Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 13 (છેલ્લો ભાગ)

અનોખો પ્રેમ ભાગ 13

" ઓય...પાગલ..! અહીં જીવ જોખમમાં છે અને તને આવી રોમેન્ટિક વાતો સુજે છે..? અહીંથી જીવતા રહીશું તો સાથે જીવશું..! "

" સાચ્ચું..? તું જીવીશ ને મારી સાથે..! મારી જીવન સંગીની બની ને..?" પ્રિતે હરખાઈને કહ્યું.

"હા, પણ પહેલા જીવ બચાવ, પછી સાથે જીવવાની વાત કર.!"

ત્યાં જ ઝોમ્બિનું ટોળું તેઓ તરફ આવ્યું. તેઓથી બચવું ખૂબ મુશ્કેલ હતું. બંને એ આજુબાજુ નજર ફેરવી. એક કાચની બારી હતી. તેની બહાર ગેલેરી જેવી ત્રણ ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેટલી જગ્યા હતી. સુપ્રીતાએ પ્રિતને બારી ખોલી બહાર ધકેલ્યો. તે સમયે તેની નજર બારી પાસે લટકેલ ફાયર સેફટીની બોટલ પર ગઈ. સુપ્રીતાએ પોતાની તરફ આવતા ટોળા સામે કાર્બન ડાયોક્સાઇડ નો ગેસ છોડ્યો, આથી તેઓ થોડા પાછા ધકેલાયા. સુપ્રીતા બારી બહાર આવી બારી બંધ કરી દીધી.

બંનેએ રાહતનો શ્વાસ લીધો. બન્ને એકબીજાને ભેટી પડ્યા. તેઓએ ઉપરથી બૂમ પાડી નીચેથી મદદ માંગી. રેસ્કયુ ટીમ મોટા હાઇડ્રોલિક વાહન દ્વારા તેઓને બચાવવા બારી તરફ આવી રહી હતી. બીજી બાજુ બારી પાછળ ઝોમ્બીનું ટોળું તેઓને ખાવા માટે બારી પર દબાણ કરી રહ્યું હતું. ત્યાં અચાનક સુપ્રીતાને કંઇક અણસાર થયો. તેણે પોતાનો હાથ તેના કાન પર ફેરવ્યો. તે સમજી ગઈ કે પોતે વાઈરસનો શિકાર બની ગઈ છે. પણ તેણે પ્રિતને સહેજ પણ ખબર પડવા ન દીધી.

રેસ્કયુ ટીમ મોટા ઊંચા વાહનમાં ચોથા માળની બારી પાસે આવી. ઉતાવળમાં સુપ્રીતાએ પ્રિતને જબરદસ્તી તે વાહનમાં બેસાડ્યો. પછી પ્રિતે સુપ્રીતા માટે હાથ લંબાવ્યો. સુપ્રીતાએ બંને હાથ સંતાળી પાછળ તરફ ગઈ. અને પોતાના કાનમાંથી આવતું લોહી આંગળી પર લગાવી, પ્રિતને બતાવતા જોર જોરથી રડવા લાગી. રેસ્કયુ ટીમ સમજી ગઈ. આથી તેઓ વાહનને બારીથી દૂર કરવા લાગ્યા.

" સુપ્રીતા...! મારુ બેબી એલીફન્ટ..માય..લવ..પ્લીઝ મને છોડીને ન જા...!" નાના બાળકની જેમ રડતાં રડતા પ્રિતે કહ્યું.

" મારા દીકરાનું ધ્યાન રાખજે..! તેને મા અને બાપ બન્નેનો પ્રેમ આપજે..! આવતા જન્મમાં આપણે જરૂર મળીશું..!" રડતાં રડતાં સુપ્રીતાએ કહ્યું. એવામાં શક્તિશાળી ઝોમ્બીના ટોળાંએ બારી તોડી નાખી અને સુપ્રીતાને તે ટોળું ઘેરી વળ્યું. આ દ્રશ્ય જોઈ પ્રિતે સુપ્રીતાના નામની મોટી બૂમ પાડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

જેને જીવન જીવવાની તીવ્ર ઈચ્છા હતી, મુશ્કેલી સાથે હિંમતથી લડવાની હામ હતી તે સુપ્રીતા મોતને ભેટી અને જેને મોતનો ડર નહોતો, જે દરેક ક્ષણે મોતને ભેટવા તૈયાર હતો તે પ્રિત મોતને હરાવી જીવી ગયો.આ કુદરતનો જ ખેલ હતો.

લોકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર અને આરોગ્ય ડિપાર્ટમેન્ટએ ચારેય માળમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડવામાં આવ્યો અને મોટી આફતને જડમૂળમાંથી ખતમ કરી નાખી.

પ્રિતે સુપ્રીતાના દીકરાને સાચવ્યો અને ઘણા લાડ કોડથી ઉછેર્યો. તેને મા અને બાપ બંનેનો પ્રેમ પણ આપ્યો.

* * * * *

"ધન્ય છે પ્રિત અને તેની અંદર વહેતા પ્રેમ ને..! પ્રિત ન હોત તો સુપ્રીતાનો દીકરો તો અનાથ થઈ જાત..!" અનુએ કહ્યું.

" દીકરા..! પ્રેમનાં ખરાં અર્થને જે સમજે છે તે દેવદાસ બની જિંદગી બગાડતાં નથી..કે નથી જિંદગી ટૂંકાવતા..તેઓ તો તેમના જીવન વ્યવહારથી પ્રેમને અમર બનાવે છે." હસીને પ્રિતેશભાઇએ કહ્યું, પણ તેઓની આંખોના ખૂણામાંથી અશ્રુ ડોકિયું કરવા લાગ્યા હતા.

" તમારી સ્ટોરી પરથી એવું લાગે છે કે પ્રિત બિલકુલ તમારા જેવો જ હશે સ્વભાવે...પાપા..હું તમને પ્રોમિસ આપું છું કે ભલે મને અભ્યર્થના મળે કે ન મળે. મારા દિલમાં તેના પ્રત્યેનો પ્રેમ અમર બનાવીશ અને નિરાશ ન થતા ખુશી ખુશી જીવીશ કોઈ માટે..!" પિતાને ભેટીને અનિરુદ્ધ બોલ્યો.

" સૂપી..I LOVE YOU..! જો..મેં અનુને મા અને બાપ બન્નેનો પ્રેમ આપ્યો છે અને જીવીશ ત્યાં સુધી આપીશ..પણ તું તારી પ્રોમિસ ભૂલતી નહિ..આવતા જન્મમાં તું મારી સાથે જીવીશ ને..!" દીકરાને ભેટતાં ઉપર ટમટમતા તરલાઓને જોઈ પ્રિતેશભાઇ મનમાં જ બબળ્યા અને ભીનાં થયેલા આંખોના ખૂણા ને લૂછી નાંખ્યા.

( આ વાર્તા થકી મારે એ જ કહેવું છે કે પ્રેમ ક્યારેય અધુરો નથી હોતો, બસ પ્રેમી ન મળવાથી માણસ પોતાને અધુરો માની બેસે છે અને હારી ક્યારેક જીવન ટૂંકાવી બેસે છે અથવા તો દેવદાસની જેમ જિંદગી જીવનનું જ ભૂલી જાય છે. આવું ન કરો. જીવન ખૂબ અનમોલ છે. એક વ્યક્તિ માટે આ અનમોલ જિંદગીને બરબાદ ન કરો. પણ કંઇક એવું કરો કે તે પ્રેમ તમારા દિલમાં અને તમારી સાથે જોડાયેલ વ્યક્તિઓના દિલમાં હમેશાં વહેતો રહે. સ્ટોરી ગમે તો તમારા અનમોલ પ્રતિભાવો જરૂરથી આપજો. આપના સૂચનો પણ આવકાર્ય છે.😊🙏)

ખુશ રહો...ખુશહાલ રહો..😊😊

🤗 મૌસમ 🤗