શું તમે ઈર્ષાળુ છો ???? !!!!!! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તમે ઈર્ષાળુ છો ???? !!!!!!

                       એક બહુ જાણીતો જોક છે કે એક ભાઈ એકવાર નવી કાર લાવ્યા .. ખુશી ખુશીથી બધાને બતાવી .. જાણ કરી ..!!! મોટાભાગના રાજી થાય કે ચાલો વાહ સારું થયું કે તમે હવે ગાડીવાળા થયા .. પણ.. પણ.. પણ.. કોઈક તો એવું નીકળ્યું જ કે જેનું કહેવું હતું કે ‘ ભલે ને નવી ગાડી લાવ્યા .. પણ બહુ ટકશે નહીં જો જો “..” કેમ? ‘ ..’ અલ્યા.. આની ઓછી એવરેજ આવે .. આને ક્યાંથી પોસાવાની ?’ ..!!!! હા હા હા .. પેલા ભાઈએ ગાડી નહીં ટકે એની ધારણામાં આવી કાઈક શક્યતાઓ બતાવી ..!!! અરે તારી ભલી થાય ચમના .. પૈસા એણે ખર્ચ્યા .. ગાડી એને ચલાવવાની .. એવરેજની ઉપાધિ એણે કરવાની છે , ને તું શેનો ઊભો ઊભો ભડભડ બળે છે ..???? લોલઝ .. જોક લાગતી આ આખીએ વાત એકદમ હકીકત છે .. મને ને તમને આ ઈર્ષા નામનો રાક્ષસ ક્યારે વળગી જાય એ ખબર નથી હોતી પણ વળગે છે એ હકીકત છે ..!!!!!

                           અહી કારની જગ્યાએ કાઇ પણ ગોઠવી શકો છો પણ એનાથી વાતનું જે મોરલ છે એ ‘ ઈર્ષા ‘ મા રતીભાર પણ ફરક નથી પડવાનો ..!! લાડી હોય , ગાડી હોય , નોકરી હોય કે ધંધો હોય મને ને તમને બીજાની ઈર્ષા થવાની જ . હવે કોઈ એમ કહે કે આ તો માનવ સ્વભાવ છે તો એમાં પણ હા ,  માણસનો સ્વભાવ છે કે કોઇની સફળતાની .. કોઇની સુખ શાંતિની .....કોઇની પ્રગતિની ઈર્ષા થવાની જ , હવે બને એવું કે આ ઈર્ષા કોઈવાર મીઠી હોય શકે ને કોઈવાર કડવી પણ .  જો કે મોટાભાગની ઈર્ષા કડવી જ રહેવાની .. પૂછો કેમ ? કેમ કે આપણી પાસે નથી એ વસ્તુ કે હોદ્દો કે સંપતિને બીજા પાસે જોઈને ઈર્ષા તો થાય જ ને ? હવે આમાંથી એક પેટા પ્રશ્ન એ ઉદભવે કે ઈર્ષ્યા થવાનું મૂળ કારણ શું ? તો આ અઘરા સવાલનો ઉપર સીધોસાદો જવાબ આપવાની કોશિશ તો કરી પણ શું એ જવાબ વાજબી છે ? શું એ જવાબ સટીક છે ? તો એનો જવાબ છે કે ઉપરનો જવાબ અર્ધસત્ય છે . ઈર્ષા થવાનું સાચું કે મૂળ કારણ એટલે તૃષ્ણા ..!!!! જી હા એક એવી ચાહત કે જે તમારી પાસે નથી એને મેળવવાની ઈચ્છા થાય . હું કેવી રીતે એ વસ્તુ કે પોઝિશન પ્રાપ્ત કરું એની ગડમથલ ..!!! અને એ પ્રાપ્ત થાય પહેલાંની સ્થિતિ એટલે ઈર્ષા ..!!! હાસ્તો , એ વસ્તુ કે સંપતિ કે પોઝિશન મેળવ્યા પછી તો સમકક્ષનો કે પછી કોઇથી એક ડગલું આગળ રહેવાનો રોમાંચ કે ભાવ આવી જવાનો ને ??? એટલે મેળવ્યા પછીની સ્થિતિ એ ઈર્ષા નથી જ કેમકે એ પછી તો સમકક્ષ કે પછી આગળ રહેવાની ગડમથલ ચાલુ થઈ જવાની ..!!!

                             એટલે થાય છે શું કે તમારી પાસે બીજા જેવુ નથી ત્યાં સુધી જ તમે એની ઈર્ષા કરી શકો છો .. એ પછી તો બની શકે કે તમારી બીજા લોકો ઈર્ષા કરી..!!!!! ખેર , આમાં પણ પાછું એક મસ્ત ટ્વીસ્ટ છે ..!!! શું ?? એમાં એવું છે કે ઈર્ષાના પણ બે પ્રકારો છે ..!!! યસ ,એક છે પોઝિટિવ ઈર્ષા અને બીજી છે નેગેટિવ ઈર્ષા ..!!! પોઝિટિવ ઈર્ષા એટલે એક એવી ભાવના કે ફિલિંગ કે જેના વડે તમે કોઈનાથી આગળ જવાની .. કોઈનાથી વધુ કમાવાની કે કોઈનાથી વધુ પ્રગતિ કરવાની એક ગાંઠ બાંધી લો છો અને એવી સ્થિતિમાં જે તે વ્યક્તિ માટેની તમારી ઈર્ષા જ તમારા માટે મોટીવેશનલ બની જાય છે . પેલું કહે છે ને કે ‘ આઇડલ ‘ બસ એવું જ કઈક બની જાય છે જ્યારે તમને કોઈના જેવુ બનવાનું .. કમાવાનું કે કોઈ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરવાનું વળગણ વળગે છે ..!!! બળતરા તો બળતરામા પણ જો તમે કોઇથી આગળ નીકળવા મહેનત કરો છો તો પેલી જાહેરાતની જેમ ‘ યે દાગ અચ્છે હૈ ‘ ની જેમ એ ઈર્ષા સારી છે ..!!! હવે આ પોઝિટીવીટીના ડોઝ પછી સમજાય જ ગયું હશે કે નેગેટિવ ઈર્ષા એટલે શું ? જેના નામમાં જ નકારાત્મકતા છે એવી આ સેકન્ડ નંબરની ઈર્ષામાં કશું જ મેળવવાનું છે નહિ ..!!! જી હા , કોઇની પ્રગતિ જોઈને અંદર અંદર થી ‘ જીયા જલે જાન જલે ‘ જેવી જેની સ્થિતિ હોય એ નેગેટિવ ઈર્ષાનો શિકાર છે એમ સમજી લેવાનું ..!!!!! અમૂકના મોઢે તો બીજાની પ્રગતિના વખાણ ના થાય .. હજુ તો તમે વાક્યો પૂરા કરો એ પહેલા તો એ ઊખળી પડે ..!!!! ‘ કટકી કર્યા વગર આટલો માલ ભેગો જ ના થાય ભાઈ “..’ જો જો ને એક દી જેલમાં ના જાય તો મને કેજો ..”..!!!! આ નેગેટિવિટીની નામરદાઇમા બીજા કોઈને નુકશાન નથી જવાનું પણ આવી નેગેટિવ નજરથી વિચારનારને જ ટોટલ લોસ થવાનો છે ..!!!

                          એટલે વાત એકદમ સાફ છે કે ઈર્ષા તમારા માટે હેલ્થી પણ હોય શકે છે અને અનહેલ્થી પણ ..!!! નક્કી તમારે કરવાનું છે કે કોઇની ઈર્ષા એવી રીતે કરો કે એની પ્રગતિને એક સ્ટાન્ડર્ડ તરીકે સેટ કરીને એ સ્થાનને એચિવ કરવા હાર્ડવર્ક કરો .. મહેનત કરો ..!!! બિલકુલ ફોર્મ્યુલા કાર રેસ કે હોર્સ રેસ જેવુ છે . તમારાથી આગળ છે એ હકીકત છે હવે જો તમારે એનાથી આગળ નીકળવું છે તો એક જ ઉપાય છે . કાર હોય તો હિંમતથી એકસીલેટર આપો અને ઘોડો છે તો મારો એડી ..!!! દોડાવવું એ તમારા હાથમાં છે અને ટાર્ગેટ તો છે જ નજર સામે ..!!! આ છે પોઝિટિવ ઈર્ષા કે જેમાં તમને ફાયદો છે ., પણ ના તો એકસીલેટર આપવું કે ના તો એડી મારવી અને પછી બળતરા કરવી કે આ કેમ રેસ જીતી ગયો તો એમાં નુકશાન તો તમારું જ થયું કે નહીં ? એટલે તો બન્ને પ્રકારની ઈર્ષાના પોતાના રિઝલ્ટ છે . નકારાત્મક ઈર્ષાનાં કેસમાં થાય એવું કે માત્ર ને માત્ર ઈર્ષ્યાની અગ્નીમાં બળીને રાખ થઈ જવાય કે કોઇની સફળતાની યાદોને ઈર્ષામાં ઢાળીને , તેને વાગોળ્યા કરીને તમારી જીંદગીને નકારાત્મક બનાવી દેવી . જ્યારે સકારાત્મક ઈર્ષામાં એક સ્ટાન્ડર્ડ સેટ કરીને પછી એને પ્રાપ્ત કરવા સુધીની એક પોઝિટિવ સફર . 

                        હવે આ પોઝિટિવ – નેગેટીવની સાથે સાથે એક અતિ અગત્યનો સવાલ પણ ઉદભવે છે કે ઈર્ષાનો સામનો કેમ કરવો ? યસ, લોકોના વર્તનથી ખબર તો પડી જ જાય કે સામેવાળો વ્યક્તિ આપણી ઈર્ષા કરે છે પણ ઈર્ષાનો તો કોઈ જવાબ નથી હોતો ને ? એટલે બેટર છે કે આવા ઈર્ષાળુંને આશીર્વાદ આપતા આપતા જવાબ આપવાને બદલે મૌન રહેવું . મૌન એક એવી તાકાત છે કે ઈર્ષાળુંને અંદર ને અંદર બાળવા માટે અમોધ શસ્ત્ર છે . અને માનો કે કોઈ ઈર્ષાળુની સાથે નાછૂટકે દલીલમાં ઊતરવું જ પડે તો એને એવોઇડ કરવી . કોઈ ઈર્ષાળુની સાથે ચર્ચા કે દલીલમાં પડ્યા વગર મૌન રહીને આપણું કામ બોલવા દેવું પડે . બીજો એક ઉપાય એ પણ છે કે જો ઈર્ષાળુ જાણીતો હોય તો એની સાથે સારો વ્યવહાર કરી શકાય કેમકે ઈર્ષા કરવી એ એની માનસિક સ્થિતિ છે અને એમાંથી એને બહાર કાઢવો આપણા માટે શક્ય નથી હોતું એવામાં સારો વ્યવહાર એને એવું વિચારવા મજબૂર કરી શકે છે કે ઈર્ષા ખોટી કરી રહ્યો છું કેમકે આ બધી પ્રગતિનો આ માણસ હકદાર છે . સાઈડ ક્વેશ્ચન એ પણ થાય કે ઈર્ષાળુ બનતા જાતને કેવી રીતે રોકી શકાય ? આમ તો અઘરું છે કેમકે ઈર્ષા આપણી સિસ્ટમમાં ભગવાને બાય ડિફોલ્ટ ફિટ કરેલ છે પણ જો કરવું જ હોય તો કોઇની સરખામણી ના કરીએ .. થોડું જતું કરતાં શીખીએ .. વધુ મહેનતુ બનીએ .. બીજાના નહીં પણ આપણાં પોતાના ગોલ સેટ કરીએ .. કોઇની સફળતાને એપ્રિસિયેટ કરીએ .. વધાવીએ અને એ સ્તરે પહોંચવાની કોશિશ કરીએ .... !! કેમકે ઈર્ષા તમને ક્યાંય ના રહેવા દેતી નથી. તમારી માનસિકતા બગાડે છે તેના બદલે કોઈને સુખી જોઈને .. કોઇની પ્રગતિ જોઈને .. કોઈને આગળ વધતાં જોઈને .... આનંદ, સંતોષ, આભાર કે શુભકામનાઓની લાગણીઓ રાખીને એવા બનવા પ્રયત્નો કરીએ તો સમાજ અને માનવજીવનના આ છુપા દુશ્મન પર વિજય મેળવી શકીએ ..!!  (akurjt@gmail.com )