જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો.
૧. પ્રભુદર્શન કે પૂજા કરવા દેરાસર ક્યારેક ખાલી હાથે જવું નહીં, ધુપ, અક્ષત, પૂજનાં ઉપકરણો તથા ભંડારમાં પુરવા પૈસા વિ. અવશ્ય સાથે લઈને જવું જોઈએ.
૨. દેરાસર પૂજા-દર્શન કરવા આવતાં જતાં ત્યાં બેઠેલા ગરીબોને રોજ યથાશક્તિ દાન આપવું.
૩. દેરાસરનાં કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી સંબંધી કે ઓળખીતાઓ સાથે પરસ્પરના સમાચાર પૂછવા નહિ…ધંધા કે સંસાર સંબંધી કોઈપણ વાતચીત કરવી જોઈએ નહી.
૪. પાનપરાગ, ગુટખા, બીડી-દવા, ખાવા-પીવાની વસ્તુ કે તેલ-છીંકણી…સુંઘવાની-લગાડવાની કોઈપણ વસ્તુ ખીસ્સામાંથી કાઢીને જ જિનાલયમાં પ્રવેશ કરવો. કેમ કે આ બધી વસ્તુ જિનાલયમાં લઈ જવી ઉચિત પણ નથી અને લઈ ગયા પછી વાપરવામાં પ્રભુજીના વિનયનો ભંગ થાય છે.
૫. એંઠુ મોં સાફ કર્યા પછી જ દેરાસરમાં પ્રવેશ કરવો જોઈએ.
૬. તિલક કરતી વખતે દર્પણમાં બાલ ઓળવા કે કપડાં ઠીકઠાક કરવા જોઈએ નહીં. પ્રભુની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી શકાય નહીં તથા મુગટ કે હાર પહેરી શકાય નહીં.
૭. દર્શન-પૂજા કરતાં પાછળનાઓને અને સ્તુતિ-ચૈત્યવંદન બોલતાં સમયે બીજાઓને અંતરાય ન થાય તેની ખાસ કાળઝી રાખવી.
ગભારામાં પ્રવેશ કરતાં પહેલાં…
૮. અષ્ટપડવાળો મુખકોશ બાંધ્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય નહીં. ગભારમાં દૂહાઓ મોટેથી બોલાય નહીં. મનમાં બોલવા જોઈએ.
૯. પૂજા કરતી વખેત ભાઈઓએ ખેસ વડે જ આઠ મુખખોસ બાંધવો જોઈ, રૂમાલ વાપરવો ઉચિત નથી.
૧૦. પૂજા કરાવનો હાથ પાણીથી ધોઈ, ધુપ થી ધુપી, પવિત્ર કર્યા બાદ ગભારાના ઉંબેર, શરીર કે કપડે ન અડાડતાં સીધી પૂજા કરવા ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો.
૧૧. પૂજા કરતાં સમયે ઘડિયાળ પહેરવી ઉચિત નથી, હાથની આંગળીઓમાં વીંટી તથા શીરરે ઘરેણાં યથા શક્તિ અવશ્ય પહેરવાં જોઈએ.
૧૨. પંચધાતુના પ્રભુજીને એક હાથથી ન પકડતાં બન્ને હાથથી બહુમાનપૂર્વક થાળીમાં લેવા જોઈએ.
૧૩. પૂજા કરતાં શરીર-માથું વિ. ખંજવાળવું નહીં, છીંક, બગાસું, ઓડકાર વાછુટ વિ. કરવી નહીં, તેવી શક્યાતા લાગે તો ગભારાની બહાર નીકળી જવું, કાર્ય પૂર્ણ થયા બાદ હાથ વિ. અશુદ્ધ થયા હોય તો ધોઈને શુદ્ધ કરી લેવા.
પૂજામાં…ભાવોની વૃદ્ધિ કઇ રીતે થઈ શકે….
૧૪. અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા કરતાં પહેલાં તેના ભાવાર્થનું લખાણ શાંતિથી વાંચીને વિચારવું અને કરતી વખતે ભાવપૂર્ણ કરવું.
બધા ભગવાનની ટાઇપિસ્ટની જેમ જલદી જલદી પૂજા કરવા કરતાં અર્ત સમજીને વિધિ અને ભક્તિ જળવાઈ રહે તે રીતે શક્ય એટલા ભગવાનની શાંતિથી પૂજા કરવી તે આપણા ભાવોની વૃદ્ધિ માટે લાભદાયી બની શકે છે તેમાં મન સધાવાથી સઘળું સધાય છે.
પ્રભુજીને ચંદન પૂજા, લોકપ્રિય રાજને વિજય તિલક કરીએ તેના કરતાં અધિક રજથી… પ્રેમથી .. ઉલ્લાસપૂર્વક ભાવના ભાવતાં ભાવતાં કરવી જોઈએ.
૧૫. દૂધના પ્રક્ષાલથી ધારા પ્રભુજીના મસ્તકશિખાએથી કરવાની છે. નવાંગી પૂજાની જેમ ૧-૧ અંગ પર કરવાની વિધિ નથી.
૧૬. પ્રભુજીના અંગલુંછણા સુંવાળા-સ્વચ્છ હોવો જોઈએ. અંગલુંછણા પવિત્ર રાખવા, આપણાં શીરરને કે વસ્ત્ર અડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અંગલુંછણા થાળીમાં જ રાખવા, આપણા ખોળામાં, જમીન પર કે ગમે ત્યાં રખાય નહીં. દેવ-દેવીઓ માટે ઉપયોગ કરેલા અંગલુંછમા પ્રભુજીના અંગે વપરાય નહીં.
પૂજા ક્યા ક્રમથી કરશો….
૧૭. ૧) પહેલા મૂળનાયકજી પછી ૨) બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો પછી ૩) ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું. સિદ્ધચક્રજીના ગટ્ટા પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાની પૂજ કર્યા પછી મૂળનાયક ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી.
૧૮. પૂજા કરતાં પ્રભુજીને નખ ન અડે અને નખને કેસર ન અડે તથા પૂજા પૂર્ણ કર્યા બાદ કેસર નખમાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમકે કેસર નખમાં રહી જાય અને ભોજન કરતાં કેસર પીગળીને પેટમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે.
૧૯. ભગવાનના જમણા અંગુઠે સગાં-સંબંધીઓના નામની વારંવાર પૂજા કરવાની કોઈ વિધિ નથી. તેના બદલે સકળ સંઘવતી માત્ર એક તિલક કરી શકાય.
૨૦. નવ અંગ સિવાય પ્રભુજીની હથેળીમાં, લંછનમાં કે પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘની પૂજા કરવાની વિધિ નથી.
૨૧. પ્રભુજીના ખોળામાં માથું મુકાય કે અડાડાય નહીં. પૂજા કરવાની આંગળી, હથેલી સિવાયનું કોઈપણ અગં કે પૂજાનાં કપડાંનો પ્રભુજીને સ્પર્શ થવો ઉચિત નથી. આંગી વખતે કરી શકાય.
૨૨. પાર્શ્વનાથ ભગવાનની ફણા નવઅંગમાં ગણાતી નથી. એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં પૂજા કરવાની ભાવના હોય તો અનામિકા આંગળીથી કરવામાં કોઈ બાધ નથી.
૨૩. પ્રભુજીના આંખ, નાક, મુખ કે શરીર પર કેસરના છાંટ પડ્યાં હોય તો તેને અંગલુંછણાથી સ્વચ્છ કરવાનો ખાસ ઉપયોગ રાખવો.
૨૪. પંચધાતુના પ્રભુજીને સુંદર અંગરચના થઈ ગઈ હોય તો પછી તેને નવાંગી પૂજા કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી.
૨૫. પ્રભુજીની પૂજામાં સારા, સુંગધવાળા, તાજા જમીન પર નહીં પડેલાં, અખંડ પુષ્પો જ ચઢવવાં, પુષ્પની પાંદડીઓ છૂટી કરયા નહીં કે પુષ્પો વીંધાય નહીં અને પુષ્પો વીંધીને માઓળા પણ બનાવાય નહીં. પુષ્પોને ક્યારેય પાણીથી ધોવા જોઈએ નહીં, કારણ કે ધોવાથી પુષ્પોમાં રહેલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે.
૨૬. પ્રભુજીનું મુખ કે અંગ ઢંકાઈ જાય કે બીજાને પૂજા કરવામાં તકલીફ ન પડેતેવી રીતે વિવેકથી પુષ્પ ચડાવવા જોઈએ.
દેવ-દેવીઓની ભક્તિ કરતાં….
૨૭. દેવી-દેવીઓ આપણા સાધર્મિકો છે. માટે તેમને અંગુઠાથી બહુમાનપૂર્વક કપાળે એક તિલક જ કરવાનું હોય છે. તેમના દરેક અંગ કે ફણામાં પૂજા કરવાની વિધિ નથી. તેમને બે હાથ જોડી પ્રણામ કરવાના છે. તેમને ખમાસમણ દેવાય નહીં કે ચોખાનો સાથિયો કરવાની જરૂર નથી.
ભગવાની કરતાં દેવ-દેવીની વધારે પૂજા-ભક્તિ કરવી તે ઉચિત ન કહેવાય. પરમાત્માની આશાતના કહેવાય. શાસનરક્ષાદિના વિશેષ પ્રસંગે ગીતાર્થ ગુરૂભગવંતના માર્ગદર્શનાનસુરા કરાય.
૨૮. અષ્ટમંગલની પાટલી માંગલિકરૂપે પ્રભુ સન્મુખ રખાય છે. તેને સ્વસ્તિકની જેમ આલેખવાના છે. તેની કેસરથી પૂજા કરવાની કોઈ વિધિ નથી. એટલે કેસરથી તે-તે આકૃતિ આલેખી રહ્યા છો તેવા ભાવથી કેસરની પૂરવણી કરાય.
૨૯. પૂજા કર્યા પછી ગભારાની બહાર નીકળતાં અને જિનાલયમાં દરેક જગ્યાએ પ્રભુજીને પુંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
૩૦. પૂજા કર્યા પછી થાળી-વાટકી ધોઈને તેના સ્થાને જ રાખવી જોઈએ ગમે ત્યાં મૂકી દેવાય નહીં.
૩૧. પૂજાના વસ્ત્રોથી થાળી-વાટકી સાફ કરવા નહીં, શરીરનો પસીનો કે હાથ લુંછવા તે આશાતના કહેવાય.
સાથિયો કરવાની વિધિ…
૩૧(છ)અક્ષત પૂજામાં ચોખા લીધા બાદ પહેલાં સિદ્ધશિલાની ઢગલી…પછી દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને છેલ્લે સાથિયાની ઢગલી કરવી. આલેખન કરવામાં પહેલાં સાથિયો અને છેલ્લે સિદ્ધશિલા કરવી.
૩૨. નૈવૈદ્ય પૂજામાં પીપરમેંટ, ચોકલેટ, બજારની મીઠાઈ કે અભક્ષ વસ્તુ મૂકવી ઉચિત નથી.
૩૩. અક્ષત નૈવેદ્ય કે ફળપૂજામાં એકવાર ચઢાવેલ અક્ષત, સાકર, બદામ કે નારિયેળ વિ. વસ્તુ બીજીવાર પૂજાની ઉપયોગમાં કે ખાવાના ઉપયોગમાં લેવાય નહીં.
૩૪. સાથિયો કરવાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે કરાય નહીં. બે ક્રિયા ભેગી કરવાની ડહોળાઈ જાય અને ક્રિયાનું હાર્દ જળવાય નહીં.
ચૈત્યવંદન કરતાં સમયે….
૩૫. ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ દ્વારા તમામ દ્રવ્યપૂજાની ત્યાગ કરવાનો છે. માટે ચૈત્યવંદન કરતાં સમયે કોઈ આપણો પાટલો લઈ કે સાથિયો ભૂંસી કાઢે તો તેમને રોકવા નહીં. ચૈત્યવંદન પૂર્ણ થાય ત્યાં સુધી પાટલો આપણી સામે કે સાથે જ રહે તે જરૂર નથી.
૩૬. ચૈત્યવંદન કરતાં સમયે પચ્ચક્ખાણ લેવું નહીં, તેમ ગુરૂભગવંત સ્તુતિ કે ચૈત્યવંનદ વિધિ કરતાં હોય ત્યારે તેમની ભક્તિમાં ખલેલ પાડી પચ્ચખાણ માંગવું નહી.
શું આપ જાણો છો….?
૩૭. પ્રભુજીના અંગ પરથી કેસર ઉતારવું….અંગલુંછણાથી શુદ્ધિ કરવી..દેરાસરમાં કાજો લેવો…થાળી-વાટકી સાફ કરવા…પાટલા વિ. ઉપકરણો વ્યવસ્થિત મૂકવાપણ પ્રભુજીની ભક્તિરૂપ જ છે. તે કાર્યો જાતે કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવાં ઉત્તમ પ્રભુ સેવાનાં કાર્ય કરવામાં સંકોચ રાખવો નહીં.
૩૮. પરમાત્માનું ન્હવણ જલ પવિત્ર હોવાથી લેતી વખતે તેનાં ટીપાં જમીન પર ન પડે તેની કાળજી રાખવી. ન્હવણના વાટકામાં પાંચેય આંગળી ન બોળતાં એક કે બે આંગળીથી ન્હવણ જલ પાત્ર એક જ વખત લેવું. ન્હવણ જલ નાભિથી ઉપરના ભાગ પર લગાડવું.
બહેનો માટે વિશેષ સૂચના..
૩૯. પ્રભુદર્શન અને પૂજન કરતાં સમેય બહેનોએ અવશ્ય માઠું ઢાંકવું જ જોઈએ. વસ્ત્રો પણ આપણી સંસ્કૃતિને છાજે તેવાં જ પહેરવા જોઈએ. મર્યાદાવાળા વસ્ત્રોમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયભાવ પ્રગટે છે. અંગોપાંગ દેખાય તેવાં પારદર્શી વસ્ત્રો કે બીજાને અશુભાવ ઉત્પન્ન થાય તેવા ભડક કલરના કે ટાઇટ વસ્ત્રો પહેરીને દેરાસર આવવું ઉચિત નથી.
૪૦. પૂજા તથા ભાવનામાં પુરૂષોની હાજરીમાં બહેનોએ ગાવું નહીં કે દાંડિયા લેવા જોઈએ નહી. પૂજા તથા ભાવનામાં ભાઈ-બહેનોએ સામ સામે મુખ રાખી બેસવું જોઈએ નહીં. તે કરતાં પ્રભુજીની સન્મુખ મુખ રાખી ભાઈઓએ આગળ અને બહેનોએ પાછળ બેસવું વધારે ઉચિત જણાય છે.
૪૧. પૂજાનાં વસ્ત્રો શરીર પરથી ઉતાર્યા પછી ગમે ત્યાં ગમે તે વસ્ત્રોની સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા તથા અલગ ધોવા જોઈએ.
૪૨. પૂજાનાં વસ્ત્રો દરરોજ અને તે શક્ય ન હોય તો જેમ બને તેમ વહેલાં ધોતાં રહેવું જોઈએ, જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે.
૪૩. જુનાં કે ફાટેલાં ધાર્મિક પુસ્તકો…દેરાસરમાં જ્યાં ત્યાં મુકી જવા તે ઉચિત નથી.
૪૪. પ્રભુની પૂજા એ પ્રબુ માટે નથી, પણ અનાદિ કાળથી વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને પ્રાપ્તિ માટે છે.
૪૫. પ્રભુ માત્ર દર્શનીય નથી, પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પ્રભુના માત્ર દર્શન કરી સંતોષ માનવો એ પણ એ જાતની ઉપેક્ષા કહેવાય. માટે જ જે ભાગ્યશાળીઓ માત્ર દર્શન કરી સંતોષ માને છે, તેમણે વહેલામાં વહેલી તકે પ્રભુ પૂજાની શરૂઆત કરી દેવી જ જોઈએ.
આશિષ શાહ
જૈન આગમો માંથી....