રોડ પર આવી હું એક કોર્નર પર ઊભી રહી. રોનક બાઈક લઈને આવ્યો. હું જ્યાં બાઈક પર બેસવા જાઉ ત્યાં તો...
હુ૨૨૨રે... જોરથી અવાજ સંભળાયો.
મેં પાછું વળીને જોયું તો મારી સ્કૂલમાં ભણતો છોકરો મીત પાછળ ઊભો હતો.
‘હાય,’ હું બાઈક પરથી નીચે ઊતરી. ‘આજે ક્લાસમેટ્સ ડે લાગે છે.’
‘કેમ?’
‘હમણાં જ ઈશિતા મળી અને હવે તું.’
‘હવે બીજી પંદર-વીસ મિનિટ પાક્કી.’ રોનક મનમાં જ બબડ્યો. પણ એય આજે મારામાં આવેલા બદલાવને આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણીથી નિહાળી રહ્યો હતો. આજે એને મોટી બહેનને જોવી ગમતી હતી.
‘હાઉ આર યૂ?’ એણે નવાઈભરી દ્રષ્ટિથી મારી સામે જોયું.
‘ફાઈન, તું કેમ છે?’ મારા મોઢા પર ખુશીનો ઊભરો હતો.
‘બંદા ઓલ્વેઝ ફૂલ કૂલ.’ મીતે પોતાની આગવી સ્ટાઈલમાં માથું હલાવતા અને ખભા ઉછાળતા કહ્યું.
‘હા... હા... હા... તું હજી પણ એવો જ છે.’
‘હાસ્તો વળી, એવા જ રહેવાનું હોય ને. તું મજામાં છે ને?’ મીત વર્ષો પહેલા પણ સ્કૂલમાં આવી જ રીતે મને પૂછતો, ખાસ કરીને ત્યારે જ્યારે હું હતાશ હોઉં.
‘હા, હવે સાચું કહું છું. મજામાં છું.’ મેં આજે એને સાચો જવાબ આપ્યો હતો. સ્કૂલમાં બીજા છોકરાંઓ મારી સામે ધૃણા ને મજાકની નજરે જ જોતા. પણ મીત આ બધામાં સાવ જુદો હતો. એના તરફથી મને ક્યારેય પણ આવો અનુભવ થયો નહોતો. ઊલટું, એ મને એની ફાલતું પણ દુઃખ ભૂલાવી દે એવી વાતોથી હસાવી દેતો.
‘ક્યાં ખોવાઈ ગઈ પાછી?’
‘ના, ના, બસ વર્ષો પહેલાના સ્કૂલના દિવસો યાદ આવી ગયા.’
‘આપણને જોઈને ભલભલાને બધી વાતો યાદ આવી જાય.’
‘હજી પણ તું એવર રોકિંગ જ છે.’
‘આ તો મારી જન્મજાત ગિફ્ટ છે ભાઈ.’
‘હા યાર, તારી સાથે વાતોમાં હું જીતી નહીં શકું.’
‘શું ચાલે છે બીજું?’
‘બસ, હમણાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.’
‘ઓ.કે. સરસ. બે વર્ષ પાછળ ક્યાં અટવાઈ ગઈ?’ મીતે સહજ મજાકમાં પૂછ્યું.
‘બે વર્ષનો બ્રેક લીધો હતો. તું શું કરે છે?’
‘આપણે તો બી ડોટ કોમ થયા અને હવે ‘લાઈફ લિવિંગ વિથ બર્ડન’નો કોર્સ
ચાલુ કર્યો છે.’
‘એટલે???’
‘એટલે એલ ડોટ એલ ડોટ બી કરું છું યાર.’ મીતે નારાજગીથી કહ્યું.
‘વ્હોટ? તું અને એલ.એલ.બી.? માનવામાં નથી આવતું.’ મને ખૂબ નવાઈ લાગી.
‘અરે જવા દે. પપ્પાએ આપણી લાઈફની ગાડી ટો કરીને એલ.એલ.બી. કમ્પાઉન્ડમાં મૂકી દીધી.’ નારાજગી સાથે પણ એણે હસતા હસતા કહ્યું.
‘હા... હા... હા... તું સાચે જ ફની છે.’
‘અરે, ફની છું એટલે જ હેપી છું. નહીં તો આ એલ.એલ.બી.માં મારા જેવો માણસ હસવાનું અને જીવવાનું બંને ભૂલી જાય.’
‘હં અ અ અ...’ શું બોલવું એ મને સૂઝયું નહીં.
‘હવે તું આગળ શું કરવાની છે?’
‘ફાઈન આર્ટસ.’
‘સરસ. તારો કોન્ટેક્ટ નંબર આપ અને ટચમાં રહેજે.’
‘હા, શ્યોર.’ અમે એકબીજાના નંબર શેર કર્યા અને છૂટા પડ્યા.
રસ્તામાં પાછા ફરતા મને સ્કૂલની યાદો તાજી થવા લાગી. રોનકની બાઈક ટ્રાફિકની વચ્ચેથી આરામથી નીકળી ગઈ.
‘દીદી, આ મીત હતો ને?’
‘હા, તને યાદ છે?’
‘હા, એની પર્સનાલિટી મને પહેલેથી જ ગમતી હતી.’
‘બહુ નિખાલસ છે.’
‘એકદમ બંદા કૂલ કૂલ જ છે હજી પણ.’
‘હા, કેટલીવાર હોમવર્ક કર્યા વિના આવે પણ ટીચરને પટાવતા એને વાર ના લાગે.’
રોનક અને હું એક જ સ્કૂલમાં હતા, એટલે એ મારી ક્લાસના અમુક છોકરાં- છોકરીઓને સારી રીતે ઓળખતો હતો.
અમે ઘરે પહોંચ્યા ત્યારે મમ્મીએ જમવાનું તૈયાર રાખ્યું હતું. જમીને હું મારા રૂમમાં પહોંચી. મોબાઈલમાં ટાઈમ પાસ કરવા માટે ફેસબુક ખોલી. એક ગુજરાતી જોક કોઈકે શેર કર્યો હતો. ‘હસે તેનું ઘર વસે એમ કહેવાય છે પણ ભાઈ ઘર વસે પછી એ રડે એનું શું???’ મને પણ વાંચીને હસવું આવ્યું. મીત યાદ આવી ગયો. મને યાદ છે એકવાર એણે મને પૂછ્યું હતું...
‘સંયુક્તા, તું હંમેશાં હેવી મૂડમાં કેમ રહે છે?’
‘ખબર નહીં.’ મારી પાસે એની વાતનો કોઈ જવાબ નહોતો.
‘જિંદગી આમ વેડફવા માટે નથી.’
‘જિંદગી આમ જીવવા જેવી પણ નથી.’ મારી વેદના મારે એને કહેવી નહોતી, છતાં મારી અકળામણ બહાર આવી.
‘અરે, તું તો બહુ મોટા નિરાશાવાદીઓ જેવી વાત કરે છે.’
‘તું નહીં સમજે. જવા દે.’ મને મીત સાથે વાત કરવામાં કોઈ રસ નહોતો.
‘આજે રિઝલ્ટ આવવાનું છે એટલે મોઢું પડી ગયું છે ને?’ મીતે અનુમાન લગાવ્યું.
‘ના, મને અત્યારે એની કંઈ પડી નથી.’
‘જોરદાર છે બાપુ, તને મારી અસર થવા લાગી લાગે છે.’
‘હું અત્યારે મૂડમાં નથી, પ્લીઝ.’ મને ત્યારે મીતની સહાનુભૂતિની કોઈ
અસર થતી નહોતી.
હું જાણતી હતી કે એ મને શાંત પાડવા આટલી મહેનત કરતો હતો. માત્ર મને જ નહીં, પણ ક્લાસમાં કોઈને પણ ઉદાસ જુએ તો એ એને હસાવવાનો અચૂક પ્રયત્ન કરતો. એ જિંદગીમાં ટેન્શન લેવાનું શીખ્યો જ નહોતો.
‘સારું પણ એક છેલ્લી વાત કહું?’
‘બોલ.’ મેં એની સામે જોયા વગર જવાબ આપ્યો.
‘તે સાંભળ્યું છે પેલું?’
‘પેલું એટલે શું?’ મારે વાત ટૂંકમાં પતાવવી હતી.
‘અરે યાર પેલી ગુજરાતીઓમાં કહેવત નથી?’
મેં કોઈ જવાબ ના આપ્યો પણ તેની સામે સવાલભરી નજરે જોયું.
‘બોલે એના બોર વેચાય અને હસે તેનું ઘર વસે.’
‘હા, તો?’
‘અરે, એવી આપણી પણ એક શોધખોળ છે.’
‘ઓ.કે.’
‘તને કામ લાગે એવું હોય તો કહું.’
‘હા, બોલી દે.’
‘બોલે એના બોર વેચાય અને હસે એ તો દુનિયાને વેચી શકે.’
‘નોનસેન્સ!’ હવે મારાથી એનો જોક્સ સહન નહોતો થતો.
પણ એ એટલો જ શાંત અને ખુશમિજાજ હતો. ક્યાંક એને મારા તરફ સોફ્ટ
કોર્નર હતો.
‘શું નોનસેન્સ!’
‘તો શું બહુ સેન્સવાળી વાત છે? તું દુનિયા વેચવાનો છે હસી હસીને?’
‘એનો મતલબ છે કે દુનિયાના બધા દુ:ખ અને તકલીફ હસવાથી વેચી શકાય?’
‘કોને?’
‘જેણે આપણને એ દુઃખ આપ્યું હોય એને.’
‘સારું.’ ત્યારે મારું મગજ કામ નહોતું કરતું. સવારે મેં જે દવા લીધી હતી તેના કારણે સખત એસિડિટીની બળતરા અનુભવાતી હતી.
‘પ્લીઝ મીત, ખોટું ના લગાડીશ. મારે તને હર્ટ નથી કરવું, પણ અત્યારે મને એકલા રહેવું છે થોડીવાર.’
‘નો પ્રોબ્લેમ.’
મીત શાંતિથી ચાલ્યો ગયો. રિસેસ પૂરી થઈ અને બીજા ત્રણ પિરિયડ પછી સ્કૂલ પણ પૂરી થઈ.
‘બોલે એના બોર વેચાય પણ જે હસે તે દુનિયાને વેચી શકે.’ એ દિવસે એણે એની મજાકિયા સ્ટાઈલમાં કહ્યું હતું, એ આજે વ્હોટ્સએપ જોઈને પાછું યાદ આવી ગયું.
‘સંયુક્તા, દાદી બોલાવે છે તને.’ મમ્મીએ મારા રૂમમાં આવીને કહ્યું અને મારી વિચારધારા તૂટી.
‘સારું.’
હું દાદી પાસે ગઈ.
‘જો બેટા, તારા માટે પેલા વૈદ્ય પાસેથી લેપ લાવી છું. આવ, લગાડી આપું.’
‘ચાલશે દાદી, હવે જરૂર નથી આ બધાની.’
‘કેમ બેટા?’ દાદીને નવાઈ લાગી.
‘દાદી, આટલા વર્ષોથી આ બધું કરી કરીને કોઈ ખાસ ફાયદો થયો નથી. હવે બહુ થયું.’ મેં દાદીને સ્વસ્થતાથી કહ્યું.
‘આ તો ખાસ જડીબુટ્ટીઓથી બનાવેલું છે.’ દાદીના વ્હાલ અને લાગણી એમના શબ્દોમાં વરસતા હતા.
દાદી, તમને એક વાત કહું?’ મે દાદીની પાસે બેસીને પ્રેમથી એમનો હાથ પકડીને કહ્યું.
‘બોલ ને, સંયુ...’ દાદી મને પ્રેમથી ‘સંયુ’ કહેતા.
‘મને હવે, હું જેવી છું એવા જ રહેવું છે.’ મેં દ્રઢતાથી કહ્યું.
‘પણ બેટા...’ દાદીને હજી પણ વિશ્વાસ નહોતો થતો કે એક સમયે લેપ લગાડી આપવા માટે કકળાટ કરવાવાળી છોકરી આજે આવી વાત કરે છે.
‘સાચે કહું છું દાદી.’ મેં એમનો હાથ દબાવ્યો અને એમને ખાતરી કરાવી.
જ્યારથી સમજણી થઈ ત્યારથી મને મારા દેખાવ માટેની કોન્શિયસનેસ વધતી જ જતી હતી. ગમે તે રસ્તે એના માટે હું કોઈ પણ ભોગ આપવા તૈયાર હતી. મેં અત્યાર સુધી દસ-પંદર એલોપેથી, હોમિયોપેથીના ડોક્ટરો અને આઠ-નવ આયુર્વેદિક વૈદ્યોના ચક્કર કાપ્યા હતા. અનેક જુદા જુદા પ્રકારની દવાઓ, જડીબુટ્ટીઓ, તેલ, શેમ્પૂ બધું જ અજમાવી જોયું હતું. કંઈ જ બાકી રાખ્યું નહોતું. અનેક પ્રકારના, ઊલટી આવે એવા કડવા કાઢા પીધા હતા. મારું શરીર આ બધી દવાઓની આડઅસર હજી ભોગવી રહ્યું છે. આંખો નીચે વર્ષોથી કાળા કુંડાળા થઈ ગયા છે. ઘણા હોર્મોનલ બદલાવ આવી ગયા છે. સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે.
આ બધાની વચ્ચે કોઈ એક વ્યક્તિ મારા જીવનમાં એવી આવી કે જેણે મારા અસ્તિત્વની સાચી ઓળખાણ આપી મારા જીવનનો ધ્યેય આખો બદલી નાખ્યો. કોઈ જન્મના મહાપુણ્યનો જ આ પ્રતાપ હશે. હજી પણ પાછલી અસરોના પરિણામ ક્યારેક સામે આવે છે, પણ મન બહુ જલદી શાંતિને પામે છે.
આમ ને આમ થોડા દિવસો વીતી ગયા. એક દિવસ અચાનક ફોનની રિંગ
વાગી.
‘હેલ્લો...’
‘હાય... સંયુક્તા. કેમ છો મેડમ?’
‘હાય મીત.’
‘શું થયું? અવાજ કેમ ઢીલો છે?’
‘ના, ના. એ તો એમ જ.’
‘અરે યાર... જસ્ટ ચિલ લાઈક મી.’
‘હા બાબા, હવે હું પણ ક્યારેક ચિલ કરી જ લઉં છું.’
‘સાચે? વ્હોટ અ ચેન્જ.’
‘યસ.’
‘ગ્રેટ.’
‘બોલ, અત્યારે કેમ યાદ કરી મને?’
‘તું યાદ નથી કરતી એટલે.’
‘હા... હા... હા...’ મને હસવું આવી ગયું.
‘મારે તારું એક કામ હતું.’
‘મારું કામ? શું?’
‘તું મારા ઘરે મને મળવા આવી શકે?’
‘ઘરે?’ મને થોડો ખચકાટ થયો. આમ તો મીત એક સારો માણસ છે. છતાં પણ આટલા વર્ષો પછી આમ ઘરે મળવા જવાનું યોગ્ય નહોતું લાગતું.
‘હું સમજી શકું છું કે તને ઓડ લાગશે.’
‘એવું હોય તો તું મારા ઘરે આવી શકે છે.’ મેં કહ્યું.
‘એક્ચુઅલી... વાત થોડી પર્સનલ છે પણ એવું થાય છે કે તને શેર કરું.’
‘હા, બોલ ને.’ મીતનું આવું રૂપ મેં પહેલા ક્યારેય જોયું નહોતું.
‘જ્યારથી તને મળ્યો છું અને તારામાં જે ચેન્જ જોયો છે ત્યારથી તું મારા મનમાંથી ખસતી જ નથી.’
‘મીત, વાય આર યૂ સાઉન્ડિંગ સો કોમ્પ્લિકેટેડ, પ્લીઝ, જે કહેવું હોય તે ક્લિયરલી બોલ.’ મારાથી બોલાઈ ગયું.
‘તને મિરાજ યાદ છે?’
‘હા, એને કોણ ભૂલી શકે. કેમ છે એ?’ મિરાજ મીતનો નાનોભાઈ... હું જ્યારે એના ઘરે જતી ત્યારે નાનકડા મિરાજની સાથે મસ્તી કરવાની મને બહુ મજા આવતી હતી.
‘બસ, એના માટે તને ફોન કર્યો છે.’
‘મને કંઈ સમજાયું નહીં.’
મિરાજ અત્યારે સાવ ડિપ્રેશનમાં તો ન કહી શકાય પણ એને અડીને ઊભો
હોય એવું લાગે છે.’
‘ઓહ!!’
‘અમે એને સમજાવાના બધા પ્રયત્નો કર્યા. પણ તને મળ્યા પછી એવું લાગ્યું કે તારા જેવી છોકરી, જેણે જીવનમાં આવા કપરા સંજોગોનો સામનો કર્યો હોય અને અનેક સંઘર્ષમાંથી પસાર થયા પછી અનુભવ લઈને પોતાના અસ્તિત્વને લુપ્ત થતા પહેલા આમ સાચવી લીધું હોય, એવી કોઈ વ્યક્તિ એની હાલત વધારે સારી રીતે સમજી શકે. તું જો એને સમજાવે તો એને આ જિંદગીની કિંમત સમજાય.’
‘શું થયું છે એને?’
‘એક બાજુ ફેમિલી પ્રેશર અને બીજી બાજુ પિઅર પ્રેશર. બસ, એના લીધે ડિપ્રેસ થઈ ગયો છે.’
‘ઓહ, તો શ્યોર આવીશ.’
‘થેન્ક યૂ.’
‘અરે, નો થેન્ક્સ. કાલે સન્ડે છે. કાલે જ મળીએ, જો ફાવે તો.’ મિરાજ માટે હું કંઈક કરી શકું તો એ મારું ધનભાગ્ય એવા વિચારે મેં તરત જ હા પાડી દીધી.
‘હા, કાલે મળીએ.’
‘મિરાજને એવી ખબર ના પડવા દઈશ કે મેં તને એના માટે બોલાવી છે. વર્ષો પછી આપણે અચાનક મળ્યા એટલે ખાલી મળવાના છીએ એમ રાખજે.’
‘સારું, ડોન્ટ વરી.’
‘ઓ.કે. તો મળીએ કાલે. બાય.’
‘બાય.’ મીતે ફોન કટ કર્યો. પલંગ પરનો તકિયો હાથમાં લઈને રિલેક્સ થઈને બેઠી.
મિરાજનો ચહેરો હજી પણ મને યાદ હતો. જેમ મારો ભાઈ રોનક અને હું એક જ સ્કૂલમાં હતા, તેમ મીત અને મિરાજ પણ એક જ સ્કૂલમાં હતા. ક્યારેક અમે રિસેસમાં સાથે જ નાસ્તો કરતા હતા.
મિરાજ તો નોર્મલ હતો, તેને વળી શાનું ડિપ્રેશન આવ્યું હશે? એનું ફેમિલી તો સરસ છે, તો પ્રેશર શેનું હશે? મીતે ક્યારેય કંઈ કહ્યું નથી કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે. આજ સુધી મેં એને હંમેશાં હસતા અને બધાને હસાવતા જ જોયો હતો. આજે પહેલીવાર તેના અવાજમાં પહેલા જેવી નિખાલસતાને બદલે નાનાભાઈ માટેની લાગણી અને દુઃખ તરવરતા હતા. જેમ રોનકને મારા માટે દુઃખ થતું હતું, એમ એને પણ પોતાના ભાઈ માટે દુઃખ થતું હશે ને! મારે એને મદદ કરવી જ જોઈએ. એણે મારા અનેક ઉદાસીના પ્રસંગોમાં મને હસાવવાની કોશિશ કરી છે. આફ્ટર ઓલ હી ઈઝ અ ગુડ ફ્રેન્ડ. ભલે ત્યારે મને એની કિંમત એટલી નહોતી સમજાય પણ આજે સમજાય છે.
બીજા દિવસે સવારે ઊઠીને, નાહી-ધોઈને મેં ભગવાનના દર્શન કર્યા. દીવો કર્યો. હું મિરાજને મદદરૂપ થઈ શકું એવી પ્રાર્થના કરી. નાસ્તો કરીને મમ્મીને કહીને મીતના ઘરે જવા તૈયાર થઈ. એટલામાં મીતનો ફોન આવ્યો.
‘હેલ્લો, મારું એડ્રેસ તને એસ.એમ.એસ. કર્યું છે.’
‘ઓ.કે. હું પહોંચી જઈશ.’