" સિંગલ મધરની વૃદ્ધાવસ્થા"
વૃદ્ધાશ્રમના એક ખૂણામાં એક મહિલા ડુસકા ભરી રહી હતી.
એ વખતે એક યુવાન વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યો હતો.
વૃદ્ધાશ્રમના વહીવટકર્તાનો માણસ એ યુવાનને વૃદ્ધાશ્રમની પ્રવૃતિઓ અને વૃદ્ધોના આશ્રયસ્થાન બતાવી રહ્યો હતો.
એ વખતે એ યુવાનની નજર એ વૃદ્ધ મહિલા પર પડી.
યુવાન એ મહિલા પાસે આવ્યો.
પૂછ્યું.. આંટી તમે કેમ રડી રહ્યા છો? આ વૃદ્ધાશ્રમમાં તકલીફ પડે છે? કોઈ સગવડો કે ભોજન પૂરતા પ્રમાણમાં મળતું નથી?
આ સાંભળીને એ મહિલા રડતી શાંત થઈ.
એણે એના આંસુ લૂછી નાંખ્યા.
બોલી:-' મને અહીં કોઈ તકલીફ નથી. આ વૃદ્ધાશ્રમ ઘણું સારું છે. મેં જ આ વૃદ્ધાશ્રમમાં આવવાનું પસંદ કર્યું હતું. સગવડો સારી છે..તેમજ બે ટાઈમ સમયસર ભોજન તેમજ બે ટાઈમ નાસ્તો મળે છે..તેમજ બે ટાઈમ દૂધ પણ આપે છે.'
યુવાન:-' તો પછી તમે કેમ રડતા હતા? મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે પણ યાદ આવતું નથી. કદાચ એકાદ વખત જોયા હશે એટલે. કે કદાચ તમારા જેવા બીજા કોઈ આંટીને જોયા હશે. આંટી તમારું નામ શું છે?'
વૃદ્ધા:-' બસ મને મારો સન યાદ આવી ગયો હતો. મારું નામ રમીલા છે.'
યુવાન:- ઓહ..આપણા નજીકના લોકો યાદ આવી જ જાય. પણ તમે અહીં કેમ આવ્યા? આ ઉંમરે તમારા સન પાસે રહેવું જોઈએ.'
વૃદ્ધા:-' હું સ્વમાની છું. મારો સન નાનો હતો ત્યારે જ એના પિતા મૃત્યુ પામેલા હતા. એક સિંગલ મધર તરીકે મારા સનનો ઉછેર કર્યો હતો. સાથે સાથે જોબ પણ કરતી હતી. પણ પછી જીંદગી એ કરવટ બદલી. મારા સનને વિદેશનો મોહ હતો. આજકાલ લોકો કેનેડા જતા હોય છે. બસ પછી મારો સન અને એની વાઈફ કેનેડા જતા રહ્યા.મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પણ હું મારી મરજીથી આ વૃદ્ધાશ્રમમાં આવી છું. સંચાલક ઘણા સારા છે.'
યુવાન:-' હા.. મને આ વૃદ્ધાશ્રમ સારું છે એ જાણ થતાં જ અહીં આવ્યો છું. કુણાલ ભાઈ અહીંનો વહિવટ કરે છે. હું ડોનેશન આપવા આવ્યો છું. મારા મધર પણ સિંગલ મધર હતા. પણ કોરોના કાળમાં એ મૃત્યુ પામ્યા હતા. બસ એમની યાદોમાં રહું છું. પણ તમારો સન તમને કેનેડા કેમ ના લઈ ગયો?
તમારા સનનું નામ શું છે?'
વૃદ્ધા:-' ઓહ.. સોરી.. મારા કારણે તને તારી મમ્મી યાદ આવી ગઈ છે. મારા સનનું નામ નિરલ છે. એના મેરેજ થયાં પછી એ બદલાઈ ગયો હતો. એણે મારી પાસે બધી મિલકત એના નામે લખાવી દીધી હતી અને ઘરબાર વેચીને કેનેડા જતો રહ્યો હતો.'
યુવાન:-' ઓહ... મારું નામ સિદ્ધાર્થ છે. નિરલ ને ઓળખું છું. એણે તેજસ્વીની સાથે મેરેજ કર્યા હતા એ ને!'
વૃદ્ધા:-' હા..એ જ.. એણે લવ મેરેજ કર્યા હતા. પણ મેં તને જોયો નથી. તું નિરલનો મિત્ર છે?'
યુવાન:-' એટલે જ મને લાગ્યું હતું કે તમને જોયા છે. હું નિરલનો મિત્ર હતો. એણે મેરેજ પછી મને મોબાઈલ પર બ્લોક કરી દીધો હતો. એણે મારી સાથેના સંબંધો તોડી નાખ્યાં હતાં.
મને પણ લાગતું હતું કે નિરલ મેરેજ પછી બદલાઈ ગયો છે.'
વૃદ્ધા:-' ઓહ.. તું મારા નિરલનો મિત્ર છે એ જાણીને આનંદ થયો. પણ તારું અહીં આવવાનું કારણ શું છે?'
સિદ્ધાર્થ:-' આજે સવારે નક્કી કર્યું હતું કે મમ્મીની યાદમાં વૃદ્ધાશ્રમમાં ડોનેશન આપવું. આંટી મારી એક વાત માનશો?'
વૃદ્ધા:-' બોલ બેટા, તને તારી મમ્મી પર બહુ હેત હોય એવું લાગે છે.'
સિદ્ધાર્થ:-' આંટી, તમે વૃદ્ધાશ્રમમાં ના રહો. હું તમને મારા ઘરે લઈ જવા તૈયાર છું. જે કંઈ ફોર્માલીટી હશે એ પૂરી કરીશ.'
વૃદ્ધા:-' તારી લાગણીઓને હું માન આપું છું. પણ હું સ્વમાની છું. તારે પણ વાઈફ હશે. સંતાન હશે. હું આ ઉંમરે કોઈના પર બોજો બનવા માંગતી નથી.'
સિદ્ધાર્થ:-' આંટી, મેં મેરેજ કર્યા નથી. એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. તમને કોઈ તકલીફ પડવા નહીં દઉં. રસોઈ કરવા માટે બાઈ આવે છે. તમે આવશો તો મને લાગશે કે મારી માતા તમારા સ્વરૂપે મારા ઘરમાં આવી છે.'
વૃદ્ધા:-' તું લાગણીશીલ છે.તારી લાગણીની કદર કરું છું. પણ મારા કારણે તું હેરાન થઈ જાય એ મને પસંદ નથી. તું હવે જલ્દી મેરેજ કરી લે.'
સિદ્ધાર્થ:-' મેરેજની વાત પછી. જો આપ મારી સાથે નહીં આવશો તો મને ખોટું લાગશે. આખરે તમે મારા દોસ્તની મમ્મી છો.'
વૃદ્ધા:-' હું તારી સાથે આવી શકું એમ નથી. છતાં પણ તારા દિલમાં એમ થાય કે આંટીની ખબર કાઢવી છે તો મહિને કે બે મહિને મને મળવા આવજે.'
સિદ્ધાર્થ:-' સારું..જેવી તમારી મરજી. પણ હું દર રવિવારે આવીશ. પણ કોઈ રવિવારે ના આવું તો ચિંતા કરતા નહીં.'
વૃદ્ધા:-' સારું.. બેટા.. હું ઈચ્છું છું કે તારું જલ્દી મેરેજ થઈ જાય. ને સારી નેકદિલ વાઈફ મળે.'
- કૌશિક દવે