Faulty Grandfather books and stories free download online pdf in Gujarati

જુઠ્ઠા દાદાજી

" જુઠ્ઠા દાદા "


" સદીઓથી પ્રથા એજ પળાય છે..!!
પથ્થરોથી પ્રેમ કેમ તોલાય છે ?"

============

" દાદા, તમે સાવ જુઠ્ઠા છો. " નિહાર નું શરીર ક્રોધથી કાંપતું હતું.

માત્ર અઢી જ વર્ષના, યશ સાથે રમતાં-રમતાં, ઝઘડી પડેલા, પાંચ વર્ષના નિહારે , ચહેરા ઉપર અત્યંત આક્રોશના ભાવ સાથે, દાદાને, અદ્વિતિય ઈલ્કાબ આપી દીધો. દાદા તો આ સાંભળીને સન્ન રહી ગયા.

વાતમાં ક્યાં કશો દમ હતો, તે આટલા નાના પૌત્રએ, દાદા વિષે છેક, આવા અંતિમ તારણ પર આવવું પડે ?

દાદા, જેટલો પ્રેમ યશ ને કરે, તેટલોજ પ્રેમ નિહારને પણ કરે છે. દાદા બહાર જાય ત્યારે, કાયમ એકસરખી બે વસ્તુજ, ખરીદી લાવે. આજ કારણે, બંને બાળકોને પણ, પરસ્પર, આવી કોઈ ફરીયાદ, ક્યારેય ઉદભવી નથી.

ખરૂં પૂછો તો, યશ અને નિહાર દાદા સાથે જેટલા હક્કથી બધું કહી, માંગી શકે છે, તેટલું તો તેમના મમ્મી રૂપલ અને પપ્પા કેતન પાસે પણ, નથી કહી કે માંગી શકતા..!! તો પછી આવો પશ્ન આવ્યો ક્યાંથી ..!!

વાત જાણે એમ હતીકે, ગઈકાલે, યશ અને નિહાર પપ્પા કેતને દુકાનદારને ત્યાંથી,રમકડાંની બે કાર માંગી પરંતુ, એક સરખા રંગની ના મળી, તેથી, બે જુદા-જુદા રંગની કાર ખરીદી હતી. નવી કાર મળતાંજ, ગઈકાલથીજ બંને બાળકો નવી કાર સાથે રમીને ખૂશ પણ હતા. વારંવાર ટોકવા છતાંયે, આખાએ ઘરમાં, આમથી તેમ, દોડાદોડી કરતાં થાકતા નહતા.

પણ આજે નિહારને એ બાબતે ખરાબ લાગ્યુંકે, જ્યારે યશે જીદ્દ કરી લાલ રંગની કાર લેવા, રડવાનું શરૂ કર્યું, ત્યારે પોતાને ગમતી લાલ કલરની કાર, દાદાએ પોતાને (નિહારને ) આડુંઅવળું સમજાવીને, પોતાના નાનાભાઈ
યશ ને આપી દીધી. નિહારને આ બાબત દિલમાં ઊંડે સુધી ચોટ કરી ગઈ.

દાદા જેટલા મોટા માણસ, આવું કેવી રીતે કરી શકે ? કેમ, દાદા થયા એટલે તેમને ગમે તેવા નિર્ણય કરવાનો હક્ક મળી ગયો ?

આ લાલ રંગની કાર પપ્પાએ આવીને મને આપી હતી,તે સમયે તો નિહાર ને વાદળી રંગની કાર ગમી હતી. પોતે તે વખતે મોટો હોવાથી નાનાભાઈને પહેલાં ચાન્સ આપીને, વાદળી કાર ગમતાં,તે કાર યશ ને, વગર વિરોધે આપી નહતી ?

હવે પોતાને લાલ રંગની કાર ગમી ગઈ છે અને તેજ કાર, આજે હવે યશ ને ગમી, એટલે ," તે નાનો છે એટલે નિહાર , તેને આ લાલ રંગની કાર આપ જોઉ. મોટાભાઈ બનવું હોય તો, નાનોભાઈ જે માગે તે, આપવા જેટલું મોટું મન રાખવું પડે...!! મોટાએ થોડોક ત્યાગ કરતાં શીખવું પડે..!!"

દાદાએ મને આવું બધું જુંઠ્ઠું - જુઠ્ઠું સમજાવવાનું?

જોકે, દાદાને હવે એ સમજાયું નહીંકે, આટલા નાના નિહારના મનમાં, પોતાના માટે જે, ભ્રમ ઊભો થયો છે તેનું નિરાકરણ કેવીરીતે કરવું ?

દાદાએ, ક્રોધથી કાંપતા પૌત્ર નિહારને , પોતાના ખોળામાં બેસાડીને, માથે હાથ ફેરવીને, સમજાવવાનો, ફરીથી પ્રયત્ન કરી જોયો,," જો નિહાર બેટા , યશ નાનો છે એટલે, તેનામાં તારા જેટલી અક્કલ થોડીજ હોય? તું તો બહુજ હોશિયાર છે, એટલે મારે તો તને જ સમજાવવો પડેને? યશ કાંઈ મારી વાત, થોડોજ સમજવાનો હતો ? "

પરંતુ, નિહાર ,રોષપૂર્વક, દાદાના ખોળામાંથી, મોંઢું બગાડતો, ઊતરી ગયો અને અત્યંત દુઃખી મન સાથે, વાદળી રંગની કારને લાત મારી, ખૂણામાં ધકેલી, ચાલતો થયો. કદાચ, અત્યાર સુધી, કાયમ તેનોજ પક્ષ લેતા, સત્યવાદી, આદર્શ સમાન લાગતા દાદા, હવે વિશ્વાસ કરવાને યોગ્ય રહ્યા નહતા.

પહેલાંતો દાદા, બિલકુલ આવા નહતા. પરંતુ, જ્યારથી આ યશ આવ્યો છે અને છેલ્લા છ માસથી મારી દરેક વસ્તુ જીદ્દ કરીને, છીનવી લેતો થયો, ત્યારથી દાદા હવે કાયમ મારા બદલે, મારા નાનાભાઈ યશ નોજ પક્ષ લે છે..!!

પાછું દાદાએ આજે તો હદ જ કરી નાંખી, અત્યાર સુધી ચાલોને, સમજ્યાકે, મારી જેટલી વસ્તુઓ યશે જીદ્દ કરીને સમજોને માંગી લીધી, પણ તે તો મનેય ખાસ ગમતી નહતી, એટલે મને તે વસ્તુઓ, યશ ને, રમવા આપવામાં વાંધો નહતો.

પણ...પણ.. આ લાલ રંગની સરસ મઝાની કાર, તેય પાછી મને ગમતી, તેય પાછી પપ્પાએ મને જ આપેલી, તેય પાછી યશને ગઈકાલ સુધી નહતી ગમતી અને આજે અચાનક તેને ગમી ગઈ, એટલે દાદાએ, મને અન્યાય કરીને, તેને આપી દેવાની? પછી દાદા જુઠ્ઠા જ કહેવાય કે બીજું કાંઈ?

નાનકડા નિહારને કેવીરીતે સમજાવવો તે, દાદાને ના સમજાયું, સાથે - સાથે દુઃખ પણ ઘણુંજ થયું, સાવ આટલા નાના બાળકને, આટલી નાની ઉંમરથીજ પોતાના નાનાભાઈ, માટે ખોટા પૂર્વગ્રહ બંધાય તે બરાબર નહીં, દાદાએ વિચાર્યું, સાંજે દીકરો કેતન આવે એટલે વાત. તેને કહીને નિહાર માટે આવીજ, લાલ રંગની બીજી કાર ગમે ત્યાંથી શોધી લાવે, પછી તો નિહારને , નાનાભાઈ યશ પ્રત્યે કોઈ નારાજગી નહીં રહે અને પોતાના માટે પણ કોઈ ફરીયાદ પણ નહીં રહે...!!

જોકે, સાંજે કેતને આવીને બંને બાળકોના ખબરઅંતર પૂછ્યા તે સાથેજ, નિહારના મનમાં, આખા દિવસનો, ધરબાઈ રહેલો આક્રોશ લાવા બનીને ફાટી નીકળ્યો.

" પપ્પા, કાલે તમે મને લાલ રંગની કાર આપી તે યશે જીદ્દ કરીને લઈ લીધી, મને વાદળી રંગની કાર નથી ગમતી."

હજુ ઘરમાં પગ મૂકતાંજ, નિહારે પપ્પાને, ફરીયાદ કરી પરેશાન કરે, તે રૂપલને ઠીક ના લાગ્યું, તેણે નિહારને ટપાર્યો, " નિહાર , જો પપ્પા ઑફિસેથી હમણાંજ આવ્યા છે ને...!! તેમને ચા -પાણી તો પી લેવા દે, પછી તંગ કરજે બરાબર? "

ત્યાં તો કેતને કહ્યું," પણ બેટા, તને ગમતી કાર યશે લઈ લીધી, તો તારે દાદાને ફરીયાદ કરવી જોઈએ ને..!!"

નિહારને ફરીથી દાદાએ, પોતાની સાથે કરેલો, અન્યાય, પક્ષપાત યાદ આવતાંજ તે ગરમ થઈને બોલ્યો," પપ્પા, દાદા તો સાવ જુઠ્ઠા છે, તેમણેજ આ કાર ભાઈને આપી દીધી."

સવારે દાદા અને હવે સાંજે, નિહારે ફરીથી એજ વાત દહોરાવતાં, કેતન રૂપલ સન્ન થઈ ગયા.

ઓફિસથી કંટાળીને આવેલા કેતન ને, પોતાના દીકરા નિહારની આવી ઉદ્ધતાઈ ગમી નહીં. તેણે, ગુસ્સે થઈ, દાદા વિષે આવું અણછાજતું બોલવા બદલ, નાનકડા નિહારને , એક લપડાક ચોડી દીધી.

નિહાર પપ્પાના આવા અચાનક હુમલાથી, ડઘાઈ ગયો, પણ અંતે રડતાં -રડતાં નિહારે , જ્યારે કેતન ને એમ કહ્યુંકે, " દાદા જુઠ્ઠા છે..!! તેવું કાલે તમે જ મમ્મીને નહતા કહેતા ? મને કેમ મારો છો ?" ત્યારે તો rupal અને કેતન પણ બોલતાં બંધ થઈ ગયાં.

નિહાર વાત તો સાવ સાચી હતી, ગઈકાલે કેતન રૂપલ પાસે, ઉશ્કેરાટમાં બોલી ગયો હતોકે, " પપ્પા સાવ જુઠ્ઠું બોલે છે..!!"

વાત એમ હતીકે, બાપુજીએ, કેતન ની મમ્મીના ગુજરી ગયા પછી, તરતજ પોતાની મિલકતના ભાગ પાડીને, મોટા કેતન અને નાનાભાઈ આશિષ માટે, એકજ સોસાયટીમાં ખરીદેલા, બે બંગલામાંથી, જૂનો બંગલો કેતન ને આપી, નવો મોટો બંગલો, નાનાભાઇ આશિષને ભાગમાં આપી દીધો.

આ બાબત રૂપલ અને ને ગમી નહતી, તેથી ગઈકાલે દર્શકની હાજરીમાં, નૈનેષે પોતાને થયેલા અન્યાય બાબતે ચર્ચા કરતાં, પોતાના જ બાપુજીને `જુઠ્ઠા` કહીને, પોતે મોટો હોવાથી, ત્યાગ કરવા અંગે, ગમે તેમ જુઠ્ઠું સમજાવીને, નાનાભાઈને મોટો બંગલો આપી દીધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

કેતન અને આશિષને, મિલકતના ભાગની બાબતમાં, મોટા - નાના હોવાના ભેદને કારણે, થયેલા ભેદભાવ, જેવોજ ભેદભાવ આજે દાદાએ, ફરીથી નિહાર અને યશ સાથે કરતાં, પપ્પાએ જ (કેતનજ ), દાદાને `જુઠ્ઠા` કહ્યું હતું તે, નાનકડા નિહારે યાદ રાખીને, આજે સવારે ફરીથી દાદાના, મોંઢામોંઢ કહ્યું., તેમાં શું ખોટું કર્યું હતું?

જોકે, રૂપલ અને કેતને, આજે પોતાના દીકરા નિહાર સામે , ખૂલ્લા પડી જવાને કારણે, અત્યંત શરમ આવી. સંસ્કારી રૂપલે તરતજ કેતન સામે અર્થપૂર્ણ નજરથી જોયું.

કેતન જાણે પત્નીનો ઈશારો સમજી ગયો હોય તેમ, નિહારને હાથમાં ઉંચકી લઈને સીધોજ, બાપુજીની રૂમમાં પહોંચી ગયો. ત્યાં પહોંચતાંજ, નિહારની હાજરીમાં, તેના દેખતાંજ, ગઈકાલે ગુસ્સામાં, પોતે બાપુજી માટે, અણછાજતું બોલી ગયો હતો તે બાબતે, બાપુજીની હ્યદયથી માફી માંગી.

જોકે, બાપુજીએ, કેતન સમક્ષ, નાનાભાઈ આશિષને પેલો નવો બંગલો કેમ આપ્યો ? તેનો ખુલાસો કર્યો, ત્યારે તો કેતનને ઘરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થઈ ગયું.

બાપુજીએ કહ્યું," બેટા, મેં તો તારી મમ્મીની અંતિમ ઈચ્છા અનુસાર જ ભાગ પાડ્યા છે, તારો જન્મ અહીં , આ બંગલામાં, સહુથી પહેલાં મોટા દીકરા તરીકે થયો હતો, તું અહીં ખૂબ રમેલો છે, તેથી જ આ બંગલો તારા જન્મ સ્થળની યાદગીરી રૂપે, તને જ ભાગમાં આપવાની, તારી મમ્મીની ઈચ્છા હતી,. મને તો તે છેલ્લે કાયમ કહેતીકે, ભાગમાં આ બંગલો કેતનને , આપણે આપ્યો છે, તે વાત કેતન જાણશે તો રાજીના રેડ થઈ જશે...!!"

બાપુજીએ ઉમેર્યું, " અને કેતન, જો તું મારી ઈચ્છા જાણવા માંગતો હોય તો, તારી મમ્મીના ગુજરી ગયા પછી, તેં અને રૂપલે મને જ્યારે, નાનાભાઈ આશિષને બદલે, તારી સાથે રહેવા ખૂબ આગ્રહ કર્યો, ત્યારે તારી મમ્મીની સાથે મેં આ બંગલામાં, વિતાવેલી અનેક ખાટી મીઠી પળોનો સાક્ષી, આ જ બંગલો હોવાથી, આ બંગલો તને જ આપીને, તારી સાથે રહેવાનું મેં પસંદ કર્યું."

બાપુજીનો લાગણીથી ભરેલો, ન્યાયપૂર્ણ ખુલાસો સાંભળીને, મમ્મીના ઉલ્લેખ અને અંતિમ ઈચ્છાવાળી વાતથી, વિચલિત થઈ કેતન , બાપુજીના ખોળામાં, માથું ઢાળીને, નાના બાળકની માફક આક્રંદ કરવા લાગ્યો. બાપુજીએ અત્યંત પ્રેમથી કેતન ના માથે, વાળમાં હાથ ફેરવીને, કેતન ને સાંત્વના આપી.

દાદાના ખોળામાં, માથું ઢાળીને, પપ્પાને રડતા જોઈને, નિહારને બીજી તો કશી સમજ ના પડી, પરંતુ તેને એટલું જરૂર સમજાયુંકે, ગઈકાલે દાદાને, પપ્પાએ `જુઠ્ઠા` કહ્યા હતા, તે બરાબર ન હતું. દાદા ખરેખર જુઠ્ઠા નથી.

નિહારને એમ થયુંકે, પપ્પા તો દાદા પાસે રડીને માફી માંગે છે, દાદાને મેં ય જુઠ્ઠા કહ્યા હતા, હવે હું કેવીરીતે દાદાને મનાવું..!!

કેતન નો, રડવાનો અવાજ સાંભળીને,રૂપલ
હાંફળી-ફાંફળી દોડી આવી, તો તેણે જોયુંકે...!!

દાદાના ખોળામાં ચઢીને, બેસી ગયેલો નિહાર દાદાને કાલીઘેલી ભાષામાં, દાદાના ગાલે નાના - નાના હાથ ફેરવીને,
કહેતો હતો, " દાદા, મને લાલ કાર નથી ગમતી હોં, મને તો વાદળી કાર બહુજ ગમે...!! એં..!! વાદળી કારમાં તો ડેકી પણ છે, હેં...ને દાદા..!!"

જાણે બંને બાળકોને, માફ કર્યા હોય તેમ, દાદાએ, દીકરા કેતન અને પૌત્ર નિહાર પોતાના હાથની ભીંસ વધારી દઈને, દિવાલ પર ટાંગેલા, પત્નીના ફૉટા સામે જોયું.

કદાચ કેતન ના બાપુજી, કેતન ની મમ્મીને કહેતા હશે, " તું શું કામ વહેલી વહી ગઈ, આવો લહાવો લેવાનું ચૂકી ગઈને ?"
બિનાઆશિષ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED