તારી પીડાનો હું અનુભવી - ભાગ 16 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 16

‘ચાલ, આવે છે ને બહાર.’ ટ્યૂશનમાંથી છૂટ્યા પછી પરમે પૂછ્યું.

‘ના.’

‘કેમ?’

‘બસ એમ જ. આજે મૂડ નથી.’ મેં નક્કી કર્યું હતું કે પરમ સાથે બહાર જવાનું ઓછું કરી નાખવું છે.

‘અરે એટલે જ તો આવવાનું કહું છું. આખિર દોસ્ત કબ કામ આયેંગે.’

‘ના પ્લીઝ, નોટ ટુડે.’

‘ઘણીવાર આપણે બીજાથી એટલા બધા અંજાઈ જઈએ છીએ કે આપણું હિતાહિત ભૂલીને એમની પાછળ ખેંચાઈ જઈએ છીએ.’ મિરાજની વાતને અટકાવીને ફરીથી એની જિગ્સો પઝલને કમ્પ્લીટ કરવા માટે એક પીસ શોધી આપ્યો.

‘એવું કેમ થાય, દીદી?’

‘એકલા પડી જવાના ડરથી.’ મારો જવાબ મિરાજને સીધો એની વીકનેસ સુધી દોરી જશે એ મને ખબર હતી. પણ વાસ્તવિકતાને ઓળખ્યા વિના એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા વ્યર્થ હોય છે. મારી ઈચ્છા હતી કે મિરાજ એની વીકનેસને ફક્ત જાણે જ નહીં પણ એને એક્સેપ્ટ કરતા પણ શીખે. તો એ એક દિવસ જરૂર એમાંથી બહાર આવી શકશે.

મિરાજ ચૂપ હતો પણ એની આંખો મારી વાતને સ્વીકારી રહી હતી.

‘એટલે જ તો તું ગયો?’

‘તમને કેવી રીતે ખબર પડી ગઈ, દીદી? મેં તો હજુ કહ્યું નથી.’

‘તારી અત્યારની હાલત જોઈને. તું ત્યારે ન ગયો હોત તો આજે તારી આ દશા ન હોત.’

મારી વાત સાંભળીને મિરાજની આંખો સહેજ પહોળી થઈ ગઈ.

‘બટ ઈટ્સ ઓ.કે. ધેટ વોઝ યોર પાસ્ટ વિચ ઈઝ ગોન. નાઉ યૂ નો કે તારી પઝલમાં કોણ ફીટ છે અને કોણ અનફીટ. મે બી યૂ ગેટ ન્યૂ પીપલ, હૂ રિયલી કેર ફોર યૂ એન્ડ હૂ ડીઝર્વ ટૂ બી પાર્ટ ઓફ યોર લાઈફ પઝલ.’

‘યેસ દીદી. આઈ વોન્ટ ટૂ ગિવ અ ન્યૂ સ્ટાર્ટ ટૂ માય લાઈફ. હું તમારી સાથે વાત કરું છું તો મારા જીવનને એક નવી દિશા મળતી હોય એવું લાગે છે.’

‘પછી આગળ શું થયું?’

પરમનો ફોર્સ ચાલુ જ હતો કે હું એની સાથે જઉ. મારું ધ્યાન મોબાઈલમાં હતું, પણ પ્રિયંકાના કોઈ મેસેજ નહોતા. કારણ કે, એણે મારા કોઈ મેસેજ જોયા જ નહોતા, તો પછી રિપ્લાય તો ક્યાંથી આવે?

‘બોલ શું કહે છે? આવે છે ને?’ પરમે ફરીથી પૂછ્યું.

મેં કોઈ જવાબ ના આપ્યો. મને ખબર નહોતી પડતી કે શું કરું?

‘નિખિલ પણ આવે છે. કહેતો હતો કે કોઈ સારી જગ્યાએ જઈશું. બસ એક કલાકમાં પાછા આવી જઈશું. એટલે તને ઘરે મોડું પણ નહીં થાય. હવે ના કહીશ નહીં.’

બહાર જવા માટે ઘરે કેવી રીતે કહીશ એમ વિચારી હું મૌન કહ્યો. બે મિનિટ પછી થયું કે ઘરે વહેલા જઈને પણ શું કરવું છે? એમ પણ મૂડ સારો નથી તો આ લોકો સાથે ક્યાંક બહાર જઈ આવીશ તો સારું લાગશે. એ વિચારે મેં પરમ સાથે ટાઈમ પાસ કરવાનું નક્કી કર્યું. પરમ અને નિખિલ સાથે રહીને હું મારી જાતથી જ દૂર ભાગી રહ્યો હતો.

હિંમત કરીને મેં મમ્મીને ફોન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે કંઈ પણ પૂછપરછ કે સલાહસૂચન વગર મમ્મીએ જવાની હા પાડી દીધી.

‘થેન્ક યૂ.’ મેં મમ્મીને સોરી તો નહોતું જ કહ્યું, પણ ‘થેન્ક યૂ’ કહેવામાં પોતાને રોકી ના શક્યો. મમ્મીના પ્રેમે મારા અંતરને પલાળ્યું.

‘ક્યાં જવાનું છે?’ મેં પરમને પૂછ્યું.

‘કેફેમાં.’

‘ઓહ. એના માટે તું આટલો ફોર્સ કરતો હતો?’

‘ના ભાઈ ના. નવું કેફે ખૂલ્યું છે. નિખિલ જઈ આવ્યો છે. કહેતો હતો કે મસ્ત છે.’

એટલામાં પાછળથી આવીને એક કારે જોરથી હોર્ન માર્યો. અમે પાછળ ફરીને જોયું. નિખિલ કાર લઈને આવ્યો હતો.

‘તારા બાપાએ તને ગાડી આપી દીધી?’ પરમે હસીને કહ્યું.

‘હા. ક્યારેક તો આપે જ ને.’

હું અને પરમ નિખિલની કારમાં બેઠા. વીસ મિનિટ પછી કાર એક પાર્કિંગમાં જઈને અટકી.

‘ઓહ! અહીંયા જવાનું છે?’ પરમે તરત જ કહ્યું.

‘લે, તને કેવી રીતે ખબર પડી?’

‘અરે બહારથી જ દેખાય છે નવું ઈનોગ્રેશન થયું છે.’

‘યસ.’

‘આ તો...’ મારું વાક્ય અધૂરું રહ્યું.

‘પ્લીઝ યાર, કંઈ નેગેટિવ ના બોલતો. આપણે ખાલી કોફી જ પીવાના છીએ.’ પરમે મને આગળ બોલવાનો સ્કોપ જ ના આપ્યો.

એક જ જગ્યામાં અંદર પ્રવેશવા જતા અમારા ત્રણેયની મનોદશા અલગ અલગ હતી. પોતાની મનગમતી જગ્યામાં જતી વખતે જેવો આનંદ હોય, એવો આનંદ અને મસ્તી નિખિલના ચહેરા અને ચાલમાં ઝળકતા હતા. પરમ કંઈક નવું જાણવા અને જોવાની ઉત્સુકતા સાથે આજુબાજુ નજર ફેરવતા આગળ વધી રહ્યો હતો. અને હું ફરી એકવાર યોગ્ય-અયોગ્યના વિચારોમાં અટવાયેલો ધીમા પગલે આગળ વધી રહ્યો હતો. હવે આવી જ પહોંચ્યા પછી અંદર પ્રવેશવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આમ પણ મારું મન અનેક વિચારો કરી કરીને થોડું થાકેલું હતું. એટલે વધારે કોઈ વિચાર કર્યા વિના હું નિરાશા, ઉદાસી અને અનિચ્છાના ભાવ સાથે અંદર પ્રવેશ્યો.

મારા ચહેરા પર અંદરની બ્લૂ અને રેડ લાઈટની આભા પડી. હળવું પણ માદક મ્યૂઝિક, ચારે બાજુ ફેલાયેલા હળવા ધુમાડાના ગોટા, અંદર બેઠેલા યુવાનોને ભાન ભુલાવતા હોય, એમ એમના મન પર પોતાનું સ્થાન જમાવી ચૂક્યું હતું.

નિખિલે એક ટેબલ પાસે જઈને પરમ સામે જોયું. પરમે માથું હલાવીને સંમતિ આપી. બંને જણા ત્યાં ગોઠવાયા. મેં પાછળ ઊભા રહીને આજુબાજુ નજર ફેરવી. ત્યાંના મ્યૂઝિકમાં મસ્ત થયેલ યુવાનોના ચહેરા પર સ્માઈલ, સ્ટાઈલ અને સ્ટેટ્સ ઝળકતા હતા. હું પણ એમની સાથે જઈને બેઠો. નિખિલ સોફા પર એક હાથ ફેલાવીને બીજા હાથથી બધાની સેલ્ફી લેવા લાગ્યો. એટલામાં સામેથી શિવાંગી આવતી દેખાઈ. મને શોક લાગ્યો. પરમને પણ નવાઈ લાગી.

‘હેલ્લો એવરીવન.’ મોટી સ્માઈલ સાથે હાથ હલાવીને શિવાંગીએ બધાને ગ્રીટ કર્યું.

‘હાય ડિયર’ નિખિલ ઊભો થયો અને એને ભેટ્યો.

પરમ મારી સામે જોઈને ધીમું હસ્યો.

એટલામાં વેઈટર ત્યાં આવીને ઊભો રહ્યો. મેં આઈસ ટી મંગાવી. પરમે કોલ્ડ કોફી સાથે સેન્ડવિચ અને શિવાંગીએ કોલ્ડ કોફી મંગાવી. નિખિલે આઈસ ટી અને ડબલ એપલ ફ્લેવર શીશા(હુક્કા) ઓર્ડર કર્યા.

મેં મીત સામે જોયું. એણે મિરાજની વાત સાંભળવા માટે પોતાના ચહેરાના હાવભાવ અને દિલના આવેગને સંભાળીને રાખ્યા હતા. મિરાજ મારી સામે જોઈને આગળની વાતો ખુલ્લી કરી રહ્યો હતો. મેં મીત પર એક નજર કરીને તરત જ મિરાજ સામે મારી આંખો અને કાનની સાથે મનને સ્થિર કર્યું.

‘વ્હોટ અ સરપ્રાઈઝ! અમને ખબર નહોતી કે તમે પણ આવવાના છો.’ પરમે નિખિલ સામે નજર કરીને શિવાંગીને કહ્યું.

‘તમે? આઈ એમ નોટ એન આન્ટી.’

‘ઓહ... સોરી. શિવાંગી.’ પરમે સ્માઈલ આપીને કહ્યું.

પરમ જેવા છોકરાંઓ હોય, ત્યાં શિવાંગીને વધારે કહેવું ના પડે કે ‘યૂ કેન કોલ મી શિવાંગી.’

‘વાય આર યૂ સો સાઈલન્ટ? સોરી બટ આઈ ફરગોટ યોર નેમ.’ શિવાંગીએ મારી તરફ જોઈને કહ્યું.

‘મિરાજ.’

‘મિરાજ. નાઈસ નેમ.’

‘બિચારો, આજે ટ્યૂશન ક્લાસીસમાં સરે કરેલી ગર્લફ્રેન્ડવાળી કમેન્ટથી અપસેટ છે.’ પરમ તરત જ બોલી ઊઠ્યો.

‘ઓહ રિયલી? એમાં અપસેટ થવા જેવું શું છે ભાઈ? આઈ હોપ યૂ આર નોર્મલ.’ નિખિલ હસવા લાગ્યો.

‘હા યાર, પણ આપણા મિરાજભાઈ એકદમ સીધા છે.’ પરમે કહ્યું.

‘જલેબી જેવા સીધા?’ શિવાંગીએ હસીને કહ્યું.

મને આ બધી વાતો ના ગમતી હોવા છતાં પરાણે હસીને રિસ્પોન્સ આપવો પડી રહ્યો હતો.

‘જો મિરાજ, મને જો. તું મને અત્યારે અહીંયા બધાની વચ્ચે કહે ને કે આ શિવાંગી ને મારું ચક્કર છે તો હું જેટલો ખુશ થાઉં, એનાથી વધારે તો આ ખુશ થઈ જાય.’ નિખિલે શિવાંગી તરફ હાથ કરીને મને કહ્યું.

‘શટ અપ. એ તો આ નિખિલ જ મારી પાછળ પડેલો હતો. એ અને એના બધા ફ્રેન્ડ્સ મારી પાછળ દુમ હલાવતા ફરતા હતા.’ શિવાંગીએ નિખિલને ધબ્બો મારતા કહ્યું.

મારી અંદરની અકળામણ વધી રહી હતી. ફરીથી મારી સાથે એવું જ અજુગતું થઈ રહ્યું હતું, છતાં કોણ જાણે કેમ હું પોતાને આ ટ્રેન્ડ સાથે ભેળવવાની કોશિશ કરી રહ્યો હતો. બોડી લેંગ્વેજ અને માઈન્ડ લેંગ્વેજનું બેલેન્સ જાળવવામાં આંતિરક ઘર્ષણ અનુભવાતું હતું.

એટલામાં વેઈટર હુક્કો લઈને આવ્યો અને જમીન પર મૂક્યો. હુક્કાની ઉપર રાખેલા કોલસા એક નાના ચીપિયા વડે વ્યવસ્થિત ગોઠવ્યા અને હસતા ચહેરે હુક્કામાં ફિક્સ કરેલી નળી નિખિલના હાથમાં પકડાવીને ચાલ્યો ગયો. નિખિલે એ શિવાંગીને ઓફર કર્યું.

‘તારા માટે જ તો સ્પેશિઅલી આ જગ્યાએ આવ્યા છે.’

શિવાંગીએ ધારદાર આંખોથી મીઠી સ્માઈલ સાથે નિખિલ સામે જોયું અને એક સુટ્ટો માર્યો પછી હવામાં ધુમાડો છોડ્યો.

પરમ આ બધું જોઈને એક મિનિટ માટે શ્વાસ લેવાનું ચૂકી ગયો. મારા ધબકારા તો જ્યારથી આ જગ્યામાં પગ મૂક્યો ત્યારથી જ વધેલા હતા. જો તે, શિવાંગીની પર્સનાલિટીને જોતા એ હુક્કા પીવે એમાં ખરેખર કોઈ આશ્ચર્ય પામવા જેવી વાત હતી જ નહીં.

પછી શિવાંગીએ એ નિખિલને પાસ કર્યું.

‘તમે લોકોએ નિખિલનું આ રૂપ પહેલા નહીં જોયું હોય ને? લોકો તો મોઢામાંથી ધુમાડો કાઢે, પણ આ તો નાકમાંથી પણ કાઢી શકે.’ શિવાંગીએ વાંદરાને સીડી આપતી હોય એમ નિખિલને એનું કરતબ બતાવવા પ્રોત્સાહિત કર્યો.

નિખિલે કોલર ઊંચો કર્યો અને તરત જ એ કરતબ કરી બતાવ્યું.

‘ગ્રેટ મેન.’ પરમે કોફીનું સિપ લેતા લેતા તરત જ નિખિલના વખાણ કર્યા.

‘સોરી સ્કૂલ બોય્સ, તમારે હજી વાર છે.’ શિવાંગીએ પરમ અને મારો મજાક ઉડાવતા કહ્યું. એની કમેન્ટ પરમ માટે દીવાસળીને આગ ચાંપવા જેવી હતી.

‘નો ઈટ્સ સેફ. આમાં ક્યાં નિકોટીન હોય છે? આમાં ખાલી એપલ ફ્લેવર છે. નો ટોબેકો.’ નિખિલે કહ્યું.

‘હા, મેં પણ એવું જ સાંભળ્યું છે. પણ મારા ડેડ કહે છે કે તારે અત્યારે આ બધામાં પડવાની જરૂર નથી.’ પરમે જવાબ આપ્યો.

‘એ બધી કહેવાની વાતો છે, ટોબેકો હોય જ છે.’ મીતથી બોલાઈ ગયું.

‘હં.’ મિરાજે હામી ભરી.

‘પછી?’ મેં વાતને પાછી ટ્રેક પર લાવવા કહ્યું.

‘આમ તો તમને કદાચ અહીંયા એન્ટ્રી પણ ના મળે, પણ આ જગ્યાનો ઓનર મને સારી રીતે ઓળખે છે એટલે વાંધો નથી.’ નિખિલે ગર્વથી કહ્યું.

આ શહેરમાં નવો હોવા છતાં આની બધે સારી ઓળખાણ થઈ ગઈ લાગે છે. થાય જ ને, આખો દિવસ બધે રખડતો જ ફરે છે તો. મારા મનમાં રહેલો નિખિલ માટેનો અભાવ બોલી ઊઠ્યો.

શિવાંગીએ મને સેન્ડવિચ ઓફર કરી, પણ અત્યારે મારા ગળેથી કંઈ ખાવાનું ઊતરે એમ નહોતું. મન તો થતું હતું કે અહીંથી ચાલ્યો જઉં. પણ એવું કરવાનું પણ અઘરું લાગતું હતું.

પરમ, નિખિલ અને શિવાંગી હસીમજાક કરી રહ્યા હતા અને હું શોકમાં હતો.

‘પ્રિયંકા?’ એટલામાં પાછળના ટેબલ પરથી કોઈએ બૂમ પાડી. અને આગળ જઈ રહેલી એક છોકરીએ પાછળ વળીને જોયું.

‘વાઉ.’ પરમના મોઢામાંથી નીકળી ગયું.

શોક, આઘાત અને અસમંજસના ધુમાડા જેવા માહોલમાં મારા સ્વમાન અને સંસ્કારની કિંમત પણ ધુમાડાની જેમ ઊડી રહી હતી. મને પ્રિયંકાની ફરીથી યાદ આવી ગઈ. મન પાછું પ્રિયંકાની ચિંતામાં પડ્યું. મારો હાથ મોબાઈલ તરફ આગળ વધ્યો પણ બેટરી ડાઉન હતી. જેવો મોબાઈલ ચાલુ કર્યો એવો જ શટ ડાઉન થઈ ગયો. સામે દીવાલ પર લટકતી ઘડિયાળમાં ટાઈમ જોયો.

‘લેટ થઈ ગયું.’ એટલું બોલતા જ મેં પરમ સામે જોયું અને આંખો પહોળી થઈ ગઈ.