તારી પીડાનો હું અનુભવી - ભાગ 14 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 14

અઠવાડિયાને જતા ક્યાં વાર લાગે? મેં મિરાજ અને મીતને બીજા દિવસે સવારના સાત વાગે મારા ઘર પાસે બોલાવ્યા. સાઈકલિંગ કરવા જઈશું એવું નક્કી કર્યું હતું. થોડા ટાઈમમાં મિરાજનો ફોન આવ્યો.
‘હાય મિરાજ.’
‘હેલ્લો દીદી.’
‘કેમ છે? બધું ઓલરાઈટ?’
‘હા. બસ તમારી સાથે વાત કરવી હતી.’
‘એમ? એટલી જલદી હતી? કાલે તો મળીએ જ છીએ ને?’
‘મેં અત્યાર સુધી તમને જેટલી વાતો શેર કરી છે, એટલી હજી કોઈ સાથે નથી કરી. મીત સાથે પણ નહીં.’
‘મને ખ્યાલ છે એનો.’
‘તમે કહ્યું એટલે અત્યાર સુધી મેં મીતની સામે બધી વાત કરી પણ હવે નહીં કહી શકું.’
‘તને મારા પર કેટલો વિશ્વાસ છે મિરાજ?’ મીતની સામે કેમ નહીં કહી શકે એ પ્રશ્ન મે એને ડાયરેક્ટ પૂછવાનો ટાળ્યો.
‘આવું કેમ પૂછો છો? મારી અત્યાર સુધીની આપવીતી સાંભળ્યા પછી પણ તમને કોઈ શંકા છે?’
‘જો તને મારા પર વિશ્વાસ છે તો મને મીત પર વિશ્વાસ છે.’
‘પણ દીદી...’
‘અત્યાર સુધી મીત સાથે તારું જે સ્ટ્રોંગ બોન્ડવાળું રિલેશન હતું, એ માત્ર થોડા મહિનાની ગેરસમજણના કારણે વીક ન થઈ શકે. પોતાના જીવનની તકલીફો સામે ઝઝૂમવામાં એ બધાથી થોડા ટાઈમ માટે અલૂફ થઈ ગયો, એનો અર્થ એવો નથી કે એ કાયમ માટે એવો જ રહે. મીતને તારા માટે સાચી લાગણી છે.’
‘પણ એ મને સમજી નહીં શકે. મારી સાથે આગળ જે કંઈ પણ થયું એ બધી વાત એના ગળે નહીં ઊતરે. એ ક્યારેય મારા જેવી પરિસ્થિતિમાં નથી મૂકાયો. એ મને નહીં સમજી શકે દીદી, પ્લીઝ.’
‘મિરાજ, તારી સાથે જે પણ થયું હશે એ હું અત્યારે નથી જાણતી, પણ એટલું ખબર છે કે આપણે જેમાંથી પસાર થઈએ છીએ એ બધા લાઈફના ફેઝીઝ છે. અને આ જ લાઈફનો પ્રોસેસ છે. ભૂલોમાંથી અનુભવ વધે અને અનુભવથી ભૂલો ઓછી થાય.’
‘જરૂરી નથી કે બધાને બધા અનુભવો થયેલા જ હોય!’
‘તારી સાથે જે થયું હોય એ કેટલાય લોકો સાથે થયું હોય, પણ બધા કહેવા થોડા આવે છે? તારી સાથે જે પણ થયું હોય, ભલે એ મીતની કે મારી સાથે ના થયું હોય, પણ અમે તારી સાથે જ છીએ. હું તો આજે છું અને કાલે નહીં હોઉં. પણ મીત તો કાયમ એના ભાઈ મિરાજની સાથે જ રહેવાનો છે. મને મીતની મેચ્યોરિટી પર વિશ્વાસ છે. મારા પર ભરોસો રાખ. તારો વિશ્વાસ તૂટવા નહીં દઉં. અત્યારે કંઈ પણ વિચાર કર્યા વિના શાંતિથી સૂઈ જા. કાલે સવારે મળીશું. તને કોઈ ફોર્સ નથી, તારું દિલ જેમ કહે એમ કરજે.’
‘તમને એવું લાગે છે તો ઠીક છે. હું ટ્રાય કરીશ.’
બીજા દિવસે સવારે મિરાજે ઘરની બહાર આવીને મને કોલ કર્યો.
‘હું તમારા ઘરની બહાર છું.’
‘ઓ.કે. હું રેડી જ છું. આવું છું.’
‘કેમ છે બેટા? અંદર આવને.’ મમ્મી મારી સાથે મીત અને મિરાજને મળવા બહાર આવી.
‘ના, આન્ટી. ફરી ક્યારેક આવીશ.’ મિરાજે સહેજ સંકોચાતા કહ્યું.
‘મીત ક્યાં રહી ગયો?’ મીત ના દેખાતા, મેં પૂછ્યું.
‘એની સાઈકલમાં પંચર જેવું લાગ્યું, એટલે એ પંચર રિપેર કરાવીને આવે છે થોડીવારમાં.’
‘ઓ.કે. એને અત્યારે સવારમાં જ ચેક કરવાનું સૂઝ્યું?’
‘એ આવે ત્યાં સુધી ચાલ અંદર, થોડો ચા-નાસ્તો કરી લે.’
‘ના દીદી. આજે તો મમ્મીએ મારો ફેવરિટ નાસ્તો કરાવીને મોકલ્યો છે. હવે પેટમાં જગ્યા નથી.’
‘સારું. નેક્સ્ટ ટાઈમ આવવું પડશે. રોનક પણ બહાર ગયો છે. એને આનંદ થશે તને મળીને.’ મમ્મીને હવે મારા જેવા કેસ સાથે આગ્રહ વિનાનું ડીલિંગ આવડી ગયું હતું.
‘ચોક્કસ.’
એટલામાં ફોન આવ્યો.
‘હેલ્લો. સંયુક્તા, તને એક વાત કહેવી હતી.’ મીતને અચાનક શું કહેવું હશે એ ના સમજાયું.
‘શું?’
‘આ વાત તું મિરાજને ના કહેતી.’
‘ઓ.કે.’ હું ચાલીને થોડી આગળ ગઈ જેથી મિરાજથી દૂર જઈને વાત થઈ શકે.
‘મિરાજ તારી સામે સારું એવું ખૂલી રહ્યો છે. હું નથી ઈચ્છતો કે હવે એની ક્યાંય બ્રેક વાગે. એ એકવાર પૂરેપૂરો ખાલી થઈ જશે તો હળવો થઈ જશે અને હળવો થશે તો એ ફરીથી પહેલા જેવો જ થઈ જશે એનો મને વિશ્વાસ છે.’
‘હા, પણ આમાં તું કહેવા શું માગે છે?’
‘એ જ કે જો એને મારા કારણે ક્યાંય સંકોચ ઊભો થતો હોય તો હું ના આવું. તમે બંને એકલા જ મળી લો તો સારું.’ બંને ભાઈઓ એકબીજા માટે વિચારતા હતા.
‘ના. તારી જરૂર છે. તું આવી જા. પણ એ પહેલા મારે પણ તને એક વાત કહેવી છે.’ મારું કામ હતું એ બંનેને ઉત્તર અને દક્ષિણથી વચ્ચે લાવીને બેલેન્સ કરવાનું, એમને ભેગા કરવાનું.
‘શું?’
‘એ જ કે મિરાજ સાથે આગળ શું થયું એ આપણે જાણતા નથી. તું મને એક પ્રોમિસ આપ કે જો એ આજે ખૂલીને બધી વાત કહી દે, તો તું કોઈ પણ પ્રકારના ઈમોશન કે અગ્રેશનમાં નહીં આવે. ટીનેજ છે તો ભૂલો તો થઈ જાય. એની કોઈ વાત તારા સિદ્ધાંતથી વિરુદ્ધ હોય તો પણ તારે રિએક્ટ નથી કરવાનું. તું જ કહે છે ને કે એકવાર ખાલી થશે તો હળવો થશે. અને એ હળવો ત્યારે જ થશે જ્યારે એને આપણો પૂરો સપોર્ટ હશે. ભલે એનાથી ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય, પણ એને ખાતરી થવી જોઈએ કે એ ભૂલ ખુલ્લી થયા પછી એના માટે તારા પ્રેમમાં કોઈ ફરક નહીં પડે.’
‘હા, સંયુક્તા. પ્રોમિસ. હું સમજુ છું. પણ સારું કર્યું કે તે પહેલાથી ચેતવી દીધો. આ જ વાત જો મેં પહેલા સમજી લીધી હોત તો કદાચ અમારી વચ્ચે આ ડિસ્ટન્સ ના આવ્યું હોત. ચેટિંગની દુનિયાની એની કુતૂહલતાને મેં સાંભળી લીધી હોત તો...’
‘બસ. મને તારી પાસેથી આ જ ખાતરી જોઈતી હતી. તું આવી જા. અમે રાહ જોઈએ છીએ.’
મિરાજ વિચારોમાં ખોવાયેલો ઊભો હતો. મેં એની પાસે જઈને ગળું ખંખેર્યું અને એ સહેજ ચમક્યો.
‘આપણે ક્યાં જવાનું છે?’
‘અહીંથી પાછળ એક રસ્તો છે. આશરે ચાર-સાડા ચાર કિલોમીટર દૂર એક જગ્યા છે, ત્યાં જવાનું વિચાર્યું છે. પણ તને અત્યારે નહીં કહું. ત્યાં જઈને જ જોઈ લેજે ને.’
‘ઓ.કે.’
‘બહુ દિવસ પછી આજે સાઈકલિંગ કરવાની મજા આવી.’
‘અમુક નાનપણની યાદોને ફરીથી જીવવાની મજા હોય છે. હું સાઈકલિંગ લગભગ રેગ્યુલર કરી લઉ છું. અને ક્યારેક મન થાય તો ક્રેયોન્સ લઈને બચ્ચાઓની કલર બુકમાં કલરિંગ કરીને પણ નિર્દોષ આનંદ મેળવી લઉ છું. ક્યારેક રસ્તામાં રમતા ગલૂડિયાઓની સાથે રમીને પણ આનંદ મળી જાય છે.’
‘જે આનંદ આપણે માત્ર મોબાઈલ, ટી.વી. અને ઈન્ટરનેટની દુનિયામાંથી જ મેળવીએ છીએ, એ આનંદ લેવાની આ બધી રીતો તો જાણે ભુલાઈ જ ગઈ છે. નિર્દોષ આનંદ... શબ્દ પણ કેટલો સુંદર છે.’
‘હા, મેં પણ કોઈની પાસેથી શીખેલો છે. નિર્દોષ આનંદ... એવો આનંદ જેમાં કોઈને આપણાથી દુઃખ ના થાય.’
એટલામાં સાઈકલની ઘંટડી વગાડતા મીત આવી પહોંચ્યો.
ત્રણેય જણા લગભગ મૌન હતા. અમે શબ્દોને વિરામ આપ્યો હતો અને મનને છૂટ... આ સવારના વાતાવરણની તાજગીને દિલ ભરીને મહેસૂસ કરી લેવાની છૂટ. રસ્તામાં સુંદર ઝાડ અને છોડને જોતા જોતા અને પંખીઓના કલરવને સાંભળતા સાંભળતા, વીસ-પચ્ચીસ મિનિટ પછી અમે એક જગ્યાએ પહોંચ્યા.
‘આ તો મંદિર છે.’ મિરાજ બોલી ઊઠ્યો.
‘અહીંયા તો હું પહેલા ક્યારેય આવ્યો નથી.’ મીતે આજુબાજુ નજર કરતા કહ્યું.
એ રામ ભગવાનનું મંદિર હતું. જેમાં સાથે લક્ષ્મણજી, સીતાજી અને હનુમાનજી પણ હતા. એ જગ્યા ગજબની પાવર હાઉસ હતી. શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું પાવર હાઉસ એટલે મંદિર.
‘હા, ચાલો દર્શન કરવા જઈએ.’
શાંતિથી દર્શન કર્યા પછી બહાર એક વિશાળ જગ્યા હતી, ત્યાં જઈને અમે બેઠા અને પ્રસાદ વહેંચીને ખાધો.
‘દીદી, તમારા લાસ્ટ ટાઈમના સવાલનો જવાબ...’
‘અંહ...’ મેં માથું ધુણાવતા એને બોલતા અટકાવ્યો.
‘મને ખબર છે તારો જવાબ શું છે.’
મિરાજના ચહેરા પર પ્રશ્નાર્થ ઊતરી આવ્યો.
‘લાઈફ ઈઝ લાઈક અ જિગ્સો પઝલ. લોકો બહુ બહુ તો તને એમાં પીસીસ શોધવામાં મદદ કરી શકે. પણ એ પીસ મારી લાઈફની પઝલમાં ફીટ થાય છે કે નહીં, અને થાય છે તો ક્યાં થાય છે એ તો તારે જ નક્કી કરવું પડશે.’
‘દીદી, વન્સ અગેઈન તમારી વાતો...’
‘બહુ ડીપ છે એમ જ ને?’
‘હા.’
‘પણ મને એ વાતની ખુશી છે કે તને એ ડીપ વાતોનો અર્થ સમજાય છે. સી... યુ આર એ જીનિઅસ.’
મિરાજના ચહેરા પર હળવું સ્મિત ફરી ગયું.
‘તને ખબર છે, મેં તને એ પ્રશ્ન કેમ પૂછ્યો હતો?’
‘ના.’
‘તું તારી નજીકના ઈનર સર્કલમાં રાઈટ વ્યક્તિઓને ફિટ કરી શકે એ માટે. ત્યારે તો મેં તને પરમ, નિખિલ અને વિદ્યુત એ ત્રણ જ ઓપ્શન આપ્યા હતા. પણ બની શકે કે આ ઓપ્શનમાં વધારે લોકો પણ હોય અને તારે એમાંથી પણ સિલેક્શન અને કેન્સલેશન કરવાનું હોય.’
મારી વાત સાંભળીને મિરાજની નજર સહેજ ઝૂકી ગઈ. એ આજુબાજુ જોવા લાગ્યો. કંઈક હતું જે હજી એને ખટકતું હતું.
‘મંદિર બહુ સરસ છે ને દીદી.’ એણે કહ્યું.
‘હા, હું પણ આજે ઘણા વખતે આવી.’
‘મનને ખૂબ શાંતિ લાગે છે.’
‘હા, કારણ કે ભગવાન પર આપણને શ્રદ્ધા હોય છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શાંતિ લાગે જ.’
‘હં.’
‘શ્રદ્ધા હોય ત્યાં નવી શક્તિનો સંચાર થાય. એ શક્તિથી તો મોટા મોટા ડુંગરા ઓળંગી જવાય. ત્યાં જીવનના આ નાના-મોટા પ્રસંગોમાં ડિપ્રેસ થવા જેવું છે જ ક્યાં? બધા દિવસો એકસરખા નથી હોતા. કાળા વાદળો હોય ત્યારે સૂરજ દેખાય નહીં એનો અર્થ એવો નથી કે સૂરજની હાજરી નથી. એ તો વાદળો હટતા પાછો એવા જ ઝગારા મારશે. એમ આપણી સમજણ આડે પણ જે વાદળું આવી ગયું હોય એ ખસી જાય એટલે જ્ઞાનરૂપી પ્રકાશ ઝગમગ થશે જ. વાદળું ખસેડનાર કોઈક જોઈએ બસ.’
‘યુ આર રાઈટ. દીદી, તમારા કારણે મને ઘણી સમજણ મળી છે.’
‘અને મને બીજાના કારણે.’ ફરી દાદા મારી આંખ સામે તાદ્રશ થઈ ગયા, ‘ગઈકાલે રાત્રે જ મેં ગાંધીજીનું એક સુંદર સુવાક્ય વાંચ્યું હતું.’
‘કયું?’
'I WILL NOT LET OTHER TO WALK THROUGH MY MIND WITH THEIR DIRTY FEET'
- Mahatma Gandhi
‘હં, સરસ છે.’ મિરાજે સાંભળ્યા, સમજ્યા અને વિચાર કર્યા પછી જવાબ આપ્યો.’
‘કેટલું સ્ટ્રોંગ અને આત્મવિશ્વાસ ભરેલું છે ને?’
મીતની નજર નીચી હતી અને પગ પર ગોઠવેલા બે હાથ જોડેલા હતા. મનોમન કોઈ પ્રાર્થના કરી રહ્યો હોય એવું લાગતું હતું. એ પ્રાર્થનાની અરજી કાં તો પોતાની ધીરજ વધે અને સમજણ ઠરે એ માટે હશે અથવા તો મિરાજને ખુલ્લા થવાની શક્તિ મળે એના માટે હશે.
‘સોરી, પણ ક્યારેક મને અંદર એક ખચકાટ થાય છે કે આ જે બધું હું તમને કહું છું, એ તમારા પૂરતું જ રહેશે ને?’
‘ઈટ્સ ઓ.કે. યૂ ડોન્ટ હેવ ટૂ બી સોરી. એ તો સ્વાભાવિક જ છે ને. હું કોઈ એવી મહાન વ્યક્તિ તો છું નહીં કે તું આમ મને તારી પર્સનલ વાતો કહે. અને અત્યાર સુધી તે જેટલું કહ્યું એ બધું કહેવું પણ કંઈ સહેલું છે? મેં પણ મારા જીવનની ડાર્ક સાઈડ મારી લાઈફના એક સ્પેશિઅલ વ્યક્તિને એકલામાં જ કહી હતી.’
‘બીજી બાજુ મને એવો પણ વિચાર આવે કે તમને મારી પાસેથી શું જોઈએ છે? કંઈ જ નહીં. છતાં તમે મને તમારો ખૂબ ટાઈમ આપ્યો છે. મારી બધી વાતોને શાંતિથી સમજી છે. એમાં તમારો ક્યાં કોઈ સ્વાર્થ છે?’
‘સ્વાર્થ છે ને!’
‘હું નથી માનતો.’
‘એક ટાઈમ એવો હતો, જ્યારે હું પણ તારા જેવી સ્થિતિમાં હતી. અને કોઈકે મને એમાંથી મુક્ત કરાવી છે. એ દિવસથી સતત દિલમાં રહે છે કે બધાને આવી જ મુક્તતા મળવી જોઈએ. કોઈનું પણ દુઃખ જોઉ તો મને બહુ દુઃખ થાય છે. મારું પોતાનું દુઃખ મટાડવા માટે જ હું આ બધું કરું છું. અને આ જ મારો સ્વાર્થ છે. તું આ ડાઉન ફેઝમાંથી બહાર આવશે તો મને ખૂબ આનંદ અને સંતોષ મળશે.
કોઈએ મારા જીવવાના આખા ધ્યેયને બદલ્યો છે. એમણે મારા માટે એટલું બધું કર્યું છે, જે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. તો સામે એમના માટે હું શું કરી શકું? એમને કંઈ આપી શકવા હું અસમર્થ છું. હા, એટલું ચોક્કસ કરી શકું કે આપણી જેમ પીડાતા બીજા મિરાજ અને સંયુક્તાને જીવનમાં સુખ, શાંતિ અને સાચી સમજણ મળે એમાં કંઈક અંશે હું મદદરૂપ થઈ શકું તો મારું અહોભાગ્ય. અને એ જ મારી એમને રિટર્ન ગિફ્ટ હશે!’
‘તમારી વાત અને વિચારો બહુ ઊંચા છે. એ સમજતા મને ઘણીવાર લાગશે. એ વ્યક્તિ કોણ છે એ મારે જાણવું છે. પણ પહેલા મારે મારા મનમાં રહેલો રહ્યોસહ્યો ભાર આજે અહીં આ પવિત્ર જગ્યાએ ખાલી કરી દેવો છે.’ હું મિરાજની આંખોમાં રહેલી સચ્ચાઈ જોઈ રહી.
‘વિશ્વાસ રાખજે, તારી કોઈ પણ વાત બહાર નહીં જાય કે તારા માટે મને કોઈ જ નેગેટિવિટી પણ નહીં થાય. કારણ કે તારા જે પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમ્સ આજના જમાનામાં કોને નથી? ફરક માત્ર એટલો જ છે કે જેના મૂળમાં સંસ્કારો ઊંચા છે, એ આમાંથી પાછા ફરવા માટે જરૂર ફાંફાં મારતા હશે. પણ એ લોકોને રસ્તો નથી મળતો. આ ખાઈમાંથી બહાર નીકળવા માટે બધા રસ્તો શોધે છે. પણ વિશ્વાસ કોના પર કરવો એ બહુ મોટો પ્રશ્ન છે.’
‘સાચી વાત છે. મારી પાસે અત્યારે શબ્દો નથી કે હું તને કંઈ કહ્યું. પણ તારા એક-એક શબ્દને આજે હું સમજવા માંગું છું. તને સાંભળ્યા પછી હું એક ભાઈ તરીકેની મારી ફરજમાં પાછો ન પડું એ વાતનો મનમાં થોડો ડર પણ છે. પહેલા જે કંઈ પણ થયું એના માટે માફ કરી દેજે મિરાજ. ફરી એવું નહીં થવા દઉ.’
મીતના શબ્દોએ મંદિરના વાતાવરણની પવિત્રતામાં સચ્ચાઈ અને પસ્તાવાની લાગણીઓ ઉમેરી દીધી. હૃદયમાં દબાવીને રાખેલા અમુક શબ્દો યોગ્ય સમયે જો કહી દેવામાં આવે તો એ સંબંધોની વચ્ચે ઊભી થયેલી ગેરસમજણની દીવાલને તોડી નાખે છે.
મિરાજે મીત સામે જોયું. મીતની આંખના ખૂણા ભરાઈ ગયા હતા. મિરાજ નરમ પડી ગયો એની ખાતરી કરવાની જરૂર નહોતી. એની આંખો જ કહી આપતી હતી. મારું એક કામ પૂરું થયું એવી હાશ સાથે મેં મંદિર તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો.
અમુક મિનિટો માટે અમારી વચ્ચે શબ્દોની ગેરહાજરી રહી અને બે ભાઈઓ વચ્ચે લાગણીની અદશ્ય આપ-લે થઈ. હું એ ક્ષણોની સાક્ષી બની, જેમાં મેં સંબંધને ફરીથી જીવંત થતા જોયા.
‘હું તને જે મહાન વ્યક્તિની ઘણીવાર વાત કરું છું એમનું જ કહેવું છે કે, ‘આજનું યુથ બહુ પ્યોર છે. પણ સાચી સમજણ ન મળવાથી મૂંઝાયું છે. એમને રસ્તો દેખાડનાર જોઈએ. એ લોકોમાં ફક્ત મોહ પેસી ગયો છે.’ હવે મિરાજે લાગણીઓના વહેણમાંથી બહાર આવીને દબાયેલી ભાવનાઓ અને મૂંઝવણોને ખાલી કરવાનું હતું. એ વિચારે મેં એની વિચારધારાનું વહેણ બદલ્યું.’
‘મોહ... હા... મોહ... એમાં જ ફસાયા.’
આટલું કહીને મિરાજ ચૂપ થઈ ગયો. એક નવું જ અને અંતિમ ચેપ્ટર આજે એ કહી દેવાનો હોય એવું સ્પષ્ટ જણાતું હતું. એના ચહેરા પર દંઢતા અને પસ્તાવો બંને દેખાઈ રહ્યા હતા. કદાચ પેલા ત્રણ ઓપ્શનમાં નવા નામ ઉમેરવાના હતા, જે કહેવા એણે પોતાની જાતને સ્ટ્રોંગ કરી...