તારી પીડાનો હું અનુભવી - ભાગ 13 Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી પીડાનો હું અનુભવી - ભાગ 13

હવેની મીટિંગ કોઈ એવી જગ્યાએ હોય જ્યાં એ સંપૂર્ણપણે પોતાનું મન ખાલી કરી શકે. ત્યાર બાદ એ ભૂતકાળ એની પાસે પીડારૂપે નહીં પણ ફક્ત એક તારણરૂપે રહે, જે એને આગળની જિંદગીમાં ફરી એવી ભૂલો કરતા અટકાવે. હવે એ એના જીવનની એક નવી શરૂઆત કરે એવી મારી આશા હતી. આખરે એવી કઈ જગ્યા હોઈ શકે?
હું ઘરે પહોંચી. બા ઘરમાં આરતી કરી રહ્યા હતા. ઘરમાં પહોંચતા જ એકદમ શાંતિનો અનુભવ થયો. હું પણ આરતીમાં જોડાઈ.
‘બેટા, બે દિવસથી નવરાત્રી ચાલુ થયા છે, ખબર છે ને તને?’ આરતી પૂરી થયા બાદ આરતીની થાળી મારી સામે ધરતા બા બોલ્યા.
‘હા, બા.’ મેં આરતી લીધી. દીવા ઉપરથી હાથ ફેરવીને પોતાના માથે લગાડતા જાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા હોય એવો આભાસ થયો. મને મિરાજને મળવા માટેની નવી જગ્યા ક્લિક થઈ.
જમી-કરીને ફ્રેશ થઈને હું રૂમમાં ગઈ. નાઈટ ડ્રેસ પહેર્યો અને પલંગમાં આડી પડી. મોબાઈલ બાજુમાં હતો, પણ મને એની જરૂર નહોતી. મારે મુક્ત મને મારી અંતરદશાને માણવી હતી. મિરાજની દશામાં મને મારું પ્રતિબિંબ દેખાતું હતું. ફોનની રિંગ વાગતા મારે ઈચ્છા ના હોવા છતાં મોબાઈલ હાથમાં લેવો જ પડ્યો.
‘મીત? અત્યારે શું કામ પડ્યું હશે?’
‘હલ્લો...’
‘યાર સંયુક્તા.’
‘શું થયું?’
‘શું કહું તને કે શું થયું?’
‘જે કહેવા માટે તે ફોન કર્યો છે એ.’
‘મિરાજે આજે મને કહ્યું કે આપણે સાથે બેસીને ટોમ એન્ડ જેરી જોવું છે?’
‘રિયલી?’
‘યસ, આઈ કાન્ટ બિલીવ. અમે નાનપણમાં આમ સાથે કાર્ટૂન જોતા હતા. આજે વર્ષો પછી એની સાથે બેસીને કાર્ટૂન જોવામાં અમે બંને રિલેક્સ થઈ ગયા.
‘વાઉ, મને પણ આ સાંભળીને બહુ ખુશી થઈ.’
‘અમારા બંને વચ્ચે કેટલાય મહિનાઓથી જે દૂરી હતી એ જાણે ઘટી.’
‘એ તો મેં બીચ પર જ જોઈ લીધું હતું.
‘એણે મમ્મીને પણ સામેથી કહ્યું કે કેટલા દિવસ થઈ ગયા, તે પાંઉભાજી નથી બનાવી.’
‘ઓહ, તો તો આન્ટી પણ બહુ ખુશ થઈ ગયા હશે ને!
‘હા, મમ્મી તો એકદમ આસમાનમાં ઊડવા લાગી. મને કહેતી હતી કે સંયુક્તાને મળવું છે.’
‘જરૂર મળીશ. મિરાજની હાલતમાં ઘણો ખરો સુધારો થયો છે. પણ મને લાગે છે કે હજી કંઈક છે જે એણે અંદર રાખ્યું છે. કોઈક એવું બેરિઅર છે જે એને રોકે છે. મેં આજે ભગવાનને એને માટે સ્પેશિઅલ પ્રાર્થના કરી કે એ એકદમ પહેલા જેવો નિખાલસ થઈ જાય. રહ્યોસહ્યો ભાર પણ ખાલી કરી નાખે. તું પણ એના માટે સાચા દિલથી પ્રાર્થના કરજે ને.’
‘શ્યોર કરીશ. તારા મોઢેથી આવા શબ્દો પહેલીવાર સાંભળ્યા.’
‘એ તો એક સુપરપાવર છે, જેના માર્ગદર્શનથી આ રિઝલ્ટ આવી રહ્યું છે. સાથે આપણા પોઝિટિવ ભાવ અને સાચા દિલની પ્રાર્થના પોઝિટિવ રિઝલ્ટ લાવીને જ રહેશે. મને પૂરો વિશ્વાસ છે.’
મિરાજ માટે પ્રાર્થનાઓ તો ખૂબ કરી છે. પણ આજે એક અલગ વિશ્વાસ અને પોઝિટિવિટીના ભાવ સાથે પ્રાર્થના કરીશ.
‘હું એને નેક્સ્ટ વીકમાં મળીશ.’
‘ઓ.કે. બાય. તને અત્યારે થેન્ક યૂ નહીં કહું. તારો આખો પ્રોજેક્ટ પૂરો થાય પછી જ કહીશ.’
‘હા, ખાલી થેન્ક યૂ નહીં. પાર્ટી પણ આપવી પડશે.’
‘સ્યોર.’
‘સારું, ચલ બાય.’
‘બાય.’
બીજા દિવસે જ મીતના મમ્મીનો ફોન આવ્યો.
‘સંયુક્તા, બેટા તને મળવું છે.’ કોઈ પણ જાતની ઔપચારિકતા વગર એમણે કહ્યું.
કારણ તો મને ખબર જ હતી. આખરે તેઓ પણ એક ‘મા’ છે. એ એના દુઃખ કોને કહે? ક્યાં ખાલી કરે? મને મારી મમ્મી યાદ આવી ગઈ. મેં આન્ટીને તરત હા પાડી. અમે બીચ પર મળ્યા. આન્ટી મારી સામે જોઈ રહ્યા હતા. એમણે વાતની શરૂઆત કરી.
‘મિરાજ તારા બહુ વખાણ કરતો હતો. લગભગ રોજ ઘરમાં તારી વાતો થાય છે. કાલે મિરાજના સૂઈ ગયા પછી મીત મારી પાસે આવ્યો હતો.’
હું શાંતિથી સાંભળતી હતી.
‘એણે કહ્યું કે મમ્મી, સંયુક્તા આખી બદલાઈ ગઈ છે. કાયમ પરવશ અને લાચાર દેખાતી, નીચું જોઈને બેસી રહેનારી છોકરી આજે આંખોમાં આંખ મિલાવીને બોલી શકે છે. પોતાના દેખાવ પર અફસોસ કરવાને બદલે જાતે જ પોતાની ખામીઓને સ્વીકારીને મુક્ત મને એના પર હસી શકે છે. મિરાજને સમજાવવાની તો આપણે બધાએ ટ્રાય કરી હતી. પણ એની રીત જ કંઈ જુદી છે. મિરાજને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં આપણે જ્યાંથી થાક્યા, ત્યાંથી જ એણે ફ્રેશ શરૂઆત કરી. મિરાજના મૂરઝાયેલા મનની બંધ કળીઓ ફૂલની જેમ એક પછી એક ખૂલવા લાગી છે. એની મહેક અને ચહેક તો આપણે બધાએ ઘરમાં અનુભવીએ જ છીએ ને?’
‘મેં એવું કંઈ નથી કર્યું આન્ટી. મિરાજમાં મને મારો ભૂતકાળ દેખાયો. અને એ પીડાને હું અનુભવી ચૂકેલી છું. એક વિરલ વિભૂતિના આશીર્વાદથી હું નવજીવન પામી છું. એમના માટે કંઈ કરવાનું મારું ગજું નથી. એટલે મારા જેવા બીજા કોઈને મદદરૂપ થઈ શકું તો લાગશે કે હું કંઈક અંશે એમનું ઋણ ચૂકવી શકી છું.’ મારું દિલ ‘દાદા’ની કરુણા માટે ઝૂકી ગયું. આંખોમાં અને દિલમાં ભીનાશ આવી ગઈ.
‘સાવ ભાંગી પડી હોય, એ વ્યક્તિ આજે બીજાનો સહારો બની શકે એ વાત મીતના માન્યામાં જ નથી આવતી.’
‘માન્યામાં તો મારા પણ નથી આવતી.’ મેં મનોમન દાદાનો આભાર માન્યો આ નવું જીવન આપવા માટે.
થોડી ક્ષણો માટે આન્ટીની નજર મારા પરથી હટી. પોતાની સાડીનો છેડો આંગળીઓમાં ફેરવીને મનમાં થોડી ગડમથલ સાથે એમણે વાત કરવાની શરૂઆત કરી.
‘જ્યારથી મિરાજના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો, ત્યારથી ઘરમાં મારી હાલત સેન્ડવિચ જેવી થઈ ગઈ હતી. શરૂઆતમાં એ બહુ અગ્રેસિવ થઈ ગયો હતો. ત્યારે એના પપ્પા એના પર વધારે ના અકળાય એના માટે મારે પૂર આવતા પહેલા પાળ બાંધવી પડે, એવા એલર્ટ રહેવું પડતું હતું. એક છૂપો ભય રહ્યા કરે કે મિરાજ એના પપ્પા સામે કંઈ આડુંઅવળું બોલી ના દે. કારણ કે, ડિસિપ્લિનની બાબતમાં એના પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે. મિરાજમાં આવતા બદલાવને ટીનેજની નિશાની તરીકે લેવાનું મીત મને સમજાવતો. એ કહેતો કે આપણે મિરાજ સાથે ગુસ્સા કે અકળામણથી નહીં પણ પ્રેમથી ડીલિંગ કરવાનું છે. છતાંય, ક્યારેક મિરાજ એટલો બધો ગુસ્સો કરતો કે મારો પોતાનો પણ કંટ્રોલ જતો રહેતો. મારાથી પણ એને ઘણા આકરા શબ્દો કહેવાઈ ગયા છે. એક બાજુ એનું ભણવાનું બગડતું હતું અને બીજી બાજુ એ પોતે.
અચાનક થોડા સમય પછી એના વર્તનમાં મોટો પલટો આવ્યો. એ ઘરમાં સાવ સૂનમૂન રહેવા લાગ્યો. જે મિરાજ પર મને પહેલા ગુસ્સો આવતો એ જ મિરાજ પર ખૂબ દયા આવવા લાગી. એની હાલત જોઈને દિલ બળી જતું હતું. મારા છોકરાને જાણે કોઈની નજર લાગી ગઈ. એના પપ્પા પણ પછી ખૂબ ઢીલા પડી ગયા હતા. એનો પ્રોબ્લેમ શું છે એ જાણવાના અમે અનેક પ્રયત્નો કર્યા, પણ અમારા બધા પ્રયત્નો નકામા ગયા. મીતે પણ એને સમજાવવાની ઘણી ટ્રાય કરી, પણ મિરાજ મીતથી પણ અળગો જ રહેવા લાગ્યો. એની નજીક જવાના દરેક પ્રયાસ સામે એ વધારે સંકોચાવા લાગ્યો. સ્ત્રી બધું સહન કરી શકે પણ પોતાના બાળકનું દુઃખ સહન ના કરી શકે.’
‘તમારી વાત સાચી છે આન્ટી. પણ નિયમ એવો છે કે સહનશક્તિની પરાકાષ્ઠા આવે ત્યારે વ્યક્તિ ધર્મ તરફ વળે. નહીં તો ભગવાનનેય ભૂલાવે એવો આ સંસાર છે.’
‘તારી વાતો તો મોટા માણસો જેવી છે.’
‘હું તો નાની બનીને જ રહેવા માંગતી હતી. પણ આસપાસના લોકોએ મને જલદી મોટી કરી દીધી.’
‘આપણો સમાજ પણ વિચિત્ર છે.’
અલ્કા આન્ટી મારી મમ્મીની ઉંમરના જ હોવાથી મારી સાથે ખૂલીને વાત ના કરી શકે, એનો મને ખ્યાલ હતો. વળી, નાની ઉંમરની વ્યક્તિ પાસેથી મોટી વ્યક્તિ કોઈ સલાહ લે એ કંઈ સહજ ના કહેવાય.
‘મે મારા પેરેન્ટ્સને ઘણા દુઃખ આપ્યા છે. ખાસ કરીને મમ્મીને. શું કરું? મારો બળાપો ઠાલવવા માટેનું સૌથી સહેલું સાધન મમ્મી જ હતી.’ અલ્કા આન્ટીને મારામાં વિશ્વાસ આવે તો જ એ મારી સાથે ઓપનલી વાત કરી શકે. એટલે મેં એમની સામે મારી ભૂલો ખુલ્લી કરવાની શરૂઆત કરી. એક દિવસ...
‘સંયુક્તા, ચલ બેટા તૈયાર થઈ જા. લેટ થાય છે.’ મમ્મીના નજીકના રિલેટિવના મેરેજ હતા.
‘મારે નથી આવવું.’
‘કેમ? આના માટે તો સ્પેશિઅલી તને પપ્પાએ આટલો મોંઘો ડ્રેસ અપાવ્યો છે.’ પલંગ પર ગૂંથાઈને પડેલા ડ્રેસ સામે જોઈને બાએ કહ્યું.
‘નથી પહેરવો મારે આ ડ્રેસ.’
‘શું થયું બેટા? તે જાતે જ આ ડ્રેસ પસંદ કર્યો હતો ને?’
‘એ મારી ભૂલ હતી. મને હતું કે સારા કપડાં પહેરીશ તો હું સારી લાગીશ. પણ હવે મને ખબર પડી ગઈ છે કે હું ગમે તે પહેરીશ તો પણ આ દુનિયામાં મારા જેટલું કદરૂપું બીજું કોઈ નહીં લાગે.’
‘એવું ના બોલીએ બેટા.’ બાએ મારા ખભા પર હાથ મૂકીને શાંતિથી કહ્યું.
મેં બાનો હાથ દૂર હડસેલી દીધો. ડ્રેસ લઈને પગ પછાડતા હું બીજા રૂમમાં ગઈ. બધાને લાગ્યું કે હું તૈયાર થવા જઉ છું. પંદર મિનિટ પછી હું રૂમમાંથી બહાર આવી.
‘બેટા, આટલી બધી ડાર્ક લિપસ્ટિક? અને આ...’ મને જોતા જ મમ્મી એકદમ ડઘાઈ ગઈ.
મેં જાણીજોઈને એકદમ ડાર્ક અને બ્રાઈટ કલર્સના મેકઅપ કર્યા હતા. અત્યારની મોડેલ્સ કરે છે ને એવા જ.
‘કેમ આમાં શું ખરાબી છે? બીજો લોકો કરે તો તમે એના વખાણ કરો છો અને હું કરું તો નથી સારું લાગતું. હેં ને?’ મેં ઘાંટા પાડવાના ચાલુ કરી દીધા.
‘ના, મારા કહેવાનો અર્થ એવો નથી.’
‘તારી બહેનની છોકરીઓ કે બીજી છોકરીઓ સારી તૈયાર થાય તો તું એમને કહે છે કે સરસ લાગે છે.’ મારી અંદરની ઈર્ષા બહાર ફૂટી રહી હતી. મેં પોતાની જાત પ્રત્યેની નફરત ઠાલવવા મમ્મીને હથિયાર બનાવી હતી.
‘અચાનક તને શું થઈ ગયું છે, સંયુક્તા.’
‘બા, તમે તો વચ્ચે બોલશો જ નહીં.’ મેં બાને ત્યાં ને ત્યાં જ બોલતા અટકાવી દીધા.
‘તમે થોડીવાર બહાર જઈને બેસો.’ હું બાનું વધારે અપમાન ના કરી બેસું કે એ માટે મમ્મીએ બાને વિનંતી કરી.
‘ના, અહીંયા જ ઊભા રહો. બહાર નથી જવાનું.’ મેં બાનો હાથ પકડી રાખ્યો.
‘તમે જ કાયમ કહો છો ને કે છોકરીઓએ તો સરસ તૈયાર થવું જોઈએ. તું તો દેખાવડી જ છે. બસ, એક જ વાંધો છે. અને એ પણ પેલી બધી દવાઓથી સારું થઈ જશે.’
‘હા બેટા, પણ ધીરજ તો રાખવી પડે ને.’
‘બે વર્ષ થયા તોય કોઈ રિઝલ્ટ દેખાતું નથી. હજી કેટલી ધીરજ રાખું.’ મારી તોછડાઈ વધતી જતી હતી.
‘સંયુક્તા...’ મમ્મીએ મને અટકાવવાની કોશિશ કરી.
‘બસ મમ્મી, મને બોલવા દે. તમે લોકો કહો છો ને કે હું દેખાવડી જ છું. તો જો મેં આ રેડ લિપસ્ટિક અને ગોલ્ડન આઈ શેડો કર્યા છે. તો પણ મારું રૂપ કેમ ખીલતું નથી?’
મેં હાથની આંગળીઓ જોશથી હોઠ પર ઘસી અને બધી લિપસ્ટિક ચહેરા પર ફેલાવી દીધી. આઈ શેડો અને કાજલ પણ ઘસી નાખ્યા. અને એ હાથ નવા ડ્રેસ પર ઘસી નાખ્યા. મમ્મી અને બા બંન્ને મૌન થઈને મારું ગાંડપણ જોઈ રહ્યા. મમ્મી મારી નજીક આવવા ગઈ પણ મેં હાથ લાંબો કરીને ત્યાં જ ઊભી રાખી દીધી.
‘તમે બધા જતા રહો અહીંથી. મને એકલી છોડી દો.’
એ લોકો ચૂપચાપ રૂમની બહાર ચાલ્યા ગયા. મેં ધડામ કરીને રૂમનો દરવાજો બંધ કરી દીધો. અરીસા સામે જઈને ઊભી રહી. પોતાનો ચહેરો જોઈને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. મમ્મી અને બા બહારથી દરવાજો ખોલવા વિનંતી કરતા રહ્યા. હું અંદર અને તેઓ બહાર. બંને રડી રહ્યા હતા.
અલ્કા આન્ટી એકીટસે મને જોઈ રહ્યા હતા. કદાચ એમને નવાઈ લાગી રહી હતી કે હું કેવી રીતે મારી આવી પાગલપન જેવી વાતો એમની સાથે મુક્તતાથી કરી શકું છું?
‘તમને ખબર છે. આન્ટી. મારી દવાઓ એટલી ભારે હતી કે એની આડઅસરરૂપે મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. મારા હોર્મોન્સમાં ભારે બદલાવ આવી ગયો હતો. શરીરની ગરમી આખરે મગજ અને વાણીમાંથી બહાર નીકળી ને, બીજાને દઝાડીને જ શાંતિ પામતી. મને ગમે ત્યારે ગુસ્સો અને રડવાનું આવી જતું. વગર કારણે ચીસો પાડીને રડવાનું તો કોમન થઈ ગયું હતું. એટલે ઘરમાં કોઈ મને છંછેડતું નહીં. નાની વાતનું મોટું સ્વરૂપ આપવાની મારી ઈચ્છા ના હોય, પણ મારાથી એવું થઈ જતું હતું. ક્યારેક તો હું સાવ પાગલ જેવું જ વર્તન કરતી. આજે પણ મને મારો લાલ, કાળા અને ગોલ્ડન રંગોથી ખરડાયેલો એ ભયાનક ચહેરો યાદ આવે તો હૃદયના ધબકારા વધી જાય છે.’ મેં ઊંડો શ્વાસ લઈને મારી વાતને ત્યાં જ અટકાવી.
મેં અલ્કા આન્ટી સામે નજર કરી. એ સાડીના છેડાથી પોતાની આંખો લૂછી રહ્યા હતા. મેં મારી પાણીની બોટલ એમને આપી. એમણે બે ઘૂંટડા પાણી પીધા અને થોડા સ્વસ્થ થયા. થોડી વાર સુધી અમારા બંને વચ્ચે ચુપકીદી હતી. માત્ર સમુદ્રના મોજાનો અવાજ હતો. અમે બંને દરિયાના મોજાને જોઈ રહ્યા હતા. કોઈ નાના તો કોઈ મોટા મોજા કિનારે આવીને અથડાઈને પાછા વળી રહ્યા હતા.
જીવન પણ દરિયાના મોજા જેવું જ છે ને. જેમ દરિયામાં મોજા આવે ને જાય પણ કિનારો ત્યાંનો ત્યાં જ રહે. એમ આપણા જીવનમાં પણ દુઃખો, તકલીફો, મૂંઝવણોરૂપી મોજા આવે ને જાય. આપણે કિનારાની જેમ સ્થિર રહેવાની જરૂર છે.
‘સંયુક્તા, તું તો રડી લેતી હતી. મિરાજ તો રડતો પણ નહોતો. બસ અંદર ને અંદર ઘૂંટાયા કરતો હતો. અને એના કારણે એ વધારે ને વધારે ડિપ્રેશનમાં જતો ગયો.’ અલ્કા આન્ટી બોલતા બોલતા નીચું જોઈ ગયા.
‘એ જ તો પ્રોબ્લેમ છે આન્ટી. આપણા સમાજના છોકરાને નાનપણથી જ એવું શિખવાડ્યું હોય છે કે તું છોકરો છે. તને રડવાનું ન શોભે. ત્યારથી એ પુરુષ અહંકાર પોતાની ભાવનાઓને અને લાગણીઓને વ્યક્ત કરતા અચકાય છે. છોકરાંઓ રડે નહીં... છોકરાંઓ ઢીલા ના હોય... જેવા ગળથૂથીમાં પિવડાવેલા શબ્દો આખી જિંદગી એમને પોતાની લાગણીઓને વ્યક્ત કરવા જ નથી દેતા. ગૂંગળાઈને, મૂંઝાઈને છોકરો અહંકારરૂપી શસ્ત્ર વડે જ્યારે પોતાના ઈમોશન્સને કચડે છે, ત્યારે તેનું વિકૃત પરિણામ આવીને ઊભું રહે છે. અને એ છે ડિપ્રેશન.’
‘આમાં અમારી ક્યાં ભૂલ થઈ ગઈ એ જ સમજાતું નથી. અમે જે કંઈ એને કહેતા હતા એ એના સારા માટે જ કહેતા હતા. પણ મીત નાનપણથી જ સમજુ છે. જીવનમાં એ હંમેશાં પોતાના સિદ્ધાંતો મુજબ જીવ્યો છે. જ્યારે મિરાજ પાસે જીવનમૂલ્યો જેવી કોઈ વસ્તુ જ નથી. એ તો સંજોગો જે દિશામાં લઈ જાય એને મૂલ્યવાન ગણી એ પ્રમાણે ચાલ્યો છે. પરિણામે પછડાયો છે.
કુટુંબના સંસ્કારોએ એને અમુક મર્યાદામાં બાંધી રાખ્યો હતો. કદાચ આ સંસ્કારો જ એને મોર્ડન રહેવામાં અને જમાના સાથે દોડવામાં આડે આવતા હતા. એની આજુબાજુનું વર્તુળ મોજ, મજા, મસ્તી, મિત્રો, મૂવીઝ, મ્યૂઝિક, મીડિયા અને માન-ઈમ્પ્રેશન... આ બધા ‘મ’થી હંમેશાં ઘેરાયેલું રહેતું. મિરાજને એ આકર્ષતું હતું. પણ આ બધા ‘મ’માં એના લિસ્ટમાં એક વધારાનો ‘મ’ હતો અને એ હતો ‘મર્યાદા’. એના કારણે એ અમુક હદની બહાર ખુલ્લેઆમ નહોતો જઈ શકતો, પણ ધીમે ધીમે બધાથી નજર છુપાવીને એ લક્ષ્મણરેખા ઓળંગવાના એના ફાંફાં શરૂ થયા. પરમ અને નિખિલની કંપનીએ એમાં મોટો ભાગ ભજવ્યો હશે એવું અમને લાગે છે.’
‘એવું કેમ હશે એ તો તમને સમજાઈ ગયું હશે ને?’
‘હા, મારી રોકટોક અને કચકચના કારણે એ મારાથી બધું છુપાવતો થઈ ગયો હતો.’
‘જે એને પ્રેશર લાગતું હતું. આન્ટી, આપણે એટલું સમજવાની જરૂર છે કે આ પશ્ચિમના સંસ્કારોની અસરના કારણે હવેના બાળકો એમની ઉંમર કરતા વહેલા મોટા થઈ ગયા છે. એમને દંડ, શિક્ષા કે દબાણથી પાછા નહીં વાળી શકાય. પ્રેમ જ એક એવી વસ્તુ છે જેનાથી એ બંધાશે.’
‘શું મા-બાપ બાળકોને પ્રેમ નથી કરતા?’
‘કરે છે. પણ એમાં અપેક્ષા પણ હોય છે. સરખામણી પણ હોય છે. અંતે, સમાજ કે સોસાયટીમાં પોતાનો મોભો જળવાઈ રહે એ તો હોય જ છે. અને એના કારણે મા-બાપ છોકરાંઓ પર અજાણતા જે દબાણ કરે છે એ એને ટોર્ચરિંગ લાગે છે.’
‘એટલે...’
‘એટલે એમ કે મીતને તમે એની ઈચ્છા વિરુદ્ધ એલ.એલ.બી. ભણાવો જ છો ને. અંકલ એલ.એલ.બી. બનીને સક્સેસફુલ થયા, એટલે એમના દીકરાએ પણ ફરિજયાત એ જ લાઈન લેવી એવો આગ્રહ યોગ્ય છે?’
આ સાંભળી આન્ટી એકદમ ચૂપ થઈ ગયા.
‘મીત માનસિક રીતે સક્ષમ છે એટલે વાંધો ન આવ્યો. પણ મિરાજને ક્રિકેટમાં કરિઅર બનાવવું હતું અને એ ન કરવા દીધું, ત્યારથી એની પડી ભાંગવાથી શરૂઆત થઈ ગઈ. બસ, પછી તમે કહો છો એમ દેખાદેખી, નબળું મનોબળ, સ્ટ્રેસ, પિઅર પ્રેશર, સેલ્ફ નેગેટિવિટી, સ્પર્ધા... આ બધાએ વાયરસની જેમ એના મનને કોરી ખાધું. અને અત્યારે એની આ હાલત છે.’
આન્ટીથી એક ડૂસકું ભરાઈ ગયું.
‘આન્ટી, હતાશા એ એક અસ્થાયી મનોદશા છે. એ કંઈ ગાંડપણ નથી. ફેમિલીના સપોર્ટથી એમાંથી બહાર નીકળી શકાય એમ છે. ફેમિલીનો સપોર્ટ એટલે એના પર વિશ્વાસ. પ્રેમ અને વિશ્વાસનો ગુણાકાર શું ન કરી શકે?’ મેં હળવેથી મારો હાથ એમના હાથ પર મૂક્યો.
‘પેરેન્ટ્સને એવી ખબર પડે છે કે મારા છોકરાને એક્સ્ટ્રા ટ્યૂશનની જરૂર છે, પણ એને એક્સ્ટ્રા કાઉન્સિલિંગની જરૂર છે, એનો એમને ખ્યાલ નથી આવતો.’
‘મીતે એકવાર કહ્યું હતું કે મિરાજને માનસિક રોગોના ડોક્ટર પાસે લઈ જઈએ. પણ આ વાત સાંભળતા જ મને ધ્રાસકો પડ્યો હતો. મારું મન આ વાત કબૂલવા તૈયાર જ નહોતું.’
‘જરૂર પડે સાઈકાયટ્રિસ્ટ પાસે જવામાં જરાય શરમ કે સંકોચ રાખવા જેવા નથી. લોકો શું વિચારશે એ વિચારમાં ને વિચારમાં આપણી વ્યક્તિને સાચવવામાં ક્યારેક બહુ મોટું થઈ જાય છે. ડિપ્રેશનના ઘણા સ્ટેજ હોય છે. શરૂઆતના સ્ટેજમાં તો માત્ર કાઉન્સિલિંગથી જ પેશન્ટ ઓલરાઈટ થઈ જાય છે. કોઈ દવાની પણ જરૂર નથી હોતી. મિરાજ પણ અત્યારે એવા જ સ્ટેજમાં છે. જેમ શરીરને તાવ આવે એમ મગજને પણ ક્યારેક તાવ ના આવી શકે?’
એમણે એમનો બીજો હાથ મારા હાથ પર મૂકતા, એમને એમની ભૂલ સમજાઈ હોય એમ માથું હલાવ્યું.
‘અમુક ઉંમરે જો ઘરમાંથી પ્રેમ ના મળે તો માણસ બહાર ફાંફાં મારે. અમારા ઘરમાં પણ ઘણા પ્રોબ્લેમ્સ હતા. મેઈન તો મારા કારણે બધા સંબંધો ગૂંચવાયેલા હતા. પણ એ ગૂંચો એક દિવસ ઊકલી ગઈ. મારા પરિવારને જેના થકી જીવતા આવડ્યું છે, એ વિરલ વ્યક્તિના કારણે જ આજે હું તમારી સામે ઊભી છું. મારા બાહ્ય દેખાવમાં ભલે કોઈ ફેરફાર ના હોય પણ મારી સમજણમાં જે ફેરફાર થયો છે એના પડઘારૂપે મારા વાણી-વર્તન અને વ્યવહારમાં અકલ્પ્ય સુધારો થયો છે.’
‘સંયુક્તા, મારે પણ એમને મળવું છે. એમના વિશે વધુ જાણવું છે.’
‘ચોક્કસ આન્ટી. અત્યારે હું એમના માર્ગદર્શન પ્રમાણે જ મિરાજ સાથે વ્યવહાર કરું છું. મને વિશ્વાસ છે, મિરાજ એકદમ નોર્મલ થઈ જશે. પહેલા જેવો જ.’
આ સાંભળી આન્ટીના મોઢા પર ખુશી છવાઈ ગઈ.
‘અંધારું થઈ ગયું છે. આપણે નીકળીએ આન્ટી...’
‘હા. તને મળીને ઘણું સારું લાગ્યું સંયુક્તા. તે ફક્ત મિરાજને જ નહીં, મને પણ સાજી કરી દીધી.’
અને અમે બંને છૂટા પડ્યા.