મારી એક જૂની પોસ્ટ, વિચારવા લાયક. અભિપ્રાય આવકાર્ય
આજે એક ટ્રેન્ડી રિવાજ નો ટોપિક મુકું છું.
સહુને જન્મદિવસ ઉજવવાની હોંશ હોય. પૃથ્વી પર એક વર્ષ વધુ મળ્યું તેમાં કેટલા કમાશું, બચાવશું, કુટુંબ અને મિત્રો માટે કંઇક કરશું વગેરે પ્લાન કરે. કુટુંબ કે મિત્રો પણ હોંશથી એ ઉજવે.
ઉજવણીની રીતો over the years ફરી રહી છે. ચાલો, પચાસ વર્ષ અગાઉ દરેકની આવક મર્યાદિત હતી તો ઘેર કંઇક ભાવતું બનાવી આનંદ પામતા. હવે લોકો ત્રીસેક વર્ષથી રેસ્ટોરાંમાં જઇ ઉજવે છે. પછી સાદાં નહિ, વધુ મોંઘાંમાં જવા લાગ્યા. પછી બેન્કવેટ બુક કરી પાર્ટીઓ. બજેટ વધતું જાય.
ઘણા યુવાનો નજીકનું કોઈ રિસોર્ટ બુક કરી ત્યાં જઈ ઉજવે છે.
હું પોતે ઉજવણીપ્રિય છું. આનંદ બીજા સાથે વહેંચવામાં (પણ પોતાની મર્યાદામાં) માનું છું.
લોકો કેક કાપે, એ પણ સાદી બેકરી ની નહીં, TGB તો સામાન્ય કહેવાય, બીજી વધુ મોંઘી બ્રાન્ડની, ખૂબ આકર્ષક ને નવીનતા ભરી કેક પણ કાપે છે. એમાં પણ જેમ મોંઘી એમ સ્ટેટસ સારું કહેવાય. એટલે બર્થડેમાં કાપવા સામાન્ય કેક ન ચાલે! ટ્રેન્ડ એવો થઈ ગયો છે.
મને કેક તો ભાવે જ, પેસ્ટ્રી પણ સારી હોય તો એટલો જ આનંદ આપે છે.
હવે વાત કરું છું ઉજવણીની. બરાબર રાતે બાર વાગે જ કરવાની? યુવાન પેઢી નોકરી ધંધેથી મોડી આવે તો ભલે જમી પરવારીને દસેક વાગે ઉજવે. રાતના બરાબર બાર સુધી ગમે તેમ કરી જાગી જગાડી, ઘરનાં બાળકો જેમને સવારે વહેલી સ્કૂલ બસ હોય એમને પણ બાર વાગે મીણબત્તીઓ બુઝાવવા ને હેપી બર્થ ડે કરી તાળીઓ પાડી બર્થ ડે હોય એનાં મોં પર, આંખમાં, કાનમાં કેક નો લેપ કરવો(આને ઉજવણી હું નથી ગણતો ) ને એવું બધું પતાવતાં પોણો વાગે, એક વાગે સુવાનું.
દિવસ હિન્દુ પંચાંગ માં સૂર્યોદયથી બદલાય. તો રાતના 12 નો આગ્રહ કેમ? અથવા મેં કહ્યું તેમ બધા પરવારે ત્યારે ઉજવી લેવાને બદલે ફરજિયાત 12 એટલે 12 વાગે જ આ બધું કરવું એ યોગ્ય ઉજવણી મને લાગતી નથી.
અત્યારે 55 - 60 ઉપરના મિત્રોનો શો મત છે? યુવાન પેઢીમાં બધા આમ જ ઉજવે છે? આમ ઉજવીએ તો જ સાચું એમ માને છે?
શું બર્થ ડે હોય એટલે રાતે 1 સુધી જાગવું ફરજિયાત છે? ઘરના બધાં અને મ્યુઝિક મૂકો તો આડોશી પાડોશીએ પણ?
એ ઉપરાંત કદાચ હોસ્ટેલ્સ પૂરતો મર્યાદિત ખૂબ ખોટો રિવાજ - રાતે બાર વાગે જેનો બર્થ ડે હોય એને ઢિકા ધુંબા, ગડદા પાટુ બધા ભેગા થઈને મારે. કેટલાક તો કૂદી કૂદીને મારે. ગમે ત્યાં. એક તો માર ખાવાનો અને પછી બધાને પોતાના જમવા પર સરખો કાપ મૂકી લેવીશ પાર્ટી એ રાતે જ આપવાની.
એ ગડદા પાટુ માં બર્થ ડે બોય મૃત્યુ પામ્યાના પણ ઘણા બનાવો સાંભળ્યા છે. કેટલાક એ વખતે સ્કોર સેટલ કરી લે. પેલો મરી જાય તો રેકટર કે પોલીસ સામે મોં ન ખોલે.
આ બર્થડે સેલિબ્રેશન કેમ કહેવાય?
હું પેલા સંસ્કૃતિરક્ષકો ની જેમ 'બર્થ ડે શબ્દ જ ન વાપરો', ' ફક્ત પૂજા કરીને જ ઉજવો', 'આ હિન્દુ સંસ્કૃતિ નથી' વગેરે નથી કહેતો. ઉજવણી સહુને ગમે પણ કોઈને પણ હેરાનગતિ કરીને થાય એને ઉજવણી કેમ કહેવાય?
આપણે ગમે તે બિઝી જોબમાં હોઈએ, સ્લીપ સાઇકલ 11 આસપાસ તો શરૂ થાય જ છે. એને પરાણે બાર માં એક સેકંડ ઓછી નહીં કરી બાર વાગે જ ફૂંક મારવી ને બધી હો હા માં એક દોઢ વગાડી સૂવું, એ પછી અઢી ત્રણ સુધી બીજાઓના હેપી બર્થડે મેસેજોના જવાબો આપ્યા કરવા, આને જ ઉજવણી કહેવાય?
અને ગડદા પાટુ મારી ઉજવણી કરનારા ને તો ક્રીમીનલ ઓફેન્સ ગણી જેલ, પેલો હોસ્પિટલ ભેગો પણ થયો તો જનમટીપ અને મર્યો તો ઉજવણી કરનાર બધાને કડક સજા, ફાંસી સુદ્ધાં થવી જોઈએ. એ બધાને કાયમ માટે શિક્ષણ માંથી ટર્મીનેટ કરી દેવાનું પ્રાવધાન હોવું જોઈએ.
જન્મદિવસ આનંદપૂર્વક ઉજવણી માટે છે, પરાણે કોઈને ઉજાગરા કરાવવા માટે નહીં અને ઢીકા પાટુ જેવી પ્રવૃત્તિ હરગિજ નહીં.
ગુજરાત પૂરતું બિયર કે દારૂથી પણ નહીં.
મિત્રોની કૉમેન્ટ આવકાર્ય છે.